Dhadhidhari baba books and stories free download online pdf in Gujarati

દાઢીધારી બાબા

દાઢીધારી બાબા

યુનિવર્સિટિનો ભૌતિકશાસ્ત્ર વિભાગ અત્યંત હરિયાળુ કેમ્પસ ધરાવતો હતો. ઘણોબધો વિસ્તાર વૃક્ષોથી આચ્છાદિત હતો તો બાકીનો વિસ્તાર બગીચા અને ઘાસની લોને રોક્યો હતો. આ લીલી સ્વપ્નસૃષ્ટીની વચ્ચે ભૌતિકશાસ્ત્ર વિભાગનું એ સહેજ જૂની બાંધણીનું બિલ્ડીંગ અડીખમ ઉભું હતું. બગીચામાં અને લોનમાં ઘણાબધા બાંકડાઓ મુકેલા હતાં. આમ તો સામાન્ય માણસો ભૌતિકશાસ્ત્ર વિષયમાં આવવાનું ખાસ પસંદ કરતા નથી પણ આ જગ્યાનો જાદુ એવો હતો કે ત્યાં આસપાસમાં રહેતાં માણસો ભૌતિકશાસ્ત્ર વિભાગમાં આવવાનું જરૂર પસંદ કરતાં. ત્યાં બાંકડે બેસનારને શ્વાસ દ્વારા ફેફસામાં અનહદ આનંદ ભરાવાની ગેરંટી હતી. ફિઝીક્સના વિદ્યાર્થીઓ માટે તો આવું કેમ્પસ સ્વર્ગ સમાન હતું. ઘણા વિદ્યાર્થીઓ ત્યાં બાંકડે બેસી ચેસ રમતા તો ઘણા રૂબીક ક્યુબ સોલ્વ કરતાં જોવા મળતાં. અહીં વિજ્ઞાન અને પ્રકૃતિ વચ્ચે અદ્ભૂત તાદાત્મ્ય સધાયું હતું.

પી.એચ.ડી.ના એ દિવસો હતાં. હું મેથેમેટીકલ ફિઝીક્સ એટલે કે ગાણિતીક ભૌતિકવિજ્ઞાનમાં પી.એચ.ડી. કરી રહ્યો હતો. મારી થિસીસનો વિષય હતો, “How to travel in time through wormhole and how to contact other Universes”. રોજબરોજનું કામ ખૂબ માથાકુટીયું રહેતું. આખા દિવસમાં તસુભાર પણ સમય મળતો નહી. જનરલ રિલેટિવિટિ અને ક્વોન્ટમ ફિઝીક્સના સમીકરણો મગજને ૩૬૦° એ રોજ ૩૬૦ વખત ફેરવી દેતાં. એ ફરેલા મગજને સીધું કરવા ભૌતિકશાસ્ત્ર વિભાગની બરાબર પાછળ આવેલી કિટલીની ચા અને દાળવડા જરૂરી બની જતાં.

અન્ય બ્રહ્માંડો અસ્તિત્વ ધરાવે છે કે કેમ એ વિશે ઘણીવાર મિત્રો વચ્ચે તાર્કિક ચર્ચાઓ જામતી. ક્વોન્ટમ ગ્રેવીટી અને મલ્ટીવર્સ પરની મારી ધારદાર દલીલો સામે મિત્રવર્ગ ટકી શકતો નહી. મને અંદરખાને મારી મહેનત અને મગજ ઉપર ગર્વ થતો હતો.

“યાર. એક અઠવાડીયા પછી પરીક્ષાઓ ચાલુ થાય છે. કંઇક ટીપ્સ તો આપ. તું તો યાર સાહેબોનો લાડકવાયો છે. ભગવાને તને તો રામાનુજન અને આઇનસ્ટાઇન પાસે હતું એવું મગજ આપ્યું છે. અમારૂં મગજ તારા જેટલું નથી ચાલતું. પરીક્ષામાં પાસ કરાવી દે. તને મોટી પાર્ટી આપીશ.” ખાસ મિત્ર નિકુંજ પરીક્ષાના ટેન્શનમાં બોલ્યો.

