Dream girl - 5 books and stories free download online pdf in Gujarati

Dreamgirl ( Chap-5 )

Dream Girl

( Chapter - 5 )

સુનંદાને જોઇને ડેનીશે ફરી વાર આંખો ચોળી. સુક્કુનો આ નવો અવતાર જોઇને તે અચમ્બો પામી ગયો ને કાણ્યાને બૂમ પાડી, “અબે ઘોંચું, ઉઠ. ગેંડે કી તરહ ક્યા સોયા પડા હૈ? યે દેખ હમારી સુક્કુ ક્યા ઝકાસ લગ રેલી હૈ. બિલકુલ હિન્દી ફિલ્મ કી હિરોઈન કે માફિક.” કાણ્યો બગાસું ખાતાં ખાતાં ડેનીશ તરફ આવ્યો. સુનંદાને જોઇને તેનું મોં ખુલ્લું જ રહી ગયું! પણ બીજી જ પળે સાવધ બની જતાં તેણે કહ્યું, “વેસે અચ્છી લગરેલી હય. પર યે લીપાપોતી કરનેમે કહીં કામ કો મત ભૂલ જાના. દેખકે આ. વો ચિકના ઉઠા કે નહીં?” પછી સોમુને ઉદેશીને બોલ્યો,“ચલ ચાય પીલા. ફિર મુજે ઔર ડેનીશ કો બોસ સે મિલને ભી જાના હૈ.” સુનંદાએ અંદર જઈને માધવને ઢંઢોળ્યો. થોડા આરામ પછી અત્યારે તેને થોડું સારું લાગી રહ્યું હતું. ડેનીસ અને કાણ્યાનાં ગયાં પછી સુનંદાએ તેને ચા – નાસ્તો કરાવ્યા તેથી માધવમાં થોડો શક્તિનો સંચાર થયો ને તે સુનંદાનાં આ નવા રૂપને નીરખી રહ્યો. તેને પોતાની તરફ તાકી રહેલો જોઇને સુનંદા પૂછી બેઠી. “મેં કૈસી લગ રહી હું?” તેનાં આ શુદ્ધ હિન્દી ઉચ્ચારણથી માધવ વધુ નવાઈ પામી ગયો. બિલકુલ મેરી લાવણ્યા જૈસી – તે બોલી ગયો પણ લાવણ્યાની યાદે તેનાં ચહેરા પર દુઃખની આભા છવાઈ ગઈ. તેનું પડી ગયેલું મોં જોઇને સુનંદા બોલી, તેરી કૌન લગતી હૈ વો ? કુછ તો બતા અપને બારેમેં. કલ મુજસે તો તુને સબ જાન લીયા. અબ તુ બતા. તુ કહાં કા રહેનેવાલા હૈ??

સુનંદાનો સવાલ સાંભળીને માધવનાં મનોચક્ષુ સમક્ષ કંઈ કેટલીયે યાદો તરવરવા લાગી. તેને પોતાનું ગામ, ખેતર, મા, પિતા, બહેનો, શાળા, સાથે રમતા ભેરુઓ, ગામનું પાદર, કૃષ્ણ – મંદિર, ને પોતાની લાવણ્યા તરફની પાગલપણું કહી શકાય તેવી ચાહત – આ બધું જ જીવંત થઇ ગયું. તે અંધારી ઓરડીમાંથી મનરૂપી પવનપાવડીમાં બેસીને પોતાનાં ગામ પહોંચી ગયો. જેસલમેરથી લગભગ સોળ કિલોમીટર દૂર આવેલાં મુલસાગર ગામનો તે વતની હતો. પિતાને એક ખેતર હતું. જેમાં તેઓ બાજરાનો પાક લેતાં. માતા – પિતા અને બે નાની બહેનો સાથે તે આનંદથી જિંદગી જીવી રહ્યો હતો. ખાધે પીધે સુખી એવા હુંફાળા પરીવારનું એ ફરજંદ હતો. ભણતરની સાથે સાથે તે જીવનનાં પાઠ પણ શીખ્યો હતો. જેસલમેરની કોલેજમાં તેણે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેને ફિલ્મો જોવાનો ગાંડો શોખ હતો. આ એક જ વાત એવી હતી કે જેના માટે તે માતા – પિતાની વઢ ખાતો. બાકી આજનાં જમાનાનાં યુવાનો જેવો એક પણ દુર્ગુણ તેનામાં ન હતો. પિતાને ખેતરમાં મદદ કરાવતી વખતે જરા પણ નાનપ ન અનુભવતો આ યુવાન કુદરતી સૌન્દર્યનો પણ એટલો જ ચાહક હતો. ખેતીકામ કરતાં કરતાં પોતે જોયેલી ફિલ્મોના ગીત ગાતો રહેતો ને પોતાની ફેવરીટ હિરોઈન લાવણ્યાનાં સપનાં જોયા કરતો. લાવણ્યા પોતાનાં નામ પ્રમાણે એકદમ સુંદર હતી. થોડો લંબગોળ રૂપાળો ચહેરો, કમળપત્ર જેવી આંખો,ચહેરાને વધુ શોભાયમાન બનાવતું નાક, કામદેવના ધનુષ્યની કમાન જેવાં પાતળા હોઠ, સુંદર સપ્રમાણ શરીર, મુખ પર સદા મહેકતી સ્મિતની આભા અને તન કરતાં પણ વધુ સુંદર મન! ફિલ્મ ઇંડસ્ટ્રીમાં નવી નવી પદાર્પણ કરી રહેલી આ હિરોઈન પોતાની પ્રથમ ફિલ્મથી જ લોકોનાં હૃદય પર રાજ કરવા લાગી હતી. તેને ધડાધડ સારા સારા બેનરની ફિલ્મો મળવા લાગી હતી. ખૂબ જ ટૂંકા સમયગાળામાં તેનું નામ હીટ થઇ ગયું. પ્રોડ્યુસર આંખો મીંચીને તેને સાઈન કરવા લાગ્યાં. લાવણ્યાની ફિલ્મોએ બૉક્સઑફિસ પર ટંકશાળ પાડી.

