22 single - 19 books and stories free download online pdf in Gujarati

૨૨ સિંગલ - ૧૯

ત્યાં જ પાછળ થી અવાજ આવ્યો “અરે, ભૈયા.!!!!”

પહેલી વાર તો હર્ષે કોઈક બીજા ને બુમ પાડતું હશે એમ વિચારીને પોતાની ઝડપમાં ચાલતો રહ્યો પણ સામેથી આવતા એક કાકા એં જયારે ‘પાછળ કોઈક બોલાવે છે’ એમ કીધું ત્યારે એ પાછળ ફર્યો. કાઉન્ટર બોય હાથ હલાવીને હર્ષને પોતાની પાસે બોલાવી રહ્યો હતો. હર્ષે ઘડિયાળ તરફ જોયું, મનમાં જ કંઇક ગણતરી કરી અને પછી કાઉન્ટર બોય તરફ ઝડપથી દોડતો પહોચ્યો. નજીક જઈને કાઉન્ટર બોય ને કંઇક બોલે એ પહેલા જ એણે દુકાનમાં એની ‘પરી’, એની ‘રાધા’ ને જોઈ. હર્ષ ત્યાં જ ઉભો રહી ગયો. આંખમાંથી ગંગા – જમુના- નર્મદા –કાવેરી – ગોદાવરી – આરઓ પ્લાન્ટ – મ્યુનિસિપાલિટી, બધા ના પાણી ઉભરાઈ આવ્યા.

૨૨ વર્ષના જુવાન-જોધ – હટ્ટો કટ્ટો છોકરો રસ્તામાં આમ પોક મુકીને રડતો જોઇને આસપાસ માંથી બે-ચાર જણ તો તમાશો જોવા પહોંચી પણ ગયા. એકે પાણી મંગાઈ લીધું. બીજું નજીક ના કોઈ સગાં-વ્હાલા મરી ગયા ના શોક માં રડતો હોઈશ એમ બોલવા લાગ્યું. છોકરી દુકાનમાં ઉભી –ઉભી બધું જોતી હતી. કોઈક પોતાને માટે આટલું રડે છે એ વિચારીને એ પણ થોડી રડવા જેવી થઇ ગઈ. બે જ મિનિટમાં કાઉન્ટર બોય એ આખી પરિસ્થિતિ સંભાળી. કોઈને કઈ નથી થયું કરીને બધા ને રવાના કર્યા અને હર્ષને દુકાનમાં અંદર લઇ ગયો. હર્ષ પણ ધીમેધીમે રડવાનું બંધ કરીને છોકરી ની સામે જોઇને જાણે પોતાની મર્દાનગી બતાવવા હસવા લાગ્યો.

કાઉન્ટર બોય : “ભૈયા, કાહે ‘સ્ટોપ’ હો ગયે.”

હર્ષ : “અરે પગલે, યે તો ‘સ્લો મોશન’ હૈ. તું કહાં સમજેગા.”

કાઉન્ટર બોય : “ક્યાં બાત હૈ. ઠીક હૈ. મિલ લો, આપ હિ કે લિયે આઈ હૈ વો.”

હર્ષ તરત છોકરી પાસે ગયો. છોકરી સામે આંખ માં આંખ નાખીને વાત કરવાની પણ એની હિમ્મત નહોતી. પગ ધ્રુજવા લાગ્યા હતા. હજી આંખ તો ભીની જ હતી એટલે બધું ઝાંખું ઝાંખું દેખાતું હતું. પોતાને સંભાળવાની બધી કોશિશ નિષ્ફળ જતી દેખાતી હતી. આ સમયે જો કોઈ મનોરોગી ડોક્ટર નજીક ઉભો હોય તો ગેરેંટી એ હર્ષને ‘ફીમેલ ડીસઓર્ડર’ ના રોગનો રીપોર્ટ પકડાવી દેત. છોકરી હર્ષની સામે ઉભી એના બોલવાનો ઇંતેજાર કરતી હતી. હવે દુકાનમાં આમ વધારે ઉભા રહેવું જોખમી હતું. કોઈ જોઈ જાય એની બીક પણ હતી.

હર્ષ તો હજી છોકરી ની આંખ માં આંખ નાખવાની જગ્યા એ મુંડી નીચી કરીને એના પગ પર નજર કરીને ઉભો હતો. છેલ્લે છોકરી એ જ બોલવાનું શરુ કરવું પડ્યું.

