Satmu Chitra books and stories free download online pdf in Gujarati

સાતમું ચિત્ર

સાતમું ચિત્ર

“તારા પપ્પાને અત્યારે જ બધુ સુજે છે. વલ્લભભાઈએ આપણી માટે ત્રણ દિવસથી સુરત થી પેંડા લઈ રાખેલા છે. પણ આમને શેર બજાર માથી ફુરસત મળે ત્યારે ને.! હજી સોફાના કવર બદલવાના છે, આ વાંસણનો ઘોડો ધોવાઈ ગયો છે, એને ચડાવવાનો છે. એન્ડ ટાઈમ જ એમને પેંડા સાંભર્યા. હવે એકાદ કલાકમાં મહેમાન આવતા જ હશે.” સરલા બેને નાસ્તાની ડીશો ભરીને મહેમાનોની આગતા સ્વાગતાની તૈયારીઓ શરૂ કરી દીધી. રસોડાની બારી ખુલ્લી હોવા છતાં સરલાબેન પરસેવે રેબ જેબ હતા. શ્રુતિ ફ્રિજ પાસે ઊભી રહીને એમને તાકી રહી. સરલાબેને શ્રુતિ સામે કુતુહલતાથી જોઈને પુછ્યું. “ કેમ શું થયું? તને એમ લાગતું હશે કે મારે તને સાસરે મોકલવાની ખૂબ ઉતાવળ છે? ઉતાવળ નથી બેટા ઉત્સાહ છે. જે દરેક મા ને હોય જ છે. દરેક ને સમય પ્રમાણે પાત્રતા નિભાવવી પડે ને? પણ બેટા જલ્દીથી કઈક નિર્ણય લેજે. તું અને તારો બાપો મુરતિયામાં શું શોધો છો એજ નથી ખબર પડતી.! આપણી માટે વલ્લભભાઈ સુરત થી ઘારી અને પેંડા મંગાવી મંગાવી ને થાક્યા. છ મુરતિયા આ આંગણે થી પાછા ગયા પણ તમને..

ત્યાં જ ગુણવંતભાઈ એ બહાર હોર્ન વગાડયો.! “બેટા શ્રુતિ,,આ સામાન ઉતરાવ તો..” શ્રુતિ દોડીને એના પપ્પા પાસેથી શાકની થેલી અને જરૂરી સામગ્રી ની થેલીઓ અંદર લાવે છે. “ આ તારી મા એટલી બધી ટાઢી છે ને કે એક સોફા ના કવર હજુ સુધી નથી બદલી શકી.! એમાં એને દીકરી ના લગ્ન કરવા છે.! તારા સગા કલાકમાં જ પહોચે છે. એ લોકો આવે પછી કવર બદલવાના છે કે શું? અને માણસો પૈસે ટકે સધ્ધર છે, ચાર સો કરોડ ની કંપની ના માલિક છે. જો આ સબંધ થઈ જાય ને તો શ્રુતિ ને જલ્સા છે હો ..! ગુણવંતભાઈ સોફા કવર ચડાવવા મદદે લાગ્યા. “ પણ તમારી અને તમારી દીકરી ની હરકતો થી આ સાતમા મુરતિયા ની એજ હાલત થવાની.!

