Single Father - Dikarino ekmatra Hitechchhu books and stories free download online pdf in Gujarati

સિંગલ ફાધર : દીકરીનો એકમાત્ર હિતેચ્છુ

“રમેશલાલ, તમે મિતાલીને છુટો દોર આપીને સારું નથી કરી રહ્યા. ભવિષ્યમાં એ તમને જ નડશે. અને પછી આખો સમાજ વાતો કરશે એ અલગ. એની પરણવાની ઉંમર જતી જાય છે. હવે તો એની કોલેજ પણ પૂરી થવા આવી છે. હું છોકરાઓ બતાવું એ બધાય માટે મિતાલીએ નનૈયો ભણ્યો છે. શું થશે આ છોકરીનું?”, મિતાલીના મામાએ પોતાના બનેવી એવા રમેશભાઈને કહ્યું અને મિતાલી વિષે ચિંતા વ્યક્ત કરી.

મિતાલી! નાનપણમાં જ માતાનો સાથ ભગવાને છીનવી લીધો હતો એટલે પિતાએ જ એને માવતરની ગરજ સારીને મમતાથી ઉછેરી હતી. રમેશભાઈ હંમેશા મિતાલીને પોતાના મનનું જ કરવા દેતા. એનું મન જેમાં ન માનતું હોય એ કામ ન જ કરવાની સલાહ આપતા.

મિતાલી ભણવામાં તો હોશિયાર હતી જ, અને સાથે સાથે ઘરકામ પણ સવાર સાંજ કરી લેતી હતી. વધારામાં પોતાના ફળિયાના છોકરાઓને ટ્યુશન પણ આપતી હતી જેથી પોતાનો ભણવાનો ખર્ચ પોતે જ કાઢી શકે અને પિતાની ઉપર કોઈ આર્થિક બોજ વધી ન જાય. રમેશભાઈને પોતાની દીકરી પર ગર્વ હતો.

પરંતુ આપણા આ યુગના સમાજમાં વાત આટલેથી અટકતી નથી. દીકરીઓને દીકરાની જેમ ઉછેરવી અને સ્વતંત્રતાઓ પણ એટલી જ આપવી એ બાબતે આપણો સમાજ શંકાભરી નજરે જુએ છે. મિતાલી અને રમેશભાઈ સાથે પણ આવું થાય એ સ્વાભાવિક હતું. મિતાલીના મોસાળ પક્ષના લોકો, એના મામા, મામી, નાની એ બધાયને મિતાલીને અપાયેલી છૂટછાટ ખૂંચતી હતી. તેઓ ઈચ્છતા હતા કે જલ્દીથી મિતાલીને સાસરે વળાવીને પોતાની જવાબદારીઓમાંથી છુટાય અને પછી રમેશભાઈને જે કરવું હોય તે કરે.

એટલા માટે મિતાલીના મામાએ ઘણાબધા છોકરાઓનું માંગુ રમેશભાઈ સમક્ષ મુક્યું હતું પણ રમેશભાઈ ઈચ્છતા હતા કે કોલેજ પતે એ પહેલા મિતાલીના મનમાંથી નોકરી કરવાની તમન્ના મિટાવી દેવાયા અને ડીગ્રી મળે કે તરત જ કોઈ સારો વર શોધી એને વળાવી દેવામાં આવે.

પરંતુ, મિતાલીને આ મંજુર નહતું. એ દરેક વખતે બધાને એક જ જવાબ આપતી હતી કે, “આટલું બધું ભણીને પછી જો આપણે નોકરી જ ના કરીએ તો ખોટું ચોપડીઓ સાથે માથું કુટવાનો શું મતલબ?” અને સામેવાળા ચુપ થઇ જતા.

વળી, જેટલા માંગા આવતા હતા એ બધાય છોકરાઓ બાપદાદાની મિલકત પર તાગડધીન્ના કરવાવાળા હતા. મિતાલીએ રમેશભાઈને પહેલેથી જ કહી રાખ્યું હતું કે, “મારા લગ્ન મિલકતથી અમીર નહિ હોય એવા છોકરા સાથે થશે તો વાંધો નહિ, પણ એ હિંમત અને મહેનતના ધનથી અમીર હોવો જોઈએ”

જોતજોતામાં વર્ષ નીકળી ગયું અને મિતાલીની કોલેજ પૂરી થઇ. હવે રમેશભાઈ તરફના સગાઓએ પણ એના લગ્ન માટે દબાણ કરવા માંડ્યું. આપણે ત્યાં કઠિનાઈ એ છે કે છોકરીની લગ્ન કરવાની ઉંમર થઇ છે કે નથી થઇ એનું તારણ, એના માબાપ કરતા તો સમાજ અને સગાવ્હાલા જલ્દી કાઢી લેતા હોય છે.

