Niyati - 6 books and stories free download online pdf in Gujarati

નિયતિ-6

પ્રસ્તાવના

‘સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય’

શું ખરેખર તમને એવું લાગે છે કે પરસેવે નહાવાથી સિદ્ધિ મળે છે? જો પરસેવે નહાવાથી જ સિદ્ધિ મળતી હોત તો, કાળી મજુરી કરનારો મજુર આજે દુનિયાનો સૌથી અમીર આદમી હોત. સૌથી વધારે મહેનત કરનાર આજે સૌથી ઓછું કમાય છે, જયારે સૌથી ઓછી મહેનત કરનાર, ક્યારેય પરસેવો ના પાડનાર સૌથી વધુ કમાય છે. આનું કારણ શું છે કે તેઓ બુદ્ધિશાળી છે? જો બુદ્ધિની જ વાત હોત તો બુદ્ધિશાળી વ્યક્તિઓ અમીર હોત. તેને બદલે અત્યારે મોટા વૈજ્ઞાનિકો અને એન્જીનીયરો બીજાને માટે કામ કરે છે. માનો યા ના માનો પણ આનું કારણ છે તેમની નિયતિ(ભાગ્ય). તેમનું કિસ્મત એવું હશે જે તેમને અમીર બનાવે છે.

જીંદગી કિસ્મત સે ચલતી હૈ દોસ્તો....
અગર દિમાગ સે ચલતી હોતી તો અકબર કી જગહ બિરબલ બાદશાહ ના હોતા ?

આ સ્ટોરી એક સ્ત્રીની છે જે નિયતિની દુશ્મન છે. તેનું ભાગ્ય ક્યારેય તેને સાથ આપતું નથી. જયારે જયારે તેને એવું લાગે છે કે હવે તે ખુશ છે તરત જ તેના જીવનમાં દુઃખો છવાઈ જાય છે. તે પોતાના દુઃખો દુર કરવા ઘણી મથામણો કરે છે, પણ નિયતિને તે પસંદ નથી. તે પલટવાર કરે છે.

આ સ્ટોરી મે મારા જીવનમાં બનેલા અમુક સાચા પ્રસંગોમાંથી પ્રેરણા લઈને લખી છે. તેમાં થોડી ફિલોસોફી પણ છે. અંત સુધી વાંચશો તો તે તમને જરૂર હચમચાવી મુકાશે.

નિયતિ-6

(વીતેલી ક્ષણો: સંધ્યાને જયારે ખબર પડે છે કે તેના પોતાના પિતાએ પૈસા માટે પોતાને બીજા પાસે મોકલી ત્યારે તે ઘર છોડી આંનદ સાથે રહેવા લાગે છે. આંનદના પિતાએ બનાવેલો બ્રિજ પડી જતા તેમને જેલ થાય છે અને તેમની બધી સંપતિ જપ્ત થઇ જાય છે. આંનદ અને સંધ્યા હવે ભાડાના મકાનમાં સામાન્ય માણસોની જેમ રહે છે. પણ તેમને પોતાના જુના દિવસોની બહુ યાદ આવે છે. એક દિવસ તેમની જૂની મિત્ર સેન્ડી સંધ્યાને પોતાના લગ્નની કંકોત્રી આપવા આવે છે, પણ તે સંધ્યાના ઘરમાં આવતી નથી. તેથી સંધ્યાને બહુ દુઃખ થાય છે. તે લગ્નમાં ન જવાનું નક્કી કરે છે, પણ આંનદ તેને લગ્નમાં જવા મનાવી લે છે. લગ્નમાં જવા તૈયાર થવા માટે સંધ્યા આનદ પાસેથી પૈસા લે છે. પણ પહેરવા માટે ઘરેણા ન હોવાથી તે સેન્ડી પાસેથી એક હાર એક દિવસ પુરતો ઉધાર લાવે છે. સંધ્યા બ્યુટીપાર્લરમાં તૈયાર થતા હવે ખુબ સુંદર લાગે છે.)

હવે આગળ...