છોકરી : “મેરે કો માલુમ નહિ થા રે તું ઇતના ફટ્ટઉ હૈ. કમ સે કમ સામને તો દેખ.”

હર્ષ માંડ આંખ ઉંચી કરીને એની સામે જોય છે. આહ, શું ખુબસુરતી છે. નજીક થી તો ઔર મસ્ત લાગે છે. પણ બાપ જિંદગીમાં છોકરી સાથે ફોન પર વાત નથી કરી, રૂબરૂ માં તો કોઈ સવાલ જ નથી આવતો. પણ છોકરી હિંમતવાળી હતી એટલે વાત અહિયાં સુધી પણ પહોંચી બાકી તો પહેલી મીટીંગ માં જ અટવાઈ ગઈ હોત.

છોકરી : “અરે બાબા રે બાબા. તું કૈસા આદમી હૈ રે. મેરા મન તેરે મે સે ઉઠ જાયે ઉસસે પહેલે મેં તેરે કો અપના નામ ઔર નંબર દેતી હું. મેરા નામ અંજલી હૈ. ઔર(હાથમાં એક ચિટ્ઠી પકડાવતા) યે મેરા મોબાઈલ નંબર હૈ. ફોન કરના. ઔર ફોન પે કુછ બોલના ભી. અભી મેં ચલતી હું. શામ કો ૬ બજે બાદ ફોન કરના.”

છોકરી – અંજલી આટલું બોલીને જતી રહી. હર્ષ હજીએ એને જોતો જ રહી ગયો. હાથ માં ચિટ્ઠી હતી અને એમાં દસ ડીજીટ ની લોટરી એટલે કે છોકરી- અંજલી નો નંબર હતો.

“’ઇતની ખુશી, ઇતની ખુશી’, હર્ષ કો કભી નહિ હુઈ.” હર્ષે એ તરત ઘડિયાળ માં જોયું. કંપની ની બસ નીકળવાને માત્ર બે જ મિનીટ ની વાર હતી. અને એ પોતે કોઈ સુપરમેન તો હતો નહી કે 2 કિમી નું અંતર 2 મિનીટ માં કાપી શકે. એટલે કંપનીમાં જવાનું માંડી જ વાળ્યું. વળી, આજે તો માહોલ પણ ખુશી નો હતો. આજે યુવાન થયા પછી પહેલી વાર હર્ષને ખુદ ઉપર ગર્વ થયો હતો. આટલી મસ્ત દેખાતી છોકરી એ સામેથી ફોન નંબર આપ્યો, ફોન કરવા માટેનું કહ્યું, સામેથી વાત કરી અને પોતે શું કર્યું? ડેબ્યુ મેચના પહેલા જ બોલે ક્લીન બોલ્ડ. એકદમ ખરાબ પરફોર્મન્સ. અંજલી સામે વાત તો શું, એની સામે પણ ના જોવાયું. અંજલી દેખાતી પણ કેટલી મસ્ત હતી.

“‘અંજલી’, વાહ શું નામ છે.” અંજલી વિષે વિચારતો રૂમ પર પાછો ફર્યો. રૂમ પર પહોચીને બસ આખો દિવસ અંજલી ના વિચારોમાં જ પૂરો કર્યો. ‘પહેલી નજર નો પ્રેમ’ શું છે એ હર્ષ ને આજે ખબર પડી. આખો દિવસ srk ના સોંગ્સ સાંભળ્યા, પિક્ચર જોયા અને એમાં પણ એની અને અંજલી ની જ જોડી ને ઈમેજીન કરી. એક બે વખત તો ગરબા ના બે સ્ટેપ પણ કરી લીધા.

હોંશમાં ને હોંશમાં બહાર જઈને એના ફેવરીટ પિઝ્ઝા ખાઈ ને એનો ફોટો સોશિયલ મીડિયા પર મુક્યો, ત્યાં એના મેનેજર ની જ નીચે કમેન્ટ આવી, “મીટ મી ટુમરો ઇન માય ઓફીસ. ” હર્ષે તરત ફોટો ડિલીટ કર્યો પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ચુક્યું હતું. ભાઈ એ ઉતાવળમાં અક્ષત ને એની જૂની ચેલેન્જ દેતી વાતો પણ યાદ કરાવી અને પોતાનું સેટિંગ અંજલી સાથે થઇ ગયું એની પણ લાંબી સ્ટોરી કીધી. પણ અક્ષત અને અનુ સાથે હજી અબોલા જ હતા એટલે એમણે કોઈ રિસ્પોન્સ ના આપ્યો. અને હર્ષને એની કઈ પડી પણ નહોતી.

