Saraswatichandra books and stories free download online pdf in Gujarati

સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 7

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૧.૭

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૭ : કુમારિકા કુસુમ અને વિધવા સુંદર

‘The husbandless woman exists in two shapes. She is either a spinster or a widow. Most nations permit both institutions to grow up side by side with each other with the result that the reciprocal proportions of the numbers of the two es undergo fluctuations on principles very similar to those of the two metals of a double currency under the guidance of economic laws. Social science is interested in noting how these fluctuations tell upon the general welfare of the nation. The poet of domestic charms falls in love with the different features of the lights and shades of the twin sister-the spinster and the widow. There is also a cynical way of subjecting both creatures to a camera observation and comparing the shadows of the two reflected upon its plate. This is especially useful in a country like India where the Hindus have chose and contrived to escape the fluctuations of a domestic double currency by keeping the window a permanent coin and excluding the spinster altogether from their mint. The propounders of justice and of the equality of the two sexes may well protest against this gross injustice to the weaker sex. But, apart from that, no small interest gathers round the questions whether India with this monometallism for her social economics is really a loser on thge whole, and whether the world of bimetallists has gained anything substantial, or, to be more serious and less offensive to the fastidious moralist, whether the world has gained on the whole by its submission to the ordinary laws of nature, and India has suffered by working out this artificial system within its families.’

-Anonymous’

વિદ્યાચતુરનું કુટુંબ એકઠું થઈ ગયું. વુદ્ધ માનચતુરે ઘેર આવી કુમુદ વિષે આશા મૂકી અને મુકાવી. બુદ્ધિધનના પત્રથી પ્રમાદધનના મૃત્યુની કૃષ્ણપત્રી જણાઈ ગઈ. એક દિવસમાં રંક પુત્રીનું અને મૂર્ખ જામાતાનું મરણ સિદ્ધ થયું. અમાવસ્યાની રાત્રિના અંધકારમાં ચોમાસાનાં વાદળાંને અંધકાર ભળે, બેવડો અંધકાર જગતમાં વ્યાપી જાય, અને નિદ્રાની જડતામાં વૃષ્ટિના શૈત્યની જડતા ભળે, તેમ વિદ્યાચતુરના પ્રધાનમહેલમાં થઈ ગયું. કુમુદ ગયાનો શોક પૂર્ણ વિકાસ પામવા આવ્યો અને પ્રમાદધનના નામ ઉપર આરોપ, ઠપકો, ગાળો અને પાપની વૃષ્ટિ પૂરી થઈ નહિ ત્યાં પ્રમાદધનના સમાચારે એ ગાળો અને શાપને શાંત કર્યાં, અને વિધવા થતાં પહેલાં મૃત્યું પામેલી પુત્રી ભાગ્યશાળી ગણાઈ, અને એ વિચારે એના ઉગ્ર શોકને શાંત કર્યો. મણિરાજ પોતે સર્વને આશ્વાસન આપી પાછા ગયા. મિત્રો, કુટુંબજન, જ્ઞાતિજન, અધિકારી મંડળ, રાજમહેલનું મંડળ, અને પ્રતિષ્ઠિત નાગરિક મંડળ, સર્વની આખો દિવસ આવજા થઈ અને અનુશોચનના વ્યવહારે શોકના હ્ય્દયરસને છિન્નભિન્ન કરી નાખ્યો. અતિશય વ્યવહારવ્યાપારમાં ગયેલા દિવસને અંતે રાત્રિસમય શ્રાન્ત થયેલું સર્વ મંડળ વિશ્રાંતિને ખોળે પડી નિદ્રામાં પડ્યું. વિદ્યાચતુરની નિદ્રા, ઈશ્વરેઈચ્છાનો વિચાર થતાં ગાઢ થતી, પુત્રીના ગુણ અને ભાગ્ય સાંભરતાં મસ્તિકમાંથી દૂર થતી, શોક તરી આવતાં નેત્રદ્વારમાં આવજા કરતી, મોહનો વિજય જતાં નિઃશ્વાસને માર્ગ આપતી અને સંસારનું અસાર સ્વરૂપ સમજતાં પાછી આવતી, અને અંતે એ પાછો નિદ્રામાં પડતો. પુત્રીનું સૌભાગ્ય અખંડ રહ્યું અને વૈધવ્ય જોવા વારો આવ્યો નહીં એ વિચાર રોતારોતાં થઈ આવતો ત્યારે ગુણસુંદરી શાંત થતી, પણ રંક અને સુશાલ પુત્રીનાં દુઃખ સાંભરતાં એની આંખમાં આંસુની રંલ ચાલતી. એને આખી રાત નિદ્રા આવી, પણ ઘડીક એ સૂતી સૂતી આંસુ સારતી, ઘડીક પથારીમાં બેઠી થઈ રોતી, ધડીક શાંત થઈ ઉઘાડી કે સીંચેલી આંખે પણ જાગ્રત હ્ય્દયે પડી રહેતી, અને ઘડીક પાસે સૂતેલી સુંદરની સાથે કુમુદની વાત રોતી-કકળતી કરતી.

