Kalyug no kanudo books and stories free download online pdf in Gujarati

કળિયુગનો કાનુડો - National Story Competition -January 2018

કળિયુગનો કાનુડો

સુરેશ ત્રિવેદી

‘તમે ગમે તેમ કરો, પણ હવે હું એ ડોશી સાથે રહેવાની નથી’ કામિની ગુસ્સાથી બોલી.

‘પણ તું જરા ધીમેથી બોલ… બા સાંભળે છે...’ માલવ આજીજી કરતો બોલ્યો.

‘ભલે સાંભળે… મને પરવા નથી’ કામિની એ જ અવાજમાં ફરી ત્રાડૂકી. ‘એક તો આખો દહાડો ઘરના ઢસરડા કરો અને ઉપરથી આ ડોસીની ટકટક... સાંભળી લો... આ તમને છેલ્લી વારનું કીધુ… આ ઘરમા કાં તો હું… ને… કાં તો એ ડોશી... બેમાંથી ગમે તે એકની પસંદગી કરી લો… આજે ને આજે જ...’

‘અરે પણ, એવું તો થોડું થાય... તું જરા સમજ...’

‘મારે કંઈ સમજવું નથી. તમારે જે સમજવું હોય તે સમજો.’ પગ પછાડતી કામિની રસોડામાં ચાલી ગઈ.

માલવ હવે ખરેખર મૂંઝાયો હતો.

આમ તો કામિનીને બા સાથે પહેલેથી જ બનતું નહોતું. પરંતુ બાપા જીવતા હતા, ત્યાં સુધી બા મોટેભાગે ગામડે જ રહેતાં હતાં અને વાર-તહેવારે જ અમદાવાદના ઘરે આવતાં, એટલે મોટો પ્રોબ્લેમ થતો નહિ. પરંતુ ગયા વર્ષે બાપા ગુજરી ગયા અને તેના આઘાતમાં જશોદાબેનને ડાબા અંગનો લકવો પડી ગયો. એટલે હવે બા ગામડે એકલાં કઈ રીતે રહે? ના છૂટકે માલવ જશોદાબેનને અમદાવાદ લઇ આવ્યો હતો.

પરંતુ ગામડાની સાદી જીવનશૈલીથી રહેવા ટેવાયેલાં જશોદાબેનને શહેરી સંસ્કૃતિમાં રહેવું ફાવતું નહોતું. એટલે આખો દિવસ માલવને, કામિનીને અને બંને છોકરાંઓને સાદાઈથી રહેવાની, ખર્ચો ઓછો કરવાની, ધાર્મિક અને સામાજિક રિવાજો પાળવાની અને એવી કેટલીય શિખામણો આપ્યા કરતાં.

કામિની અને છોકરાંઓને જશોદાબેનની શિખામણો ગમતી નહિ, એટલે માલવ જશોદાબેનને શાંતિ રાખવા સમજાવતો અને વઢતો પણ હતો. તે પછી બા એક-બે દિવસ મૌન રહેતાં, પરંતુ વળી પાછાં પોતાના અસલ રંગમાં આવી જતાં.

એમાં આજે જન્માષ્ટમી હતી. રજાનો દિવસ હોવાથી કામિની અને છોકરાંઓએ પીઝા ખાવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. પરંતુ જશોદાબેનને ખબર પડી એટલે બડબડાટ કરવા લાગ્યાં: ‘ગોકળઆઠમના સપરમા દહાડે માણસ ઉપવાસ કરે, મંદિરે જાય, ભજન-ભાવ કરે કે પછી હોટલમાં ગમે તેવું ખાવા જાય? મૂઆઓ સમજતા જ નથી. અરે, છોકરાંઓને તો સમજણ ના પડે... પણ એમની મા ને તો ખબર પડે ને કે સપરમા દહાડે હોટલમાં પૈસા લુંટાવવા ના જવાય.’

કામિનીએ આ બધું સાંભળ્યું, તેવું જ તે કાળઝાળ ચંડિકા બની ગઈ અને માલવ પર વરસી પડીને આખરી અલ્ટીમેટમ પણ આપી દીધું.

