Daud - 7 books and stories free download online pdf in Gujarati

દૌડ - 7

નવલકથા- દૌડ

પ્રકરણ-7

બસુએ ધાર્યા કરતાં ફિલ્મ વહેલી પૂરી કરી દીધી. એડીટીંગ, ડબિંગ, સાઉન્ડ રેકોર્ડીંગ જેવી તમામ ટેકનિકલ બાબતો પણ ઝડપભેર પતાવી દીધી. ડિસેમ્બરના ત્રીજા વીકમાં તે ફિલ્મ રિલીઝ કરવા માંગતો હતો જેથી ડીસ્ટ્રીબ્યુટરોને નાતાલ વેકેશનનો લાભ મળે.

દસ ડિસેમ્બર અને શુક્રવારે ફિલ્મ રિલીઝ થઇ. ઓડિયન્સને જકડી રાખે તેવી વાર્તા, બધા જ કલાકારોનું બેસ્ટ પરફોર્મન્સ, પરફેક્ટ એડીટીંગ અને બેસ્ટ સ્ક્રીન-પ્લે, આ બધાને કારણે રાજનની ધારણા સાચી પડી. ફિલ્મ જબરદસ્ત હીટ ગઈ. પહેલાં વીકનું કલેક્શન શાનદાર રહ્યું. ફિલ્મની ભવ્ય સફળતાના માનમાં બસુએ હોટલ ‘સન એન્ડ સેન્ડ’માં ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું, જેમાં તમામ નામી ફિલ્મી હસ્તીઓને આમંત્રણ અપાયું હતું. રાત્રે આઠ વાગ્યાથી બધા મહેમાનો આવવા લાગ્યા. શેફાલીએ ગઈકાલ સુધી જેમને ફક્ત સિનેમાના રૂપેરી પર જ જોયા હતા એ બધા સ્ટાર્સને રૂબરૂ મળવાનો એને મોકો મળ્યો.. સહુ કોઈએ શેફાલીને તેના સુંદર અભિનય બદલ અભિનંદન આપ્યા. શેફાલીને પોતે એક સપનું જોઈ રહી હોય તેવું લાગી રહ્યું હતું.

‘રાજન, ઇટ્સ ગ્રેટ ફિલિંગ યાર, મને આ બધું અદભૂત લાગી રહ્યું છે. આઈ કાન્ટ બિલિવ ધીસ...’ અને પછી એકાએક રાજનનો હાથ પકડી બોલી, ‘ઓલ ક્રેડીટ ગોઝ ટુ યુ..મેની મેની થેન્ક્સ..તે મને સપોર્ટ ન કર્યો હોત તો હું અહીં સુધી પહોચી જ શકી ન હોત..! થેન્ક્સ રાજન’...શેફાલી એકદમ ભાવાવેશમાં આવી ગઈ.

‘નો શેફાલી, મેં કશું જ કર્યું નથી. યુ ડીઝર્વ ઇટ.મે તો ફક્ત યોગ્ય વ્યક્તિને યોગ્ય સ્થળે પહોચાડી છે. અને આ તો ફક્ત શરૂઆત છે. તારે હજુ ઘણી મંઝીલો સર કરવાની છે.’ આજે રાજન પણ ઘણો ખુશ હતો.

એવામાં..

‘હલ્લો મી. વાગલે. હાવ આર યુ?’ એક ખૂબ જ ધનાઢ્ય જેવી દેખાતી વ્યક્તિ બન્ને પાસે આવી અને બોલી. તેના હાથમાં શરાબની પ્યાલી હતી.

‘એકદમ ફાઈન મી. જનાર્દન, તમે કેમ છો?’

‘સરસ, સાંભળ્યું છે કે આ શેફાલી તમારી શોધ છે ! શી ઇઝ ફ્રોમ થીએટર, રાઈટ..?’ રાજને જેણે જનાર્દનના નામથી સંબોધી હતી તે વ્યક્તિએ શેફાલી સાથે હાથ મિલાવવા હાથ આગળ ધર્યો. શેફાલીએ હાથ મિલાવ્યો એટલે જનાર્દન સહેજ શેફાલી તરફ ઝૂકી તેના કાન પાસે મોઢુ લઇ જઈ બોલ્યો, ‘મારી ફિલ્મમાં કામ કરીશ ?’