દિવસે દિવસે શોક જૂનો થવા આવ્યો, અને સંસારનો વ્યવહાર સર્વનાં સ્મરણચક્ષુ ઉપર પડદો નાખવા લાગ્યો ; કુમુદના સમાચારથી સર્વ કુટુંબની આ અવસ્થા થઈ એટલા દિવસ તેમના ચિત્તમાંથી કુસુમની ચિંતા અદૃશ્ય થઈ. માતાના આશાવાસનમાં અને શોકવ્યવહારનાં કાર્યોમાંથી પરવારતા એકલાં પડવાના પ્રસંગ વધતા ગયા અને તેની સાથે આ બાળકીના હ્ય્દયમાં નવા અનુભવનાં પરિણામ, નવા વિચાર અને નવી ચિંતાઓને ભરવા લાગ્યા, અને તે પ્રમાણે પોતાનું ભવિષ્ય બાંધવાની આતુરતા એના એકાંત અવકાશમાં વીજળીના જેવા ચમકારા કરવા લાગી. આણી પાસથી કુસુમ આમ આકર્ષવા લાગી, ત્યારે બીજી પાસથી બિચારી સુંદરની ચિંતાઓ વધવા લાગી. વિદુષી છતાં ગુણસુંદરીનો કુમુદનો ઘા અતિશય લાગ્યો અને એ હ્ય્દયશૂન્યા બન્યા જેવી દેખાતી હતી અને ગૃહકાર્યથી તેમ કુમુદની ચિંતાથી કુમુદના શોકે એને મુક્ત કરી. સુંદર એક પાસથી ગુણસુંદરીની પાછળ પાછળ ભમતી અને બીજી પાસથી કુમુદની પાછળ ભમવાનું એની દૃષ્ટિએ મૂક્યું નહીં. ગુણસુંદરીને શોકમુક્ત કરવામાં, અને મોઈ પુત્રીના શોકમાં ડૂબેલી માતાએ એકલી પડવા દીધેલી કુસુમના સ્વચ્છંદ લાગતા આવેશને દાબેલા રાખવામાં, સુંદરની ચિંતાઓ વહેંચાઈ ગઈ, અને જન્મપર્યંત પોતાને આભારી કરનારી ગુણિયલ દેરાણીએ કરેલા ઉપકારનો બદલો વાળવાનો આ ઈશ્વરે આપેલો પ્રસંગ જાળવવામાં સુંદર શિથિલ થઈ નહીં.

પોતાના લતાગૃહના માંડવામાં, પાસેના તળાવની કોર ઉપર અને આસપાસની કુંજગલીઓમાં, આખો દિવસ અને રાત્રિને પ્રથમ પ્રહરે કુસુમ એકલીએકલી ફરવા લાગી અને પોતાના વિચારની ચક્રદોલાએ (ચકડોેળે) ચડવા લાગી.

‘પરણ્યાં એટલે પડ્યાં એ વાત નક્કી ! કુમુદબહેન ! તું ગઈ અને પ્રમાદધન ગયા ! તમે બે જીવતાં હોત કે તું એકલી જીવતી હોત તો તારા -ઃખનો પાર ન હતો ! એ દુઃખનું કારણ તારો વિવાહ ! વિવાહ એ

સ્ત્રીજાતનો શત્રુ છે. વૈધવ્યમાંથી મરણે તને છોડવી એ વિચારથી ગુણિયલને આવા દુઃખમાંથી કળ વળે છે ! તેનું કારણ શું ? કુમુદબહેન પરણી ન હોત અને વિધવા ન થઈ હોત તો સુખી હોત ! માણસ મરે તો પણ તેનો શોક પાછળ રહે છે તેમ લગ્નદશા સમાપ્ત થાય તો પણ તેની છાયા પાછળ રહે છે. એ છાયા તે વૈધવ્ય ! જે લગ્નની છાયા એટલી ભૂંડી છે તે લગ્ન કેટલું ભૂડું હોવું જોઈએ ? બહેનના વૈધવ્ય કરતાં એનું મરણ સારું ગણાયું ! માટે આપણે તો વૈધવ્ય પણ નહીં ને લગ્ન પણ નહીં ! માત્ર કાકીને મને પરણાવી ખાડામાં નાખવાની ઘેલછા લાગી છે. પણ ગુણિયલ હજી બોલતી નથી, અને અત્યાર સુધી હું કુમારિકા રહી છું તે પિતાજીની કૃપાથી જ.’

આટલો વિચાર કરી તે હરિણી પેઠે દોડી અને ગુલાબના છોડ વચ્ચેની ગલીમાં દોડી આવી તળાવ પાસે એક ભૂરા કાચની બરણી જેવી બેઠક ઉપર બેઠી. એને દોડતી દેખી સુંદર આઘેથી પાસે આવી એને માથે હાથ મૂકી બોલવા લાગી :

‘બેટા, તું દોડાદોડ કરે એ તે આટલે વયે છોકરી માણસને માટે કંઈ સારું કહેવાય ? તું મોટી થવા આવી !’

કુસુમ - ‘છોકરી જો પરણી હોય ને પછી દોડે તો તે ખોટું કહેવાય. પરણ્યા સુધી કુમારિકા ગમે તેવડી હોય તે દોડે.’

સુંદર - ‘પણ હવે તારે પરણવાનું કંઈ છેટે છે ? ગુણિયલને તારી કેટલી ચિંતા થાય છે તે તને ખબર છે ? કુસુમ ! હવે તું કાંઈ ડાહી થા. આવે કાળે માની ચિંતા તું ઓછી નહીં કરે તો પછી ક્યારે કરવાની હતી ?’

