Saraswatichandra - 4.4 - 13 books and stories free download online pdf in Gujarati

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 13

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૪

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૩ : સમાવર્તન

‘What am I to quote, where quotation itself is staggered at my situation ?’

-Anonymous

સરસ્વતીચંદ્રને અને ચંદ્રકાંતને એક જુદી પર્ણકુટીમાં ઉતારો મળ્યો તેમાં તેમણે બાકીનો દિવસ ગાળ્યો. તે દિવસે આવેલા પત્રોમાં ચંદ્રકાંતને આવેલા ઘણાક પત્રો ભેગા સરસ્વતીચંદ્ર ઉપર પણ પત્રો હતા. તેમાં બુલ્વરસાહેબના, લક્ષ્મીનંદરના, હરિદાસના, ઉદ્ધતલાલના, તરંગશંકરના અને બીજાઓના પણ હતા. સરસ્વતીચંદ્ર હવે સર્વના મનમાં પ્રગટ થયો અને સર્વ સુંદરગિરિ ઉપર આવવાના એ પણ નક્કી થયું. છેક સાયંકાળ સુધી બે મિત્રોએ મુંબઈની અને રત્નનગરીની વાતો કરી અને સાંજે છ સાત વાગતાં બહાર નીકળવાનો વિચાર કરે છે ત્યાં કમાડ ખખડ્યું અને પૂછવા જાય છે એટલામાં તો ઉઘાડી એક સાધુ દીવો કરી ગયો ને તેની પાછળ ચંદ્રાવલી આવી.

એને દેખતાં બે જણ ઊભા થયા અને પ્રણામ કર્યા. સર્વ બેઠા.

ગુણસુંદરી સાથે પોતાને, અને કુસુમ સાથે કુમુદને થયેલી સર્વ વાતો ચંદ્રાવલીએ કહી કતાવી અને અંતે બોલી :

‘સાધુજન ! બે બહેનોએ, પરમ સ્વતંત્રતાથી, પરમ કલ્યાણબુદ્ધિથી, અને પરમ વ્યવહારનિપુણતાથી, એવો નિર્ણય કર્યો છે કે મારી મધુરીમૈયા - તે સંસારની કુમુદસુંદરી - પરિવ્રાજિકાજીવન ગાળશે ને કુમુદબહેનની પ્રીતિનો આપે પરમ દયાથી સ્વીકાર કરવો યોગ્ય છે. આપ જેવા મહાસાગરનો કુમુદબહેન તેમની પાછળ યમુનામૈયા પેઠે પ્રવાહિત રહેશે. સર્વનું કલ્યાણ આમાં છે. મેં પણ સૂક્ષ્મ ચિકિત્સાથી બે બહેનોનાં હૃદયમર્મ સમજી લીધેલાં છે ને તેમનું માગેલું ઔષધ તે જ સર્વના કલ્યાણનું અને સર્વના ધર્મનું સાધન થશે એવો સિદ્ધાંત કરેલો છે. કહો જી. આપની શી આજ્ઞા છે ?’

