Aandhi - 5 books and stories free download online pdf in Gujarati

આંધી-5

આંધી-૫

સામે ચાલીને મોતનાં મુખમાં ઘુસ્યા પછી ડરવાનું કેવું...! અને આ જ તો તેનો વ્યવસાય હતો. મોત સાથે રમત રમવાનો...! પરંતુ અહી વાત અલગ હતી. જો તે આ નકસલવાદીઓના હાથે ઝડપાઇ જાય તો એક વખત મોત પણ ધ્રુજી ઉઠે એવું ભયાનક યાતનામય મૃત્યુ તેને મળે તેમાં કોઇ સંદેહ નહોતો. આ એક રીસ્ક જ હતું, જે તેણે ઉઠાવ્યું હતું.

ડાબી તરફની કોટેજો અને પાછળની કોટેજોની વચ્ચે દસેક ફુટ પહોળી ગલીયારા જેવી જગ્યા છૂટે એ રીતે એ કોટેજો બાંધવામાં આવી હતી. જેના કારણે કોઇએ કોટેજોમાંથી નીકળી તેની પાછળ વાડ સુધી જવું હોય તો જઇ શકે. એ વ્યક્તિએ કોટેજોનું લાંબુ ચક્કર કાપવુ ન પડે એ માટેની તે વ્યવસ્થા હતી. તે એ ગલીયારા જેવી જગ્યામાં આવ્યો અને કાન સરવા કર્યા. કયાંય કશી હિલચાલ નહોતી. કેમ્પની અવાવરુ જગ્યામાંથી ઉઠતા તમરા અને બીજા જીવ-જંતુઓના અવાજ ખામોશ વાતાવરણમાં ગુંજી રહયા હતા. દુર પહાડીઓના ઢોળાવ પરથી, તે પછીના જંગલમાંથી શિકારી પશુ-પંખીના અવાજો કયારેક-કયારેક તેના કાને પડતા હતા. સાવધાનીથી કોટેજની દિવાલે લપાતો તે કોટેજનાં એક છોર પર આવ્યો. જો તેની સામેના કોટેજના કમરામાંથી કોઇ ઓચીંતુ બહોર નીકળે તો તે જરૂર તેના ધ્યાને ચડયા વગર રહે નહિ. એ એક જોખમ હતું જ...અને એ જોખમ તેણે ખેડયુ હતું. કોટેજોમાં જે રીતની ખલેલ વગરની નિરવતા પથરાયેલી હતી એ જોતા કોઇ જાગીને બહાર નીકળે એવી શક્યતાઓ ઘણી ઓછી હતી. તેણે ગણતરીપૂર્વકનું જોખમ ઉઠાવ્યુ હતું. દિવાલ આડાશેથી તેણે ડોકુ બહાર કાઢી જીપો અને ટ્રક કઇ સ્થિતીમાં પાર્ક કરેલા છે એ જોયુ.... પછી હળવેકથી, બેઠા-બેઠા જ ચાલતો તે ટ્રકની આગળ ઉભેલી જીપના આગલા ભાગ તરફ સરકયો. જીપના બોનેટ પાસે આવીને અટકયો. પછી જીપની પ્રદક્ષિણા ફરી પાછળ ઉભેલા ટ્રક, તેના ટાયર પાસે પહોંચ્યો. સામેના કોટેજની છતે લાકડાના ઠોંગામાં લટકી રહેલા પીળા બલ્બનું ઝાંખુ અજવાળુ ટ્રક સુધી રેલાતું હતું. એ આછા પીળા પ્રકાશમાં તેણે ટ્રકનું નીરીક્ષણ કર્યુ. ટ્રકનો પાછલો ભાગ બંધ બોડીનો, મીલીટરી ટ્રકો જેવો હતો. તેની જર્જરીત હાલત ઉપરથી જ ખ્યાલ આવી રહયો હતો કે ટ્રકે અહીના ઉબડ-ખાબડ પહાડી રસ્તાઓમાં લાંબી ઝીંક ઝીલી હશે. થેલામાંથી એક બોમ્બ કાઢી તેણે ટ્રકના આગળના ટાયરની ઉપર ફીટ કર્યો. થોડીવાર આજુબાજુ જોતો તે ત્યાં જ બેસી રહયો...અને પછી હળવેકથી સરકીને ટ્રકનાં પાછળના ભાગ તરફ ચાલ્યો. હજુ એક બોમ્બ વધ્યો હતો એ તે જમણી બાજુ પાર્ક કરાયેલી આગળની જીપમાં ફીટ કરવા માંગતો હતો. પરંતુ એ પહેલા તે અહીથી બહાર નીકળવાનો માર્ગ વિચારી લેવા માંગતો હતો. તેનું કામ લગભગ પુરુ થઇ ચુક્યુ હતું. તેણે બોમ્બમાં વીસ(૨૦) મીનીટ પછીનો સમય સેટ કર્યો હતો જેમાંથી પાંચ મીનીટ જેવો સમય પસાર થઇ ચુકયો હતો.