આ વાક્યના મર્મભાગે સફળ પ્રહાર કર્યો. કુસુમ અંકુશમાં આવી ગંભીર થઈ ગઈ. મનુષ્યમાત્રની નિરંકુશતાને પ્રસંગે છોડાવે છે. દુષ્ટો શિક્ષારૂપ વિપત્તિના પ્રસંગથી અંકુશમાં આવે છે. મૂર્ખ જનને અંકુશમાં આણવા એક વિપત્તિ બસ નથી પણ અનેક વિપત્તિઓનો ખપ પડે છે. ચતુર અને સાધુ પણ અનુભવહીન જનને પોતાની અથવા પારકી વિપત્તિનું દૂરથી પણ દર્શન થતાં બોધ મળે છે અને વગર અંકુશે બોધનો અંકુશ જાતે સ્ફુરે છે. બોધના અંકુશને યોગ્ય પણ બાળવયના ઉત્સાહથી ભરેલી યુવાવસ્થાને આવા દર્શનમાંથી લેવાના પ્રબોધનું ભાન આણનાર પ્રિયબોધ મનુષ્ય જોઈએ છે. આવો સંયોગ કુસુમને હતો. એના વિકાસની નિરંકુશતા જોઈ ગુણસુંદરી હબકતી હતી, ત્યારે સ્વતંત્ર બુદ્ધિવાળા મનુષ્યોની પ્રકૃતિનો સુજ્ઞ વિદ્યાચતુર એને ધૈર્ય આપતો હતો અને બાલક શરીરરૂપ યજ્ઞ ઉપર બુદ્ધિના અગ્નિને દાસત્વમાં નાખવાનું પાપકર્મ ન કરવાનાં કારણ બતાવી એ અગ્નિને કેવી રીતે કેવા તપથી સાધવો એ દર્શાવતાં બોલ્યો હતો કે -‘ગુણિયલ !નવી પરણેલી મુગ્ધા સ્ત્રીને જેમ દક્ષ નાયક બળથી નહીં પણ કળથી વશ કરી લે અને એ મુગ્ધાનો રસ વધારે, તેમ જ બાળકની બુદ્ધિને પણ કેળવવાની છે. જો આપણાં બાળક આપણા કરતાં વધારે બુદ્ધિવાળાં થાય એમ આપણી ઈચ્છા હોય તો તેમની બુદ્ધિને આપણી બુદ્ધિની બોડીઓમાં કેદ ન કરવી, કારણ માબાપની બુદ્ધિથી માત્ર આજ્ઞાકાર થવા શીખેલી બુદ્ધિ સ્વતંત્ર રીતે ઊડવાનો અભ્યાસ પામતી નથી. બાળકની બુદ્ધિને પગે માબાપે ઘડેલી બેડીઓ નાખવી નહીં, પણ એ બુદ્ધિ જાતે ચાલે, પડે અને ઊઠે અને શક્તિ હોય તો દોડે તેમાં માબાપને વિઘ્ન ન નાખવું. એ બુદ્ધિ પોતાની કળાથી નૃત્ય કરે તો કરવા દેવું. તેને વિદ્યા એ અન્ન છે, વિચાર એ વ્યાયામ (કસરત) છે, સ્વતંત્રતા એ તેના પ્રાણનું પોષણ કરનાર પવન છે, ઉત્સાહ એ એની ક્રીડાભૂમિ છે અને સંસારનું અવલોકન એ એને જીવન આપનાર પાણી છે. માતાપિતાનો ધર્મ એ છે કે પાણી નિર્મળ રાખવું, એ પવન નિર્મળ અને અપ્રતિરુદ્ધ રાખવો, એ ક્રીડાભૂમિમાં અધમ સંગતિ જવા દેવી નહીં. અને એ વ્યાયામમાં ન્યૂનતા કે અતિશયતા થાય નહીં અને વ્યાયામને અંતે ફરવા માંડેલા લોહીથી ભરેલી નસોમાં અયોગ્ય પદાર્થને સ્થાને પોષક અન્ન જાય. માતાપિતા ભણીના અંકુશની સમાપ્તિ આટલામાં થાય છે, બાલ્યાવસ્થામાં આટલા અંકુશમાં રહી બાળકની બુદ્ધિ મરજી પડે તેવું નૃત્ય કરે તે કરવા દેવું. એ અવસ્થા જેમજેમ પૂરી થતી જાય તેમતેમ એ બુદ્ધિના અન્ન સાથે બાળકના ભવિષ્ય પ્રયાણને યોગ્ય ભાંતુ ભરવું અને તેની ક્રીડાભૂમિમાં સુખ દુઃખોથી ભરેલા સંસારના ચિત્ર મબકવાં, દુષ્ટ પવન નિવારનાર તેમ પવનને સુગંધવાહક કરનારા રસ એના ભવનના સર્વ ભાગમાં મૂકવા એટલું સરત રાખવું. યુવાવસ્થા આદિ પ્રવાહો સ્વતંત્રતાને વધારનાર છે તે કાળે આવા રસથી જે કામ થશે તે શુષ્ક શિક્ષાપાઠથી નહીં થાય, માટે એના વિચારરૂપ વ્યાયામને વધવાનાં સાધન ઊભાં કરવાં પણ તે એવાં હલકાં ન કરવાં કે પ્રમાદ થાય અને એવાં ભારે ન કરવાં કે અતિશ્રમ થાય. અને અંતે એના અવલોકનરૂપ જીવનનો પ્રવાહ ગંગા જેવો રાખવો અર્થાત સર્વ કાળે શુદ્ધ અને જગતને પાવન કરનારો કરવો, અને સર્વગ્રાહી આકાશના પ્રતિબિંબનું સર્વાંગે પ્રતિબિંબ સંગ્રહનારો કરવો;પ્રાણીમાત્રની તૃષા ભાંગનાર, જીવન આપનાર ચારે પાસની વનસ્પતિનો પોષક, અને હિમાચલ જેવા ઉચ્ચ સ્થાનમાંથી સર્વદા પ્રભવ પામતો એ પ્રવાહને કરવો ! સમુદ્રના જેવા વિશાળ અને પ્રાણપોષક પ્રયાણમાર્ગરૂપ ઈષ્ટાપત્તિનો અનેક ગુપ્ત પણ સતત નીતિઓથી - સાધક ગંગાપ્રવાહ જેવો બાલક-બુદ્ધિના આ અવલોકનના પ્રવાહને કરવો. ગુણિયલ ! શુદ્ધ વિદ્યાદાનનો માર્ગ અને પરિણામ આવાં છે, અને પુત્રીનું સ્ત્રીત્વ અને પુત્રનું પુરુષત્વ લક્ષ્યમાં રાખી આ માર્ગ લેવાય તો તેના નિયમ ઉભયને સામાન્ય છે અને એ માર્ગ પુત્રમાત્ર અને પુત્રીમાત્રનાં જાતકર્મ આદિ સંસ્કારોમાં એક આવશ્યક સંસ્કાર છે. એ સંસ્કાર ન આપે તે માતા અથવા પિતા પોતાના ધર્મથી ભ્રષ્ટ થાય છે.આપણા લોક ક્ષુદ્ર થયા છે અને શુદ્ધ ધર્મ સમજતા નથી. પણ પવિત્ર ધર્મથી તું ભ્રષ્ટ થઈશ નહીં ! એ વિષયમાં તારા ધર્માધર્મમાં મારો ભાગ છે, તું મારી સહધર્મચારિણી છે, અને આટલા ધર્મનું કૃત્ય હું તને સોંપું છું, કારણ મને વ્યવહારમાં અવકાશ ઓછો મળે છે. પણ ઈશ્વરે સર્વરીતિથી અનુકૂલતા કરી આપી, તેને પાત્ર થવા મેં તને વિદ્યા આપી છે, અને તું પુત્રીને આપજે અને એની બુદ્ધિને સંસ્કાર પામેલા મણિ જેવી કરવાનો મેં તને માર્ગ બતાવેલો છે. ગૃહિણી ગૃહમુચ્યતે માતે આ ગૃહકર્મની સફળતા તારા ઉત્સાહ ઉપર આધાર રાખે છે. તને આપેલી વિદ્યાને લીધે આ ધર્મમાં તું મારી સહધર્મચારિણી છે.’

