Dhadhidhari baba - 2 books and stories free download online pdf in Gujarati

દાઢીધારી બાબા - 2

“ઓહ.. જોરદાર.. તમે..તમે જોરદાર વિચારો છો.. મેં આવું બધું વિચાર્યું જ નહોતું..” હું જરા ઝંખવાણો પડી ગયો.

“કેમ, કેમ આવું વિચાર્યું ન હતું??? તેં નહોતું વિચાર્યું તો આ બધું કોણે વિચાર્યું?? આ બધું કોનાં મગજમાંથી આવ્યું??” બાબાએ લાલચોળ આંખ મારી આંખોમાં પરોવી ભારોભાર ગુસ્સા સાથે કહ્યું..

“અ...એ..એટલે!!! હ..હું ક..કંઇ સમજ્યો નહી...” હું અંદરથી સખત ગભરાઇ ગયો હતો. મને એની વાતમાં કંઇ ખબર પડી નહી. મારો અવાજ પણ તોતડાવા લાગ્યો.

“હા. તું સાચું સમજ્યો. આ બધા મારા નહી તારા જ વિચારો છે. મને જોઇને સમજી જા. સમીકરણોમાં આટલો બધો ડુબી ના જઇશ. હું તારું જ ભવિષ્ય છું. કેમ, વર્મ હોલ પર તો તું જ રિસર્ચ કરે છે ને!! તારું ભવિષ્ય તને મળવા ન આવી શકે?? હું તારા જ મગજમાંથી આવ્યો છું. જિંદગી ના મૂલ્યોને મહત્વ આપ, વ્યક્તિઓને મહત્વ આપ. બોલ આ કોલેજમાં તારા મિત્રો કેટલા? છે એકેય ખાસ મિત્ર?? તારા ફેમિલીને તે મહત્વ આપ્યું?? અને બધાયને સમય આપ્યા પછી પણ જો આવા પ્રશ્નો વધારે સતાવે તો મેડીટેશન કર. નહીંતર આ જોઇ લે.. આ છે તારું ભવિષ્ય..” બે હાથ પહોળા કરીને એ બાબા ગંભીર મુખમુદ્રા સાથે મારી સામે જોઇને ઉભા રહ્યાં. હું સખત ગભરાઇ ગયો. એ બાબો મારી સાથે મોટી મશ્કરી કરી રહ્યો હોય એવું મને લાગ્યું. હું એનાથી દૂર ભાગવા લાગ્યો. પાછું વળીને જોયા વગર મેં મુઠ્ઠીઓ વાળી દોટ મુકી.

“તારા મગજમાં જ એક વર્મ હોલ છે. હું તારું જ ભવિષ્ય છું જે એ વર્મ હોલ દ્વારા બીજા પરિમાણમાંથી તારી જોડે આવ્યું છે. મારાથી ગભરાઇ ગયો?? કે તારા પોતાનાથી ગભરાઇ ગયો? કે પછી મગજ ફરી જવાની બીક લાગી ગઇ??” દોડતા દોડતા પાછળથી એના અટ્ટહાસ્ય સહિતની આ બધી બકવાસ મારા કાને પડી, પણ હું પાછળ નજર કર્યાં સિવાય દોડતો જ રહ્યો.

હાંફતો હાંફતો હું સીધો જ નિકુંજ પાસે ગયો.

“નિકુંજ.. નિકુંજ.. જલ્દી મને કહે.. પેલો દાઢીવાળો બાબો આવતો હતો ને!! બધાને ભૌતિકવિજ્ઞાન વિશે પ્રશ્નો પુછ પુછ કરતો હતો.. એને તું ઓળખે છે??” દોડવાથી શ્વાસ ચડ્યો હોવા છતાં હું એકીશ્વાસે બોલી ગયો.

“કયો દાઢીવાળો બાબો, લ્યા??” નિકુંજ જરા આશ્ચર્યથી બોલ્યો.

મને ચક્કર આવવા લાગ્યા.. છતાં હિંમત રાખી મેં નિકુંજને યાદ દેવડાવવા પ્રયત્ન કર્યો.

“અરે યાર. પેલો દાઢીવાળો બાબો. પેલા દિવસે તું તારા ગ્રુપની સ્ટ્રીંગ થિયરી પરની ચર્ચાનું શુટીંગ કરતો હતો એ વખતે આવેલો ને, એ બાબો...” મેં રઘવાટથી ભરેલા અવાજે કહ્યું.

