Chitkar - 5 books and stories free download online pdf in Gujarati

ચિત્કાર - 5

ચિત્કાર

( પ્રકરણ – ૫ )

દેવહર્ષ એક ખૂબ જ પ્રતિભાશાળી હતો. એનાં ચહેરા ઉપર કઈંક તેજ હતું. એનો હસમુખો ચહેરો બધાંને ગમી જાય એવો હતો. એનાં ચહેરામાં બીજાને આકર્ષવાની એક ચુમ્બકીય શક્તિ હતી. સાંજે દેવહર્ષને એડમીટ કરી એનો મિત્ર નીકળી ગયો હતો. રાત્રે લગભગ દસના સુમારે એ ફરી આવ્યો. દેવહર્ષનો તાવ હવે થોડો ઓછો થયો હતો પરંતુ શરીરમાં હલનચલન તદ્દન ઓછું હતું. ચોક્કસ નિદાન માટે એનાં લોહી વગેરેના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતાં જેના રીપોર્ટ બીજા દિવસે આવવાના હતાં. દેવહર્ષ ને ખોરાક આપવાનો નહતો. ડોક્ટર જોડે જરૂરી વાતો કરી. હોસ્પિટલમાં જરૂરી બધીજ કેર લેવાશે એવી બાહેંધરી મળવાથી એનો મિત્ર રાત્રે ત્યાંથી નીકળી ગયો.

સોળ કલાક પછી પણ શ્રેણી હજુ ભાનમાં આવી નહોતી. શ્રેણીના માતા-પિતા ખુબજ ચિંતિત હતાં. સવારથી બંને વ્યાકુળ હતાં. રૂમ સીસીટીવી કેમેરાથી સજ્જ હતો.

રાત્રે લગભગ એકના સુમારે દેવહર્ષના શરીરમાં હલનચલન થયું. તે પોતાનાં બેડ પરથી ઉઠ્યો અને રૂમની એક ખુરશીમાં બેસી ગયો. ત્યાંથી શ્રેણીને જોઈ શકાય એમ હતું. લગભગ બે કલાક એ ખુરશીમાં બેસી કંઇક તાંત્રિક સંધાન કરી રહ્યો હતો. ત્યારબાદ ખુરશીમાંથી ઉભો થઇ પોતાનાં બેડ ઉપર આવી આંખો બંધ કરી બેસી રહ્યો. બહાર એકદમ શાંતિ હતી. કદાચ ઠંડી હોવાથી બધાજ સુઈ ગયાં હતાં. કોઈકનો આવવાનો અવાજ થતાં તે ચુપચાપ સુઈ ગયો. નર્સે શ્રેણીનું પ્રેશર ચેક કર્યું અને હાર્ટબીટ મોનીટર ઉપર જોઈ, નોંધ કરી. દેવહર્ષનું શરીર હવે ખૂબ જ ગરમ થઇ ગયેલ હતું. એને અડતા નર્સ ચમકી. તાવમાં અતિ ગરમ શરીર કંઇક અજુગતું લાગ્યું. થર્મોમીટરથી તાવ તપાસવાની જરૂરિયાત લાગી. આશ્ચર્ય ! થર્મોમીટરનો પારો નોર્મલ રીડીંગ બતાવતો હતો ૯૮.૬ F. તે બહાર ગયી અને બીજું એક થર્મોમીટર લઇ આવી અને પાછું ટેમ્પરેચર માપ્યું. રીડીંગ ૯૮.૬ F આવ્યું. હવે તે ગભરાઈ. તાવથી તપતાં શરીરનું ટેમ્પરેચર નોર્મલ કેવી રીતે હોઈ શકે ? આવો અનુભવ એને ક્યારેય થયો નહોતો. તે રૂમમાંથી દોડતી દોડતી નીકળી ગયી અને બીજી એક નર્સને બોલાવી લાવી અને ફરી ટેમ્પરેચર માપવા કહ્યું. ત્રીજીવારનું રીડીંગ પણ ૯૮.૬ F હતું. બંને નર્સો વિચારમાં પડી ગયી અને ડોક્ટરને ફોન કર્યો. લગભગ પંદર મીનીટમાં ડોક્ટર આવ્યાં અને જાતે ટેમ્પરેચર તપાસ્યું. આ વખતે પણ રીડીંગ ૯૮.૬ F આવ્યું. ફરી બીજા થર્મોમીટરથી ટેમ્પરેચર તપાસ્યું, કોઈ ફેર નહિ. ધીરે ધીરે આ વાત હોસ્પિટલના દરેક સ્ટાફને ખબર પડી. બધાં આશ્ચર્યમાં હતાં. એકાદ કલાક બાદ બીજા એક્સપર્ટ ડોક્ટર આવ્યાં ત્યારે દેવહર્ષના શરીરનું ટેમ્પરેચર નોર્મલ થઇ ગયું હતું. બધાં પાછાં વિચારમાં પડ્યાં. હા...શ અનુભવી.