માધવની તે પ્રિય હિરોઈન હતી. તેની ફિલ્મ થિયેટરમાં લાગે કે તે ફર્સ્ટડે ફર્સ્ટશોમાં જોવા ગમે તે રીતે પહોંચી જ જતો! તેમાં પણ લાવણ્યાની એક રોમેન્ટિક ફિલ્મે તો માધવને તેનો દીવાનો બનાવી દીધો. રાત – દિવસ, સૂતાં – જાગતાં બસ તેને બધે લાવણ્યા જ દ્રષ્ટિગોચર થવા લાગી હતી! તે ફિલ્મની સ્ટોરી જ કંઇક એવી હતી કે માધવ તે ફિલ્મનાં હીરોમાં પોતાની જાતને જોવા લાગ્યો હતો. તેની જેમ જ ફિલ્મનો હીરો એક ખેડૂત હતો. તેને શહેરની છોકરી જોડે પ્રેમ થઇ જાય છે અને તે શહેરી છોકરી એટલે કે લાવણ્યાને ફિલ્મનો હીરો કેવી રીતે મેળવે છે અને તેની જોડે લગ્ન કરીને કેવી રીતે પોતાનાં જીવનમાં સેટ થાય છે તે સંઘર્ષની કહાની તેમાં દર્શાવવામાં આવી હતી. આ ફિલ્મ તેણે આઠ દસ વાર જોઈ નાખી હતી. ખૂલ્લાં આભ નીચે ખેતરમાં બાજરાના ડુંડા લહેરાતા હોય તેની વચ્ચે ખાટલો ઢાળીને, માએ હાથે બનાવેલ ધોળું ફૂલ જેવું ગોદડું પાથરીને આકાશ ભણી નિહાળતા - નિહાળતા માધવ દદિવાસ્વપ્નમાં રાચતો! તેનાં એ સ્વપ્નમાં તેની ડ્રીમગર્લ લાવણ્યા તેનાં માટે ખેતરે જમવાનું લાવતી, તેનાં જોડે ખેતરમાં વાવણી કરતી, ખેતરમાં ઊગેલું નિંદામણ કાઢતી તો ક્યારેક બાજરાના તૈયાર ડુંડા વાઢતી હોય તેવો ભાસ થતો! તેની આ ઘેલછા એટલી વધી ગઈ હતી કે એકવાર તે ખેતરમાં પાણી વાળવા આવ્યો ત્યારે પંપ ચાલુ મુકીને એટલો તો વિચારોમાં ખોવાઈ ગયો કે પંપનો પાઈપ તૂટીને બધું પાણી પોતાનાં ખેતરને બદલે બાજુવાળાનાં ખેતરમાં જવા લાગ્યું તેની તેને ખબર જ ન પડી! બાજુવાળા સોમાકાકા કહેવા આવ્યાં ત્યારે માધવનું ધ્યાન તે તરફ દોરાયું ને તેણે પંપ બંધ કર્યો. તો એકવાર રાતે પાકનાં રખોપાં માટે ખેતરે ગયો ત્યારે ત્યાં રાતવાસો કરવા માટે બનાવેલા કાચા મકાનમાં થોડો આરામ કરવા માટે કાથી ભરેલ ખાટલે માધવે શરીર લંબાવ્યું ને લાવણ્યાનાં વિચારોમાં ખોવાઈ ગયો. વિચારોમાં ને વિચારોમાં તેનાં ખાટલાની પાસે રહેલી લાવણ્યાનો હાથ પકડવા જતાં ગોખલામાં બળી રહેલ દીવા પર તેનો હાથ અડી ગયો ને દીવો સીધો તેનાં જમણા પગ પર પડ્યો. જમણો હાથ અને જમણો પગ બંને દાઝી જતાં તેની તંદ્રા તૂટી. કેટલાયે દિવસો સુધી તેને સારવાર ચાલુ રાખવી પડી ત્યારે માંડ સારું થયું. શરીર તો સાજું થઇ ગયું પણ મન હજુ લાવણ્યાને ભૂલી શકતું નહતું.

