Teen Age - Thin Age - Part 1 books and stories free download online pdf in Gujarati

Teen Age - Thin Age - Part 1

ટીન એઈજ... થીન એઈજ!

ભાગ ૧

પીયુષ જયંતીલાલ શાહ

ઈ મેઈલ : shahpiyush807@gmail.com



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

ટીન એઈજ... થીન એઈજ!

રવિવાર ની સાંજે ‘’મેગા મોલ’’માં પ્રવેશતા વેત જ પ્રો. આશ્લેષ મહેતા ચોંકી ગયા, એમની આંખમાં આશ્ચર્ય અંજાય ગયું.... રવિવારની ચહેલ પહેલ વચ્ચે એમની નજર સીધી જ જઈ ને અટકી એક યુવતી અલબત સ્ત્રી પાસે... અરે આ તો શૈલજા દિવાન, પ્રો. મહેતા મનોમન બોલ્યા... આશરે સાતેક વર્ષ પહેલા છેલ્લી વખત શૈલજા ને જોયેલ... એ પછી આજે અચાનક...

પ્રો. મહેતા વ્યવસાયે કોમેર્સ કોલેજમાં વ્યાખ્યાતા. આશરે બે દાયકાની એમની કારકિર્દી દરમિયાન અનેક યુવક યુવતી એમના હાથ તળે ભણી ગયેલ અને લાઈફ માં સેટલ થઈ ગયેલ.... આટલા વર્ષો દરમિયાન બહુ ઓછા વિધાર્થીઓના નામ જીભે અને કામ હૈયે કોતરાયેલા તેમાંનું એક નામ હતું શૈલજા દીવાન.

****

કદાચ દસેક વર્ષ થયા હશે એ વાત ને... શૈલજા નો કોલેજ પ્રવેશ, પ્રથમ વર્ષ અને પ્રથમ દિવસે ક્લાસમાં પ્રથમ લેક્ચર પ્રો. આશ્લેષ મહેતાનું. મહેતા સર નું વ્યાખ્યાતા તરીકે બહુ ગણનાપાત્ર નામ. એમના ક્લાસમાં કયારેક બીજી કોઈક કોલેજ નાં વિધાર્થીઓ પણ ચોરી છુપી થી ભણી જાય. એકદમ હળવી શૈલીમાં રમુજ વેરતા વેરતા ભણાવે ને બધા ધ્યાનથી ભણે.

મેહતા સર ની અમુક વાત કે ટકોર નવા-સવા વિદ્યાર્થીઓ ઉપર જાદુઈ અસર કરી રહી હતી.

અચાનક શૈલજા એ પૂછ્‌યું “સર કેન આઈ સે સમથીંગ ?”

“યસ”

“સર ખબર નહિ તમને મારી ઈમ્પ્રેશન કેવી પડશે પણ એક વસ્તુ ચોક્કસ છે કે આપ બહુ સરસ ભણાવતા જ હશો પરંતુ, સાથે સાથે તમે હયુમન સાયકોલોજીપણ બહુ સારી રીતે જાણો છો. તમારે પ્રોફેસર નહી પરંતુ સાયકોલોજીસ્ટ થવાની જરૂર હતી.”

પ્રો. મહેતા થોડીવાર માટે તો દિગ્મુઢ થઈ ગયા. કોલેજનાં પહેલા જ દિવસે, પહેલા જ લેક્ચરમાં આટલા વર્ષોમાં હજુ સુધી કોઈ વિદ્યાર્થી એ આવું કહ્યું ન હતું, અને એ પણ કોઈ પરિચય વિના. ભલભલા વિદ્યાર્થીઓ પણ કોલેજના પહેલા દિવસે તેલ નહિ તો તેલ ની ધાર જોઈ ને આગળ વધતા હોય છે ત્યારે... આ તો બેધડક વાત ને છતા પ્રત્યેક શબ્દોમાં સચ્ચાઈ...

“મેં આઈ નો યોર નેમ...?”

“શૈલજા... શૈલજા દિવાન...”

“ વેલ, શૈલજા વેરી ગુડ ઓબ્ઝર્વેશન બટ એટ પ્રેઝેન્ટ આઈ એમ હેપી વિથ વોટ આઈ એમ...”

બધા હસી પડયા ને ત્યાંતો લેક્ચર પુરો થવાની બેલ પડયો.

****

પહેલા લેક્ચર થી લઈ પહેલા વર્ષના અંત સુધી શૈલજા છવાયેલ રહી. કોલેજમાં ડેઈઝ સેલીબ્રેશન હોય કે પીકનીક નું આયોજન દરેક માં એનું નામ ગાજતું રહે.