વિદ્યાચતુરે કુસુમને સંબંધમાં આ શિક્ષા આપી હતી તે ગુણસુંદરીએ લખી રાખી જિહ્વાગ્રે કરી હતી. પુત્રીને વિદ્યા અને બુદ્ધિસ્વાતમત્ર્ય આપવાનું કારણ કોઈ પૂછે ત્યારે પતિવ્રતા ઉત્તરમાં ‘પતિઆજ્ઞા’ દર્શાવતી હતી. એ આજ્ઞાને કોઈ ભૂલભરેલી ગણે ત્યારે પ્રતિપ્રતિષ્ઠાનું સમર્થન કરવા આ શિક્ષાના અક્ષરોનો સારોદ્ધાર કરી સાક્ષરા જય પામતી છતાં સ્ત્રીજાતિને સ્વાભાવિક ભીતિ તે ગુણસુંદરીના હ્ય્દયને પુત્રીના સ્વાતંત્ર્યફળના સંબંધમાં નિરંતર કંપાવતી અને પોતાની ભીતિ ખરી ન પડે એવું એ નિત્ય ઈચ્છતી. એ ભીતિ ખરી પડશે કે ખોટી એ શંકા ગુણસુંદરીને અને સુંદરને નિત્ય થતી. એ શંકાનું સમાધાન કાળક્રમે અને કુસુમના પૂર્ણ વિકાસને અંતે જ થાય તેમ હતું. ભત્રીજીને માની ચિંતા ઓછી કરવાનું કહેતાં કહેતાં સુંદરનું હ્ય્દય આ શંકાથી ઘડકવા લાગ્યું. વગર અંકુશે ઊછરેલી કન્યાની બુદ્ધિમાં વિપત્તિધર્મનો બોધ કેવી રીતે સ્ફૂરે છે તેનું અવલોકન અનુભવી વિધવા આતુરતાથી કરવા લાગી. એ આતુરતાને લીધે પોતાને પ્રશ્નેપ્રશ્ને કાકી ભત્રીજીનાં નેત્ર ભણી દૃષ્ટિ ધરવા લાગી, અનુભવહીન પણ મેઘાવિની બાળાના ઉત્તરેઉત્તરે તેના અક્ષરોદ્‌ગાર ભણી પોતાના કરણને એકાગ્ર કરવા લાગી, અને ઉદ્‌ગારકાળે અનેક વિકારો અનુભવતી પ્રિય વત્સાના નખથી શિખ સુધીનો સર્વ ભાગો ઉપર સહજ સ્ફૂરતી ચેષ્ટાઓને વત્સલ કાકી અનેક પ્રિયચિંતક ચિંતાઓથી વીજળી પેઠે સહસા, ત્વરાથી, સર્વતઃ અને ક્ષણભરમાં સુપ્રકાશિત કરવા લાગી.

કાકીનો પાલવ ઝાલી કુસુમ બોલી :

‘કાકી ! તમે એમ સમજો છો કે ગુણિયલના દુઃખમાં વધારો કરવા જેવાં મારાં કૃત્ય છે ?’

સુંદર - ‘ના, તારાં કૃત્ય એવાં નથી, પણ તારા વિચાર અને બોલ ગુણિયલની ચિંતાઓ વધારે છે.’

કુસુમ - ‘ત્યારે ગુણિયલ મને જાતે કેમ કહેતાં નથી ?’

સુંદર - ‘તારા પિતાજીની આજ્ઞા છે કે તારા વિચાર જાણવા પણ રોકવા નહીં; તેને વાળવા પણ મરડવા નહીં.’

કુસુમ - ‘ત્યારે એટલું તો ખરું કેની કે મારો વિચાર નિર્દોષ છે ?’

સુંદર - ‘હું કંઈ પંડિત નથી. પણ આ વિચાર પ્રમાણે તું ચાલીશ તો વિપરીત કરી બેસવાની અને જાતે દુઃખી થઈ બીજાને દુઃખી કરવાની ! અંગ્રેજી ભણેલા પુરુષો ઘર ચલાવવા બેસે ત્યારે સ્ત્રીજાતે તેમની મરજી પ્રમાણે વર્તવું પડે, પણ એટલી તેમની આજ્ઞા પાળવાથી આપણાં કાળજાં કંપાતા મટે નહીં.’

કુસુમ - ‘જ્યારે મારી ચિંતા પિતાજી એક રીતે કરે અને ગુણિયલ બીજી રીતે કરે ત્યારે મારે શું કરવું ?’

સુંદરે કુસુમને જરીક ખસેડી અને એક બેઠક ઉપર બે જણ સંકડાઈને બેઠાં. સુંદરે કુસુમને બગલમાં લીધી.

સુંદર - ‘પુત્રોની સંભાળ પિતા લે અને પુત્રીની માતા લે. જો તું ગુણિયલના વિચારમાં વળે તો તારા પિતાને વાંધો નથી.’

