Vaddada books and stories free download online pdf in Gujarati

વડદાદા

વડદાદા

"પપ્પા, મારા રૂમમાં મને ગમતો કલર કરાવી આપશો ને?". તન્મયે રાહુલ ને પુછ્યું. રાહુલને ઓફીસે જવાનું હતું એમા રીનોવેશન નુ કામ. એને ઉતાવળ માંજ જવાબ આપ્યો "હા...ભાય..હા તારા રૂમમાં તને ગમતો કલર ". ત્યાં મીતાએ પણ પોતાની ગમતી ડીઝાઇન, ગમતા કલર, ગમતી ટાઈલ્સ.... વગેરેની લિસ્ટ આપવા માંડી. રાહુલે કહ્યુ "હા હા આ બધું કરશું.."

આ છે શાહ ફેમિલી. નાના અમથા માળા જેવડુ આ ફેમિલી. રાહુલ, મીતા અને તેમનો દિકરો તન્મય. આજે ઘણા વર્ષો પછી આ ઘર નું રીનોવેશન કરાવવાનું હતું. તન્મય અને મીતા ખુબ ઉત્સાહ માં હતા અને રાહુલ ચિંતા મા.

આ ઘર ખુબજ જુનું હતું અને મોટુ પણ. રાહુલે પોતાનુ બચપણ, લગ્ન, મમ્મી-પપ્પા ની વિદાય જેવા દરેક સારા - નરસા પ્રસંગો આ ઘરમાં જોયેલા એટલે એ ક્યારેય આ ઘરને વેચવાનો વિચાર ન કરે. પણ હવે ઘર જુનું થયું હતુ.એટલે હવે તેને રીનોવેટ કરાવવાનું હતું.

તન્મય સ્કુલે ગયો. રાહુલ ઓફીસે ગયો અને પછી કોન્ટ્રાક્ટર ને મળવા. મીતા ફરીથી પોતાની લિસ્ટ બનાવામાં લાગી ગઈ.

તન્મય નો દિવસ પોતાના રૂમના નવા કલર ના વિચારો માંજ પુરો થયો. એ ઉતાવળો ઉતાવળોસ્કુલે થી ઘરે આવ્યો. મમ્મી-પપ્પા કોન્ટ્રાક્ટર સાહેબ સાથે જ વાત કરતા હતા. તન્મય પણ જાણે પોતે કોઈ વડિલ હોય અને તેને બધીજ ખબર પડતી હોય તેમ વાત મા રસ લેવા માંડ્યો. ત્યાં મીતાએ ફરમાઈશ મુકી "મારે આંગણામાં એક હિંચકાની પાટ તો જોઈએજ હો". રાહુલે પણ હામી પૂરી. કોન્ટ્રાક્ટરે કહ્યુ "તો ચાલો આપણી તમારુ આંગણુ સરખી રીતે જોઈ નકકી કરી લઈએ ". આંગણુ જોતા વેંત જ કોન્ટ્રાક્ટર બોલ્યા "વાહ, તમારુ આંગણુ તો ખુબ જ મોટું છે. આમા તો હિંચકો, નાસ્તા માટે નુ નાનુ એવું મારબલ ટેબલ -ખુરશી, એક સરસ મજાની લોન.. બધું આવી જશે. રાહુલે કહ્યું "તો આપણે બધુંજ કરશું"

તેટલામાં કોન્ટ્રાક્ટર બોલ્યો "પણ..." રાહુલે તેને વચ્ચે જ અટકાવી ને પુછ્યું "પણ શું?". કોન્ટ્રાક્ટરે વાક્ય પુરૂ કર્યું "પણ આ વડ નુ ઝાડ કાપવુ પડશે". તન્મયે મન માંજ વિચાર્યું "અરે આ ભાય શું જાણે? પપ્પા હમણાં ના પાડી દેશે ". પણ તન્મય ના આશ્ચર્ય વચ્ચે રાહુલ અને મીતાએ કહ્યું "અરે...નો પ્રોબ્લેમ". તન્મય જોતો જ રહ્યો અને મનમાં બબડ્યો "નો પ્રોબ્લેમ ? શું નો પ્રોબ્લેમ ? આ લોકોનું મગજ તો ઠેકાણે છે ને?". તન્મયે ક્યારેય આ ઝાડ ને ઝાડ કહ્યું જ નહતું. એના માટે તો આ "વડદાદા" જ હતા. એની સવાર ની શુરુઆત ત્યાંથી જ થાય બ્રશ લઈ સીધો વડદાદા પાસે જાય. સ્કુલે થી આવીને પણ વડદાદા ને કહે "હું આવી ગ્યો હો...". એમની સાથે રમે, વાતો કરે...આમજ હવે એ ભુલી ગયો હતો કે આ એક વ્રુક્ષ છે. એના માટે આ વડદાદા જ હતા.