ગુણવંતભાઈ હસતાં હસતાં બોલ્યા, “ મારી દીકરી ને મે પાંપણો પર ઉછેરી છે, મુરતિયા નું પણ યોગ્ય પરીક્ષણ થવું જોઇયે ને. હવે એ પંચાત મુક અને શ્રુતિ ને ઉપર જઈને તૈયાર કર.! મહેમાનો બસ આવતા જ હશે.” સરલા બેન શ્રુતિ ને તૈયાર કરવા ઉપર લઈ જાય છે. ગુણવંતભાઈએ બારી ની બહાર ડોકિયું કર્યું, એમને શ્રુતિને સમજી શકે એવા મુરતિયા ની શોધ હતી. અને દરેક પિતા એના જમાઈમાં પોતાની છબી શોધતા હોય છે. કે હું જેટલો મારી દીકરીને પ્રેમ કરું છું, એટલો એ કરી શકશે કે નહીં.! વિચારો નું વમળ અને મહેમાનો ની ઇંતેજારી ગુણવંતભાઈ ને અકળાવતી રહી. એવામાં જ શાંત વાતાવરણ ને ચિરતી ત્રણ જગુઆર શેરીમાં આવી ને ઊભી રહી. ગુણવંતભાઈના મહેમાનો ઘરમાં દાખલ થયા, ખૂબ મોટું ફેમેલી હતું એટ્લે ગુણવંતભાઈએ સૌ ને સોફા ખુરશી મા ગોઠવી દીધા. સરલાબેન નીચે આવી ને સૌ ને મળ્યા. સામ સામે ઓળખાણ કરાવવાનો સિલસિલો ઘડીક ચાલ્યો. ત્રિવેદી ગ્રૂપના ચેરમેન વસંતભાઇ એ એનો સૌથી નાનો પુત્ર ચિંતન ની ઓળખાણ કરાવી. ચિંતન પણ પ્રથમ વાર જ છોકરી જોવા આવેલો એટ્લે એ વાતાવરણમાં એ કન્ફર્ટ નહોતો.

“અમારી સૉફ્ટવેર બનાવતી કંપની છે અને ચિંતને એમબીએ પૂરું કરીને આ વર્ષે જ ઓફિસ જોઇન કરી છે. વસંત ભાઈ એ આગળ બોલે એ પહેલા જ શ્રુતિ ચા લઈને આવી, સગા સબંધીઑ એ શ્રુતિને પ્રાથમિક સવાલો કર્યા. શ્રુતિ કશુય બોલ્યા વગર માથું ધુણાવીને જ જવાબ આપે. વસંત ભાઈએ ઘણા પ્રયાસો કર્યા કશું બોલાવવાના પણ શ્રુતિ શરમાતી હશે કે ઓછું બોલતી હશે એમ માનીને તેઓ ગુણવંતભાઈ સાથે ચર્ચા કરવા લાગ્યા. ચિંતન ના મમ્મી બોલી ઉઠ્યા, “ગુણવંતભાઈ મને લાગે છે કે બન્નેને વાતો કરવા એકાંત આપીએ, શ્રુતિ અમારી સામે કશું બોલી નહીં કદાચ ચિંતન સાથે કશુંક બોલે.!” ગુણવંતભાઈ એ હસતાં હસતાં બન્ને ને ઉપર રૂમમા જવા અનુરોધ કર્યો.

શ્રુતિ ચિંતન ને એના રૂમ મા લઈ જાય છે, રૂમ મા પ્રવેશતા જ ચિંતન સ્તબ્ધ થઈ જાય છે. જાણે કોઈ મ્યુજીયમ મા જ ન આવી ગયો હોય એમ. દીવાલો પર ભાત ભાતની પેટર્ન ચીતરેલી, છતમાં ટ્રેડિશનલ રંગોળી દોરેલી અને એક ખૂણો તો ઢીંગલી અને ટેડીબીયર થી ભરેલો હતો. ત્યાં જ ચિંતનની નજર એક સરખા દેખાતા સાત ચિત્રો પર પડી એટલે ચિંતને શ્રુતિ ને પુછ્યું, “ આ પેટર્ન, આ ચિત્રો અને આ રંગો ની સજાવટ તમારી છે?” શ્રુતિ એ માથું ધુણાવીને હા પાડી. ચિંતને પેલા સાતેય ચિત્રોને ધ્યાન થી જોયા એમાં છ ચિત્રો એક સરખા અને પૂર્ણ હતા, પણ સાતમું ચિત્ર અધૂરું હતું. એટલે ચિંતને ફરી પુછ્યું, “ આ સાતમું પેઇન્ટિંગ કેમ અધૂરું મૂક્યું?” આ છ એક સરખા ચિત્ર દોરવાનું કારણ સમજાણુ નહીં.!

