Kalpnik Vaastvikta - 15 books and stories free download online pdf in Gujarati

કાલ્પનિક વાસ્તવિકતા - ૧૫

કાલ્પનિક વાસ્તવિકતા – ૧

ભાર્ગવ પટેલ

નોવેલ વિષે

‘રૂપિયો લોહચુંબક જેવો હોય છે. જે લોખંડ જેવા કાટ ખાઈ જાય એવા હૃદય ધરાવતા લોકોને પોતાની તરફ આકર્ષે છે’ આ વિધાન એક સાર્થક હકીકત ગણી શકાય.

***

“હા બોલ વિશાલ”, અમીએ ઘણા દિવસે આવેલો ભાઈનો ફોન ઉપાડીને તરત કહ્યું, “બહુ દિવસે ફોન કર્યો! શું કરે છે? ઘરે બધા મજામાં?”

“હા! મારા સિવાય બધા મજામાં જ છે! મમ્મી પપ્પા બધાં”, વિશાલે નિસાસો નાખીને કહ્યું.

“કેમ? શું થયું? બધું બરાબર તો છે ને?”

“ના! કશું જ બરાબર નથી!”

“શું થયું એમ તો બોલ!”, અમીએ થોડા ચિંતિત અવાજમાં પૂછ્યું અને સાસુ-સસરા ઘરમાં હોઈ એ ઘરમાંથી બહાર બાલ્કની તરફ ગઈ.

“શેરબજારમાં ગયા અઠવાડિયે મને મોટી ખોટ આવી ગઈ”, આટલી નાની ઉંમરે પણ એ કોઈ મોટા રોકાણકાર જેવી નફા-ખોટની વાતો કરી શકતો હતો.

“હું તને કહેતી જ હતી અને આજે પણ કહું છું કે આ બધું છોડી દે અને ભણવામાં ધ્યાન આપ.તને ખબર છે ને મમ્મી પપ્પા કેટલી મહેનત કરે છે અને તું આમ એમના પૈસા વેડફે છે”, અમીએ લાચાર થઇને કહ્યું.

“હા મને ખબર છે! હું સમજુ જ છું. પણ જો ને આ રીઝલ્ટ મારું! તને લાગે છે કે મને આવા ગ્રેડ સાથે કોઈ સારી નોકરી મળી શકશે? તો પછી પૈસા કમાવવાનો આના સિવાયનો કયો ઓપ્શન છે મારી પાસે?”, વિશાલે પૂછ્યું.

“શોધવા જાઓ તો ભગવાન પણ મળી જાય! નોકરી કે રોજગાર અ મળે એવુ બની જ ન શકે અને તું તો તોય ગ્રેજ્યુએટ કહેવાય! ધીરજ રાખીને શોધ તો મળી જ જશે”,અમીએ સલાહ આપી.

“આજકાલ નેવું ટકા સાથે ગ્રેજ્યુએટ થયેલા લોકો બેરોજગાર ફરે છે અને મારા જેવા ડીટેઈન થયેલાને નોકરી મળતી હશે?”, વિશાલ પોતાની લાચારી અમી સમક્ષ દિલ ખોલીને દર્શાવી રહ્યો હતો.

“હા! તો હું તારી શું મદદ કરી શકું એ બોલ”, અમીએ એક બહેન પોતાના ભાઈ માટે જે કરી શકે તે કરી છૂટવાની વાત કરી.

“તું ઈચ્છે તો મને કાલે જ નોકરી મળી શકે એમ છે!”, વિશાલે કહ્યું.

“એ કેવી રીતે?”, અમીએ પૂછ્યું.

“જીજાજીની ઓફીસમાં”, વિશાલે જે કહેવા માટે ફોન કર્યો હતો એ વાત આખરે કરી.