મહેતા સર જ્યારે પણ વિધાર્થીઓને મુંઝવવા અઘરો સવાલ પૂછે ત્યારે બીજાબધા વિધાર્થીઓ અકળામણ અનુભવતા, ને શૈલજા સવાલ ની મજા લેતી એટલું જ નહિ ઘણે ખરે અંશે એનો જવાબ પણ આપતી.

“ સર આઈ લવ ડીફીકલ્ટ થીંગ્સ ટુ ડુ. એ આપણ ને ઘણું બધું શીખવી જાય છે....” બસ, આવા અભિગમે પ્રો. મેહતા નાં ફેવરીટ લીસ્ટમાં શૈલજાનું નામ પથ્થર પર લકીર ની જેમ કોતરાય ગયું.

****

પહેલા વર્ષના પરિણામમાં યુની. નાં ટોપ ૧૦ માં આ જ કોલેજ નાં છ વિધાર્થીઓ. ને સમગ્ર યુની. માં મોખરાનું સ્થાન... હા એકદમ સાચું શૈલજા દિવાન...

કોલેજ નાં સિક્યોરીટી ગાર્ડથી માંડી પ્રિન્સીપાલ સુધી તેણીએ પોતાનું નામ ગાજતું કરી દીઘું.

****

મનજીત સેકન્ડ યર કોમર્સ માં કોલેજમાં ન્યુ એડમીશન. કસાયેલ ચુસ્ત શરીર, ગૌર વર્ણ , ફિલ્મસ્ટાર ને શોભે તેવા વાળ, એક કાન માં કડી, જડબા સતત ચ્યુંઈગ ગામ ચાવતા જોવા મળે... મોટા ભાગે આછી દાઢી...

એક વિદ્યાર્થી તરીકે એના માં ખાસ કઈ યાદ રાખવા જેવી ક્વોલીટી નહિ, લેક્ચર માં પણ પોતાના નોલેજ થી નહિ અનનેસેસરી જનરલ નોલેજ થી ટકોર કરવાનો એને શોખ. આમ જુઓ તો એની કોઈ એવી ઉચ્ચા દરજ્જાની સેન્સ ઓફ હ્યુમર નહિ પણ છતા ક્લાસ ને હસાવી શકતો....

એના પપ્પા મલ્ટિનેશનલ કંપનીમાં બહુ ઉંચી પોસ્ટ પર. બરોડા થી એ લોકો ટ્રાન્સફર થઈ રાજકોટ આવેલ. નાણાની તંગી શું કેવાય એની મનજીત ને માત્ર અર્થશાસ્ત્ર નાં વિષય થકી જ જાણ... ટીપ ટોપ કરિઝ્‌માં બાઈક ને રોજ ફેશનેબલ કપડા.

એની વાતોમાં ઘણી વખત બેફીકરાય જોવા મળતી, કોઈ ચોક્કસ દિશા નહિ અને કદાચ જિંદગીની એવી કોઈ સમાજ પણ તેણે કેળવી નહોતી હા, કોલેજ ની અધર એક્ટીવીટીઝ માં એ સંકળાયેલ પરંતુ એમાં પણ ક્યાંક એનું “હું પણું” છતુ થતું.

સામાન્ય સંજોગોમાં ધ્યાન થી લેક્ચર ની મજા લેતી શૈલજા ને ખબર નહિ કેમ પણ મનજીત ની કોમેન્ટ ગમતી.... એને મનજીત નો કોન્ફીડન્સ અને સ્ટાઈલ આકર્ષક લાગવા માંડયા...

સેકન્ડયર ની પીકનીક નાં આયોજન અને પછી પીકનીક દરમિયાન, આઉટસ્ટેન્ડીંગ શૈલજા અને નોટીબોય મનજીત વધારે નજીક આવી ગયા... ને કોલેજ માં ચર્ચાનો વિષય બની બેઠા.

****

સ્ટાફ રૂમ માં રીસેસ દરમિયાન કોફી નો કપ મોઢે માંડતા મીસીસ મેનને કહ્યું “આજકાલ શૈલજા માં ઘણો ચેઈન્જ જોવા મળે છે, અને એ પણ નેગેટીવ આજે પણ મારા લેક્ચર માં એનું ધ્યાન નહી, મારે એને આજે પણ ટોકવી પડી.....”

“ એકઝેટલી મેડમ”... પ્રો. અગ્રવાલ ની વ્યથા પણ એમાં ભળી... “ મેહતા સર , શૈલજા ઈઝ અવર એસેટ, એ કદાચ ક્યાંક દિશાહીન થઈ રહી છે... એઝ યુ આર હર ફેવરીટ સર... યુ શુંડ ગાઈડ હર...”

