Sukh - Happiness - 3 books and stories free download online pdf in Gujarati

સુખ - હેપ્પીનેસ (૩)

સુખ – હેપ્પીનેસ (3)

(ભાવના)

જન્મથી આપણે કાયમ એક જ ચીજ શોધીએ છીએ, તે એટલે સુખ, હેપ્પીનેસ કે આનંદ. રાત્રે સરસ ઊંઘ આવી એટલે સુખ, સવારે સરસ ચ્હા પીવા મળી એટલે સુખ. આમ ઘણી બાબતો આપણાં મન પ્રમાણે મળે કે થઇ એટલે આપણને સુખ જેવું લાગે. પરંતુ આ બધું ટેમ્પરરી કહેવાય. સવારથી સાંજ સુધી નવ્વાણું ટકા બધું ગમતું મળ્યું એટલે વાહવાહ ... પરંતુ એકાદ કાંઈ મરજી વિરુદ્ધ ગયું, તો દુઃખી. આખા દિવસના મળેલ સુખને ભૂલી જઈએ, એક નાનકડી બનેલ ઘટના માટે દુઃખી થઇ જઈએ છીએ, એટલે ખરેખર સુખ શું છે એ આપને સમજી શકતા નથી કે એ માટે પોતાનું સ્પેસિફિકેશન જુદું જુદું હોય શકે છે. ઘણાં તો સુખમાં પણ દુઃખી હોય છે કારણ લાલચ.

એક સરસ વિડિઓ મેં વોટ્સ અપ ઉપર જોયો. અમદાવાદના એક રિક્ષાવાળા ભાઈ છે, ઉદયસિંહ રામલાલ જાધવ, રીક્ષાનંબર GJ01 BZ 6061 – સવારે રીક્ષા લઈને નીકળે અને પહેલી જે સવારી મળે તેની પાસેથી સ્થળ ઉપર પહોંચ્યાડ્યા બાદ પૈસા ના લે. આપણે સામાન્ય રીતે બજારમાં ગયા હોય કે કોઈ ફેરિયા પાસેથી સવારમાં ખરીદી કરતા હોય તો, એ કહે – સવારનો ટાઈમ છે, બોણી બાકી છે, સારી બોણી કરાવો, જયારે આ રિક્ષાવાળાભાઈ પહેલી સવારી પાસેથી પૈસા લેવાની ના પાડે છે અને સવારી સામેથી પૈસા આપવા ઉત્સુક થાય તો એ રિક્ષાવાળાભાઈ, પોતે રાખેલ એક નાની પેટીમાં સ્વેચ્છાએ પૈસા મૂકી દેવા કહે છે. પેટીના એ પૈસા, આવનાર બીજી સવારીનું ભાડું બની જાય છે અને આમ એક પછી એક દરેક સવારી આવનાર સવારીનું ભાડું ચૂકવતો જાય છે. એમ સમજો કે આખો દિવસ દરેક સવારીએ સ્વેચ્છાએ આપેલા ભાડાંથી ધંધો કરે છે. નો નાપ-તોલ. નો નેગોશિએશન, નો ભાવતાલ. ફક્ત દરેક સવારીની પોતાની ઈચ્છા અને બીજાને મદદરૂપ થવાની સદ્દભાવના.

ઉદયસિંહભાઈએ પોતાની રીક્ષા પેસેન્જરને ઉપયોગી થાય એવા સાહિત્ય અને સગવડથી શણગારેલ છે. કોઈ સવારીની પૈસા આપવાની પરિસ્થિતિ ના હોય તો તે આ રીક્ષાનો અચૂક લાભ લે એવો એનો અંતર્ભાવ છે. ઉપરાંત અનાથ બાળકોની સંસ્થાને પણ મદદ કરે છે. એમની રીક્ષા ઉપર લખ્યું છે – LOVE ALL, સૌને પ્રેમ. આવા ઉત્તમ કામ માટે એ રિક્ષાવાળાભાઈને અભિનંદન !