ડોકટરોની અને નર્સોની દોડધામથી શ્રેણીના મમ્મી જાગી ગયાં. તે શ્રેણીના રૂમમાં ગયાં. માતાની મમતાએ શ્રેણીને પંપાળવાની કોશિશ કરી અને શું ? શ્રેણીનું શરીર તાવથી ધગધગતું હતું. તેણીએ બાજુમાં ઉભાં રહેલ ડોક્ટર અને નર્સોને વાત કરી. કાફલો હવે શ્રેણીના બેડ પાસે ઉભો હતો. ટેમ્પરેચર માપ્યું. રીડીંગ ૯૮.૬ F આવ્યું. પ્રેશર નોર્મલ. હાર્ટ બીટ નોર્મલ થઇ રહ્યાં હતાં. કલાક પહેલાના રીપોર્ટ ચકાસ્યા. કંઇક નોર્મલ થતું હોય એવું લાગ્યું, પણ ટેમ્પરેચરના રીડીંગથી બધાં અસમંજસની સ્થિતિમાં હતાં. છેલ્લાં ચોવીસ કલાકથી નિશ્ચેતન જેવી પડી રહેલા શરીરમાં કંઇક ફરક જણાયો. ડોક્ટરોને આશા બંધાઈ.

સવારે દસનાં સુમારે ઇન્સ્પેક્ટર અમિત સિંહ આવ્યાં. તેઓ સીધાજ શ્રેણીના રૂમમાં ગયાં. શ્રેણી બેભાન છે એ જાણી એમણે ડોકટરને બોલાવ્યા અને જરૂરી વાતો કરી. ડોક્ટરો અનુસાર બપોર સુધી ટેસ્ટ રીપોર્ટ આવી જશે એ જાણી લીધાં બાદ તેઓ શ્રેણીના પપ્પા અને મમ્મીને મળ્યા અને શ્રેણીનાં મિત્રોના સર્કલમાં વાત કરી જાણકારી ભેગી કરવા કહ્યું. પોતાની ઈજ્જત દાવ ઉપર લાગશે એ બીકથી બંને રડી રહ્યાં હતાં. એમને હજુ આ ઘટનાની વાત કોઈને જ કરી નહોતી. એમની સુખી જીંદગીમાં પલીતો ચપાયો હતો.

શ્રેણી ખુબજ હોશિયાર વિદ્યાર્થીની હતી. તે બી. એસ. સી. ના છેલ્લા વર્ષમાં ભણી રહી હતી સાથે આઈ. એ. એસ. ની પરીક્ષાની તૈયારી કરી રહી હતી. એનાં પપ્પા પણ આઈ. એ. એસ. ઓફિસર હતાં. દરરોજની જેમ તે સવારે કોલેજ જવા રવાના થઇ. ત્યાંથી તે ટ્યુશન ગયી એની સાથે એની એક બીજી બહેનપણી કોમલ પણ હતી. ત્યાર બાદ બંને એ એક નાની હોટેલમાં નાસ્તો કર્યો અને બંને છુટા પડ્યાં. શ્રેણીના આઈ. એ. એસ. ના ક્લાસ હતાં એટલે તે ત્યાંથી સીધીજ ક્લાસમાં ગયી. ક્લાસમાં તપાસ કરતાં ખબર પડી કે રાત્રે લગભગ આઠ ના સુમારે તે ક્લાસમાંથી નીકળી ગયી હતી. વાત તદ્દન સાચી હતી. રાત્રે આઠ વાગે નીકળતી વખતે એણે મમ્મીને મોબાઇલ ઉપર જણાવ્યું હતું રોજની પ્રેક્ટીસ અનુસાર એટલે મમ્મી પણ નિશ્ચિંત હતાં. રાત્રે મોડામાં મોડી લગભગ નવ વાગે શ્રેણી ઘરે આવી જતી ટ્રાફિક હોય તો પણ. પરંતુ દસ વાગી ગયાં છતાં તે પાછી ન ફરતા શ્રેણીનાં મમ્મી ડીસ્ટર્બ હતાં. શ્રેણીનાં પપ્પા હજુ ઘરે આવેલ નહોતાં. રાત્રે લગભગ સાડા દસ વાગે શ્રેણીનાં પિતાજી ઓફિસેથી આવ્યાં. હજુ શ્રેણી આવી નહોતી એ જાણી તેઓ પણ વિચારમાં પડી ગયાં. શ્રેણીને ફોન કર્યો પણ તે સ્વીચ ઓફ હતો. એની એક બે બહેનપણીને વાત કરી પૂછી જોયું પણ વિશેષ માહિતી ના મળી. બહેનપણી કોમલે પણ સાંજે નાસ્તો કરી છુટા પડ્યાની વાત કરી.