થોડો વધુ સમય પસાર થઇ ગયો. ત્યાં તો તેનાં બાળપણનાં ગોઠીયાએ એક દિવસ સમાચાર આપ્યાં કે લાવણ્યા તેની એક ફિલ્મનાં શૂટિંગ માટે જેસલમેર આવવાની છે. આ સમાચાર સાંભળીને માધવ રીતસર ઉછળી જ પડ્યો ને સમાચાર આપનાર ભેરુ નાનકાને તેડીને ગોળ ગોળ ચક્કર ફેરવવા લાગ્યો. નાનકો માંડ માંડ તેની પકડમાંથી છુટ્યો ને જમીન પર બેસી જતાં બોલ્યો, “ગાંડો થઇ ગયો છે માધવ? લાવણ્યા ફિલ્મનું શૂટીંગ કરવા આવી રહી છે કંઈ તને વરમાળા પહેરાવવા નથી આવી રહી! આવડી મોટી હિરોઈન આપણા જેવાની સામે પણ ના જુએ! ને તું તો ન જાણે શું શું વિચારવા લાગ્યો હોઈશ? મગજને શાંત અને કાબૂમાં રાખ, ભાઈ મારા! તેની એક ઝલક જોવા મળે તો પણ કૃષ્ણ ભગવાનનો આભાર માનજે.” આ સાંભળી માધવનો ચહેરો થોડો વિલાઈ ગયો પણ તેણે હિંમત ન હારી. મનોમન કૃષ્ણને પ્રાર્થના કરી કે હે! બંસીવાળા મારી અરજ સાંભળજે. મારી સ્વપ્ન પરી જોડે એકવાર મુલાકાત કરાવી આપ, મારા વ્હાલા, તારો ઉપકાર જિંદગીભર નહિ ભૂલું, પ્રભુ !” તેણે ગામમાં આવેલાં કૃષ્ણ – મંદિરની દિશા તરફ હાથ જોડ્યા.