જોયું ને ? જો લાલચ ના હોય તો સુખ આપણી આજુબાજુમાં છે. બસ, એને હાંસિલ કરતા આવડવું જોઈએ. આપણાં સમાજમાં ઘણાં એવા વિરલાઓ છે જે સતત બીજાને સુખ – હેપ્પીનેસ કેમ આપવું તેની ફિરાકમાં હોય છે, એ આપવા માટે તરસતાં હોય છે અને આપણે પોતાને તરસ્યા ગણિયે છીએ. સુખતો ત્યારે જ અનુભવાય જયારે આપણે આવી પડેલ આફતની તકરાર ના કરીએ. એને આફતના ગણિયે.

આપ કહેશો ભાઈ .....બહુ થયું, આ તો આફત આવેને તો જ ખબર પડે અને તેને જ ખબર પડે કે દુઃખી છે કે સુખી છે.

તદ્દન સાચી વાત છે ! જેના ઉપર આફત આવે એ ને જ ખબર પડે. પરંતુ ભાઈ.... આફત આવી છે તો જશે પણ ખરી ! થોડા શાંત થાવ. જસ્ટ રિલેક્સ, એના પ્લસ માઇનસ વિચારો. ઉતાવળાના થાવ. ગુસ્સો ના કરો. બહુ ગંભીર હોય તો પોતાની સૂઝનો ઉપયોગ કરો. બીજાઓને વાત કરતાં પહેલાં સજાક થાવ. ઘણાં બધા સજેશન કામ બગાડે છે. પોતે નિર્ણય લેવાનું નક્કી કરો. કદાચ આવી પડેલી આફત તમને બહુ નુકસાન ના કરી શકે. બહુ કોમ્પ્લિકેટેડ હોય તો થોડા એડજસ્ટ થાવ અને લાગે કે કંઈક વિચિત્ર થયું છે તો એની પાછળના કારણોને ફમ્ફોસી જુઓ. કદાચ બન્યું તે જ ન્યાય !

જુઓ…..પાછા ઉદાસ થઇ ગયાં ને ? બસ, એ જ ખોટું છે. એક પાંચ સેકન્ડ હસવાથી કે મુસ્કાનથી જો આપનો ફોટો સુંદર આવતો હોય કે આપણી સેલ્ફી સુંદર આવતી હોય તો પછી કાયમ હસતાં રહીએ તો આપણું આયુષ્ય કેટલું સુંદર દેખાશે ? વળી આપણે એ સેલ્ફી કે ફોટો બીજાને વોટ્સએપ ઉપર કે ફેસબુક ઉપર પોસ્ટ કરીને સામેવાળાને જાહેર કરતાં હોઈએ કે હું સુંદર છું, આનંદમાં છું, સુખી છું, મઝામાં છું. તમારો ફોટો જોઈને સામેવાળાને એક ચોક્કસ સંદેશ પહોંચે છે કે મારો ભાઈ, બહેન, દિકરો, દિકરી કે જે પણ રિલેટિવ, સગું ફોટામાં છે હશે તે ચોક્કસ સુખમાં છે. આનંદમાં છે કે એમ કહોને..... લહેરમાં છે, જલસા કરે છે.

