Ganesha ni 10 Divas ni Tour books and stories free download online pdf in Gujarati

ગણેશા ની ૧૦ દીવસ ની ટુર...

ગણેશા ની ૧૦ દીવસ ની ટુર

પ્રસ્તાવના

આ વાર્તા ફક્ત મનોરંજન ના ઉદ્દેશ થી લખાયેલ છે. કોઈ ની ધાર્મિક લાગણી દુભાવવા નો કોઈ ઈરાદો નથી. ફક્ત આપણા રમુજી બાલ ગણેશ અને તેના વાહન મુષક વચ્ચે ની ચર્ચા અત્રે પ્રસ્તુત છે.

મુષકહ.... મુષકહ...

ત્યાં મુષક દોડતો દોડતો હાંફતો ત્યાં પહોચ્યો, જી પ્રભુ.

ગણેશા : આપણી ૧૦ દિવસ ની ટુર ની ડેટ ફીક્સ થઇ ગઈ છે. ૧૩.૯.૧૮ એ સવારે વહેલા પ્રયાણ કરવાનું છે. તો તું ૧૨ તારીખ સુધી માં બધી તૈયારી કરી નાખજે.

મુષક : પ્રભુ એમાં તૈયારી શું કરવાની ?

ગણેશા : અરે મુષકહ આ પૃથ્વીલોક પર લોકો લોંગ ટુર માં ક્યાય જાય તો કેટલી તૈયારી કરે છે. અરે લોંગ ડ્રાઈવ માં જાય તો પણ ગાડી ચેક કરી લે, પેટ્રોલ ચેક કરી લે, હવા ચેક કરી લે, કૈક નાસ્તા ની તૈયારી કરી લે. થોડા ઘણા મની એટલે કે રૂપિયા ની પણ વ્યવસ્થા કરી લે. જોકે હવે તો ઓનલાઈન વ્યવહારો અને કાર્ડ નો જમાનો છે એટલે ટેન્શન ન રહે.

મુષક : પણ પ્રભુ મારે તો આમાંનું કઈ કરવાનું નથી. મારે હવા, પેટ્રોલ કે મશીન કઈ ચેક કરવાનું નથી. આપણા માટે જાત જાત ના વ્યંજનો (નાસ્તા) ની વ્યવસ્થા તો ત્રણે સમયે પૃથ્વીલોક માં હશે અને રૂપિયા ની આપણે કઈ જરૂર નથી. કદાચ જરૂર પડે તો પણ તમારું એટીએમ તો સતત છલકાતું જ રહે છે તમારા ચરણો માં. હા હા હા.....

ગણેશા : ભલા મુષકહ મને ખબર છે એ ચરણો ના એટીએમ માંથી તે ગયા વર્ષે નોટો ઉપાડી હતી અને તારો એ વિડીઓ કોઈ ભક્તે ઉતાર્યો હતો અને પૃથ્વીલોક પર ખુબ વાઈરલ થયેલ. હા...હા..હા...

હા પણ તારે ભલે તૈયારી ન કરવી હોય પણ મારે તારા પર સવારી કરવાની છે એટલે મને તો ટેન્શન રહે ને ? તારે મને સવારી કરી ને લઇ જવાનો છે તો તું ૨-૩ દિવસ માં સારું સારું ખાઈ પીને તાજો માંજો થઇ જજે. મને તારા પર સવારી કરતા ડર બહુ લાગે છે. હા..હા...હા..

મુષક : જો પ્રભુ તમે મારી બહુ મજાક કરો છો હો. મેં ક્યારેય તમને પાડ્યા છે ? કહી મુષક મોઢું ચડાવી ને બેસી ગયો.

ગણેશા : હસતા હસતા.. સારું સારું હવે મને ડર નથી લાગતો બસ.. હવે તૈયારી કરો જવાની.... કહેતા કહેતા બાપા પોતે જ મોજ થી ગાવા લાગ્યા, મોરિયા રે બાપા મોરિયા રે.....

તા.૧૩.૯.૧૮ – સમય-સવાર ના વહેલા

ગણેશા : મુષકહ આપણે નીકળી તો ગયા પણ તે મારી ડાયરી લીધી છેને ? તેમાં એપોઇન્ટમેન્ટ છે ૧૦ દિવસ ની.

મુષક : હા પ્રભુ સાથે જ છે. પ્રથમ એપોઇન્ટમેન્ટ તો આપણે આમચી મુંબઈ માં લાલબાગ ની દર વખતે ફિક્સ જ હોય એટલે એ જોવાની જરૂર નથી. હા પણ પ્રભુ અત્યારે તમે ફ્રી છો તો તેના પછી ની એપોઇન્ટમેન્ટ જોઈ લો ને જરા.