બંને પતિ પત્ની તૈયાર થઈને લગ્નના સ્થળે ગયા. ત્યાં કારોનો મોટો કાફલો હતો. લગ્ન સ્થળને સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો. પ્રવેશદ્વારની બંને બાજુ હાથી કળશ ઢોળતા હોય તેવા પુતળા મુકવામાં આવ્યા હતા. પ્રવેશદ્વાર આગળ સુંદર ફુવારો હતો. અંદર જવાના રસ્તે લાલ જાજમ પથારી હતી. લોકો રસ્તામાં ઉભા રહી મહેમાનોને આવકારતા હતા. અંદર આખી જગ્યા રોશનીથી શણગારવામાં આવી હતી. આખી જગ્યામાં ઠેર ઠેર ગુલાબો અને વિવિધ ફૂલો લગાવેલા હતા, જે વાતાવરણને સુગંધી બનાવતા હતા. અંદર ગયા ત્યાં ખુરશીઓ ગોઠવેલી હતી. આગળ મોટું સ્ટેજ તૈયાર કરેલું હતું. સ્ટેજ પર પોસ્ટરમાં લખેલું હતું ‘સ્વાગત છે વિચારોના વૃંદાવનમાં’ વક્તાનું નામ લખેલું હતું: વિનોદ મિસ્ત્રી. તેમનો મોટો ફોટો લગાવેલ હતો. નીચે લખેલું હતું ’૨૧મી સદીના મહાન ફિલોસોફર.’ આ બધું જોતા જોતા તેઓ ખુરશી પર જઈને બેઠા. ધીમે ધીમે લોકો આવતા ગયા. થોડા સમયમાં વક્તા આવી પહોચ્યા. વિનોદ એ જાણીતો ફિલોસોફર હતો. તેણે પોતાનું ગ્રેજ્યુએશન ઓક્ષફડ યુનિવર્સીટીમાં કર્યું હતું. ઇન્ડિયન હિસ્ટ્રી વિશે તેમણે ઊંડી ખોજ કરી હતી. ભારતીય સંસ્કૃતિ અને વેદો વિશે તેમના પુસ્તકો પણ પ્રકાશિત થયા હતા. હમણાં તેઓ ઇન્ડિયન આર્કીયોલોજીસ્ટ સાથે કામ કરી રહ્યા હતા. તેમનું ફૂલો અને શાલ આપી સ્વાગત કરવામાં આવ્યું. વક્તાનો થોડો પરિચય આપવામાં આવ્યો. પછી વક્તવ્ય શરૂ થયું.