કુસુમ - ‘તો મારા વિચારને વાળો-એને મરડી નાંખવા શું કરવા મથો છો ? મારે કુંવારાં રહેવું છે. એ વિચારને મરડી નાંખી તમે બધાં પરાણે પરણાવશો ત્યારે મારું કંઈ જોર છે ? ગાય ને દીકરી - તેને માબાપ મોકલે ત્યાં જાય.’

કુસુમનું હ્ય્દય ભરાઈ આવ્યું, તેના વિશાળ નયન આંસુથી ઊભરાયાં, બાળક હ્ય્દય દુઃખના આવેશથી ધડકવા લાગ્યું. અને કાકીની છાતી ઉપર માથું નાંખી બાળા ધીમેથી રોવા લાગી. સુંદરે ઊંડો નિઃશ્વાસ મૂક્યો.

‘બેટા કુસુમ ! એક દીકરીને પરણાવી ધરાયાં નથી અને બીજી દીકરીનું પ્રારબ્ધ કેવું નીવડશે તે વિચારતાં અમારાં કાળજાં કંપે છે તો તારા જેવી ચકોર જાતને ચિંતા થાય એમાં નવાઈ નથી. પણ પરણ્યાં પછીનાં સૌ દુઃખ કુંવારાં રહ્યાંનાં દુઃખથી ઓછાં.’

કુસુમ આંસુ સૂકવી મોં ઊંચું કરી બોલવા લાગી. કાકી, માતાની ચિંતા ઓછી કરવાની વાત પડતી મૂકી, વાદવિવાદમાં ભળ્યાં લાગ્યાં. માતાની ચિંતા ઓછી કરવાની વાતમાં કુસુમને પોતાનું કાળજું હારી જતું લાગ્યું. વાદવિવાદમાં ઊતરતાં પોતાની બુદ્ધિ ચાલતી લાગી.

‘કાકી ! પરણેલાંનાં દુઃખ સૌ દેખીએ છીએ. કુવારાંનાં દુઃખ કોણે દીઠાં છે ?’

સુંદર - ‘ડોસા કુંવારા દીઠાં છે ; ડોસી કુંવારી દીઠી નથી તો તેનું સુખ કે દુઃખ કશુંયે શી રીતે દેખાય ? બાકી અનુમાનથી જોવાનું તે તો બે પગે ચાલે તે દેખે, ન દેખે એકલી મારી ઘેલી કુસુમ !’

કુસુમ - ‘ઘેલી ભત્રીજી ન દેખે તો ડાહ્યાં કાકી દેખાડે !’

સુંદર - ‘જો, બાળક પાસે બધી વાતો થાય નહીં અને બાળક મોટાંની વાતો કરવાના ચાળા કરે ત્યારે મોટાંએ ન કહેવાનું કહેવું પડે.’

કુસુમ -‘એમ કરો ત્યારે.’

સુંદર - ‘તું લાજ છોડાવીશ ને છોડીશ પણ મમત મૂકવાની નહીં.’

કુસુમ - ‘વારુ એમ. પણ બોલો તો ખરાં.’

સુંદર -‘જેણે મૂકી લાજ, તેને નાનું સરખું રાજ.’

કુસુમ - ‘હા ભાઈ, એમ, પણ બોલો.’

સુંદર - ‘હું કંઈ તારો ભાઈ નથી, પણ સાંભળ ત્યારે. આ જગતમાં લોક સંસાર શું કરવા માંડતા હશે ?’

કુસુમ - ‘તમને તેમ ગમ્યું. ગમવા ન ગમવાની વાત ; તેમાં કારણ શાં ? કોઈને ભાવે ગળ્યું, ને કોઈને ભવે તીખું. કોઈને ગમે સંસાર માંડવાનું ને કોઈને ગમે કુંવારા રહેવાનું.’

સુંદર - ‘ના, એમ નથી. ભાવવું ન ભાવવું તેનો આધાર જીભ ઉપર છે. પણ ભૂખની વાસના જેવી સંસાર માંડવાની વાસના પ્રાણીમાત્રને વખત આવે થાય છે. જેમ ઝાડમાત્રને પોતપોતાની ઋતુ આવ્યે ફળપુષ્પ થાય છે તેમ પ્રાણીમાત્રમાં યૌવનનો વા વાતો મોડી-વહેલી સંસારની વાસના જાતે ઉત્પન્ન થાય છે.’

કુસુમ - ‘પણ રાણીસાહેબનાં શિક્ષક મિસ ફલૉરા મડમ છે તે હજી કુંવારાં છે ;ને બીજું બોલું ?’

સુંદર - ‘બોલને.’

કુસુમ - ‘ના, પણ તમને ખોટું લાગે ને મને વઢો.’

સુંદર- ‘ના, નહીં ખોટું લાગે.’

કુસુમ - ‘બીજું તમે પણ ક્યારે સંસાર માંડ્યો છે ?’

સુંદર હ્ય્દયનો નિઃશ્વાસ હ્ય્દયમાં દાબી બોલી :

‘મેડમને વાસના નહીં થઈ હોય તો થશે ને આજ નહીં તો ચારે વર્ષે સંસાર માંડશે ને બેટા, કાકીની વાત કાકીનું હ્ય્દય જાણે છે કે પરમેશ્વર જાણે છે.’

કુસુમ - ‘ત્યારે તો તમને વાસના થઈ હશે.’

આંખો ચોળતી, આડું જોતી, સ્વસ્થ બનતી સુંદર બોલી :

‘જો, ઈશ્વરે જ્યાંજ્યાં પ્રાણ અને યૌવન મૂક્યાં છે ત્યાં ત્યાં એ વાસના પણ મૂકી છે. વિધાત્રી, લક્ષ્મીજી અને પાર્વતી એ જગદંબાનાં સ્વરૂપ; તેમાં પણ એ વાસના પ્રગટી છે તો તારી કાકી જેવી રંક જાત તે કોણ માત્ર ? વાસના તો યૌવન સાથે ઘડાઈ તે યૌવન સાથે જશે. પણ એ વાસના મારવી એ ડાહ્યાં અને સદ્‌ગુણી માણસનું કામ.’

