Padoshi padhravo savdhan books and stories free download online pdf in Gujarati

પાડોશી પધરાવો સાવધાન

પાડોશી પધરાવો સાવધાન....!

આપણી ત્રેવડ હોય કે ના હોય, પણ પાડોશીને ભગવાન માનવામાં જાય શું ? પાડોશી દેવો ભવ...! ભેજામાં આટલું જો ઊતરી જાય તો, ‘પાડોશીયુધ્ધ’ ના અડધા ખેલ ચપટીમાં ખતમ થઈ જાય. બાફેલા અથાણાંની માફક જીવવું, એના કરતાં, પાડોશીને પરમાત્મા સમજવામાં જાય શું....? ગમતી છોકરી સાથે લગન કરવાની ઈચ્છા તો ભડકે બળતી હોય, પણ બળેવના દિવસે વહેલી સવારે આવીને રાખડી બાંધીને ચાલી જાય, તો ચલાવી જ લઈએ છીએ ને ? કેવાં પાણીચા અથાણા જેવાં થઈ જઈએ...? ઝંઝટોનો નાશ કરવો હોય, તો આવું બધું ચલાવી લેવું પડે યાર...! બાકી પાડોશી સાથે કેવાં સંબંધો રાખવા જોઈએ, એવી કોઈ વાત ભગવદ ગીતામાં પણ લખેલી નથી. જેવાં જેવાં પાડોશી તેવી તેવી ગીતા, આપણે જ લખવાની અને આપણે જ વાંચી લેવાની. રામાયણનું પારાયણ કરવામાં, પાડોશીનો આખો ઓટલો ઘસી નાંખોને...? જે નહિ સુધરવાના તે નથી જ સુધરવાના...! શું કહો છો દાદુ....?

આપણે ત્યાં આટઆટલાં શાસ્ત્રોના ભંડાર ભરેલા છે, છતાં કોઈએ પણ ‘પાડોશીકાંડ’ લખ્યો નથી. બસ, બેસીને પાડોશી કાંડ જોયાં જ કર્યા. દર રવિવારે પાડોશીનું પૂજન રાખવાની વાત જો શાસ્ત્રોએ ચિતરી હોત, તો પ્રત્યેકનો પાડોશી પ્રેમ કેવો ફૂલ્યો ને ફાલ્યો હોત ? લાગે છે ને કે આવો રિવાજ રાખવો જોઈતો હતો. ધર્મ સ્થાનકે જવાને બદલે, દર રવિવારે પીતાંબર પહેરીને પાડોશી પૂજન રાખ્યું હોય તો, તાકાત છે કે, પાડોશી આપણો હૈયે ના વસે ? બંનેને એવાં ઝરા ફૂટે કે, ‘લે, આ તો આપણા કુટુંબી જેવો છે....! આપણા રેશનકાર્ડમાં નામ દાખલ કરાવીએ તો પણ ચાલે એવો છે...!’ ને પરસ્પર ‘નંદ ઘર આનંદ ભયો’ જેવું લીલુછમ્મ વાતાવરણ ઝામે તે અલગ. મગજમાં બસ એક જ ફાંકો રાખવાનો કે, સાથે શું લાવ્યા હતાં, ને સાથે શું લઇ જવાના છે..! વહેલાં કે મોડા, છેલ્લે ૯૩ ટકા તો, એક જ સ્મશાન ભૂમિમાં આગળ પાછળ થવાના છે ણે...? ફેર તો પડે મામૂ....!

અહાહાહા...! અમુક તો આખી જીંદગી એવું જીવે કે, સાત-આંઠ પેઢી સુધી એમની સુગંધ મહોલ્લા માં ટકે. જીવવા કરતાં, સાપસીડીની રમત જ રમતા હોય. ભગવાન કરતાં પાડોશીના જ સ્મરણ વધારે કરતાં હોય. એવું નહિ વિચારે કે, પાડોશી સાથે માથાફોડ કરવા કરતાં, એના આંગણે જઈને લાવ એકાદ શ્રીફળ ફોડીને પાડોશી સાથે પ્રસાદ ખાઈએ. એના કપાળમાં કાંદા ફોડું, ‘શ્રીફળફોડ’ ના કાર્યક્રમ કરવાને બદલે ‘માથાફોડ’ એવી કરે કે, મહોલ્લાવાળાએ પાટિયાં લગાવવા પડે કે, ‘ શાંતિ રાખો....! ‘