અચાનક એને અંજલી એ આપેલો ફોન નંબર યાદ આવ્યો. તરત પેલી ચિટ્ઠી શોધવા લાગ્યો. પણ ચિટ્ઠી ક્યાય જડે જ નહી. સવારે પહેરેલા પેન્ટના બધા ખીસા બે-ચાર વાર ફંફોસી જોયા પણ બધું ખાલી. શર્ટનું ઉપરનું ખીસું, બેગ બધું જોઈ લીધું પણ ક્યાય નહી. આ શું? એક ચિટ્ઠી પણ ના સચવાઈ!! શીટ, ચિટ્ઠી ક્યાં ગઈ? હર્ષ બધું ફંફોસી વળ્યો. એ વાર, બે વાર, વારંવાર, પેન્ટના ખીસા અને બેગ જોઈ વળ્યો પણ ચિટ્ઠી ક્યાય મળી જ નહી. એને પોતાની જાત પર જ બહુ ગુસ્સો આવ્યો. જયારે અંજલી એ નંબર આપ્યો ત્યારે જ એણે સેવ કરી લેવાનો હતો, જે એણે ના કર્યો.

કદાચ દુકાન ની આસપાસ જ ચિટ્ઠી પડી ગઈ હશે એમ વિચારીને રૂમ ને લોક કર્યા વગર ગાંડા ની જેમ દોડતો ત્યાં પહોચ્યો. ત્યાં જઈને બધે બાઘા મારી લીધા. આસપાસ ની દુકાન વાળા પણ હર્ષને હવે શંકા ની નજરે જોવા લાગ્યા હતા. સવારે વગર કોઈ દેખીતા કારણે અચાનક હર્ષનું રડવું, અત્યારે દોડતા આવીને જમીન પર શોધવું, એની આ ચેષ્ટા થોડી અજુગતી જ હતી, એટલે કોઈ એને થોડું ‘ચસકી ગયેલું દિમાગ’ સમજે એમાં કોઈનો વાંક પણ નહોતો જ.

5-૧૦ મિનીટ સુધી શોધી લીધા પછી પણ ના પડતા હર્ષ એકદમ નિરાશ થઇ ગયો. પોતાની આ નાનકડી ભૂલ એને આખી જીન્દગી સિંગલ રાખશે એવું એને ખુદ ને લાગવા માંડ્યું. પણ તરત એને એક ઝબકારો થયો. કદાચ કાઉન્ટર બોય પાસે એનો નંબર હોય એમ વિચારીને એ સીધો દુકાનમાં ગયો. કાઉન્ટર બોય ત્યાં જ હતો.

કાઉન્ટર બોય : “અરે ભૈયા, આજ બહુત જલ્દી. પાર્ટી દેને આયે હો ક્યાં. ચલો, મેં તો તૈયાર હિ હું.”

હર્ષ : “અરે કહાં કી પાર્ટી? એક લફડા હો ગયા મેરે સે.”

કાઉન્ટર બોય : “ક્યાં હુઆ?”

હર્ષ : “યાર, અબ તું હિ મેરી મદદ કર શકતા હૈ. તું બોલેગા વહાં પે પાર્ટી દુંગા, બસ.”

કાઉન્ટર બોય : “ક્યાં હુઆ પર વો તો બોલો.”

હર્ષ : “અરે ઉસને મુજ્હે નંબર જિસ ચિટ્ઠી મેં દિયા થા વો ખો ગઈ મુજ્હ્સે.”

કાઉન્ટર બોય : “અરે યાર. કૈસે આદમે હો આપ. એક કાગજ કા ટુકડા સંભાલને કો દિયા થા, વો ભી નહિ હો પાયા. ઔર ચલે હો, ઐસી ખુબસુરત લડકી કો પટાને. ભોંદુ હો આપ તો એકદમ.”

હર્ષ : ભાઈ, તુજ્હે જો બોલના હૈ બોલ. બસ મુજ્હે અંજલી કા નંબર દે.”

કાઉન્ટર બોય : “યે લો બોલો, ઉસકા નંબર મેરે પાસ હોતા તો સાહબ, યે ગલી કે સારે લડકે કો મેં બ્લેકમેલ કરકે સારા સામાન યહીં સે ખરીદવાતા. બાત કરતે હો, નંબર દે દે!!!”

હર્ષ : “અરે ભાઈ દેખ ના કિસીકે પાસ તો હોગા. આપકા કોઈ ફ્રેન્ડ હો ય કોઈ ભી.”