કુસુમ જય મળ્યો ગણી ઊભી થઈ હસતી હસતી બોલી :

‘ત્યારે એ શુભ કામ કાકીથી બન્યું તે ભત્રીજી બનાવશે ! પણ એટલી હરકત સારુ પરણવાના ખાડામાં પડવાનું હોય તો આપણી ચોખ્ખી ના.’

સુંદરે હાથ ઝાલી કુસુમને પાછી બેસાડી.

સુંદર - ‘બેસ તો ખરી. એટલવામાં ફૂલી શું ગઈ ? આજ મેં તારી સાથે સહીપણાં માંડ્યાં ત્યારે બધુંયે કહેવું પડશે ને એ કહેવાનું હજી ઘણું છે.’

કુસુમ - ‘લ્યો કહો. તમને કહેતાં થાક નહીં ચડે તો મને સાંભળતાં શો થાક ચડવાનો છે ?’

સુંદર - ‘તું જાણે છે કે વાસના મારવાનું કામ સહેલું છે. પણ એના જેટલું વિકટ કામ કોઈ નથી. ઋષિમુનિ અને બ્રહ્માદિક લોકે એનાથી પરાભવ પામી ભૂલો ખાધી છે.

કુસુમ - ‘પણ એ તો પુરુષોની વાત કરી. એ વાસના ગમે તેવી વિકટ હશે, છતાં જગતમાં સતીઓ કેટલી બધી થઈ ગઈ છે ? હું ધારું છું કે આ વાસનાને જીતવામાં પુરુષોના કરતાં સ્ત્રીઓ વધારે ફાવી હશે, તેથી જ્યારે પુરુષોમાં મોટામોટાની ચૂકો ગણાઈ છે ત્યારે સ્ત્રીઓમાં મોટાંમોટાનું સતીપણું ગણાય છે.’

સુંદરને ભત્રીજીની બુદ્ધિ ઉપર વહાલ ઊપજ્યું ને બોલી :

‘બેટા ! તારામાં અનુભવનું કામ સારવા ઈશ્વરે બુદ્ધિ આપી છે. સતીઓ વધારે થઈ છે તેના અર્થ તો બે થયાં. એક તેં કહ્યો તે. અને બીજો એવો થાય કે પુરુષો ઘણુંખરું સારા હોય છે ને માત્ર ભૂલો કરનારા આંખે ચડે છે, ત્યારે સ્ત્રીઓ ઘણીખરી નઠારી હોય છે ને તેમાંથી માત્ર થોડી સારી નીવડનારીઓ છે તેથી તેમનાં દૃષ્ટાંત લેવાય છે. આવો યે અર્થ કરનાર કરે, ને પુરુષોની બોલીમાં ને પુસ્તકોમાં લોક આપણ સ્ત્રીઓને ગાળો દેતા આવ્યા છે કે સ્ત્રીઓ જાતે નઠારી તેથી પુરુષ ફસાય છે. હવે ખરી વાત જોઈએ તો આમાં કંઈક સાચું છે ને કંઈક ખોટું છે.’

કુસુમ - ‘કેવી રીતે ?’

સુંદર - ‘વાસના તો ઈશ્વરે પુરુષ અને સ્ત્રી બેમાં મૂકી છે. પણ

સ્ત્રીની વાસનાને માથે કેટલાક અંકુશ ઈશ્વરે મૂક્યા છે ને કેટલાક લોકે મૂક્યા છે. સ્ત્રીને લજ્જાનું ભૂષણ છે તે જ એની વાસનાનો અંકુશ છે. જે સ્ત્રી લજ્જાવતી છે તેની વાસનાને બહાર ફૂટી નીકળતાં મહાપ્રયત્ન પડે છે માટે આ લજ્જાનું પોષણ કરવું. એમ જ સ્ત્રીને પોતાની જાતનું અભિમાન હોય છે અથવા પોતાના કુળનો વિચાર હોય છે તે સર્વ આ વાસનાના અંકુશ છે.’

કુસુમ - ‘ત્યારે શું સ્ત્રીઓ આ અંકુશને વશ છે તેથી સારી છે અને તેનું પોતાનું જાતબળ નથી ?’

સુંદર - ‘છે. એ પણ છે અને અંકુશ પણ છે. સ્ત્રીના શરીરમાં બળ નથી, પણ હ્ય્દયમાં એવું બળ છે કે દુષ્ટ પુરુષો સતીના સામું જોતાં કંપે છે. રાવણ જેવો સીતામાતાને હરી ગયો ખરો, પણ અશોકવનમાં બાર વર્ષ માજી રહ્યાં ત્યાં એ દુષ્ટ, તેમના દૃષ્ટિપાતથી ધ્રુજતો, આવીને જતો રહેતો, અને રામજીના સામી લડવા છાતી ચલાવી, પણ માજીના શરીરને અડકી શક્યો નહીં. બેટા ! રામજીના કરતાં સીતાજીએ વધારે પરાક્રમ કર્યું અને સ્ત્રીજાતને માથે એમનો હાથ હોય ત્યાં સુધી પુરુષ જખ મારે છે. અને પુરુષો સારા અને પંડિત હોય, પણ જાતે વાસનાને રોકી શકતા નથી ત્યારે સામી સ્ત્રી પોતાનું બળ બતાવી પુરુષને સારે રસ્તે ટકવા દઈ શકે એમ હોય છે. પુરુષ અને સ્ત્રી બે સારાં હોવા છતાં બે જણને વાલના ઉત્પન્ન થાય તેવે કાળે જો સ્ત્રી ધારે તો તેને બળે બે જણ શુદ્ધ રહી શકે અને વાસના નિષ્ફળ થાય. એવું છતાં સ્ત્રી પોતાનું બળ આવી સારી રીતે વાપરવાને ઠેકાણે પુરુષને લલચાવવા બેસે તો પુરુષનું ગજું નથી કે વાસનાને રોકી શકે, પુરુષની લલચાવી સ્ત્રી ન લલચાય, પણ સ્ત્રીનો લલચાવ્યો પુરુષ ટકી શકે એમ ન ધારવું. આવી જાતનું પોતાનું છતું બળ સ્ત્રીઓ ન અજમાવે ત્યારે સાધુ પુરુષો એમને ગાળો દે તે તેમનો વાંક નહીં.’