***

આ બાજુ જશોદાબેન પથારીમાં પડ્યાં પડ્યાં વિચારી રહ્યાં હતાં: એવું તે મેં શું કહી દીધું કે વહુ આટલી બધી ઉકળી ગઈ! મેં તો એમના બધાના ભલા માટે જ વાત જ કરી ને! બે પૈસા બચાવશે તો એમને જ કામ આવશે ને! મારે થોડા ગાંઠે બાંધીને સાથે લઇ જવાના છે. આ તો હું અપંગ બની ગઈ અને ભગવાનેય બોલાવી લેતો નથી, એટલે એમને ઘરે આવવું પડ્યું, નહીતર તો હું ભલી ને મારું ગામડાનું ઘર ભલું. બાકી આ વહુ એ તો ગોકળઆઠમના દહાડે જ ઘરમાં હોળી સળગાવી.

પરંતુ ગોકળઆઠમની યાદ સાથે જ જશોદાબેન અતીતમાં સરકી પડ્યાં અને તેમને ચાલીસ વર્ષ પહેલાંની એ ગોકળઆઠમ યાદ આવી ગઈ, જયારે માલવ બે વર્ષનો હતો. માલવ તેમનો એક નો એક દીકરો અને વળી કેટલીય માનતાઓ અને બાધા આખડીઓ પછી ભગવાને દીકરો આપેલ. એટલે સાત ખોટના દીકરા માલવને જશોદાબેન ખૂબ લાડથી ઉછેરતાં હતાં.

તેમાં વળી ગોકળઆઠમના તે દિવસે મંદિરના પૂજારીએ સૂચન કર્યું કે કોઈ બાળકને કાનુડો બનાવીને લાવો તો ભજનમાં વધુ રંગ આવશે. શેરીનાં બધાં માણસોએ કાનુડા માટે જશોદાબેનના માલવની પસંદગી કરી. એટલે કોઈ પીળું પીતાંબર લાવ્યું, તો કોઈ ખેસ લાવ્યું. કોઈ પૂંઠાનો મુગટ લાવ્યું, તો કોઈ વળી હાર અને કંદોરો લાવ્યું. પછી બધાંએ ભેગાં થઈને માલવને શણગારીને એવો કાનુડો બનાવ્યો કે બધાં તેને જોતાં જ રહી ગયાં. જશોદાબેન તો ‘મારો કાનુડો... મારો કાનુડો...’ એમ આખો દિવસ બોલતાં જ રહ્યાં અને હરખાતાં રહ્યાં. તે દિવસ પછી જશોદાબેનને જયારે પણ માલવ પર બહુ પ્યાર આવે ત્યારે ‘મારો કાનુડો’ એ શબ્દો બોલતાં બોલતાં તેના પર ઓળઘોળ થતાં રહેતાં. આજે પણ એ મીઠી યાદોમાં ખોવાઈને ‘મારો કાનુડો’ એમ રટતાં રટતાં જશોદાબેન જંપી ગયાં.

***

જશોદાબેન તો ઊંઘી ગયાં, પરંતુ માલવને જરા પણ જંપ નહોતો. એક તો જશોદાબેનના અનહદ લાડપ્યારથી માલવ બાળપણથી જ સુંવાળો, જીદ્દી અને સ્વચ્છંદી બની ગયો હતો. ધંધામાં વધારે પરિશ્રમ તે કરી શકતો નહિ અને સારી કમાણી ના થાય એટલે બીજાના દોષ કાઢતો રહેતો. ઓછી આવકને લીધે તે કામિની અને છોકરાંઓની માગણીઓ પૂરી કરી શકતો નહિ. વળી તેને ધંધામાં પણ વધુ પૈસાની જરૂર પડતી રહેતી હતી. એટલે તેને થતું કે જો ગામડાનું મકાન અને ખેતર વેચી નાખીએ, તો એ પૈસામાંથી શહેરમાં મોટું મકાન લેવાનું અને મોટો ધંધો કરવાનું શક્ય બને. પરંતુ મકાન અને ખેતર વેચવા માટે જશોદાબેન બિલકુલ તૈયાર નહોતાં. પૂર્વજોની યાદગીરી અને પોતાની જિંદગીનાં સ્મૃતિચિહ્ન સમાં મકાન અને ખેતર વેચવાનું તેઓ સપનામાં પણ વિચારી શકે તેમ નહોતાં. કંટાળેલો અને અકળાયેલો માલવ નિસાસો નાખી બડબડયો: ‘હવે તો બા ઉપર જાય, તે પછી કંઇક મેળ પડે!’