સરકાર જેમ સરહદી પાડોશી સાથે સંબંધ સુધારવાનાં ફાંફા મારે છે, એવાં ઘરઘરના પાડોશી પ્રોબ્લેમ માટે પણ માથા મારવાણો સમય હવે પાકી ગયો છે. શક્ય હોય તો, આમાટે એક ખાસ ‘પાડોશી અદાલત’ શરૂ કરવાની જરૂર છે. જો આપણા ગામડાઓ હવે ૧૦૦ ટકા ગોકુળિયા બની ગયાં હોય, તો આ મામલે પણ હવે હાથ અજમાવો. સરકારે દરેક ગામમાં પાડોશી પૂજનના ‘ટાસ્ક’ આપવા જોઈએ. ને‘ પતંગ ઉત્સવ’ ઉજવે છે એમ, ‘પાડોશી ઉત્સવ’ પણ રાખવા જોઈએ. એમાં. સરકારને પણ ફાયદો, ને પાડોશીને પણ ગલગલિયાં...! મત વધે યાર....? હું તો કહું છું કે, આવું જ આપણે સરહદી પાડોશી દેશ સાથે પણ કરવાનું ભઈલા.....! પ્રધાનમંત્રી ત્શેરિંગ તોબ્ગે (ભૂતાન), પ્રમુખ અબ્દુલ્લા યામીન (માલદીવ્ઝ), પ્રધાનમંત્રી સુશિલ કોઈરાલા (નેપાળ), પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસી અને પ્રમુખ રાજપાક્સા (શ્રીલંકા) વગેરે કેમ ના હોય ? વારતહેવારે જઈને કમળના ફૂલ સાથે નાળિયેર આપીએ તો, એમની છાતી પણ હરખથી ભરેલી રહે....! બંદુકો ફોડવી એના કરતાં નાળિયેર ફોડવા સારાં....! આ પણ એક પ્રકારની સ્વચ્છતા અભિયાન જ કહેવાય. પરસ્પરના મનમાં કોઈ ગંદકી હોય તો દૂર થાય.....!

અમુક પાડોશી તો, એવાં ખતરનાક કે, માત્ર બાઝવા માટે જ પાડોશી બન્યો હોય એમ, સવાર પડે ત્યારથી બાંય ચઢાવવાની ચાલુ કરી દે....! આપણને શંકા જાય કે, આ લોકો એકબીજાને માણસ સમજે છે કે પ્રાણી ? ઊંદર બિલાડીને પણ સારાં કહેવડાવે એવું ઝઘડે. પાડોશી જાણે ઝઘડવાનું મશીન નહિ હોય...? એમનું આંગણું એટલે યુદ્ધભૂમિનું કુરૂક્ષેત્ર...! બાજુવાળાને જૂની શરદી હોય, અને જો છીંક આવે, તો તેમાંથી પણ ઝઘડે....! કે, “ તારી છીંકના સુસવાટાના કારણે, તડકે નાંખેલા અમારાં ચણીયા-ચોળી ને લેંઘા મારા દોરી ઉપરથી ઊડી ગયાં....! સાલી આ તે કંઈ વાત છે....?

આવી મલિન ખોપરીઓએ દશેરાના દિવસે રાવણ સળગાવવા બહાર જવાની જરૂર ખરી? રાવણ-દહન આંગણામાં જ પતાવે કે બીજું કંઈ ? પણ મૂળ વાત એ છે કે, પ્રત્યેક પાડોશી પોતાની જાતને શ્રી રામ સમજતો હોય, ત્યાં રાવણ પણ રહેવાના જ. ને શ્રી કૃષ્ણ સમજતો હોય તો ત્યાં કંસની પણ હાક રહેવાની. ફેર એટલો કે, એ લોકો રાવણને સળગાવીને નહિ બાળે, બોલી બોળીને બાળવાના...! ભેજાંમાં જેવો ગુસ્સો ઘૂસવા માંડે, એટલે બુદ્ધિ એની બેગ પકડીને પલાયન થવા જ માંડે. પછી તો ગુસ્સો એટલે ગુસ્સો....! એવાં એવાં વેણ કાઢે કે, આપણને આંચકા આવવા માંડે. કે આ બંને પરસ્પરના પાડોશી છે કે, પ્રાણી....? પ્રાણીઓ તો સારાં. એમને ગાળો બોલતાં ક્યારેય સાંભળ્યા નથી. આ તો માણસને પણ કહી નાખે કે, ‘ સાલો....સાવ ગધેડા જેવો છે.....! ‘ ને ભડકો પછી એવો પકડે કે, પેલા સામાવાળાણે આખો ને આખો પછી ગધેડો જ દેખાય. ભલે હોંચી...હોંચી જેવો અવાજ નહિ કાઢે, પણ લાકડી તો કાઢે જ !