કુસુમ - ‘ત્યારે મને લાગે છે કે એક પુરુષ અનેક જીવતી સ્ત્રીઓ કરે અને સ્ત્રી વિધવા થાય પછી પણ તમારી પેઠે -જાઓ, નહીં કહું. પણ આપણા લોકમાં આવુ ચાલે છે તેનું કારણ એ જ હશે કે પોતાની અને પુરુષની વાસના રોકવામાં બધી બાજી સ્ત્રીના હાથમાં છે-’

સુંદર - ‘વાહ ! દીકરી, જીવતી રહેજે. અને એટલા માટે જ આપણે પુરુષના વાદ નહીં. એટલા માટે જ શાસ્ત્રમાં આપણે માટે મર્યાદાઓ મૂકી છે.’

કુસુમ - ‘સુધારાવાળા એમ કહે છે કે પુરુષ બળવાન છે ને સ્ત્રી અબળા છે તેથી પુરુષોએ શાસ્ત્રો કરી સ્ત્રીઓના સુખની મર્યાદાઓ બાંધી અને પોતે સ્વતંત્ર રહ્યા.’

સુંદર - ‘ના બેટા, એ સુધારવાળા પુરુષો ઝીણવટ સમજતા નથી. બાળક મોટાની સાથે લડવા માંડે ત્યારે બાળકની પેઠે અમર્યાદા ન થતાં બાળકનું રક્ષણ કરી તેને કઠેકાણે વાગી બેસે નહીં એમ લાપટઝાપટ કરી બાળકને વશ કરવું એ મોટાનો ધર્મ. નિર્બળ અને બળવાન, સમજુ અને અણસમજુ એવાંઓના પરસ્પર વ્યવહારમાં બળવાન અને સમજુને માથે મર્યાદા અને ધર્મ હોય છે. સંસારની વાસનાઓને અંગે સ્ત્રી પુરુષ કરતાં વધારે બળવાળી છે અને સ્ત્રી બળ કરી વાસના રોકી શકે છે માટે શાસ્ત્રે બાંધેલી મર્યાદાઓ પાળવી એ સ્ત્રીના બળનો ધર્મ છે.’

કુસુમ - ‘જ્યારે એમ સ્ત્રીઓમાં બળ છે ત્યારે મને પરણવાનું કેમ કહો છો ?’

સુંદર - ‘બધી સ્ત્રીઓ બળવાળી નથી હોતી.’

કુસુમ - ‘તે બળવાળી ન હોય તે પરણે અને બળવાળી ન પરણે.’

આનો ઉત્તર સુંદરને બરોબર સૂઝ્‌યો નહીં, તો પણ વિચાર કરતી બોલી :

‘જો, બળવાળી પોતાના બળને લીધે ન પરણે તો બળ વગરની બીજી લાલચોથી ન પરણે. એક જણ ચાલ પાડે તો બધે ઠેકાણે ચાલ પડે, માટે શાસસ્ત્રવાળાએ ઘણો વિચાર કરી પાળ બાંધી તેને પાણી ઓળંગી શકે નહીં. બેટા ! આપણાં પ્રારબ્ધ આપણા હાથમાં નથી. પણ અનુભવી લોક અને ત્રિકાળજ્ઞાની ઋષિમુનિઓ આપણાં પ્રારબ્ધ બાંધી ગયાં છે તેમાં સર્વ લોકનું અને આપણું કલ્યાણ જ રહેલું છે. તેમણે મારે માટે આવું પ્રારબ્ધ બાંધ્યું અને તારે માટે પરણવાનું પ્રારબ્ધ બાંધ્યું તેમાં મહારાજ મણિરાજ પણ ફેર કરી શકે એમ નથી, તો તારા પિતાજી ભણીની તો આશા તારે મૂકવી જ !’

કુસુમ - ‘વારુ, એ તો બધું ઠીક. પણ ધારો કે આરજાઓ, બાવીઓ અને મડમો કુંવારી રહે છે તેમ હું પણ રહું તો મને પોતાને શી હાનિ !’

સુંદર - ‘તું આજ ધારે છે કે તારામાં વાસના રોકવાનું બળ છે, પણ તે હંમેશ તેમ જ રહેશે એમ ન ધારવું.’

કુસુમ - ‘પછી ?’

સુંદર - ‘પુરુષને માયાની બીક. પણ સ્ત્રીને માયા અને કાયા બેની બીક.-જ્યાં જાય ત્યાં બીક. ડગલેપગલે ને પળેપળે ને વસ્તીમાં તેમ એકાંતમાં પણ એ બીક.’

કુસુમ - ‘પછી ?’

સુંદર - ‘શરીરની રચના ઈશ્વરે એવી કરી છે કે પુરુષ ગમે તેટલી ભૂલો કરે તે જગત જાણે નહી; પણ સ્ત્રીની એક ભૂલથી એવું થવા વારો આવે કે તેનું શરીર જ તેની અધોગતિ પ્રસિદ્ધ કરે અને તેની મુક્તિ ગમે તો બાળહત્યાથી કે ગમે તો નાત, જાત અને લાજનો ત્યાગ કર્યાથી જ થાય. કુસુમ ! સંસારના જરીક સરખા પણ લહાવાની અનુભવી વિધવાને પ્રારબ્ધનો સંતોષ રહી શકે પણ સંસારનું સ્વપ્ન પણ જેણે દીઠું નથી એવી કુમારિકાને આ સંતોષ શી રીતે વળવાનો હતો અને આ પપળામણમાંથી તે શી રીતે તરવાની હતી ?’

કુસુમ - ‘પછી ?’