“ સર , ફેવરીટ બેવરીટ તો સમજ્યાં પણ દરેક ને પોતાની સમજ હોય છે, હું નથી માનતો કે મારા શબ્દો એના પર કોઈ જાદુઈ અસર કરે છતા આઈ વિલ ટ્રાય....”

****

શનિવારે કોલેજ છુટવા સમયે પ્રો. મહેતા એ શૈલજાને મળવા માટે બોલાવી...

“ લુક શૈલજા તું મેચ્યોર્ડ છે, હું બહુ વધારે તો કંઈ નહિ કહું. પણ સક્સેસ એચીવ કરવી જેટલી અઘરી છે એના કરતા પણ વધારે અઘરૂં છે એને મેઈન્ટેઈન કરવી અને હા તે જ કહેલ કે તને લાઈફ માં ડીફીકલ્ટ વસ્તુ કરવી ગમે છે. પણ ધ્યાન રહે એવી કોઈ વાત કે વસ્તુ નાં કરીએ જેથી લાઈફ ડીફીકલ્ટ થઈ જાય.. અત્યારે કરિયર બનાવવાનો સમય છે એના ઉપર વધારે ધ્યાન આપ”

“યસ, સર આઈ નો... મને એ પણ ખબર છે કે મને આ બધું શું કામ કહો છો... સર પણ... મને મારો રસ્તો ખબર છે સર... એની વે થેન્ક્સ.... બટ આઈ વિલ નોટ લેટ ડાઉન યોંર એક્સ્પેક્ટેશન્સ.....”

એના ફેવરીટ મહેતાસર ને આવી બાહેંધરી આપનાર શૈલજા બીજા વર્ષના પરિણામ માં પ્રથમ થી ગબડી ને સાતમાં ક્રમાંકે પહોંચી . ખબર નહીં એની ક્ષમતાને કાંઈક ગ્રહણ લાગવા માંડયું.....

****

“સર મનજીત અને શૈલજા નું ચક્કર ઘણે આગળ પહોંચી ગયું છે.”... નીરવે કહ્યું અને આશ્લેષ સર ને એ વાક્ય જરાય નાં ગમ્યું.....

“ લુક, નીરવ કોઈ ફ્રેન્ડશીપ ને તમે લોકો, ચક્કર જેવો ચીપ વર્ડ આપો છો, યાર તમે તો યંગ છો આવી બધી બાબતોમાં શા માટે સમય વેડફો છો......

જોકે યેશા એ નીરવનો સાથ દેતા કહ્યું “ સર તમે કહો તો વર્ડ બદલી નાખીએ પણ યાદ રાખજો મીનીંગ તો એ જ રહેવાનો.”

****

થર્ડ યર શરૂ થઈ ગયું હતું, અને ઘણા ખરા દિવસો એવા હતા જ્યારે ઘરે થી કોલેજ જવા નીકળેલ શૈલજા કોલેજ સુધી નહોતી પહોંચતી.... પરીક્ષા ઓ પણ પૂરી થઈ ગઈ... ને પરિણામની ઘડી ગણાવા માંડી...

****

“ સર “ પ્રો. અગ્રવાલે મહેતા સર ને મોબાઈલમાં કહ્યું “ ટી.વાય.નું રીઝલ્ટ આવી ગયું... આપના ચાર સ્ટુડન્ટસ ટોપ ટેન માં છે... ફર્સ્ટ પણ આપને ત્યાંથી જ છે...”

“ગુડ... કોણ શૈલજા...”

“નાં સર એનું નામ ક્યાંય નથી...”

ફોન કટ થઈ ગયો...

****

નવા સ્ટુડન્ટસ આવતા ગયા સમય વહેતો ગયો.... જેમ દરિયા નાં મોજા રેતી પર બનાવેલ ચિત્ર ધીરેધીરે ભૂસી નાંખે એમ પ્રો. મહેતા નાં માનસપટ પર થી શૈલજા નું નામ ધીરેધીરે ઝાંખું થતું ગયું.

પણ આજે અચાનક એને સામે ઉભેલ જોઈ. શૈલજાનાં ચહેરા ઉપર કોઈ નુર નહિ, શરીર પણ ઘણું બધું શુષ્ક અને સુસ્ત લાગતું હતું, ઉજળોવાન પણ ઝાંખો પડી ગયો હતો. વર્ષો પહેલા જોયેલ શૈલજા ની જગ્યાએ એનું ભૂત હોય એવો આંચકો આશ્લેષ મહેતા અનુભવ્યો, એને બોલાવવી કે નહિ એની ગડમથલ ચાલતી હતી ત્યાંજ શૈલજા નું ધ્યાન મહેતા સર પર પડયું...

