Chitkar - 4 books and stories free download online pdf in Gujarati

ચિત્કાર - 4

ચિત્કાર

( પ્રકરણ – ૪ )

વીસ વરસ વહી ગયાં...

ઠંડીના દિવસો હતાં. વાતાવરણ ખૂબ જ ઠંડું હતું લગભગ ૧૦ ડીગ્રી. લગભગ વહેલી સવારના પાંચ વાગ્યા હશે. એક રોડ સિગ્નલના વળાંક પાસે એક કિંમતી ગાડી ઉભી રહી. તેની પાછળ બીજી એક ગાડી ઉભી રહી. સવારના ટ્રાફિક નહોતો છતાં ગાડી કેમ ઉભી રહી એક અચરજ હતું, બીજું, સિગ્નલ ગ્રીન હતો છતાં ગાડી ઉભી રહે એ કંઇક અજુગતું લાગતું હતું. એની પાછળ બીજી ગાડી ઉભી રહી એ પણ કંઇક આશ્ચર્યકારક હતું. પહેલી ગાડીમાંથી ડ્રાયવરની બાજુની સીટમાંથી એક યુવાન ઉતાર્યો, એને ગાડીનો પાછળનો દરવાજો ખોલ્યો, અને ગાડીમાંથી કોઈ બોડી ખેચતો હોય એવું લાગ્યું. કોઈક ગાડીની અંદરથી બોડીને પુશ કરી રહ્યું હતું. કદાચ ગાડીમાં ત્રણ વ્યક્તિઓ હશે. રસ્તાની બાજુમાં બોડીને છોડી દઈ યુવાન ગાડીમાં બેસી ગયો પરંતુ ઉતાવળમાં એનાં પાછળનાં ગજવામાંથી કંઇક પડ્યું. હવે ખ્યાલ આવ્યો કે પાછળની ગાડી આગળ ઉભી રહેલ ગાડીને એક આડશ આપી રહી હતી, જેથી પાછળથી આવનાર ગાડી આ આગળ ચાલી રહેલ કૃત્ય ના જોઈ શકે. બહુ જ ઝડપથી ફટાફટ બંને ગાડીઓ નીકળી ગયી.

રસ્તાની બાજુના એક એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરની બાલ્કનીમાંથી બે આંખો આ સંપૂર્ણ કૃત્ય જોઈ રહી હતી અને એક ત્રીજી આંખ એનું રેકોર્ડીંગ કરી રહી હતી. ગાડી ગયાં પાછી તરત જ એણે બાલ્કનીની દીવાલ ઉપરથી કૂદકો માર્યો અને ચીલ ઝડપે પેલાં યુવકના પોકેટમાંથી પડી ગયેલ વસ્તુ ઉપાડી પોતાનાં એપાર્ટમેન્ટમાં જતો રહ્યો. એ મોબાઇલ હતો. પોલીસને ફોન કર્યો. થોડી વારમાં લોકો ભેગાં થયાં. એ બાલ્કનીમાંથી ઉભાં રહી બની રહેલી ઘટના જોઈ રહ્યો હતો. એનાં મોબાઈલમાં સંપૂર્ણ ઘટના રેકોર્ડ થઇ રહી હતી. થોડી વારમાં જીન્સ પહેરેલ એક યુવાન રસ્તાની બીજી બાજુ ગાડી પાર્ક કરી દોડતો આવ્યો. એની આંખો પેલી બોડીની આજુબાજુ સતત ફરી રહી હતી. જાણે કંઇક ગોતી રહી હતી. મોબાઇલ કેમેરાને ઝુમ કર્યો, હવે એનો ચહેરો થોડોક સ્પષ્ટ જોઈ શકાતો હતો જે મોબાઇલમાં રિકોર્ડ થઇ ગયો હતો. ઠંડીમાં પરસેવાના ટીપા એનાં ચહેરા ઉપર જોઈ શકાતા હતાં. એ ત્યાં લોકોના ટોળામાં ઉભો રહ્યો.

પોલિસની ગાડી આવી એટલે પોલીસે કોઈક ને ફોન કર્યો અને થોડીવારમાં બીજી એક ગાડી અને એમ્બ્યુલન્સ આવી. એમાં ફોટોગ્રાફર હતો. એણે જરૂરી ફોટો લીધાં. બોડીને સ્ટ્રેચરમાં લઇ એમ્બુલન્સમાં મુકવામાં આવી. કોઈપણ ચીજ ત્યાં બોડી ઉપડ્યા પાછી દેખાઈ નહિ એટલે એ તરત પોતાની ગાડી તરફ દોડ્યો કદાચ મોબાઇલ પોતાની ગાડીમાં જ પડી ગયો હશે એ શંકામાં.