“અરે, એવું કંઇ નથી યાર. મારૂં મગજ તમારા જેવું જ છે.” હું મનમાં હરખાતા બોલ્યો.

“ખરેખર યાર, તું બ્લેક હોલ અને વર્મ હોલનાં સમીકરણો જે રીતે સોલ્વ કરે છે એ જોઇને મને તો લાગે છે કે તારા મગજમાં જ ભગવાને એકાદ બ્લેક હોલ કે વર્મ હોલ મુક્યો છે.” નિકુંજ માખણ લગાવતા બોલ્યો.

જવાબમાં હું હસી પડ્યો.

“સિરિઅસલી યાર. જો ક્યારેક હું થોડો સક્ષમ થઇશ તો તારા પર એક પુસ્તક જરૂર લખીશ.” નિકુંજે મિત્રભાવમાં થોડા લાગણીશીલ થતાં કહ્યું.

“ઓહ, થેંક્સ યાર...” મેં કહ્યું.

“યાર. જોરદાર મગજ હોવાની સાથે સાથે તું ફિઝીક્સમાં મહેનત પણ જોરદાર કરે છે. કોલેજમાં તારા જેટલી મહેનત ભાગ્યે જ કોઇ કરતું હશે. હું પુછી શકું કે આટલી બધી મહેનતનું કારણ શું? આખરે તું કરવા શું માંગે છે?” નિકુંજે જરા અહોભાવથી પુછ્યું.

“યાર, મારે ફેમસ થવું છે. જોરદાર ફેમસ... હું એવું કામ કરવા માંગુ છું કે હજારો લોકો મારા કાર્ય માટે ઉભા થઇને તાળીઓ પાડે. આ ઉપરાંત ખાસ તો મારે આ બ્રહ્માંડ વિશે બધું જ જાણવું છે. મારે એ જાણવું છે કે બીજા પરિમાણ અને બીજા બ્રહ્માંડ અસ્તિત્વ ધરાવે છે કે નહી. મારે એ જાણવું છે કે ઇશ્વરનો આ બ્રહ્માંડ બનાવવા પાછળનો ઉદ્દેશ્ય શું છે? એક જિંદગીમાં આ બધું જાણવાનું છે, એટલે હું બહુ મહેનત કરૂં છું.” મેં જરાક વિચારીને જવાબ આપ્યો. અંતર્મુખી સ્વભાવ હોવાના નાતે મેં ક્યારેય આ વાતો કોઇને કરી ન હતી, પણ આજે નિકુંજ સામે મનની વાતો બહાર આવી ગઇ.

“બે, તુ તો જોરદાર છે યાર!!” નિકુંજ હાથની આંગળીઓ અને હથેળીથી કપ જેવો આકાર બનાવી, હોઠ સહેજ બહાર કાઢી આશ્ચર્યના ચિત્ર વિચિત્ર હાવભાવ સાથે બોલ્યો.

સમય દોડતો રહ્યો. એ પરીક્ષાઓ પતી ગઇ. પરિક્ષામાં મેં જે પ્રોજેક્ટ રજૂ કરેલો એ પ્રોફેસર્સને ખુબ ગમ્યો. નેશનલ લેવલ પર ‘possibilities of communication with other universes’ એવું ટાઇટલ ધરાવતા મારા એ પ્રોજેક્ટને ઘણી પ્રસિદ્ધી મળી. પ્રોફેસર્સની પ્રેરણાથી મેં એના પરથી રિસર્ચ પેપર લખ્યું અને અમેરિકાના પ્રતિષ્ઠિત રિસર્ચ મેગેઝીન ફિઝીકલ રિવ્યુ લેટર્સને મોકલાવ્યું. ફીઝીકલ રિવ્યુ લેટર્સે એને પ્રકાશિત કર્યું. ત્યારથી મારી ખ્યાતિમાં ખાસ્સો વધારો થયો. એ રિસર્ચ પેપરને પાંચ ભાગમાં વહેંચી એનું વર્ણન કરતાં પાંચ વિડીયો લેક્ચર્સ મેં બનાવેલા. વિડીયો લેક્ચર્સ શુટ કરવાનો મારો આઇડીયા હીટ ગયો. પ્રોજેક્ટના સબ્જેક્ટમાં મને હાઇએસ્ટ માર્ક્સ મળ્યાં. બાદમાં મેં એ વિડીયો યુ ટ્યુબ પર પણ અપલોડ કર્યાં, ત્યાં પણ એને સારો આવકાર મળ્યો.