શ્રુતિએ એ ચિંતનને બેસવા ઈશારો કર્યો, ખુરશી ની સામે ટીપોઇ પર પેન અને કાગળ પડેલા. ચિંતને પોતાના વિષે બોલવાનું શરૂ કર્યું. મે આ જ વર્ષે પપ્પાની ઓફિસ સંભાળી છે, અને પપ્પાને તો જવાબદારીથી છૂટવું હોય એમ મને પરણાવી ને જલ્દી રિટાયર્ડ થવા માંગે છે. આ છ ચિત્રો તો તમારી વિષે ઘણું બધુ કહે છે, પણ મારા વિષે વધુ જાણવું હોય તો મને કઈક પૂછવું પડશે.! મને તો આ છ ચિત્રો અને ચિત્રકાર બન્ને ગમે છે, કુદરતે તમને સૌદર્ય તો ખૂબ આપ્યું છે, અને આ ચિત્રોને પણ તમે સુંદરતાથી ભરી દીધા છે. મને એક્ચુલી કઈ ખબર નથી કે આ સમયે મારે તમને શું પૂછવું જોઇય તમારા મનમાં કઈ સવાલ હોય તો અચૂક પૂછી શકો છો.” ત્યાં જ ચિંતન નો ફોન રણકે છે, ચિંતન ફોન જુએ છે તો એના પપ્પા નો ફોન હોય છે, ચિંતન ફોન રિસીવ કરે છે.

“શ્રુતિ ગમી બેટા?” વસંતભાઇ એ પૂછ્યું. ચિંતને જવાબ આપતા કહ્યું કે, “ હા,પપ્પા એજ વાત કરતો હતો ત્યાજ તમારો ફોન આવ્યો,પણ..

વસંતભાઈએ ચિંતનને અટકાવીને કહ્યું, “ પણ ખૂબ શરમાય છે એમ ને ?” ચિંતને હા પાડી.

વસંતભાઇ એ મોટા આવજે કહ્યું, “ એ શરમાતી નથી એ ગુંગી છે, ડફોળ! એના બાપા એ કીધું એટલે તરત જ ફોન ના બહાને બહાર આવ્યો છું, અને તું પણ બહાર નીકળી જા.” ફોન કપાય જાય છે.

ચિંતને શ્રુતિ સામે જોયું તો શ્રુતિ રડતી હતી, ચિંતને શ્રુતિને પૂછ્યું “ તમે બોલી નથી શકતા?” શ્રુતિ એ માથું ધૂણાવીને ના પાડી.! શ્રુતિ એ ટીપોઇ પર પડેલા કાગળમાં લખ્યું, “ છ છોકરાઓ આ હકીકત જાણ્યા પછી મને રિજેક્ટ કરી ચૂક્યા છે, આ છ પેઇન્ટિંગ એના સાક્ષી છે. અને સાતમુ પેઇન્ટિંગ તમે છો . તમે લગ્ન કરશો તો છ પેઇન્ટિંગ તોડી ને સાતમું પેઇન્ટિંગ પૂરું કરીશ !”

ચિંતને હસતાં હસતાં કહ્યું, “સાતમું પેઇન્ટિંગ પૂરું થશે!, તમારી ચિંતા કરવા આ ચિંતન છે ને ! ચાલો નીચે.”

