Khuddar Rikshavadani khumari books and stories free download online pdf in Gujarati

ખુદ્દાર રીક્ષાવાળાની ખુમારી

થોડા વખત પહેલા મારે અમદાવાદ જવાનું કોઈ કારણોસર વધી ગયું હતું. અઠવાડિયે લગભગ ત્રણેક દિવસ ત્યાં જવાનું થતું. અમિત નગર સ્ટેશનથી અમદાવાદ જવા માટેના સાધન મળી રહેતા. પણ અમદાવાદના ભયંકર ટ્રાફિકના લીધે જેટલો સમય મારે અમિત નગરથી સીટીએમ જવામાં લાગતો એટલો જ કે એનાથી વધારે સમય અમદાવાદમાં ગંતવ્ય સ્થાને જવામાં લાગતો. સીટીએમથી સરખેજ જવા માટે બીઆરટીએસનો રૂટ ન હતો, એટલે રીક્ષા એકમાત્ર વિકલ્પ રહેતો. રોજેરોજ અલગ અલગ રીક્ષાવાળા મળતા અને જેવો હું સીટીએમ પર ઉતરું એવો હું કોઈ સેલીબ્રીટી હોઉં એમ આસપાસ પત્રકારોની માફક “નારોલ બોલો”, “સરખેજ બોલો”, “ગીતામંદિર જવું છે?” જેવી પોતાની ટેગલાઈનો બોલ્યા કરતા. હું જેવો સરખેજની રીક્ષામાં બેસવા તરફ ગતિ કરું કે તરત અન્ય સ્ટેશનો પર જવાવાળા રીક્ષાચાલકો પોતાનો રસ્તો બદલીને અન્ય મુસાફર પાસે જઈને સેઈમ વસ્તુ રીપીટ કરતા. પહેલા પહેલા તો રીક્ષાઓ બદલતી રહી, પણ એક ચોક્કસ દિવસે હું સીટીએમ ઉતર્યો ત્યારે એમની ટોળીમાં પંદરેક વર્ષનો કિશોર જ કહી શકાય એવો પણ રીક્ષચાલક નજરે પડ્યો. મૂછો થોડી થોડી ફૂટી હતી. દાઢીના નામે એના ચહેરા પર થોડી રુંવાટી હતી. વાળ ‘બોબી’ સ્ટાઈલમાં ઓળેલા. ચામડીનો રંગ જુઓ તો અદ્દલ વઘાર ઉડીને કોઈ વીશીની દીવાલનો થાય એવો! કાળો પણ ન કહી શકાય કે ઘઉંવર્ણો પણ નહિ.

“સાહેબ એક સવારી સરખેજ”, એણે મને જોઇને કહ્યું.

“હા આવું છું”, મેં આમ કહ્યું ત્યારે એના ચહેરા પર જે એક સંતુષ્ટિની રેખા આવી ગઈ એ અવર્ણનીય હતી.

પછી એ આગળ ચાલ્યો અને હું એની પાછળ.

“યહા બેઠ જાઓ સા’બ”, એની રીક્ષામાં એણે મને આગળની સીટ પર એની બાજુમાં બેસવા કહ્યું.

ત્યાં ઓલરેડી બે જણ હતા,અ ને પાછળની સીટમાં ચાર જણ, એટલે હું એનો એ સમયનો અંતિમ મુસાફર તો એનો ખ્યાલ આવી ગયો. મને થયું આ ટેણીયા જેવો દેખાતો છોકરો આટલા મુસાફરો સાથે રીક્ષા કેમની ચલાવશે? અને તેમ વિચારતો હું નિર્ધારિત જગ્યાએ બેઠો. એણે સેલ માર્યો અને રીક્ષા ચાલુ થઇ. રીક્ષા આખી નવા જેવી હતી. ઇન્ટીરીયર અને હુડ બધું જ ચમકીલું હતું. અથવા તો એ રેગ્યુલર રીક્ષા સાફ કરતો હશે અથવા તો આ નવી રીક્ષા હશે એવું અનુમાન મેં લગાવ્યું.

“નયે લગતે હો”, મારામાં વસતા વાતોડિયાએ બાજુમાં બેઠેલા પંદરેક વર્ષના કિશોર રીક્ષાચાલક સાથે કોઈ ઓળખાણ વગર જ વાત ચાલુ કરી.

