Sukh - Happiness - 4 books and stories free download online pdf in Gujarati

સુખ - હેપ્પીનેસ (૪)

સુખ - હેપ્પીનેસ (૪)

(અભ્યાસમાં)

મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો - આજે આપણે સુખને અભ્યાસમાં શોધીશુ અથવા સુખમાં અભ્યાસ કરીશું.

હવે તમે કહેશો... અભ્યાસ કરવામાં ક્યાં સુખ આવે છે ? અમારે તો વહેલી સવારથી મોડી સાંજ એ જ કરવાનું હોયછે. પુસ્તકો, પુસ્તકોના મોટા થેલા, પીઠ ઉપર ભાર લઈ, એક ટ્યૂશન ક્લાસથી બીજા ટ્યૂશન ક્લાસ દોડા દોડી, પછી સ્કૂલ કે કોલેજ, વળી પાછા સાંજના ટ્યુશન ક્લાસિસ. મોડી સાંજ સુધી તો ખરેખર થાકી જ જવાય. જમીને પછી હોમવર્ક. આખું વરસ મહેનત કરીએ, પણ છેલ્લે ટકા ઓછા આવ્યા. મહેનત પાણીમાં જતી હોય એવું લાગે.

ના... તમારી મહેનત પાણીમાં જઈ શકેજ નહિ, એમાં થોડોક સુધારો કરીએ તો ઘણું બધું સાચવી લેવાય. ફક્ત જરૂર છે એક લક્ષની – સમજ પાડી લેવાનાં લક્ષની. કેવી રીતે ? તો જુઓ -

શુન્ય એટલે ઝીરો. જાણકારી સારું - શૂન્યની શોધ આપણાં ભારતમાં થઇ છે. (A.D.458). હવે શૂન્યને કોઈપણ આંકડાની આગળ મુકવામાં આવે તો એને કિંમત હોય ? ના…..પરંતુ કોઈ આંકડા પછી મુકીએતો ? તો ચોક્કસ એ આંકડાની કિંમત વધી જાય છે. બસ ... તમારે એટલું જ કરવાનું છે. સ્કૂલ કે કોલેજનો વર્ગ ચાલુ હોય, શિક્ષક શીખવતા હોય ત્યારે બીજે ધ્યાન ન દેતા શિક્ષક જે શીખવે છે તેના ઉપર લક્ષ કેન્દ્રિત કરો. વિષયને સમજવાની કોશિશ કરો. જે બાબત સમજ ના પડી તે તરત જ શિક્ષકને પૂછો. આજુબાજુવાળા વિદ્યાર્થી તમારા ઉપર હસશે કે મશ્કરી કરશે એ ડર મન માંથી કાઢી નાખવો. બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડનો વિચાર તો મનમાં રાખશો જ નહિ. શિક્ષકની જવાબદારી છે કે એ તમને સમજાવે અને એ તમને ચોક્કસ સમજાવશે, કારણ શીખવતી વખતે દરેક શિક્ષક આનંદ અનુભવે છે. તેઓ જાણે છે કે ભાવિ પેઢીનું ઘડતર એમના થકી છે. જો તે વખતે શક્ય ના હોય તો પ્રશ્નને એક કાગળ ઉપર નોંધી, તે પીરીઅડના અંતમાં પૂછો અથવા પીરીઅડ બાદ પૂછી એની સમજણ લઈ લો. પ્રશ્નનું નિરાકરણ તે જ દિવસે લેવાની કોશિશ કરો. પછીથી પૂછીશું કે જાણીશું તો એ પ્રશ્ન ફક્ત પ્રશ્ન બનીને જ રહેશે. આજ રીતે દરેક વિષયનો આનંદ લઈ દરેક વિષય ભણતા જશો અને અણસમજણને ઉકેલી લેશો તો તમને ભણવાની મઝા આવશે એટલે એમાં તમને સુખ મળશે. આમ ઉત્તરોતર તમારું ઇન્વોલમેન્ટ (involvement) એ વિષયમાં વધશે તો તમને દરેક વિષય માટે પ્રેમ થશે. પરંતુ તમારે પ્રશ્ન પૂછવાની આદત ડેવલપ કરવી પડશે. પ્રશ્નો પૂછવાથી ઘણું બધું સમજી શકાય છે અને નવું જ્ઞાન મળે છે. જો દસ ટકા વિદ્યાર્થી પ્રશ્નો પૂછશો તો બાકીના નેવું ટકા વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવાની પ્રેરણા મળશે. બસ આ માહોલ જો વર્ગમાં સર્જાય તો તમને દરેક વિષયમાં મઝા આવશે અને શિક્ષકને પણ ભણાવવાનો આનંદ થશે એ પણ સુખ અનુભવશે.

