Apj Abdul kalam books and stories free download online pdf in Gujarati

APJ અબ્દુલ કલામ: મિસાઇલ મેન

APJ અબ્દુલ કલામ: મિસાઇલ મેન

#GreatIndianStories

આ એ છોકરાની વાર્તા છે જેનો ઉછેર માતા-પિતા જૈનુલાબ્દિન અને આશિઅમ્માએ કર્યો હતો. તે છાપાઓ વેચીને તેના ભાઈને મદદ કરતો હતો. વિદ્યાર્થી તરીકેનું શિક્ષણ તેણે શિવાસુબ્રમણ્યા ઐયર અને ઐયાદુરાઈ સોલોમોન જેવા શિક્ષકો પાસેથી લીધું. તેને એન્જિનિયર તરીકેની ઓળખ પ્રોફેસર MGK Menon અને પ્રોફેસર વિક્રમ સારાભાઈએ આપી. તે નિષ્ફળતા અને મુશ્કેલીઓમાંથી પસાર થઈ વૈજ્ઞાનિક બન્યો હતો. આ એ લીડરની વાર્તા છે, જેની સાથે કામ કરવાવાળા અસંખ્ય કાબેલ અને પ્રતિભાશાળી વૈજ્ઞાનિકોની એક ટીમ હતી.

મિત્રો, મારા જીવનની વાર્તા મારી સાથે સમાપ્ત થઈ જશે. કેમકે દુનિયાને પણ ખબર છે કે મેં કશું જ હાંસિલ કે જમા નથી કર્યું. મારી પાસે કશું જ નથી. ન પુત્ર, ન પુત્રી, ન પત્ની કે ન પરિવાર. હું બીજા લોકો માટે પ્રેરણા બનવા નથી ઈચ્છતો, પણ કદાચ આવનારી યુવા પેઢીને મારા જીવન પરથી થોડીક પ્રેરણા મળે.

મારા પરદાદા અવુલ, મારા દાદા પકીર અને મારા અબ્બા જૈનુલાબ્દિનનો ખાનદાની વારસો અબ્દુલ કલામ પર ખતમ થઈ જશે. પણ ખુદાની કૃપા ક્યારેય ખતમ નહીં થાય. કેમકે એ અમર છે, લાવણ્ય છે.

મારો જન્મ રામેશ્વરમના એક મિડલ ક્લાસ તમિલ પરિવારમાં થયો હતો. મારા અબ્બા જૈનુલાબ્દિન પાસે ન શિક્ષણ હતું કે ન પૈસા. આ મજબૂરીઓ હોવા છતાં, તેમની પાસે જન્મજાત વિદ્ધતા અને આત્માની સાચી ઉદારતા હતી, અને મારી મા, આશિઅમ્મા જેવી મદદગાર હતી. એમના સંતાનોમાં હું પણ એક હતો, પડછંદ કદ વાળા મા-બાપનો એક નાનું કદ અને મામૂલી દેખાવવાળો છોકરો.

રામેશ્વરમમાં અમે અમારા વડવાઓના મકાનમાં રહેતા હતા, જે ક્યારેક 19મી સદીમાં બન્યું હતું. રામેશ્વરમની મસ્જિદ ગલીમાં પાક્કું મકાન હતું. મારા અબ્બા દરેક પ્રકારના વૈભવી શોખ અને આરામથી દૂર રહેતા હતા, પણ જરૂરિયાતની દરેક ચીજવસ્તુઓ પૂરી પાડતા. મારું બાળપણ ખૂબ સુરક્ષિત હતું. ભૌતિક અને ભાવનાત્મક રીતે પણ.

રામેશ્વરમનું પ્રખ્યાત શિવ મંદિર અમારા ઘરથી માત્ર દસ મિનિટના અંતરે હતું. અમારા વિસ્તારમાં મુસલમાનોની વસ્તી વધારે હતી, તો પણ ઘણા હિન્દુ લોકો અમારી પાડોશમાં રહેતા. અમારા વિસ્તારમાં ખૂબ જૂની મસ્જિદ હતી, જ્યાં મારા અબ્બા દરરોજ સાંજે મને નમાજ પઢાવવા લઈ જતાં હતા.

રામેશ્વરમ મંદિરના મોટા પુરોહિત, પક્ષી લક્ષ્મણ શાસ્ત્રી, મારા અબ્બાના પાક્કા મિત્ર હતા. મારી બચપણની યાદોમાં એક એ યાદ પણ હતી કે પોત પોતાના ધર્મના પોશાકમાં તેઓ એકબીજા સાથે કલાકો સુધી આધ્યાત્મની વાતો કરતાં. મારા અબ્બા મુશ્કેલમાં મુશ્કેલ આધ્યાત્મિક પ્રશ્નોનો પણ તમિલની ભાષામાં જવાબ આપી સમજાવતા. એક વખત એમણે મને કહ્યું હતું : ‘જ્યારે મુશ્કેલી આવે ત્યારે એને સમજવાની કોશિશ કરો, મુશ્કેલીઓ હંમેશા પોતાની જાતને પારખવાની તક આપતી હોય છે...’

મેં હંમેશા સાયન્સ અને ટેકનૉલોજીમાં અબ્બાના નિયમો પર ચાલવાની કોશિશ કરી છે. હું એ વાતમાં દ્રઢ શ્રદ્ધા રાખું છું કે આપણાં ઉપર પણ એક મહાન શક્તિ છે, જે આપણને મુશ્કેલીઓ, દુ:ખ, નિરાશા અને અસફળતાથી દૂર કરીને સચ્ચાઈના રાહ પર પહોંચાડે છે.

હું લગભગ છ વર્ષનો હતો જ્યારે અબ્બાએ લાકડીની એક હોડી બનાવવાનું નક્કી કર્યું, જેમાં તેઓ યાત્રીઓને રામેશ્વરમથી ધનુષકોડીની યાત્રા કરાવી શકે. એ સમુદ્રની કિનારે લાકડીઓ બિછાવી હોડી બનાવવાનું કામ કર્યે જતાં, અમારા સંબંધી, અહેમદ જલાલૂદ્દીનની સાથે. પાછળથી એમના લગ્ન મારી બહેન જોહરાની સાથે થયા.

અહેમદ જલાલૂદ્દીન મારાથી પંદર વર્ષ મોટા હતા, તો પણ અમારી દોસ્તી ગાઢ બની ગઈ હતી. અમે બંને દરરોજ સાંજે લાંબી સફર પર ફરવા નીકળી પડતાં. મસ્જિદ ગલીથી નીકળીને અમારો પહેલો પડાવ શિવ મંદિર હતું. જેની આસપાસ અમે એટલી જ શ્રદ્ધાથી પરિક્રમા કરતાં જેટલી શ્રદ્ધાથી બહારથી આવેલા યાત્રીઓ.

જલાલૂદ્દીન તેમના ઘરની પરિસ્થિતિને લીધે વધુ ભણી નહતા શક્યા. પણ હું જે જમાનાની વાત કરું છું એ સમયે અમારા વિસ્તારમાં એજ એક માત્ર વ્યક્તિ હતા જે અંગ્રેજી લખવાનું જાણતા હતા. જલાલૂદ્દીન હંમેશા શિક્ષણ અને ભણેલા-ગણેલા લોકો વિશે વાતચીત કરતાં. સાયન્સની નવી શોધો, મેડિસિન અને એ વખતના સાહિત્યની વિષે પણ વાતો કરતાં.

એક બીજી વ્યક્તિ જેનો પ્રભાવ મારા બચપણમાં ખૂબ રહ્યો હતો. મારો પિતરાઇ ભાઈ, શમ્સુદ્દીન, એની પાસે રામેશ્વરમમાં છાપાઓ વેચવાનો ઠેકો હતો. અને દરેક કામ એ એકલો જ કરતો હતો. દરરોજ સવારે છાપાઓ ટ્રેનથી રામેશ્વરમ પહોંચતા.