કાઉન્ટર બોય : “અરે ભાઈ બોલા ના, વો લડકી કિસી સે બાત નહી કરતી થી. ઉસકી મમ્મી ઉસકો બહાર હિ નહિ નિકલને દેતી. વો તો ઉસકી મમ્મી બીમાર થી તો થોડે દિનો સે વો સામાન લેને આતી થી. ઉસીમે આપ ઉસકો મિલ ગયે. અબ તો ઉસકી મમ્મી ભી ઠીક હો ગઈ હૈ.”

હરહ : “મતલબ?”

કાઉન્ટર બોય :”મતલબ કી આપકી ‘લવ સ્ટોરી’ કા યહીં પર ‘ધી એન્ડ’.”

હર્ષ : “અરે નહિ ભાઈ, શુભ શુભ બોલ”

કાઉન્ટર બોય : “ચાલો જાઓ અબ,, ધંધે કા ટાઇમ ખોટી મત કરો. ઔર હાં, અબ આપકો હર સામાન મેરે દુકાન સે હિ લેના હોગા. યે મેરી પેમેન્ટ હૈ. કિસી ઔર દુકાન સે કુછ નહી લેના.”

હર્ષ : “ અરે ભાઈ દેખના કિસીકે પાસ તો હોગા નંબર.”

કાઉન્ટર બોય : “અબે જા ના. ઉસસે અચ્છા હોતા મેં ખુદ હી ઉસકા નંબર લે લેતા. મેરા ધંધા ભી બઢ જાતા. પતા નહી ઉસને તેરે જેસે ભોંદુ મેં ક્યા દેખ લિયા.”

હર્ષ ભારે હૈયે દુકાન ની બહાર નિકળ્યો. આટલો ઝલીલ એ પોતાની લાઈફ માં ક્યારેય નહોતો થયો. છોકરી તો ગઈ સાથે પોતાની ઈજ્જત પણ. પોતાની નજરોમાં હર્ષ એકદમ ઉતરી ગયો. સૌથી પહેલા તો આ છોકરી માટે ગાંડો બન્યો. પોતાના બેસ્ટ ફ્રેન્ડ સાથે લડ્યો. નાનકડી વસ્તુ પણ ના સચવાઈ. કંપની માં રજા પડી. હજી મેનેજર ની કમેન્ટ તો ઉભી જ હતી. ઉતાવળમાં અક્ષત અને અનુ ને પણ સામે ચાલીને બધું કહી દીધું. હવે એ લોકો પૂછશે તો શું જવાબ આપવાનો?

બે કલાક પહેલા ખુશી થી કૂદતો હતો એ હવે શાંત પડીને રૂમના એક ખૂણા માં બેસીને રડવા લાગ્યો. છોકરી ની માફક થોડી વાર રડ્યા પછી સુઈ ગયો. ઉઠ્યો ત્યારે ૬ વાગવા આવ્યા હતા. અંજલી ના વાત પર તિલાંજલી મુકવાનો સમય થઇ જ ગયો હતો. હવે તો નંબર મળે તો પણ વાત ના કરાય એવી પરિસ્થિતિ હર્ષે જાણી જોઇને બનાવી દીધી હતી. ફ્રેશ થઈને બાઈક લઈને લોંગ ડ્રાઈવ પર નિકળ્યો. સોંગ ચાલુ કર્યાને બીજું જ સોંગ ‘અરીર્જીત’ નું આવ્યું. ચાલુ બાઈક પર ફરી રડવા લાગ્યો. બાઈક સાઈડ પર લઈને સોંગ બંધ કરી , મોઢું લુછી નજીકના ગાર્ડન માં ગયો.

માણસ ના ખરા સમયમાં એ હમેશા એના ફ્રેન્ડ પાસે જ જાય. એ જ એના માટે ‘ભગવાન’ કહેવાય. પણ જો આ સમયે અક્ષત ને ફોન કરીને બધું કહેશે તો પહેલા તો એની ગાળો સાંભળવી પડશે એન પછી એનું ભાસણ. એના કરતા હર્ષે અનુ ને ફોન કરવાનું વિચાર્યું અને અનુને ફોન લગાવ્યો.

અનુ : “ઓ ગેંડા, તને અમારી યાદ આવી ખરી? વાહ, હવે તો ભાઈ પાસે ભાભી પણ છે. ચલ બોલ, પાર્ટી ક્યાં અને ક્યારે?”