યાદ રાખો There is no stupid question. Stupid people don’t ask questions અને Knowledge is having the Right Answer. Intelligence is asking the Right Question.

કોઈની પણ પરવાહ કર્યા શિવાય આનંદથી તમે પ્રશ્નો પૂછશો તો એનું નિરાકરણ સુખમા થશે જ. તમારી એ પ્રશ્નો પૂછવાની આદત તમને એક આત્મવિશ્વાસ (Confidence) આપશે. સમય જતાં તમે પોતે નિર્ણય કરી શકશો કે હવે એ વિષયનું ટ્યુશન લેવું જરૂરી છે કે નથી. રિઝલ્ટ ? એક, તમે પૈસા બચાવ્યા, બીજું, તમે તમારો ટ્યૂશનનો સમય બચાવ્યો, ત્રીજું, તમે કોઈ બીજી એકટવીટી કે ક્રિએટીવીટી કરી શકશો જે તમને ભણતરની સાથે આનંદ આપશે, સુખ આપશે. મને આશા છે કે હવે તમને બોરિંગ વિષય પણ ગમવા લાગશે.

હવે સમજાયું ને ? કે આંકડા ની આગળ ના શૂન્યને કોઈ કિંમત નથી પરંતુ આંકડા પછી મુકેલ શૂન્યને કિંમત હોય છે. તમારા દ્વારા પુછાયેલ પ્રશ્ન એ વિષયને અનુરૂપ વિષય સમજવા માટેનું પાછળ મુકાયેલ શૂન્ય છે. જેણે કરી તમને એ વિષય સમજવામાં મદદ મળી એટલે કે તમારા જ્ઞાનની કિંમતમાં વધારો થયો. એટલે તમે પૂરતી સમજ ના લીધી કે પ્રશ્નના કર્યો તો એ આગળનું શૂન્ય છે. તમારી વિષય પ્રત્યે નિરસતાં સમાન છે.

વર્ષોથી એક નિરીક્ષણ કરું છું કે આજ સુધી રમાયેલ વિવિધ ક્રિકેટ મેચોના સ્કોર, પરિણામ, મેન ઓફ ધી મેચ, સેન્ચુરીઓ વગેરે વગેરે ઘણાં મિત્રોને યાદ હોય છે. એમાં જરા પણ ભૂલ કોઈ દિવસ થાય જ નહિ. અરે... ઊંઘમાંથી ઉઠાડીને પણ પૂછો તો એનો જવાબ સાચો જ હશે. કેમ ? ઇન્ટરેસ્ટ !

મારા એક મિત્ર હતા એને ફિલ્મી સંગીત બહુ ગમતું. કોઈપણ ફિલ્મનું નામ કહો એટલે એ ફિલ્મના હીરોથી લઇ ગીતો સુધીનું જ્ઞાન આપણી સામે મૂકી દે, જાણે એનસાયકલોપીડીયા. કેમ ? ઇન્ટરેસ્ટ !

