Chaar, Bas chaar j books and stories free download online pdf in Gujarati

ચાર, બસ ચાર જ!

ચાર, બસ ચાર જ!

– વલીભાઈ મુસા

દિવાળીના તહેવારો ચાલે છે. વેપારીઓ સરવૈયાં મેળવવાની ધમાલમાં છે, પરંતુ મારે સરવૈયાં મેળવવાનાં નથી. મારો હિસાબ ચોખ્ખો છે, મોંઢે જ છે; બચત નથી, દેવુંય નથી. છતાંય ભવિષ્ય માટેની દેવાયોજના વિચારું છું! હા, ઘણી દિવાળીઓ પછીની દેવાયોજના! વર્તમાન અને ભાવી સંતાનોનાં ઉચ્ચ શિક્ષણ વખતની દેવાયોજના!

શિક્ષક છું, એ પણ ચિત્રકલાનો. પગાર એ જ મારી આવક છે. બીજી આવક ક્યાંથી હોય? કલા જન્મગત હોય છે. કલા શીખી શકાય નહિ, કલાને શીખવી પણ શકાય નહિ. તેથી જ કદાચ ચિત્રકલાના વિષય માટે ટ્યુશન રાખનાર વિદ્યાર્થીઓ સાંભળવા મળ્યા નથી! સાચા કલાકારો કલા વેચતા નથી. મેં કલાને વેચી નથી; હા, કલાને ભાડે જરૂર આપી છે! દર મહિને પગાર રૂપે ભાડું વસુલ કરું છું પણ ખરો!

હું બેઠકખંડમાં આરામખુરશી ઉપર ઝૂલી રહ્યો છું. સ્ટવના અવાજ સિવાય ઘરમાં શાંતિ છે. બાળકો અહીંતહીં રમવા ગયાં છે. ત્યાં તો ટપાલીની બૂમ પડે છે. હું વિચારોમાંથી જાગૃત થાઉં છું. બારણા તરફ જાઉં છું. ટપાલી ટપાલની થપ્પી મારા હાથમાં મૂકે છે. હું ટપાલીની જ અદાથી હાથમાં ટપાલ ફેરવતો મારી બેઠક ઉપર પુન: આસન જમાવું છું.

આજની ટપાલોમાં અગાઉના દિવસો કરતાંય વધુ સંખ્યામાં દિવાળીકાર્ડ છે. મોટાભાગનાં કાર્ડ મારા વિદ્યાર્થીઓનાં છે. સત્રના છેલ્લા દિવસની મારી સૂચનાના ફળરૂપે જ મારા ત્યાં અભિનંદનનાં કાર્ડનો ઢગલો થઈ રહ્યો છે. દરેક જણ પોતપોતાની કલા પ્રગટ કરી શકે તે માટે જ મેં આવી સૂચના આપેલી છે. વળી સારી ચિત્રકૃતિ માટે મારા ગજા પ્રમાણેના ઈનામની જાહેરાત પણ કરેલી છે.

દરેકે પોતપોતાની કક્ષા પ્રમાણે સારી એવી જહેમત ઊઠાવી છે. આમ છતાંય ચિત્રકૃતિઓમાં અનુકરણની માત્રા વિશેષ દેખાય છે. નૂતન વર્ષાભિનંદનનાં સૂત્રો અને કાવ્યકંડિકાઓ પણ ચોરેલાં જ વર્તાય છે. માધ્યમિક શાળાનાં બાળકો પાસેથી મૌલિકતાની વધારે પડતી અપેક્ષા તો કઈ રીતે રાખી શકાય?

તેમ છતાંય આજની ટપાલમાં એકાદ મૌલિક સર્જન મળી જાય તે આશાએ હું ઝડપભેર કાર્ડ ફેરવતો જાઉં છું. પરંતુ દરેક કાર્ડે નિરાશા જ ડોકિયાં કરતી દેખાય છે. વિદ્યાર્થીઓએ રંગ તો ઘણા બગાડ્યા છે, પણ ચિત્રના વિષયની પસંદગીમાં મૌલિકતા નથી.