વિનોદે કાર્યક્રમ શરૂવાત કરતા પ્રશ્ન પૂછ્યો. "આ દુનિયામાં સૌથી મોટું સુખ કયું?" કોઈએ કહ્યું પૈસા વડે દુનિયા ફરી શકાય છે. દરેક વસ્તુ ખરીદી શકાય છે. તેથી પૈસો એજ સૌથી મોટું સુખ છે. બીજાએ તેનો વિરોધ કરતા કહ્યું વિદ્યા વડે પૈસા કમાઈ શકાય છે, તેથી વિધા હોવી એ સૌથી મોટું સુખ છે. બીજાએ કહ્યું 'પહેલું સુખ તે જાતે નર્યા'. જો તમારી ગમે તેટલા પાસે પૈસા હોય અને વિધા હોય પણ તે વાપરવા માટે સ્વસ્થ શરીર જ ન હોય તો તે કઈ કામનું નથી. ગમે તેટલો પૈસો હોવા છતાં શરીર ખરીદી શકાતું નથી. ઘણા પૈસાવાળાઓને રાત્રે ઊંઘ નથી આવતી. તેથી સ્વસ્થ શરીર જ સૌથી મોટું સુખ છે. તો વળી બીજાએ કહ્યું જો તમારી પાસે સારી વિદ્યા છે, સારો પૈસો છે, અને સારું સ્વાથ્ય છે પણ સંતોષ નથી તો બધું નકામું છે. જે માણસ સંતોષી નથી હોતો તેની પાસે બધું હોવા છતાં તે તેને માણી શકતો નથી. તે હંમેશા વધારે મેળવવવાની લાલસામાં જ રહે છે જયારે સંતોષી માણસ પાસે કઈ ન હોવા છતાં તે આરામથી જિંદગી જીવી છે. તેથી સંતોષી નર જ સદા સુખી હોય છે. બધા સાચી વાત છે, સાચી વાત છે કહી તાળીઓ પાડવા લાગ્યા. પછી વિનોદે કહ્યું "તમારી વાત અમુક અંશે સાચી છે, પણ સાવ સાચી નથી. મારા મતે તો અજ્ઞાન સૌથી મોટું સુખ છે, જ્ઞાન નહીં. હા તમે સાચું સાંભળ્યું. મેં અજ્ઞાન કહ્યું. સાચું નથી લાગતું ને. જો હું સમજાવું છું. માની લો કે તમે કોઈ સારા કપડાં ખરીદો છો. તમને તે બહુ ગમે છે. તમે તેના માટે 500 રૂપિયા આપો છો. હવે તે કપડાં હોંશે હોંશે પહેરો છો. તમે તેનાથી બહુ ખુશ છો. હવે તમને આવીને કોઈ સાચી વાત જણાવે કે તમને દુકાનદારે છેતર્યા છે. આ જ કપડાં બીજી દુકાને માત્ર 100 રૂપિયામાં મળે છે. શું હવે તમે ખુશ થશો? શું આ જ્ઞાન મળવાથી તમને આંનદ થશે? કપડાં તો હજી એ જ છે. કલર પણ તમને મનગમતો છે.પણ જે કપડાં પહેરીને પહેલા તમે ખુશ થતા હતા, હવે એ જ કપડાં પહેરતા તમને દુઃખ થશે. જ્યાં સુધી તમે કપડાંની સાચી કિંમત વિશે અજ્ઞાન હતા ત્યાં સુધી ખુશ હતા, પણ સાચી કિંમત ખબર પડતા જ દુઃખી થયા. અહીં પરિસ્થિતિ બદલાતી નથી, માત્ર જ્ઞાનમાં વધારો થતા જ દુઃખ થાય છે. આવી જ રીતે માની લો તમને કોઈ વીંટી મળે છે. તમે તેને સાચી સોનાની માની પહેરો છો અને ખુશ છો. પણ જયારે તમને ખબર પડશે કે તે ખોટી છે ત્યારે તમે ખુશ નહિ થાવ. અહીં જે વીંટી પહેલા તમને આંનદ આપતી હતી તે જ હવે તમને દુઃખ આપે છે. જિંદગીમાં બધે જ આવું થાય છે. જયારે તમને કોઈ ઠપકો આપે કે તમારા વિશે ખરાબ બોલે ત્યારે તમને ખબર જ ના પડે કે તે તમને ઠપકો આપે છે તો તમને દુઃખ થવાનું જ નથી. એટલે જ તો ગાંડો માણસ સૌથી સુખી છે. તે કોઈ પણ નકામી વસ્તુને મેળવીને પણ ખુશ રહે છે. તેની પર આજુબાજુની દુનિયાની કોઈ અસર થતી જ નથી. તે તો પોતાની દુનિયામાં જ મસ્ત છે. એટલે જ જે વાતો આપણને દુઃખી કરે છે, તે વાતોથી તે દુઃખી થતો નથી. આમ અજ્ઞાન જ સૌથી મોટું સુખ છે.

લોકોમાં સન્નાટો છવાઈ ગયો. ત્યાં સંધ્યાએ માઇક હાથમાં લઇ બોલવાનું ચાલુ કર્યું.

સંધ્યા: હું આ વાતને નથી માનતી. મને નથી લાગતું કે અજ્ઞાન એ સુખ કહેવાય. મને લાગે છે કે અજ્ઞાન કરતા જ્ઞાન વડે વધારે સુખ મળે છે. તમે જે અત્યારે વાત કરી કે કપડાનીની સાચી કિંમત જાણવાથી દુઃખ થાય છે પણ આપણને જો પહેલેથી જ ખબર હોય કે સાડીની કિંમત માત્ર 100 રૂપિયા જ છે તો આપણે તેની વધારે કિંમત નહિ ચુકવીએ. જેથી આપણને ૪૦૦ રૂપિયાનો ફાયદો થશે. આ બચેલા પૈસા આપણે બીજે ગમે ત્યાં વાપરી શકિએ. આમ આપણને કપડા મળવાની ખુશી તો મળશે જ પણ સાથે સાથે આપણી બીજી ઇચ્છાઓ પણ પૂરી થશે. આમ જો આપણને પહેલીથી જ ખબર હોય તો તે આપણને દુઃખ નહિ પણ સુખ આપે છે.