“પણ ટેકનીકલ ફિલ્ડમાં તું કઈ પોસ્ટ પર કામ કરી શકે?”, અમીએ કહ્યું, “બાકી આ વિચાર તો મને ઘર લેતા પહેલા જ આવ્યો હતો, પણ પછી આ જ વિચારીને સંકેતને વાત ના કહી”

“ફિલ્ડ એમનું ભલે ટેકનીકલ હોય પણ સ્ટોર અને એ બધું સંભાળવા માટે તો હું કામ લાગી જ શકું” વિશાલે કહ્યું, “અને એવું નથી કે હું નોન ટેકનીકલ ભણ્યો છું એટલે મને કશું સમજણ ના પડે! એકાઉન્ટ્સથી લઈને મેનેજમેન્ટ સુધીનું બધું જ કામ મને આવડે જ છે, એ તો તને ખબર જ છે ને?”

“હા એ વાત તો તારી સાચી છે, પણ આ વિષે હું કોઈ નિર્ણય ના લઇ શકું. મારે આ માટે સંકેત સાથે વાત કરવી પડશે. એ જે ડીસીઝન લે એ સ્વીકારવું પડે! હું પ્રયત્ન પૂરો જ કરીશ, પણ હા! પછી તારે મન લગાવીને કામ કરવું પડશે! એની જવાબદારી તું લેતો હોય તો જ હું સંકેતને આ વિષે વાત કરું. આમેય તારું મન ઘણું જ ચંચળ છે એ મને અને તને બંનેને ખબર જ છે”, અમીએ ચોખવટ કરી.

“અરે હું પ્રોમિસ કરું છું કે હું પૂરી નિષ્ઠાથી જ કામ કરીશ. તને કે જીજાજીને ફરિયાદની તક નહિ આપું! બસ મારે હવે આગળ ભણવું નથી. રીઝલ્ટ જે આવે તે, મને કશો ફરક નથી પડતો. મારે બસ કમાવવું છે”

“તારે કમ સે કમ ગ્રેજ્યુએટ તો થવાનું જ છે! આટલે બધે આવીને છોડી થોડું દેવાય? કમાવવાનું તો આખું જીવન રહેવાનું જ છે ને! ગ્રેજ્યુંએશન વધારે મહત્વનું છે”

“હા! એ તો થશે જ! પણ અત્યારથી જ જોબ અને છેલ્લા સેમેસ્ટરની પરીક્ષાની તૈયારી બંને સાથે જ કરીશ! આમેય ઘરે કંટાળા સિવાય બીજું કશું મળતું નથી!”

“હા! હું આ વિષે સંકેતને વાત કરીશ! હમણાં તું મમ્મી-પપ્પા સાથે વાત કરાવ મારી!”

“હા આપું છું ઘરમાં જઈને, એક મિનીટ!, અને હા! પ્લીઝ મમ્મીને પેલી શેરબજારની વાત ના કરીશ, નહિ તો મારો ઊધડો લેશે, પ્લીઝ”

“અરે હા! હું એમને કશું નથી કહેવાની, તું પહેલા ફોન તો આપ!”

“હા આપું છું”, કહીને વિશાલ ઘરમાં ગયો અને કનુભાઈને ફોન આપ્યો, “પપ્પા! બરોડાથી અમીનો ફોન છે”

“હા બોલ બેટા! કેમ છે?”

“બસ શાંતિ છે પપ્પા”

“શું કરે છે સંકેતકુમાર અને તારા સાસુ સસરા?”

“એ બધા મજામાં, મમ્મી ક્યાં છે?”

“આ રહી બાજુમાં”, કહીને કનુભાઈએ સુમિત્રાબેનને ફોન આપ્યો.

“હલ્લો મમ્મી!”

“હા બોલ અમી”

“શું કરે છે?”

“આ બસ જો ને! રોજનું કામ”

“હમ્મ્મ્મ, હું પણ હવે જમવાનું બનાવવાવી તૈયારી જ કરું છું! સંકેત આવતા જ હશે કલાકમાં”

“બરાબર”

“ફરી આવો તો બધા બરોડા, મહિના જેવું થઇ ગયું”

“દીકરીના ઘરે વારેઘડીએ ના અવાય, એના સંસારમાં દખલગીરી ના કરાય બેટા! તેમ છતાં અમારું મન થાય છે ત્યારે આવી જ જઈએ છીએ ને?”