“બે. તારો તો વટ પડી ગયો યાર! હવે તો તું જેની ભલામણ કરીશ એને પ્રોફેસર પાસ કરી દેશે. અમને ધ્યાનમાં રાખજે યાર..” નિકુંજ એની હડપચી પર હાથ ફેરવતા બોલ્યો. નિકુંજ જરા ભોળીયો હતો પણ એના સિવાયના ઘણાબધા મિત્રોને મારી ઇર્ષ્યા થતી, જોકે હું એ બધાથી બેખબર બેઅસર મારા કામમાં જ રચ્યો પચ્યો રહેતો.

વસંત ઋતુની સુંદર સવાર હતી. મારા વિડીયો લેક્ચરથી પ્રેરણા લઇ પી.એચ.ડી.ના પાંચેક મિત્રોએ પણ વિડીયો બનાવવાનું નક્કી કરેલું. એ દિવસે કેમ્પસમાં બહાર ખુલ્લા વાતાવરણમાં એ પાંચ મિત્રો સ્ટ્રીંગ થિયરી પર ચર્ચા કરી રહ્યાં હતાં. એ ગ્રુપનો છઠ્ઠો સભ્ય નિકુંજ એના હેન્ડી કેમમાં એમની ગહન ચર્ચાનું વિડિયો શુટીંગ કરી રહ્યો હતો. હું સહેજ અંતર્મુખી હતો એટલે હું એમનાથી સહેજ દૂર એક બાંકડે બેઠો બેઠો લેપટોપ પર મલ્ટીવર્સનું સ્ટિમ્યુલેશન બનાવી રહ્યો હતો. એવામાં કોઇનો અવાજ આવ્યો.

“શું તમારામાંથી કોઇ હાઇડ્રોજનના પરમાણુ મોડેલનું ગાણિતિક સમીકરણ સમજાવી શકશે?” અચાનક આ શબ્દો સાંભળી મારા કાન સરવા થયાં. મેં લેપટોપ બંધ કરી ઉપર જોયું તો પચાસેક વર્ષની ઉંમરનો સહેજ ગાંડા જેવો લાગતો એક દાઢીધારી વ્યક્તિ પેલા પાંચ મિત્રો સામે આવીને આ પ્રશ્ન પુછી રહ્યો હતો. પેલાં પાંચે એની બકવાસ તરફ સહેજ પણ ધ્યાન આપ્યું નહી. ત્યાં એની નજર મારા પર પડી. હું સહેજ દૂર બેઠો હતો છતાં એની અને મારી નજરો સીધી રેખામાં મળી ગઇ. મેં એની સામેથી નજરો હટાવી લીધી અને નીચું જોઇ ગયો. અંતર્મુખી પ્રતિભા હોવાના નાતે નજરો ચોરવાની આ માનસિક વૃત્તિ સહજ હતી. પણ પેલો એટલી આસાનીથી પીછો છોડે એમ ન હતો. એ મારી સામે જ આવીને ઉભો રહી ગયો. મેં સહેજ ઉપર જોયું અને આત્મવિશ્વાસનો ભારોભાર અભાવ હોય એવું આછું સ્મિત આપ્યું. થોડીક સેકન્ડ એ મારી આંખોમાં જોઇ રહ્યો, જાણે મને હિપ્નોટાઇઝ કરવાનો હોય!

