Jena Khissa khali aena ratapani books and stories free download online pdf in Gujarati

જેના ખિસ્સા ખાલી એના રાતાપાણી

જેના ખિસ્સા ખાલી એના રાતા પાણી....!

માણસનો પહાડ જેવો પ્રોબ્લેમ હોય તો એટલો કે, મગજ ખાલી નહિ હોવું જોઈએ ને ખિસ્સું...! ભગવાને બે મગજ કેમ આપેલા, એ હજી ઘણાનો યક્ષ પ્રશ્ન છે...! પણ ભગવાન ની રચનામાં ભૂલ કાઢવા જાય તો, બાપા લાકડી કાઢે...! એવું પણ કહેવાય નહિ કે, ભગવાનમાં આવડત નથી. પણ મનમાં ને મનમાં મૂંઝાય કે, એક ગાડીમાં બબ્બે એન્જીન તે વળી ફીટ થાય....? પણ ભગવાન જાણે કે, માલ પૃથ્વી ઉપર મોકલવાનો છે, ને ત્યાં એનું ભેજું સોલ્લીડ ઘસાવાનું જ છે...! એને ખબર કે, લગન પહેલાં નાનું મગજ વપરાય જાય તો, લગન પછી એને મોટાં મગજની જરૂર પડશે. ધરાયને વાપરી શકે....! ભગવાન અંતર્યામી છે ને યાર....?

ભેજાંબાજો ભલે કચવાતા હોય કે, ડબલ ભેજાં ફીટ કરીને ભગવાને પણ ગેરવહીવટ જ કરેલો. ડબલ ભેજાને બદલે ડબલ ‘ હાર્ટ ‘ ફીટ કર્યા હોત તો....? એક બંધ પડે તો, બીજું જનરેટરથી પણ ચલાવી શકાય. માણસ છે ભાઈ.....! માણસનું ચાલે તો, ગેરવહીવટ સાબિત કરીને એ ભગવાનને પણ સુપરસીડ કરવાનું લાવે. બધાં જ કંઈ ટેસ્ટી દૂધપાક જેવાં થોડાં હોય....? કેટલાંક ફાટેલા દૂધપાક જેવાં પણ નીકળે. પોતે જરૂર કરતાં દશ ઘણા ખિસ્સા પેન્ટ પર પ્રગટ કરે તો ચાલે, ને બબ્બે મગજ માટે ભેજાંમારી કરવાની...! કરે....! હોંશિયારી તો એવી કે, પેન્ટમાં ઊંડેથી એક ચોરખીસ્સી પણ રાખે. પછી જેવી જેની ઘરવાળી, તેવી તેની ખીસ્સી......!

ચમનીયો જેટલો ખુલ્લા મગજવાળો, એટલો જ પાછો ફાટેલા મગજ વાળો પણ ખરો. મગજ જેટલાં જ એના પેન્ટના ખિસ્સા પણ ઉઘાડાં. પેન્ટની અંદર કરતાં, ખિસ્સા બહાર વધારે....! ભલે પછી અંદરથી ફાટેલા હોય....! આપણને ખબર જ નહિ પડે કે, એણે પાટલુન પહેરી છે, કે પાટલુને ખિસ્સા પહેર્યા છે....? વળી ઉઘાડા ખિસ્સા આસોપાલવની માફક શોભાના જ હોય. ખિસ્સાકાતરૂ ને પણ ચક્કર આવી જાય, કે આને કાતારવો ક્યાંથી....? કયું ખિસ્સું કાતરૂ તો મને કાંદો મળે......? નાહકની સોનાની જાળને શું પાણીમાં નાંખવાની....?