“હા! બરાબર! વાંધો નઈ! ચલ તો મુકું છું ફોન! જય શ્રી ક્રિષ્ના”

“જય શ્રી ક્રિષ્ના”

ફોન મુકીને અમી રસોડા તરફ ગઈ. જમવાનું તૈયાર કરીને સાસુ-સસરા અને અમી, ત્રણેય સંકેતના આવવાની રાહ જોતા હતા. સંકેત આવ્યો અને દરરોજની જેમ આવીને પોતાનું લેપટોપ બેગ, શુઝ, ઘડિયાળ, મોબાઈલ, વોલેટ બધું નિશ્ચિત જગ્યાએ મુક્યું. નાઈટ ડ્રેસ અને રૂમાલ પોતાની જાતે જ અલમારીમાંથી લઈને બાથરૂમમાં ફ્રેશ થવા ગયો. બહાર આવી, પૂજા કરી અને પછી જ જમવા બેસવાનું. આ એનું હંમેશનું સમયપત્રક રહેતું. કોઈ વાર લેટ થાય તો અમીને ફોન કરીને પહેલેથી જ જાણ કરી દેતો જેથી ઘરે કોઈ ખોટી ચિંતા ના કરે.

“તું કેટલો ડીસીપ્લીનમાં રહે છે નહિ?”, એ રાત્રે બેડ પર સંકેતની છાતી પર માથુ મુકીને સુતી અમીએ પૂછ્યું.

“એમાં શું ડીસીપ્લીન? હું તો કોલેજના સમયથી આવો જ છું! તને ક્યાં નથી ખબર?”

“હા મને ખબર છે, પણ બીઝનેસ ચાલુ કર્યા પછી અને એમાં અઢી ત્રણ વરસ જેટલા લાંબા સમય સુધી કામ કરીને એમાં સતત વધારો તો થયો જ છે!”

“અને એનું પરિણામ તારી સામે છે”, સંકેતે એની આંગળીઓના ટેરવા હળવેકથી અમીના ગાલ પર ફેરવ્યા.

“હા એ તો છે જ! ધીમે ધીમે તે જે ધાર્યું હતું એ બધું પૂરું થવા લાગ્યું છે”

“પણ તારા અને મમ્મી પપ્પાના સાથ વગર એ હજીયે અધૂરું હોત”

“અમારો તો ખાલી સાથ હતો! પણ પરસેવાની ખારાશ તો તારી હતી ને?”

“એ બધું છોડ! પુરુષ તરીકે એ મારી ફરજ છે બસ હવે અમુક જ સપના બાકી રહ્યા છે!”

“જેવા કે?”

“જેવા કે ઘરે કોઈ ઘૂંટણભેર ચાલતા શરીરનો કિલકિલાટ અને..”

“અને?”, અમીનો અવાજ મંદ ગતિએ નશો પકડતો હતો.

“અને મારું મોસ્ટ અવેઈટેડ ડ્રીમ, મમ્મી પપ્પાને બાર જ્યોતિર્લીંગ અને ચાર ધામની યાત્રા કરાવવી! એ સપનું આજથી બે વરસ પછી પૂરું થશે જ એવો વિશ્વાસ છે”

“તને મળ્યા પહેલા મને લાગતું હતું કે માત્ર સ્ત્રી જ સહનશક્તિની મૂર્તિ છે, પણ તને મળ્યા પછી એમ લાગે છે કે સાચા અર્થમાં પુરુષ એ પહાડ છે કે જે તૂટીને મૂર્તિ નથી બનવા માગતો”

“ઓહો! શું વ્યાખ્યા આપી છે પુરુષની! જસ્ટ લાઈક અ પ્રોફેશનલ ફિલોસોફર. શીખી ગઈ હો મારી સાથે રહીને”

“તારી સાથે રહીને જીવતા શીખી ગઈ છું, ફિલોસોફી તો બહુ નાની વાત છે બકા!”, અમીએ માદક અવાજમાં કહ્યું.