“તને ખબર છે, પરમાણુ મોડેલને બધા પરિમાણોમાં બખુબી સમજાવી શકે એવા કેટલાં મેથેમેટીકલ મોડેલ્સ આપણી પાસે ઉપલબ્ધ છે? તેં ક્યારેય સ્ટ્રોંગ ફોર્સને ગાણિતિક રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે ખરો? એમાં ગામા ફંકશન કઇ રીતે ઉપયોગી થઇ શકે એ તને ખબર છે?” પેલો માણસ મારી આંખોમાં જોઇને બોલ્યો. હું એની નજરોથી અકળાયો. મેં આંખો નીચી કરી દીધી. એના પ્રશ્નોના જવાબ આપવાની પણ મેં તસ્દી લીધી નહી. દસેક સેકન્ડ ઉભો રહ્યા પછી એ ત્યાંથી ચાલી નિકળ્યો. થોડીવાર માટે અટકેલો મારો શ્વાસ ફરી પાછો પૂર્વવત થયો.

રોજીંદા સંશોધનોમાં પંદરેક દિવસ વીતી ગયાં. એ દિવસે પેલા દાઢીધારી બાબા પાછા પ્રગટ થયાં. હું પેલા બાંકડે જ બેઠો હતો. આજે એ બાબાએ દૂર ઉભેલા બે વિદ્યાર્થીઓને નિશાન બનાવ્યાં અને પોતાનું ગરૂડ પુરાણ શરૂ કર્યું.

“તમને ખબર છે કે પ્રકાશના કણ ફોટોન કણ અને તરંગ એમ બંને સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે? હું ગાણિતિક રીતે કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરી શકું એમ છું.”

ગાંડા જેવા લાગતાં આ માણસ સાથે કોણ લમણા લેય!! પેલાં બે વિદ્યાર્થીઓએ એની સામે ધ્યાન જ આપ્યું નહી. એ લોકો તરફથી ધ્યાન હટાવી એણે દૂરથી જ મારી સામે જોયું. ખબર નહી કેમ પણ મારા શરીરમાંથી ભયનું લખલખું પસાર થઇ ગયું. મારી સામે જોતાં જોતાં એ ત્યાંથી બારોબાર જ રવાના થઇ ગયો. હાથરૂમાલથી મેં કપાળ પરનો પરસેવો લુછ્યો.

થોડી વાર પછી પેલાં બે વિદ્યાર્થીઓ અને આજુબાજુ ઉભેલાં અન્ય વિદ્યાર્થીઓ કોઇક વાતે મોટે મોટેથી હસવા લાગ્યા. મારા મનમાં તો પેલાના જ વિચારો ચાલતાં હતાં. એટલે મારી માન્યતા મુજબ એ લોકો એના પેલા 'વ્યર્થ' (!!!??) પ્રશ્નો પર જ હસ્યાં હશે. એટલે હું દેશમાં વિજ્ઞાનની દશા વિશે વિચારે ચડ્યો. વિજ્ઞાનમાં અનુસ્નાતક હોય એમાંના ૯૫% થી પણ વધારે વિદ્યાર્થીઓ ખરેખર વિજ્ઞાનમાં રસ ધરાવતાં જ નથી. તેઓ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ હોય છે પરંતુ ક્યારેય વિજ્ઞાનના માણસો બની શકતાં નથી. અહીં લોકો વિજ્ઞાનને એક સારા કેરીયર ઓપ્શન તરીકે જુએ છે, પણ વિજ્ઞાન તો એક સારો લાઇફ ઓપ્શન છે. એક દ્રષ્ટીકોણ છે જે ઉચ્ચ અને અદભુત વિચારધારા સાથે આપણા સંસારને, આપણા બ્રહ્માંડને જુએ છે. હવે, આવામાં વિજ્ઞાન પરત્વે અહોભાવ જ ન કેળવાયો હોય ત્યાં પેલાં વિદ્યાર્થીઓનું હાસ્ય વાજબી હતું.

