Kauna Vanke? books and stories free download online pdf in Gujarati

Kauna Vanke?

કોના વાંકે ?

મીનાક્ષી વખારિયા



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

કોના વાંકે ?

શાલુ હમણાં જ નાહીને નીકળી હતી તેના ખુલ્લા ઘટાદાર કાળા કાળા કેશમાંથી જલબિંદુ જાણે મોતી બની ટપકી રહ્યા હતા. તેણે પહેરેલી સફેદ સાડીના પલ્લુને વ્યવસ્થિત ગોઠવતા અરીસા સામે ઉભી રહી અને પોતાના કોરા કપાળને જોઈ રહી. એક ઊંંડો નિસાસો નાખી ચહેરા પર ઝળૂંબતી કાળી લટોને પાછળ હડસેલતી, ટુવાલથી કેશ કોરા કરવા લાગી. કાળી લટો,બદામની ફાડ જેવી સુંદર આંખો અને ગાલ પરનું નાનકડું કાળું તલ તેના ગોરા ચહેરાને ઓર નિખારી રહ્યું હતું. ન કોઈ સાજ કે શણગાર તોયે તે અતિ સુંદર લાગતી હતી, એવું વિચારતાં જાણે મોઢામાં કોઈ કડવો સ્વાદ આવી ગયો હોય તેવા ભાવ તેના ચહેરા પર ઉભરી આવ્યા. બળ્યું, આ રૂપ જ તો તેનું વેરી બનેલું ને !

તેના રૂપને જોઈને આસપડોશના લોકો તેની મા ’કિશોરી’ ને કહેતા કે, "તારે ત્યાં તો સ્વર્ગની કોઈ અપ્સરા ભૂલી પડી ગઈ લાગે છે, તેના માટે વર પણ રાજકુમાર જેવો જ શોધવો પડશે." અને કિશોરી એને જોઈ હરખાતી. ઘરમાં સૌ કોઈ શાલુને લાડ કરતું, ઘર બહાર પણ એ સૌનું ધ્યાન ખેંચતી. સાધારણ સુખી ગણાતા રૂઢિચુસ્ત બંગાળી પરિવારમાં તેનો જન્મ થયેલો. તેની મા તો અત્યારથી ખાનદાની ઠાકુરના ઘરમાં શાલુને પરણાવવાના ઓરતા જોવા માંડી હતી. તેના લગ્ન વિશેની કોઈ વાત નીકળતી તો તરત જ શાલુ એ વાતને કાપી નાખતા કહેતી કે “મા, ઉતાવળ ના કર. મારે પણ બાબાની જેમ વકીલ બનવું છે, હવે તો છોકરીઓ પણ ભણતી થઈ ગઈ છે.”

કિશોરી તેને ટોકતા કહેતી કે, “રહેવા દે, છોકરીની જાત થઈને હવામાં ન ઉડ. સમયસર સારો છોકરો મળી જાય તો આવેલી તક કેમ ગુમાવવી ?”

માનું આવું કથન સાંભળી શાલુ મનમાં જ વિચારતી, ‘કેમ, હું છોકરીની જાત તેથી મારી ઈચ્છા પ્રમાણે ન ઊંડી શકાય, એવો કોઈ નિયમ છે શું ?’ પણ મા જોડે વિવાદ કરવો વ્યર્થ છે વિચારી ચૂપ રહેતી. બાબા પાસે તો બોલવું જ અસ્થાને હતું, એ તો વકીલાતની પ્રેકટીસમાં ગળાડૂબ ડૂબેલા રહેતા. તો યે ભણેલા ગણેલા બાબુ લોકની સાથે ઊંઠબેસ થતી તેથી તેમના વિચારોમાં સુધાર થયો હતો અને શાલુને ઉડવા માટે મુક્ત આકાશ આપવા ક્યારેક તો મનાવી લેવાશે તેવું આશ્વાસન શાલુ પોતાના મનને આપતી રહેતી. ભણવા સિવાય શાલુએ પાકકળા, ભરતગૂંથણ અને સંગીત પણ શીખવું જોઈએ કારણ કે ‘તે છોકરી છે ને’ ! એવું તેની મા માનતી હતી, એટલે શાલુએ એ કળાઓ પણ હસ્તગત કરી લીધી હતી એમ ના કરત તો મા એને ગાડી ડરાઈવિંગ કોર્સ ન જ કરવા દેત !!!