આખી રાત નીરજ અને અલકા શ્રેણીનાં ફોનની રાહ જોતાં રહ્યાં, નિસહાય ! બંનેને કઈ સમજ પડતી નહોતી. મોટા શહેરોમાં દીકરીને ઉછેરવું કેટલું કપરું હોય છે એ સમજી શકાય. નીરજે શ્રેણીનો મોબાઇલ ટ્રેક કરવાની કોશિશ કરી પરંતુ ફોન બંધ હોવાથી તે શક્ય નહિ બન્યું. હવે પિતા નીરજ અને માતા અલકા પોતાની ગાડી લઈને નીકળી પડ્યાં. ટ્યુશન ક્લાસ, કોલેજ જ્યાં જ્યાં જરૂરી લાગ્યું તે એરીઆમાં ફરતા હતાં. શ્રેણીનો કોઈ બોયફ્રેન્ડ નહોતો એ વાત એની બંને બહેનપણીઓએ કન્ફર્મ કરી એટલે એક સુકુન મળ્યું. તેઓ રાત્રે એક એક ગલીમાં ફરી રહ્યાં હતાં. લગભગ રાત્રે બે ના સુમારે શ્રેણીનો એક મિસકોલ આવ્યો અને ફોન બંધ થઇ ગયો. કદાચ ફોનની બેટરી ઉતરી ગયી હશે એટલે તેઓ ઉતાવળ કરી ઘરે પાછાં ફર્યા કે કદાચ શ્રેણી ઘરે પાછી આવી ગયી હશે. પરંતુ શ્રેણી હજુ પાછી ફરેલ નહોતી. હવે બંને એ નક્કી કર્યું કે સવારે પોલીસને જાણ કરવી.

પોલિસ સ્ટેશનમાં જાણ કરી તેઓ ઘરે આવ્યાં અને તે જ વખતે હોસ્પિટલથી ફોન આવ્યો એટલે તેઓ હોસ્પિટલમાં હાજર થયાં. દીકરી મળ્યાનો આનંદ હોસ્પિટલમાં શ્રેણીને જોતાજ ધોવાઈ ગયો. શ્રેણી બેભાન હતી. શ્વાસ નિયમિત નહોતાં. હાર્ટ બીટ પણ નોર્મલ નહોતાં. આવી પડેલ ઘડીને સમજવી બહુ મુશ્કેલ હતી. એકની એક લાડ પ્યારમાં ઉછરેલ દીકરીને આમ બેડ ઉપર જોઈ મા અને પિતાનું હૈયું ચીરાઈ ગયું હતું !

સાંજે પાંચ વાગ્યાં સુધીમાં બધાજ રિપોર્ટ આવી ગયાં અને ઇન્સ્પેક્ટર અમિત સિંહ પણ આવ્યાં. ડોક્ટરોએ શ્રેણીનાં રૂમમાં જ મુખ્ય બે રીપોર્ટની જાણ ઇન્સ્પેકટર અને શ્રેણીનાં માં-બાપને કરી. શ્રેણી ઉપર રેપ થયેલ હતો. તેનું બ્રેન ડેડ હતું, કદાચ બનેલ ઘટનાથી મગજ ઉપર ભારે અસરનું પરિણામ હોઈ શકે એવું ડોક્ટરોનું માનવું હતું. શ્રેણીનું બ્રેન નોર્મલ થાય અને એ ભાનમાં આવે પછીજ મુખ્ય ઘટના ઉપર પ્રકાશ પડે એવું હતું.

ઇન્સ્પેક્ટર અમિત સિંહ તરત ત્યાંથી ટુશન ક્લાસના વિસ્તારની માહિતી લઇ નીકળી ગયાં. ડોક્ટરો માટે હવે શ્રેણીનું બ્રેન કાર્યરત થાય તેની ટ્રીટમેન્ટમાં લાગી ગયું.

દેવહર્ષના પણ રીપોર્ટ આવ્યાં પરંતુ ડોક્ટરો માટે કોઈ પણ નિષ્કર્ષ ઉપર પહોંચવું મુશ્કેલ હતું. બનતી કોશિશ તેઓ કરી રહ્યાં હતાં. સવારે બનેલ તાવની ઘટનાથી બધાજ વિમાસણમાં હતાં. આજે દેવહર્ષ ને મળવા કોઈ આવ્યું નહોતું એટલે શ્રેણીનાં માં-બાપ એક દયાની નજર એનાં ઉપર નાંખી એકબીજા સામે જોઈ લેતાં હતાં. પરંતું તેઓ વીસ વરસ પહેલાં મળેલ દેવને ઓળખી શક્યા નહોતાં.

રાત્રે લગભગ બે વાગે દેવહર્ષ ઉઠ્યો અને ખુરશી ઉપર બેસી ગયો. એ ત્યાંથી શ્રેણીને જોઈ શકતો હતો અને શક્તિનું અનુસંધાન કરી શકાતો હતો.

( ક્રમશઃ )