તેના મ્હોંમાથી આવતી શરાબની તીવ્ર વાસ સહન ન થવાથી શેફાલી એક ડગલું પાછળ હટી ગઈ.

‘અરે હા કહી દે બેબી..,તને પૈસાથી નવડાવી દઈશ. કાલે મારી ઓફિસે આવજે. આ મારું કાર્ડ રાખ.’ કહી શેફાલીના હાથમાં કાર્ડ પકડાવી જનાર્દન... ‘બાય બેબી..બાય વાગલે’ કહી જતો રહ્યો.

‘ફિલ્મી જગતમાં આવા નમૂના બહુ છે શેફાલી..આ જનાર્દને હજુ એક પણ ફિલ્મ બનાવી નથી પરંતુ દરેક પાર્ટીમાં આમંત્રણ વગર પહોંચી, મફતનો દારુ પી અને નવી નવી છોકરીઓને હીરોઈન બનવાની લાલચ આપી, પોતાની વાસના સંતોષવાનું કામ કરે છે. આવા લોકોથી સાવધ રહેવું.’ રાજને શેફાલીને ચેતવી.

‘ના..રે બાબા, એમ કાંઈ હું તને પૂછ્યા વગર કોઈની ફિલ્મમાં કામ કરવાની હા પાડું ખરી ?’ શેફાલીએ રાજનને આશ્વસ્ત કર્યો.

એવામાં બસુએ શેફાલીને બોલાવી અને તેની બાજુમાં ઊભેલી એક ત્રીસેક વરસના દેખાતા યુવાનનો પરિચય કરાવતા કહ્યું. ‘આ છે મી. શેખર...શેખર બ્રિન્દા..બ્રિન્દા ગ્રૂપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને મારા ખાસ મિત્ર. આમ તો એ ફિલ્મ જગતથી હજારો કોશ દૂર રહેનારી વ્યક્તિ છે. પરંતુ મારા આમંત્રણને માન આપી આજે અહીં આવ્યા છે. અહીં એ આ પાર્ટીમાં મારા સિવાય કોઈને ઓળખતા નથી. મારે થોડી થોડી વારે આવતાં દરેક મહેમાનને મળવાનું જવું પડે એટલે એ એકલા બોર થઇ રહ્યા છે. તું એને થોડીવાર કંપની આપીશ.?’

‘ચોક્કસ સર, નો પ્રોબ્લેમ..’ કહી શેફાલીએ બસુને મૂક્ત કર્યો.

બસુ ગયો એટલે શેફાલીએ શેખરની સામે સ્મિત કર્યું ને પછી પૂછ્યું. ‘ડ્રીન્કસ લેશો?’

‘નો થેન્ક્સ’ શેખરે વિવેકપૂર્વક કહ્યું.

‘સમ ડ્રાયફ્રૂટ્સ...?’

‘નો ફોર્માલીટી..મારે કશું નહિ જોઈએ. સિવાય તમારી કંપની..એની વે, તમારી આ પહેલી જ ફિલ્મ છે નહિ?’ એકદમ સહજતાથી તેણે પૂછ્યું.

શેખર સાથેની વાતચિત દરમિયાન શેફાલીએ એક વાતની નોંધ લીધી કે એ બરાબર એજ શાલીનતાપૂર્વક વાત કરી રહ્યો હતો જે કોઈ પણ સજ્જન પુરુષે એક સુંદર સ્ત્રી સાથે વાત કરતી વખતે દાખવવી જોઈએ. તેના વર્તનમાં સ્ત્રી દાક્ષિણ્ય ભારોભાર છલકી રહ્યું હતું. તેનો વાત કરવાનો ટોન ખૂબ જ મૃદુ હતો. જે તેના લૂક કરતાં તદ્દન વિપરીત હતો. શેખર દેખાવે કોઈ ગ્રીક પુરુષ જેવો હતો. ટોલ, ડાર્ક એન્ડ હેન્ડસમ..છ ફૂટની ઊંચાઈ, ઊભા ઓળવેલા વાળ, પાતળા હોઠ વચ્ચે સતત રમતું હળવું સ્મિત. તેના વ્યક્તિત્વમાં સૌથી વધુ કોઈ જો આકર્ષક બાબત હોય તો એ હતી તેની ચૂંબકીય આંખો..એક સંમોહન હતું એમાં.