“નહિ સા’બ, અપના તો યે પુરાના ધંધા હૈ, સિર્ફ એરિયા હી બદલા હૈ”, એણે એવી રીતે ફાંકો મારતા કહ્યું જાણે કે રીક્ષા ચલાવવી એ એક મોટી સફળતા હોય.

“અચ્છા, તભી મેં સોચું”, મેં કહ્યું, “તુમ્હારી રીક્ષા બાકિયોં સે બોહોત સાફસુથરી હૈ. લગતા હૈ રોજ પોછા લગાતે હો”, એનો ઉત્સાહ જોઇને મેં ય વાત આગળ ચલાવી.

“અરે સા’બ ક્યોં મજાક કરતે હો? યે મેરા રીક્ષા થોડી હૈ?”, એણે ઘટસ્ફોટ કર્યો.

“તો ફિર કિસકી હૈ?”, મેં કુતુહલવશ પૂછ્યું.

“મેરે શેઠ કી હૈ, ઉસકી દસ બારા રીક્ષાયે ઘૂમતી હૈ પૂરે અમદાવાદ મે. લેકિન ક્યા હે સાહબ, ભાડે કી તો ભાડે કી લેકિન યે રીક્ષા હી તો અપને કો ડો વક્ત કા રોટી દેતી હૈ તો ઉસકો ચમચમાતી તો રખની પડે ને?”, આ બોલતા એનો ચહેરો જાણે પ્રજ્વલિત થઇ ગયો.

“બઢિયા હૈ. એક બાત પુછુ બુરા તો નહિ માનોગે?”, મારી અંદરનો ફિલસૂફ બોલ્યો.

“મુઝે પતા હૈ આપ ક્યા પૂછોગે”, એ જાણે મારું દિમાગ વાંચતો હોય તેમ બોલ્યો અને અજબ સિફતથી આગળ સિગ્નલ બંધ થાય તે પહેલા ચાર રસ્તા વટાવી લીધા.

“ક્યા?”, મને પણ થયું કે આને વળી ક્યાંથી ખબર!

“યહી કે પઢાઈ લિખાઈ કી ઉમર મેં રીક્ષા કા હેન્ડલ ક્યો પકડા? સહી બોલા ના મેં?”, મારા મનમાં જે સવાલ હતો એ એણે જાતે જ પોતાને પૂછી લીધો અને રીક્ષા ધીમી કરીને બુમ મારી, “એ.. સરખેજ બોલો ભાઈ સરખેજ.. ચાચા સરખેજ જાઓગે?”

કોઈ નવું પેસેન્જર બેઠું નહિ. એણે રીક્ષા આગળ મારી મૂકી.

“હા તો તુમને જવાબ નહિ દિયા”, મેં વાત આગળ ધપાવી.

“અબ ક્યા બતાઉં આપકો સા’બ! ઘર મેં પાપા નહી હૈ. એક મા હૈ જો મુશ્કિલ સે દો ચાર ઘરોં મેં બર્તન માંજ પાતી હૈ. દો ભાઈ હૈ મેરે સે છોટે ઔર એક બડી બહેન હૈ જો કી અબ શાદી લાયક હો ગઈ હૈ. કમાનેવાલા કોઈ નહિ હૈ તો મુજે હી જીમ્મેવારી નિભાની પડેગી કે નહિ? આપ હી બતાઈયે”, એણે જવાબ આપ્યો.

મને તીર વાગ્યું હોય એમ લાગ્યું. હું પંદર વર્ષનો હતો ત્યારે દસમાની બોર્ડની પરીક્ષાના ટેન્શનને મહાન ટેન્શન ગણતો હતો. આજે ખબર પડી કે આ છોકરાના કુટુંબના ભરણપોષણ આગળ મારું એ વખતનું ટેન્શન કશું જ નહતું.

વાત કરતા કરતા વિશાલા સર્કલ આવી ગયું હતું.

“તુમ્હારા નામ ક્યાં હૈ?”, મેં પૂછ્યું.

“વેસે તો સબ યુનિયન વાલે શાકાલ કેહ કે બુલાતે હૈ, લેકિન મેરા અસલી નામ અરમાન હૈ”, એણે હસતા હસતા કહ્યું.