1939માં બીજું વિશ્વ યુદ્ધ શરૂ થયું. એ વખતે હું 8 વર્ષનો હતો. હિંદુસ્તાનને સાથીદારોની ફોજ સાથે સામિલ થવું પડ્યું. અને એક તત્કાલિન જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી. સૌથી પહેલી દુર્ઘટના એ થઈ કે રામેશ્વરમ સ્ટેશન પર ઊભી રહેતી ટ્રેનનું સ્ટોપ રદ કરી દીધું. હવે છાપાઓની થક્કી રામેશ્વરમ અને ધનુષકોડીની વચ્ચેથી પસાર થતાં રસ્તા પર ચાલુ ટ્રેને ફેંકી દેવામાં આવતી. શમ્સુદ્દીનને મજબૂરીવશ એક વ્યક્તિ રાખવો પડ્યો, જે છાપાની થક્કી રસ્તા પરથી ભેગી કરી શકે; અને એ મોકો મને મળ્યો. શમ્સુદ્દીન મારી પહેલી કમાઈનું માટેનું કારણ બન્યો.

દરેક બાળક પેદા થાય છે એ અમુક હદ સુધી સામાજિક અને આર્થિક પરિસ્થિતિથી જરૂર ઘડાતો હોય છે, અને કેટલાક તેમના કુદરતી સ્વભાવથી પણ. મને પ્રામાણિકતા અને સ્વ-શિસ્ત મારા અબ્બાની તરફથી વારસામાં મળી હતી. અને મારી અમ્મી પાસેથી ભલાઈ પર વિશ્વાસ અને દયાળુતા. પણ શમ્સુદ્દીન અને જલાલુદ્દીનની સોબતથી મારા પર જે અસર પડી એનાથી માત્ર મારું બાળપણ જ અલગ નહતું પડ્યું, પણ આવનારા ભવિષ્ય પર પણ એનો ઘણો પ્રભાવ પડ્યો.

યુદ્ધ પૂરું થઈ ગયું અને હિંદુસ્તાનની જીત થઈ. મેં અબ્બા પાસેથી રામેશ્વરમ છોડવાની પરવાનગી માંગી. હું ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર રામનાથનપૂરમ જઈને ભણવાનું ઈચ્છતો હતો. શમ્સુદ્દીન અને જલાલુદ્દીન મારી સાથે રામનાથનપુરમ સુધી આવ્યા, શ્વાર્ટઝ સ્કૂલમાં દાખલો કરાવવા માટે. ખબર નહીં કેમ, પણ એ નવો માહોલ મને પસંદ ન આવ્યો. રામનાથન ખૂબ સમૃદ્ધ શહેર હતું, અને ત્યાં પચાસ હજાર જેટલા લોકોની વસ્તી હતી. પણ રામેશ્વરમ જેટલી શાંતિ બીજે ક્યાંય નહતી. ઘરની ખૂબ યાદ આવતી હતી, અને ઘરે જવાનો કોઈ મોકો હું છોડતો નહતો.

શ્વાર્ટઝ હાઈસ્કૂલમાં દાખલ થયા બાદ, પંદર વર્ષના છોકરાની અંદર જેટલા શોખ હોવા જોઈએ એ બધા શોખ મારામાં જાગી ઉઠ્યા. મારા ટીચર ઐયાદુરાઈ સોલોમોન શ્રેષ્ઠ માર્ગદર્શક હતા. એમના સાથેની મારી મિત્રતા શિક્ષક અને શિષ્ય કરતાં પણ આગળ નીકળી ગઈ હતી. ઐયાદુરાઈ કહેતા હતા કે : ‘જિંદગીમાં સફળ થવા અને સિદ્ધિ હાંસિલ કરવા માટે ત્રણ તાકતો પર કાબૂ મેળવવો ખૂબ જરૂરી છે. ઇચ્છા, માન્યતા અને અપેક્ષા.’

હું મારી જિંદગીના અનુભવથી કહું તો મને બાળપણથી જ આકાશમાં ઉડતા પક્ષીઓ દેખીને એક આકર્ષણ મહેસુસ થતું. સમુદ્રમાં સારસ અને દરિયાઈ પક્ષીઓને ખુલ્લા આકાશમાં ઉડતા દેખતો ત્યારે મને પણ ઊડવાનું મન થતું... હું એક સાવ સાદો ગામડાનો છોકરો હતો. પણ મને પૂરો વિશ્વાસ હતો, કે એ પક્ષીઓની જેમ હું પણ એક દિવસ ઊંચી ઉડાન ભરીશ... અને હકીકત એ છે કે રામેશ્વરમથી ઉડવાવાળો હું પહેલો છોકરો હતો. શ્વાર્ટઝ સ્કૂલમાં શિક્ષણ પૂરું કરતાં કરતાં મને પૂરો વિશ્વાસ હતો કે હું જરૂર સફળતા હાંસિલ કરીશ. હું શિક્ષણ ચાલુ રાખીશ એના સિવાય બીજો કોઈ વિચાર મનમાં નહતો.

1950માં ઇન્ટરમિડિયેટ ભણવા માટે સેન્ટ જોસેફ કોલેજમાં, B.Sc ડિગ્રી માટે દાખલો લઈ લીધો. B.Sc પાસ કર્યા પછી જ જાણી શક્યો કે, ફિઝીક્સ એ મારો વિષય નહતો. મારા સપનાને પૂરું કરવા મારે એન્જીનિયરીંગમાં જવું જોઈતું હતું. ખબર નહીં કેમ કેટલાક લોકોનો એવું માનતા હોય છે કે, સાયન્સ વ્યક્તિને ખુદાથી જુદો પાડી નાસ્તિક બનાવી દે છે, પણ મારા માટે તો સાયન્સ એ ખુદા માટે વિશ્વાસની એક જીવંત તસવીર રહી છે.

ગમે તે કરીને હું MIT (મદ્રાસ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનૉલોજી)ના ઉમેદવારોના લિસ્ટમાં તો આવી ગયો, પણ એમાં દાખલો મેળવવો ખૂબ મોંઘો હતો. ઓછામાં ઓછા 1000 રૂપિયાની જરૂર હતી; અને એટલા રૂપિયા તો મારા અબ્બા પાસે નહતા. એ સમયે મારી બહેન, જોહરાએ તેની સોનાની ચેન અને કડા વેચીને મારી ફી ભરવાની ગોઠવણી કરી. મારા ઉપર એમની આશા અને વિશ્વાસ દેખીને હું ભાવુક થઈ ગયો.

MITમાં સૌથી વધુ મજા આવી. ત્યાં બે એરોપ્લેન રાખેલા જોઈને મને એની તરફ વિશેષ આકર્ષણ અનુભવાતું હતું. જ્યારે વિદ્યાર્થીઓ હોસ્ટેલ જતાં રહેતા ત્યારે હું કેટલાયે કલાકો સુધી એની પાસે બેસી રહેતો હતો. ફર્સ્ટ યર પાસ કર્યા બાદ, જ્યારે મારે મારી સ્પેશિયલ બ્રાન્ચની પસંદગી કરવાની હતી ત્યારે મેં તરત જ એરોનોટિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચ પસંદ કરી લીધી. MITની તાલીમ વખતે મને ત્રણ ટીચર્સે ખૂબ મદદ કરી. Prof. Sponder, Prof. KAV Pandalai, Prof. Narasingha Rao.

