Ghar books and stories free download online pdf in Gujarati

ઘર

ઘર

વિભૂતિ બિપિનચંદ્ર દેસાઈ

‘‘સ્વઘર’’ માં રાત્રે ઉંઘ ન આવતા મધુબેન વિચારના ચકડોળે ચડ્યા.

હાથ જોડી કેટકેટલાં કાલાવાલા કર્યા ઘરનાં એક ખૂણામાં પડી રહીશ પરંતુ સમીર અને એની પત્ની સીમા એકનાં બે ન જ થયાં ઘરના એક એક ખૂણાને, ભીંતને કરેલો છેલ્લો સ્પર્શ. થોડો સમય હીંચકે ઝુલવું હતું તે પણ ઝુલવા ન દીઘું. પૌત્રને પણ દૂર મામાને ઘેર લઈને સીમા જતી રહી.

ઘરનું નાનુ મોટું કામ કરી લેતી, પૌત્ર મીહીરને કેટલાં જતનથી ઉછેર્યો. મીહીરને તો મારા વિના જરા પણ નથી ચાલતું. બાલમંદિરમાંથી આવે કે ‘‘બા’’, ‘‘બા’’, કરતો વળગી પડતો. એ જ તો મારો સહારો હતો. બાકી સમીર એનાં કામમાં અને વહુ તો મારું નામ લેતા પણ અભડાઈ જતી હોય તેમ બોલતી જ નહિ. તેની પણ મેં કોઈ દિવસ ફરિયાદ નથી કરી. મીહીરની કાલીઘેલી વાતો સાંભળવી, હિંચકે બેસી ગીતો ગાવા, ભજન ગાવા, મીહીરને વાર્તા સંભળાવવી. મીહીરને આવું સાંભળવું બહું જ ગમતું.

બાગમાં ઉડાઉડ કરતાં પતંગિયા પાછળ દોડવું, નાળિયેરના ઝાડ પર સુગરીનો માળો, લાલ ચંદનના વૃક્ષ પર ચકલીનો માળો, ખિસકોલીની દોડાદોડ, લક્કડખોદનું જમરૂખના ઝાડ પર કૂદાકૂદ કરવું, કોયલનો ટહુકો તો કાગડાનું કા...કા...આ બધું જ મીહીર સાથે માણ્યું છે.‘‘સ્વઘર’’ પણ શહેરથી દૂર, વાડીમાં કુદરતી સૌંદર્યની વચમાં. વાડીમાં હિંચકા છે, નાનકડું મંદિર છે, પાણીના ફુવારા છે, ઉડાઉડ કરતાં પતંગિયા, જાતજાતના પક્ષીઓ, સ્વઘરમાં રહેતા સાથીઓ, બધું જ છે. ક્યાં ઘરનું ભારેખમ વાતાવરણ અને ક્યાં અહીંનું હળવું વાતાવરણ !આજે દીકરા સમીરની વર્ષગાંઠ હોવાથી વિતેલા દિવસો યાદ આવવા માંડ્યા. વિચારમાં ને વિચારમાં ક્યાં સવાર પડી તેનો ખ્યાલ જ ન રહ્યો.મધુમાસીને ‘સ્વઘર’ માં આવ્યાને બે જ મહિના થયા છતાં સૌના પ્રિય બની ગયેલા. મધુમાસી રોજ સવારે મધૂરકંઠે પ્રભાતિયા ગાતાં અને વાતાવરણ ભકિતમય બની જતું. આજે પ્રભાતિયાંને બદલે ઊંડા વિચારમાં બેઠેલા જોઈ સરલાબેને કારણ પૂછતાં જ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યાં. સરલા, ઘર કોને કહેવાય? સરલાબેને કહ્યું જ્યાં આપણે વસવાટ કરીએ તે ઘર. સરલા, આપણાં કેટલા ઘર થયા? નવ મહિના માતાના ઉદરમાં રહીએ એ પ્રથમ ઘર. જન્મ થતાં એ ઘર ખાલી કર્યું. હોસ્પિટલમાં અગિયાર દિવસ રહી આવી ત્રણ મહિના રહી પિતાના ઘરે આવી, મામાનું ઘર ખાલી. પિતાની નોકરીમાં બદલી થતાં કેટકેટલાં ઘર બદલ્યાં. અંતે લગ્ન કરી પતિગૃહે આવી.પતિની બેંકમાં નોકરી. પોતાનું ઘરનું સ્વપ્ન સાકાર કરવા લોન લઈ અમે સુંદર મજાનું ઘર ખરીદયું. નાનકડા સમીર અને સાસુમાં સાથે અમારા ઘરમાં રહેવા આવ્યા ત્યારે થયું હાશ ! હવે ઠરીઠામ થયાં. આ મારૂં પોતાનું ‘‘ઘર’’.