ચંદ્રકાંત આનંદમાં આવી બોલ્યો : ‘મિત્ર ! કંથા તમારે રાખવી હોય તો કુસુમસુંદરી પણ રાખશે, અને સર્વનાં મનોરાજ્યના મનોરથ પૂર્ણ થાય તેવી તમે પૂર્ણાહુતિ પણ કરી શકશો. લક્ષ્મીનંદનશેઠ હાલ પ્રાતઃકાળે આવી પહોંચશે અને બે સદ્‌ગુણી વિદુષી પરમ સંસ્કૃત આર્યબહેનોની વિજ્ઞપ્તિ સ્વીકારશો તો તમારા હૃદય વિના સર્વનાં હૃદય પ્રફુલ્લ થશે અને તમારા મહામહાયજ્ઞની અદ્વૈતવેદી ઉપર મહાજ્વાળાઓ પ્રકટ થશે. તમારા હૃદયની વૃત્તિ આ વિજ્ઞપ્તિ સ્વીકારવાની ના પાડે તો આ યજ્ઞમાં એ વૃત્તિનું પણ બલિદાન આપો અને સર્વનું કાર્ય કરો. તમે અને કુસુમસુંદરીએ પ્રથમ સર્વ નિરર્ણય મારા ઉપર નાખ્યો હતો તે હું હવે નિર્ણય કરું છું - મને પંચ ઠરાવ્યો હતો તે હું હવે આજ્ઞા આપું છું કે આ વિજ્ઞપ્તિ સ્વીકારો. બે બહેનોની ઇચ્છા પ્રમાણે ચાલવા તમે સ્વીકારેલું છે તે બહેનોની પણ ઇચ્છા જણાઈ ગઈ. તેમની ઇચ્છા તેમનાં હૃદયની છે કે માત્ર મુખની છે તે વિષયે પણ ચંદ્રાવલીમૈયા જેવાં સૂક્ષ્મમર્મજ્ઞ સપ્તપરીક્ષકે સત્ય નિર્ણય કરી રહ્યો ! હવે તો અમારા હૃદયને પણ પૂછવાનું બાકી રહ્યું નથી તો માત્ર મુખથી હા ભણો. ગુરુજીની પણ અનુજ્ઞા જ છે - તેમણે તો તમને દીક્ષા આપતાં જ કહેલું છે કે માન અને મદનો ત્યાગ કરો અને અવશ્ય હોય તો આ સાંકેતિક કંથાનો પણ ત્યાગ કરો ને ચંદ્રાવલીમૈયા જેવાં યાચકને નિર્મુખ કાઢવાનું અકાર્ય કરશો નહીં !’

ચંદ્રાવલી - ‘સાધુજન ! આપના વિષયમાં જ્ઞાનભારતી અને વિહારપુરીનો અભિપ્રાય પણ જાણતી આવી છું. તેઓ ગુરુજીના ઉત્તમાધિકારી શિષ્યો છે ને તેમણે ઉભયે મારા વિચારમાં અનુમતિ કહી છે. ચિરંજીવોની કૃપાથી આપ જે ઉત્તમયજ્ઞના અધિકારી છો તે અધિકારની કથાનું ગુરુજીને સ્વમુખે તેમણે શ્રવણ કરેલું છે; અને મધુરીમૈયાના અભિલાષને ઉત્તમ ગણી એની ભગિનીને આપ સ્વીકારો એટલું જ નહીં, આપના દુઃખી પિતાને શાન્ત કરો એટલું જ નહીં, પણ એ બે કર્તવ્યને તો આપના મહાયજ્ઞને અંગે સ્વીકારવા જેવા સાધન ગણી, આપના સાધ્યના સંબંધમાં બીજી પણ ભવ્ય સામગ્રીઓ સંભૃત કરો, અને શ્રી અલખના લખસ્વરૂપની વિભૂતિઓને સંસારમાં વસંતોત્સવના અબીલગુલાલ પેઠે - ઉડોડો, તો તેમાં પણ ગુરુજીના લઘુ મઠનો અપૂર્વ ઉત્કર્ષ જ છે એવું કહાવ્યું છે.’

સરસ્વતીચંદ્ર - ‘મૈયા ! તે મહાત્માઓની મારા ઉપર બહુ કૃપા છે.’

ચંદ્રાવલી - ‘મહાશય ! કલ્યાણાશયની અનન્તતા મેં આપને તે દિવસ વર્ણવી હતી તે હશે આપે સંસારને પ્રત્યક્ષ કરાવવાનો પ્રસંગ સમીપ આવે છે તે જોઈ વિહારમઠના અધિષ્ઠાતૃપદથી જ્ઞાનભારતીએ કહાવ્યું છે કે

‘ગુણાગારે ગૌરે યશસિ પરિપૂર્ણે વિલસતિ ।

પ્રતાપોડકલ્યાણં દહતિ તવ લક્ષ્યસ્વતિલક ।

નવૈષ દ્રવ્યાણીત્યકથયદહો મૂતમઘી-

શ્ચતુર્ધા તેજોડપિ વ્યભજત કણાદઃ કથમસૌ ।।

અને વિહારપુરીએ તો એમ જ પૂછ્યું છે કે

‘વાતં સ્થાવરયન્નભઃ પુટકયન્સ્ત્રોતસ્વતીં સૂત્રયન્‌

સિન્ધું પલ્વવલયન્વનં વિટપથન્ભૂમણ્ડલં લોષ્ટયન્‌

શૈલં સર્ષપયન્દિશં ચપલયંલ્લોકત્રયં ક્રોડયન્‌

હેલારબ્ધરયો હવસ્તવ કર્થકારં ગિરાં ગોચરઃ ।।

‘મહાત્મા ! પ્રધાનજી પિતા અને પ્રધાનજીનાં પત્ની આપના મુખોચ્ચારની વાટ જુએ છે તેમનો શો સંદેશ કહું ?’