“શાકાલ તો લેકિન વિલન જેસા નામ હૈ ના?”, મને નવાઈ લાગી.

એ જોરથી હસ્યો અને કહ્યું, “વહી તો, મેં બાકી લોગોં કે પેસેન્જર છીન લેતા હું ઇસકે વાસ્તે વો લોગ મુજે શાકાલ કેહતે હૈ”

“હા હા હા”, મને પણ હસવું આવી ગયું. એક પંદર વર્ષનો છોકરો બાકીના ઉંમરલાયક અને વર્ષોથી રીક્ષા ફેરવનારાઓના મુસાફરો ચોરી લે એ એના ક્ષેત્રમાં તો એની એક મોટી સફળતા જ હતી.

સરખેજ આવી ગયું.

“આગે જાઓગે?”

“નહિ સા’બ. આગે ક ઇલાકા અપના નહી હૈ સો વહા જાતા ભી નહિ હુ. કહો તો આપકો બિઠા દુ શંકરભાઈ કી રીક્ષા મે”, કહીને એણે શંકરભાઈને મને ચાંગોદર ઉતારવા સમજાવ્યા.

“પુરા ભાડા શંકરભાઈ કો દે દેના સા’બ”, એણે કહ્યું.

“તુજે ક્યા મિલેગા?”, મેં કુતૂહલવશ પૂછ્યું.

“અપના સેટિંગ હૈ”, એણે કોડવર્ડમાં કહ્યું.

હું ઉતર્યો અને શંકરની રીક્ષામાં બેઠો. રીક્ષા ઉપડવાની તૈયારીમાં હતી અને પેલા છોકરાએ આવીને ઉભી રાખી.

“સા’બ આપકા દસ ક નોટ ગીર ગયા થા.યે લો”, કહીને એણે મને મારી પડી ગયેલી દસની નોટ પરત કરી.

“અરે રેહને દેતે ના! દસ રૂપયે રખ તુ અપને પાસ. કામ આયેંગે”, મેં અનાયાસે કહ્યું.

“અરે નહિ સા’બ. બીના મેહનત કે પેસે ક્યાં કામ કે? ગરીબ હુ લેકિન ખુદ્દારી ભી ઉતની હી હૈ”, કહીને એણે નોટ મારા હાથમાં થમાવી અને શંકરભાઈને રીક્ષા જવા દેવા માટે કહ્યું.

મારા મગજમાંથી એ છોકરો હટતો નહતો. આટલી બધી દીનતા અને જેટલી દીનતા એનાથી ડબલ ખુમારી અને ત્રેવડ! અદ્ભૂત વાત હતી.

એ પછી તો એની સાથે એક દોસ્તી જેવું થઇ ગયેલું. જયારે હું અમદાવાદ જતો ત્યારે સમય સંજોગ જ એવા બની જતા કે એ મળી જ જતો. અમુક અમુક જ વાર મારે બીજા કોઈની રીક્ષા શોધવી પડતી.

લગભગ ત્રણેક મહિના જેવું ચાલ્યું. પછી સતત પંદરેક દિવસ સુધી પેલો છોકરો અને એની રીક્ષા દેખાઈ નહિ. અચાનક સોળમાં દિવસે એ મને ફરીથી મળ્યો. એના ચહેરા પરની એ ખુશી ગાયબ હતી.

“ક્યા હુઆ? કહા થે? ઇતને દિનો સે દીખે નહિ”, હું જાણે વર્ષો પછી કોઈ જુના મિત્રને મળતો હોય એ અદબથી એને પૂછવા લાગ્યો.

“અરે જાને દો ના સાહબ! ગરીબી મેં આટા ગીલા જેસી હાલત હો ગયી હૈ મેરી તો”, એણે લગભગ નિસાસો નાખ્યો.

“ક્યોં? એસા ક્યા હુઆ?”, મને એના પ્રત્યે સંવેદના જાગી.