શેખર સાથે શેફાલીએ લગભગ અડધો કલાક જેવો સમય વિતાવ્યો એ દરમિયાન શેફાલીને ખ્યાલ આવ્યો કે શેખર માત્ર એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જ નથી. એક ઇન્ટેલિજન્ટ પર્સન છે જે મુંબઈની ઝૂંપડપટ્ટીની સમસ્યાથી માંડી અને ઈટાલીની અર્થવ્યવસ્થા સુધી કોઈ પણ વિષય પર ચર્ચા કરી શકે છે.

બસુ ફ્રી થઇ અને આવ્યો એટલે શેફાલીએ શેખરની રજા લીધી. શેખરે પોતાનું કાર્ડ શેફાલીને આપ્યું.

‘તમને મળી બહુ આનંદ થયો. થેન્ક્સ ફોર નાઈસ કંપની. ફરી વાર મળશો તો ગમશે.’

‘ચોક્કસ મળીશું’ કહી શેફાલીએ એક સ્મિત કર્યું અને આગળ વધી. તેણે જોયું તો સામે ખૂણામાં રાજન હિન્દી ફિલ્મોના જાણીતા પ્રોડ્યુસર અને ડાયરેક્ટર રાજરત્નમની સાથે વાતો કરી રહ્યો હતો. શેફાલી તેની પાસે પહોંચી એટલે રાજને શેફાલીનો એમની સાથે પરિચય કરાવ્યો અને કહ્યું, ‘શેફાલી, રાજરત્નમજી એક તદ્દન નવા પ્રોજેક્ટ સાથે કામ કરી રહ્યા છે. મેં એમને તારી વાત કરી છે. તારી આ ફિલ્મની ડી.વી.ડી.ની એક કોપી પણ હું એમને આપું છે. એ તેમાં તારું કામ જોવા માંગે છે. જો એમને ગમશે તો એ આગામી ફિલ્મ માટે તારો કોન્ટેક્ટ કરશે.’

શેફાલીએ એકદમ અહોભાવપૂર્વક રાજરત્નમ સામે જોયું અને પછી તેમની સામે સહેજ ઝૂકી અને બોલી ‘સર, મને તમારી ફિલ્મમાં તક મળશે તો એ મારું સદ્દભાગ્ય ગણાશે.’

રાજરત્નમનું બહુ મોટું નામ હતું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં. સાઉથનો આ ફિલ્મ ડાયરેક્ટર હમેંશા નવી સ્ટોરી પર કામ કરતો. તેની ફિલ્મમાં નાનો રોલ પણ મેળવનાર કલાકારના નશીબ આડેથી પાંદડું ખસી જતું. અપવાદ બાદ કરતાં તેની ફિલ્મો મોટેભાગે સુપર હીટ રહેતી. શેફાલી તેના નામથી અભિભૂત હતી.

‘ક્યાં હતી અત્યાર સુધી?’ રાજરત્નમથી અલગ થતાંવેંત રાજને શેફાલીને પૂછ્યું. જો કે એણે શેફાલીને શેખર સાથે જોઈ હતી.

‘બસુ’દાના એક મિત્ર હતા એમને કંપની આપતી હતી. તું ઓળખે છે એ શેખર બ્રિન્દાને ? બસુ’દા કહેતાં હતા કે એ બહુ મોટા ઉદ્યોગપતિ છે.’ શેફાલીએ સામો પ્રશ્ન કર્યો.

‘નામ સાંભળ્યું હતું. અંગત રીતે નથી ઓળખતો.’

‘મળવા જેવો માણસ છે. હી ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ પર્સન.’