બોસ....! ચમનીયાના આમ જુઓ તો બધાં જ ટેસ્ટ અલગ....! મૂ વાત તો એ કે પોતાનાથી કોઈ હોંશિયાર પુંછડા, એને મુદ્દલે નહિ ફાવે. પોતે પ્યોર નિરક્ષરજ્ઞાની, એટલે જ્ઞાનીઓનો તો એને પડછાયો પણ નહિ પચે. મને કહે, ‘ રમેશીયા, આ જ્ઞાન / બ્યાન તો બધી લોકમાયા જ છે. માત્ર મિથ્યા અભિમાન. આપણા ઋષિમુનીઓ પાસે કઈ યુનિવર્સિટીના ડિગ્રીના પ્રમાણપત્ર હતાં....? છતાં તંત્ર-મંત્ર ને યોગના બળે ચકાચક દુનિયા સજાવીને ગયેલાં જ ને....? ને રામાયણ / મહાભારતના ધર્મગ્રંથો મુકતા ગયેલાં તે અલગ. આજે ભણેલા પાસે પૂંછડા જેવડી ભલે લાંબી ડીગ્રીઓ છે. પણ એમનું એક તો પુસ્તક એવું બતાવ કે, જે કોઈનું પણ ધર્મગ્રંથ બન્યું હોય...? યાર....શું એક સમય હતો....? છાતી ઠોકીને આપણે કહી શકતાં કે, ‘ એક માતા સો શિક્ષકની ગરજ સારે છે. આજે તો સો માતાએ એક દીકરાના એડમીશન માટે લાઈન લગાવીને કાલાવાલા કરવાના....! એટલે બગડે ત્યારે તો એવો બગડે કે બરાડા પાડીને માંડવા માંડે કે, “ જલાદો ઇસે ફૂંક ડાલો યે દુનિયા, યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ.....? ને આટલું બોલતાં બોલતાં ભલે છ છ જેટલાં, શ્વાસના પંપ લેવા પડે, તો પણ અટકે નહિ.....! એ તો સારું છે કે, ભણતા ત્યારે શિક્ષક ‘ તુંડે તુંડે મતીર ભિન્ના....! ‘ નો અર્થ શિક્ષામાં ૧૦૦ વખત લખવા આપતા, એટલે એનો આક્રોશ આપણે પચાવી જઈએ. બાકી એની સાથે જો આપણે બધું ફૂંકવા જઈએ તો લોક આપણને બબુચક કહે. ને આપણી જો છટકે, તો પછી છટકબાજીનો અંત પણ નહિ આવે....!

ખિસ્સા દેખાવે સારાં, બાકી ખાલી ખિસ્સાએ તો ઘણાનો દાટ જ વાળ્યો છે. ખાલી ખિસ્સાવાળા જો રાતાપાણીએ નહાતાં હોય, તો એને વેઠી લેવામાં જ સાર....! પહાડ જેટલાં પ્રોબ્લેમને ખાલી ખિસ્સે સહન કરવા કંઈ સહેલા થોડાં છે....? ખિસ્સાં ટાઈટ હોય, ત્યારે તો ગધેડા પણ પવનની માફક ઉડવા માંડે. ઉપર બેઠેલો ટકેલો છે કે, ક્યાંક ‘ અટકેલો ‘ છે, એ પણ નહિ જુએ. ખાડા ખાબોચિયાને તો છલ્લાંગ મારીને ઠેકવી જ દે..! એટલે તો કોઈએ કહ્યું છે કે, ‘ જિસકા ખિસ્સાં ગરમ, ઉસકા નહિ કોઈ ધરમ....! ઔર જિસકા ખિસ્સા નરમ ઉસકા સબ ધરમ....! ‘

ચઢતી પડતી છે યાર....! માણસની પણ આવે, ને ખિસ્સાની પણ આવે. નફ્ફટાઈની હદ ત્યારે આવે, કે જે ખિસ્સાંએ તેજીલા ઘોડાની જેમ પોતાને દોડતો રાખ્યો હોય, એ ખિસ્સું જ્યારે ખાલી થઇ જાય, ત્યારે જ પરિવારનો દરેક સભ્ય એને વિજય માલ્યા.... લાગવા માંડે. ખિસ્સા ગરમ હોય, ત્યાં સુધી તો બધું જ સમુસુતરું ચાલે. પણ ફૂલેલા ફુગ્ગામાંથી નીકળી ગયેલી હવા જેવું ખિસ્સું થઇ જાય, ત્યારે મૂંઝારો આવવા માંડે. ને ભગવાનનું પણ આવી બને....!

ખિસ્સાને ક્યા કોઈ શરમ નડે કે, ધરમ નડે....! જ્યાં સુધી હોય પૈસા, ત્યાં સુધી હૈસા.....! અષાઢ-શ્રાવણ-ભાદરવો ને આસોના તહેવાર પણ જિંગાલાલા થઈ જાય. આફત ત્યારે ઉભી થાય કે, તૂટેલા કાંસકા સિવાય, ખિસ્સામાં કોઈ મૂડી નહિ હોય. મોઢું તો એવું થઇ જાય કે, જાણે જીવતા જીવત ડોહાનું બારમું નહિ ચાલતું હોય....? ને એમાં જો એકાદ અધિક માસ આવ્યો, તો ખલ્લાસ....! રેશનકાર્ડમાં નામ હોય એટલા બધાનું બારમું-તેરમું ને વરસી ચાલતી હોય, એટલી નીરવ શાંતિ આવી જાય. પૈસા બુરી ચીજ હૈ બાવા..! ભરેલે ખીસ્સે તો ભગલાભાઈ પણ ભપકા કરે, ખાલી ખીસ્સે ભપકા કરે ને, એને જ ભારત કહેવાય....!