ગણેશા : તારી વાત સાચી છે લાવ ડાયરી. બીજી એપોઇન્ટમેન્ટ આપણી ગુજરાત માં ભાવનગર ની છે.

મુષક : લે પ્રભુ એ ક્યાં આવ્યું મને રસ્તો યાદ નથી હો.

ગણેશા : અરે મુષકહ તું ચિંતા ન કર. આપણી પાસે એન્ડ્રોઈડ ફોન છે. આપણે મેપ શરુ કરી દઈશું, ડોન્ટવરી.

મુષક : વાહ પ્રભુ તમે તો મોર્ડન થઇ ગયા છો હો. હા. હા. હા.

ગણેશા :મુષકહ પૃથ્વી પર ના મોર્ડન લોકો ની સમસ્યા સમજવા માટે મારે પણ મોર્ડન થવું જ પડે ને ?

મુષક : વાહ મારા પ્રભુ વાહ. ચાલો આપણે લાલબાગ પહોચી ગયા છીએ. હું લેન્ડીંગ કરું છું, સંભાળજો.

તા.૧૩.૯.૧૮ – સમય બપોર નો

ગણેશા : મુષકહ મજા તો ખુબ આવી. મને તો ઉભા થઇ તે લોકો સાથે નાચવાનું બહુ મન થતું હતું. લોકો નો ઉત્સાહ અને શ્રદ્ધા જોઈ મારી ખુશી સમાતી ના હતી. ખરેખર પૃથ્વી લોક ના લોકો ખુબ શ્રદ્ધાળુ છે. લાલબાગ માં મારા માટે ઉત્સવ નું આયોજન કરી ખુબ રૂપિયા ખર્ચે છે હો.

મુષક : હા પ્રભુ તમારી વાત સાચી છે. લાલબાગ માં નાના બાળકો થી માંડી ને સ્ત્રીઓ, વૃદ્ધો તેમજ યુવાનો, દરેક પ્રકાર ના લોકો હતા. તેમનો ઉત્સાહ જોઈ ખુબ ખુશી થઇ. ભારત દેશ ના ખૂણે ખૂણે થી લોકો છેક અહી સ્પેશિયલ તમારા દર્શન કરવા આવે છે. પ્રભુ હું ખુબ ભાગ્યશાળી છું. મને તમારા વાહન બનવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે.

ગણેશા :મુષકહ આજે કેમ બહુ ભાવુક થઇ ગયો છે ? તારા કર્મો ને લીધે તને એ સ્થાન મળ્યું છે.ભલે તારો અવતાર અસુર નો હતો. પણ તારા પહેલા ના જન્મો ના કર્મ ને લીધે તું તરી ગયો.

મુષક : ખુબ સાચી વાત કરી પ્રભુ.

ગણેશા : મને ખુબ તરસ લાગી છે અને ગરમી પણ ખુબ લાગી ગઈ છે. કેટલા કલાક આપણે ફર્યા. તેમાં પણ પછી તો તડકો ખુબ લાગતો હતો. ત્યારે તો ઉત્સાહ માં કઈ ખબર જ ના પડી પણ હવે નથી રહેવાતું. તું જલ્દી જઈ ને મારા માટે કોલ્ડ્રીંક લઇ આવ. હા પણ માઉન્ટેન ડીઓ લાવજે. ડર કે આગે જીત હૈ.... હા. હા.. હા..

મુષક : પ્રભુ તમે હમણાં ટિવી બહુ જુઓ છો. બધી જાહેરતો પણ કડકડાટ છે હો.

ગણેશા :અરે ના એવું કઈ નથી પણ મને તે વાત બહુ ગમી એટલે યાદ છે. ડર કે આગે જીત હૈ, વાહ સરસ કહ્યું છે.

મુષક : સારું પ્રભુ હું માઉન્ટેન ડીયુ લઇ આવું છું.

ગણેશા : માઉન્ટેન પીતા પીતા,વાહ મુષકહ, મજા આવી ગઈ હો. તું તારા માટે લાવ્યો કે નહિ ?

મુષક : પ્રભુ મને પણ ખુબ તડકો લાગી ગયો હતો એટલે ત્યાજ પીતો આવ્યો.

ગણેશા : મુષકહ તું પણ આજકાલ બહુ હોશિયાર થઇ ગયો છે.

મુષક : આપની સંગત ની અસર છે પ્રભુ.

ગણેશા : સારું સારું હવે બહુ હોશિયારી માર્યા વગર કામે લાગી જા બીડું.

મુષક : હે પ્રભુ આ તમે કેવી ભાષા નો પ્રયોગ કરો છો ?