“આજે બહુ વખાણ થાય છે ને કાંઈ! નક્કી કશુંક કામ છે, હાહાહા”, સંકેતે કહ્યું.

“તને કોઈ કામ કહેવા માટે મારે તારા વખાણ કરવાની ક્યાં જરૂર છે?”

“એ પણ છે! પણ તોય આ તો પત્નીનું એક ટીપીકલ લક્ષણ છે એટલે કહ્યું”

“હમ્મ્મ્મ! એક્ચ્યુલી કામ તો છે જ પણ આ કામ વિષે હું જ થોડી અસમંજસમાં છું”, અમીએ સંકેતની છાતી પરથી માથું લીધું અને એની આંખમાં આંખ પરોવીને કહ્યું.

“ઓહ! તો તો આ કામ દિલચસ્પ હશે એવું લાગે છે”

“દિલચસ્પ એટલે જે તું સમજે છે એમનું કાંઈ નથી, વાત તદ્દન જુદી છે”

“તો તો દિલચસ્પતાની હદ વટી જશે”

“આ વાત વિશાલની છે”

“બોલ ને, જે વાત હોય એ”, સંકેતે નિખાલસતાથી કહ્યું.

“એનો ફોન આવ્યો હતો સાંજે. બહુ જ ખિન્ન અને ઉદાસ હતો. ગ્રેજ્યુએશનમાં એક વરસની ગેપ પડી ઉપરથી શેરબજારમાં હમણાં ખોટ થઇ. એની વાત કરવાની ઢબથી એ કંટાળી ગયો હોય જીવનથી એવું લાગતું હતું”

“શેરબજારના રવાડે ખોટો ચઢ્યો છે એ! શેર-માર્કેટ કોઈનું સગું નથી. મારાથી એને કડક શબ્દોમાં કશું કહેવાય નહિ, બાકી ક્યારનું કહી દીધું હોત!”, સંકેત વિશાલના એક હિતેચ્છુ તરીકે બોલ્યો.

“એને મને એ પૂછવા ફોન કર્યો હતો કે આપણી ઓફીસમાં એને લાયક કોઈ જોબની ગોઠવણ થઇ શકે એમ હોય તો?”, અમીએ અંતે મુખ્ય વાત સંકેતને કહી.

“આપણી ઓફીસમાં? એ જે ભણ્યો છે એને અનુલક્ષીને કોઈ પોસ્ટ છે આપણી ઓફીસમાં તું જ કહે, હા સ્ટોરનું મેનેજમેન્ટ અત્યારે આપણો એકાઉન્ટન્ટ જ કરે છે પણ સ્ટોરની ઇનવર્ડ અને આઉટવર્ડની ભાષા વિશાલના પલ્લે પડશે એ વિષે મને શંકા છે”

“ના! એ કહેતો હતો કે સ્ટોરથી માંડીને મેનેજમેન્ટ સુધીનું બધું જ કામ એ કરી શકશે”

“એવું છે? તને શું લાગે છે?”

“મને એણે વિશ્વાસ અપાવ્યો છે કે જે કામ સોંપાશે એ કામ એ પૂરી નિષ્ઠાથી કરશે”

“પણ..”

“સંબંધ અને બીઝનેસ બંને અલગ જ રહેશે એની બાંહેધરી હું તને આપું છું”

“તું ઈચ્છે છે તો ઠીક છે, કાલે એને બરોડા બોલાવીએ, થોડું ઘણું પૂછીને પોસ્ટ નક્કી કરી લઈશું”

“આઈ લ..”, અમી સંકેતને બાથ ભરવા ગઈ પણ સંકેતે અટકાવી.

“એક મિનીટ!”

“કેમ શું થયું?”

“કન્ફોર્મ કર કે ધંધો અને સંબંધ અલગ જ રહેશે”

“અરે હા બાબા! ખાલી એટલા માટે મને રોકી?”, કહીને અમીએ અધૂરું રહી ગયેલું સ્ટેપ પૂરું કર્યું.