Prof. Sponder ટેકનિકલ એરોડાયનેમિક શીખવાડતા હતા. એરોનોટિકલ એન્જિનિયરિંગમાં દાખલો લેતા પહેલા મેં એમની પાસેથી સલાહ લીધી હતી. એમણે મને સમજાવતા કહ્યું હતું કે, મારે સ્પેશિયલાઈજેશનનો નિર્ણય કરતાં પહેલા તેની શક્યતાઓ વિષે વિચારવું ન જોઈએ. પણ એ વિચારવું જોઈએ કે હું એ સ્પેશિયલાઈજેશન માટે કેટલો ઉત્સાહી, જિજ્ઞાસુ અને પેશેનેટ છું. Prof. KAV Pandalaiએ મને એરો-સ્ટ્રક્ચર ડિઝાઇન અને એના વિશ્લેષણ વિશે શીખવાડ્યુ. એ ખૂબ આનંદિત અને મૈત્રીભર્યા ટીચર હતા. દર વર્ષે એ ભણાવવાની એક નવી રીત, નવો દ્રષ્ટિકોણ લઈ આવતા. Prof. Narasingha Rao મેથેમેટિશન હતા. એ એરોડાયનેમિક્સની થિયેરી શીખવતા હતા. એમના ક્લાસમાં દાખલ થયા બાદ મને મેથેમેટિકલ ફિઝીક્સ બાકીના તમામ વિષયો કરતાં વધુ ગમવા લાગ્યો હતો.

MITથી હું બેંગલોરના Hindustan Aeronautics Limited (HAL)માં ટ્રેઇની તરીકે ગયો. HALથી હું જ્યારે એરોનોટિકલ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ બનીને નીકળ્યો, ત્યારે જિંદગીએ મારી સામે બે તકો ઊભી કરી દીધી. એ બંને તકો મારા સપનાને સાકાર કરતી હતી. એક તક હતી એરફોર્સમાં, અને બીજી તક હતી Ministry of Defenseમાં Directorate of Technical Development and Productionમાં નોકરી. મેં બંનેમાં અપ્લાય કર્યું. સદભાગ્યે, ઇન્ટરવ્યુ માટે બંને જગ્યાએથી કોલ આવ્યો. એરફોર્સ માટે મને દહેરાદૂન બોલાવ્યો હતો અને Ministry of Defense માટે દિલ્હી. મારા બંને મુકામો 2000km દૂર હતા, અને આ મારી પહેલી તક હતી મારી માતૃભૂમિની વિશાળતાને દેખવાનો.

ટ્રેનના ડબ્બાની બારીમાંથી, ગામડાના ખેતરોમાં ધોતી અને પાઘડી પહેરેલા ખેડૂતો અને સ્ત્રીઓ કામ કરી રહ્યા હતા. ઉત્તર દિશા તરફ ટ્રેનમાં સફર કરતી વખતે જમીનની માટીના રંગોનું દ્રશ્ય કોઈ પેઈન્ટિગની જેમ બદલાતું જતું હતું.

હું એક અઠવાડિયું દિલ્હીમાં રહ્યો. Ministry of Defenseનું ઇન્ટરવ્યુ આપ્યું. ઇન્ટરવ્યુ સારું ગયું હતું. ત્યાંથી હું દહેરાદૂન ગયો, એરફોર્સ સિલેક્શન બોર્ડના ઇન્ટરવ્યુ માટે. 25 ઉમેદવારોમાંથી 8 ઉમેદવારો લેવાના હતા, અને મારો નંબર 9મો હતો. મારું મન હતાશ થઈ ગયું. ઘણા દિવસ સુધી અફસોસ રહ્યો કે એરફોર્સમાં જવાની તક મારા હાથમાંથી નીકળી ગઈ.

હું ઋષિકેશ જતો રહ્યો. મન પર એ ભાર લઈને કે આવનારા દિવસો ઘણા કપરા હશે. ત્યાં ગંગામાં સ્નાન કર્યું અને પછી ત્યાં એક પહાડી પર આવેલા શિવાનંદ આશ્રમ પર ચાલતો ચાલતો પહોંચી ગયો. ત્યાં સ્વામીશિવાનંદ સાથે મુલાકાત થઈ. દેખાવમાં એ બિલકુલ ગૌતમ બુદ્ધ લાગતાં હતા. સફેદ દૂધ જેવી ધોતી અને પગમાં લાકડાની ચાખડી. એમનું ભૂલકાંઓ જેવુ નિર્દોષ સ્મિત અને દરિયાદિલી દેખીને હું ખૂબ પ્રભાવિત થયો. મેં એમને કહ્યું કે હું કેવી રીતે ઈન્ડિયન એરફોર્સમાં ભરતી થવા માટે રહી ગયો. એ મુસ્કુરાયા અને કહ્યું, ‘ઈચ્છા જો દિલથી નીકળી હોય, પવિત્ર હોય, અને એમાં તીવ્રતા હોય તો એમાં એક પ્રકારની ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી હોય છે. દિમાગ જ્યારે ઊંઘતું હોય ત્યારે એ એનર્જી રાતની શાંતિમાં બહાર નીકળી જાય છે, અને બ્રહ્માણ્ડમાં જઈને પાછી દિમાગમાં આવી જતી હોય છે. એટ્લે તે જે વિચાર્યું છે એ સાકાર થવાનું નિશ્ચિત છે. તકલીફ થશે, પણ તું વિશ્વાસ રાખ આ વચન પર, કે સૂર્ય ફરીથી ઊગશે અને વસંત ફરી આવશે...’

હું દિલ્હી પાછો આવ્યો. Ministry of Defenseથી આવેલા લેટરનો જવાબ મોકલ્યો. જવાબમાં એમણે આપોઈન્ટમેન્ટ લેટર થમાવી દીધો. અને બીજા દિવસે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ તરીકે મને રાખી લીધો, 250 રૂપિયાના પગાર પર.

ત્રણ વર્ષ વીતી ગયા. એ દિવસોમાં બેંગલોરમાં Aeronautical Development Establishment (ADE)માં એક નવી સંસ્થા ખૂલી અને મને ત્યાં પોસ્ટ કરી દેવામાં આવ્યો. બેંગલોર કાનપુરથી બિલકુલ ભિન્ન શહેર હતું. ADEમાં હું Directorateનું પહેલું વર્ષ ત્યાં વિતાવી ચૂક્યો હતો. બેંગલોરમાં રહીને હું રામેશ્વરમના શાંત અને શુદ્ધ વાતાવરણ માટે તરસતો હતો.

પહેલું વર્ષ ADEમાં ખાસ કોઈ કામ નહતું. અમે એક પ્રોજેક્ટ ટીમ બનાવી હતી ત્રણ વર્ષમાં એક સ્વદેશી હોવરક્રાફ્ટ તૈયાર કરવા. અને એ નિર્ધારિત સમય પહેલા તૈયાર થઈ ગયું. એનું નામ નંદી રાખવામાં આવ્યું – શિવની સવારીના આધાર પર. ની ડિઝાઇન અમારી અપેક્ષા કરતાં ઘણી સરસ હતી. પણ હું ખૂબ હતાશ થઈ ગયો હતો જ્યારે આ પ્રોજેકટ એક કોન્ટ્રવર્સીમાં બંધ કરાવી દીધો હતો.

Tata Institute of Fundamental Research(TIFR)ના ડાઇરેક્ટર પ્રો. MGK Menon, એક દિવસ અચાનક અમારી ત્યાં આવી પહોંચ્યા. પૂછતાજ કરતી વખતે નંદીની વાત નીકળી, ત્યારે એમણે એક ઈચ્છા જાહેર કરી, નંદીની દસ મિનિટની ઉડાન માટે. એના એક અઠવાડીયા પછીની વાત છે. Indian Committee for Space Research (INCOSPAR) તરફથી મને એક કોલ આવ્યો. હું મુંબઇ જતો રહ્યો. Rocket Engineerની પોસ્ટ માટે ઇન્ટરવ્યુ આપવા. મારું ઇન્ટરવ્યુ લેનાર ડો. વિક્રમ સારાભાઈ, પ્રો. MGK Menon, ને મિસ્ટર સરાફ હતા. મિસ્ટર સરાફ એ સમયે Atomic Energy Commissionની Deputy Secretaryના હોદ્દા પર હતા. ડો સારાભાઇ સાથેની પહેલી મુલાકાતે મારું દિલ મોહી લીધું. બીજા દિવસે સાંજે મને ખબર મળી કે, INCOSPARમાં rocket engineerની પોસ્ટ માટે મને સિલેક્ટ કરી લેવાયો છે.