ચાલો, શાલુની વાત આપણે તેના સ્વમુખે જ સાંભળીએ.

શાલુ - ‘આજે પાછું વાળીને જોંઉ છુ તો મને બહુ જ પસ્તાવો થાય છે, તે દિવસે મા ની વાત માની હું છેલ્લા શૉ માં પીકચર જોવા ન ગઈ હોત તો મારી જિંદગીનો મકામ કઈ જુદો જ હોત. મા એ મને કેટલી વારી હતી તે દિવસે છેલ્લા શૉ માં ન જવા માટે’ ! કિશોરી બોલી હતી કે, “છોકરીની જાત થઈને મોડી રાત સુધી ઘર બહાર રહેવું સારૂં ન કહેવાય.” પણ મેં બહુ જ લાપરવાહીથી જવાબ આપેલો, “મા હું ક્યાં એકલી જાવ છું ? મારી બીજી ત્રણ ફ્રેંડસ પણ છે ને મારી સાથે. અમે સાથે જીશું સાથે પાછા આવીશું. આપણાં જ ઘરેથી ગાડીમાં જીશ તે સીધી થિયેટર પર અને ત્યાંથી પરત ગાડીમાં બેસી આવવાનું છે તેમાં તું ના કેમ પડે છે ? વળી નવા આવેલા આ હીટ પિક્ચરની ટિકિટ પણ માંડ માંડ મળી છે, પહેલા દિવસે નવું પિક્ચર જોવાની મજા જ કઈ અનોખી હોય છે. પ્લીઝ, પ્લીઝ એકવાર જવા દે મા, બીજીવાર તું કહેશે તેમ કરીશ. ગોડ પ્રોમિસ મા. ‘હા’ બોલને, માય સ્વીટ મોમ. અને... મા મારાં કાલાવાલાથી પીગળી ગઈ.

શીલા,રીટા,મીનાને મારી ઘરે જ બોલાવ્યા હતાં, મારી જ ગાડીમાં સૌ સાથે મળી પિક્ચર જોવા ગયા. મારૂ ધારવું હતું કે મારૂ મુંબઈ જે રાતે પણ લાઈટોના ઝગમગાટ અને લોકોની ચહલ પહલથી જાગતું શહેર છે ત્યાં અમારે ડરવાની કોઈ જ જરૂર નથી, છેલ્લો શૉ સાડા બાર વાગે પત્યો, કાર પાર્કિંગમાંથી જ ગાડીમાં બેઠા, સરસ પિક્ચર જોયાનો આનંદ હતો. મુડમાં આવી ગીતો ગાતાં ગાતાં, ખાલી રસ્તા પર મેં ગાડી દોડાવી મૂકી, એક પછી એક ફ્રેંડને તેમના ઘર પાસે ઉતારતી હું હવે એકલી જ બાકી રહી હતી બસ પાંચ જ મિનિટમાં તો ઘરે... એવું વિચારી રહી હતી...

અચાનક ગલીના નાકેથી ચાર માણસો ફૂટી નીકળ્યા અને બમ્પર નજીક ગાડી ધીરી પડતાં ગાડીની સામે આડા આવી ઊંભા રહી ગયા. મને ગાડીનો દરવાજો ખોલી બહાર આવવા કહેવા લાગ્યાં મેં ચારે દરવાજાના લોક ચેક કરી લીધા. હાશ, ગાડી તો લોક હતી મને તે વખતે ઘણી ધરપત થયેલી. એ લોકો ગાડીની ચારે તરફ ગોઠવાઈ ગયા. મેં મોબાઈલથી ઘરે કોન્ટેક કરવા પ્રયત્ન કર્યો પણ હાય રે નસીબ ફોનની બેટરી ડાઉન હતી. હું ગાડીની બહાર ન નીકળી તો પત્થર મારી ગાડીનો કાચ તોડી મને ગાડીની બહાર નીકળવા મજબૂર કરી. મેં મદદ માટે બૂમો પાડવાની કોશિશ કરી તો મારા મોમાં કપડાનો ડૂચો ખોસી દીધો, મારા પ્રતિકારને નિષ્ફળ બનાવી, રીતસર ટીંગાટોળી કરી મને અવાવરૂ પડેલા મકાનમાં લઈ ગયા. એ હવસખોરોએ એકપછી એક વારંવાર બળાત્કાર કરી મને પીંખી નાખી. મારા કપડાં ફાટી ગયેલા, કફોડી હાલતમાં મને નિઃસહાય છોડી ભાગી ગયા.