ઝઘડા પાછાં એવાં કે, સવારના ભૂલેલા સાંજે પાછાં ઘરે આવી જાય. થોડાંક સમય જાય. એટલેરાબેતા મુજબ વાડકી વ્યવહાર ચાલુ પણ થઈ જાય. આ લોકોના ઝઘડામાં ક્યારેય પડાય નહિ દાદુ....! વચ્ચે પડવા ગયો તો, આખો ને આખો તે વેતરાય જાય....! પછી વચમાં પડેલો પસ્તાય કે, ‘ક્યાં મારી આંગળી મેં નકૂચામાં નાંખી દીધી રે...?’

જે પાડોશીને અડધી વાડકી ખાંડના વાડકી વ્યવહાર વગર નહિ ચાલે, એ પાડોશી કારેલાં જેટલો કડવો પણ કેટલાં દિવસ રહે....? સાસરું ગમે એટલુ વગદાર કે, પહોંચેલ માયાનું કેમ ના હોય પણ પાડોશી એટલે પાડોશી. સગામાં, પહેલો સગો પાડોશી જ આવે....! પણ સાલા આપણા જંતર મંતર જ એવાં કે, પહેલો દગો પણ પાડોશી સાથે જ કરીએ. પાડોશણને પહેલી સગી માનીએ, પણ પાડોશીનું મોઢું તો શું, એને વળગેલું હોય તો, એનું પૂંછડું પણ જોવા રાજી નહિ. પછી તો જેવી જેની દાનત....! કથાકારોએ ‘ભાગવત કથા’ ને બદલે, ‘પાડોશી કથા’ કરીને પ્રત્યેક પાડોશીને પાવન કરવા જોઈએ. શક્ય હોય તો, બંને પાડોશીએ અરસપરસ ‘ પાડોશી આરતી’ કરીને જ પોતપોતાના શયનખંડમાં આસન પણ ગ્રહણ કરવા જોઈએ. જેમ કે....

“ જય પાડોશી દેવા, જય પાડોશી દેવા

તારે ને મારે જીવ્યા સુધીની (૨ )

ભારે લેવા દેવા.....જય પાડોશી દેવા....!

પાડોશી સાથેના સંબંધો ‘ફેવિકોલ’ જેવાં, ફાટે પણ ફીટે નહિ એવાં ક્યારે આવશે, એની તો ખબર નથી. પણ ચાર ધામની યાત્રાએ નીકળ્યા હોય એમ, પાડોશીને ત્યાં ક્યારેક મહેમાન બનીને પાડોશીનો આતિથ્યભાવ પણ લેવા જેવો ખરો. અથવા તો વરસમાં એકાદ દિવસ પાડોશીને ત્યાં ચહાના કપ રકાબી પકડવા જઈએ, તો એ બહાને ભાઈને ત્યાં નવી નવી કૉકરી પણ આવે. ને પરસ્પર ની હૂંફ રહે એ બોનસમાં....!

સ્વીકારી લઈએ કે, વિજ્ઞાને ખુબ ઊંચી છલાંગ લગાવી છે. પણ પાડોશીના સુંવાળા સંબંધ રાખવા માટે એમણે હજી સુધી કોઈ કાંદો કાઢ્યો નથી. કોઈ વૈજ્ઞાનીકે એવું શોધ્યું કે, જીવનમાં કેવાં, કેટલાં અને કયા કયા પાડોશી આપણને મળવાના છે, એની અગાઉથી જાણકારી મળી જાય ? ‘”જેહના ભાગ્યમાં જે સમયે જે લખ્યું, તેહને તે સમયે તે જ પહોંચે....!” એમ આપણે તો નિભાવી જ લેવાનું ને....! સારો પાડોશી મળ્યો તો આપણા ભાગ્ય, ને નબળો મળ્યો તો માની લેવાનું કે, દસ્તાવેજ ગમે એટલો સાચો હોય, પણ નસીબનો દસ્તાવેજ ખોટો નીકળ્યો....! અત્યાર સુધીમાં કોઈપણ જ્યોતિષે એવી બદામ ફોડી નથી કે, ‘તમારા નશીબમાં ઊંચા ગજાનો પાડોશી લખેલો છે...!