1962ના વર્ષમાં INCOSPARથુમ્બામાં Equatorial Rocket Launching Station બનાવવાનું નક્કી કર્યું. થુમ્બા એ કેરેલામાં Trivandrumની નજીક આવેલા એક ગામનું નામ છે. હિંદુસ્તાનમાં આ મોડર્ન રોકેટ બેઝ્ડ રિસર્ચની આ એક નાની શરૂઆત હતી. એના પછી તરત જ મને 6 મહિના માટે અમેરિકા મોકલી દેવામાં આવ્યો. NASAમાં રોકેટ લોંચિંગની ટ્રેનિંગ માટે. અમેરિકા જવાની પહેલા હું થોડોક સમય નિકાળીને રામેશ્વરમ ગયો. મારા અબ્બા મારી આ સફળતા માટે ખૂબ ખુશ થયા. મને એ જૂની મસ્જિદમાં ખુદાનો આભાર વ્યક્ત કરવા ખાસ નમાજ પઢાવવા લઈ ગયા.

NASAના Langley Research Centre (LRC), Virginiaમાં મેં મારા કામની શરૂઆત કરી. ત્યારબાદ Goddard Space Flight Centre (GSFC) Maryland આવી ગયો. અમેરિકનોની મારા પર જે છાપ પડી એને હું Benjamin Franklinના એક ક્વોટ પરથી વર્ણવી શકું છું, ‘જે વાતથી તકલીફ થાય છે, એનાથી તાલીમ પણ મળતી હોય છે.’

હું જેવો NASAથી પાછો આવ્યો, એના પછી તરત હિંદુસ્તાનનું પહેલું રોકેટ લોન્ચ થયું. 21 નવેમ્બર, 1963. એ સાઉન્ડિંગ રોકેટ હતું. જેનું નામ હતું NikeApache. NikeApacheની સફળતા પછી પ્રો. સારાભાઈએ તેમનું એક સપનું વ્યક્ત કર્યું – એક Indian Satellite Launch Vehicle (ISLV)નું સપનું.

પંડિત જવાહરલાલ નહેરુને લીધે રોકેટ લોંચિંગનું સપનું પુન:જીર્વિત થયું. પ્રો. સારભાઈએ એ સપનું પૂરું કરવાની જવાબદારી એમના માથા પર લીધી. ઘણા લોકોનો એ વાત પર વિરોધ હતો કે, દેશમાં ઘણા લોકોને બે ટંકનું પૂરતું ભોજન મળતું નથી, ત્યાં હવાઈ ઉડાનોને શા માટે મહત્વ આપવામાં આવે છે? પણ પ્રધાન મંત્રી પંડિત નહેરુ અને પ્રો. સારાભાઇની દ્રષ્ટિમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ નહતો. એમનો દ્રષ્ટિકોણ બિલકુલ સ્પષ્ટ હતો, કે જો દુનિયામાં બીજા દેશોના સાપેક્ષમાં હિંદુસ્તાનને કોઈ હેંસિયત હાંસિલ કરવી હશે તો એના માટે સાયન્સ અને ટેકનૉલોજીનો વિકાસ કરવો ખૂબ અગત્યનો છે; અને એમનો હેતુ તાકાત હાંસિલ કરવાનો ક્યારેય નહતો.

થુમ્બામાં બે રોકેટ Rohini અને Menaka સફળ રહ્યા. આગળના વર્ષે પ્રો. સારાભાઈએ મને દિલ્હી બોલાવી દીધો. એક મિટિંગ હતી અને મિટિંગમાં મારો પરિચય ગ્રૂપ કેપ્ટન VS Narayanan સાથે કરાવ્યો. પ્રો. સારાભાઇએ અમને કોફી ઓફર કરી અને rocket-assisted take-off system (RATO) બનાવવાનો ઇરાદો જાહેર કર્યો. એક મિલેટરી એરક્રાફ્ટ, જે રોકેટની મદદથી ઉડાવી શકાય. નાની જગ્યાએથી. સાંજ સુધીમાં તો આ વાતની ખબર પણ ફેલાઈ ગઈ કે હિંદુસ્તાન એક મિલેટરી એરક્રાફ્ટ તૈયાર કરી રહ્યું છે. હું આ પ્રોજેકટનો મુખ્ય ભાગ છું એ વાતથી મારું હ્રદય ઘણી લાગણીઓના પુરથી ભરાઈ ગયું હતું – સુખ, કૃતજ્ઞતા, અને પરિપૂર્ણતાની ભાવનાથી.

RATO પર કામ કરતી વખતે બે મુખ્ય વાતોનો વિકાસ થયો : એક, આપણાં દેશમાં પહેલીવાર સ્પેસ રિસર્ચનો દસ વર્ષનો પ્રોગ્રામ તૈયાર થયો હતો, જેના લેખક હતા પ્રો. સારાભાઈ. અને બીજી, Ministry of Defenceમાં Missile Panelનું તૈયાર થવું. Narayanan અને હું આ પેનલના મેમ્બર હતા. દસ વર્ષના સમય સુધી ભવિષ્યમાં આવનારી Satellite Launch Vehicles (SLVs)નો નાક-નકશો પણ તૈયાર થઈ ચૂક્યો હતો. પ્રો. સારાભાઇ તેમના સપનાને જીવંત કરવા કેટલાક બીજા સાથીઓનો પણ ચુનાવ કરી ચૂક્યા હતા. હું મારી જાતને નસીબદાર સમજુ છું કે એ પ્રોજેકટના લીડર તરીકે મને પસંદ કરાયો હતો. આ સિવાય પ્રો. સારભાઈએ મારા ઉપર બીજી એક જવાબદાઈ સોંપી કે, લોન્ચની ચોથું સ્ટેપ પણ હું જ ડિઝાઇન કરું.

મારો નિયમ હતો, કે દરેક મિસાઇલ પેનલ મિટિંગની બાદ હું પ્રો. સારાભાઇની પાસે જઈને પૂરો રિપોર્ટ આપતો હતો. દરરોજની જેમ 30 ડિસેમ્બર 1971માં હું Trivandrum ફરી રહ્યો હતો. અને એ દિવસ પ્રો. સારાભાઇ થુમ્બામાં SLVની તપાસ કરવા ગયા હતા. દિલ્હી એરપોટના વિશ્રામખંડમાંથી મેં એમને ફોન કર્યો અને પેનલ મિટિંગ વિષે રિવ્યુ આપ્યો. પ્રો. સારાભાઇએ મને કહ્યું કે, હું Trivandrum એરપોટ પર પહોંચું. એ ત્યાં મારી રાહ દેખશે.

હું જ્યારે Trivandrum પહોંચ્યો ત્યારે ત્યાં માતમનું વાતાવરણ છવાયેલું હતું. મને સમાચાર આપ્યા કે, પ્રો. સારાભાઇ હવે નથી રહ્યા. થોડાક કલાકો પહેલા હ્રદય હુમલાથી તેમનું મૃત્યુ થયું હતું. મારા પર જાણે વીજળી પડી હોય એવો આઘાત લાગ્યો. પ્રો. સારાભાઇ મારી નજરમાં ઈન્ડિયન સાયન્સના રાષ્ટપિતા છે. જેમ ભારતના રાષ્ટપિતા મહાત્મા ગાંધી છે એમ. એમણે એમની ટીમમાંથી દેશ માટે લીડર્સ પેદા કર્યા અને પોતે એમના માટે એક પ્રેરણામુર્તિ સાબિત થયા હતા.