થોડાંક વારસો પહેલાની વાત કરું – આપણે એકલાં શાંત બેઠાં હોઈએ અને કોઈ અચાનક આવી જાય તો સવાલ કરતાં - "શું વિચારો છો ભાઈ ? ક્યાં ખોવાઈ ગયા ? પણ હવે આ સ્માર્ટ મોબાઈલ આવ્યા ત્યારથી, આવા પ્રશ્નો સાંભળવા પણ નથી મળતાં. અરે ... વિચાર કરવાનો ટાઈમ જ નથી મળતો કે વિચાર કરવો પડે એવું રહ્યું છે ક્યાં ? સમય મળે એટલે મોબાઈલમાં ખોવાઈ જઈએ. કેટલું બધું જ્ઞાન ઘર બેઠાં મોબાઈલ ગુરુઓ દ્વારા મળે છે, તે પણ અલર્ટ સાથે. નવા નવા ફોટાઓ, વિડિઓ, કહાણીઓ, પ્રસંગો, ગીતો વગેરે વગેરે. તો કહો આપણી પાસે હવે સમય બચે છે ? કોઈ સમસ્યા ઉપર વિચાર કે મંથન કરવું પડે છે ? ના..... હવે એની મેળેજ એ સોલ્વ થતું હોય એવું નથી લાગતું ? કારણ હવે આપણે પહેલા જેવા સિરિયસ નથી. આપણામાં આ એક મોટો ફેરફાર થઇ રહ્યો છે !ચેતવા જેવું છે !

આપણે નાના હતા ત્યારે ભણતી વખતે આપણે પેન્સિલ અને રબરનો ખુબ ઉપયોગ કરેલો. કંઈક પણ ખોટું લખાય તો આપણે રબરથી ભૂલને ભૂંસી નાંખી સુધારી લેતા. પરંતુ આપણે જેમ જેમ મોટા થઇ ઉપરના વર્ગમાં ગયા ત્યારે પેન્સિલની જગ્યા પેન કે બોલપેને લીધી. પેન એ સમજાવવા માંગે છે કે હવે આપણે કરેલી ભૂલો ભૂંસી શકતાં નથી. ઉંમરની સાથે સાથે આપણામાં પણ મેચ્યોરિટી આવવી જરૂરી છે. સમજદારી આવવી જરૂરી છે. કારણ ઉંમરની સાથે આપણી જવાબદારીઓ વધતી હોય છે. જિંદગીના ઉતાર ચઢાવમાં એ સૂઝ આપણને મદદ કરે છે. યાદ રાખો ! દરેક નિર્ણય તમે તમારી સૂઝથી જ લો છો. ટેક્નોલોજીનો ઉપયોગ આપણે બહુજ સરસ રીતે સહજતાથી કરી લઈએ છીએ, કારણ તમને પ્રોવાઈડ કરેલ સોફ્ટવેરમાં એ રીતનો પ્રોગ્રામ ફીડ કરેલ છે, અહીં તમારી ઇન્ટેલેકટ – બુદ્ધિકામ કરે છે. સૂઝ એનાથી ઘણી આગળ છે.

આપણે ભારતીઓની સવાર જ પ્રભુ, ઈશ્વર, અલ્લાહના નામ થી થતી હોય તો દુઃખી કેવી રીતે હોઈએ ? તમને દુઃખ કોણ આપી શકે ? ગુજરાતના એક જ્ઞાની પુરુષની વાત યાદ આવે છે – આ દુનિયામાં કોઈ કોઈને દુઃખ આપી શકે એમ નથી. જે બને છે કે ભોગવવું પડે છે તે ગત જન્મોના કર્મને આધારે છે. પોતાનો આ ભવ સુધારી લો, તો આવતો ભવ આપોઆપ સુધરી જશે. ખરેખર અમલમાં મુકવા જેવું છે, જો સારી ભાવનાઓથી અને બીજાને સુખ આપવાથી જો આવનાર ભવ સુધારી શકાતો હોય તો એની શરૂઆત આજથી કેમ ન કરવી ?

વીતી ગયેલ દિવસ પાછો આવતો નથી, તેમ આવનાર દિવસ કેવો હશે એ પણ કહી શકાતું નથી, તેથી કાયમ હસતા રહો, સુખમાં રહો. આનંદમાં રહો. સુખ આપવાની કે મદદરૂપ થવાની ઉત્સુકતા દાખવો. ફક્ત ઘરમાં કે પાડોશીઓમાં, અજમાવી તો જુઓ. એટલું તો આપણાં હાથમાં છે ને ?

Just Spread Happiness …Spray Happiness everywhere….

ફરી મળીશું…