અષાઢ થી આસોના ચાર મહિના એટલે તહેવારોનો હટવાડો....! આવાં તહેવારો-ઉત્સવો- ને પાર્ટીઓ આવે ત્યારે ખિસ્સાની પોઝીશન જોવી પડે કે, એ આપણને કેટલું વફાદાર રહેવાનું છે. એવાં જથ્થાબંધ તહેવારો આવે કે પૈસા ખૂટે, પણ તહેવાર નહિ ખૂટે....! ચમનીયાના આંઠ માસ તો એવાં ચકાચક જાય કે, જાણે અંબાણી પરિવારનો વેવાઈ નહિ હોય....? એ માર ખાય જાય, હિંદુ ધરમના આ ચાતુર્માસમાં....! તહેવારના મહિનાઆવે ને એને તાવ ચઢવા માંડે. એને ‘ તહેવારીયો ‘ તાવ કહેવાય....! બીજા બધાં તાવ તો મચ્છર ને પાણીથી ફેલાય, પણ તહેવારીયો તાવ તહેવારોની ભરમારથી ફેલાય. ખિસ્સાં સાવ ખાલી હોય, ત્યારે જ એ હુમલો કરે. પછી તો જેવાં જેના ખિસ્સા, તેવો તેનો તાવ....! ખિસ્સા ભરેલા હોય તો, તાવની અસર ઓછી, ને ખાલી હોય તો થર્મોમીટરને પણ તોડી ફોડોને મેદાન કરી નાંખે. લમણે હાથ મુકીને બેસવાની તાકાત પણ ખતમ કરી નાંખે. બાકી આખું વર્ષ છીંક તો ઠીક, સમ ખાવાની એક ઉધરસ પણ આવી હોય તો ‘બ્રીકીંગ ન્યુઝ ‘ બની જાય. આવા ટાણે તહેવાર ઉજવવા માટે જો પૈસા માગ્યા તો ખલ્લાસ.....! મોદી સાહેબના સત ચઢ્યા હોય, એમ ભાષણ જ ઝીંકવા માંડે....!

“ મિત્રો....! ભારતકી જનતાકે લિયે કહા ગયા હૈ કી, વો ઉત્સવ પ્રિય હૈ. કાકાસાહેબ કાલેલકરજી ને ભી ઉસે સમર્થન દિયે હૈ. વો ભી મૈ માનતા હું. પ્યારે ભાઈઓ ઔર બહેનો, ત્યોહારકા યે નાતા આજકા નહિ હૈ. સદીઓસે ચલા આ રહા હૈ. લેકિન આજ મૈ આપકો એ પૂછના ચાહતા હું, કી જ્યાદાતર ઘી તેલ ઔર તલા હુઆ ખોરાક ખાનેસે આદમીકા કોલોસ્ટ્રોલ બઢતા હૈ કી નહિ બઢતા હૈ....? સરહદપે, હમારે જવાન ગોલિયાં ઝૈલ રહે હૈ, ઔર હમ પટાખે ફોડે, એ બાત ગલત લગતી હૈ કી નહિ લગતી હૈ....? દેશમે કિતને ગરીબ લોગ હૈ, કી જિસકે પાસ પહનનેકે લીએ કપડે નહિ હૈ, તો એક ત્યોહારકે ખાતિર અચ્છે અચ્છે કપડે લાના બંધ કરના ચાહિયે કે નહિ ચાહિયે...? મિત્રો....મૈ ઐસા નહિ કહેતા હું કી, ત્યોહાર મનાના બંધ કરો, ત્યોહાર મનાઓ, દિલસે મનાઓ, ધૂમધામસે મનાઓ. ભારત તો ઋષિમુની, ઔર સંત-મહંતકા દેશ હૈ. જિસને ભાજીપાલા ખાકર ભી એ દેશકી ગરિમા બઢાઈ હૈ. તો હંમે ઉસકે રાસ્તે પે ચલના ચાહિયે કે નહિ ચાહિયે....? ત્યોહારમેં મૂંગકી દાલ ખાઓ, ચનાકી દાલ ખાઓ, વાલકી દાલ ખાઓ, મગર ગરીબોકી હાય મત ખાઓ...! યહી અપની રાંધણ છઠ્ઠ હૈ, યહી અપની નાગ પંચમી હૈ, ઔર યહી અપની શીતળાસાતમ ઔર નોલીનેમ હૈ....! સબ સાદગી ગ્રહણ કરો....! “

હવે મૂડી બધી એની પાસે. મૂડી બગર મલીદા થોડાં બને...? એટલે ધરાઈને સાંભળવું તો પડે જ....! જવાબમાં વચ્ચે ‘ ના ‘ બોલવા જઈએ, તો વન-વે મા ઘુસી ગયાં હોય તેવું ફિલ થાય....! આપણને જ એમ થાય કે, ચમનીયાનું ભાષણ સાંભળવું એના કરતાં તહેવારમાં રાતપાણીએ ન્હાવું સારું.....! ભગવાન તારી જેવી માયા....!!