કેટલાક સમય સુધી Prof. MGK Menonને સ્પેસ રિસર્ચનું કામ સંભાળ્યું; અને પછી આખરે Prof. Satish Dhawanને Indian Space Research Organization (ISRO)ની જવાબદારી સોંપી દીધી. થુમ્બાના આખા કોમ્પ્લેક્સમાં સ્પેસ રિસર્ચ સેન્ટર બનાવી દેવાયું અને એને Vikram Sarabhai Space Centre (VSSC) નામ આપવામાં આવ્યું. જેના લીધે એ સેન્ટર ઊભું થયું હતું એમનુ નામ શ્રદ્ધાંજલી તરીકે રાખવામાં આવ્યું. પ્રખ્યાત metallurgist, Dr Brahm Prakash VSSCના પહેલા ડાઇરેક્ટર બન્યા.

કોઈપણ વ્યક્તિ તેની જવાબદારીમાં ત્યારે સફળ થઈ શકે છે જ્યારે એની પાસે પૂરતી આઝાદી હોય, શક્તિશાળી અને ગણનાપાત્ર થાય એવું પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય. અંગત આઝાદી હાંસિલ કરવા હું બે ટેકનિક્સનો ઉપયોગ કરતો હતો. પહેલા તો તમારા શિક્ષણ અને જ્ઞાનમાં વધારો કરો. જેટલું બને એટલું જ્ઞાન ભેગું કરો. જ્ઞાન એવી વસ્તુ છે જે કોઈ છીનવી શકતું નથી. અને બીજું, પોતાના કામને પોતાનો ગર્વ સમજો. જેના પર વિશ્વાસ હોય એજ કામ કરો.

SLV પ્રોજેક્ટના પહેલા ત્રણ વર્ષમાં સાયન્સ વિષે ફેસિનેટ કરતા ઘણા નવા નવા રહસ્યો ખૂલ્યા. અને ધીરે ધીરે સાયન્સ અને ટેકનૉલોજી વચ્ચેનો તફાવત સમજવામાં આવવા લાગ્યો. રિસર્ચ અને ડેવલપમેન્ટ વચ્ચેનું અંતર સમજાવવા લાગ્યું. કોઈ પણ પ્રોફેશનમાં ભૂલ થવી જરૂરી છે. દરેક ભૂલો સફળતા તરફ એક કદમ ઉઠાવે છે, અને સીડી બની જાય છે.

ઘણી તકલીફોની જેમ SLV-3 પણ અનેક તકલીફોમાંથી પસાર થયું. એક વખત હું અને મારા સાથી પૂરેપૂરા કામમાં ગળાડૂબ હતા, ત્યારે મારા ઘરથી એક અશુભ સમાચાર આવી પહોંચ્યા. મારા બનેવી અને દોસ્ત, જલાલુદ્દીનનું મૃત્યુ થઈ ગયું હતું. થોડીક વાર માટે તો હું સુન્ન થઈ ગયો. મારી આંખોમાં અંધારું છવાઈ ગયું. થોડીક વાર બાદ જ્યારે હું સ્વસ્થ થયો ત્યારે એવો અહેસાસ થયો કે મારા અસ્તિત્વનો એક ભાગ મરી ગયો હતો. એમની સાથે વિતાવેલી એ યાદોના સંસ્મરણો મારા મનમાં ચલચિત્રની જેમ પસાર થવા લાગ્યા. હું જાણે ટાઈમ અને સ્પેસના વમળમાં ધસતો જતો હોવ એવું અનુભવી રહ્યો હતો. એ રાત્રે બસમાં સફર કરી હું રામેશ્વરમ પહોંચ્યો. મારી બહેન જોહરા વિલાપ કરી કરીને અડધી થઈ ગઈ હતી. સાંત્વના આપવા મારી પાસે શબ્દો નહતા.

થુમ્બા જઈને ઘણા દિવસો બધુ કામકાજ નિરર્થક લાગવા લાગ્યું. પ્રો. ધવન ઘણા સમય સુધી મને હિંમત આપતા રહ્યા. એ કહેતા : ‘SLV પર જેમ જેમ કામ આગળ વધશે એમ એમ આશ્વાસન મળતું જશે, અને દુ:ખ હળવું પડતું જશે.’

1976માં મારા અબ્બા, જૈનુલાબ્દિને 102 વર્ષની ઉંમરે રામેશ્વરમમાં જ દેહ ત્યાગ કર્યો. હું ઘણા સમય સુધી મારી અમ્મીના પાસે ચૂપચાપ બેસી રહ્યો. જ્યારે થુમ્બા જવા નીકળ્યો ત્યારે તેણે ભીના સ્વરે મને આશીર્વાદ આપ્યા.

SLV-3 Apogee રોકેટ, જે ફ્રાંસથી ઉડાવવાનું હતું, એ અચાનક કોઈ તકલીફોનું શિકાર બની ગયું. મારે તત્કાલિક ફ્રાંસ જવાનું નક્કી થયું. હું જવાની તૈયાર કરતો હતો ત્યાં જ... મારી અમ્મીના મૃત્યુના ખબર મળ્યા! એક પછી એક ત્રણ મૌત મારા ઘરમાં થઈ ગયા... એ સમયે મને મારા કામમાં પૂરા ધ્યાનની જરૂરિયાત હતી. દિલોજાનથી કામ કરવાનો જુસ્સો મારા દુ:ખ અને તકલીફોને સહન કરવાની હિંમત બક્ષતો રહ્યો. પૂરી જવાબદારી અને લગનથી SLV-3નું સપનું 1979માં પૂરું થયું.

અમે SLV-3 ઉડાનનો ટ્રાયલ દિવસ 10 ઓગસ્ટ 1979ના દિવસે નક્કી કર્યો હતો. 23 મીટર લાંબુ, 4 સ્ટેજનું રોકેટ, 17 ટનનું વજન લઈને 7 વાગ્યેને 58 મિનિટ પર અદભૂત રીતે ઉડાન ભરી અને આકાશ તરફ રવાના થયું. પહેલું સ્ટેજ એકદમ સરસ રીતે પસાર થઈ ગયું, અને રોકેટ બીજા સ્ટેજમાં દાખલ થયું. અમારા બધાનો શ્વાસ અદ્ધર થઈ ગયેલો હતો. અમારું વર્ષોનું સપનું આકાશ તરફ ઉડાન ભરી રહ્યું હતું. અચાનક અમારા સપનામાં તકલીફ આવી... અમારા સૌના હ્રદયના ધબકારા અને શ્વાસ તૂટવા લાગ્યા. સ્ટેજ 2 કાબુની બહાર જવા લાગ્યું હતું. 317 સેકન્ડ બાદ રોકેટ બંધ પડી ગયું. મારી આશા અને મહેનત સાથે તૂટી ગયેલા રોકેટનો કાટમાળ 560kmની અંતરે આવેલા શ્રીહરિકોટા સમુદ્રમાં ખાબકી પડ્યો.

આ ઘટનાથી અમને બધાને ખૂબ જ ભારે આઘાત લાગ્યો. અચાનક મારા પગ જકડાઈ ગયા. મારું મન નિરાશા અને ગુસ્સાથી ભરાઈ ગયું હતું. હું તરત જ મારા રૂમમાં ગયો અને બેડમાં પડ્યો. મેં મારા ખભા પર એક દિલાસો આપતો હાથ મહેસુસ કર્યો, તો આંખ ખોલી. બપોર ઢળી ચૂકી હતી અને સાંજ નજીક હતી. Dr. Brahm Prakash મારી બાજુમાં બેઠા હતા. એમની હમદર્દી મને સ્પર્શી ગઈ. હું ઉદાસ હતો, નિરાશ હતો, પણ એકલો નહીં.

