Aandhi - 6 books and stories free download online pdf in Gujarati

અાંધી-6

આંધી-૬

કેમ્પમાં પથરાયેલો બલ્બનો આછો પીળો પ્રકાશ બલ્બની આસપાસની નાનકડી જગ્યામાં જ ફેલાઇને સમાપ્ત થઇ જતો હતો. એ પ્રકાશના અજવાળામાં તે કોઇની નજરે ચડેએ લગભગ અશક્ય વાત હતી. આ કેમ્પમાં તેણે જે બોમ્બ લગાવ્યા હતા એ એક રીતે જોતા હવે નકામા સાબીત થવાના હતાં. જે ખરેખર એક મુસીબત સાબિત થઇ હતી. તેની પાસે માત્ર દસ મીનીટ બચી હતી. દસ મીનીટ બાદ ભયાનક ધડાકાઓથી આખો કેમ્પ નેસ્તો-નાબુદ થઇ જવાનો હતો.. એક રીતે તો તેના મીશનની આ નિષ્ફળતા જ ગણાવાની હતી. આવનારી દસ મીનીટમાં તે શું કરી શકે છે એના ઉપર આ મીશનની સફળતા અથવા નિષ્ફળતાનો આધાર હતો.

કેમ્પમાં લગાવેલા બોમ્બનાં ટાઇમીંગને રી-સેટ કરવાનો હવે કોઇ મતલબ નહોતો કારણકે એ લગભગ અશક્ય વાત હતી. જો તે એક-એક બોમ્બનાં ટાઇમ નવેસરથી સેટ કરવાની કોશિષ કરે તો વધુમાં વધુ તે ચારથી પાંચ બોમ્બનાં જ સમય સેટ કરી શકે, અને બાકીના બોમ્બ દસ મીનીટ પુરી થતાં જ એક મોટા ધડાકા સાથે ફાટી પડે. તેમાં આ આખો કેમ્પ તો તબાહ થાય જ...પરંતુ સાથે-સાથે તેનું પોતાનું પણ નામોનિશાન મટી જાય.