તેની પાસે અહીથી ભાગવા માટે પંદર મીનીટ બચી હતી. પરિસ્થિતી જોતા એટલો સમય તેના માટે કાફી હતો. પંદર મીનીટની અંદર તે સામે દેખાતા પહાડની ટોચે પહોંચી જવા સક્ષમ હતો. તેમ છતાં તે વારે-વારે અટકતો હતો. કંઇક ચીજ તેના મનમાં ખટકતી હતી. કોઇપણ અવરોધ વગર તેણે કામ પુરુ કર્યુ હતુ એ તેને મુંઝવી રહયુ હતું. તેને ખ્યાલ હતો કે કેમ્પના કોટેજોમાં ચોક્કસ માણસો હોવા જ જોઇએ. તો પછી એ લોકોમાંથી કોઇ બહાર કેમ નથી આવતું...? શું એ બધા માણસો એટલી ગાઢ નીંદરમાં સરી પડયા હશે...? અને જો એમ જ હોય તો પણ અહીની ચોકી કરવા માટે કોઇ ચોકીયાત તો હોવા જ જોઇએ. એવુ તો બની જ ન શકેને કે આ નકસલવાદીઓના કેમ્પમાં બધા નીરાંતે ઘોરતા હોય...! એ ખાતરી કરવી જરૂરી લાગતી હતી. તેનું દિમાગ તેને ચેતવી રહયુ હતું કે અહી જરૂર કંઇક ગરબડ છે. એ શું ગરબડ છે એ જાણવા કોટેજો ચેક કરવી જરૂરી હતી. તેની પાસે હવે માત્ર ૧૪ મીનીટ બચી હતી અને એ ૧૪ મીનીટમાં તેણે આ કેમ્પ છોડીને કમ સે કમ એક કિલોમીટર કેમ્પથી દુર જવુ જરૂરી હતું. જો તે ન જઇ શકયો તો તેનું મૃત્યુ તેણે જ મુકેલા બોમ્બથી થાય એ નિર્વિવાદીત હતું.

