From the Earth to the Moon - 23 books and stories free download online pdf in Gujarati

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 23

પ્રકરણ ૨૩

પ્રક્ષેપણ કરવા માટેનું વાહન

કોલમ્બિયાડના બની જવા બાદ લોકોનો રસ હવે ગોળા ઉપર કેન્દ્રિત થઇ ગયો હતો અને એ વાહન પર પણ જેના પર બેસીને ત્રણ અદભુત સાહસિકો અવકાશમાં જવાના હતા.

નવી યોજનાઓ તેના ઝડપી અમલીકરણની વિનંતી સાથે એલ્બાનીની બ્રેડ્વીલ એન્ડ કંપનીને મોકલી આપવામાં આવી. છેવટે 2જી નવેમ્બરે ગોળાનું કાસ્ટિંગ થયું અને તેને ઇસ્ટર્ન રેલવે દ્વારા તરત જ સ્ટોન્સ હિલ્સ મોકલી દેવામાં આવ્યો જ્યાં તે એ મહિનાની 10મી તારીખે કોઇપણ તકલીફ વગર પહોંચી ગયો, જ્યાં માઈકલ આરડન, બાર્બીકેન અને નિકોલ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

ગોળામાં હવે ત્રણ ફૂટ જેટલું પાણી ભરી દેવામાં આવ્યું હતું જેની પાછળનો હેતુ લાકડાની ગોળાકાર તક્તીને ટેકો આપવાનો હતો અને આ તક્તી ગોળાની અંદરના હિસ્સામાં આરામથી ગોઠવી દેવામાં આવી હતી. અહીં એક તરાપો પણ બાંધવામાં આવ્યો હતો જ્યાં મુસાફરો પોતાની જગ્યા લેવાના હતા. પાણીને બે આડા લાકડાના વિભાગોમાં વહેંચી દેવામાં આવ્યું હતું જે ગોળો છોડતી વખતે લાગનારા ધક્કા દ્વારા તૂટી જવાના હતા. પાણીના વિભાગોના દરેક સ્તરે, નીચેથી ઉપર સુધી ગોળાના ઉપરના ભાગે જતી નળી બાંધવામાં આવી હતી જેમાં એક સ્પ્રિંગ હતી અને પછી તેના પર લાકડાની ધરી ગોઠવવામાં આવી હતી જેને અત્યંત શક્તિશાળી પ્લગથી જોડવામાં આવી હતી જે સૌથી નીચેના હિસ્સાને ન અડતા બાકીના વિભાગોમાંથી પસાર થતી હતી. એમાં શંકાને કોઈજ સ્થાન નથી કે પાણીના જતા રહેવા બાદ પણ મુસાફરોને જબરી ઉથલપાથલનો સામનો કરવાનો હતો, પરંતુ પહેલો ધક્કો આ પાણી દ્વારા લગભગ શોષી લેવામાં આવનાર હતો. ઉપરના ભાગની દિવાલોને ચામડાના જાડા થરથી બાંધી દેવામાં આવી હતી અને શ્રેષ્ઠ સ્ટિલની સ્પ્રિંગથી જોડવામાં આવી હતી જેને પાણી બહાર કાઢવાની ટ્યુબ સાથે જોડી દેવામાં આવી હતી; આમ પ્રથમ ઝાટકાની અસરને દૂર રાખવા માટે પૂરતી કાળજી લેવામાં આવી હતી અને તેમછતાં આ બધું નિષ્ફળ જાય તો માઈકલ આરડનના કહેવા અનુસાર તે અત્યંત ખરાબ સામગ્રીથી બન્યા હોવાનું માની લેવામાં આવે.

લોઢાના આ જબરદસ્ત બાંધકામના પ્રવેશદ્વાર શંકુ આકારનું હતું જેમાં એક સાંકડું બાકોરું હતું. આ બાકોરાને એલ્યુમિનિયમની પ્લેટથી વ્યવસ્થિતપણે બંધ કરવામાં આવ્યું હતું અને અંદરથી સ્ક્રુ દ્વારા ફીટ કરવામાં આવ્યું હતું જેથી મુસાફરો જ્યારે ચન્દ્ર પર પહોંચે ત્યારે તેઓ તેને ખોલીને આરામથી બહાર આવી શકે.

પ્રકાશ અને બહાર જોવા માટે એક જાડી મસૂરના દાણાના આકાર જેવી જાળી દિવાલ પર જ બે હિસ્સામાં વહેંચી દેવામાં આવી હતી જે નીચેથી ત્રીજી અને ઉપરથી ચોથી હતી. આ મસૂરના દાણા જેવી જાડી દિવાલ ઉપર જતી વખતે લાગનારા ઝાટકાને મજબૂત પોલાણ દ્વારા સહન કરી શકે તેવી હતી અને તેના સ્ક્રૂને અંદરથી ખોલીને બહાર જઈ શકાય તેમ હતું. ખૂબ દબાણ હેઠળ રાખવામાં આવેલા એક ખાનામાં જરૂરી સમાન અને પાણી હતા, તેમજ ગેસ હતો જેથી આગ અને પ્રકાશ મેળવી શકાય. તેમણે ફક્ત નળ ખોલવાનો હતો જેથી તેમના વાહન માટે છ કલાક જેટલો પ્રકાશ અને ગરમી આપી શકે તેટલો ગેસ મેળવી શકાય.