હું અચાનક ઊભો થઈ ગયો અને પ્રો. ધવનને કહ્યું કે, ‘સર, આ મિશનની અસફળતાનું કારણ પકડાઈ ગયું એટ્લે મારા સાથીઓ રાહતથી બેઠા છે, પણ હું આ મિશનનો ડાઇરેક્ટર હોવાની નાતે આ ભૂલને પણ હું મારી જવાબદારી સમજુ છું. SLV-3ની અસફળતા એ મારી જવાબદારી છે.’

સાયન્સનું કામ જેટલી વધુ ખુશી આપે છે એટલી જ ઊંડી નિરાશા પણ. આ પ્રકારના વાક્યો કહીને હું મારી જાતને સાંત્વના આપતો રહ્યો કે, મનુષ્ય ચંદ્ર પર ઉતરી શકે છે એ સપનું સૌથી પહેલા Russian mathematicianને દેખ્યું હતું. એને હકીકત બનવામાં 40 વર્ષ વીતી ગયા જ્યારે અમેરિકાએ એ સપનાને પૂરું કર્યું. 1930માં પ્રો. ચંદ્રશેખર જ્યારે ભણી રહ્યા હતા ત્યારે ‘ચંદ્રશેખર લિમિટ’ની શોધ કરી હતી, પણ એમને એ શોધ પર ‘નોબલ પ્રાઇઝ’ 50 વર્ષ પછી મળ્યું. Von Braun તેમની Saturn launch vehicleથી મનુષ્યને ચંદ્ર પર ઉતારવાના પહેલા કેટલી બધી અસફળતામાંથી પસાર થયા હશે...!? ‘પહાડની ચોટી પર ઉતરવાથી પહાડ ચડવાનો અનુભવ નથી મળતો. જિંદગી પહાડની ચડાઈ પર મળે છે, ચોટી પર નહીં. પહાડની ચોટી સુધી પહોંચવાનો અનુભવ ચડાઇથી જ મળે છે.’

SLV-3ની ઉડાનના 30 કલાક પહેલા 17 જુલાઇ 1980ના દિવસે, છાપાઓ અલગ અલગ પ્રકારની ભવિષ્યવાણીથી ભરેલા હતા. મોટાભાગના રિપોટર્સે જૂની SLV-3ની ઉડાન યાદ અપાવી હતી કે કેવી રીતે એ રોકેટ નિષ્ફળ રહ્યું હતું. હું જાણતો હતો કે આગળના દિવસનું પરિણામ અમારા ભવિષ્યના સ્પેસ પ્રોગ્રામનો ચુકાદો નક્કી કરવાનું હતું. દરેક દેશની નજર અમારા પર સ્થિર થયેલી હતી.

18 જુલાઇ 1980, સવારના 8:03 વાગ્યે હિંદુસ્તાનનું સૌથી પહેલું સેટેલાઈટ વેહિકલ લોન્ચ થઈ રહ્યું હતું. મેં Rohini સેટેલાઈટના તમામ ડેટા કોમ્પ્યુટર પર તપાસ્યો. આગળની બે મિનિટ બાદ Rohini અંતરિક્ષમાં હતો.

આસપાસના લોકોના આનંદોત્સવભર્યા માહોલ વચ્ચે મેં મારા જીવનના અગત્યના શબ્દો ઉચ્ચાર્યા : ‘હું મિશન ડાઇરેક્ટર બોલી રહ્યો છું. એક જરૂરી ખબર સાંભળવા તૈયાર રહો. ચોથું સ્ટેજ સફળતાપૂર્વક પસાર થઈ, Rohini સેટેલાઈટને લઈને અંતરિક્ષમાં દાખલ થઈ રહ્યું છે.’

હું બ્લોક હાઉસમાંથી બહાર આવ્યો ત્યારે મારા સાથીઓએ મને ખભા પર ઉઠાવી લીધો હતો... અને નારાઓ લગાવતા મારી સવારી કાઢી... દરેકના ચહેરા પર ખુશીની એક લહેર દોડી ગઈ... હિંદુસ્તાનનું નામ એવા થોડા દેશ સાથે સામેલ થઈ ગયું હતું જેની પાસે સેટેલાઇટ લોન્ચની કાબેલિયત હતી... અમારું વર્ષોનું એક સપનું પૂરું થયું હતું અને આપણાં દેશ માટે એક નવો રસ્તો ખૂલી ગયો હતો.

પ્રધાન મંત્રી ઇન્દિરા ગાંધીએ ધન્યવાદ પાઠવતો એક પત્ર મોકલ્યો. સૌથી વધુ હિંદુસ્તાનના વૈજ્ઞાનિક સમુદાયના લોકો ખુશ હતા અને તેઓ ગર્વ મહેસુસ કરતાં હતા કારણ કે આ પ્રોજેકટનો સંપૂર્ણ પ્રયત્ન સ્વદેશી હતો.

હું સંમિશ્રિત લાગણીઓ અનુભવી રહ્યો હતો. હું ખુશ હતો કે છેલ્લા બે દાયકાથી જે કોશિશમાં હતો એમાં કામિયાબ રહ્યો હતો. પણ મન થોડુક ઉદાસ હતું કારણ કે જે લોકોની મદદથી અહીં પહોંચ્યો હતો એ લોકો મારી સાથે નહતા. મારા અબ્બા, અમ્મી, બનેવી જલાલુદ્દીન અને પ્રો. સારાભાઇ.

SLV-3ની સફળતાના એક મહિનાની અંદર, એક દિવસ પ્રો. ધવનનો ફોન આવ્યો. પ્રધાન મંત્રીને મળવા માટે તેમણે મને દિલ્હી બોલાવ્યો. કપડાં વિશે મારા મનમાં એક મૂંઝવણ હતી. હંમેશાથી એકદમ સાધારણ કપડાં પહેરું છું અને પગમાં સ્લિપર્સ. પ્રધાન મંત્રીને મળવા જવાય એવો તો એ પહેરવેશ નહતો. મારા પહેરવેશ વિશે મેં પ્રો. ધવનને કહ્યું તો એમણે કહ્યું, ‘પહેરવેશની ચિંતા તમે ના કરો. તમે શાનદાર કામિયાબીનો જે પહેરવેશ પહેરી રાખ્યો છે એ જ કાફી છે.’

રિપબ્લિક દિવસ 1981 મારા માટે ખૂબ મોટા શુભ સમાચાર લઈ આવ્યો કે, મને પદ્મભૂષણથી સન્માનિત કરાવાયો. મેં મારા રૂમને બિસ્મિલ્લાની શરણાઈના ગુંજથી ભરી દીધી. શરણાઈની ગુંજ મને ક્યાંક બીજે જ લઈ ગઈ. હું રામેશ્વરમ પહોંચી ગયો. ઘરે જઈને અમ્મીને ભેટી પડ્યો. અબ્બાએ મારા વાળમાં એમની આંગળીઓ ફેરવી, મારો દોસ્ત, જલાલ્લુદિન મસ્જિદની ગલીઓમાં ખુશખબર લોકોમાં જાહેર કરી રહ્યો હતો, અને મારી બહેન જોહરાએ મારા માટે ખાસ મીઠાઇઓ બનાવી હતી. પક્ષી લક્ષ્મણ શાસ્ત્રીએ મારા લલાટ પર તિલક લગાવ્યું. ફાધર સોલોમોને મારા હાથમાં ક્રોસ પકડાવી આશીર્વાદ આપ્યા. અને પ્રો. સારાભાઇને દેખ્યા, તેમના ચહેરા પર મુસ્કાન હતું, ગર્વ હતો. જે છોડ તેઓ રોપીને ગયા હતા એ આખું વૃક્ષ બની ગયું હતું, જેના ફળો આખા હિંદુસ્તાનના લોકો સુધી પહોંચી રહ્યા હતા.