પણ…પણ, આ કાર્ડ મને પેટ પકડીને હસાવી મૂકે છે. મારો હાસ્યધ્વનિ વિભાને રસોડામાંથી મારા ભણી ખેંચી લાવે છે. એ આવતાંવેંત જ મારા હાથમાંથી કાર્ડ ઝૂંટવી લે છે. પછી તો એ પણ મારી સાથે હસવામાં જોડાય છે. અમે બંને હસીએ છીએ, ખડખડાટ હસીએ છીએ. પરંતુ અમારા બંનેના હસવામાં ફેર છે. એ હસે છે, માત્ર ચિત્રને ઉપલકિયા દૃષ્ટિએ જોઈને; જ્યારે હું હસું છું, તેના મર્મને સમજીને!

ચિત્ર છે, આગગાડીનું! હા, આગગાડીનું! પણ, દોરનારે આ ચિત્રમાં જરાય કાળજી લીધી નથી દેખાતી. માત્ર મુક્તહસ્ત રેખાઓ વડે લંબચોરસો રચીને ડબ્બાઓ દર્શાવ્યા છે. આગળ એંજિન જેવો ભાગ સમજી શકાય છે. નીચે અનિયમિત અંતરે બેદરકારીપૂર્વક દોરેલાં વર્તુળો પૈડાંનાં સૂચક છે. ચિત્રમાં દમ નથી, પણ મને હસવું એટલા માટે આવે છે કે ચિત્રકારે એંજિન ઉપર મારું નામ લખ્યું છે. પાણી અને કોલસાના પૂરક ભાગ ઉપર મારી પત્નીનું નામ, તો વળી ત્રણ ડબ્બાઓ ઉપર અમારાં સંતાનોનાં નામ લખ્યાં છે. આટલા સુધી તો ઠીક, પણ ચોથો ડબ્બો અડધો દોરાયેલો છે; જેના ઉપર લખ્યું છે, ‘અડધિયો ડબ્બો!’. નૂતન વર્ષાભિનંદનના સંદેશારૂપે નીચે વાક્ય લખાએલું છે : ‘આપની પરિવારગાડી વિના અવરોધે આગળ ને આગળ ધપતી રહો!’

વિભા સ્મિતસહ પૂછી નાખે છે, ‘આ કયા લુચ્ચાનાં પરાક્રમ છે?’

હું તેને ચાર દિવસ ઉપર પ્રસુતિગૃહ આગળ ભેટી પડેલા ચબરાક અને ટીખળખોર વિનોદની યાદ અપાવું છું. સાચે જ વિનોદે તેના નામ પ્રમાણે યથાર્થ રીતે જ વિનોદ કર્યો છે!

અમારી વચ્ચે પણ વ્યંગવિનોદ શરૂ થાય છે. તે મરકમરક હસતી સૂચવે છે, ‘આમાં એક ખામી રહી જાય છે!’ મને લાગે છે કે હવે તે મર્મને સમજી શકી છે.

હું સહસા પૂછી નાખું છું, ‘શી ખામી?’

“તેણે ગાડી આગળ દર્શાવેલા પાટાઓ વચ્ચે લાલ અક્ષરે ‘ભય’ શબ્દ લખવો જોઈતો હતો!”

હું વળી તેના સૂચનમાં વધારો સૂચવું છું. ”સાથેસાથે નૂતન વર્ષાભિનંદનના સંદેશામાં એમ લખ્યું હોત તો વધારે ઠીક રહેત કે ‘સહીસલામત ગાડીને આગળ ધપાવવા બે કે ત્રણ ડબ્બા બસ છે!’”

‘ના, બે કે ત્રણ નહિ; પણ હાલમાં તો બે જ ડબ્બા બસ કહેવાય છે, પણ આપણા માટે હવે – ચાર, બસ ચાર જ!’

એ છેલ્લું વાક્ય પૂરું કરે છે, ત્યાં તો રસોઈ દાઝવાની ગંધ આવે છે. ઉદર ઉપરના સાડીના પાલવને ઠીક કરતી ભારે પગે છતાંય તે ઝડપભેર રસોડાભણી દોડી જાય છે.

અને મારા કાનમાં ‘ચાર, બસ ચાર જ!’ના પડઘા પડ્યે જ જાય છે.

– વલીભાઈ મુસા