****

“સર સેકન્ડયર ની પીકનીક સમય થી જ અમે બંને એકબીજાની નજીક આવી ગયા હતા, કોઈ છોકરો મારી લાઈફ માં આટલો બધો મહત્વનો થઈ જશે એની મને કલ્પનાજ નહિ... મને એની સ્ટાઈલ, એક્શન્સ, કોન્ફીડન્સ બહુ ગમી ગયા..... હું બુક ખોલું કે ટીવી બસ મને બધે ‘મન’ જ દેખાતો... મને ખબર પણ ન પડી કે મારી જાત ને મેં ક્યારે મનજીત માં ઓગાળી દીધી....

મનજીત ની વાઈફ થવું એ એક જ સ્વપનું રહ્યું... કરિયરના વિચારો બંધ થઈ ગયા.... ને મને પણ કહ્યું શૈલ આપણે મેરેજ કરી લઈએ પછી આરામ થી તારી કરિયર બનાવજે. બસ, સર હું એના સિવાય કાંઈ સાંભળતી કે ભાળતી જ નહિ, મેં મારા ફેમીલી ને કહ્યું પણ એ લોકો એગ્રી નાં થયા, બટ આઈ વોઝ ડીટરમાઈન્ડ. મન નાં ફેમિલીને વાંધો નહોતો... અને સર ફાયનલી મારા ફેમીલી ની જાણ બહાર અમે કોર્ટ મેરેજ કરી લીધા.... અને એક દિવસ હું ઘેર થી ભાગી ગઈ..... ત્યારે હું એમ.કોમ. કરતી... એક્ચ્યુલી મારે એમ.બી.એ. કરવું તું પણ યુ નો સર મન બહુ ઓર્ડીનરી સ્ટુડન્ટ હતો એણે એમ.કોમ. જોઈન કર્યું... ને કઈ વિચાર્યા વિના મન નો સાથ મળે એટલે મેં પણ.”

પણ સર મેરેજ પછી તુરતમાં જ બધું બદલાય ગયું, બધા સ્વપ્નાઓ, અરમાનો ખતમ થતા ગયા, એ બહુ પઝેસીવ હતો... અને શંકાશીલ પણ... અમારી વચ્ચે અંતર વધતું ગયું... એ મારો મોબાઈલ, પર્સ બધું ચેક કરે... અને રોજ ઝઘડા. બસ થોડા સમય બાદ અમારા ડિવોર્સ થયા... બહુ કપરો સમય હતો મારા માટે મારા સ્વપ્નો, અરમાનો ભાંગીને ભુક્કો થઈ ગયા હતા, કરિયર બનાવવાના સમયે હું ખોટા આકર્ષણ નો ભોગ બની અને ઘણું બધું ખોઈ બેઠી... શૈલજાનો અવાજ ખુબજ ભારે થઈ ગયો હતો. “સર મને હજુ પણ તમારૂં એ વાક્ય યાદ છે કે જિંદગીમાં ડીફીકલ્ટ વસ્તુ કરો એનો વાંધો નહિ પણ એવી વસ્તુ નાં કરવી કે જીન્દગી ડીફીકલ્ટ બની જાય” શૈલજાની આંખો ભીની થઈ ગઈ અવાજ રૂંધાય ગયો આટલું કહેતા હાંફી ગઈ...

મહેતા સર પણ નક્કી નાં કરી શક્યા કે સમગ્ર ઘટના ને અંતે શું આશ્વાસન આપવું.... એમને વાતનો વિષય બદલવા હળવાસ લાવવા પૂછ્‌યું આજે શું શોપિંગ કરવા આવી છે ? પરંતુ શૈલજા નાં આ વાક્યે પ્રો. મહેતાને વધારે ગમગીન બનાવ્યા... “સર અહી એમ્પોઈ ની રીક્વાયરમેન્ટ છે. માટે હું તો જોબ ગોતવા આવી છુ....”

“અરે પણ તેતો એમ. કોમ કર્યું છે ને લેક્ચરર તરીકે ટ્રાય કર”, “ સર પણ મારે એમ.કોમ. માં ૫૨ ટકા જ છે. આઈ. એમ. નોટ ક્વોલીફાઈડ” પ્રો. આશ્લેષ મહેતા કાઈ બોલી નાં શક્યા કોલેજ નાં પહેલા વર્ષમાં યુની. ફર્સ્ટ અને એમ.કોમ. માં સાવ... મહેતાસરે શૈલજા ની સામેં જોયું અને કહ્યું ગોડ બ્લેસ યુ...આગળ ના એ કઈ કહી શક્યાં ના ત્યાં રહી શક્યા, ને ત્યાંથી જતા રહ્યાં...