વિનોદ: એ વાત સાચી પણ સંપૂર્ણપણે નહિ. તું જે વાત કરે છે તે હકીકત જ્ઞાનની નહિ પણ સમયની છે. જ્ઞાન વડે સુખ મળવું એ સમય પર આધારિત છે. જો તને પહેલાથી જ ખબર હોય તો તે તને જરૂર આંનદ આપશે, પણ હંમેશા એવું થતું નથી. હંમેશા તને દરેક વસ્તુની પહેલીથી જ ખબર હોતી નથી. માની લે કે તને કપડાની કિંમતની ખબર છે પણ બીજી ઘણી એવી વસ્તુ હશે જેની તને ખબર નહિ હોય. આવી વસ્તુ ખરીદતા તું જરૂર છેતરાઈશ અને જયારે તને ખબર પડશે ત્યારે તને જરૂર દુઃખ થશે. આમ તને આજે નહિ તો કાલે, આવા કડવા અનુભવો તો થશે જ. જ્ઞાન એ આવા ખરાબ અનુભવોથી જ મળે છે. કહેવાય છે ને કે ‘અક્કલ બદામ ખાવાથી નહિ ઠોકર ખાવાથી આવે છે.’ આવા સંજોગોમાં અજ્ઞાન જ મોટું સુખ છે. જો હું તને બીજુ ઉદાહરણ આપી સમજાવું છું. જયારે બાળક એકદમ નાનું એટલે કે 3 કે 6 મહિનાનું હોય ત્યારે તેને અંધારાની બીક લાગતી નથી. તે ગમે તેવા અંધારામાં સુઈ રહે છે પણ જયારે તે ત્રણ વર્ષનું થાય અને સમજવા શીખે ત્યારે તે અંધારાથી ખુબ બીએ છે. અંધારામાં એકલો જતો નથી. અહી સંજોગો તો સરખા જ છે. બાળક પણ એ છે અને અંધારું પણ એ જ છે. બદલાયો માત્ર સમય છે. આ સમયમાં તેના જ્ઞાનમાં વધારો થયો છે, જે તેને દુખી કરે છે.

સંધ્યા: તમે જે વાત કરો છે તે જ્ઞાન નહિ પણ અજ્ઞાન છે. બાળક ડરે છે કારણકે તેને સાચી વાતની ખબર નથી. જયારે એ જ બાળક મોટું થાય ત્યારે તે અંધારાથી નથી ડરતો કારણકે તેને હવે સાચી વાતની ખબર છે. તેને ખબર છે આમાં ડરવા જેવું કઈ જ નથી. જો તમે તેને પહેલેથી જ સાચી વાત સમજાવશો તો તે પહેલીથી જ નહિ ડરે. આમ જ્ઞાન નહિ પણ ખોટું જ્ઞાન દુઃખ આપે છે.

વિનોદ: તે પાછી એ જ સમયની વાત કરી. મે તને પહેલા જ કહ્યું કે દરેક વસ્તુનું જ્ઞાન આપણને પહેલથી જ હોતું નથી. જ્ઞાન એ અનુભવો અને સમય સાથે મળે છે. અંધારાથી ન ડરવા માટે બાળકનું મોટું થવું જરૂરી છે. અને જ્યાં સુધી તે મોટું નહિ થાય ત્યાં સુધી તો તે અંધારાથી ડરશે જ. મોટા થવા માટે તેને એ ડરમાંથી પસાર થવું જ પડશે.

સંધ્યા: મને લાગે છે કે તમે સુખની વ્યાખ્યા જ ખોટી કરો છો. માત્ર દુખના અભાવને જ સુખ ન કહી શકાય.

વિનોદ: તો પછી કોને સુખ કહેવાય? કોઈ માણસ એમ કહે કે મારે કઈ જ દુઃખ નહિ તો તે સુખી જ છે. જેમ અંધારું એ બીજું કઈ નહિ પણ પ્રકાશની ગેરહાજરી છે. પ્રકાશ આવતા જેમ અંધારું દુર થાય છે તેમ દુઃખ દુર થતા સુખ મળે છે.