“અલ્યા, એ દિવસે તો ત્યાં એવું કોઇ નહોતું આવ્યું.. જો, આ મારો હેન્ડીકેમ મારી સાથે જ છે. એમાં જ જોઇ લે એ દિવસનું રેકોર્ડીંગ.” એમ કહીને નિકુંજે એ દિવસનું રેકોર્ડીંગ બતાવ્યું. એ આખા રેકોર્ડિંગમાં ક્યાંય એ બાબા રેકોર્ડ થયા ન હતાં. મારા પગ તળેથી જમીન સરકવા લાગી. નિકુંજે મને ખભાથી પકડ્યો, “શું થયું લા, તબિયત ખરાબ છે?”

“નિકુંજ.. પેલો આપણને પ્રશ્ન નહોતો પુછતો?? હાઇડ્રોજનના પરમાણુ મોડેલના ગાણિતિક સમીકરણ વિશે, સ્ટ્રોંગ ફોર્સ અને ગામા ફંકશન વિશે, પ્રકાશના કણ ફોટોનની કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ વિશે..... અને એવા બધાં પ્રશ્નો....” હું બોલતા બોલતા રડમસ થઇ ગયો. મારી આંખોનાં ખૂણા પર ખારા સ્વાદના અશ્રુ બિંદુઓ તગતગી રહ્યાં હતાં.

“અરે, યાર. તું તો બહુ સિરિઅસ લાગે છે. શું થયું દોસ્ત??” નિકુંજે બંને ખભેથી મને પકડતા પુછ્યું.

“પહેલાં એ કહે કે આ બધા પ્રશ્નો તે સાંભળ્યા છે કે નહી?” હું બોલતા બોલતા લગભગ રડી પડ્યો.

“યાર.. એક્ઝેટલી આ બધા પ્રશ્નો તો તું જ અમને પુછતો હતો. પણ અમે બધા ક્યારેય એનો જવાબ આપી શક્યા નહી.” નિકુંજે મને સહારો આપતા કહ્યું.

આટલું સાંભળતાજ મને જોરદાર ચક્કર આવ્યાં. હું જમીન પર ફસડાઇ પડ્યો. નિકુંજે મને પકડ્યો. ત્યાં હાજર બીજા મિત્રો પણ આવી ગયાં. મારૂં ભાન જતું રહ્યું. મને કોલેજની ગાડીમાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યો.

*********

હોસ્પિટલના બિછાને પડ્યો પડ્યો હું બારીની બહાર જોઇ રહ્યો હતો. બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. મગજની ટ્રીટમેન્ટ શરૂ થયાને આજે ત્રણ વર્ષ વીતી ગયાં હતાં. મારી સાથેના બધા મિત્રો પી.એચ.ડી. પુરૂ કરીને સારી જગ્યાએ સેટલ થઇ ગયાં હતાં. મારા મગજની બિમારીએ મને કંઇ કરવા દીધું નહી. અહીં દાખલ થયો એ દિવસથી મારું મગજ વારંવાર ભાન ભુલી જતું. છેલ્લા ત્રણ વર્ષમાં મને વારંવાર મગજની હોસ્પિટલમાં દાખલ કરવો પડતો. આ ત્રણ વર્ષમાં હું અડધો વખત ઘરમાં અને અડધો વખત હોસ્પિટલમાં રહ્યો હતો. મને ન દેખાવાનું ઘણુંબધું દેખાઇ જતું. ખબર નહી એ કોઇ પાંચમા પરિમાણમાંથી આવતું હતું કે મારૂં મગજ ફરી ગયું હતું. હા, પેલા દાઢીધારી બાબા ત્રણ વર્ષમાં એકપણ વાર દેખાયા ન હતાં. હવે હું આ બધાં સાથે ટેવાઇ ગયો હતો પણ તોય વાસ્તવિકતા પર મારો પહેલા જેવો કાબુ રહ્યો ન હતો. આ વખતે હું અઠવાડિયાથી અહીં દાખલ હતો. આ વખતે મારા મગજના સિગ્નલ્સ હાથ પગ સુધી બરાબર પહોંચતા ન હતાં એટલે હાથ પગનું હલનચલન સહેજ મંદ પડી ગયું હતું, એવું ડોક્ટર્સનું માનવું હતું. પથારીમાં સુતા સુતા હું બારી સામે જ જોઇ રહ્યો હતો. બારીમાંથી વરસતા વરસાદ પર મારૂં ધ્યાન સતત ચોંટી રહ્યું હતું. ત્યાંજ મારા એ સ્પેશિયલ રૂમમાં દરવાજા પર ટકોરા મારી કોઇ દાખલ થયું. મેં વરસાદ પરથી ધ્યાન હટાવ્યું અને એના તરફ જોયું. હાથમાં ફૂલોના ગુલદસ્તા સાથે ત્યાં નિકુંજ ઉભો હતો.