ભયાનક ઝડપે તેનું દિમાગ વિચારતુ હતું. પસાર થતી એક-એક સેકન્ડ કિંમતી હતી. તેનાં મનમાં વિચારોનું ધમાસાણ ઉઠયું હતું. જેના કારણે થોડીવાર માટે તે પોતે પણ ગુંચવાઇ ઉઠયો હતો. ક્ષણેક ભર માટે તેના કપાળે પરેશાનીઓની રેખાઓ અંકાઇ...અને અચાનક તેને કંઇક સુઝયું. તેની આંખોમાં ચમક ઉભરી. “ યસ્સ્...ધેટ્સ પોસીબલ....”. તેનાં જીગરમાં આનંદ છવાયો અને તે કેમ્પના ડાબી તરફના કોટેજોની પડાળી તરફ દોડયો. ડાબી બાજુની કોટેજોમાં છેક છેવાડેની છેલ્લી કોટેજ તેણે જોઇ હતી. એ કોટેજમાં એમ્યુનીઝમ રાખવામાં આવ્યુ હતું. જે તમામ કોટેજો ચેક કરતી વખતે તેની બાજ નજરોએ નોંધ્યુ હતું. તે એ છેલ્લી કોટેજ પાસે પહોંચ્યો અને તેના બંધ દરવાજાને સાવધાનીથી ખોલીને અંદર ઘુસ્યો. કોટેજની બહાર પડાળીમાં જ એક બલ્બ ઝગતો હતો જેનો ઝાંખો પ્રકાશ દરવાજો ખોલતાં કોટેજની અંદર સુધી રેલાયો. બલ્બના ઝાંખા પ્રકાશમાં તેણે કોટેજની અંદરની જગ્યાનું નિરીક્ષણ કર્યુ. આખુ કોટેજ આધુનિક શસ્ત્રો, રોકેટ-લોન્ચરો, શસ્ત્રોથી ખચોખચ ભરેલું હતું. ઝડપથી તે આખી કોટેજમાં ફરી વળ્યો. અડધો-એક ડઝન હાથબોમ્બ ઉઠાવીને તેણે પોતાની પીઠ ઉપર લટકતા થેલામાં નાંખ્યાં. એક મીની મશીનગન તો તેની પાસે હતી જ, એ ઉપરાંત બે જર્મન બનાવટની ગન અને શાર્પ ધારદાર ચાકુઓનો આખો સેટ પણ તેની પાસે હતો એટલે વધારાનાં એવા નાના હથિયારો અત્યારે સાથે લેવાની જરૂર તેને જણાઇ નહી. તેણે ખૂણામાં પડેલું એક રોકેટ-લોન્ચર ખભે નાંખ્યુ અને રોકેટ-લોન્ચરના બે બોમ્બ, બંને હાથમાં એક-એક ઉઠાવ્યા. પછી કોટેજની બહાર નિકળી, ઝડપથી દોડીને તે જમણી તરફના કોટેજો પાસે પ્રાંગણમાં પડેલી પાછળની જીપ પાસે આવ્યો....જીપના પાછલા ખુલ્લા ભાગમાં રોકેટ-લોન્ચર, તેના બોમ્બ અને પીઠ ઉપર લટકાવેલો થેલો ઉતારીને નાંખ્યો.....ત્યાંથી ગોળ ફરીને ડ્રાઇવર સીટ પર તે ગોઠવાયો, અને સ્ટીયરીંગ વ્હીલ પાસે ડેશબોર્ડની નીચે હાથ નાંખીને વાયરોનું એક ઘૂંચળુ બહાર ખેંચી કાઢયુ. તેણે પહેરેલા બ્લેક જેકેટનાં અંદરના એક ફલેપમાંથી પેન્સીલ-ટોર્ચ ખેંચી કાઢી તેનો પ્રકાશ એ વાયરોનાં ઘૂંચળા પર ફેંકાયો. તે જાણતો હતો કે કયા વાયરો “ ઇગ્નીશન કી ” સાથે સંકળાયેલા છે...! પેન્સિલ ટોર્ચના અજવાળે જ બે અલગ-અલગ વાયરો ખોળી...તેને આપસ-માં સ્પાર્ક કર્યા. પહેલા બે-ત્રણ તીખારા ખર્યા અને પછી એક ભયાનક ઘરઘરાટી સાથે એ ખખડધજ જીપનું એન્જિન ચાલુ થયું. રાતના નિરવ સન્નાટામાં એ ખટારા જીપનો અવાજ ગુંજી ઉઠયો. કેમ્પનો સ્તબ્ધ માહોલ જીપ એન્જિનના અવાજથી રીતસરનો ખળભળી ઉઠયો.. જીપનાં ભયાનક ઘરઘરાટી ભર્યા અવાજથી કોટેજોમાં સુતેલા લોકોમાં સળવળાટ વ્યાપ્યો હશે...પરંતુ હવે એની તેને કોઇ પરવા નહોતી. ભયાનક ઝડપે તેણે જીપને રીવર્સ ગીયરમાં નાંખી અને એક્સીલેટર પર પુરી તાકાતથી પગ દાબ્યો. એક ઝટકા સાથે જીપે પાછળની તરફ ભાગી. તરત, એટલી જ ઝડપે તેણે સ્ટીયરીંગને ડાબી તરફ ફુલ રાઉન્ડમાં ઘુમાવ્યું. જીપનાં ચારેય પૈડાઓએ ચીકણો કાદવ હવામાં ઉડાડયો અને ભયાનક રફતારથી જીપનું મોઢું કેમ્પના ફાટક તરફ ઘુમ્યુ. એક જોરદાર બ્રેક મારી તેણે.. હવે જીપનું બોનેટ ફાટકની દિશામાં આવ્યુ હતું. તેણે ગાડી રીવર્સ ગીયરમાંથી ફર્સ્ટ ગીયરમાં નાંખી તેજ ગતીએ ઉપાડી...પાંચ મીનીટ... ફક્ત પાંચ જ મીનીટ બાકી હતી કેમ્પમાં લગાવેલા બોમ્બ ફાટવાને..... “ ધડામ....” અવાજ સાથે ફાટકનો ગેટ જીપના બોનેટ સાથે ટકરાયો અને પછી ગેટનાં ખપાટીયા હવામાં ઉડયા. ગીયર બદલી તેણે એક્સીલરેટર પર પુરા જોશથી પગ દબાવી દીધો. સ્ટેન્ડ પરથી છુટતા રોકેટની જેમ જીપે એક ભયાનક ધક્કા સાથે તેજ ગતી પકડી...અને ઉબડ-ખાબડ ભીના ડુંગરાળ રસ્તા પર ઉછળતી, આખડતી જીપ સામે દેખાતા બે પહાડોની દર્રાના રસ્તા તરફ પુરા ફોર્સથી ભાગી.