સંધ્યા: હું આ વાત સાથે સંમત નથી. માની લો કે બે માણસો રસ્તા પર જાય છે, તેમાંથી એક માણસ પગે અપંગ છે. તે બંને આગળ જતા ખાડામાં પડી જાય છે. હવે જે માણસ સાજો છે તે દર્દને કારણે ચીસો નાખે છે જયારે બીજો માણસ જેના બંને પગ ખોટા છે તેને પગમાં કઈ અનુભવ જ નથી થતો. તેથી તેને દર્દ જ નથી થતું. તો શું તે વધારે સુખી કહેવાય? અહી પણ તેને દુઃખ નથી તો શું તે પહેલા પગવાળા માણસ કરતા સુખી છે? પગ ન હોવાથી દર્દ ન થવું એ સુખ ન કહેવાય. પગવાળા માણસને થતું દુઃખ એ પગ ન હોવાથી ન થતા દુઃખ કરતા વધારે સારું છે. તે જ રીતે જ્ઞાનને કારણે થતું દુઃખ એ, અજ્ઞાનને કારણે ન થતા દુઃખ કરતા વધારે સારું છે. આમ માત્ર દુખના અભાવને સુખ ન કહી શકાય. જ્ઞાની માણસ જે ખુશીઓ માણી શકે છે તે અજ્ઞાની માણસ નથી માણી શકતો કારણકે તેને તેની ખબર જ નથી. તમે પાગલને સંસારનો સૌથી સુખી માણસ કહો છે કારણકે તેના પર દુનિયાની ખરાબ વાતોની અસર નથી થતી, તેમ તેના પર સારી વાતોની પણ અસર નથી થતી. તે આપણી જેમ છૂટથી હરી ફરી નથી શકતો કે મન ફાવે તે ખાઈ પી નથી શકતો. તેને જો સાચી સોનાની વીટી મળશે તો ખુશ નહિ કારણકે તેને સોનાની સાચી કિંમત ખબર જ નથી. તે આપણી જેમ પ્રકૃતિના સૌંદર્યને પણ માણી નથી શકતો કારણકે તેના માટે તો બધું એકસમાન જ છે. તેની દુનિયાની સારી વસ્તુઓ ખુશી નથી આપી શકતી. માત્ર પ્રકાશ વડે અંધકાર દુર થવો તે ખુશી નથી. વધારે પ્રકાશ પણ આંખોને આંજી નાખે છે. આમ સુખી થવા માટે માત્ર દુઃખનો અભાવ જ નહિ પણ બીજું ઘણું બધું જરૂરી છે. અને સંતોષ પણ સૌથી મોટું સુખ નથી કારણકે સંતોષથી શાંતિ મળે છે, પ્રગતિ નહિ. સંતોષી માણસ જીંદગીમાં બહુ નથી આગળ વધી શકતો કારણકે તેને જેટલું મળે છે તેનાથી સંતોષ મને છે. તે વધારે મેળવવાનો પ્રયત્ન નથી કરતો.

વિનોદ: તું જે જ્ઞાનની વાત કરે છે, તે બધાને નથી મળતું. જેના નસીબમાં હોય તેને મળે છે. ગાંડો માણસ કઈ સમજતો નથી કારણકે તેના નસીબમાં તે નથી. જ્ઞાન હોવું એ એક નસીબ છે, જે સૌથી શક્તિશાળી છે.

(નસીબ સૌથી શક્તિશાળી છે? કઈ રીતે? આ બધી વાતો વિનોદ હવે આગળના ભાગમાં સમજાવશે. પણ શું સંધ્યા તેને માનશે? વિનોદ સાથે થયેલો આ દરેક સંવાદ સંધ્યાના જીવનમાં બહુ ગાઢ રીતે સંકળાયેલો છે. સંધ્યા અત્યારે તો વિનોદની કોઈ વાત માનવા તૈયાર નથી પણ આગળ જતા તેને આ બધું સમજાશે. આ બધી વાતો સંધ્યાના જીવનમાં કઈ રીતે આકાર લેશે તે જાણવા નિયમિત વાચતા રહો અને ખુશ રહો.)