એક દિવસે રાત્રે રમેશભાઈએ મિતાલીને કહ્યું, “બેટા! એક વાત કહું?”

“બોલોને બાપુ. હું તમને ના થોડી કહેવાની હતી?”

“હાહા! એ તો છે જ. જો દીકરા, હવે તારી કોલેજ પૂરી થઇ ગઈ છે. તો તને લગ્ન પછી નોકરી કરવા દે એવું કુટુંબ તને શોધી દઉં તો તું લગ્ન કરવા માટે રાજી થઈશ?”, રમેશભાઈએ પોતાના મનની વાત કહી.

“અને જો હું એમ કહું કે મેં એવું કુટુંબ અને એવો પરિવાર શોધી લીધો છે તો?”, મિતાલીએ કહ્યું.

“એટલે? હું કશું સમજ્યો નહિ”

“મેં નક્કી કર્યું હતું કે મને જે દિવસે નોકરી મળશે એ દિવસે હું તમને આ વાત કરીશ પણ ખેર! તમે આજે વાત કહી જ છે અને આ પહેલા મારી બધી વાત તમે માની છે એટલે આજે જ તમને કહી દઉં”

“હા બોલ, શી વાત છે?”, રમેશભાઈ રહસ્ય જાણવા માટે આતુર બન્યા.

“અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ એવું તો હું નહિ કહું બાપુ, પણ હા, અમારા બંનેના વિચારો એકબીજા સાથે મળતા આવે છે અને મહેશનો અને એના ઘરના લોકોનો સ્વભાવ પણ ખુબ સરસ છે”

“મહેશ? એ કોણ?”

“એ જ કે જેની હું વાત કરું છું. અમે બંને કોલેજમાં સાથે ભણીએ છીએ અને અમારી વચ્ચે મિત્રતા પણ સારી છે. જો કે હજી કોઇપણ વખત મેં એની સાથે પરણવાનો વિચાર નથી કર્યો. પણ આ તો તમે મને પૂછ્યું તો અચાનક મેં મારા મનની વાત તમને કહી દીધી”

“તો ચલ, મને પૂરી વિગત કહે. આપણા સમાજનો જ હોય તો હું કાલે જ એમના ઘરે તારું માંગુ લઈને જાઉં. મારી દીકરીની પસંદગી પર મને પૂર્ણ વિશ્વાસ છે”

“પણ આગળ મારી વાત તો સાંભળો બાપુ”

“હજી શું વાત છે?”, રમેશભાઈએ કહ્યું, “સારું બોલ બોલ”

“મહેશ આપણા સમાજનો તો છે જ પણ..”

“પણ શું બેટા?”

“પણ એ બળવંતરાય બહાદુરના દીકરા રજની બહાદુરનો છોકરો છે”

આ શબ્દો સાંભળીને રમેશભાઈના માથે જાણે કે આભ ફાટ્યું. મહેશ એ જ બળવંતરાય બહાદુરનો પૌત્ર હતો કે જેમની સાથે મિતાલીના નાનાની ખાનદાની દુશ્મની હતી. અને એટલી કટ્ટર દુશ્મની હતી કે બંને પરિવારના સભ્યો એકબીજાને રસ્તા પર સામે મળી જાય તોય મોઢું ફેરવી લે કાં તો રસ્તો બદલી લેતા હતા. પુરખાઓની જમીનની અદાવતે બળવંતરાય અને મિતાલીના નાના વચ્ચે છેક મારા મારી સુધીના ઝઘડા થયેલા હતા. કાનૂની કાર્યવાહી પછી અંતે સમાધાન થયું હોવા છતાં એ ઝઘડાઓ પછી મિતાલીના નાના અને બળવંતરાય બહાદુરના પરિવારો વચ્ચે નાહવા નિચોવવાનો ય સંબંધ નહતો. બળવંતરાય અને મિતાલીના નાના એ વેરના લીધે પોતાના કુટુંબીજનોને પણ ઈચ્છા હોવા છતાં એકબીજા સાથે વાત કરવા નહતા દેતા.