1 જૂન 1982માં મેં Defence Research & Development Laboratory (DRDL)ની જવાબદારી સાંભળી લીધી. એ સમયના ડિફેન્સ મિનિસ્ટર શ્રી આર. વેંકટરામને સલાહ આપી કે, ‘તબક્કામાં મિસાઇલ બનાવવાને બદલે, એક સંકલિત માર્ગદર્શિત મિસાઈલ પ્રોગ્રામ બનાવવાનું શરૂ કરવું જોઈએ.’ આ સાંભળીને અમને અમારા કાન પર વિશ્વાસ ન આવ્યો. અને જોત-જોતામાં તો એક સંપૂર્ણ મિસાઇલનો પ્રોગ્રામ બની ગયો. જેનું પરિણામ ઘણું દૂર સુધી પહોંચ્યું. દરેક મિસાઈલના નામ હિંદુસ્તાનના શબ્દો પરથી રાખવામાં આવ્યા. Surface-to-Surface મિસાઇલનું નામ ‘પૃથ્વી’, Tactical Core Vehicleને ‘ત્રિશુલ’ રાખવામાં આવ્યું, Surfaceto-Air area defence systemને ‘આકાશ’, Anti-tank missile projectને ‘નાગ’ નામ રાખવામાં આવ્યું, અને મારા સપનામાં પનપતું Re-entry Experiment launch vehicle (REX)ને ‘અગ્નિ’ નામ આપવામાં આવ્યું.

મિસાઇલ ટેકનૉલોજીનું ટેલેન્ટ દુનિયાના ખૂબ ઓછા દેશો પાસે હતું. આશ્ચર્યથી એ લોકો અમારી તરફ દેખી રહ્યા હતા કે અમે શું કરવા જઈ રહ્યા છીએ અને કેવી રીતે કરીશું.

1984નું લક્ષ્ય પૂરું કરવા માટે અમે એક મિટિંગમાં બેઠા હતા, ત્યારે Dr. Brahm Prakashના મૃત્યુની ખબર મળી. મારા માટે આ એક બીજો આઘાત હતો. પહેલી SLV-E1ની અસફળતા વખતે મને જે સાંત્વના આપી હતી એ યાદ કરીને હું વધુ ગમગીન થઈ ગયો. પ્રો. સારાભાઈ VSSCના સર્જક હતા, તો Dr Brahm Prakash એના એક્ઝિક્યુટર હતા.

1988માં પૃથ્વી મિસાઇલનું કામ પૂરું થવાની નજીકમાં હતું. 25 February 1988ના દિવસે સવારે 11:23 કલાકે પૃથ્વી મિસાઇલ લોન્ચ કરી. દેશની આ એક ઐતિહાસિક તક હતી. પૃથ્વી એક Surface-to-Surface મિસાઇલ જ નહીં, પરંતુ ભવિષ્યમાં આવનારી તમામ મિસાઈલ્સનો મૂળભૂત નકશો હતો. પૃથ્વીએ આસપાસના દેશાને ગભરાવી મૂક્યા. પહેલા તો એમને આશ્ચર્ય થયું, ગુસ્સો પ્રગટ કર્યો, અને પછી અમારા પર એવો પ્રતિબંધ લગાવી દીધો કે, અમે એવી કોઈપણ વસ્તુ બહારના દેશો પાસેથી ન ખરીદી શકીએ જે અમારા મિસાઇલ પ્રોગ્રામમાં વપરાતી હોય.

હિંદુસ્તાનમાં મિસાઇલના આવિષ્કારે દુનિયાના તમામ વિકસિત દેશોને હેરાન-પરેશાન કરી મૂક્યા.

અગ્નિની ટીમમાં 500થી વધુ વૈજ્ઞાનિકો સામેલ હતા. તેનું લોંચિંગ શેડ્યૂલ 20 એપ્રિલ 1989ના દિવસે રાખવામા આવ્યું હતું. લોન્ચની બધી તૈયારી થઈ ચૂકી હતી. સુરક્ષા માટે એ નિર્ણય લેવાયો કે લોન્ચ વખતે આસપાસના તમામ ગામડાઓ ખાલી કરાવવામાં આવે. છાપાવાળાઓ અને મીડિયાએ આ વાતને ખૂબ ઉછાળી. 20 એપ્રિલ પહોંચતા પહોંચતા દરેક દેશોની નજર અમારા પર સ્થિર થયેલી હતી. બીજા દેશો તરફથી દબાણ વધી રહ્યું હતું કે અમે આ પ્રયોગને રદ કરી દઈએ. પરંતુ સરકાર મજબૂત દીવાલ બનીને અમને ટેકો આપવા ઊભી હતી. અને અમને બિલકુલ પણ પાછળ પડવા ન દીધા. લોન્ચના 14 સેકન્ડ પહેલા કોમ્પ્યુટરે અમને ‘રોકવાનો’ ઈશારો કર્યો. કોઈ એક ઇન્સ્ટ્રુમેન્ટમાં ખામી હતી એ તરત રીપેર કરી દીધી. પરંતુ એજ સમયે down-range station તરફથી ફરીથી ‘રોકવાનો’ હુકમ મળ્યો. થોડીક સેકન્ડ્સમાં એકથી વધુ બાધાઓ આવવા લાગી. આખરે મિસાઇલ લોંચિંગ રદ કરી દેવામાં આવ્યું.

મીડિયાના લોકોએ આ વાતમાં અતિશયોક્તિ ઘોળીને લોકોમાં ખૂબ ચગાવી. Cartoonist Sudhir Darએ એક કાર્ટૂન બનાવ્યું, જેમાં એક ખરીદદાર દુકાનદરને સમાન પાછો કરતાં કહેતો હતો : ‘અગ્નિની જેમ આ પણ ના ઉપડી!’. હિંદુસ્તાન ટાઈમ્સમાં એક નેતાનું કાર્ટૂન લોકોને કટાક્ષમાં કહેતું હતું : ‘ચિંતા ના કરો. આ મિસાઇલ કોઈને નુકસાન નહીં કરે. આતો શાંત અને અહિંસક મિસાઇલ છે!’

દસ દિવસ સુધી મિસાઇલની ખામીઓ દૂર કરવા પર કામ ચાલ્યું. અને આખરે વૈજ્ઞાનિકોએ અગ્નિના લોંચિંગ માટે બીજી તારીખ નક્કી કરી, પરંતુ ફરીથી એજ થયું. 10 સેકન્ડ પહેલા કમ્પ્યુટરે ‘રોકવા’નો ઈશારો કર્યો. અગ્નિનું લોંચિંગ ફરીથી રદ કરી દીધું. આવી બાબત કોઈપણ વૈજ્ઞાનિક પ્રયોગમાં થવી સામાન્ય વાત છે. બીજા દેશોમાં પણ આવું ઘણીવાર બનતું હોય છે. પરંતુ આશાથી ભરેલી વસ્તીઓ અમારી મુશ્કેલીઓ સમજવા તૈયાર નહતી.

હિન્દુ છાપામાં કેશવનું એક કાર્ટૂન છાપાયું. જેમાં એક વ્યક્તિ પૈસા ગણતો-ગણતો ગામવાસીઓને કહેતો હતો : ‘મિસાઇલ લોંચિંગ વખતે હટી જવા માટેનું વળતર મળ્યું છે. જો બે-ચાર વાર આ પ્રયોગ પાછો ઠેલાયો, તો હું અહીં ચોક્કસ ઘર બનાવી લઇશ.’ અમુલ બટરવાળાએ એમના હોડિંગ પર લખ્યું : ‘અગ્નિને ઈંધણ માટે અમારા બટરની જરૂરિયાત છે.’