આજ સુધી એક ઘરે થી બીજા ઘરે એમ ઘર બદલતા રહી આજે જ્યારે મારું પોતાનું કહી શકાય એવાં ઘરમાં રહેવાનો આનંદ જ અનેરો. ખૂબ હોંશથી અમે ધીમેધીમે ઘરની સજાવટ કરવા માંડી. બગીચાનો મને ખૂબ જ શોખ, જાતે છોડ લાવી બગીચો બનાવ્યો. હિંચકો બાંધ્યો.રવિવારની સવારે અમે બધાં બાગમાં જ ચા-નાસ્તો કરતાં અજવાળી રાત્રે અમારું સાંજનું ભોજન અગાસીમાં જ થતું. આમ, અમે હસી ખુશી આનંદથી રહેતા. મારું પોતાનું ઘર હોય એવું સપનું સાકાર થયું. હું ખૂબ જ ખુશ.

એક દિવસ હિંચકે ઝૂલતા આપોઆપ ‘‘ઘર’’ વિશે કવિતા બની ગઈ અને એક સ્પર્ધામાં મારી આ કવિતાને પ્રથમ ઈનામ મળ્યું. સરલાનાં આગ્રહને વશ થઈ મધુમાસીએ એ કવિતા સંભળાવી.

ભીંતે પાડેલ હોય ચીતોરડાં - ઘર એને કહેવાય.

ઓરડે રમકડાં વેરવિખેર - ઘર એને કહેવાય.

હોય બારણે ચંપલના ઢગ - ઘર એને કહેવાય.

હોય જ્યાં ચકલીનો કલબલાટ - ઘર એને કહેવાય.

રહતી અવર-જવર માનવકેરી - ઘર એને કહેવાય.

આવકાર મધૂરો મહેમાનને મળે - ઘર એને કહેવાય.

ફોરે સુંગંધ સંબંધની - ઘર એને કહેવાય.

થાકેલાંને મળે હાશકારો - ઘર એને કહેવાય.

નારીને લક્ષ્મી સમજી માન આપે- ઘર એને કહેવાય.

સરલા, નાનકડા સમીરને કોઈ વાતની ખોટ ન પડે એનું ધ્યાન રાખતી. સાસુમાં ની સેવા અને સમીરનાં ઉછેરમાં મેં જરા પણ કચાશ નથી રાખી. સાથે પતિની પણ એટલી જ કાળજી રાખતી. હું મારું પોતાનું અસ્તિત્વ જ ભૂલી ગઈ. સમીરની શાળામાં રજતજયંતિ ઉજવણી નિમિત્તે માવતરને પણ સ્ટેજ પર પોતાની કૃતિ રજૂ કરવાનું કહેવામાં આવ્યું હતું. ત્યાં જ મારી સહધ્યાયી વીણાએ હલક કંઠે સુંદર ભજન ગાયું. મને મળી ત્યારે મેં ભાગ નથી લીધો જાણી આશ્વર્ય થયું. સુંદર હાર્મોનિયમ વગાડતી તે તું જ ને ? મેં કહ્યું લગ્ન પછી હાર્મોનિયમને વિદાય આપી. પરંતુ એનો મને રંજ નથી. એટલી ખુશખુશાલ મારી જિંદગી.

સમીરને એની ઈચ્છા મુજબ ભણાવ્યો. સરસ નોકરી મળી. અમારી બધાની ખુશીનો કોઈ પાર નહિં. સાસુમાંની ઈચ્છા કે આટલી ખુશી ભગવાને આપી છે તો ઠાકોરજીના દર્શન કરીએ. એક રવિવારે ઠાકોરજીના દર્શન કરી આવ્યા.