જો કે મહેશ અને મિતાલી આ બધું જાણતા હતા પણ તેઓ ભૂતકાળને પકડી રાખવામાં માનતા નહતા અને ‘વિચારો મળતા આવે એવા લોકો જલ્દી મિત્ર બની જાય છે’ એટલે એ બંને વચ્ચે મિત્રતા હતી.

“આ તો મોટો લોચો પડી જાય બેટા”, રમેશભાઈએ ચિંતા વ્યક્ત કરી, “જો તારા મામાને ખબર પડશે તો તકલીફ ઉભી થઇ જશે”

“મેં એ જ વિચારીને અત્યાર સુધી તમને આ વિષે કશું જ કહ્યું નહતું”

“પણ તને શું લાગે છે? રજની અને એના દીકરાઓ પણ આ વાત પકડીને બેઠા હશે?”

“જેમ નાના અને મામા એ વેર પકડીને બેઠા છે તેમ રજનીકાકાના મનમાં પણ હોય તેવું મને લાગતું નથી. કારણ કે મહેશ ઘણીવાર મારી સાથે એમના વિષે વાત કરે છે. એની મમ્મી એના પપ્પા વિષે. તે બંનેય જણ ખુલ્લા મનના છે. મહેશ અને એની બહેન વચ્ચે પણ સરખું જ રાખે છે બધું. મને નથી લાગતું કે એમના મનમાં એ ઝઘડાના સમાધાન થઇ ગયા પછી કોઈ વેર હોય”

“પણ જો હોય તો ય આપણે શું? મારી દીકરીની ખુશી હોય ત્યાં એક પ્રયત્ન તો હું કરી જ શકું ને?”

“કાલે જ હું રજનીના ઘરે તારું માંગુ નાખવા જાઉં છું. તારા મોસાળમાં જ જવાનો છું એટલે રજનીના ઘરે જે થશે એ બધું તારા મામાને મળીને કહેતો આવીશ”, રમેશભાઈએ મક્કમતાથી કહ્યું.

“તો ય મને ચિંતા તો રહેશે જ બાપુ”

“તારો બાપુ હોય ત્યાં તારે ચિંતા કરવાની જરૂર નથી”, કહીને રમેશભાઈએ મિતાલીને હિંમત આપી.

બીજે દિવસે, મનમાં આશાઓ લઇ રમેશભાઈ રજનીભાઈને ત્યાં જવા નીકળ્યા.

ત્યાં પહોંચ્યા ત્યારે રજનીભાઈના ઘરના તમામ સભ્યો કુતુહલવશ એમને જોવા લાગ્યા. કચવાતા મને રજનીભાઈની પત્નીએ આવકારો આપ્યો.

“આવો રમેશભાઈ! પધારો”

“જી, ભાભી. રજનીભાઈ છે ઘરે?”

“એ વાડીએથી આવતા જ હશે. ત્યાં સુધી બેસો”, કહીને એમણે એમને પાણી પાયું.

“ભલે”

“ચા મુકું?”

“ના એ આવે ત્યારે એમની પણ સાથે જ મુકજો”

આટલી વાતચીત રજનીભાઈની પત્નીએ આશ્ચર્યમાં ગરકાવ રહીને જ કરી હતી.

થોડી વાર થઇ ત્યાં રજનીભાઈ વાડીએથી આવ્યા. આંગણમાં પોતાના વેરી કુટુંબના જમાઈને જોઇને એમને સુખદ આશ્ચર્ય થયું.

“આવો આવો રમેશભાઈ૧ કેમ છો?”, રજનીભાઈએ કોઇપણ જાતના ખચકાટ વગર આવકારો આપ્યો.

“હા રજનીભાઈ! કેમ છો? વાડીએ શું કર્યું છે પાકમાં?”, રમેશભાઈએ પણ ઔપચારિક પ્રશ્ન પૂછ્યો.

“આ જરા રીંગણ અને મરચા વાવ્યા છે આ વખત”, રજનીભાઈએ પત્ની દ્વારા અપાયેલી ડોલના પાણીથી હાથ ધોતા ધોતા કહ્યું.

“બરાબર”

“બોલો, કેમ આજે આ બાજુ આવવાનું થયું? કઈ વિશેષ કામ?”, રજનીભાઈએ રમેશભાઈની સામેની ખુરશીમાં બેસતા બેસતા પૂછ્યું.

