Chalo America - Vina Visa - 11 - 12 books and stories free download online pdf in Gujarati

ચલો અમેરિકા - વિના વિઝા - પ્રકરણ - 11 - 12

ચલો અમેરિકા - વિના વિઝા

વિજય શાહ

પ્રકરણ – ૧૧

નાનાશેઠ આ સમયે તેમના સત્તાધારી ટેક્સાસના સેનેટર જોન સાથે સળંગ વાતો કરતા હતા.

"જોન, મેં તમારું કહેલ બધું કર્યું છે અને મારા ફક્ત ૧૧૫ માણસો અમેરિકન બોર્ડર ઉપર અટવાયેલા છે. તે નીકળવા જોઈએ..તેમને મેક્સિકોમાંથી મેક્સિકન નાગરિક તરીકે કાઢ્યા છે. પણ હવે ભાત ભેગી ઇયળ બફાઈ જાય છે.

જોન કહે, "મારી ડીસીમાં વાત થઈ છે. સવારના ચાર વાગે મેક્સિકન યુનિટ માટે ૧૫ મિનિટ માટે કરંટ બંધ કરાશે ત્યારે તમને જાણ કરીશ. તે સમયમાં ચૂપચાપ નીકળી જવાનું છે. ત્યાં તે વખતે પચાસ ડૉલર માણસ દીઠ આપી દેશો. પહેલાં સો માણસોને એસાયલમ માટે લેવાય છે. તમારા ૧૧૫ વત્તા એક માણસને લઈ લેશે. ફોટા તથા અરજી તેમને આપી દીધી છે તેથી તેમને એસાયલમની બહાર છોડી દેશે. પરાણે દેશનિકાલની નોબત ના આવે તેથી ત્યાંથી તેમણે પાંચ માઇલ ચાલતાં જવું પડશે. આ મિશનમાં કોઈ પણ પ્રકારનો અવાજ કરશો નહીં. સવારે ૬ વાગે ત્યાંથી બે બસો તમને અલપાસો લઈ જશે. પછી તમે ત્યાંથી છુટ્ટા. બે વાતનું ધ્યાન રાખજો. એસાયલમના શાંતિ ઝોનમાં શાંતિ રાખજો અને બીજું કોઈ પણ પ્રકારની વાત કોઈને પણ કરશો નહીં અને છુટા પડશો નહીં. તમે શાંતિઝોનમાંથી પસાર થશો ત્યારે કૅમેરા પણ બંધ હશે. તમારો કોડવર્ડ છે મિશન ૨૦૨૦. ક્યાંય જરૂર નહીં પડે પણ સેફટી અને જાણકારી પૂરતી જરૂરત છે."

"વળી ૧૧૫ વત્તા ૨ની જરૂર પડશે..હું પણ તેમની સાથે હોઈશ."

"ભલે." કહી ફોન મુકાયો.

ગટુ નાના શેઠના મોં પર છવાયેલી શાંતિ જોઈને સમજી ગયો કે બધું ગોઠવાઈ ગયું છે.

નાના શેઠની કપડાંની બેગ ઉતારી તેમની મેક્સિકન કારનો ડ્રાયવર જતો રહ્યો.

બચ્ચાપાર્ટી અને સ્ત્રીવર્ગને સુવાડી દીધા પછી ગટુએ પુરુષવર્ગને ભેગા કરી નાના શેઠ વાત કરવા માંગે છે કહી બધાને ભેગા કર્યા.