“સુટ-બુટમાં જામે છે, નિકુંજ. ઘણા લાંબા સમયે આવ્યો. બે વર્ષ થઇ ગયા હશે, નહી!” મેં ધીમા અવાજે શાંતિથી નિકુંજને પુછ્યું.

“હા યાર, યુનિવર્સિટિ ઓફ ટેક્સાસમાં કામ કરવાની મઝા આવે છે. ભૌતિકવિજ્ઞાનના ક્ષેત્રમાં ખાસ્સી તરક્કી કરી લીધી. અમેરિકા હવે સદી ગયું છે. કાલે રાતે જ ઘરે આવ્યો. બાય ધ વે, કાલે મારા નવા પુસ્તકનું લોન્ચીંગ છે અને એમાં તારે ખાસ હાજરી આપવાની છે. તું એમાં મુખ્ય મહેમાન છે. કારણ કે.....” નિકુંજે વાક્ય અધુરૂં છોડી મારી સામે જોયું.

“કારણ કે.. શું?” મેં નિકુંજને પુછ્યું.

“કારણ તો તને ખબર જ છે. મેં તને પ્રોમિસ આપ્યું હતું એમ એ પુસ્તક મેં તારા જીવન ઉપર લખ્યું છે. એ પુસ્તકમાં તું મારો મુખ્ય હીરો છે..” નિકુંજે ખુશી ખુશી મારો હાથ એના હાથમાં લઇને કહ્યું. જવાબમાં મેં આછું સ્માઇલ આપ્યું અને હકારમાં માથું ધુણાવ્યું.

બીજા દિવસે સવારે મોટા હોલમાં પુસ્તકનો ઉદ્ઘાટન સમારંભ રાખ્યો હતો. મારી માનસિક સ્થિતિ હજી સારી ન હતી એટલે મને વ્હીલચેરમાં લાવવામાં આવ્યો. જેવી મારી વ્હીલચેર સ્ટેજ પર આવી કે નિકુંજ તથા હોલમાં હાજર પાંચેક હજાર લોકોએ ઉભા થઇ મારૂં અભિવાદન કર્યું. મેં જોયું કે આજે હું ફેમસ થઇ ગયો હતો. ફેમસ વ્યક્તિઓની જેમજ મારી બાયોગ્રાફી પ્રકાશિત થઇ રહી હતી. હજારો લોકો મારા સન્માનમાં ઉભા થઇ તાળીઓ પાડતાં હતાં.

“લેડીઝ એન્ડ જેન્ટલમેન, મેં જેની જિંદગી પરથી પ્રેરણા લઇ આ પુસ્તક લખ્યું છે એ મારૂં પ્રેરણાનું ઝરણું છે..... માય ડીઅરેસ્ટ ફ્રેન્ડ...” મારા તરફ હાથ કરી નિકુંજે કહ્યું. હોલમાં હાજર બધાએ નિકુંજના આ વાક્યને જોરદાર તાળીઓથી વધાવી લીધું.

મારા હાથે પુસ્તકનું પેકીંગ કપાવવામાં આવ્યું. પુસ્તકનું ટાઇટલ હતું,

“The man who has a wormhole in his mind”

જેવી પુસ્તકની જાહેરાત થઇ કે બધાએ ફરીથી મને સ્ટેન્ડીંગ ઓવેશન આપ્યું. મેં વ્હીલચેર પર બેઠા બેઠા ચારેતરફ જોયું. બધાં મારી સામે અહોભાવથી જોઇ રહ્યાં હતાં અને ઉત્સાહથી તાળીઓનો વરસાદ વરસાવી રહ્યાં હતાં. અચાનક મારી નજર પ્રથમ હરોળમાં ડાબી બાજુ દિવાલ પાસેની છેલ્લી સીટ પર પડી. પેલા દાઢીધારી બાબા ત્યાં ઉભા ઉભા તાળીઓ પાડી રહ્યાં હતાં.