“આઈ લવ યુ સો મચ ડીયર”

“આઈ લવ યુ ટુ હની”

નાઈટ લેમ્પનું ઝાંખું અજવાળું રોજની જેમ એ બંનેના એકત્વનું સાક્ષી બન્યું. ધીમો પણ અચળ ગતિએ ફરતો પંખો અમીના કાળા ભમ્મર વાળ સંકેતની આંખોમાં વારંવાર લાવીને એ મહેફિલમાં જામની ગરજ સારી રહ્યો.

સવાર થઇ. અમીએ બધું કામ પતાવ્યું અને સંકેત માટે ટીફીન તૈયાર કરીને પછી વિશાલને ફોન કર્યો.

“હલ્લો હા બોલ અમી, વાત કરી પછી જીજાજી સાથે?”, ફોન ઉપાડતાવેંત વિશાલે કહ્યું.

“હા! કરી”

“શું કહ્યું એમણે?”

“એમણે તને આજે અહી ઓફિસે બોલાવ્યો છે! પછી નક્કી કરશે કે આગળ શું કરવું”

“થેંક યુ અમી!”

“થેંક યુ નહિ! તારે કામ આપવાનું છે અને એ પણ સંબંધ વચ્ચે લાવ્યા વગર, પ્લીઝ હ! મેં સંકેતને બાંહેધરી આપી છે”

“એવું કઈ નઈ થાય”

“હમ્મ્મ્મ! ઓફીસનું સરનામું તો ખબર જ છે ને, ડાયરેક્ટ ત્યાં જ જતો રહેજે. પછી સંકેતની સાથે જ ઘરે આવજે સાંજે”

“સારું, હું નીકળું જ છું થોડી વારમાં”

“ઓકે”

***

વિશાલ ઓફિસે પહોચ્યો અને સંકેતને મળ્યો. સંકેતે વિશાલમાં બધું જોયું, પારખ્યું અને જાણ્યું કે એ કમ સે કમ સ્ટોર તો સંભાળી જ શકશે. એટલે એણે વિશાલને સ્ટોરનું કામકાજ સંભાળવા માટે નિયુક્ત કર્યો. સાંજે બંને ઘરે પહોચ્યા. જમી-પરવારી સંકેત મુકેશભાઈના રૂમમાં ગયો,

“પપ્પા, એક વાત કહેવી હતી”

“બોલ”, મુકેશભાઈએ પલંગમાં બેસતા બેસતા કહ્યું.

“વિશાલને નોકરીની જરૂર હતી એવી એણે અમીને વાત કરી હતી”, બાજુની ખુરશીમાં બેસીને સંકેતે કહ્યું.

“હમ્મ્મ્મ, તો?”

“તો મેં એને આપણી ઓફીસમાં સ્ટોર મેનેજર તરીકે લીધો છે”

“હા તો સરસ કામ કર્યું બેટા! સંબંધનો સંબંધ અને નોકરીની નોકરી”

“પણ મેં બરાબર કર્યું ને પપ્પા?”

“હા! એમાં શું ખોટું છે?”, અસ્મિતાબેને ઓશિકાને કવર ચઢાવતા ચઢાવતા કહ્યું.

“ના! હું સમજી શકું છું તારી વાત બેટા! પણ તે અમી અને વિશાલ સાથે બધી જ વાત વિગતે કરી જ લીધી હશે”

“હા એ તો કરી જ લીધી છે”

“બસ તો પછી! ચિંતા શું છે! બધું સારું જ થાય”

“હમ્મ્મ્મ! સારું પપ્પા, ચાલો ત્યારે હું જાઉં છું ઊંઘવા માટે”

સંકેત બધા જ વિચારો પડતા મુકીને પોતાના રૂમ તરફ ગયો. વિશાલ ગેસ્ટરૂમમાં હતો અને આવતીકાલથી નવી જોબ શરુ કરવાના ઉત્સાહમાં હતો.