બે દિવસ પછી જેસલમેર ખાતે ફિલ્મનું આખું યુનિટ આવી પહોંચ્યું. માધવ તેનાં દોસ્તો સાથે જેસલમેર પહોંચી ગયો. પણ લાવણ્યા નજરે ન પડી. સતત પાંચ દિવસ સુધી રોજ તે જેસલમેર ધક્કા ખાતો રહ્યો પણ લાવણ્યાની એક ઝલક પણ જોવા ન મળી તો પણ તેણે હિંમત હાર્યા વગર જેસલમેર શૂટિંગ જોવા જવાનું ચાલુ જ રાખ્યું. ગામલોકો અને તેનાં દોસ્તોએ તો કંટાળીને જવાનું બંધ કરી દીધું પણ એમ હિંમત હારે તો માધવ શાનો? તે તો આજે પણ પહોંચી જ ગયો ! ને તેનાં સદભાગ્યે આજ લાવણ્યા શૂટિંગ કરવાની હતી. થોડીવારમાં જ તે, જે બગીચામાં શૂટ થવાનું હતું ત્યાં પોતાનાં સેક્રેટરી સાથે આવી પહોંચી! માધવ તો તેને જોઇને આભો જ બની ગયો! નાજુક વેલ જેવી દેહલતા ધરાવતી લાવણ્યા ફિલ્મ કરતાં પણ અસલમાં વધુ સુંદર હતી. તેમાં પણ ઉઘડતાં ગુલાબી ને મહેંદી કલરનાં રાજસ્થાની ઘાઘરામાં તે સ્વર્ગની અપ્સરા સમી ભાસી રહી હતી! માધવ તો તેને જોતો જ રહી ગયો! શોટ રેડી થઇ રહ્યો હતો એટલે લાવણ્યાએ એક ઘેઘુર વ્રુક્ષ નીચે પોતાની ચેર મૂકાવી. બગીચામાં શૂટ માટે મોટી મોટી લાઈટો, વાયરોનાં ગૂંચળા વગેરે વસ્તુઓનો ગંજ ખડકાયેલો હતો. જેસલમેરની આસપાસનાં ગામોમાંથી પણ પોતાની ફેવરીટ હિરોઈનને જોવા માટે લોકો ઉમટી પડ્યાં હતાં. શૂટિંગ કરવાનું હતું તે આખા એરીયાને દોરડાથી કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. એક ચોકીદાર લોકોને શાંત રહેવા માટે સુચના આપી રહ્યો હતો. આખરે ડાયરેક્ટરે, “સાયલેન્સ, રોલ કેમેરા, સાઉન્ડ, એક્શન” એવો આદેશ આપતાં લાવણ્યાએ એક ખુબ જ લાંબો ડાયલોગ એક જ ટેકમાં ફાયનલ કરાવી દીધો. એ જોઇને યુનિટના સભ્યો અને લોકોએ તાળીઓ પાડીને તેને વધાવી લીધી. લાવણ્યાએ લોકો સામે પોતાનો હાથ હલાવીને લોકોનું અભિવાદન ઝીલ્યું. અને પોતાની ચેર તરફ જવા લાગી ત્યાં તો તેનાં લાંબા ઘાઘરાનો ઘેર તેનાં પગમાં આવ્યો ને તે લથડિયું ખાઈ ગઈ પણ તેણે જાતને સંભાળી લીધી.પરતું તેનાં પગમાં ભરાઈ ગયેલાં વાયરનાં છેડાથી ઉચે લટકતી લાઈટ નીચેની તરફ સરકવા લાગી. લાવણ્યા હજુ પોતાનાં પગમાં અટવાયેલ વાયરો કાઢવાનો પ્રયત્ન કરતી ત્યાં જ ઉભી હતી. માધવે લાઈટને નીચેની તરફ પડતી જોઇને બાંધેલું દોરડું એક જ ઠેક મારીને વટાવી દીધું ને પેલી લાઈટ, નીચે ઉભેલી લાવણ્યા પર પડે તે પહેલાં તેને ધક્કો મારી દીધો. લાવણ્યા પડી ગઈ પણ બગીચમાં ઘાસ હતું એટલે તેને ખાસ વાગ્યું નહીં માત્ર થોડી છોલછાલ થઇ. પરંતુ માધવ પોતાને લાઈટ થી દૂર કરે તે પહેલાં તો લાઈટ તેનાં કપાળને ઈજા પહોંચાડતી નીચે પડી અને ચૂર ચૂર થઇ ઘાસ પર વિખરાઈ ગઈ! માધવ બેભાન થઇ ગયો. બંનેને તરત હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં. લાવણ્યાને ખાસ વાગ્યું ન હતું એટલે ડોકટરે તેને પાટાપીંડી કરીને રજા આપી દીધી. પરંતુ લાવણ્યાએ હોટેલ જઈને આરામ કરવાની ઘસીને ના પાડી દીધી. યુનિટનાં સભ્યોએ તેને ઘણી સમજાવી પણ તેણે માધવ ભાનમાં ન આવે ત્યાં સુધી પોતે હોસ્પિટલમાં માધવની પાસે જ રહેશે તેવો ફેંસલો સંભળાવી દીધો. માધવનાં બેડ પાસે એક ચેર મૂકાવી તે માધવના ભાનમાં આવવાની રાહ જોવા લાગી. માધવનાં ઘરનાં લોકોને જાણ કરવાનો કોઈ ઉપાય યુનિટના સભ્યો પાસે ન હતો. માધવના ખિસ્સા તપાસતાં પણ તેમાંથી કઈ એવું ન મળ્યું કે તેની ઓળખ મળી શકે. થોડાક રૂપિયા અને લાવણ્યાનાં ફોટા સિવાય તેમાંથી કંઈ જ ન મળ્યું. પોતાનો ફોટો જોઇને લાવણ્યા એટલું તો સમજી ગઈ કે જરૂર આ પોતાનો ફેન છે. આમ પણ તે યુવા હૈયા પર રાજ કરતી હતી એટલે માધવના ખિસ્સામાંથી પોતાનો ફોટો નીકળતા તેને ઝાઝું આશ્ચર્ય ન થયું. પણ જાતને જોખમમાં નાખીને પોતાનો જીવ બચાવનાર આ ફૂટડા યુવાન પ્રત્યે તેનાં મનમાં અહોભાવ જાગ્યો. સવારથી સાંજ થઇ ગઈ પણ લાવણ્યા જરા પણ થાક્યા કે કંટાળ્યા વગર માધવના બેડ પાસે બેસી રહી. માધવ જેને ગાંડપણની હદ સુધી ચાહવા લાગ્યો હતો તે તેની ડ્રીમગર્લ તેનાં ભાનમાં આવવાની રાહ જોઇને તેનાં બેડ પાસે જ બેઠી હતી! આ વાતથી તદન અજાણ એવો માધવ હજુ બેભાનાવસ્થામાં હતો ને અસ્પષ્ટ સ્વરે લાવણ્યાનું નામ ઉચ્ચારી રહ્યો હતો!

ભગવતી પંચમતીયા ‘રોશની’