પ્રશ્ન માત્ર હવાનો હતો; જે બાર્બીકેન અને તેના બે સાથીદારો અને તેમની સાથે જનારા બે કુતરાઓ દ્વારા શ્વાસમાં લેવામાં આવનાર હતી, ગોળામાં હવાની અવરજવર થતી રહે તે જરૂરી હતું. હવે હવાના એકવીસ ભાગ ઓક્સિજનના હોય છે અને ઓગણએશી નાઇટ્રોજનના. ફેફસાં ઓક્સિજન લે છે જે જીવન માટે જરૂરી છે અને નાઈટ્રોજનને દૂર રાખે છે. વહી ગયેલી હવા પહેલા તત્વના માત્ર પાંચ ટકા ગુમાવે છે જ્યારે એટલીજ માત્રામાં કાર્બોનિક એસિડ મેળવે છે જે રક્તના દહનથી ઉત્પન્ન થયેલા તત્વોથી પેદા થાય છે. જ્યાં એર ટાઈટ પરિસ્થિતિ હોય છે ત્યાં થોડા સમય બાદ હવામાં ઓક્સિજનનું સ્થાન કાર્બોનિક એસીડ દ્વારા લેવામાં આવે છે – એક એવો ગેસ જે જીવલેણ હોય છે. તો પછી બે બાબતો કરવાની રહે છે – પહેલી શ્વાસમાં લેવાના ઓક્સિજનને બદલવામાં આવે; બીજું મૃત પામેલા કાર્બોનિક એસીડનો નાશ કરવામાં આવે; આ બંને પોટેશિયમ અને કોસ્ટિક પોટાશના ક્લોરેટ દ્વારા સરળતાથી થઇ શકે છે. પહેલું તત્વ એક મીઠું છે જે સફેદ ક્રિસ્ટલના સ્વરૂપમાં જોવા મળે છે; જ્યારે તેને ૪૦૦ ડિગ્રીના તાપમાને લઇ જવામાં આવે છે ત્યારે તે પોટેશિયમના ક્લોરલમાં પરિવર્તિત થાય છે અને તેમાં રહેલો ઓક્સિજન છૂટો પડે છે. હવે અઠ્યાવીસ પાઉન્ડ જેટલા પોટેશિયમનો ક્લોરેટ સાત પાઉન્ડ અથવાતો 2,400 લિટર જેટલો ઓક્સિજન પેદા કરે છે – આટલો જથ્થો મુસાફરો માટે ચોવીસ કલાક માટે પૂરતો હતો.

કોસ્ટિક પોટાશને કાર્બોનિક એસીડ માટે જબરી આત્મીયતા છે અને તે એસીડ પર નિયંત્રણ રાખવા અને પોટેશિયમના બાયોકાર્બોનેટને બનાવવા માટે તેને પૂરતા પ્રમાણમાં હલાવવો જરૂરી છે. આ બંને રીતે તેઓ ખરાબ હવાને શુદ્ધ કરીને જીવન સહાયક સાધન પોતાની પાસે રાખી શકશે.

આથી એ જરૂરી હતું કે અત્યારસુધીમાં કરવામાં આવેલા સંશોધનોમાં તેને ઉમેરી દેવામાં આવે. તેની કોઇપણ વૈજ્ઞાનિક ચોકસાઈ હોય તે માણસ સાથે સમય આવે કેવું વર્તન કરશે તે અકળ હતું. આ વસ્તુઓને તેમના સ્થાને મુકવાનું સન્માન ઉર્જાયુક્ત જે ટી મેટ્સને જાતેજ મેળવી લીધું.

“હવે જ્યારે હું નથી જઈ રહ્યો,” બહાદુર તોપચીએ કહ્યું, “મને ગોળામાં એક અઠવાડિયું વિતાવવા જેટલો સમય મળવો જોઈએ.”

તેને ના પાડવી મુશ્કેલ હતી આથી તેઓએ તેની ઈચ્છાને મંજૂરી આપી દીધી. મોટી માત્રામાં ક્લોરેટ પોટેશિયમ અને કોસ્ટિક પોટાશને તેને સોંપવામાં આવ્યા જે આઠ દિવસ સુધી ચાલી શકે તેટલા હતા. 12 નવેમ્બરે પોતાના મિત્રો સાથે હાથ મેળવીને અને તેમને 20મી પહેલા ગોળો ખોલવાની કડક મનાઈ ફરમાવીને સવારે છ વાગ્યે તે પેલી વ્યવસ્થિતપણે બંધ કરવામાં આવેલી પ્લેટને ખોલીને ગોળામાં ઉતર્યો. એ આખું અઠવાડિયું શું કરવાનો હતો? તેમને આ બાબતની કોઈજ માહિતી ન હતી. દિવાલોની જાડાઈ અંદરનો કોઈજ અવાજ બહાર લઇ જવા માટે સક્ષમ ન હતો. 20 નવેમ્બરે બરોબર સાંજે છ વાગ્યે પ્લેટ ખોલવામાં આવી. જે ટી મેટ્સનના તમામ મિત્રો આતુરતાથી ગોળાની બાજુમાં ઉભા હતા પરંતુ તેમને તુરંતજ અંદરથી જોરજોરથી આવતા હુર્રાના અવાજોએ શાંતિ બક્ષી.

ત્યારબાદ તુરંત ગન ક્લબના સેક્રેટરી શંકુ આકારની ટોચ પર વિજયી મુદ્રા સાથે ઉભા રહ્યા. એમનું શરીર સહેજ વધી ગયેલું લાગી રહ્યું હતું.

***