“કામ તો વિશેષ છે જ”

“મહેશની મા! જરા ચા મૂકજે”, રજનીભાઈએ પત્નીને ચા મુકવાનું કહી રમેશભાઈને કહ્યું, “હા બોલોને”

“વાત જાણે એમ છે કે હું સીધો વાત પર જ આવું. હું આજે અહી તમારા મહેશ માટે મારી મિતાલીનું માંગુ લઈને આવ્યો છુ”

રજનીભાઈ થોડી વાર માટે તો રમેશભાઈની સામે જોઈ રહ્યા.

“તમને ખબર છે કે મિતાલીના નાના અને મારા પપ્પા....”, રજનીભાઈએ કહ્યું.

“મને બધો ખ્યાલ છે. પણ જુના વેરને લઈને બેસી ક્યાં સુધી રહેવાનું? અને મારું તો તમારી સાથે કે તમારા પિતાજી સાથે કોઈ વેર નથી ને? મારે મન મારી દીકરી સુખી થાય એનાથી વિશેષ કશું જ નથી”

રજનીભાઈના પત્ની ચા મુકીને પાછા રસોડામાં ગયા.

“હું પણ જુના વેરમાં માનતો નથી. પરંતુ તમારી સાસરીવાળા એ વાતને હજીય ભૂલ્યા નથી એમ લાગે છે. છતાં તમે આવું પગલું લેશો તો એમને ખોટું નહિ લાગે?”ચાનો એક કપ રમેશભાઈને આપીને અને બીજો પોતે લેતા લેતા રજનીભાઈએ કહ્યું.

“એ બધી બે નંબરની વાત છે રજનીભાઈ! તમે માંગુ સ્વીકારો એના પછી એ બધું જોયું જશે. તમારો જે પણ જવાબ હશે એ મને મંજુર હશે. અને એક બીજી વાત, કે મિતાલી લગ્ન પછી નોકરી ચાલુ જ રાખશે એવી એની ઈચ્છા છે. તમને એનાથી વાંધો ન હોય તો જ વાત આગળ ચલાવીએ”.રમેશભાઈના અવાજમાં સૌમ્યતા ઝલકતી હતી.

“આ માંગાનો અસ્વીકાર કરું તો સાક્ષાત મિતાલીના રૂપમાં લક્ષ્મીમાતાનો અનાદર કરું એવું ગણાય. મિતાલી જેટલી સુશીલ અને મહેનતુ છોકરીને પોતાના ઘરની વહુ બનાવીને મારા ઘરની શોભા વધારવાનો આ મોકો હું કેમ ચૂકું? પાછલી પેઢીના વેરઝેરના લીધે આગામી પેઢીને શું કામ ભોગવવાનું? અને હા, રહી વાત નોકરી કરવાની તો શું છોકરીઓને લગ્ન પછી નોકરી કરવાનો હક ન આપીને આપણે ઉન્નતી તરફ જવાના છીએ? અમને કશો વાંધો નથી”, રજનીભાઈએ પોતાની સંમતિ વ્યક્ત કરી.

“તો હું આ ચા સાથે સંબધ પાક્કો સમજુ?”, રમેશભાઈએ પૂછ્યું.

“ચોક્કસ. અને આજે જમીને જ જજો”

“ના, એ નહિ બને. મારે આ સંબંધ વિષે સાસરીમાં પણ કહેતા જવું પડશે. હવે તો તમે આવો અમારા ઘરે”

“હા હા ચોક્કસ આવીશું. પણ તમારી સાસરીમાં કહેતા પહેલા....”

“મેં બધું વિચારી લીધું છે. તમે એની ચિંતા ન કરશો”, આ વાક્યમાં રજનીભાઈએ મિતાલીના બાપુનો આત્મવિશ્વાસ અને પોતાની દીકરી માટેનું વાત્સલ્ય ભારોભાર જોયું.

ત્યાંથી નીકળી રમેશભાઈ પોતાની સાસરીમાં ગયા અને મિતાલીના સંબંધની વાત કરી.

“અમારા દુશ્મન કુટુંબમાં દીકરીનો સંબંધ કરીને અમારા ઘરે આવતા તમારા પગ કેવી રીતે ચાલ્યા?”, મિતાલીના મામાએ રમેશભાઈ પર ગુસ્સે થઇને કહ્યું.