સરસ્વતીચંદ્ર - ‘મૈયા ! એમને કહેજો કે હું તો કન્થાધારી સાધુજન છું. આ શરીરને અર્થે જે કાંઈ દ્રવ્ય પ્રાપ્ત થયું હતું અથવા થશે તે સર્વ લોકયજ્ઞમાં વેરી નાખવાની પ્રતિજ્ઞાથી બંધાઈ ગયો છું, અને રત્નનગરીના લક્ષ્મીવાન્‌ પ્રધાનજીનાં ભાગ્યશાળી રહેલાં પુત્રીનું ભાગ્ય મારા ભાગ્ય સાથે જોડાશે તો તેમને સૌન્દર્યોદ્યાન જેવા ભવ્ય આવાસમાંથી ઊતરી આવી પર્ણકુટીમાં રહેવાનો પ્રસંગ આવશે તે દુઃસહ થશે ! પ્રધાનજીનાં એક પુત્રી મારા દુશ્ચરિતથી ભાગ્યહીન થઈ ગયેલાં છે તે તેમનાં આ એક પુત્રીનું દૃષ્ટાંત પ્રત્યક્ષ છતાં એમનાં બીજા પુત્રીના વિષયમાં મારો હવે ફરી વિશ્વાસ કરવાનો પ્રસંગ પાડતાં તેમણે ઘણું વિચારવાનું છે તે સાવધાન રહી સર્વ અનુભવી વડીલવર્ગે વિચારવું જોઈએ છે. અને તે પછી કુમુદસુંદરીના હૃદયની આજ્ઞા અને કુસુમસુંદરીના હૃદયની ઇચ્છા એક થાય તો હું તો ગુરુજીની ઇચ્છાથી દૂર નથી.’

ચંદ્રાવલી - ‘યોગ્ય સંદેશ કહાવ્યો. મહાશય, તમને આશીર્વદ દેઈ હું જાઉં છું.’

સર્વ ઊઠ્યાં. સરસ્વતીચંદ્ર પ્રણામ કરતો કરતો બોલ્યો : ‘ચંદ્રાવલીમૈયા ! આપ રસની અને ધર્મની અપૂર્વ ચેતનમૂર્તિ છો અને હું આપના મંદિરમાં ઉપાસક પેઠે ઊભો છું તો આપની પાસે રહેલી આ બે પવિત્ર દીવીઓના દીપ મારા અ-દક્ષિણ મુખપવનથી કંપે કે હોલાય એવું કરાવાનો પ્રસંગ ન આવવા દેશો.’

‘અસ્તુ.’ કહી ચંદ્રાવલી ચાલી ગઈ. ચંદ્રકાંત સ્તબ્ધ થઈ સૌ જોયાં સાંભળ્યાં કરતો હતો તે પોતાને માટેની પથારીમાં બેસી ગયો ને લાંબો થઈ સૂઈ ગયો.

‘સરસ્વતીચંદ્ર ! હવે વિચારવાનું નથી, ચર્ચવાનું નથી, ને રાત્રિ પડી તે બહાર જવાનું નથી. માત્ર ફલાહાર કરી સ્વસ્થ નિદ્રા પામવાનું છે.’