નાનાશેઠે ૪૦ જણાની માફી માંગતાં કહ્યું, આવતી કાલે આપણે મિશન ૨૦૨૦ હેઠળ મારી રિફાઇનરીમાં એલપાસો પહોંચીશું. સવારે ૪ વાગે આપણે બૉર્ડર ઉપર પહોંચીશું. ત્યાંથી શાંતિઝોનમાંથી ગૂપચૂપ નીકળી જઈને પાંચ માઇલ ચાલવાનું છે. છેલ્લે આપણે ત્યાંથી છ વાગે એલપાસો પહોંચીશું ત્યારે અમેરિકન પાસપૉર્ટ અને એસાયલમ મુક્તિના કાગળ સાથે મારી ફેક્ટરીએ પહોંચીશું. આ કઠિન માર્ગ છે અને અંતિમ તબક્કો છે. હવે તમારા કુટુંબને આ વાત કહેવાની કે જણાવવાની જરૂર નથી. આખા મિશનની સફળતાનો આધાર મૌન રહેવું તે જરુરી છે.

ગટુએ ત્યાર પછી કહ્યું, "નાના શેઠ આપણી સાથે આવવાના છે તે આપણું સદભાગ્ય છે. હવે શાંતિથી બધા સૂઈ જાવ. સવારે ૩થી ૪ની વચ્ચે ફોન આવશે. ત્યાર પછી મિશન ૨૦૨૦ શરૂ થશે. નાના શેઠે ૧૫૦ ડૉલર ૪૦ જણાને આપી દીધા. આનંદની ખુશી સૌને થતી હતી પણ તે ખુશી વ્યક્ત કરવાની હતી અલપાસો પહોંચ્યાં પછી.

સવારે ૩.૩૦ કલાકે નાના શેઠના ફોનની ઘંટડી વાગતાં મિશન ૨૦૨૦ ચાલુ થઈ ગયું. મૂંગા મૂંગા અવાજે બધા તૈયાર થઈ ગયા. અમેરિકન બોર્ડર ઉપર પહોંચી ચારના ટકોરે અમેરિકન સાઇડમાં હલચલ થઈ. દરવાજો હળવેથી ખુલ્યો અને એક પછી એકને પ્રવેશ મળ્યો. ડૉલર અપાયા અને નાના શેઠને તૈયાર કાગળિયાનું બંડલ અપાયું. દસ મિનિટમાં સૌ ચાલવા માંડ્યા. કોઈ અવાજ નહીં અને બીલ્લી પગે ચાલતાં ચાલતાં અમેરિકામાં પ્રવેશ પામી ગયા હતા. કલાકે થાક ખાવા રોકાયા ત્યારે નાના શેઠે સૌને અભિનંદન આપ્યાં અને કાફલાને હજી એક કલાક ચાલવાનું છે કહીને કાતિલ ઠંડીમાં ગરમાટા જેવી આદું અને મધની ગોળીઓ આપી. છેલ્લો તબક્કો હતો.. પાકો રોડ આવી ગયો હતો. અડધા કલાકમાં બસસ્ટેંડ જેવું આવ્યું, જ્યાં ચાર મિનિ બસો ઊભી હતી તેમાં બધાં બેસી ગયાં.

આ બસો તેમને અલપાસો પહોંચાડવાની હતી.

***

પ્રકરણ – ૧૨

નાનાશેઠની કાર ત્યાં હતી અને ચારેચાર મિનિવાનમાં સૌ ગોઠવાઈ ગયા. ડ્રાયવર લોન ડોક્યુમેંટ તેની સાથે લાવ્યો હતો. ગરમાગરમ કૉફી–ચા પિરસાઈ. સાથે ડોનટ્સ હતા. છેલ્લું સ્ટૉપ હતું નાના શેઠની રિફાઇનરી.

આ કાફ્લો હવે સાયલન્સ ઝોનમાં નહોતો. ટીવી ઉપર સમાચાર હતા તે મુજબ અત્યાર સુધી ટિવેના ઉપર ૨૦ જેટલા દક્ષિણ અમેરિકાના દેશોમાંથી ૨૦૦૦૦ કરતાં વધુ વસાહતીઓ મેક્સિકન બૉર્ડર ઉપર અને સાન ડિયેગો બૉર્ડર ઉપર ૩૦૦૦૦ કરતાં વધુ બિનવસાહતીઓ જમા થઈ ગયા હતા. આજે બંને પૉર્ટ પરથી એન્ટ્રી બંધ થવાની હતી અને બંને જગ્યાએ શૂટ એટ સાઇટનાં ઓર્ડર અપાઈ ચૂક્યા હતા.

