Tamara vina - 19 books and stories free download online pdf in Gujarati

તમારા વિના - 19

પ્રકરણ - ૧૯

‘હું વિચારું છું કે થોડાક દિવસ દીપકના ઘરે જઈ આવું.’ શ્વેતાએ ચા-નાસ્તો પતાવી લીધા પછી કાન્તાબેને કહ્યું.

‘ક્યારે જવાની છે?’ શ્વેતાએ પૂછ્યું.

‘સવારે જ કાશ્મીરા સાથે ફોન પર વાત થઈ. તે સાંજે જ મને લેવા આવવાની છે.’ પોતે જ કાશ્મીરાને ફોન કર્યો હતો એવું કહેવાનું કાન્તાબેને ઇરાદાપૂર્વક ટાળ્યું.

‘આજે જ? કેમ અચાનક?’ શ્વેતાનાં ભવાં ચડી ગયાં.

‘અરે, તેમને ઇચ્છા થઈ છે તો જઈ આવવા દેને! જઈ આવો તમતમારે.’ નીતિનકુમારે ઔદાર્ય દાખવતા હોય એમ કહ્યું.

‘પણ અમે લોકો અહીં તારા માટે...’ શ્વેતાને માઠું લાગી ગયું હતું.

‘તુંય શું શ્વેતુ. બા ભલે થોડા દિવસ જઈ આવતાં. આપણે છીએને અહીં. એ બહાને તેઓ જરા બહાર નીકળશે.’ નીતિનકુમાર આવડા મોટા ઘરમાં એકલા રહેવાની તક મળી રહી હતી એનાથી ગેલમાં આવી ગયા હતા.

નીતિનકુમારે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હોય એવું કાન્તાબેનને લાગ્યું, પણ તેમ છતાં શ્વેતા દિવસભર અકળાયેલી રહી હતી. કાન્તાબેન દીપકને ત્યાં અને તે પણ આમ અચાનક રહેવા જાય એે શ્વેતાને ગમ્યું નહોતું એવું તેના ચહેરા અને વર્તન પરથી કાન્તાબેન કળી શકતાં હતાં.

સાંજે કાશ્મીરા કાર લઈને તેડવા આવી હતી. કાન્તાબેને ચાર સાડલા અને બાકીનાં જરૂર પૂરતાં કપડાં એક હૅન્ડબૅગમાં ભરીને તૈયાર રાખ્યાં હતાં. યાદ કરીને અખબારના કાતરણોની અને બીજાં કાગળિયાં પણ તેમણે અગાઉથી જ મૂકી રાખ્યાં હતાં.

સાંજના ટ્રાફિકમાં ચર્ચગેટથી વરસોવા પહોંચતાં-પહોંચતાં ખાસ્સા અઢી કલાક લાગ્યા હતા. ડ્રાઇવિંગ કરતાં-કરતાં કાશ્મીરાના ફોન ચાલુ હતા અને વચ્ચે-વચ્ચે સાસુ સાથે પણ વાતો કરી લેતી હતી. દીપક અને કાશ્મીરાનાં લગ્ન થયાં એના થોડાક મહિનાઓમાં જ તે લોકો જુદા રહેવા ચાલ્યાં ગયાં હતાં એટલે તેની સાથે બહુ રહેવાનું બન્યું નહોતું. આમ પણ કાશ્મીરા પહેલેથી જ ઓછાબોલી હતી. મળતાવડાપણું તેના સ્વભાવમાં નહોતું. સાસુ-વહુ વચ્ચે વાત કરવાનો ખાસ કોઈ વિષય પણ નહોતો.

આ અગાઉ એક વાર દીપકના ઘરે રહેવા જવાનું બન્યું હતું. દીપકનો અકસ્માત થયો ત્યારે. કાન્તાબેન અને નવીનચંદ્ર એક રાત રોકાયાં હતાં, પણ તે વખતે તો મોટા ભાગનો સમય હૉસ્પિટલમાં જ વીત્યો હતો. ત્યાર પછી કાશ્મીરાએ બે-ચાર વખત રહેવા આવવાનું આમંત્રણ આપ્યું હતું, પણ એવો પ્રસંગ ક્યારેય આવ્યો જ નહોતો.