‘તને બહુ ઇન્ટરેસ્ટ પડ્યો એનામાં? એવું તે શું છે તેનામાં?’ રાજનમાં રહેલો પુરુષ સહજ અહંકાર જાગી ગયો. શેફાલીને આશ્ચર્ય થયું રાજનનું એ વાક્ય સાંભળીને. તેના રાજન સાથેના આટલા વખતના સંબંધોમાં આવું કદાચ પહેલી વખત જ બની રહ્યું હતું. એક પુરુષ એક સ્ત્રીના મુખેથી કદી બીજા પુરુષના વખાણ સાંભળી શકતો નથી, ખાસ કરીને ત્યારે, જયારે એ સ્ત્રીને પોતે ચાહતો હોય. તો શું રાજન પોતાને....? પણ તેની સાથેના આટલા વખતના સંબંધમાં એવું તો કદી અનુભવાયું નથી ! આ કદાચ મારી કલ્પના હશે. પરંતુ રાજનના અવાજમાં અને આંખોમાં શેખર પ્રત્યેની ઈર્ષા સ્પષ્ટ છલકાતી હતી !!!

મનમાં જાગેલી દ્વિધાનું શમન કરવા શેફાલીએ વાતને મજાકનું રૂપ આપવાનું નક્કી કર્યું.

‘શું નથી તેનામાં યાર....? કોઈ પણ સ્ત્રી તેની સાથે પંદર મિનિટ વાત કરે તો પણ તેના વાણી-વર્તનથી એટ્રેક થયા વગર રહી ના શકે..મેં તો અડધો કલાક વાત કરી. બહુ જ મજા આવી એની સાથે.’ બોલતી વખતે શેફાલીએ રાજનના ચહેરા પર બદલાતા ભાવોને ધ્યાનથી નીરખ્યા. રાજનનો ચહેરો થોડો મ્લાન થઇ ગયો પરંતુ બીજી જ પળે એણે ચહેરા પર એક મુખવટો ધારણ કરી લીધો.

‘વેલ, છોડ એ બધું...ચાલ, આઈસક્રીમ ખાઈએ..તું અહીં રહેજે, હું તારા માટે લઇ આવું’ કહી રાજન સામે છેડે આઈસક્રીમ કાઉન્ટર પર ગયો. એવામાં તેના મોબાઈલમાં કોલ આવ્યો. કોલ દુબઈથી ધ્યેયનો હતો. બરાબર એ જ વખતે સામેના ફ્લોર પર કપલ ડાન્સ કરવા માટે એનાઉન્સમેન્ટ થયું અને તુરંત મ્યુઝિક ચાલુ થયું. આ બધી ધમાલને કારણે સામે છેડેથી ધ્યેય શું બોલતો હતો એ રાજનને ચોખ્ખું સંભળાતું નહોતું એટલે તે હોલની બહાર નીકળ્યો.

‘રાજન, પપ્પાને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. એમને અલ-મકતુમ હોસ્પિટલમાં એડમીટ કર્યા છે. મમ્મી તને બહુ યાદ કરે છે. તું કાલે સવારની ફલાઈટ પકડી દુબઈ આવી જા’ સામેથી ધ્યેયનો ચિંતાતુર અવાજ આવ્યો.

‘હું અહીંથી જેમ બને તેમ વહેલો આવું છું. તમે લોકો જમનાદાસ અંકલને બેસ્ટ સારવાર મળે તે જોજો. અને હા શિખાને કહજે કે તે આન્ટીની સાથે જ રહે.’ ફોન કટ કરી, પાર્ટી છોડીને જતા પહેલાં એ શેફાલીને આ બધું કહેવા હોલમાં પાછો ફર્યો. શેફાલી ત્યાં નહોતી જ્યાં એ તેને ઊભવાનું કહીને ગયો હતો. તેણે ઝડપથી નજર આખા હોલમાં ફેરવી. અચાનક તેનું ધ્યાન ડાન્સ ફ્લોર પર ગયું અને તે જોતો જ રહી ગયો. શેફાલી શેખરની બાંહોમાં બાંહ પરોવી ડાન્સ કરી રહી હતી.

(ક્રમશ:)