“એ લોકોના મનમાં કોઈ વેર નથી તો તમે લોકો કેમ હજીયે એ વાત પર અટક્યા છો?”, રમેશભાઈએ ઠાવકાઈથી કહ્યું.

“એ લોકો દંભી છે. તમે ફોસલાવી ગયા અને તમને ખબર પણ ન પડી.જો તમે ત્યાં મિતાલીને પરણાવશો તો અહીંથી એનું મોસાળું નહિ આવે એ વાત કાન ખોલીને સાંભળી લેજો”

“તમે એક વાર એમને મળો તો ખરા. તમારા બધા ભ્રમ દુર થઇ જશે”, રમેશભાઈએ હજી પોતાની સૌમ્યતા જાળવી રાખી હતી.

“ભ્રમ? એટલે અમે લોકો ગાંડા અને તમે ડાહ્યા એમ ને? જાઓ જાઓ હવે! તમે અમારા દુશ્મનના ઘરે સંબંધ કર્યો છે એટલે તમે પણ આજ્થી અમારા દુશ્મન છો. મોસાળું નહિ આવે એટલે નહિ જ આવે”, મિતાલીના મામાએ તિરસ્કારથી કહ્યું, “અને પોતાની ભૂલ પર પસ્તાવો કરવા માટે આ ઘરના ઉંબરો ઓળંગતા નહિ”

“ભલે. તમારે એમ જ રાખવું હોય તો એમ જ સારું.મારી દીકરી ક્યાં સુખી રહેશે એ હું જાણું છું. આવજો”, એટલી જ સૌમ્યતાથી આટલું કહીને તેઓ ત્યાંથી રવાના થયા.

મિતાલી અને મહેશનું સગપણ થયું. એ પ્રસંગે મિતાલીના મોસાળ પક્ષથી કોઈ નહતું આવ્યું. થોડા સમયમાં એના લગ્ન પણ લેવાયા. મોસાળું ન આવતા મિતાલી અને રમેશભાઈ મિતાલીની મમ્મીને યાદ કરીને મંડપમાં જ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા. રજનીભાઈએ રમેશભાઈને અને મહેશે મિતાલીને ખભો આપ્યો અને સાંત્વના આપી.

મિતાલીની વિદાયની તૈયારીઓ શરુ થઇ ચુકી હતી. મિતાલી પોતાના ઘરને ધરી ધારીને જોઈ રહી હતી. પોતાની ચીજો સાચવી સાચવીને યાદ કરીને પેટીમાં મૂકી રહી હતી. મમ્મીનો ફોટો, બાપુની યાદ સ્વરૂપે એમની પાઘડી, વગેરે.

પેટી લઈને વાળંદ આગળ ચાલતો હતો અને મિતાલી એના બાપુ સાથે એ ઘરને અલવિદા કહેવા આગળ વધી રહી હતી કે અચાનક સામેના રસ્તેથી મિતાલીના મોસાળ પક્ષથી મામેરું લઈને એના મામા આવતા દીઠા.

ઘરના દરવાજે આવીને એના મામાએ કહ્યું, “રમેશલાલ! મામેરું નહિ વધાવો?”

જવાબમાં રમેશભાઈ અને મિતાલીથી આંસુ ન રોકાયા. બંનેએ મોસાળાનું સ્વાગત કર્યું.

“મને ખબર છે કે તમે વિચારો છો કે અમે અહી ક્યાંથી”, મિતાલીના મામાએ કહ્યું.

“હમ્મ્મ્મ!”, રમેશભાઈએ આંખો લૂછતાં કહ્યું.

“અમે ન જ આવ્યા હોત જો રજનીભાઈએ આજે અત્યારે પુત્રનાં લગ્ન છોડી, અમારા ઘરે આવીને અમારી આંખો પરથી વેરની પટ્ટી ન ઉતારી હોત. આવા વેવાઈ સૌ કોઈને મળે. મને હવે વિશ્વાસ છે કે મિતાલી ત્યાં ખુબ સુખી થશે”, મામાએ કહ્યું, “તમે બહેનની ગરજ સારી છે રમેશલાલ! મિતાલી માટે તમારથી સારા કોઈ બાપુ ન હોઈ શકે”, કહીને સાળાએ બનેવીને ગળે લગાવી દીધા. પાછળ રહેલા રજનીભાઈ સામે જોઇને રમેશભાઈએ સ્મિત આપીને એમનો આભાર માન્યો.

***