એની સરખામણીમાં વિપુલના ઘરે જવાનું ઘણી વાર બન્યું હતું. મનીષા પહેલી ડિલિવરી માટે તેના પિયર સુરત જાય એવી વિપુલની બિલકુલ ઇચ્છા નહોતી. તેની ઇચ્છા ડિલિવરી મુંબઈમાં જ થાય એવી હતી. ડૉક્ટરે તારીખ આપી હતી એેના દસેક દિવસ પહેલાં વિપુલ ઘરે આવીને કાન્તાબેનને અને નવીનચંદ્રને લઈ ગયો હતો. અર્જુનના જન્મ પછી સવા મહિનો કાન્તાબેન અને નવીનચંદ્ર વિપુલના ઘરે રોકાયાં હતાં. હૉસ્પિટલમાં મનીષા પાસે રાત રોકાવાથી માંડીને તેના ઘરની તમામ જવાબદારી કાન્તાબેને સંભાળી હતી. મનીષાની બાની પોતાની તબિયત એવી નહોતી કે દીકરીની સુવાવડ કરવા આવી શકે.

સવા મહિના પછી મનીષા હરતીફરતી થઈ એટલે કાન્તાબેને કહી દીધું હતું, ‘વિપુલ, હવે અમે અમારા ઘરે જઈશું.’

‘શું ઉતાવળ છે બા. રોકાઓને થોડા દિવસ.’ વિપુલે આગ્રહ કર્યો હતો. ખરેખર તો તેના મનમાં થોડોક ડર પણ હતો કે મનીષા નાનકડા અર્જુનને સાચવી શકશે કે નહીં.

‘હા-હા, રોકાઈએને થોડા દિવસ...’ ચંદ્રનો જીવ નાનકડા અર્જુનમાં અટવાયો હતો.

‘ના બેટા, હવે અમે અમારા ઘરે જઈએ.’ કાન્તાબેને નવીનચંદ્રની વાતને અવગણીને ભારપૂર્વક કહી દીધું હતું.

લગ્ન પછી લગભગ બે વર્ષ વિપુલ ને મનીષા ચર્ચગેટના ઘરે સાથે રહ્યાં હતાં એે દરમિયાન સાસુ-વહુ વચ્ચે ઘણી વાર કંકાસ થયો હતો.

‘માંદા પડીને પથારીમાં પડશો ત્યારે કોણ કરવા આવશે? અમે જને?’ મનીષાએ એક વખત કહ્યું હતું.

જાકે ત્યાર પછીનાં વર્ષોમાં કાન્તાબેનને કે નવીનચંદ્રને એવી જરૂર પડી નહોતી. ઊલટું, દીપકના અકસ્માત અને મનીષાની ડિલિવરી વખતે તેમણે જ તે બંનેની સેવા કરી હતી. અલબત્ત, તેમણે જે કંઈ કર્યું એ કોઈ દિવસ જતાવ્યું નહોતું.

બે વર્ષ સાથે રહ્યાં એે વખતના ઝઘડાને કાન્તાબેને ગાંઠે બાંધ્યા નહોતા. એ બધું યાદ રાખ્યું હોત તો કદાચ તેમણે ક્યારેય મનીષાનું મોં પણ ન જાયું હોત. અલગ ઘર વસાવવા માટે મનીષાએ બહુ ઉપાડા લીધા હતા. એે વખતે કાન્તાબેનની એક જ વાત હતી. વિપુલને જુદા થવું હોય તો તે પણ ભલે દીપકની જેમ જુદું ઘર માંડે, પરંતુ વિપુલ પાસે એટલા પૈસા નહોતા અને ભાડે રહેવા જવા મનીષા તૈયાર નહોતી.

‘‘અમને અમારા ભાગના પૈસા આપી દો.’ મનીષા એક જ રટ લઈને બેઠી હતી.

‘અમારી પાસે એવો કયો દલ્લો છે તે તમને ભાગ આપીએ? અને હોય તોય તે અમારા મૃત્યુ પછી અને જેને આપવો હશે તેને આપીશું. મન થશે તો અનાથાશ્રમમાં દાન દઈ દઈશું.’ કાન્તાબેન કહી દીધું હતું.

‘અનાથાશ્રમમાં જ આપવો હતો તો દીકરાનેય ત્યાં જ મૂકી આવવો હતોને!’ મનીષાએ સામો વાર કર્યો હતો.

‘એ જ તો અમારી ભૂલ થઈ ગઈ, પણ હવે તો સુધારી શકીએને!’ કાન્તાબેને મનીષાએ તેમની માતૃત્વની લાગણી પર કરેલા વારથી ઘવાઈ જવાને બદલે સામો જવાબ આપ્યો હતો.

‘હાય-હાય, આ તે મા છે કે કોણ? પૈસા ક્યાં છાતીએ બાંધીને લઈ જશો? દીકરાને સુખી થતો તમે જોઈ જ નથી શકતાં.’ જેવા વાક્પ્રહારો મનીષાએ કર્યા હતા.

