Sukh - Happiness - 5 books and stories free download online pdf in Gujarati

સુખ - હેપ્પીનેસ (૫)

સુખ - હેપ્પીનેસ (૫)

(આભાર - થૅન્ક્સ)

કોઈપણ કાર્યક્રમ કે ફંક્શનના અંતમાં આપણે આભાર વિધિ કરીએ છીએ. આમ તો પ્રેક્ષકોને મન એનું મહત્વ કદાચ ઓછું હોઈ શકે, પરંતુ કાર્યક્રમના આયોજકો માટે એ વિશેષ હોય છે. આભાર વિધિમાં કાર્યક્રમને સફળ બનાવનાર પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ વ્યક્તિઓને, સંસ્થાઓને ધન્યવાદ આપવામાં આવે છે અથવા એમનું સન્માન કરવામાં આવે છે. આપણે નિરીક્ષણ કર્યું હોય તો આભાર વિધિ વખતે સૌથી વધારે તાળીઓ પડે છે અને તાળીઓનો ગડગડાટ દરેક કાર્યકર્તાને વધારાનું એક સન્માન આપે છે અને એ અદ્રશ્ય સન્માન કાર્યકર્તાઓને બીજા કાર્યક્રમોના આયોજન માટે વિશેષબળ પ્રદાન કરે છે. સંસ્થાના એક ઉત્તમ વ્યક્તિ, સેવાભાવી વ્યક્તિ તરીકે એ વ્યક્તિઓ ઉપસી આવે છે. આપણે કોઈ બીજા માટે તાળીઓ પાડીએ અને આપણને મળેલ આનંદ કે સુખ વ્યક્ત કરીએ છીએ પરંતુ કોઈ આપણા માટે તાળીઓ પાડે એનું સુખ વધારે લાગે અને એ સુખ આપણને બીજી સારી પ્રવૃત્તિ કરવા પ્રેરે છે. આમ પ્રેરણાથી જ નવી નવી સેવાભાવી સંસ્થાઓ દેશને અને સમાજને મદદરૂપ થાય છે.

આપણે પણ એક સરસ કામ કરી શકીએ છીએ. જયારે પણ કોઈ મિત્ર, પાડોશી કે રિલેટિવ આપણને મદદરૂપ થાય તો આપણે થેન્ક્સ કહીએ છીએ, પરંતુ એ થોડુંક મિકેનિકલ લાગે, ચીલાચાલુ લાગે. આપણે થૅન્ક્સ તો કહીયે છીએ, પરંતુ જો એક નાનકડો થૅન્ક્સનો કાર્ડ આપીએ તો ? આપણા થૅન્ક્સની ઈમ્પેક્ટ વધી જાય. જયારે તમારો થૅન્ક્સનો કાર્ડ એને મળે ત્યારે એની અંદરની પરિણીતી બદલાય જે એને ખુબ આનંદ અને સુખ આપે. તમારા માટે માન વધી જાય. ખરા અર્થમાં તમારી ભાવનાઓની કદર થાય. એ વ્યક્તિ હંમેશ તમને ઉમળકાથી મળશે. તમને મદદ કરવા સતત તૈયાર રહેશે.

તમે કાર્ડના આપી શકો તો એક નાનકડી ચિઠ્ઠીથી તમારી કૃતજ્ઞતા (gratitude) વ્યક્ત કરો. એ પણ શક્યના હોય તો વોટ્સ એપ ઉપર એને એક સુંદર મજાનો રંગબેરંગી મેસેજ કરો. આમ સહજરી તે તમે બીજાને સુખ પહોંચાડી શકો છો અને એ વ્યક્ત કરવાની અવનવી રીતો તમે જાતે જ શોધી શકો છો અને અનુકરણમાં મૂકી શકો છો.