સુંદર - ‘તું હાલ સમર્થ માતાપિતાની છાયામાં રહે છે અને ટાઢતડકો જાણતી નથી. પણ તારાથી જાતે કમાવા જવાનું નથી; ઘડપણ, મંદવાડ, અને મરણ સૌને માથે ભમે છે અને માબાપની એકઠી કરેલી લક્ષ્મીનો વિશ્વાસ નથી. તારાં માતાપિતાની જે સ્થિતિ આજ છે તે નિત્ય રહેવાની નથી, અને તેમના દેહ નહીં હોય ત્યારે તું અશરણ થઈ સંસારમાં એકલી પડીશ, તારી દાઝ દયા જાણનાર કોઈ રહેવાનું નથી, અને તું કાકીના બોલ સંભારીશ ન રોઈશ-પણ તારાં આંસુ લોહનાર અંગનું માણસ તને મળવાનું નથી.’

કુસુમ - ‘પછી ?’

સુંદર - ‘પરણેલી રાંડે તેને પિયર ને સાસરું બે છે. મારાં ભાઈભોજાઈને મારું મોં ગમ્યું નહીં અને મને ભૂખીતરસી ઘરબહાર કાઢી ત્યારે પરણી હતી તો મારે આટલાં નાનાં ભાભી હતાં તેને મારી દયા આવી. ગુણસુંદરી હતાં તો સુંદર આજ જીવે છે. કોઈ ઠેકાણે દરબારની બીકે તો કોઈ ઠેકાણે લોકલાજથી, કોઈ ઠેકાણે લોકલાજથી તો કોઈ ઠેકાણે ગયા સ્વામીના સ્મરણથી, કોઈ ઠેકાણે તેથી તો કોઈ ઠેકાણે કુટુંબભાવથી કે દયાથી, મારા જેવી અનેક રાંડીરાંડો સાસરિયામાં સમાસ પામે છે અને એક ઠેકાણે ભોજાઈને જેનું મોં ગમતું નથી તેનું મોં સાસરાની દેરાણી-જેઠાણી કે દિયરજેઠ જુએ છે અને બીજે ઠેકાણે સાસરિયાંને દયા ન આવે તો ભાઈ બહેનને સંગ્રહે છે. કુસુમ ! વગર પરણેલી કુમારિકા ભાઈને પણ ભારે પડે અને ભાઈ કહેશે કે પરણવાનું હાથમાં છતાં પરણતી નથી ને મારે માથે પાંચશેરિયો થઈ બેઠી ! તને ખબર છે કે ગરીબ પિયરમાં પરણેલી દીકરી સાસરે જતાં વાર લગાડે તો ગાળો ખાય છે, તો જન્મારા સુધી માથે પડ્યા જેવી બહેન કયા ભાઈને ગમવાની હતી ?તારે ભાઈ આવશે ને તું સાસરેથી ચાર દિવસની મહેમાન થઈ પિયર આવીશ તો ભાઈ તારો સત્કાર કરશે, પણ કુંવારી રહી તો ભાઈ તારો ભાર વેઠી શકશે નહીં અને તેને તારું મોં પણ નહીં ગમે. હું વિધવાને સુખ છે તે પણ તું કુંવારી રહીશ તો તને નહીં મળે.’

કુસુમ - ‘પછી ?’

સુંદર - ‘શું - પછી - પછી- કર્યા કરે છે ? મેં આટલું કહ્યું તેનો કંઈક ઉત્તર તો દે ? અમે કૂતરાં તે ભસભસ કરીએ ને મોંઘીબા મારાં બોલે ન બોલે.’

કુસુમ - ‘કાકી ! ક્રોધે ન ભરાશો. તમે અનુભવી વાતો કહી. તેનો હું ધીમેધીમે વિચાર કરીશ ને કંઈ માર્ગ કાઢીશ.’

સુંદર - ‘શાના માર્ગ કાઢવાની હતી જે ? ભાઈબાપા કર્યે નહીં માને તો હાથપગ બાંધીને મનાવવું પડશે.’

કુસુમ - ‘તે હાથપગ બાંધજો ને માથુંયે મરડી નાખજો. એમાં કાંઈ લેવા જવું છે ? બાકી વિચાર કરવા જેવું હોય ત્યારે તરત ઉત્તર ન યે દેવાય.’

સુંદર - ‘ન દઈશ, બાપુ, ન દઈશ. હું જાણું જ છું તો કે કુમુદ રાંક હતી તેણે મરીને તારી માને દુઃખ દીધું અને તું કુંવારી રહીને દેવાની છે. જુવાનીમાં જેને સાસુનણંદે જંપી બેસવા ન દીધાં તેને આજ દીકરીઓ શી રીતે જંપવા દે ?’

કુસુમ - ‘તે, કાકી, એ વાત નહીં થાય. ગુણિયલનું કહ્યું કરવાની મેં ના કહી નથી. મારા વિચાર વાળવાની વાત હતી- તે વિચાર તમારાથી વળે તો વાળો. મારા વિચાર વાળ્યા વગર મારી મરજી ઉપરાંત કંઈ કરવું હશે ને કરશો તો હું એટલી શ્રદ્ધા રાખીશ કે મારાં છત્રરૂપ છો ને અનુભવી છો તે જે કરશો તે સારું જ હશે. બાકી મારા વિચાર તો જે હોય તે. તે ઉપર મારું જેર નહીં.’

આટલું બોલે છે ત્યાં આસપાસ કોઈના પગનો ઘસારો થયો. તેની સાથે આ વાતો બંધ પડી અને બે જણ ઘસારાની દિશામાં જવા ઊઠ્યાં.

૧. સીતાજી અશોકવનમાં ‘ચૌદ માસ અને દસ દિવસ’ રહ્યાં હતાં એમ તુલસીકૃત તથા ગિરધરકૃત રામાયણ જણાવે છે. આ હકીકત પ્રત્યે ધ્યાન ખેંચવા માટે અમે શ્રી કૃષ્ણપ્રસાદ ભટ્ટના ઋણી છીએ. -પ્રકાશક.