પોલીસની ગાડી અને એમ્બ્યુલન્સને એક મોટરસાયકલ ફોલો કરી રહી હતી.

એ કોઈક સુંદર છોકરીની બોડી હતી. કદાચ શિક્ષિત સંસ્કારી ઘરની યુવતી હશે એ સમજવું મુશ્કેલ નહોતું. યુવતી બેભાન હતી એટલે ઇમરજન્સી ધ્યાનમાં લઇ પોલીસે એને ઘટના સ્થળથી નજીકની હોસ્પિટલમાં દાખલ કરી. પ્રાયમરી માહિતીના આધારે પેશન્ટને ટ્રીટમેન્ટ શરુ કરવામાં આવી. કદાચ રેપ કેસ હોઈ શકે એટલા માટે જરૂરી સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં ઉપરાંત બીજા જરૂરી સેમ્પલ પણ એકત્રિત કરવામાં આવ્યાં. પૂર્ણ બોડીના ફોટાઓ લેવામાં આવ્યા જેથી કોઈ ઘટના બની હોય તો તાગ મેળવી શકાય અને એવીડન્સમાં પણ કામ લાગે.

યુવતીએ અત્યંત આધુનિક ઇલેક્ટ્રોનીક કાંડા ઘડિયાળ પહેરેલ હતું અને એનાં સહારે પોલીસને એનાં ઘરે ફોન કરી માહિતી આપવામાં અગવડ નહિ પડી. લગભગ એકાદ કલાકમાં એક ગાડી હોસ્પીટલનાં પાર્કિંગમાં આવી ઉભી રહી. મોટરસાયકલ ઉપર આવેલી વ્યક્તી ખુબજ ધ્યાનથી બધું જોઈ રહી હતી.

એ ગાડીમાં આવેલી વ્યક્તિઓમાં ભળી ગયો અને હોસ્પિટલના એ રૂમમાં દાખલ થયો. પોલીસે એનાં માતા-પિતાની ઓળખાણ કરી અને પછી પેશન્ટના રૂમમાં લઇ ગઈ. માતા-પિતાએ દીકરીને ઓળખી અને બંને હૈયાફાટ રડી પડ્યાં. દીકરી શ્રેણીના શ્વાસ હજુ ચાલું હતાં પરંતુ હાર્ટ બીટ અને પ્રેશર અનિયમિત હતાં. ડોક્ટરો સાથે વાતચીત કરી. ડોક્ટરોના અભિપ્રાય મુજબ બોડીનાં સ્કેન ટેસ્ટ એમ આર એ / એમ આર આઈ વગેરે તાત્કાલિક કરવાની જરૂર હતી. શ્રેણીને તરતજ જરૂરી ટેસ્ટ માટે સ્ટ્રેચર ઉપર લઇ જવામાં આવી. મોટરસાયકલ ઉપર આવેલી વ્યક્તી ખૂબ જ રસ લઇ દરેક ગતિવિધિઓ નિહાળી રહ્યો હતો અને માહિતી એકત્રિત કરી રહ્યો હતો. લગભગ એક કલાક બાદ ત્રણ વ્યક્તિઓ હોસ્પિટલનાં કોરીડોરમાં આવતી દેખાઈ એમાંથી એક વ્યક્તિને ઓળખતાં બહુવાર ના લાગી. સવારે સિગ્નલ આગળ બોડીને કારમાંથી ખેચીને છોડી જનાર વ્યક્તિ હતી. એ તરતજ એક ખૂણામાં ગયો અને એ ત્રણને ખબર ન પડે એ રીતે એમનો ફોટો પોતાનાં મોબાઈલમાં ઝડપી લીધો.

શ્રેણીના માં-બાપ ખૂબ જ ચિંતામાં હતાં. કંઈપણ જાણવું મુશ્કેલ હતું. ઘટનાની હકીકત શ્રેણી ભાનમાં આવે તો જ ખબર પડે એમ હતું. જરૂરી માહિતી એકત્રિત કરી એક પોલીસને પેશન્ટના દરવાજાં પાસે સિક્યુરિટી ડ્યુટી આપી બાકીની પોલિસ ટીમ ત્યાંથી રવાના થઇ. પોલિસ ઇન્સ્પેક્ટર અમિત સિંહે ડોક્ટરને પેશન્ટ ભાનમાં આવે એટલે તરત જાણ કરવા જણાવ્યું અને પોતાનો મોબાઇલ નંબર આપ્યો, જે બાજુમાં ઉભી રહેલ નર્સે પેશન્ટના કેસ પેપર ઉપર ડોક્ટરના કહેવાથી નોંધી લીધો. પાછળ ઉભાં રહેલ એ વ્યક્તિએ પણ પોતાનાં મોબાઈલમાં એ નંબર છાનોમાનો સેવ કરી લીધો. એનું હવે ત્યાં ઉભું રહેવું મુશ્કેલી વધારી શકે એમ હતું, તેથી તે છાનોમાનો બહાર નીકળી ગયો.