‘જેવો મળે તેવો. પાડોશી માટે બહુ ચૂંધી નહિ રાખવાની. પ્રેમભાવ રાખવાનો. ક્યારેક ડાબા ગાલ ઉપર પાડોશી તમાચો મારવા આવે તો, જમણો ગાલ પણ પ્રહાર માટે આપી દેવાનો. એ પણ ઓછો પડે તો, આખે આખી પીઠ પણ આપી દેવાની. આપણા પહેલાં સગા માટે આપણે આટલું નહિ કરીએ તો, બીજું કોણ કરવાનું ? ભલે ને આપણા રેશનકાર્ડમાં એનું નામ નહિ હોય. સંકટ સમયે આપણી પાસે એ જ દોડી આવવાનો. રેશનકાર્ડમાં લખેલા નામવાળા આવે તે પહેલાં તો આપણા માટે એ જ તૂટી પડવાનો. જે સગાવ્હાલાઓ દીવાલ બનાવીને સંબંધ રાખે છે એના કરતાં, આડી દીવાલવાળો પાડોશી સો દરજ્જે સારો એ યાદ રાખવાનું. જો કે દરેક જગ્યાએ આવાં પ્રોબ્લેમ નથી. અમુકના પાડોશી તો એટલાં સારાં, કે જાણે બંને જણાનું રસોડું સહિયારું ના ચાલતું હોય....? આપણને એમ જ લાગે કે, એ બે વચ્ચે માત્ર વાડકી વ્યવહાર જ નહિ, પણ ડોલ ભરીને જ વ્યવહાર ચાલે છે....!

મૂળ મામલો એવો છે કે, આપણને જ આપણી ગંધ સિવાય, બીજાની ગંધ ગમતી નથી. ખુદ ભગવાન પણ પાડોશમાં રહેવા આવે તો એ પણ થાપ ખાય જાય. કે અહીં આવીને હું ક્યાં ભેરવાય ગયો....? કદાચ એની પણ ગંધ નહિ ગમે. ને એની અદેખાઈ પણ આવે કે, બે બાય બેનાં મંદિરીયામાં રહેનારો ‘ભગવાન’ ૧૬૦૦ સ્કેવર ફીટમાં આપણો પાડોશી બનીને રહેવા આવ્યો ? એની સાથે વાડકી વ્યવહાર જમાવવો કઈ રીતે...? બીજું કે, ભગવાન રહ્યા, એટલે ક્યારેક ઝઘડવાની ઉપડે તો ઝઘડાય પણ નહિ. પાડોશી જેવો પાડોશી થઈને ઝઘડવા પણ કામ નહિ આવે. એવો પાડોશી આપણને કામનો શું ? બીજાને તો કોક દિવસ વાંકુ પડ્યું, તો કહી પણ દેવાય કે, ‘ તું મોટો હોય તો તારાં ઘરનો, પણ ભગવાનને થોડુ એવું કહેવાય કે, “ ભગવાન હોય તો તું તારા ઘરનો...? " ‘આવ બલા પકડ ગલા’ જેવું નહિ થાય....?

આ બધાં દ્રષ્ટિ દ્રષ્ટિના ખેલ છે દાદુ....! સારો પાડોશી મળે, એ માટે કોઈ તાંત્રિક વિધિ તો આવે નહિ. એટલે નિભાવી જ લેવાનો. જો કે, પ્રત્યેકનો પાડોશી સારો જ હોય છે, પણ આપણને તેના ઉપર શ્રદ્ધા નથી. ભગવાને ગોઠવી આપેલી સિસ્ટમમાં, બહુ ડખા નહિ કરવાના. ભગવાનને ક્યાં ખબર નથી કે, માણસને સાચવવો કેટલો અઘરો છે...? પત્ની અને પાડોશી, આ બંને પાત્રો આપણા ચેક-પોસ્ટ છે. ભગવાને ઘડેલી માયાજાળનાં જ પાત્રો છે. કમ સે કમ માણસ ટેડો તો નહી ચાલે...? કુંડળીના બધાં ગ્રહો ભલે જમાવટ કરીને બેઠાં હોય ? પણ પત્ની કે પાડોશી જો વંકાયા, તો કુંડળી પણ કુંડાળામાં આવી જાય...!