આખી રાત બે મિત્રોએ બોલ્યા ચાલ્યા વિના ગાળી. ચંદ્રકાંતે આખી રાત્રિ એક અસ્વપ્ન નિદ્રા વડે પૂરી કરી. સરસ્વતીચંદ્ર જરી નિદ્રા પામતો હતો, વળી જાગૃત થતાં કાંઈક સ્તવન કરતો હતો, અને વળી નિદ્રાવશ થતો હતો. માત્ર એક વાર સરસ્વતીચંદ્ર નિદ્રામાં અશ્રુપાત કરતો કરતો લવ્યો : ‘પુરુષ વજ્ર જેવો કટણ છે ત્યારે સ્ત્રીની દયાનો પાર નથી. કુમુદસુંદરી ! તમે તમારો અભિમત પતિવ્રતાધર્મ પાળવાનો નિશ્ચય છોડી સાધુજનનો બોધેલો ધર્મ સ્વીકારવા તત્પર થયાં તે શાથી ? માત્ર મારા ઉપરની પ્રીતિથી અને મારી આ સ્થિતિ જોવાની તમારી અશક્તિથી ! પવિત્ર માતાપિતાની અવગણના કરવા તત્પર થયાં - દેવી અને બુદ્ધિધન જેવી તમારા હૃદયની મૂર્તિઓને ભૂલી જવા તત્પર થયાં, અપકીર્તિ અને હૃદયનું મર્મવેધન સ્વીકારવા ઊભાં થયાં - તે સર્વ શાને માટે ? હવે આવું વૈધવ્ય અને આ પરિવ્રજ્યા લેવાની તીવ્રતમ પ્રતિજ્ઞા કરી બેઠાં તે શાને માટે ? મારું મનોરાજ્ય જોઈ સંસાર ઉપર મારા હૃદયની કૃપા થઈ તે માટે, મારા મનોરાજ્યની અનાથતા જોઈ શક્યાં નહીં તે માટે, માતાપિતાની ઉદારતાની પરાકાષ્ઠા જોઈ આર્દ થયાં તે માટે, ને કુસુમ જેવી બહેનની કુમારાવસ્થાનું કારણ ઇંગિતથી જાણો - જોઈ - શક્યાં નહીં તે માટે ! સર્વથા એ જ તમારી સૂક્ષ્મતમ પ્રીતિનું મૂળ, એ જ તમારી આદ્રતા, કોમળતા, દયા ! એ દયાએ મારી ને કુસુમની વચ્ચે તમારી પાસે આ દૂતીકર્મ કરાવ્યું ! એ દયાએ કુસુમનાં મારે માટે સંવનન - પરિશીલન કરાવ્યાં ! કુમુદ ! તમે જ આર્યા છો. કુમુદસુંદરી ! આર્યતા તમે જ સમજ્યાં છો.’ એવું લવતાં લવતાં એની રાત્રિ થઈ. સર્વની રાત્રિ ગઈ અને પ્રાતઃકાળ થયો. લક્ષ્મીનંદન શેઠ અને ગુમાન દસેક વાગે આવે છે એવા સમાચાર મળ્યા. પહેલાં હરિદાસ આવ્યો હર્ષના આંસુ ભર્યો ‘ભાઈ’ને ભેટ્યો ને સાથે પાઘડીલૂગડાં આણ્યાં હતાં તે અંચળો કાઢી, પહેરવા ‘ભાઈ’ને કહેવા લાગ્યો. સરસ્વતીચંદ્રે ચંદ્રકાંત સામું જોયું. ચંદ્રકાંતે સ્મિત કરી કહ્યું - ‘ભાઈ ! હવે ગુરુજીની આજ્ઞા છે તે સાધુતાના માનનો ત્યાગ કરો અને, કંથાને અને પાઘડીલૂગડાંને એક ગણી, તમારે મારે ઘેલા થયેલા પિતાને ડાહ્યા અને સુખી કરવાને માટે હરિદાસનું કહ્યું સત્વર કરો.’ કંથાનો ત્યાગ કરી, સંસારનાં વસ્ત્ર પહેરતો પહેરતો સરસ્વતીચંદ્ર બોલ્યો : ‘હરિદાસ ! પિતાશ્રીની પાસે હું આ વસ્ત્ર પહેરીશ ને અન્ય પ્રસંગે કંથા પહેરીશ. તું આ કંથાને રત્નપેઠે જાળવી રાખજે ને માગું ત્યારે આપજે.’

સર્વ શેઠને સામા લેવા ગયા. પિતા, માતા અને પુત્ર, માર્ગ વચ્ચે ભેટ્યાં અને રોયાં અનેઅનેક હૃદયવેધક વાતો કરતાં કરતાં શેઠને માટે ઊભા કરેલા તંબુમાં ગયાં. સાધુજનોનાં ટોળેટોળાં સરસ્વતીચંદ્રનું રૂપાંતર જોવાને નીકળી પડ્યાં હતાં અને જ્યાંત્યાં ‘અલખ’, ‘યદુનંદન’, ‘વિષ્ણુદાસજી’ અને ‘નવીનચંદ્રજી’ના જયની ગર્જનાઓ ઊઠી રહી હતી.