દિવાળીની રજામાં ગોવા ફરી આવ્યા. આમ, અમારી જિંદગીમાં ખુશી જ ખુશી...અમને ક્યાં ખબર હતી ! આ ખુશી કુદરતને મંજૂર નથી. એ તો મારે માટે, હા મારે માટે જ દુ:ખની છડી લઈને ઉભી છે. એક દિવસ સાસુમાને મંદિરેથી લઈને આવતાં કારને એક્સિડન્ટ થયો. સ્થળ પર જ સાસુમાં અને સમીરના પપ્પાનો દેહાંત થયો. માથે આભ તૂટી પડ્યું. સમીરના પપ્પાની જગ્યાએ મને બેંકમાં નોકરી મળી. ધીમેધીમે હું અને સમીર જિંદગીમાં ગોઠવાતા ગયા. સમીર મારું ખૂબ જ ધ્યાન રાખે. યુવાન પુત્રને સહારે દિવસો પસાર થતાં હતાં. પુત્ર મારું ખૂબ જ ધ્યાન રાખતો. સમીરને પ્રમોશન મળતાં જ સમીરના આગ્રહથી નોકરી છોડી દીધી. એક દિવસ હિંચકે ઝૂલતા સમીરે એની પસંદની છોકરી રીમા સાથે લગ્ન કરવાની સંમતિ માંગતા જ મેં દિકરાની ખૂશી માટે હા પાડી. ધામધૂમથી લગ્ન કરાવ્યાં.

વહુ ઘરમાં આવી થોડો વખત બરાબર ચાલ્યું. ધીમે ધીમે વહુએ પોત પ્રકાશવા માંડ્યું. મારી તો માંડ પાંચ-સાત વર્ષની નોકરી પરંતુ સમીરના પપ્પાનું પેન્શન આવે તે પણ વહુ સીફતથી કઢાવી લે, ન આપું તો ઝઘડો કરે. ઘરમાં શાંતિ જળવાય એટલે ચૂપ રહેવાનું પસંદ કર્યું. દિકરો મારી સાથે વાત કરે તે ગમે નહિ. દિકરાની કાન ભંભેરણી શરૂ કરી. એક દિવસ મારા પર એનાં પૈસાની ચોરીનો આરોપ મૂકી મને અહીં મૂકી ગયાં, ને ગયાં તે ગયાં.

જીવું ત્યાં સુધી આ મારું ઘર અને અંતે છેલ્લાં શ્વાસ પૂરા થશે ત્યારે સ્મશાન ઘાટ એ મારૂં અંતિમ ઘર.જોને સરલા, હું કેટલી નસીબદાર. લોકોને એક ઘરનાં ફાંફાં ને મારે તો કેટલાં બધાં ઘર! આટલું બોલી ફરી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યાં. શાંત થતાં જ મધુબેને ‘‘સ્વઘર’’ નાં મિત્રોને ભેગા કરી જણાવ્યું મારી અંતિમ ઈચ્છા છે મારો અગ્નિદાહ તમે જ આપજો. દિકરાને ખબર કરવાની જરૂર નથી. અને આ મારું વસીયતનામું મારું ઘર હું આ ‘‘સ્વઘર’’ ને આપી જાઉં છું.આજે જ બેંકમાં જઈ મારા એકાઉન્ટમાંથી સમીરનું નામ કઢાવી ‘‘સ્વઘર’’ ના મેનેજર હેમંતભાઈનું નામ દાખલ કરાવું જેથી બારોબાર પેન્શન ન લઈ શકે.

દિલ હળવું થતાં જ હલક કંઠે ગીત ઉપાડ્યું.

આજા સનમ મધૂર ચાંદની મેં

હમ-તુમ મિલે તો વીરાનો મેં ભી આ જાયેગી બહાર..

ઝૂમને લગેગા આસમાન.

કેહતા હૈ દિલ ઔર મચલતા હૈ દિલ

મેરે સાજન, લે ચલ મુઝે તારોં કે પાસ

બધાં આનંદથી તાળી પાડી મધુબેનને ભેટી પડ્યાં વાતાવરણ હળવું થયું.