“મા બીમાર હો ગઈ હૈ. ડોક્ટર કેહતા હૈ ડેન્ગુ હૈ. કમ સે કમ પાંચ છે હઝાર લગેંગે ઠીક હોને કે કે લિયે”, આજે પહેલી વાર મેં એનું લાગણીવશ પાસું જોયું હતું. એના ગળામાં ડૂમો ભરેલો હતો એટલે જ કદાચ આજે ‘સરખેજ.. ચાચા સરખેજ’ની બુમો પડતી નહતી એ મેં નોંધ્યું.

કોણ જાણે ક્યાંથી મને એક વિચાર સુઝ્યો. મેં મુસાફરોની ભીડમાં માંડ માંડ પેન્ટના પાછળના ખિસ્સામાંથી મારું વોલેટ કાઢ્યું. એમાં જોયું અને ગણ્યા તો પાંચ હજાર રૂપિયા પડેલા હતા અને બીજા અમુક છુટ્ટા હતા. મેં તરત મારું એટીએમ કાર્ડ અને લાયસન્સ તથા બીજા જરૂરી કાગળિયાં કાઢી લીધા અને વોલેટમાં માત્ર એ પાંચ હજાર રૂપિયા જ રહે એમ કરી દીધું. ઉતરતી વખતે એને એના થતા ત્રીસ રૂપિયા આપ્યા અને હળવેકથી મારું વોલેટ એના સ્પીકરના લાકડાના બોક્સની બાજુમાં મૂકી દીધું. એ પછી હું એને ફરી કદીયે ન મળવાના સંકલ્પ સાથે ત્યાંથી નીકળી ગયો.

એ વાતને લગભગ ચારેક મહિના થવા આવ્યા. એ પછી મેં મારી નોકરી પણ બદલી કાઢી હતી અને હવે અમદાવાદ જવાનું ખાસ થતું નહિ. મહીને એકાદ વાર જતો હતો પણ હવે મારું ગંતવ્ય સ્થાન બીઆરટીએસના રૂટમાં આવી જતું એટલે એ જ વિકલ્પ પસંદ કરતો હતો. મનમાં એક અજીબ ખુશી હતી કે પેલા પંદર વર્ષના રીક્ષાવાળાની માનો ઈલાજ અત્યાર સુધીમાં તો થઇ જ ગયો હશે. એની મમ્મી વિષે વિચારતો જ હતો એવામાં વતનમાંથી મારી મમ્મીનો ફોન આવ્યો.

“હા બોલ મમ્મી”

“ક્યાં છે?”, સામે છેડે પપ્પા હતા. એમની પોતાનો મોબાઈલ જ્યાંત્યાં મૂકી દેવાની કુટેવના લીધે ઘણી વાર એ મમ્મીના ફોન પરથી મને ફોન કરે ત્યારે આવું થતું.

“અમદાવાદ છું. હેડ ઓફીસ જાઉં છું. કામ છે થોડું. બોલો”

“પછી ડાયરેક્ટ ઘરે આવી શકીશ?”

“કેમ? અચાનક?”

“કામ છે થોડું ડોક્યુમેન્ટનું. તને સારું ફાવશે. અવાશે?”

“હા, તો વાંધો નઈ. કામ પતાવીને આવી જાઉં છું”

“હા આવ તો પછી, જય અંબે”

“હા, જય અંબે. નીકળું એટલે ફોન કરું”

“સારું”

ફોન મુકાયો. ‘કયા ડોક્યુમેન્ટનું કામ હશે?’ એવા વિચારમાં હું સર્યો અને બીઆરટીએસના કાચમાંથી એક રીક્ષા દેખાઈ. એ રીક્ષા પેલા છોકરાની જ હતી એમ મને લાગ્યું એટલે મેં એના પર જરા નજર રાખી. નંબર અને આગળના ભાગે લખેલું ‘જય માતાજી’ બંને મેચ થતું હતું પણ ડ્રાઈવર અલગ હતો. મને મનમાં ઉચાટ થયો કે ‘પેલો છોકરો ક્યાં ગયો?’ ‘આ તો એની જ રીક્ષા છે તો એ પોતે ક્યાં છે?’ પણ ‘એની રીક્ષા’ પરથી યાદ આવ્યું કે એ એની પોતાની માલિકીની રીક્ષા નહતી. એના કોઈ શેઠની હતી. આંખો એ પંદર વર્ષના કિશોરને શોધતી રહી અને બીઆરટીએસના ડ્રાઈવરે સ્પીડ વધારી એટલે એની રીક્ષા ટ્રાફિકના સમુદ્રમાં અદ્રશ્ય થઇ ગઈ. કદાચ એને બીજા શેઠ અને બીજી રીક્ષા પણ મળી ગઈ હોય શું ખબર?