બે દિવસમાં વિદ્યાચતુર આવ્યો, બીજા બે દિવસમાં બુદ્ધિધન આવ્યો, બીજા બે દિવસમાં મુંબઈથી બોલાવેલું ને અણબોલાવેલું મંડળ આવ્યું, અને સુંદરગિરિ ઉપર મણિરાજના કર્ણભવનને અને વિદ્યાચતુરને ખરચે તંબુઓનું ગામ ઊભું થયું. જ્ઞાનભારતી અને શાંતિશર્મા પાસે પચાસેક સાક્ષીઓ લેવાયા ને સરસ્વતીચંદ્રનું અભિજ્ઞાન ન્યાયવ્યવહારથી સિદ્ધ થયું. તેને બીજે દિવસે આ મંડળ જાનૈયાને અને સામૈયાને રૂપે બદલાઈ વહેંચાઈ ગયું ને સરસ્વતીચંદ્ર અને કુસુમનું વરણવિધાન - લગ્ન - સાધુજનોના સંપ્રદાય પ્રમાણે સધાયું - ને બાકીનો વ્યવહાર તેનાં માતાપિતાની ઇચ્છા પ્રમાણે સચવાયો.

વરકન્યા વિષ્ણુદાસજીને ચરણે કંથાઓ પહેરીને નમ્યાં. લક્ષ્મીનંદન શેઠે યદુનંદનજીની પ્રતિમા પાસે વીસ હજાર રૂપિયાની ભેટ મૂકી અને વિષ્ણુદાસજીએ તેમાંનો અર્ધો ભાગ સુરગ્રામનાં મંદિરોમાં વહેંચવા આજ્ઞા કરી.

કુસુમના કન્યાદાન પ્રસંગે બુદ્ધિધને પ્રમાદધનને માટે પોતાના દ્રવ્યમાંથી રાખેલો અંશ ‘મયાદત્તમાં’ આપ્યો, કુમુદે શ્વશુર પાસેથી પોતાને મળેલો અંશ આપ્યો અને વરકન્યાને વિદાય કરતી વેળા ગુણસુંદરી અને સુંદર રોઈ પડ્યાં તો વિદ્યાચતુર ગંભીર મૌન ધરી પાણીથી ભરેલી આંખે જોઈ રહ્યો, અને નિર્દોષ ઠરેલા અર્થદાસ પાસેથી સરસ્વતીચંદ્રવાળી મુદ્રા વેચાતી લીધી હતી તે કુસુમની આંગળીએ પહેરાવી પોતાનાં આંસુ ભણીથી સર્વની દૃષ્ટિને ચુકાવવા લાગ્યો.

ગુમાન વહુઘેલી બની અને વરના પક્ષનો સાથ થોડા દિવસ સુંદરગિરિ ઉપર ટક્યો. વરકન્યાને માટે મણિરાજે કસબી ઝાલરોવાળો તંબુ મોકલ્યો હતો.

ધનનંદનના મૃત્યુથી સરસ્વતીચંદ્ર એકલો લક્ષ્મીનંદનનો વારસ હતો ને ‘ટ્રસ્ટી ડીડ’ કરી શેઠે એને પોતાનું સર્વસ્વ આપી દીધું હતું. સરસ્વતીચંદ્રે પિતામાતાની સેવાને માટે રખાય એટલું દ્રવ્ય રાખી અન્ય ભાગ પોતાના મનોરાજ્યની પૂર્ણાહુતિમાં નાંખવાની કલ્પનાઓ કરી અને તેની યોજનાઓમાં કુમુદ, કુસુમ અને મિત્રમંડળ સર્વ મળ્યાં. તે યોજનાઓની વાતો ચલાવતાં ચલાવતાં સર્વ રત્નનગરી જવા નીકળ્યાં.