ગણેશા : કઈ નહિ એતો મને એ કલાકો ના વરઘોડા માં કંટાળો આવતો હતો એટલે હું સુક્ષ્મ દેહે યુવાનો ના ટોળા માં ડાન્સ કરવા ઘુસી ગયો હતો. તે યુવાનો નું ટોળું ટપોરી નું ટોળું હતું. તેની સાથે ખુબ મજા આવી ડાન્સ કરવાની. પછી બધા થાક્યા એટલે થોડીવાર છાયો શોધી ને બેસી ગયા. ત્યારે તેમની સાથે થોડી ગોષ્ટી કરી હતી તેનો પ્રભાવ તો થોડો રહે જ ને મુષકહ ?

મુષક : પ્રભુ પણ એ પ્રભાવ ૧૦ દિવસ જ રહેવા દેજો. પછી કૈલાશ પહોચી આ ભાષા નો પ્રયોગ કરશો તો માતે ના ગુસ્સા નો સામનો કરવો પડશે.વળી મહાપ્રભુ ના ગુસ્સા ની તો તમને ખબર જ છે ને ? તમારી સાથે સાથે મહાપ્રભુ મારી પણ વાટ લગાડી દેશે.

ગણેશા : હા.. હા.. મુષકહ સાચું બોલ તું પણ મારી પાછળ પાછળ આવ્યો હતો ને ? તારા શબ્દો એ વાત ની ચાડી ખાય છે.

મુષક : શરમાતા શરમાતા. હા પ્રભુ તમને જતા મેં જોય લીધા હતા એટલે હું પણ પાછળ પાછળ આવી ગયો હતો.

હાસ્ય ની છોળો ઉડવા લાગે છે.......

ગણેશા : તું પણ યાર શું માંડ માતે અને મહાપ્રભુ આ ૧૦ દિવસ ઘર બહાર નીકળવા દે છે. એ પણ કેટલી સલાહસૂચન સાથે. તો એ મોકો કેમ છોડાય ? જસ્ટ ચીલ એન્ડ એન્જોય યાર.

મુષક :ઓકે ઓકે પ્રભુ હવે આપણે થોડીવાર વામકુક્ષી કરી લઈએ. સાંજે પાછા અહી બહુ બધા પ્રોગ્રામ છે. પાછા થાકી જઈશું.

ગણેશા : સારું ચાલ ગુડ આફ્ટરનુન.

મુષક : એ શું પ્રભુ ?

ગણેશા : ગુડ નાઈટ ની જેમ ગુડ આફ્ટરનુન.

મુષક : વાહ મારા પ્રભુ તો ઈંગ્લીશ માં વાતો કરવા લાગ્યા.

તા.૧૩.૯.૧૮ – સમય સાંજ નો

ગણેશા : મુષકહ હવે ઉઠ જલ્દી જો ભક્તો દર્શન માટે આવવા લાગ્યા છે. અત્યારે અહી શેનો પ્રોગ્રામ છે ? બહુ તૈયારી ચાલી રહી છે ?

મુષક : આંખો ચોળતા ચોળતા, પ્રભુ આજે તો ૪ કલાક ડાયરો છે અહી.

ગણેશા : તો તો જામી જશે. મને તો એયને મસ્તી થી તાલ માં વાજિંત્રો વાગતા હોય ને ગાયકો ગીત ગાતા હોય તેમાં બહુ મજા આવે હો. ચાલ જલ્દી જલ્દી જલ્દી નાસ્તો કરી લે એટલે આપણે તૈયાર થઇ પહોચી જઈએ.

તા.૧૩.૯.૧૮ – સમય રાત્રી નો

મુષક :પ્રભુ ખુબ મજા પડી ગઈ હો. હું તો ગીત માં સાથે સાથે ઉભો થઇ ને નાચતો પણ હતો.

ગણેશા : હા મને ખબર છે કે તું નાચવા ભાગી જતો હતો. દર્શન કરવા આવતા લોકો મારા પગ પાસે તને ન જોઈ ને ખુબ નવાઈ પામતા હતા. તેને શું ખબર કે તું નાચવા ગયો છે. હા... હા...હા.

મુષક : બહુ સારું હો પ્રભુ. પણ હવે જલ્દી સુઈ જાવ. સવારે વહેલા આપણે ગુજરાત જવાનું છે.પણ કોને ત્યાં જવાનું છે અને ક્યાં ગામ કહ્યું હતું પ્રભુ ?

ગણેશા : હા મુષકહ, સાચું યાદ કરાવ્યું.ગુજરાત માં ભાવનગર માં શિવમ નામનો નાનો બાળક છે તેના ઘરે જવાનું છે.

મુષક : હા હા યાદ આવ્યું પ્રભુ પેલો ગોલુંમોલું શિવમ ને ? જે ઘણા સમય થી તમને બોલાવે છે ?

ગણેશા : દાંત પીસી ને મુષકહ......

મુષક : સોરી સોરી પ્રભુ. મારો તમને હર્ટ કરવાનો કોઈ ઈરાદો ન હતો.