કોન્ટ્રાક્ટર સામે એ કંઈ બોલી ન શક્યો. પણ વડદાદા ને કાપવા પડશે એ વાત થી એની આંખના ખુણા પલળી ગયા. જેવા કોન્ટ્રાક્ટર ગયા કે તન્મયે રાહુલ ને કહ્યું "પપ્પા, વડદાદા ને કપાય થોડા??". રાહુલે કહ્યું બેટા ઝાડ તો ક્યારેક કાપવું જ પડે ને.

તન્મયે પોતાની કાલીઘેલી દલિલો ચાલુ જ રાખી પણ એ નાનુ બાળક આ બુદ્ધિજીવી લોકો સામે કેટલુ બોલી શકે? એના આંસુ ધણુ બઘું બોલી રહ્યા. મમ્મી-પપ્પા એ એને જેમ તેમ સમજાવી ફોસલાવી રૂમમાં મોકલ્યો.

રડતા રડતા ક્યારે એને નીંદર આવી અને એના આંસુ સુકાઈ ગયા એની એને ખબરજ ન રહી. પાંચ વાગ્યે મમ્મી એ તેને ટ્યુશન જવા માટે ઉઠાડ્યો પણ ટ્યુશન જવાનું એનુ જરાય મન નહતું તે જતા જતા વડદાદા ને જોઈ રહ્યો આવીને પણ એ વડદાદા પાસે બેસી રહ્યો. પછી રાત્રે ઉદાસ થઈ ઉંઘી ગયો.

રાહુલ અને મીતા તો રીનોવેશન ની લ્હાય માં ક્યારના ભુલી ગયા હતા કે બપોરે શું થયું હતું?. તેઓ પોતાના વિચારો અને નવા ઘર ના વિચારો માં મસ્ત હતા.

અંતે બને ઉંઘી ગયા. પણ અચાનક જ કોઈ એ રાહુલ ને ઉઠાડ્યો. રાહુલે ઉઠી ને જોયુ તો સામે એન આંગણા નુ વડ નુ વ્રુક્ષ ઉભુ હતું. રાહુલે પુછ્યું "તું...?". સામે વળતો પ્રશ્ન આવ્યો "શું બોલ્યો ? તું?". રાહુલ ધ્રુજતા ધ્રુજતા બોલ્યો "મે ક્યારેય વ્રુક્ષ સાથે વાત નથી કરી, એટલે ખબર ન પડી શું બોલવું". વ્રુક્ષે કહ્યું "ઉભો રે હું તારુ કામ સરળ કરી આપુ, હું તારા દાદા નાના હતા અને ઘોળીયા મા રમતા ત્યારનો છું એટલે તારા થી સોએક વર્ષ મોટો". રાહુલને પોતાના પર શરમ આવી અને એ ધીમેથી બોલ્યો "હા હવે ખબર પડી".

પછી રાહુલે હીમ્મત કરીને પુછ્યું "કંઈ કામ હતું?" સામેથી જવાબ આવ્યો "હા થોડો હિસાબ લેવાનો હતો". રાહુલે પુછ્યું "હિસાબ ? શેનો હિસાબ? તમે અમને કંઈ આપેલું?" "હા...હા..હા" સામેથી વ્રુક્ષ નું અટ્ટહાસ્ય સંભળાયું. અને પછી અવાજ આવ્યો "હા..ઘણું બધું આપેલું". રાહુલે પુછ્યું "શું..?". વ્રુક્ષે કહ્યું "ઉભો રે ગણાવું "

પછી વ્રુક્ષે બોલવાનું શરૂ કર્યું " જ્યારે તમારા ઘર મા ચુલો વપરાતો ને ત્યારે હું બળતો તમને જમાડવા માટે એટલે કે મારા સુકા લાકડા, પછી જ્યારે તમે શીતળ છાંયડામાં બેસોછો ને ત્યારે ધોમધખતો તાપ હું મારા પર લઉં છું, પછી જ્યારે નાનપણમાં તુ કજીયા કરતો ને ત્યારે તારા મમ્મી મારા પર હીંચકો બાંધી તને સુવડાવતા, તુ જ્યારે નાનો હતો ત્યારે મારા પર ચડતો રમતો, અને શ્વાસ લેવા માટેની શુદ્ધ હવા પણ અમારી લીધેજ છે.