‘આ રોજની અશાંતિ કરતાં છોને રૂપિયા આપી દઈએ.’ નવીનચંદ્રે કહ્યું હતું.

‘આપણી પાસે રૂપિયા છે?’

‘આ ઘર વેચીને...’

‘ખબરદાર, જો આ ઘર વેચવાની વાત કરી છે તો.’ કાન્તાબેને ઘસીને ના પાડી દીધી હતી.

છેવટે વિપુલે થોડીક લોન સસરા પાસેથી અને થોડીક તેના મિત્રો પાસેથી લીધી હતી. બે લાખ જેટલી રકમની વ્યવસ્થા નવીનચંદ્રે તેને કરી આપી હતી, જેમાંના મોટા ભાગના તેમણે હસમુખભાઈ પાસેથી ઉછીના લેવા પડ્યા હતા. એ પછીથી એેમણે ધીમે-ધીમે માંડ ચૂકવ્યા હતા. કાન્તાબેનને આ બહુ ગમ્યું નહોતું, કારણ કે તેઓ માનતાં હતાં કે વિપુલને જુદા રહેવા જવું હોય તો એેની વ્યવસ્થા કરવાની જવાબદારી પણ તેની જ છે અને જો વિપુલને પૈસા આપીએ તો દીપકને શું કામ નહીં?

કાન્તાબેન પોતે પણ મનીષા સાથેના રોજરોજના કંકાસથી કંટાળ્યાં હતાં અને એટલે જ તેમણે નવીનચંદ્ર પૈસાની વ્યવસ્થા કરી આપતા હતા એેની સામે બહુ વિરોધ નહોતો કર્યો.

જોકે નવીનચંદ્રે ખેંચાઈને આટલી રકમ આપી હોવા છતાં તેમના તરફ કૃતજ્ઞતા અનુભવવાને બદલે મનીષા સતત કહ્યા કરતી કે તેના બાપે મદદ ન કરી હોત તો તે ક્યારેય અલગ રહેવા ન જઈ શકી હોત.

‘વિપુલને તો આપણું બહુ લાગી આવે છે, પણ બિચારો મનીષાને લીધે કંઈ કરી શકતો નથી.’ નવીનચંદ્રે એક વાર કહ્યું હતું.

‘પારકી જણીને દોષ દેવાનો શું અર્થ છે? વાંક તો આપણા દીકરાનો જ કહેવાય. જવા દોને, આપણે ક્યાં તેમની પાસેથી કંઈ જોઈએ છે. તેમનો સંસાર સુખેથી ચાલે એટલે બસ.’ કાન્તાબેનને માઠું લાગ્યું હતું, પણ તેઓ જખમોને ખોતરવા માગતાં નહોતાં.

‘તારી વાત ખરી છે, પણ મા-બાપ તરફ તેમની પણ કંઈ ફરજ તો છેને!’

‘ફરજ તરીકે નહીં પણ પ્રેમથી કરે એે સાચું!’ કાન્તાબેન બહુ સ્પષ્ટ હતાં.

‘આજકાલના છોકરા ઓ બહુ સ્વાર્થી થઈ ગયા છે.’ નવીનચંદ્રે દરેક જૂની પેઢી દ્વારા કહેવાઈ ચુકાયેલું વાક્ય ઉચ્ચાર્યું હતું.

‘મારો વાંધો એ લોકો સ્વાર્થી હોય એેની સામે બિલકુલ નથી. એ લોકો સ્વાર્થી થઈને પોતાનું સાચવી લેતા હોય તો-તો બહુ સારી વાત છે, પણ તેમને પોતાનો સ્વાર્થ જોવો છે અને બીજાઓ પાસે પરમાર્થની અપેક્ષા કરવી છે એ વાત મને સમજાતી નથી. પોતાની જિંદગી તેમને પોતાની રીતે જીવવી છે અને બીજાઓની જિંદગીનું રિમોટ કન્ટ્રોલે પોતાના હાથમાં રાખવા માગે એે ક્યાંનો ન્યાય?’