દર દસ-પંદર દિવસના અંતરાલે એ બાબા દેખા દેતાં. ઘણા વિદ્યાર્થીઓને નિશાન બનાવતાં, પણ એમાંથી કોઇ કહેતાં કોઇ એની સામે ધ્યાન આપતું નહી. એક જ માણસ એની સામે સતત ધ્યાન આપતો, અને એ હતો હું.. ધીરે ધીરે એણે મારી સાથે વાતો કરવાની શરૂ કરી. શરૂઆતમાં હું એની સાથે વાત કરતાં અચકાતો અને અકળાતો, પણ ધીરે ધીરે મને એની વાતોમાં રસ પડવા લાગ્યો. હવે તો અમે બંને સરસ રીતે વાતો કરતા થઇ ગયાં. એ પેલા બાંકડા પર મારી બાજુમાં આવીને બેસી જતો. પછી ઘણીવાર ભૌતિકવિજ્ઞાન પર ચર્ચાઓ જામતી. એણે કહ્યું એટલે ખબર પડી કે એ પણ ભૌતિકવિજ્ઞાનમાં પી.એચ.ડી. થયેલો હતો. મને નવાઇ લાગી.

“તો પછી આના મગજમાં શું શોર્ટ સરકીટ થઇ કે એનો ફ્યુઝ ઉડી ગયો?” મેં વિચાર્યું.

એકવાર સવાર સવારમાં હું એ જ બાંકડા પર બેઠો હતો. એટલામાં એ દાઢીધારી આવ્યો.

“પ્રકૃતિના રહસ્યો અને માનવ જીવન વિશે વિચારી રહ્યો છે?” એણે પુછ્યું.

“હા. પણ તમને કઇ રીતે ખબર પડી?” મેં જરા નવાઇ પામતા પુછ્યું,.

“ભૌતિકવિજ્ઞાનનો માણસ આટલા ગહન ચિંતનમાં ડુબેલો હોય ત્યારે એક જ પ્રકારના વિચારો કરતો હોય. હું પણ ઘણીવાર આવા જ વિચારો કરતો હતો. એમાં તો મારા મગજની ડાગળી ચસકી ગઇ.” એ જરાક ગાંડા જેવું હસતા બોલ્યો.

“ઓકે. તો મારે તમને અમુક પ્રશ્નો પુછવા છે. મને ઘણા સમયથી પ્રશ્ન થાય છે કે શું ભૌતિકશાસ્ત્ર કે ગણિતશાસ્ત્રનો અભ્યાસ તમારી જેમજ વ્યક્તિના મગજને ચકરાવે ચડાવીને પાગલ નથી બનાવી દેતો? શું આ હેવીવેઇટ સમીકરણો આપણી સુંદર અને માણવાલાયક સામાન્ય જિંદગી ને છીનવી નથી લેતાં?" મારા સ્વભાવ, મારા મગજ, મારા કાર્ય અને મારા વિચારો એ તમામથી વિપરિત પ્રશ્ન મેં પુછી લીધો. કદાચ મારા અર્ધજાગ્રત મનમાં અંદર અંદર ક્યાંક એ પ્રશ્ન છુપાઇ રહ્યો હતો.

દાઢીધારી બાબા મારી સામે જોઇ જોર જોરથી હસવા લાગ્યા. ખોટો પ્રશ્ન પુછી લીધો હોવાના અપરાધભાવ સાથે હું સહેજ નીચું જોવા લાગ્યો. થોડીવાર હસ્યા પછી એ અચાનક સિરિઅસ થઇ ગયાં અને મારી આંખોમાં જોઇ બોલ્યાં,