હવે રાહુલને ખુબજ શરમ લાગવા લાગી. એને વ્રુક્ષ ને વચ્ચે જ અટકાવતા કહ્યું "તમે મને ઘણું બધું આપ્યું છે ને બદલામાં ક્યારેય કંઈ માંગ્યું નથી , તો શું મારે તમને તેનો હિસાબ દેવો પડશે ? "

વ્રુક્ષે સરસ જવાબ આપ્યો "ના, આતો અમે વર્ષોથી આપતા આવ્યા છીએ, ક્યારેય હિસાબ માંગ્યો છે??". રાહુલે કહ્યું "ના, નથી માંગ્યો તો હવે શેનો હિસાબ આપુ?". વ્રુક્ષે કહ્યું "કાલે તમે મારા એક દોસ્ત ને રડાવ્યો મને એના એકેએક આંસુ નો હિસાબ આપો ". રાહુલે આશ્ચર્ય સાથે પુછ્યું "કોને?અમે કોને રડાવ્યો?"

સામેથી જવાબ આવ્યો "તન્મય ને, એ મારો દોસ્ત છે અને એ દુ:ખી છે. પેહલા એને મને કાપવા માટેનું સંતોષકારક કારણ આપ જેથી એને સંતોષ થાય અને એ દુઃખી ન રહે. પછી તને મને કાપવાની છુટ છે, હું કંઈ જ નહીં બોલુ ". રાહુલને કાલની વાત યાદ આવી હવે તેનાથી ના રેવાયુ એ ધ્રુસકે ધ્રુસકે રડતો હતો અને રડતા રડતા જ વ્રુક્ષ ને ભેટી પડ્યો. વ્રુક્ષ ના પાંદડા તેના માથા પર હાથ ફેરવતા હતા જાણે તેને છાનો રાખતા હોય . તેટલામાં તેની નિંદર ઉડી ગઈ અને સપનું પુરૂ થયું. પણ તેની આંખના ખુણા સાચેજ ભીના હતા. હવે તેને પોતાની જાત પર ગુસ્સો અને શરમ બંને આવતા હતા.

તેને આખું સપનું મીતા ને કહી સંભળાવ્યું. મીતા એ તરત કહ્યું "હું હમણાજ તન્મય ને કહુ છું કે તેના વડદાદા ક્યાંય જવાના નથી " પણ રાહુલે તેને રોકી કહ્યું "ના એને થોડી વધુ વાર દુઃખી રેવાદે ". પછી તેઓએ તન્મયને ઉઠાડી તૈયાર કરી સ્કુલે મોકલ્યો. તન્મય નુ મોઢું ચડેલુ હતું. એ જતા જતા વડદાદા ને જોઈ રહ્યો એને ખબર હતી કે એ આવશે ત્યારે વડદાદા નહીં હોય. આમજ એની સ્કુલ પુરી થઈ. પણ આજે એને ઘરે જવાનું મન ન હતું આજે એકેએક ડગલું એને ભારે લાગતું હતું જેમ ઘરનું આંગણુ નજીક આવ્યું તેના ધબકારા વધી ગયા. ભારે હ્રદયે તેને આંગણા મા પ્રવેશ કર્યો. પણ તેના સાનંદ આશ્ચર્ય વચ્ચે તેને જોયું કે વડદાદા ત્યાંજ છે એના પર એક સરસ હિંચકો બાંધેલો હતો અને એક મોટું પોસ્ટર જેમા લખ્યું હતું "સોરી તન્મય એન્ડ સોરી વડદાદા " . તન્મય વડદાદા ને ભેટી પડ્યો એની આંખ અત્યારે પણ ભીની હતી પણ આંસુ આનંદ ના હતા. રાહુલ અને મીતા તેને જોઈ રહ્યા. હવે ત્રણેય ખુબ ખુશ હતા. ત્યાં હજુ એક વ્યક્તિ પણ ખુબ ખુશ હતી એ "વડદાદા...."

***