ગણેશા : સારું હવે. હા તે મારી જેવા શરીર વાળો છે ને એ શિવમ માં ઘરે જ જવાનું છે. ચાલ હવે સુઈ જઈએ.

તા.૧૪.૯.૧૮ – સમય-સવાર ના વહેલા

મુષકસવારી સવાર માં વહેલા ચાલી ભાઈ ગુજરાત. ગણેશા ના એન્ડ્રોઈડ ફોન માં મેપ શરુ કરી ને. ગુજરાત ની ધરતી પર પગ મુકતા જ ગણેશા આનંદિત થઇ ગયા.

ગણેશા : મુષકહ, આ ધરતી ખરેખર ખુબ જ પવિત્ર છે. અહી પ્રવેશ કરતાજ મન આનંદિત થઇ ગયું. અહી ના લોકો પણ ખુબ ભોળા અને નિખાલસ હોય છે.

મુષક : હા પ્રભુ સાચું, હવે આપણે ગંતવ્યસ્થાને પહોચવા માં છીએ. હું લેન્ડીંગ કરું છું. તમે સંભાળજો.

બંને એક નાનકડા ઘર પાસે પહોચે. છે. લાલબાગ અને અહી ની પરિસ્થિતિ સાવ જુદીજ હતી. નહિ કોઈ માણસો, નહિ કોઈ સાજ શણગાર કે નહિ કોઈ અવાજ. બંને ને લાગ્યું કે ખોટા સરનામે પહોચી ગયા કે શું ?

મુષક : પ્રભુ શું કરીશું ?

ગણેશા : મુષકહ અંદર તો ચાલ. પછી જોઈએ.

અંદર પવેશ કરતા નિરવ શાંતિ હોય છે. વહેલી પરોઢે બધા સુતા હોય છે. ત્યાજ હોલ માં નાનકડી ગણપતિ ની મૂર્તિ ની સ્થાપના કરેલી હતી. તેની બાજુ માં સાવ નાનકડી માટી માંથી બનાવેલી પરફેક્ટ શેપ વગર ની બાપા ની બીજી મૂર્તિ પણ હતી. તેની સામે એક બાળક સુતું હતું. એવું લાગતું હતું જાણે કેમ રાહ જોતા જોતા સુઈ ગયો હોય. તેને જોતાવેત જ ગણેશા તેને ઓળખી ગયા. આજ શિવમ છે મુષકહ.

મુષક : તો પ્રભુ આજ સારો સમય છે. ઘર ના બધા સુતા છે, ચાલો શિવમ ને જગાડો.

ગણેશા : સાચી વાત છે તારી મુષકહ. પણ હું તેને સીધો જગાડીશ તો એ ડરી જશે. તેના સ્વપ્ન માં જઈ ને જગાડું.

ગણેશા શિવમ ના સ્વપ્ન માં જઈ તેને દર્શન આપી જગાડે છે. શિવમ આંખો ચોળતો ચોળતો બેઠો થાય છે. પહેલા તો અચાનક સામે ગણેશા અને મુષકહ ને જોઈ ને ડરી જાય છે. પણ ત્યાં તેને સ્વપ્ન યાદ આવે છે.

શિવમ: ગણેશા, તમે સાચે આવ્યા છો કે મને હજી સ્વપ્ન આવે છે ?

ગણેશા : શિવમ હું સાચે તારી સામે છું. તું મને ઘણા સમય થી બોલાવતો હતો ને એટલે હું આજે આવી ગયો. આજે આખો દિવસ અને રાત્રી હું તારી સાથે રહીશ.

શિવમ: સાચું ગણેશ ભગવાન ? શું હું તમને ગનીબપા કહી શકું ? હું બોલતા શીખ્યો ત્યારે તમને ગનીબાપા કહેતો. હજી પણ મને તમારું એજ નામ ગમે છે. એ નામ બોલું ત્યારે મને લાગે છે કે તમે મારા જ ગનીબાપા છો.

ગણેશા :હા મને મારા ભક્તો જે નામ થી બોલાવે એ બધાજ નામ મને પસંદ છે શિવમ.

શિવમ: પણ ગનીબાપા તમારી સાથે આ તમારૂ વાહન ઉંદર છે, તેનો મને બહુ ડર લાગે છે.

ગણેશા : તેનાથી ડરવા ની જરૂર નથી. એ પણ તારો મિત્ર જ છે.

મુષક : હા શિવમ હું પણ તારો મિત્ર જ છું. ડરીશ નહિ. આજે આખો દિવસ આપને ખુબ ધમાલ મસ્તી કરશું.

શિવમ: ખુશ થતા થતા. વાહ મને તો ૨-૨ મિત્ર મળી ગયા. થોડો ઉદાસ થઇ ને. બાકી હું જાડિયો છું એટલે લોકો મને જલ્દી મિત્ર નથી બનાવતા.