હર્ષ ને શું બોલવું એ કઈ સમજાતું જ નહોતું. એ હજી બોલવા માટે શબ્દ શોધે એ પહેલા અનુ એ ફરી બોલવાનું શરુ કર્યું.

અનુ : “લો બોલો, હજી તો ભાભી આવી નથી કે ભાઈ ની બોલતી બંધ પણ થઇ ગઈ. એમ પણ બહુ દિવસે ફોન કર્યો છે. હવે અમારી જરૂર જ ક્યાં છે તને.”

હર્ષ : “યાર અનુ, સાંભળ તો ખરી.”

અનુ : “હા તો બોલ ને પણ. પહેલા તું મને તમારા બંને નો ફોટો મોકલ. પછી વાત બધી. જોવ તો ખરી તારી પસંદ કેવી છે!!!”

હર્ષ : “મારી પસંદ ની તો વાત જ ના કરતી. તને ખબર જ છે કે મારી પસંદ હમેશા ‘એ-વન’ જ હોય.”

અનુ : “હા ખબર જ છે ને, ફ્રેન્ડ અને બહેન તરીકેની તારી પસંદ “હું” ‘એ-વન’ જ છું ને.”

હર્ષ : “હા હવે ચલ એ કહે અક્ષત ક્યાં છે?”

અનુ(મોઢું મચકોડતા) : “ખબર નહિ બેઠો હશે મારી સોતનને એના ખોળામાં લઈને!!!!”

હર્ષ : “હે, એટલે પેલી કાજલ?”

અનુ : “ઓ, આ કાજલ કોણ છે?” અને જાડ્યા, હું તો લેપટોપ ની વાત કરું છું. લેપટોપ પર કંપનીનું કામ કરતો હશે. પણ આ કાજલ નું નામ પહેલી વાર સાંભળું , કોણ છે એ કહે પહેલા.”

હર્ષ : “મરી ગયો. અક્ષતે તને કઈ નથી કીધું એના વિષે?”

અનુ : “ના, કેમ?”

હર્ષ : “અનુ પ્લીઝ. અક્ષતને એના વિષે કઈ ના કહેતી. હું ઘરે આવીશ ત્યારે બધું કહીશ. પહેલા મારી વાત સાંભળ.

અનુ : “આ કાજલ ની વાત પહેલા. જોવ છું હું આજે તારા ભાઈને હું પછી. જો આજે એની ‘નાની’ યાદ ના આવી જાય તો.”

હર્ષ : “અરે ના અનુ, એવી કઈ વાત નથી. તું ટેન્શન ના લે અને અક્ષતને કઈ ના કહેતી કે પુછતી. બસ તું હવે મારી વાત સાંભળ.”

અનુ : “સારું બોલ. ભાભી સાથે હોય તો વાત કરાવ.”

હર્ષ : “બે એ જ તો પ્રોબ્લેમ છ, મારાથી એક ‘લોચો’ થઇ ગયો.”

અનુ : “હા, ભૂખડ. તું તો વાત માં ય ‘લોચા’ જ કરે. ખાવાની વાત તો આવી જ જાય.” “ શું લોચા કર્યા એ બોલ.”

હર્ષે ફોન પર અનુ ને શરૂઆત થી લઈને બધી વાત કરી. અનુ એ વાત ને ધ્યાનથી સાંભળી અને પછી એક જ વાત કીધી “હર્ષ, દોસ્ત. તારું કઈ નહિ થાય.”

હર્ષ : “યાર, બહુ મસ્ત છોકરી હતી એ.”

અનુ : “હા હા હા,બસ દેવદાસ બસ. તારા લીધે મને ય બહુ મોટું નુકસાન થયું.”

હર્ષ : “તને કેમ?”

અનુ : “મારા અને અક્ષત વચ્ચે શરત લાગી હતી. અક્ષત ને ખાતરી હતી કે તું કંઇકને કંઇક ગોટાળો કરીશ જ. તારું સેટિંગ થાય જ નહિ અને હવે એ એની શરત જીતી ગયો.”

હર્ષ : “સાલો અક્ષત. હવે જો હું એના બધા ભાંડા ફોડું કે નહિ.”

અનુ : “ઓય, એને ગાળ ના દે. તારી ભૂલ છે એની નહિ. જેવો હોય એવો મારો બોયફ્રેન્ડ છે. એ તને બહુ જ સારી રીતે ઓળખે છે. તે જે અમારી સાથે કર્યું એ બહુ જ ખોટું કહેવાય. એને ફોન કરીને ‘સોરી’ કહે.”