બીજા દિવસે સવારે વિશાલ અને સંકેત સાથે ઓફીસ જવા રવાના થયા. સંકેત એકાઉન્ટન્ટને વિશાલનું કામકાજ બારીકાઇથી ઓબ્ઝર્વ કરવા અને એને જરૂર પડે તો માર્ગદર્શન આપવાનું કહીને સાઈટ પર જવા નીકળી ગયો. વિશાલ નવા કામકાજમાં પોતાનું મન લગાવવા સારી રીતે પ્રયત્ન કરી રહ્યો હતો. પહેલો દિવસ પૂરો થયો. છેલ્લે નીકળતી વખતે વિશાલને અંદેશો ના થાય એ રીતે એકાઉન્ટન્ટને પૂછીને સંકેતે વિશાલના આજના કામનો તાગ મેળવી લીધો. બધું બરાબર હતું.

બીજો દિવસ, ત્રીજો દિવસ એમ એક પછી એક દિવસો જવા લાગ્યા. વિશાલને ઓફીસમાં બધા સાથે ફાવી ગયું હતું અને હવે તે પોતાના કામમાં પણ પાવરધો થતો હતો. ચાર પાંચ મહિના પછી એ કોઈની પણ મદદ વગર એનો બધો ચાર્જ સાંભળી શકતો હતો. સંકેત અને ખાસ કરીને અમી આ વાતથી ખુબ ખુશ હતા. મટીરીયલ રીસીવ થાય ત્યારે ચલન બનાવવું, સ્ટોરમાંથી કોઈ સાઈટ પર મટીરીયલ ટ્રાન્સફર થાય ત્યારે એની રસીદ બનાવવી, એની કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરવી, સ્ટોક મેનેજમેન્ટ કરવું, ફરીથી ઓર્ડર કરવા જેવી યાદી દર મહીને સંકેતને મોકલવી વગેરે જેવા કામમાં હવે વિશાલનો હાથ બેસી ગયો હતો. અઠવાડિયાનું લગભગ ચારથી પાંચ લાખનું મટીરીયલ રીસીવ થતું અને એટલું જ કે એનાથી વધારે મટીરીયલ ઓફીસમાંથી ડીસ્પેચ થતું હતું. વિશાલ આ બધું જોતો હતો. એનું સતત કામમાં પરોવાયેલું મન કોઈ કોઈ વાર રૂપિયાના લોહચુંબક આગળ લોખંડ બનવા પ્રયત્ન કરતુ રહેતું, પણ સંકેત અને અમીના સોના જેવા આદર્શો એને એવું બનતા રોકી દેતા.

એક વાર કોઈ સાઈટ પર વાહનની વિશેષ સગવડ ન થઇ શકવાના લીધે જાતે બાઈક પર મટીરીયલ આપવા જવાનું થયું. એ મટીરીયલ માત્ર એક એક ઈલેક્ટ્રોનિક કંટ્રોલર હતું. વિશાલ બાઈક લઈને એ સાઈટ પર પહોચ્યો. સિક્યોરીટી સાથે વાતચીત કરી અને ચલન પર સહી લઈને મટીરીયલ જેતે જગ્યાએ લઇ ગયો કે જ્યાં એની રાહ જોઇને બધા ઉભા હતા.

“કેમ તમે લોકો ઉભા છો કામ વગર?”, વિશાલે એમાંના એકને પૂછ્યું.

“શું સાહેબ? આ કંટ્રોલર વગર તે કાંઈ મશીન ચાલતું હશે? અને મશીન ના ચાલે તો અમેય ના ચાલીએ, સારું થયું તમે વહેલા લઇ આવ્યા”

“ઓહ! એવું તે શું છે આ નાના કંટ્રોલરમાં?”

“આપણું હૃદય હોય એમ મશીનને કંટ્રોલર હોય, સમજ્યા હવે?, ગમે એટલું મોંઘુ હોય, એ જોઈએ એટલે જોઈએ જ”

“અચ્છા એવું છે?”, આ વાક્ય બોલતા સાથે વિશાલના લોહસમા મનમાં લાલચનો કાટ લાગવાની શરૂઆત થઇ.

(ક્રમશઃ)