ગણેશા : શરીર થોડું વધારે હોવું એ કઈ ગુનો નથી શિવમ. હું પણ તારી જેવો જ છું ને ? છતાં લોકો મને કેટલું માંન સન્માન આપે છે. શરીર થી નહિ પણ કર્મો થી એટલે કે કાર્ય થી વ્યક્તિ ઓળખાય છે. એટલે તારે એ વાત ને લીધે મન માં ઓછું લાવવા ની જરૂર નથી.

શિવમ: તમારી વાત સાચી છે ગનીબાપા. પણ લોકો અને ખાસ કરી ને મારી સાથે ભણતા બાળકો એ વાત નથી સમજતા. મને ચીડવ્યા કરે છે. પછી મને ખુબ ગુસ્સો આવે છે એટલે હું તેને મારું છું અને પછી ફરિયાદ મમ્મી પપ્પા સુધી પહોચે છે.

ગણેશા : તારે એવા લોકો ના બોલવા પર ધ્યાન જ નહિ આપવા નું. એકવાર-બેવાર-ત્રણવાર તું ધ્યાન જ નહિ આપે તો એ લોકો આપોઆપ બંધ થઇ જશે.

શિવમ: સારું ગનીબાપા હું હવે તમારી સલાહ મુજબ જ રહીશ. થેંક્યું ગનીબાપા. હવે તમારા માટે નાસ્તો શું બનાવવો છે ? હું મમ્મી ને કહી દવ. બધા ને જગાડી ને તમારી ઓળખાણ કરાવું.

મુષક : શિવમ અમે તારા સિવાય કોઈ ને બતાઈશું નહિ. એટલે કોઈ ને કઈ કહેતો નહિ.

શિવમ: તો હું તમારી માટે કેમ બધું બનાવડાવી શકીશ ? હું તમારી સાથે મજાક મસ્તી કે વાતો કરીશ તો તેમને ખબર નહિ પડે ?

ગણેશા : મુષકહ ની વાત સાચી છે શિવમ. બીજી કોઈ ચિંતા તું ના કર. આજે તું કહીશ તે તારી મમ્મી આપણા માટે નાસ્તો અને ભોજન કોઈ પણ સવાલ વગર બનાવી દેશે.

શિવમ: એટલે ગનીબાપા તમે મારી મમ્મી પર જાદુ કરશો ?

મુષક : હસતા હસતા. હા શિવમ આ ગનીબાપા બહુ મોટા જાદુગર છે.

ગણેશા : હસતા હસતા મુષકહ હવે તું આજનું આપણું નાસ્તા અને ભોજન નું લીસ્ટ શિવમ ને સમજાવી દે એટલે તે તેના મમ્મી ને કહી દેશે. શિવમ તું તારી દિનચર્યા પતાવ. અમે થોડો આરામ કરી લઈએ. આ મુષકહ પર આટલી લાંબી સવારી કરી ને મારી તો કમર અને પીઠ દુખી ગઈ છે. નાસ્તો તૈયાર થાય એટલે તું અમને જગાડજે.

શિવમ: હરખાતા હરખાતા સારું ગનીબાપા.

બાળસહજ ઉત્સાહ ના કારણે ગનીબાપા ની ના છતાં શિવમે બધા ને ઉઠાડી દીધા. આપણા ઘરે ગનીબાપા અને મુષક પધાર્યા છે. ચાલો બધા જલ્દી ઉઠો. તેની વાત ને જોકે ઘર ના લોકો એ ગણેશ ની પ્રતિમા ના અર્થ માં લીધી. મમ્મી ને શિવમે આજ દિવસ ના મેનુ નું લીસ્ટ પકડાવી દીધું. તેનો ઉત્સાહ જોઈ મમ્મીએ એક શબ્દ પણ ના કહ્યો અને નાસ્તા ની તૈયારી કરવા લાગ્યા. શિવમ ને નવાઈ તો લાગી પણ ગનીબાપા નો જાદુ સમજી લીધો. નાસ્તો તૈયાર થતા તેણે મમ્મી ને કહ્યું હુ જ ગનીબાપા સાથે નાસ્તો કરીશ.

ગણેશા : આળસ મરડી, મુષકહ ચાલ શિવમ નાસ્તો લઇ આવ્યો છે. આપને ત્રણે સાથે બેસી નાસ્તો કરી લઈએ.

મુષક : પ્રભુ હવે આગળ નો પ્રોગ્રામ શું છે ?

ગણેશા :આજ નો પ્રોગ્રામ તો શિવમ નક્કી કરશે. આજ તો તેને સ્કુલે પણ જવાનું હશે ને ? અમે તારી સાથે સ્કુલે આવીશું.