પરંતુ આ શબ્દો સાથે જ માલવના મનમાં ઝબકારો થયો: બા ઉપર જતાં નથી, પણ જો બા ને ઉપર મોકલી જ દઈએ, તો બધા જ પ્રશ્નોનો નિકાલ થઇ જાય. એક તો ઘરમાં દરરોજ કકળાટ થતો મટે, ગામનાં મકાન અને ખેતર વેચીને તે પૈસામાંથી મોટું ઘર લેવાય અને બાકીના પૈસા ધંધામાં રોકીને વધુ કમાણી કરી શકાય.

જયારે દિમાગનો કબજો શેતાન લઇ લે છે, ત્યારે માણસને ફક્ત શેતાની વિચાર જ આવે છે. એટલે માલવ પણ બા નો પ્રેમ અને ત્યાગ, પોતાને જન્મ આપવાથી માંડીને મોટા કરવા સુધીમાં બા એ સહન કરેલ અનેક તકલીફો અને સંતાનની માતા પ્રત્યેની ફરજ જેવી બધીજ વાતો ભૂલીને બા ને કઈ રીતે ઉપર મોકલવાં તે વાત જ વિચારી રહ્યો.

***

એક કલાક સુધી દરેક બાબતનો ઊંડો વિચાર કરીને માલવે જડબેસલાક પ્લાન બનાવ્યો. પોતાનો ફ્લેટ ચોથા માળે હતો, જે ટોપ ફ્લોર હતો. એટલે બા ને ધાબા પર લઇ જવા ફક્ત એક જ માળ ચઢાવવો પડે. પછી તો ધાબા પરથી નીચે ફેંકી દઈએ, એટલે બા ઉપર પહોંચી જાય. પછી જાહેર કરવાનું કે લકવાની બીમારીથી કંટાળીને બા એ આપઘાત કર્યો છે. સાંજે અંધારું થયા પછીનો સમય પસંદ કરવાનો, જયારે ધાબા પર બીજું કોઈ હોય નહિ અને આજુબાજુના ફ્લેટવાળા પણ અંધારામાં કંઇ જોઈ ના શકે. કામિની અને છોકરાંઓને પણ તે સમયે બહાર મોકલી દેવાના. રજાનો દિવસ હોય તો આડોશી-પાડોશી પણ બહાર ગયાં હોય. આમ પોતાના ક્રૂર પ્લાનની દરેક બાબત ફરી ફરી વિચારીને માલવ જોરથી હોઠ ભીંસીને બડબડયો: આજે જ આ પ્લાનનો અમલ કરવો પડશે.

***

સાંજ પડી એટલે માલવે કામિની અને છોકરાંઓને પિઝા ખાવા મોકલી આપ્યાં. પોતે ધાબા પર જઇને તપાસ કરી આવ્યો કે ત્યાં કોઈ હતું નહીં. આડોશપાડોશનાં ઘર પણ બંધ હતાં. બધું પોતાના પ્લાન પ્રમાણે જ હતું, એટલે માલવે ઘરમાં આવીને કહ્યું:’ ચાલ બા, આપણે થોડીવાર ખુલ્લામાં ધાબા પર જઈને બેસીએ... તું આખો દહાડો ઘરમાં બેસીને કંટાળી જાય છે ને.’

‘પણ બેટા, મારાથી ક્યાં પગથિયાં ચઢાય છે.’ જશોદાબેન બોલ્યાં.

‘એ તો હું તને ચઢાવી દઈશ, બા... તું તારે ચાલને મારી સાથે’ માલવે આગ્રહ કર્યો.

‘તો ચાલ.’ માલવના આગ્રહને વશ થઈને જશોદાબેન કમને તૈયાર થયાં.

બા પગથિયાં સુધી તો ધીમેધીમે પહોંચ્યાં, પરંતુ પહેલું પગથીયું તો માલવનો ટેકો લીધા પછી ય માંડમાંડ ચડી શક્યાં. એટલે કંટાળીને બોલ્યાં: મારાથી નહિ ચડાય, રેવા દે બેટા, હું તો ઘરમાં જ ઠીક છું.’

‘ના કેમ ચઢાય? ચાલ હું ટેકો કરું છું.’ માલવ કોઈ પણ હિસાબે પોતાનો આજનો પ્લાન ચૂકવા માંગતો નહોતો.