કેમ્પમાં સૂતેલા લોકોએ જીપનો અવાજ સાંભળ્યો જ હશે એની તેને સંપુર્ણ ખાતરી હતી. પરંતુ એ લોકો જાગીને બહાર આવે...પરિસ્થિતીને સમજે, અને કોઇ એક્શન લેવાનો વિચાર કરે એમાં ઘણો સમય લાગવાનો હતો તેમાં શંકાને કોઇ સ્થાન નહોતું. એટલે કેમ્પમાંથી કોઇ વળતો હુમલો તેના પર થાય એ લગભગ અશક્ય બાબત હતી એ તે સારી રીતે સમજતો હતો. કેમ્પનો પ્રશ્ન હવે તેના માટે ગૌણ બની ગયો હતો. એ તો થોડીવારમાં જ એક ભયાનક ધડાકા સાથે નેસ્તો-નાબુદ થઇ જવાનો હતો, પરંતુ એ ધડાકો થાય ત્યારે એ સમયે પોતે કેમ્પથી એક સલામત અંતરે પહોંચી જાય એ જરૂરી હતું. તે જીપના એક્સીલરેટર ઉપર લગભગ ચડી બેઠો હતો. ભયાનક વેગથી ઉછળતી- ખખડતી જીપ બેતહાશા ભાગી રહી હતી. પહાડનાં ઉબડ-ખાબડ રસ્તાઓનાં કારણે જીપના એન્જીનને પારાવાર શ્રમ પડતો હોય તેમ તેના પુરા વેગથી જીપ દમ ફેડીને કાદવ-કીચડવાળા પથરાળ રસ્તા ઉપર દોડયે જતી હતી. જંગલનાં નીતાંત અંધાકારને ચીરતો જીપના હેડ-લાઇટનો માંદો પ્રકાશ આગળ વધ્યે જતા રસ્તા ઉપર પથરાઇને સ્થીર થવાની વ્યર્થ મથામણ કરી રહયો હતો. ગણતરીની મીનીટોમાં જ તે કેમ્પથી ઠીક-ઠીક અંતરે આવી પહોંચ્યો હતો. જો રસ્તો સીધો-સપાટ હોત તો તેણે ઘણુ વધુ અંતર કાપ્યું હોત પરંતુ કોઇ લેવલ વગરનાં પહાડી રસ્તાઓ ઉપર ખખડધજ જીપે જેટલું અંતર કાપ્યું હતું એ પણ તેનાં માટે આશીર્વાદ રૂપ હતું. જીપ તેની કેપેસીટી લીમીટની બહાર બેફામપણે ભાગી રહી હતી. જીપમાં તે રીતસરનો ઉછળી રહયો હતો. જેના હડદોલા લાગવાના કારણે જીપનું સ્ટીયરીંગ તેના હાથમાંથી વારે-વારે છટકી જતું હતું, તેમછતાં, તે પોતાની પુરી તાકાતથી જીપને કંટ્રોલ કરતો ભગાવી રહયો હતો. તેની સ્થિર આંખો સામે દેખાતા રસ્તા ઉપર મંડાયેલી હતી.

“ દસ...નવ...આઠ.... ” બોમ્બ ફાટવાની ઉલટી ગણતરી મનોમન તેણે ચાલુ કરી.... “ સાત....છ...” તેના દાંત ભીંસાયા....જડબા સખત થયા...હ્રદયની ધડકનો તેજ થઇ. હાથ સખ્તાઇથી સ્ટીયરીંગ વ્હીલ પર ભીડાયા.... “ પાંચ...ચાર...ત્રણ....” ..... અને એક ભયાનક ઝટકા સાથે તેણે સ્ટિયરીંગ વ્હિલ પોતાની જમણી તરફ ફૂલ રાઉન્ડમાં ઘુમાવ્યું. તેજ ગતીથી બેફામપણે ભાગ્યે જતી જીપને એક જોરદાર ધક્કો અચાનક વાગ્યો હોય તેમ ગાડી જમણી તરફ ફરી....અને પછી સીધી થઇ. કાદવવાળા ચીકણા રસ્તા પર જીપના ટાયરો સ્લીપ થયા અને બીજી કોઇ પ્રતિક્રિયા થાય એ પહેલા તો ગાડી જમણી તરફ...રસ્તાની કોરે... વર્ષોથી કોઇ જૂના જોગીની જેમ ઉભેલી એક વિશાળ પથ્થરની શીલાની આડાશે ખલાણી. તેની તેજ બાજ જેવી આંખોએ એ શીલાને દુરથી જ જોઇ લીધી હતી. બોમ્બ ફાટે એ પહેલા તે કોઇ સુરક્ષીત જગ્યાએ પહોચી જવા માંગતો હતો કારણકે હજુ તે વિસ્ફોટોની ત્રિજીયાની બહાર નીકળ્યો નહોતો. હજુ તેના માથેથી ખતરો ટળ્યો નહોતો, એટલેજ કોઇ સુરક્ષીત સ્થાન, કે જ્યાં સુધી એ વિસ્ફોટોની અસર ન પહોંચે, એવું સ્થાન શોધવું જરૂરી હતું. એ મોટી શીલા દુરથી તેણે જોઇ હતી અને તેની આડાશે પહોંચી જવા તેણે જીપને ઘુમાવી હતી.

( ક્રમશઃ )