શિવમ : ગનીબાપા હું મારા ખાસ ફ્રેન્ડ જયેશ ને તમારી સાથે મેળવીશ. તે ખુબ ખુશ થઇ જશે. પણ ગનીબાપા એતો તમેને જોઈ શકશે ને ?

ગણેશા : ના શિવમ તારા સિવાય કોઈ નહિ. આજે અમે તારી સાથે જ છીએ. તારે આજે તારું શ્રેષ્ઠ પરિણામ બતાવવા નું છે. સાથે સાથે જે બાળકો તને ચીડવે છે તેના પ્રત્યે નું તારું રીએક્શન જોવાજ અમે સાથે આવીએ છીએ.

શિવમ : સારું ગનીબાપા હું આજે ખુબ સરસ ભણીશ. સાથે સાથે તમારી સલાહ મુજબ જ વર્તન કરીશ. પણ તમે સાથે જ રહેજો હો.

આજે તો થનગનતો ગનીબાપા સાથે શિવમ શાળા એ પહોચી ગયો. શિક્ષકો ના ભણાવવા પર જ ધ્યાન રાખ્યું હતું એટલે ફટાફટ જવાબો પણ આપતો હતો એટેલે શિક્ષકો પણ નવાઈ માં હતા. હંમેશા બીજા બાળકો સાથે વાતો અને લડાઈ માં રહેતો શિવમ આજે બધા જવાબ આપી રહ્યો અને તેનું વર્તન પણ ખુબ સારું હતું. દરેક શિક્ષક જતી વખતે તેનો ખભો થાબડતા અથવા વખાણ કરી ને જતા. એટલે તેને ખુબ સારું લાગ્યું. તેણે નક્કી કર્યું કે હવે હમેશા સ્કુલ માં આમજ રહેશે અને ભણશે. રીસેસ માં પણ બીજા બાળકો ના ચીડવવા પર ગુસ્સો કરવા જાય ત્યાં ગણેશા બોલે શિવમ... એટલે તરત કંટ્રોલ કરી લેતો હતો. થોડીવાર પછી તેને કોઈ ચીડવવા જ ન આવ્યું એટલે તેને ગનીબાપા ની વાત સમજાય ગઈ. આજે એક તો ગનીબાપા સાથે હતા તેનો ઉત્સાહ તેને સમાતો નહોતો. ત્યાતો શિક્ષકો ના પણ વખાણ સાંભળવા મળ્યા. તોફાની છોકરાઓએ પણ થોડીવાર જ હેરાન કર્યો. તેને લાગ્યું આજનો દિવસ તો ખુબ સુંદર ગયો.

તેને ઉત્સાહ માં તેમજ ખુશ જોઈ તેના મિત્રો પુછવા લાગ્યા કેમ શિવમ આજે આટલો બધો ખુશ છે. એટલે તેણે કહ્યું મારા ઘરે આજે ગનીબાપા મુષક સાથે આવ્યા છે ને એટલે. ગણેશ ભગવાન તો તારા ઘરે કાલ ના લાવ્યા છે ને ? તો કાલે તો કઈ આટલો બધો ખુશ ન હતો. એતો... હજી આગળ તે કઈ બોલવા જાય ત્યાં ગનીબાપા એ સામા આવી કહ્યું તેમને કઈ ના કહેતો. સાંજે તારા બધા ફ્રેન્ડ ને તારા ઘરે બોલાવી લેજે. બધા સાથે ખુબ ધમાલ મસ્તી કરશું. એટલે તેણે બધા ફ્રેન્ડસ ને સાંજે ઘરે આવવાનું આમંત્રણ આપી દીધું. પણ ગનીબાપા આપણે કરશું શું ?

ગણેશા : જાદુ.

શિવમ : ગનીબાપા એક વાત પૂછું ? આ ઉંદર ને તમે મુષકહ કેમ કહો છો ? તેનું કઈ નામ નથી ?

ગણેશા : નામ તો છે ને પણ તેને પોતાનું નામ ગમતું નથી. તેનું નામ છે ઉંદરડોડોડો.... હા...હા...હા.. ત્યાં બાપા ની નજર મુષકહ પર પડી તે મોઢું ચઢાવી ને ચાલતો હતો એટલે થોડા ગનીબાપા ગંભીર થઇ ગયા.