રત્નનગરીમાંથી નીકળતી વેળા એક પાસ કુસુમ ને બીજી પાસ વિદ્યાચતુર, ગુણસુંદરી અને સુંદર વચ્ચે મનોવેધક પ્રસંગ રચાયો. કુસુમનું ચિત્ત કુમુદમાં હતું - કુમુદ વરકન્યાના રથમાં બેસી થોડાક ગાઉ સુધી વળાવવા ગઈ. સરસ્વતીચંદ્ર બધો માર્ગ વિચારમાં હતો ને બે બહેનો જે વાતો કરતી હતી. અંતે કુમુદ પણ પાછી જવા નીકળી અને રથમાંથી ઊતરી ઊભી રહી ત્રુટતે સ્વરે બોલી :

‘કુસુમ ! ચિંતા ન કરીશ. હું ત્યાં આવતી રહીશ ને નીકર તો યે સંસારનું આ રત્ન તન સોંપ્યું છે તેને જીવની પેઠે જાળવીને રાખજે, અને એ સદ્‌ભાગ્યની યોગ્યતા તારામાં છે તે વધારજે !’

બે બહેનો એકબીજીને ખભે માથાં મૂકી રોઈ. કુમુદ સરસ્વતીચંદ્રને ચરણે પડી. પડતી પડતી અને ચરણથી ઊઠતી ઊઠતી બોલી : ‘મહાત્મા ! આ સંસારની જાળમાં આપને નાખ્યા છે તેટલા મારા કાર્યની ક્ષમા કરજો. આ મારી ગંગાના રત્નાકર સાગર થયા છો તે રમ્ય સમાગમથી તેનું અને સંસારનું પોષણ કરવા આપના સમગ્ર મનોરાજ્યને સફળ કરજો ને હું મારી ગંગામાં યમુના પેઠે ભળવા અવશ્ય સજ્જ રહીશ. આપ ધર્મના સુજ્ઞ છો ને પ્રીતિરસમાં પૂર્ણ છો તો આ મેઘાવિની પણ મુગ્ધાના હૃદયકોશને સાચવીને ઉઘાડજો. બીજું શું કહું ? આપણાં સર્વ સ્વપ્ન મેં આ મારી બહેનનાં કરી દીધાં છે ! હું વિધવાએ પોતાનું ભાગ્ય શોધવું મૂકી આ દિવ્યકુમારીકાને માટે ઉઘાડું રાખ્યું છે. ને મેં તો આપણી ચતુર્થ રાત્રિને પ્રભાતે આપના કપાળ ઉપર આપને જગાડવા હાથ મૂક્યો હતો ત્યારે આપના સ્વપ્નમાં મારો હાથ આપને આપની માતાનો લાગ્યો હતો - તે જ પ્રમાણે હવે હું આપનાં જાગૃત સ્વપ્નની માતા થઈ છું ! આપની સાથે જોયેલાં સ્વપ્ન, આપનું અને કુસુમનું માતૃકર્મ કરવામાં મારાં પ્રિયતમ સાધન બની, મારા હૃદયમાં ચિરંજીવ રહેશે ! આપનો બેનો યોગ રમણીય અને કલ્યાણકર થશે અને એ યોગનો યોગ પામી આર્યસંસાર સમૃદ્ધ થશે એ આશાથી કુમુદનાં સર્વ દુઃખ અને કષ્ટ તપ અત્યંત સફળ થશે, ને આટલે સુધી મારે માટે - મારી તૃપ્તિને માટે - આપે અને કુસુમે આટલી મારા પર આ આહુતિ આપી છે તો હવે વધારે માગવું એ અતિલોભ જ થાય.’

પગેથી ઊઠેલી કુમુદ શાંત અને સ્વસ્થ વૃત્તિથી ઊભી રહી ત્યાં સરસ્વતીચંદ્ર પોતાનાં આંસુથી નવાતો નવાતો ગદ્‌ગદ કંઠથી બોલવા લાગ્યો :