ચિંતન શ્રુતિ નો હાથ પકડીને નીચે લઈ જાય છે. નીચે ગુણવંતભાઈએ સત્ય જાહેર કરી દીધું હતું, ચા ના કપ ભરેલા હતા. અને સૌ ચિંતન ની રાહ માં બેઠેલા હતા. ચિંતન આવ્યો એટલે બધા જ ઊભા થઈ ને જવાની તૈયારી કરવા લાગે છે. ચિંતને સૌને અટકાવી ને કહ્યું, “ અરે ક્યાં ચાલ્યા સૌ? થોડીવાર પહેલા તો ખૂબ જ હરખ છલકાતો હતો, અચાનક શું થઈ ગયું બધા ને? આ પેંડા ન લીધા કોઈએ?

વસંતભાઈએ ચિંતન નું બાવડું ખેંચી કહ્યું, “ ચિંતન ચાલ ગાડીમાં બેસ.”

ચિંતને વસંત ભાઈ નો હાથ દૂર કરી કહ્યું, “જશું પપ્પા પણ સબંધ પાક્કો કરીને જ.!

વસંતભાઈ બોલ્યા, “તારે આમાં જિંદગી ખરાબ કરવી છે? આ મૂંગી છે, કેમ જીવીશ એની સાથે? લોકો શું વિચારશે? કે ચારસો કરોડની કંપનીના માલિકની વહુ મૂંગી છે? બેટા આ મજાક નથી તું..

ચિંતને અટકાવતાં કહ્યું, “ હું એજ કહું છું પપ્પા આ મજાક નથી, છ છોકરા રિજેક્ટ કરી ચૂક્યા છે શ્રુતિને!, તેઓ શ્રુતિમાં સુંદરતા જોઈ નથી શક્યા. એ મૂંગી છે એ પ્રોબ્લેમ હોય તો તમે બધા જ ખોટા છો! દરેક પુરુષને સ્ત્રી ચૂપ જોઇયે છે, એ બોલે તો બધાને તકલીફ થાય છે. અહિયાં તો શ્રુતિ ચૂપ જ છે તો શું વાંધો છે? આપણી ચાર સો કરોડ ની કંપની નું મૂલ્ય શું શ્રુતિનું વેઇટિંગ અને એની લાગણીઓથી પણ મોટું છે?

ગુણવંતભાઈ ચિંતનની નજીક આવ્યા અને બોલ્યા “ વાહ ચિંતન મને જે જોઈતું હતું એ મળી ગયું, મને તારા જેવા જ જમાઈની શોધ હતી, માફ કરજે બેટા પણ..

ત્યાં જ શ્રુતિને એના પપ્પાને અટકાવ્યા, “પપ્પા રહેવા દો, એમની માટે હું જીંદગીભર મૂંગી રહેવા તૈયાર છુ, એમને મારા શબ્દો નહીં મારી લાગણીઓ થી જ મતલબ છે. એ મારા અસ્તિત્વ ને ચાહે છે, મારા પરફોમન્સ ને નહીં. ચિંતન, મે મૂંગી હોવાનું નાટક કર્યું. એજ કારણ થી કે કોઈ મને સમજનાર મળે. એ શોધ આજે પૂરી થઈ, એ છ પેઇન્ટિંગ માં ખૂબ ભૂલો હતી, એટલે જ મને રિજેક્ટ કરી. વાસ્તવિકતા જાણ્યા પછી મારી સાથે લગ્ન કરશો?

ચિંતને કહ્યું, “તમારી ચિંતા કરવા આ ચિંતન છે ને! મને ચિત્રો દોરતા તો નથી આવડતું, પણ રંગો જરૂર અંબાવી શકીશ, તમે કહો તો તમારું સાતમું અને ફાઇનલ પેઇન્ટિંગ પૂરું કરીયે?

વસંતભાઇ અને મહેમાનો પોતાની શરમિંદગી છુપાવતા પાછા સોફામાં ગોઠવાઈ ગયા, ચા તો ઠંડી થઈ ગઈ હતી, એટલે ગુણવંત ભાઈએ સુરતના પેંડા ચખાડીને બધાનું મો મીઠું કરાવી દીધું.

- દિપક દવે