તમારો થૅન્ક્સનો કાર્ડ એ વ્યક્તિ વરસો સુધી સાચવી રાખે એ પણ શક્ય છે અને જયારે જયારે કાર્ડ જોશે ત્યારે તમને યાદ કરશે. બંને વચ્ચે એક પ્રેમનો સેતુ બંધાયેલો રહેશે. એક વ્યક્તિગત વાત આપ જોડે શેર કરું છું – મારા બાળકો દ્વારા આજ સુધી અપાયેલાં હેપીબર્થડેના કાર્ડ મેં સાચવી રાખેલ છે. દર વર્ષે હું એમના જુના કાર્ડ વાંચું છું. એમણે વ્યક્ત કરેલ ભાવનાઓ મને દર વખતે નવી લાગે છે. ખુબ સુખ મળે છે, સુકુન મળે છે. આનંદ મળે છે. વાત સાવ નાનકડી લાગે, પરંતુ વર્ષો બાદ પણ એની ઈમ્પૅક્ટ હું આજે પણ મહેસુસ કરું છું. આ વર્ષે વોટ્સ એપ ઉપર એક સરસ મઝાનો અમારા ફોટાઓ દ્વારા બનાવેલો વિડિઓ મોકલ્યો, વિડીઓમાં ઘણાં જુના ફોટાઓ જોઈ જૂની યાદો તાજી થઇ. જાણે મારી ઉમર ઘટી ગઈ હોય એવો એહસાસ થયો.

વહાલા વાચકમિત્રો !

ખરેખર જિંદગીમાં સુખ ખુબજ છે, એ માણતા આવડવું જોઈએ અને એ સુખને બીજા સુધી પહોંચાડવું એક આપણાં મનુષ્ય જન્મની યોગ્યતા ને ચાર ચાંદ જડવા જેવું છે.

એક સાધારણ વૃક્ષ આપણને છાયા આપે, ફળ આપે, લાકડા આપે, ચારો અને દવા આપી શકતું હોય તો શું મનુષ્ય જન્મ એ ફક્ત એક પત્ની અને બે બાળકોમાં જ પૂરું કરવું ? અથવા પતિ અને બાળકોમાં જ વ્યતીત કરવું ? શું ફક્ત એમને જ સુખ આપવામાં પૂરું કરવું ? ના, તમે આ સમાજમાં ઘણી વ્યક્તિઓના ઉપકાર નીચે દબાયેલા છો. ફક્ત જરૂર છે સમય કાઢી આત્મમંથન કરવાની. આજે તમારી જે સક્સેસ છે કે તમે જ્યાં છો ત્યાં પહોંચાડવામાં ઘણી વ્યક્તિઓનું યોગદાનછે, એમના આશીર્વાદ છે અને ખાસ કરીને આપણાં માં-બાપની અકલ્પનિય મહેનત.

તમે નોકરી ધંધાર્થે કદાચ માં-બાપથી દૂર રહેતા હશો તો જરૂરથી સમય કાઢી એમની સાથે ફોન ઉપર રોજ થોડી વાત કરો તો એમના આનંદનો પાર નહિ રહે. તમારી વાતચીત એમના માટે વિટામિનનું કામ કરશે. એમને અતિશય સુખ આપશે અને ખાસ કરીને પતિ-પત્ની બંને જો એમની જોડે વાત કરશે તો એમના આનંદનો પાર નહિ રહે. એ રીતે તમે તમારા સાસુ-સસરા જોડે પણ વાત કરશો તો એ સુખ એમના માટે સુકુન આપવાવાળું ઠરશે. દિકરીની ચિંતાથી તેવો મુક્ત રહેશે. ફક્ત જરૂર છે દરેક દિકરીએ સાસરિયામાં દિકરી બનીને રહેવાની. જયારે કોઈક જગ્યાએ વાંચવા મળે કે વહુઓને લીધે જ દિકરાનાં મા કે બાપ ને વૃદ્ધાશ્રમ જવું પડે છે ત્યારે મને અત્યંત દુખ થાય છે. શું મા બાપ તરીકે અમે દિકરીઓને આવાં વિચાર કે સંસ્કાર આપ્યા છે ? આ તો દીકરીના મા બાપ તરીકે આપણને લાંછન લાગે છે.