આજે આપણું જનરલ નોલેજ ખાસ્સું ઓછું છે, જરૂર છે જનરલ નોલેજ વધારવાની. હવે તો ઘણું બધું ઓન લાઇન મળી રહે છે. નિયમિત વાંચનમાં જનરલ નોલેજને સ્થાન આપવું જરૂરી છે. કવીઝ કોમ્પિટિશનમાં લગભગ જનરલ નોલેજને લગતાં પ્રશ્નો પૂછાતા હોય છે. શાળા કે કોલેજના અભ્યાસ સાથે જો વિવિધ દેશોનું નોલેજ હોય તો મિત્રમંડળમાં તો જીનિયસ ખરાને ? ઉપરાંત જુદા જુદા વિષયોનું જ્ઞાન તમને ગમે ત્યાં ઉપયોગી થઇ જ રહેશે. તમે આજથી એમાં થોડો થોડો રસ લેશો તો શું ખબર, કાલે તમે ફોરેન જાવ અને એ જ્ઞાન તમને કામમાં આવે કે ઉપયોગી થઇ જાય. તમે જો કોઈ બિઝનેસમેન થાવ તો તમારાં કેરિયરને એ ચાર ચાંદ લગાવી દેશે.

હવે બીજી એક વાત કરું. તમારી પાસે જ્ઞાન હોય પરંતુ એનું પ્રસ્તુતિકરણ કરવાની આવડત ના હોય તો ? એક સારા વક્તા બનવાની પણ જરૂર છે. આપણને ઘણાં લોકોની, નેતાઓની, વિદ્વાનોની કે કથાકારોની સ્પીચ કે પ્રવચન સાંભળવી ગમે છે, કારણ એમની વક્તવ્ય પ્રસ્તુતિકરણની રીત. અભ્યાસની સાથે આપણે આપણી વાકછટાને પણ ઉત્તમ રીતે પ્રસ્તુત કરવાની કળા શીખવી જોઈએ. પરંતુ એ શક્ય છે નિયમિત વાંચનથી અને એના અભ્યાસથી. નિયમિત વાંચનથી તમને નિત નવા શબ્દો વાંચવા મળશે. શબ્દોની એક પુંજી તમારી પાસે હોય તો તમે એનો ઉપયોગ ઉત્તમ વ્યક્તવ્ય માટે કરી શકો છો. ઉત્તમ વ્યક્તા એક અનોખી છાપ છોડે છે અને એનો આનંદ કે સુખ વરસો સુધી તમારા સ્મરણમાં અંકાયેલા રહે છે.

જયારે આપણું જ્ઞાન બીજાને આશ્ચર્યચકિત કરે તે વખતે આપણે સુખ અનુભવીએ છીએ ને ? એ પણ સુખ જ છે ને ? આપણે કેટલું પ્રાઉડ ફીલ કરીએ તે વખતે ?

કદાચ તમને ખબર હશે કે દુનિયામાં વિશ્વવિખ્યાત હાવર્ડ યુનિવર્સિટીમાં એક કોર્સ ચાલેછે – How to be Happier ? એ કોર્સ પોપ્યુલર અને સક્સેસફુલ છે. યુનિવર્સીટીના લગભગ ૨૦% વિદ્યાર્થીઓ એ કોર્સનો લાભ લે છે.

આપણે પણ આજથી જ આપણા અભ્યાસના દરેક વિષયમાં રસ લઈએ અને ભણતા-ભણતા સુખ –હેપ્પીનેસ શોધીશું તો જિંદગી આસાન કરી લઈશું. સુખને મેળવવા માટે કે સમજવા માટે હાવર્ડ યુનિવર્સિટી ના જવું પડે. સવારે ઉઠો ત્યારથી જ આજે મારે કંઈક નવું જાણવું છે એવું નક્કી કરશો તો આખો દિવસ તમે જ્ઞાન સાથે સુખ – હેપ્પીનેસ પણ સતત મેળવતા જ રહેશો.

યાદ રાખો ! સુખ – હેપ્પીનેસ એ એક રોજ ખોવાઈ જતું રિમોટ કંટ્રોલ જેવું છે, આપણે ગાંડા થઇ એને શોધવા માટે વલખાં મારીએ છીએ, અને ઘણીવાર અજાણતાં આપણે એના ઉપર બેઠેલાં હોઈએછીએ.

Just spread Happiness, spray Happiness….

ફરીમળીશું….