સાંજે ૫ વાગે તો બાળકો આવી પણ ગયા. ત્યાં તો બધા ની નવાઈ વચ્ચે કોઈ જાદુગર બહુ બધી વસ્તુ અને પોતાના આસીસ્ટન્ટ સાથે આવી ગયો. તેણે શિવમ ને કહ્યું આજુ બાજુ માંથી પણ નાના બાળકો ને બોલાવી આવ ત્યાં હું સ્ટેજ તૈયાર કરાવી નાખું. ત્યાં શિવમ ના મમ્મી આવ્યા, ભાઈ તમારી એડ્રેસ માં કઈ ભૂલ થતી લાગે છે. અમે કોઈ ને નથી બોલાવ્યા. બહેન, એડ્રેસ તો આજ છે અને પેમેન્ટ પણ થઇ ગયું છે. કહી તૈયારી કરાવવા લાગ્યો. બાળકો આવ્યા ત્યાતો સ્ટેજ તૈયાર પણ થઇ ગયું.

શિવમે ગનીબાપા અને મુષક ને બહુ શોધ્યા પણ કોઈ મળ્યું નહિ. પણ જાદુગરે ખુબ રંગ જમાવ્યો હતો એટલે તે પણ બેસી ગયો. બાળકો એ ક્યારેય ન જોયેલા જાદુ બતાવ્યા. બાળકો તો જાણે મંત્રમુગ્ધ થઇ ગયા. ક્યારે શો પૂરો થઇ ગયો અને રાત પડી ગઈ તેજ ખબર ન પડી. જાદુગર જતા જતા બાળકો ને નાસ્તો પણ આપતો ગયો. બધા બહુ ખુશ થઇ ગયા અને શિવમ નો આભાર માની નીકળી ગયા. ત્યાં ગનીબાપા અને મુષક આવ્યા એટલે શિવમે પુછ્યું તમે બંને ક્યાં ગયા હતા ? કેટલી મજા આવી જાદુ ના શો માં ? એટલે બંને એકબીજા સામે જોઈ હસ્યા.

શિવમ : એટલે એ બંને જાદુગર તમે તો નહોતા ને ? હા એમ જ લાગે છે એટલેજ બંને ગુમ થઇ ગયા હતા. થેંક્યું ગનીબાપા, તમે અમને બધા ને ખુબ મજા કરાવી. ચાલો હવે જમી લઈએ. હું મારું જમવાનું લઇ ને તમારી પાસે આવું છું.

જમી ને રાત પડી એટલે મમ્મી એ શિવમ ને બેડરૂમ માં સુઈ જવાનું કહ્યું. એટલે શિવમે હઠ કરી હું ગણેશા પાસે જ સુઈ જઈશ. ક્યારેય એકલો ન સુતા શિવમ ની વાત થી બધા ને નવાઈ તો લાગી પણ થયું સારું, શીખશે એ.

ગણેશા : શિવમ હવે કાલે અમે જતા રહીશું.

શિવમ : ના ગનીબાપા તમે રોકાઈ જાવ મારી પાસે. કહી ઝીદ કરી રડવા લાગ્યો. પછી રડતા રડતા જ ગણેશા નો હાથ પકડી સુઈ ગયો.

માંડ માંડ તેનો હાથ છોડાવી સવાર માં વહેલા ગનીબાપા ની સવારી નીકળી. પણ નીકળતા પહેલા શિવમ ને સ્વપ્ન માં આવી ને સમજાવ્યો કે તે આવતા વર્ષે જરૂર તેના ઘરે આવશે અને બહુ બધી મજા કરાવશે. પણ તેણે માટે આખું વર્ષ શિવમે સ્કુલ માં તેમજ ઘરે ગનીબાપા ના કહ્યા મુજબ નું વર્તન કરવું પડશે. શિવમે સ્વપ્ન માંજ પ્રોમિસ આપ્યું એટલે ગનીબાપા નીકળ્યા અને શિવમ પાછો આવતા વર્ષ ના સ્વપ્ન માં ખોવાઈ ગયો.

ત્યાર પછી ની ગણેશા ની ટુર આપણે સવિસ્તાર પછી ક્યારેક જોઈશું.

તા.૨૩.૯.૧૮ સમય સવાર ના વહેલા

ગણેશા : ચાલો મુષકહ આપણી ૧૦ દિવસ ની લોંગ ટુર સુંદર રીતે પૂરી થઇ. ઘરે જવાની તૈયારી કરો.

મુષક : પ્રભુ એ તૈયારી આપને ક્યાં કરવાની છે ? એ તો પૃથ્વીલોક ના લોકો જ કરશે ને ? પણ પ્રભુ ગયા વર્ષ ની એ વિસર્જન મને થથરાવી જાય છે હો.

ગણેશા : સાચું કહ્યું મુષકહ. પણ મારે તો મારા ભક્તો કરે એજ સ્વીકારવાનું છે.

ત્યાતો મુષકહ સાથે વાત કરતા કરતા ગણેશા જાણે કોઈએ જોર થી ધક્કો માર્યો હોય તેમ ક્યાય આગળ જતા રહ્યા.

મુષક : પ્રભુ ક્યાં છો અત્યારે તમે ?