****

તે રાત્રે પ્રો. આશ્લેષ મહેતા નાં મગજમાં વિચારોનું ઘમાસાણ ચાલતું હતું, એ પોતાની રોજિંદી ડાયરી લખવા બેઠા હતા પણ શરૂઆત ક્યાંથી કરવી એ સુઝતું નહતું...... શૈલજા નો ચહેરો એમની નઝર સામેથી હટતો નહોતો....એને કોલેજ ના પહેલા દિવસ ની શૈલજા દેખાતી હતી.આંખો માં સપના અને દિલ માં કૈક કરી બતાવવાની તમન્ના.પરંતુ કરિયર ના બહુજ અગત્ય ના વર્ષો સાવ વેડફી નાખ્યા શૈલજાએ એનો અફસોસ પ્રોફેસર ને આજે પણ હતો.આવું થવાનું શું કારણ એ એમને શોધવું હતું, બીજીતરફ મનજીત પણ કઈ સાવ પ્લેબોય તો નોતોજ.એના માં પણ ઘણી ક્ષમતા હતી.હા, એ વિદ્યાર્થી તરીકે હોશિયાર ના કહી શકાય.પરંતુ,એના માં અન્ય ઘણી આવડત હતી પણ કદાચ એ જેને કોન્ફીડંસ માનતો હતો એ વાસ્તવમાં એનો ઓવરકોન્ફિડન્સ હતો.એની સૌથી મોટી તકલીફ એ હતી કે એણે ક્યારેય લાઈફ ને ગંભીરતાથી લીધેલીજ નહિ.આજના મોટા ભાગ ના યુવકો એવું ઈચ્છતા હોય છે કે એમની પ્રેયસી સ્માર્ટ હોય,દેખાવડી હોય,પરંતુ જયારે એ પ્રેયસી પત્ની બને છે ત્યારે આ બધીજ ક્વોલીટીઝ પતિ ને પીડારૂપ લાગે છે અને એમની વચ્ચે અંતર વધતું જાય છે.

આવા તો અનેક શૈલજા અને મનજીત વેડફાઈ જતા હશે.પ્રેમ તો બહુજ પવિત્ર અને સ્વાભાવિક છે પરંતુ પ્રેમ ના ઓઠા તળે આકર્ષણ અને પસેસીવનેસ વ્યક્તિને એકસ્ટ્રાઓર્ડિનરી માંથી તદન ઓર્ડીનરી બનાવી જતી હોય છે.

એમાં કોણ કારણભૂત... ઉછેર, કેળવણી, સમાજ વ્યવસ્થા કે પછી ટીન એઈજ. ધારો કે બધો જ ઓળિયો ઘોળિયો ટીન એઈજ અથવા બાલી ઉમર પર નાખીએ તો એમાંથી તો અનેક પસાર થાય છે ને બધા નો અંજામ આવો નથી હોતો તો પછી મુગ્ધાવસ્થા નું આકર્ષણ અને ત્યારબાદ લગ્ન અને લગ્નવિચ્છેદ... આજકાલ એની સંખ્યા વધતી જાય છે... આ માત્ર વ્યક્તિગત સમસ્યા જ નથી પરંતુ સામાજિક સમસ્યા પણ છે... આમાં વ્યક્તિ થી માંડી સમાજ, પરિવાર થી માડી પઢાવનાર દરેક જવાબદાર છે. આ સહિયારી જવાબદારી છે. ને એનો ઉકેલ પણ સયુંકત પ્રયાસ થકી જ આવે.

બહુ મોડી રાત્ર સુધી પ્રોફેસર ડાયરી લખતા રહ્યાં...

****

બીજા દિવસે આશ્લેષ સરના લેક્ચરમાં નકુલે કાંઈક ચીલાચાલુ મજાક કરી અને જે રીતે સંધ્યા એ તેની સામે જોયું એ દ્રશ્ય થી પ્રોફેસર ફરી ચોંકી ગયા... અને વિચારો થકી પહોંચી ગયા ૨૦૨૩ ની રવિવારની સાંજે કોઈક મેગામોલ માં અને મગજમાં એક જ વાત ઘોળાતી રહી આને શું કહેવું પ્રેમ થી પતન તરફની સફર કે પ્રેમી થી પતન તરફ ?

****

લેખક પીયુષ જયંતીલાલ શાહ