‘કુમુદસુંદરી ! ઘોર પાપ કરી મેં તમને અસાધ્ય દુઃખમાં નાખ્યાં તેના બદલામાં અપૂર્વ પ્રીતિજીવનનું બલિદાન આપો છો અને અતિ ઉદાર પુણ્ય કરી તમે મારા મનોરાજ્યને પાર પાડવાનાં દ્વાર ઉઘાડી આપ્યાં તે દ્વારમાં હું વજ્ર જેવાં કઠણ હૃદયનો દુષ્ટ રાક્ષસ ઉભો રહું છું ! ઓ મારી માતા ! તમે આ મારી જનનીનું કામ કર્યું તો હું હવે તમારા દુષ્ટ પુત્રના અધિકારથી પગે પડી ક્ષમા માગવાને કહું છું કે કુપુત્રો જાયેત ક્વચિદપિ કુમાતા ન ભવતિ । તમારી ક્ષમા મને તમે મારી માતા થઈને જ આપી, મારું સ્વાસ્થ્ય અને સુવૃત્ત તમારા ઉદાર મનોબળથી જ તમે સાચવ્યું, અને જેટલાં જેટલાં મેં તમને ક્રૂરમાં ક્રૂર દુઃખ દીધાં તેટલાં તેટલાં પરમ સુખ અને પરમ કલ્યાણ તમે મને સોગણાં વધારી આપ્યાં. તમારાં માતૃશ્રીની દક્ષતા અને તમારાં દેવીની ઋજુતા અને ઉભયની ઉદાર ક્ષમા તમારામાં મૂર્તિમતી થઈ ને ચંદ્રાવલીમૈયા પાસે સંસ્કાર પામી તમે હું અનાર્ય ઉપર અવર્ણનીય આર્યતા પ્રગટ કરી ! તો મારા શિરને - મારા ઉત્તમાંગને ઓ મારાં આર્યમાતા - આર્યતમા ! - આ મારા અનાર્ય શિરને તમારા આર્ય ચરણના સ્પર્શનો અધિકાર આપો.’

આમા બોલતો બોલતો, બોલવાની શક્તિ બંધ થતા આંસુથી નહવાઈ ગયેલો જ સરસ્વતીચંદ્ર કુમુદને ચરણે પડ્યો ને એનો ઉઠાડ્યો ઊઠ્યો.

‘સરસ્વતીચંદ્ર ! ઈશ્વરલીલાના ચમત્કારથી એક ભવમાં અનેક ભવ થાય છે તેમ મારે તમારે થયું ! પણ સર્વ અવતારમાં - સર્વ ભવમાં - તમે મને તમારી કહી તે હું તમારી રહી છું ને રહીશ ! - ને મેં તમને મારા કહ્યા તે મારા જ રહ્યા છો ને રહેજો. હૃદયથી આપણે હતાં તેવાં સર્વથા સર્વદા એક જ છીએ અને આપણી બેની વચ્ચે આપણી બેની પરમ પ્રીતિનું સુપાત્ર આ મારી - મારી જીવનમૂર્તિ - મારા હૃદયનો આધાર - મારી કુસુમ છે તે તેવી જ રહેશે અને એને એવી જ આપના હૃદયમાં રાખજો ! કુસુમ ! મહાત્માની તું અહોનિશ હૃદયપૂજા કરીશ તે કાળે સર્વદા આ તારી પરોક્ષ બહેનને અવશ્ય સ્મરજે જ.’

બે બહેનો ફરી ભેટી.

‘બહેન ! તમે મુંબઈ આવજો જ, હાં ! હું હવે માતાપિતાથી અને તમારાથી વિખૂટી પડું છું.’

‘કુસુમ, ભર્તા એ સ્ત્રીની પરમ ગતિ છે, ને તું આવા મહાત્માના હૃદયમાં વસી તેની સેવા કરીશ અને તેમના મહાયજ્ઞોમાં સહધર્મચાર કરીશ ત્યારે માતા, પિતા, અને હું સર્વ સંગાની અને તારી પોતાની પણ એમનામાં જ પ્રતિષ્ઠા કરી લેજે. એમના વિના બીજા કોઈની ઝંખના કરી એમની સેવામાં પળ વાર પણ ન્યૂનતા આણીશ નહીં ! હવે એ જ તારું દૈવત છે અને એ પણ તને એવી જ ગણશે ! એમનામાં ને તારામાં હવે તું ભેદભાવ રજ પણ ગણીશ નહીં ને એમની આરતી કરે ત્યારે કુમુદને તો માત્ર ઘંટા પેઠે તારા હૃદયમાં વગાડજે !’