સોળ શુક્રવાર કે નકોરડા ઉપવાસ કરવાથી કદાચ સારો પતિ મળે. બાકી ચારધામની યાત્રા કરી હોય તો પણ, સારો પાડોશી મળવાની કોઈ ગેરંટી નહિ....! નીભાવી જ લેવાનું. દરેકના નશીબમાં ઓછામાં ઓછો એક પાડોશી અને એક વાઈફ તો લમણે લખાયેલી હોય જ. સારૂ મળ્યું તો ઠીક, બાકી, એમને સુધારવા માટે ઘરમાં કંઈ ભાગવત સપ્તાહ નહિ રખાય....? આપણે ત્યાં બે મત છે. પહેલો દુશ્મન પણ પાડોશી અને પહેલો સગો પણ પાડોશી. પણ આ બધી ‘સાત-બાર’ ની કાચી એન્ટ્રી જેવું છે. મને એક તો એવો બતાવો કે, કોઈએ એના ઘરમા પાડોશીના ફોટા લટકાવીને પાડોશી માટેનો આદરભાવ બતાવ્યો હોય ? ' કૂતરાથી સાવધાન ' લખીને ઘરના દરવાજા બગાડનારા તો ઘણાં છે, પણ કોઈએ એવું લખ્યું કે, " પાડોશી પધરાવો સાવધાન ......! "

પાડોશી એટલે, પછી એ ચાઈના હોય, પાકિસ્તાન હોય કે, અફઘાનિસ્તાન હોય. આ બધાની ક્યારે કમાન છટકે એનું કાંઈ નક્કી નહિ....!. બિલાડીને તમે ગમે એવાં ઈમ્પોર્ટેડ સાબુથી નવડાવો, સોનાની બાજઠ ઉપર બેસાડો, સરસ મઝાની મેઇડ ઈન ઇન્ડિયાની સાડી પહેરાવો, કપાળે સરસ મઝાનો ચંદનનો ચાંદલો કરો, ગળામાં સોનાનો ચંદનહાર અને પગમાં રૂપાની ઝાંઝરી પહેરાવો, કે આરતી ઉતારો, કોઈ ફરક ના પડે. ઉંદર દેખાયું નથી ને, એ ત્યાંથી ભાંગ્યું નથી....! આપણી સરહદ ઉપર આવી જ ધમાલ ચાલે છે ને....? છતાં એમના ઉંબરે કંકુચોખા મૂકવાના સંસ્કાર આપણે જાળવ્યા છે. એ આપણી ખાનદાની છે. છતાં આપણને એના માટે માન એટલાં માટે છે કે, આપણે હવે ઊંઘતા નથી. આવા ફળદ્રુપ પાડોશી આજે મળે કોને...?

મુક્કદરની વાત છે મામૂ...! ઘણાં લોકોને પાડોશીનો આધાર જ એટલો બધો હોય કે, એને આધારકાર્ડની તો જરૂર પણ નહીં પડે. પાડોશીનો આધાર, એ જ એનો સાચો આધારકાર્ડ...! બાકી આજે તો હાલતા-ચાલતાં આધારકાર્ડની એટલી જરૂર પડે કે, આપણને એમ થાય કે, શરીર પર દેખાય એવું એક આધાર-કાર્ડનું ટેટુ જ ચિતરાવી દઈએ....! ધતત્તેરીકી....!!

આટલા બધાં જાતજાતના સરકાર એવોર્ડ આપે છે ત્યારે, એકાદ એવોર્ડ " શ્રેષ્ઠ પાડોશી ' નો પણ રાખવો જોઈએ. જેથી આપણને ખબર તો પડે કે, ફલાણા ગામમા ફલાણો માણસ " એવોર્ડેડ પાડોશી " છે. આપણને ખુમારી સાથે એના પાડોશી બનવાનું મન થાય. બીજું શું....? પણ શ્રી રામ જાણે, આવાં ફળદ્રુપ વિચાર આપણી સરકારને કેમ નથી આવતાં દાદુ....?

***