લગભગ બે ત્રણ મહિના પૂર્વે પુનામાં મહિલાઓનો એક કાર્યકમ હતો, એમાં એક વકીલ મહિલા કે જે ડિવોર્સના કેસ લડે છે, એમણે પોતાના વક્તવ્યમાં જાહેર કર્યું હતું કે, મા ના વધુ પડતા હસ્તક્ષેપથી ડિવોર્સની પરિસ્થિતિ ઉભી થાય છે. જો લગ્ન વખતે આપણે આપણા બાળકોને પૂર્ણ મેચ્યોર ગણી લગ્ન કરાવતા હોય તો પછી લગ્ન બાદ એમણે વધુ પડતી શિખામણ આપવાનું કઈ કારણ ? આજના પતિ-પત્ની ખુબજ સમજદાર છે. તેઓ આપણા કરતા બહારની દુનિયામાં વધારે રહે છે એ સ્વીકારી લઈએ. મને ચોક્કસ ખાતરી છે જયારે તેઓને તમારા માર્ગદર્શનની જરૂર પડશે તો તમારી સલાહ અચૂક લેશે.

વેકેશનમાં મા-બાપને મળવું જરૂરી છે. એમના થકી આપણે છીએ. આપણે એમની ભાવનાઓને સમજીને સુખ આપીશું તો જ આપણાં બાળકો આપણને સાચવશે કે આપણી કેર કરશે. એ દાખલો આપણે જ બેસાડવો પડશે. નહિ તો પછી વૃદ્ધાશ્રમો ક્યાં ઓછાં છે ?

વૃદ્ધાશ્રમની વાત આવી એટલે એક વાત કહેવાનું મન થાય છે. વૃદ્ધાશ્રમમાં પુરુષો બહુજ સહજતાથી રહેતા હોય છે કે એડજસ્ટ થઇ જતા હોય છે, પરંતુ સ્ત્રીઓ માટે થોડું અઘરું હોય છે. કારણ નાનપણથી જ સ્ત્રી એક આશ્રિત જીવન જીવતી આવી છે. બચપણમાં માં-બાપને આશ્રિત, યુવાનીમાં પતિને આશ્રિત, ઘડપણમાં પુત્રોને આશ્રિત. ખરેખર, વૃદ્ધાશ્રમ તો એ લોકો માટે હોવા જોઈએ જેઓના પરિવારમાં નજીકની કોઈ વ્યક્તિ નથી કે કોઈ સહારો દેનાર હયાતના હોય.

પ્રાર્થના કરું છું કે વૃદ્ધાશ્રમો બંધ થાય, બધા સુખેથી પોતપોતાના પરિવાર જોડે સુખી રહે, લહેર કરે. દરેક વ્યક્તિ બીજી વ્યક્તિને સુખ પ્રદાન કે, દરેક કુટુંબ બીજા કુટુંબને સહાય કરે અને થૅન્ક્સ મેળવતું રહે.

આજની વાતને અલ્પવિરામ આપું તે પહેલાં એક વાત શેર કરીશ જે ખરેખર પ્રશંસાને પાત્ર છે. મારી કંપનીમાં એક પ્રથા છે – જો કોઈ અધિકારી બીજા ક્રોસ ફંકશનના અધિકારીને ઉત્કૃષ્ટ મદદ કરે તો મદદ મેળવનાર અધિકારી મદદ કરનાર અધિકારીને એક "શાબાશકાર્ડ" આપે છે અને એની મદદને બિરદાવે છે. આ શાબાશ કાર્ડ કંપની એ બહુ જ સુંદર રીતે પ્રિન્ટ કરેલ છે. જેની ડિજિટલ નોંધ પણ થાય છે.

જોયું ને મિત્રો, સુખ પહોંચાડવાના, સુખ આપવાના ઘણાં નુસખા અજમાવી શકાય છે. માર્કેટિંગ આપણે કરવાનું છે કારણ આપણે સુખની દુકાનનાં માલિક છીએ.

Gratitude makes sense of our past, brings peace for today, and creates a vision for tomorrow – Melody Beattie.

Just spread Happiness, spray Happiness….

(ક્રમશઃ)