"તું એમ કહે છે કે સમીકરણો આપણી સુંદર અને માણવાલાયક સામાન્ય જિંદગીને છીનવી લે છે, પણ આખરે આ સામાન્ય જિંદગી શું છે? અસ્તિત્વના મહાનતમ પ્રશ્નોની સાપેક્ષ તો આપણી જિંદગી નર્યો ટાઇમપાસ જ છે ને! આખરે આપણી જિંદગી માં આપણે બ્રહ્માંડના ઉચ્ચતમ પ્રશ્નો, અસ્તિત્વના ઉચ્ચતમ પ્રશ્નોની સાપેક્ષ શું કરીએ છીએ? માત્ર ટાઇમપાસ જ ને! શું અસ્તિત્વના આ મહાનતમ રંગમંચ પર આપણે આપણા જીવનનો ઉદ્દેશ્ય જાણીએ છીએ? જાણવા માટે કંઇ પ્રયત્ન કરીએ છીએ ખરા? શું આપણે આપણા બ્રહ્માંડના અસ્તિત્વનો ઉદ્દેશ્ય જાણીએ છીએ? શું આપણે જીવમાત્રના અસ્તિત્વનો ઉદ્દેશ્ય જાણીએ છીએ?" એકાદ મિનિટ માટે એ અટક્યાં.

"આપણાં આ વિશાળ બ્રહ્માંડમાં ૧૦૦ અબજથી પણ વધારે આકાશગંગાઓ આવેલી છે. એમાંની દરેક આકાશગંગામાં ૧૦૦ અબજથી પણ વધુ તારાઓ આવેલાં છે. આપણો સુર્ય તો આ વિશાળ જથ્થાનો એક નાનકડો કણ માત્ર છે અને આપણે એ સુર્યની ફરતે પરિક્રમા કરતાં ૮ ગ્રહો પૈકીના એક નાનકડાં ગ્રહ પૃથ્વી પરનાં ૬.૫ અબજ લોકોમાંના એક તુચ્છ, પામર મનુષ્ય છીએ. પ્રકૃતિના આ વિશાળ કેન્વસ પર આપણું અસ્તિત્વ લગભગ કંઇજ નથી. હવે વિચારો, આવી વિરાટતમ સંરચનાઓ વચ્ચે આપણાં રોજબરોજના પ્રશ્નો, સમસ્યાઓ મોટાં લાગે છે ખરાં? લાગે છે કે આપણો કોઇપણ પ્રશ્ન આ બધાની સાપેક્ષ મોટો પ્રશ્ન હોય? અસ્તિત્વને બિલકુલ સમજ્યા વગર, સમજવાનો પ્રયત્ન કર્યા વગર બાઘાની જેમ જિંદગી જીવવી એ વિચિત્ર નથી લાગતું? ભૌતિકશાસ્ત્ર અને ગણિતશાસ્ત્ર આ બે જ તો સૌથી વધારે તાર્કિક રસ્તાઓ છે વાસ્તવિકતાને સમજવાના, કુદરતના-પ્રકૃતિના સિધ્ધાંતો શોધવાના. દરેક થિયરીમાં માત્ર અને માત્ર કુદરતનાંજ દર્શન થાય એવું કંઇક. તો શું આ બધું ખરેખર વ્યર્થ (!!!??) છે? શું ભૌતિકશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રનાં માણસો બીજાં કરતાં જરાક અમથા વધુ સન્માનના હકદાર નથી? શું આ રસ્તો ખરેખર જિંદગી નો બગાડ છે?" બાબા એકીશ્વાસે ગંભીર અવાજે બોલી ગયાં.

“ઓહ.. જોરદાર.. તમે..તમે જોરદાર વિચારો છો.. મેં આવું બધું વિચાર્યું જ નહોતું..” હું જરા ઝંખવાણો પડી ગયો.

“કેમ, કેમ આવું વિચાર્યું ન હતું??? તેં નહોતું વિચાર્યું તો આ બધું કોણે વિચાર્યું?? આ બધું કોનાં મગજમાંથી આવ્યું??” બાબાએ લાલચોળ આંખ મારી આંખોમાં પરોવી ભારોભાર ગુસ્સા સાથે કહ્યું..

“અ...એ..એટલે!!! હ..હું ક..કંઇ સમજ્યો નહી...” હું અંદરથી સખત ગભરાઇ ગયો હતો. મને એની વાતમાં કંઇ ખબર પડી નહી. મારો અવાજ પણ તોતડાવા લાગ્યો.