હર્ષ : “હા અનુ, તને પણ સોરી.”

અનુ : “અક્ષત ને ફોન કરીને મને ફરી ફોન કર. પેલી કાજલ કઈ બલા છે એ કહે એટલે હુ મારી ‘ગન’ ‘લોડેડ’ કરું. આજે તો તારા ભાઈને ઘુટણીયે ના પડાવને તો હું પણ તારી બહેન નહિ.”

હર્ષ : “યસ, મારી બહેના.”

હર્ષે તરત અક્ષતને ફોન કર્યો. પહેલી જ રીંગ માં અક્ષતે ફોન ઉચકી લીધો.

અક્ષત : “બોલો સાહેબ, હું શરત જીતી ગયો ને? ખબર જ હતી ભાઈ. તમે બહુ સારા કર્મો કર્યા છે એટલે તમારું સેટિંગ જ નથી થતું. બાપડી ના અમે જ બુરા માણસો.”

હર્ષ : સોરી ભાઈ. ભૂલ થઇ ગઈ હતી.”

અક્ષત : “અચ્છા, અનુ સાથે વાત થઇ ગઈ લાગે હે. બાકી તું અને સોરી બોલે?!!!!”

હર્ષ : “ફરી સોરી ભાઈ, હજી એક ભૂલ થઇ ગઈ છે.”

અક્ષત : “કેમ હજી શુ કર્યું?”

હર્ષ : “અનુ સામે કાજલ નું નામ બોલાઈ ગયું. હવે એ જીદ કરે છે આખી વાત કરવાની. તને ફોન કર્યા પછી ફરી એને જ ફોન કરવો પડશે. રાતે તું તૈયાર રહેજે. બહુ જ ગુસ્સામાં છે.”

અક્ષત : “બે યાર, તું ખરેખર ‘સુંદર’ જેવો જ સાળો છે. મારી જિંદગીમાં જે કઈ પ્રોબ્લેમ છે એ બધા તે જ ઉભા કરું છે, આ એક અનુ પણ.”

હર્ષ : “યાર, અનુ તો બહું જ સારી છોકરી છે. એ બીજી છોકરીઓ જેવી નથી.”

અક્ષત : “ભાઈ, તારો આ ભ્રમ બસ આખી જીન્દગી રહે એવા આશીર્વાદ. તારા જેવા જેટલા ને એવો ભ્રમ હોય એ બધા ને ભગવાન શક્તિ આપે.”

હર્ષ : “કેમ?”

અક્ષત : “બસ દોસ્ત, આ સવાલ નો જવાબ શબ્દો થી વ્યક્ત થાય એમ નથી. તારે અનુભવવો જ પડે. અને એના માટે તારા પાપો નો ઘડો ભરાવો જોઈએ. તારો હજી ઘડો ખાલી છે એટલે આજે પણ તારું સેટિંગ ના થયું. બસ દોસ્ત, ખુશ રહે. જલસા કર. તમાશા જો.”

હર્ષ : “ શું બોલ્ચે જાય છે. ખબર નહી.”

અક્ષત : “દોસ્ત, ફરી કોઈ પ્રોબ્લેમ મારી જિંદગીમાં ઉભો ના કરતો. અને હા આ કાજલ વળી વાતમાં પ્લીઝ લાયબ્રેરી માં અમારા બંને વચ્ચે જે થયું હતું એ ના કહેતો. બાકી કહી દેજે.”

હર્ષ : “સારું.”

અક્ષત : “ચલ દોસ્ત, હવે હું ફોન મુકું. તને તારી સિંગલ લાઈફ મુબારક. અહિયાં તો આ મેનેજર ની સાંભળ્યા પછી રાતે અનુનો ડોઝ લેવાનો છે. આજે તો હેવી ડોઝ હશે. ઘુટણીયે પડીશ તો જ માનશે. કાશ હું પણ સિંગલ હોત.”

હર્ષ : “તથાસ્તુ.”

આમ, હર્ષની અનુ અને અક્ષત વચ્ચે ની લડાઈ તો જલ્દી સમેટાઈ ગઈ. પણ હર્ષે ફરી ‘નારદમુની’ નું કામ કરીને કાજલ સાથે ની અક્ષતની બધી વાત અનુ ને કરી દીધી. (લાયબ્રેરી વાળી પણ, એટલે જ તો નારદમુની કીધું) અને પછી જે ચાલ્યું છે અક્ષત અને અનુ વચ્ચે એ તો છે “હર રિલેશનશીપ કી કહાની”.