ગણેશા : અત્યારે હું દરિયા માં છું અને ખુબ મોટું મોજું આવતા તણાઈ આગળ નીકળી ગયો છું. તું ક્યાં છે મુષકહ ?

મુષક : પ્રભુ હું તમારી સાથે જ હતો પણ મૂર્તિ માંથી તૂટી ને નીચે દરિયા ના પેટાળ માં પહોચી ગયો છું. ત્યાં ગણેશા ની ચીસ સાંભળીપૂછ્યું શું થયું પ્રભુ ?

ગણેશા : કઈ નહિ એતો જરા વચ્ચે ના ટાપુ પર મારું માથું ભટકાયુ. હવે તું શું કરે છો ?

મુષક : પ્રભુ હૂતો પેટાળ માં દરિયા માં સલવાઈ ગયો છું.

ગણેશા : અરે બાપરે મારી એક સાથે કેટલી બધી મૂર્તિ ભેગી થઇ ગઈ. એ બધી એકબીજા સાથે ટકરાઈ છે અને મને ખુબ વાગે છે.

મુષક : પ્રભુ મારી પણ એજ દશા છે. પણ એમાં તમારો જ વાંક છે પ્રભુ. તમે તેમને કઈ નથી કહેતા.

તમે તેમને સમજાવો કે પહેલા તો આવી પાણી માં ન ઓગળે તેવી મૂર્તિઓ ન બનાવે. ઉપરાંત તેને સમુદ્ર માં ન વહાવે. તેને લીધે કેટલું ગ્લોબલ વોર્મિંગ વધી ગયું છે ?

ગણેશા :વાહ મુષકહ તૂતો અંગ્રેજી બોલવા લાગ્યો. તારી વાત સાચી છે. પણ હું મારા ભક્તો ને કઈ ન કહી શકું. શું કરવું અને કેમ કરવું તે તેની શ્રધ્ધા નો વિષય છે. હા આ બધા ના કારણે પર્યાવરણ ને ઘણું નુકશાન થાય છે તે સાચું. પણ આ વાત તેમને પોતાનેજ સમજાશે. ત્યારે જરૂર થી ફેરફાર થશે.

મુષક : એવું તો ક્યારે થાય પ્રભુ ?

ગણેશા : શરૂઆત થઇ જ ગઈ છે મુષકહ. ભક્તો હવે માટી ની મૂર્તિ બનાવવા લાગ્યા છે. તે જોયું નહિ શિવમે પણ કેવી નાની એવી માટી ની મૂર્તિ પોતાના હાથે બનાવી હતી ? આઆઆઆ...ઓ બાપરે .

મુષક : પ્રભુ શું થયું ?

ગણેશા : એતો સમુદ્ર ના ખારા પાણી માં કેટલા સમય થી પડ્યા છીએ તો શરીર માં હવે ખંજવાળ આવે છે.

મુષક : મને પણ પ્રભુ.

ગણેશા : તારે મારી કોપી જ કરવાની છે હમેશા ? ઓહોહોહો મજા આવી ગઈ. જો હજી હું તારી સાથે માટી ની મૂર્તિ ની વાત જ કરું છું ત્યાં મારા નાનકડા ભક્ત શિવમે તેની માટી ની મૂર્તિ નું પોતાના ઘરે નાનકડા ટબ માં વિસર્જન કર્યું, માટી ના ગુણો ને લીધે મને ખંજવાળ આવતા શરીર પર રાહત થઇ એટલે મજા આવી ગઈ.

મુષક : મને પણ પ્રભુ.

ગણેશા : નકલખોર મુષકહ.

મુષક : પ્રભુ જે કહો તે પણ આપનોજ સેવક છું.

સાચું કહું પ્રભુ, તમે ખુબ ભોળા અને મહાન છો. હજી તો આપણે કેટલા દિવસો સમુદ્ર ના ખરા પાણી માં પડ્યા રહીશું કોને ખબર ? હજી તો કેટલી મુશ્કેલીઓ પડશે. છતાં તમે બધું ભૂલી ને આવતા વર્ષે પાછા બધું ભૂલી ને એટલા જ હરખ થી પાછા આવી જશો. આપની લીલા અપરંપાર છે પ્રભુ.

ગણેશા : મારા ભક્તો ની મારા પર કેટલી શ્રધ્ધા હોય છે. તેમની આસ્થા અને શ્રદ્ધા સામે મારી મુશ્કેલીઓ તો તુચ્છ ગણાય. હું મારા ભક્તો ને ખુબ પ્રેમ કરું છું. તેમની આસ્થા પર મને ગર્વ છે.

મુષક : મોરિયા રે બાપા મોરિયા રે ... બોલો ગણપતિ બાપા ની જય.... ગણપતી બાપા મોરિયા અગલે બરસ તું જલ્દી આ......