હેડ ઓફીસમાં મારું બધું કામ પતાવીને સાંજે હું વતનમાં જવા રવાના થયો. થાકેલો ઘરે પહોચ્યો. બેગ નિશ્ચિત જગ્યાએ રીતસર ફેંકીને આડો પડ્યો. મમ્મીએ દર વખતની જેમ ગરમ પાણી કરી મુકેલું હતું. ઘરમાં મારા ફેવરીટ બદામના શીરાની સુગંધ પ્રસરી ગઈ હતી.

હું નાહીને બહાર આવ્યો. કપડા પહેર્યા અને પપ્પાને પૂછ્યું, “બોલો પપ્પા, કયા ડોક્યુમેન્ટનું કામ હતું?”

“આ”, એમણે એક ચબરખી મારા હાથમાં આપી.

મેં એ ખોલીને જોયું તો એ મારા જ આધાર કાર્ડની બ્લેક એન્ડ વ્હાઈટ કોપી હતી.

“આ તો મારું આધાર કાર્ડ છે”

“હા એ જ. એનું જ તો કામ હતું”

“એટલે હું કઇ સમજ્યો નહિ”, હું અસમંજસમાં હતો.

“આ કોપી સામાન્ય રીતે ક્યાં રાખે છે તું?”, પપ્પાએ પૂછ્યું.

“ગમે ત્યાં હોય. આવી તો કેટલીય કોપી કઢાવી.......”, બોલતા બોલતા હું અટક્યો અને એ કોપીની આટલી બધી ઘડીઓ જોઇને મગજનો એક તાર રણક્યો, “અરે! આ કોપી તો હું મારા વોલેટના સૌથી અંદરના ખાનામાં મુકુ છું જેથી રખેને પર્સ ક્યાંક ખોવાય ત્યારે જો મેળવનારો સારો હોય તો મારી ભાળ મેળવી શકે”

“બરાબર”, કહીને મારી મમ્મીએ મને મારું જુનું પર્સ કે જે મેં રીક્ષામાં જાણીજોઇને છોડેલું એ પાછું આપ્યું.

“પણ આ પર્સ તો....”

“અમને બધી ખબર છે. એ છોકરો આવીને હાથોહાથ આ આપી ગયો છે”

“ઓહ!”, મારા આશ્ચર્યનો પાર નહતો, “શું કહ્યું એણે? એ હજીયે છે ઘરે? ઉપરના રૂમમાં છે?”, મેં આશ્ચર્યવશ ઘણા સવાલો પૂછી લીધા.

“એને ઉતાવળ હતી એટલે એ આપીને નીકળી ગયો છે પણ આ ચબરખીમાં કંઈક લખીને ગયો છે.”, મમ્મીએ બીજી ચિઠ્ઠી આપતાં કહ્યું.

મેં એ ચિઠ્ઠી વાંચી. એ ચિઠ્ઠી મેં અત્યાર સુધીની વાંચેલી સૌથી મુલ્યવાન ચિઠ્ઠી હતી. જેમાં એણે એની કાલીઘેલી હિન્દીમાં લખેલું,

“સા’બ આપને મેરે વાસ્તે હી પર્સ રખા થા મુજે માલુમ હૈ. ઇસીલિયે મેને આપકે જજબાત કી કદર કી ઔર ઉન પેસો સે મા કા ઈલાજ કરવાયા. મા અભી દુરસ્ત હૈ. લેકિન આપકો તો પતા હૈ કે મે આપકે મેહનત કે પેસે બિના મેહનત કિયે નહિ લે સકતા. ઇસીલિયે આપકે ઘર આપકે પાંચ હઝાર રૂપયે ચાર મહીને કે સુત સમેત લોટાને આયા થા – અરમાન”

આ ચિઠ્ઠી વાંચીને મને એની એક વાત યાદ આવી ગઈ, “ગરીબ હુ લેકિન ખુદ્દારી ભી ઉતની હી હૈ”