મનીષા સાથે કાન્તાબેનને વાંધો આ જ પડતો હતો. કાન્તાબેન માનતાં હતાં કે તેમની જુનવાણી અને રૂઢિગત જીવનશૈલી જો મનીષાને ન ફાવતી હોય તો તેને પોતાની રીતે જીવવાનો પૂરો અધિકાર છે, પણ સાસુ-સસરાના ઘરમાં અને તેમના પૈસાથી રહેવું હોય તો તેમની મરજી મુજબ રહેવું પડે. છોકરાઓ સાથે રહેતા હતા ત્યારે પણ તે લોકો પાસેથી કાન્તાબેન કે નવીનચંદ્રે ક્યારેય ઘરખર્ચના પૈસા માગ્યા નહોતા. તો પછી છોકરાઓની ગુલામી શા માટે કરવી જાઈએ?

આ અર્થમાં કાન્તાબેનને દીપક અને કાશ્મીરાનો અભિગમ વધુ ગમતો. તેઓ બન્ને પોતાની રીતે જીવતાં હતાં. જોકે દીપક ભાગ્યે જ તેમને ફોન કરતો કે મળવા આવતો એે કાન્તાબેનને ક્યારેક ખૂંચતું, પણ તે પોતાની જિંદગીમાં ગોઠવાઈ ગયો છે એવું માની કાન્તાબેન ક્યારેય કોઈ ફરિયાદ ન કરતાં. કાશ્મીરા વાર-તહેવાર કે મહિને-બે મહિને એકાદ વાર ખબરઅંતર પૂછી લેતી એનાથી કાન્તાબેન સંતોષ માની લેતાં. કોઈ વાર તેમને ઇચ્છા થાય તો તેઓ સામેથી ફોન કરી લેતાં.

મનીષાના ફોન નિયમિત આવતા. તે બહુ બોલકી પણ હતી. નવીનચંદ્રનો અર્જુનમાં બહુ જીવ હતો એટલે છ-આઠ મહિને એકાદ વાર બન્ને ચાર-છ દિવસ બોરીવલી રહી આવતા. કોઈ વાર તે ત્રણેય પણ ચર્ચગેટ આવતા.

આજે વિપુલના ઘરે રહેવા જવાનો વિચાર કાન્તાબેનને આવ્યો હતો, કારણ કે તેમને પોતાને થોડુંક એકાંત જાઈતું હતું. દીપકના ઘરે એે મળી શકે એમ હતું, કારણ કે કાશ્મીરા પણ નોકરી કરતી હોવાને કારણે દિવસભર ઘરમાં કોઈ ન રહેતું.

દીપકનું ઘર નાનું હતું, પણ સરસ રીતે ગોઠવેલું અને સજાવેલું હતું. એક બેડરૂમ, હૉલ અને કિચનના લગભગ પોણા છસ્સો સ્ક્વેર ફૂટના ફલૅટ સાથે હૉલને અટેચ્ડ આશરે સવાસો ફૂટની નાનકડી ટેરેસ હતી. કાશ્મીરાને ફૂલ-ઝાડ ઉછેરવાનો શોખ હતો. ટેરેસમાં તેણે ગુલાબ, મોગરો, થોડાક બૉન્ઝાઈ, એલોવેરા અને કેક્ટ્સનાં કૂંડાં મૂક્યાં હતાં. ટેરેસમાં પ્લાસ્ટિકની બે ખુરશીઓ હતી.

વૉશબેસિનમાં હાથ-મોં ધોઈ કાન્તાબેન ટેરેસમાં આવ્યાં. અઢી કલાક કારમાં બેઠાં-બેઠાં તેમના પગ જકડાઈ ગયા હતા. નાનકડી ટેરેસમાં રેલિંગના ટેકે-ટેકે બે-ત્રણ આંટા મારી તેઓ ખુરશી પર નિરાંતે બેઠાં.

બાથરૂમમાં શાવરમાંથી પાણી પડવાનો અવાજ આવી રહ્યો હતો. કાશ્મીરા શાવર લઈ રહી હતી. કાન્તાબેને હૉલમાં નજર કરી. ડાઇનિંગ ટેબલ પર જમવાનું ઢાકેલું પડ્યું હતું. કામવાળી લતા રસોઈ બનાવીને ચાલી ગઈ હતી.

કાન્તાબેન આંખ મીંચીને શાંતિથી બેઠાં. એક ઠંડી પવનની લહેરખી આવી.

‘બા, કૉફી...’

કાન્તાબેને આંખ ઉઘાડી. બહારથી આવતા આછા ઉજાસમાં તેમણે જાયું. ગુલાબી રંગની ફૂલની ડિઝાઇનવાળી નાઇટી પહેરીને કાશ્મીરા હાથમાં કૉફીના બે મગ લઈને ઊભી હતી. તેના ચહેરાની રેખાઓમાં એક અજબ ગમગીની હોય એવું કાન્તાબેનને લાગ્યું.