ઝડપથી તે પોતાના બંને પગ ઉપર ગોળ ફર્યો અને ટ્રકની આડાશેથી બહાર આવી ડાબી તરફના કોટેજોની પડાળી તરફ આગળ વધ્યો.... કે.....અચાનક તે ત્યાં જ અટકી ગયો. તેની તેજ આંખો ઝીણી થઇને નીચે, ટ્રકની પાછળની જમીન પર...કાદવમાં ખૂંપી. બે-ત્રણ સેકન્ડો માટે તેની નજર ત્યાં જ સ્થિર થઇ...અને સેકન્ડોમાં તે સમજ્યો હતો કે ખરેખર માજરો શું હોઇ શકે...! કેમ્પમાં પથરાયેલી ઠંડી કાતીલ સ્તબ્ધતાનું કારણ કારણ તેને સમજાયું... એ સાથે તેના હોઠ ગોળ થયા અને તેમાંથી એકદમ ધીમી પવનનાં સીસકારા જેવી સીટીનો અવાજ નીકળ્યો. “ ઓહ... ધેટ્સ ધ મેટર...” તે મનોમન બબડયો. તેને હવે અહી રોકાયા વગર છૂટકો નહોતો. છતા તે ખાતરી કરી લેવા માંગતો હતો. તે ટ્રક પાસે ગયો. ટ્રકનાં પાછલા વ્હીલ પાસે ઘુંટણ વાળીને બેઠો અને ટાયરોની પહોળાઇ માપી. ફરી ઉભો થયો, થોડે આગળ, ભીની જમીન પર કાદવમાં થયેલા ટાયરોનાં ચીલા સાથે ટ્રકનાં વ્હીલની જાડાઇ માપી. ટ્રકના ટાયર કરતા આ ચીલા થોડા, લગભગ બે-એક ઇંચ નાના હતા. ખાતરીબંધ તે કહી શકે તેમ હતો કે અહી ઉભેલી ટ્રક સીવાય પણ બીજુ કોઇ મોટુ વાહન, શકયતહઃ મીનીટ્રક, કદાચ ડી.સી.એમ ટોયોટાનો મીની ટ્રક અહી હોવો જોઇએ. તેના કોમ્પ્યુટર દિમાગે જમીન પરના એ નિશાનો જોતા જ તાળો મેળવી લીધો હતો કે એ ટાયરોના નીશાન અડધી કે પોણી કલાક પહેલા થયા હોવા જોઇએ. મતલબ કે તે જ્યારે પ્લેનમાંથી પેરાશુટ દ્વારા નીચે ઉતરી અહી આવી રહયો હતો એ સમયે ચોક્કસ એક મીનીટ ટ્રક અહી ઉભો હોવો જોઇએ....અને અડધા કલાક પહેલા કદાચ એ મીની ટ્રક અહીથી કોઇક જગ્યાએ રવાના થયો હશે. એટલું જ નહિ, એ મીની ટ્રકમાં નકસલવાદીઓનો એક મોટો કાફલો અહીથી ગયો હોવો જોઇએ. કેમ્પની ખામોશીનો રાઝ પળવારમાં તેને સમજ્યો હતો...અને હવે જો તે જે વિચારે છે એવો જ માજરો હોય તો તેણે અહી રોકાવું પડે.

કારણ સ્પષ્ટ હતું.... મીશન સંપૂર્ણપણે પાર પાડયા વગર તે અહીથી જઇ ના શકે. આ વાત તેના નિયમો વિરુધ્ધની હતી. તેના નિયમો તેણે પોતે જ બનાવ્યા હતા અને એ એટલી સજ્જડપણે પોતાના નિયમોને પાળતો કે ખુદ તેના ઉપરી અધિકારીઓ પણ તેને નિયમો ઉળેખવાનું કહે તો પણ તેના માટે એ અશક્ય બાબત બના જતી. નિયમ પાલનમાં તે ક્રુરતાની હદ સુધી ચુસ્ત રહેતો. એ જ તેની સફળતાનું રહસ્ય હતું.

તે ભયાનક ઝડપે... છતાં પુરેપુરી સાવધાની અને ખામોશીથી બધા કોટેજોમાં ફરી વળ્યો. અંદાજે દસેક વ્યક્તિઓ જુદા-જુદા કોટેજોમાં સુતા હતા, મતલબ કે બાકીના માણસો એ મીની-ટ્રકમાં ગયા હતાં...એવો અંદાજ તેણે લગાવ્યો. એ મીની ટ્રક અહીથી ગયો હશે અને તેમાં નકસલવાદીઓ હશે એ ફક્ત તેનું એક અનુમાન જ હતું. શક્ય છે કે એ જે વિચારી રહયો હતો એવું ન પણ હોય, છતાં તે જે ફીલ્ડમાં હતો તેમાં ઘણી વખત આવા અનુમાનના આધારે જ બાજી જીતી શકાતી. દર વખતે જેવું ધાર્યુ હોય તેવી પરિસ્થિતી ન મળે ત્યારે અનુમાન, કે પછી કંઇક અકળ ગણતરી થકી જ આગળ વધવું જરૂરી થઇ પડતું...

( ક્રમશઃ )

પ્રવિણ પીઠડીયા.