મધરાતે જેમતેમ ઘરે પહોંચી, મા એ દરવાજો ખોલતા મને લઘરવઘર હાલતમાં જોઈ કઈ કહ્યા વગર બધુ સમજી ગઈ. તેને આઘાત તો લાગ્યો જ હશે પણ એ પચાવી તેણે મને ચૂપ રહેવા કહી મારા રૂમમાં લઈ ગઈ સર્વ બીના જાણી મને મોઢું બંધ રાખવા જણાવ્યુ જાણે મેં કોઈ ગુનો કર્યો હોય, મને તો એમ કે મારી મા પોલીસ કંપ્લેઈન કરશે અને તેની લાડકીના ગુન્હેગારને સજા અપાવશે. તેથી ઉંધુ મેં કંપ્લેઈન કરવાની વાત કરી તો મને કહે, આવડું મોટું પરાક્રમ કરીને આવી છે તે તારે તારે જગજાહેર કરવું છે ? હજીયે શરમ નથી આવતી નથી તને ? એક તો કુટુંબનું નાક કપાવીને આવી છે તે ! બાબા સાથે મા ને શું વાત થઈ હશે કે સવારે ઉઠેલા બાબાનું વર્તન તો મારી તરફ ઘણું જ ઠંડુગાર, ઉષ્માવિહીન અને વિચિત્ર હતું, એક જ રાતનાં બનાવમાં હું ગુન્હેગારના કઠેડામાં જી પહોંચી હતી. કોઈ ન જાણે તેમ મને ડોક્ટર પાસે લઈ જવાઈ, મારા મલમપટ્ટી થયા પણ મારા દિલનાં ઘાવને સાવ જ નજરઅંદાજ કરાયાં.