“હા. તું સાચું સમજ્યો. આ બધા મારા નહી તારા જ વિચારો છે. મને જોઇને સમજી જા. સમીકરણોમાં આટલો બધો ડુબી ના જઇશ. હું તારું જ ભવિષ્ય છું. કેમ, વર્મ હોલ પર તો તું જ રિસર્ચ કરે છે ને!! તારું ભવિષ્ય તને મળવા ન આવી શકે?? હું તારા જ મગજમાંથી આવ્યો છું. જિંદગી ના મૂલ્યોને મહત્વ આપ, વ્યક્તિઓને મહત્વ આપ. બોલ આ કોલેજમાં તારા મિત્રો કેટલા? છે એકેય ખાસ મિત્ર?? તારા ફેમિલીને તે મહત્વ આપ્યું?? અને બધાયને સમય આપ્યા પછી પણ જો આવા પ્રશ્નો વધારે સતાવે તો મેડીટેશન કર. નહીંતર આ જોઇ લે.. આ છે તારું ભવિષ્ય..” બે હાથ પહોળા કરીને એ બાબા ગંભીર મુખમુદ્રા સાથે મારી સામે જોઇને ઉભા રહ્યાં. હું સખત ગભરાઇ ગયો. એ બાબો મારી સાથે મોટી મશ્કરી કરી રહ્યો હોય એવું મને લાગ્યું. હું એનાથી દૂર ભાગવા લાગ્યો. પાછું વળીને જોયા વગર મેં મુઠ્ઠીઓ વાળી દોટ મુકી.

“તારા મગજમાં જ એક વર્મ હોલ છે. હું તારું જ ભવિષ્ય છું જે એ વર્મ હોલ દ્વારા બીજા પરિમાણમાંથી તારી જોડે આવ્યું છે. મારાથી ગભરાઇ ગયો?? કે તારા પોતાનાથી ગભરાઇ ગયો? કે પછી મગજ ફરી જવાની બીક લાગી ગઇ??” દોડતા દોડતા પાછળથી એના અટ્ટહાસ્ય સહિતની આ બધી બકવાસ મારા કાને પડી, પણ હું પાછળ નજર કર્યાં સિવાય દોડતો જ રહ્યો.

હાંફતો હાંફતો હું સીધો જ નિકુંજ પાસે ગયો.

“નિકુંજ.. નિકુંજ.. જલ્દી મને કહે.. પેલો દાઢીવાળો બાબો આવતો હતો ને!! બધાને ભૌતિકવિજ્ઞાન વિશે પ્રશ્નો પુછ પુછ કરતો હતો.. એને તું ઓળખે છે??” દોડવાથી શ્વાસ ચડ્યો હોવા છતાં હું એકીશ્વાસે બોલી ગયો.

“કયો દાઢીવાળો બાબો, લ્યા??” નિકુંજ જરા આશ્ચર્યથી બોલ્યો.

મને ચક્કર આવવા લાગ્યા.. છતાં હિંમત રાખી મેં નિકુંજને યાદ દેવડાવવા પ્રયત્ન કર્યો.

“અરે યાર. પેલો દાઢીવાળો બાબો. પેલા દિવસે તું તારા ગ્રુપની સ્ટ્રીંગ થિયરી પરની ચર્ચાનું શુટીંગ કરતો હતો એ વખતે આવેલો ને, એ બાબો...” મેં રઘવાટથી ભરેલા અવાજે કહ્યું.

“અલ્યા, એ દિવસે તો ત્યાં એવું કોઇ નહોતું આવ્યું.. જો, આ મારો હેન્ડીકેમ મારી સાથે જ છે. એમાં જ જોઇ લે એ દિવસનું રેકોર્ડીંગ.” એમ કહીને નિકુંજે એ દિવસનું રેકોર્ડીંગ બતાવ્યું. એ આખા રેકોર્ડિંગમાં ક્યાંય એ બાબા રેકોર્ડ થયા ન હતાં. મારા પગ તળેથી જમીન સરકવા લાગી. નિકુંજે મને ખભાથી પકડ્યો, “શું થયું લા, તબિયત ખરાબ છે?”