માલવના ઘણા પ્રયત્ન પછી પણ બા બીજું પગથીયું માંડમાંડ ચડ્યાં. એટલે મરણીયા થયેલ માલવે બા ને ઊંચકી જ લીધાં અને દાદરો ચડવા માંડ્યો. ત્રણ-ચાર પગથીયાં ચડતાં માલવ થોડો થાકેલો દેખાયો, એટલે મા નું હૃદય પોકારી ઉઠ્યું: ’બેટા, તું મારા માટે આટલો દુઃખી શું કરવા થાય છે? મારે એવું કંઇ ધાબા પર જવું નથી.’

‘એક વાર કીધું ને! ઉપર જવાનું જ છે.’ માલવ કરડા અવાજે છાકોટાથી બોલ્યો.

માલવના અવાજના રણકાથી જશોદાબેન થોડાં ચમકી ગયાં. માલવના ચહેરા અને આંખોના ભાવ પરથી અને ‘ઉપર જવાના’ શબ્દો સાંભળી જશોદાબેન જાણે કે માલવનો ઈરાદો કળી ગયાં. એક જ ક્ષણમાં આઘાત પચાવીને જશોદાબેન વિચારી રહ્યાં: બિચારો માલવ પણ શું કરે? એક તો ધંધો બરાબર ચાલે નહિ, વળી શહેરના ખર્ચા, એમાં મારી દવાનો ખરચ અને પાછી પથારીવશ મા ની સેવા પણ કરવાની.. બિચારો કેટલું કરે... અને મારી તો જિંદગી આમેય પુરી થઇ ગઈ છે... હવે મારે વધારે જીવીને ય શું કરવું છે... હરી હરી... જે થાય છે તે સારા માટે... દીકરો સુખી થતો હોય તો ભલે એમ થાય... જશોદાબેને મન વાળી લીધું.

બાને ઊંચકીને દાદરો ચડી રહેલ માલવ દાદરાના વળાંકમાં વળ્યો, તેવામાં જશોદાબેનની નજર ખૂણામાં લાગેલ સીસીટીવી પર પડી. એ સાથે જ માનું હૃદય બોલી ઉઠ્યું:’બેટા, આ કેમેરા ચાલુ છે, તું પકડાઈ જઈશ.’

તે સાથે જ માલવે કેમેરા તરફ જોયું અને તેને જાણે કે વીજળીનો આંચકો લાગ્યો. તેણે જે જડબેસલાક પ્લાન બનાવ્યો હતો, એમાં આ નબળી કડી તો પોતે ભૂલી જ ગયો હતો. અને ‘પકડાઈ જઈશ’ શબ્દો સાંભળીને માલવને બીજો આંચકો પણ લાગ્યો, કારણ કે પોતે બા ને ધાબા પર પરાણે શું કામ લઇ જતો હતો, તે બા સમજી ગયાં હતાં.

ઉપરાછાપરી લાગેલા બે આંચકાથી માલવના મન પર કબજો જમાવી બેઠેલો શેતાન હટી ગયો અને તે સાથે જ થંભી ગયેલા માલવના પગ પાણી-પાણી થઇ ગયા, શરીરમાં શરમ અને લાચારીને લીધે ધ્રુજારી પ્રસરી ગઈ અને મોંઢું રડમસ થઇ ગયું. બા ને ખોળામાં રાખીને જ તે પગથિયાં પર ફસકી પડ્યો અને જશોદાબેન તરફ જોઇને માંડમાંડ બોલ્યો: ’બા...’ અને તે સાથેજ તેણે એક ડૂસકું ખાધું.

પશ્ચાતાપનાં આંસુ સારતા માલવને જોઈ જશોદાબેન પણ ભાવવિભોર થઈને માલવના માથે હાથ ફેરવતાં બોલવા લાગ્યાં: ‘મારો કાનુડો... મારો કાનુડો...’ માલવ પણ બા ને ભેટી પડીને જાણે કે ચાલીશ વર્ષ પહેલાંનો કાનુડો બની ગયો. તે સાથે જ માલવના માથે હાથ ફેરવતાં જશોદાબેને આનંદના અતિરેકમાં એક ડચકું ખાધું અને... એક મા એ પોતાના દીકરાની અધૂરી રહી ગયેલી ઈચ્છા પુરી કરવા માટે, તેને કંઇ પણ તકલીફ ના પડે તેવી રીતે મા ના લાડ-પ્યારનો અંતિમ પરચો આપી દીધો.