કોરીડોરમાં ઉભાં ત્રણ જણા આમતેમ આટા મારી રહ્યાં હતાં અને સવારે હોસ્પિટલમાં દાખલ થયેલ યુવતીની તબિયત અંગે માહિતી એકત્રિત કરવાની કોશિશ કરી રહ્યાં હતાં પરંતુ કોઈપણ માહિતી એમને મળી શકી નહિ. તેઓ ચોક્કસ ઘબરાયેલાં હતાં. વચ્ચે વચ્ચે તેઓ કોઈની જોડે મોબાઇલ ઉપર વાતો કરી લેતાં હતાં પરંતુ ત્રીજી વ્યક્તિ પાસે મોબાઇલ નહોતો. તેના ચહેરાની રેખાઓથી સમજી શકાય એમ હતું કે ખૂબ ચિંતામગ્ન હતો. અચાનક એની નજર સામે દીવાલ ઉપર લખેલ બોર્ડ ઉપર પડી. એનાં ઉપર લખ્યું હતું કે તમે સીસીટીવીના જાપ્તામાં છો. You are under CCTV surveillance. એ તરતજ ત્યાંથી ઉભો થયો અને ત્યાંથી બહાર નીકળી ગયો. એ પરસેવાથી રેબઝેબ હતો. બાકીનાં બંને મિત્રો પોતાનાં મોબાઈલમાં મશગુલ હતાં એટલે એમને એની ગેરહાજરી ખબર પડી નહિ.

શ્રેણી પિતા નીરજ અને માતા અલકાની એક માત્ર દત્તક લીધેલ સંતાન હતી. બંને સરકારી ખાતાઓમાં ઉચ્ચપદો ઉપર નોકરી કરતાં હતાં. જ્યાં સુધી શ્રેણી ભાનમાં ના આવે ત્યાં સુધી એ પોતાની વગનો ઉપયોગ કરી શકે તેમ નહોતાં. ડોકટરો હજુ કોઈ નિષ્કર્ષ ઉપર પહોંચી શકે એમ નહોતાં. બધાં રીપોર્ટ આવતાં હજુ વાર લાગે એમ હતું. ડોક્ટરો પેશન્ટને ભાનમાં આવે તે માટે કોશિશ કરી રહ્યાં હતાં, પરંતુ શરીરના પલ્સ ધીમા હતાં, કદાચ બ્રેનમાં પણ પ્રોબ્લેમ હોવાની શક્યતા જણાતી હતી. શરીર તદ્દન નિશ્ચેતન પડ્યું હતું.

સાંજના લગભગ પાંચના સમયે એક પેશન્ટને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. એનું શરીર તાવથી ખુબજ તપી રહ્યું હતું. શરીરની નસો શિથિલ થઇ ગઈ હતી. હાલત નાજુક હોવાથી એને આઈ. સી. યુ. માં દાખલ કરવું જરૂરી હતું. હોસ્પિટલમાં આઈ. સી. યુ.ના બધાં રૂમો ફૂલ હોવાથી તેને બે બેડના સગવડવાળા આઈ. સી. યુ. રૂમ દાખલ કરવામાં આવ્યો. તેના બાજુના બેડ ઉપર શ્રેણી એડમીટ હતી. રૂમમાં પાર્ટીશન હતાં એટલે શ્રેણીના પિતાજીને કોઈ ઓબ્જેક્શન નહોતું. રૂમ મોટો અને હવા ઉજાસવાળો અને ઇન્સ્ટ્રુમેન્ટથી સજ્જ હતો. દાખલ થનાર વ્યક્તિ એ મોટર સાયકલવાળી વ્યક્તિ હતી જે સવારે એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડીને ફોલો કરી રહી હતી. વહેલી સવારની ઘટના પોતાનાં એપાર્ટમેન્ટની બાલ્કનીમાંથી જોઈ, પોતાનાં મોબાઈલમાં રેકોર્ડ કરી હતી. શ્રેણીને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ બધી વિગતો જાણીને હોસ્પિટલથી ચુપચાપ નીકળી જનાર એ વ્યક્તિનું નામ દેવહર્ષ હતું. વર્ષો પહેલાનો બંગાળનો દેવ.

( ક્રમશઃ )