અગ્નિના સમારકામનું કામ ચાલુ રહ્યું. ફરીથી એક વાર આખરે 22 May એ અગ્નિના લોંચિંગની તારીખ નક્કી થઈ. એની આગલી રાત્રે, Dr Arunachalam, જનરલ KN Singh, અને હું Defence Minister KC Pantની સાથે ચાલી રહ્યો હતો. પુર્ણિમાની રાત હતી. સમુદ્રમાં ભરતીના હિલોળનો ઘુઘવાટ ખુદાની ભવ્યતા અને શક્તિનું નામ લઈ રહી હતી. કાલે અગ્નિનું લોંચિંગ સફળતાપૂર્વક થશે કે નહીં એ પ્રશ્ન વારંવાર અમારા મનમાં ગુંજતો હતો. ડિફેન્સ મિનિસ્ટરે લાંબી ખામોશીને તોડતા પૂછ્યું, ‘કલામ, કાલે અગ્નિની સફળતાની ઉજવણી માટે તું શું ઈચ્છે છે?’

મેં મનમાં વિચાર્યું કે, મારી પાસે શું નહતું? ખુશી વ્યક્ત કરવા મારે શું કરવું જોઈએ?

અચાનક મને જવાબ મળી ગયો, ‘આપણે એક લાખ છોડવાઓ રોપીશું.’ મેં કહ્યું અને એમના ચહેરા પર રોનક આવી ગઈ.

એમણે કહ્યું, ‘તું તારી અગ્નિની સફળતા માટે ધરતી માતાના આશીર્વાદ ઈચ્છે છે.’ પછી આગાહી કરતાં કહ્યું, ‘કાલે એજ થશે!’

બીજા દિવસે સવારે 7:10 વાગ્યે અગ્નિ લોન્ચ થઈ. દરેક સ્ટેપ્સ સફળતાપૂર્વક પસાર થયા. મિસાઈલે જાણે આખી ચોપડી યાદ કરી લીધી હતી. લાંબા ખોંફનાક સપના પછી એક સુહાની સવારનો ઉદય થયો હતો. પાંચ વર્ષની મહેનત બાદ અમે આ મુકામ પર પહોંચ્યા હતા. આ કોશિશને રોકવા માટે હિંદુસ્તાનના લોકોએ અમારા પર દરેક પ્રકારનું દબાણ મૂક્યું હતું, પણ અમારે જે હાંસિલ કરવાનું હતું એ કરી દીધું. મારા જીવનની એ સૌથી મૂલ્યવાન મુઠ્ઠીભર ક્ષણો હતી. 600 સેકન્ડ્સ, જેણે અમારો વર્ષોનો થાક દૂર કરી દીધો હતો. વર્ષોની મહેનતે કામિયાબીનું તિલક લગાવ્યું.

એ રાત મેં મારી ડાયરીમાં લખ્યું, ‘અગ્નિને એ નજરથી ના દેખો. આ માત્ર ઉપર ઊડવાનું સાધન નથી કે નથી શક્તિનું પ્રદર્શન. અગ્નિ એક જ્વાળા છે, જે દરેક હિંદુસ્તાનીના દિલમાં સળગી રહી છે. આને મિસાઇલ ના સમજો. આ દેશના માથા પર ચમકતું આગનું સુવર્ણ તિલક છે’

1990ના રિપબ્લિક દિવસ પર મિસાઇલની સફળતા ઉપરની ઉજવણી કરી. મને પદ્મવિભૂષણથી સન્માનિત કર્યો અને Dr Arunachalamને પણ. દસ વર્ષ પહેલા મળેલા પદ્મભૂષણની યાદો ફરીથી તાજી થઈ ગઈ. સાદગીથી જીવન જીવવાનું ધોરણ હજુ પણ મારું એવું જ હતું જેવુ પહેલા હતું. 10 બાય 12નો એક રૂમ પુસ્તકોથી ભરેલો, અને થોડુક ફર્નિચર, જે ભાડે લીધું હતું. ફર્ક માત્ર એટલો હતો કે પહેલા આ સામાન Trivandrumમાં હતો, અને અત્યારે હૈદરાબાદમાં. વેટર મારા માટે નાસ્તો લઈને આવ્યો ઇડલી અને છાશ. એક શાંત મુસ્કુરાહટ સાથે તેણે મુબારક પાઠવ્યું. આપણાં દેશબંધુઓના ભાવભર્યા સ્વાગતથી મારું હ્રદય છલકાઈ ગયું.

હું જાણું છું કે ઘણા વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સ તક મળતાં જ સ્વદેશ છોડીને પરદેશ જતાં રહે છે – વધુ પૈસા કમાવવા માટે. પણ તેમને આ આદર, પ્રેમ, અને ઇજ્જત જે તેમના સ્વદેશના બંધુજનો તરફથી મળતો હોય એ શું તેઓ કમાઈ શકે છે?

15 ઓક્ટોમ્બર 1991માં મને 60 વર્ષ પૂરા થયા. હું મારી રિટાયર્ડમેન્ટની રાહ દેખી રહ્યો હતો. ઈચ્છતો હતો કે બાળકો માટે એક સ્કૂલ ખોલું. આ એ દિવસો હતા, જ્યારે મેં મારી જિંદગીના અનુભવો, સંસ્મરણો, નિરીક્ષણો અને કેટલાક મુદ્દાઓ પરનો અભિપ્રાય બાયોગ્રાફી તરીકે લખી લેવાનું નક્કી કર્યું, જેથી બીજા લોકોને એ કામ આવે.

મારી દ્રષ્ટિએ આપણાં દેશના નવજવાનોને એક સ્પષ્ટ દિશાની જરૂર છે. ત્યારે મેં નક્કી કર્યું કે, હું એ દરેક લોકો વિશે લખીશ જેમના લીધે આજે હું જે કંઈ પણ છું એ એમના લીધે બની શક્યો છું. ઇરાદો એ નહતો કે કોઈ મોટા મોટા લોકોના નામ વિશે લખું, પણ એ હતો કે કોઈ પણ વ્યક્તિ ચાહે કેટલોય ગરીબ કે નીચી જાતિનો ભલે હોય, પણ એણે ક્યારેય હિંમત ન છોડવી જોઈએ. સમસ્યાઓ અને અસફળતાઓ તો જિંદગીનો એક ભાગ છે. કોઇકે કહ્યું છે કે : ‘ભગવાને ક્યારે એવું વચન નથી આપ્યું કે, આકાશ હંમેશા ભૂરું જ રહેશે. જિંદગીભર ફૂલોથી ભરેલો માર્ગ જ મળશે. ભગવાને ક્યારેય એમ નથી કહ્યું કે, સૂર્ય હશે તો વરસાદ નહીં હોય. ખુશી હશે તો દુ:ખ નહીં હોય, શાંતિ હશે તો દર્દ નહીં હોય.’

મને એવો કોઈ અહંકાર નથી કે મારું જીવન દરેક લોકો માટે એક પ્રેરણાદાયી બનશે. પણ એવું બની શકે છે કે કોઈ ગરીબ હોય, નીચી જાતિમાં જન્મ્યો હોય, સામાજિક બંધોનોથી જકડાયેલો હોય, કે નિરાશ થયેલો કોઈ યુવાન આ વાંચે, એને સાંત્વના મળે, અને જીવનમાં કંઈક બની-કરવાની ઉજ્જવળ આશા એનામાં જીવંત થઈ ઊઠે. જેને તેઓ મજબૂરી સમજતા હતા એ મજબૂરી ના લાગે. એમને એ દ્રઢ વિશ્વાસ રહે કે, એ ગમે ત્યાં હોય, પણ ખુદા હંમેશા તેની સાથે છે. કાશ! દરેક હિંદુસ્તાનીના દિલમાં સળગતી આગની જ્વાળાને પાંખો લાગી જાય. અને આ જ્વાળાની ઉડાનથી આખું આકાશ પ્રકાશિત થઈ ઊઠે!

#GreatIndianStories