એક દિવસ મારાંથી ઉંમરમાં દસ વરસ મોટા ખાધેપીધે સુખી એવા વિધુર સાથે મારા લગ્ન કરાવી આપવામાં આવ્યા,મારી પસંદ નાપસંદ જાણવાની કોશિશ પણ નાં કરી. મારો વર શ્યામ, દેખાવમાં પણ ખાસ કઈ નહીં. મને (કલંકિનીને) ઘરમાંથી જલ્દી કાઢવામાં કોઈ રાજકુમારનું માંગુ આવે ત્યાં સુધી તે લોકો રાહ જોવા તૈયાર નહોતા તો બીજા કોઈની શું અપેક્ષા? મને અતિશય લાડ કરતાં મારાં મા-બાપને લોકોની, સમાજની, કુટુંબની બદનામીની ફિકર હતી મારી નહીં ! હું તો જાણે પર્વતના શિખરેથી ઊંંડી ખાઈમાં ધકેલાઈ ગઈ. માબાપ માટે હું દોષિણી હતી તો મારા પતિ મારા રૂપને લઈને હમેંશા મારી પર શંકા કરતાં. તેમની શંકાશીલ નજરો સતત મારો પીછો કરતી હોય એવું મને લાગતું. એમનો પ્રેમ તો શું, સહાનુભૂતિ પણ મને મળે તેમ નહોતી કારણ હું અતિશય રૂપાળી હતી !!! ઘર બહારનું કામ તો પતિશ્રી જ પતાવતા, આસપડોશમાં પણ બોલવા ચાલવાનું નહીં, વહેવારમાં જવું જ પડે તો મારે સૌ કોઈ સાથે હળવા-ભળવાનું નહીં. આગલા લગ્નથી, (એમના એ લગ્ન, બાળલગ્ન હતાં) થયેલો એકનો એક દિકરો ‘ઉત્તમ’ જુવાનીમાં પ્રવેશેલો તેને અમારા લગ્ન પહેલા જ મારાં પતિએ ઉત્તમના નૌનિહાલમાં નિઃસંતાન મામાને સોંપી દીધેલો. કદાચને જુવાન પુત્રની મારાં પર નજર બગડે તો ? ઓહ કેટલા હલકા વિચાર હતાં મારાં પતિના ! એમણે પોતાના સાસરીમાં યે કોઈ જોડે સંબંધ નહોતો રાખ્યો. એકવાર કોઈ તહેવાર નિમિતે મારાથી ઉત્તમને અમારા ઘરે બોલાવવા વિશેની વાત નીકળી ગઈ તો, ઓ મા, મને કેટલી બેરહેમીથી મારીને અધમૂઈ કરી નાખી હતી ! વિચારતાં યે કમકમાટી છૂટી જાય છે. એમની આવી હલકી વિચારસરણીથી જાણે હું જીવતા દોજખમાં જીવી રહી હોઉ તેવું અનુભવી રહેતી. હવે હું મારા જ ઘરમાં નજરકેદ હતી. ક્યારેક કોઈ પુરૂષ માણસ સાથે વાત કરવાનો પ્રસંગ પડતો તો કાનના કીડા ખરી પડે તેવી ગાળોથી જ મને ભાંડવા લાગતાં. ડગલેને પગલે મને અપમાનિત,હડધૂત કરતાં રહેતા. એમને દમની અસાધ્ય બીમારી હતી તેમાં વળી ડબલ ન્યુમોનિયા થઈ જતા એક દિવસ મને વિધવાનું લેબલ લગાડી તેઓ પ્રભુને પ્યારા થઈ ગયાં. હું સ્વતંત્ર તો થઈ, મારાં જીવનનિર્વાહની પણ ચિંતા કરવાની જરૂર નહોતી કારણ તેઓ જે કઈ મૂકી ગયાં હતાં તેમાં હું જીવું ત્યાં સુધી ગુજારો ચાલી જાય તેવું હતું. હવે સમય કેવી રીતે વિતાવવો તે પ્રાણપ્રશ્ન બની ગયો. મારે મારાં માબાપને ત્યાં તો જવું જ નહોતું, તેમના રૂક્ષ વર્તનથી, તેમના તરફ મારૂ મન ઉઠી ગયેલું. બહારની સ્વાર્થી દુનિયામાં નીકળીને પણ જોયું ત્યાં યે લુચ્ચા હવસખોર શિકારીઓની ખોટ નહોતી, જ્યાં જતી ત્યાં મારૂ આ રૂપ જ અભિશાપ બનતું અંતે કંટાળીને મેં બે ત્રણ જાણીતાં બાંગ્લા અને અંગ્રેજી સ્ત્રી મેગેઝિનમાં ‘શીલ’નાં ઉપનામથી મારૂ લખાણ મોકલવાનું ચાલુ કર્યું જે હું ઘરે બેસીને કરી પણ શકતી હતી. મારાં લખાણો વધારે પડતાં સ્ત્રી લક્ષી રહેતા તેમના ઉત્થાન અને ઉધ્ધાર માટે હું મારાં લખાણો દ્વારા સમાજમાં પરીવર્તન લાવવા પ્રયત્નશીલ રહેતી. સમાજમાં શીલનું નામ સ્ત્રીઓની ખરી સખી તરીકે જાણીતું થઈ ગયું. ઘણા માન અકરમો શીલને નામે જાહેર થયા પણ પ્રત્યક્ષ ક્યારેય લેવા ગઈ નથી કારણ હવે મેં સ્વેચ્છાએ કેદ સ્વીકારી લીધી હતી. હવે એ શાલુ ભૂલાતી જતી હતી જે કલંકિની હતી, પણ સ્વરૂપવાન શાલુ હજીયે પોતાના ઘરની ચાર દિવાલોમાં નિઃસાસા નાખતી જીવી રહી છે.

મેં રાતના શૉ માં પીકચર જોવાની ભૂલ કરી હતી તો સમાજના ડરે મારાં મા-બાપે દમિયલ પતિ સાથે મને પરણાવી, મારાં પતિએ મને હમેંશા શંકાની નજરે જોઈ તો સ્વતંત્ર સ્ત્રી તરીકે મને દુનિયાની હવસખોર આંખોએ ઘરમાં કેદી તરીકે રહેવા મજબૂર કરી, મારો જન્મ સ્ત્રી તરીકે થયો હતો તે મારી ભૂલ હતી ? હું સ્વરૂપવાન હતી તે મારી ભૂલ ? મારી એક ભૂલે મને ‘દોષિણી’ બનાવી દીધી અને મારી જિંદગીની દિશા બદલાઈ ગઈ કોના વાંકે ?

- મીનાક્ષી વખારિયા