સત્તાધારી પક્ષ કોઈ પણ ભોગે આ મિશન સફળ નહોતા થવા દેવાના. સેનેટર જોનને ચારે ગાડીઓ પૉર્ટ વિસ્તારથી નીકળ્યા પછી ફોન કર્યો ત્યારે જોન કહે, હજી સત્તાધારી પક્ષના પોલીસોની એક ગાડી તમને રોકશે. તેમને પર પર્સન આપ પચાસ ડૉલર ચૂકવી દેજો એટલે એસાયલમ મુક્તિનાં પેપરો મળી જશે અને મને પૈસા મળ્યાની માહિતી મળી જશે. આ મુક્તિનો ભાવ આજથી વધી જઈને ૧૨૫ ડૉલર થયો છે.

"જોન! અમને કમાવા દેવાના છે કે નહીં?"

"તમારે તો આવનારા પાસેથી વસુલ કરવાના છે ને?

"પણ અત્યારે તો ભાર મારા ઉપર પડે છે ને?"

જોન થોડુંક હસ્યો. પછી કહે, "હા. હવે પછીની ટ્રીપ થોડી ખર્ચાળ થશે..."

"ભલે, પણ તમારી મોટેલ ઉપર કેટલા માણસોને મોકલું?"

"તૈયાર છે ને?"

"હા. કાઉંટર ઉપર ચાલે તેવા થતાં હજી મહિનો થશે."

"બધાને તૈયાર કરી મારી એજન્સી પર મોકલી દે."

"ના. ફક્ત ૧૦૫ને મોકલીશ. મારે ત્યાં મને ૧૫ જોઈએ છે."

“ખરેખર તો ૭૦ કામ કરશે અને બચ્ચાંનો પગાર હું લઈશ."

"એ કેવી રીતે ચાલે?"

"એક કામ થઈ શકે?"

"બોલો."

"કુલ ૧૨ કલાકનો પગાર ૧૫ લેખે મને મોકલજે. હું તેમને ૧૦ લેખે આપીશ."

"પાંચ ડૉલર તેમના ખાતામાં લોન પરત તરીકે જમા લઈશ."

"બચ્ચાંનો પગાર પણ તું લઈશ? ટેક્ષમાં કેવી રીતે બતાવીશ?"

"તે મારો સીપીએ ફોડી લેશે. પણ આ લોકોનો ખર્ચો અને ટ્રાવેલિંગ પેટે મને શું આપશો?"

"તેઓની રીક્રુટમેંટ ફી પર પર્સન ૧૦૦૦ ડૉલર આપું છું ને?"

"બસ ૧૦૦૦?"

"વરસના અંતે બોનસ પણ તેટલું જ આપીશ ને?"

"ભલે. આવી ખેપ માટે બારણાં ખૂલે ત્યારે મને જાણ કરજે. હજી તો એક જ સૉર્સ વાપર્યો છે."

"મને તો ભારતમાંથી વધુ માણસો જોઈએ છે હાલમાં."

"ભલે. લાવી તો શકાય પણ વિમાન માર્ગે અને તે બધા ભણેલાગણેલા એટલે સવલતો વધારે આપવી પડે પણ વધુમાં વધુ અઠવાડિયામાં સૌને લાવી શકાય."

'ના. બહુ ભણેલા ના ચાલે. તેમને સટકી જતાં વાર ના લાગે."

"હા. વાત તો સાચી છે. પણ તેમને કાયદાથી બાંધી દઈને લાવી શકાય.”

"કેવી રીતે?"

"પહેલાંથી બૉન્ડ લખાવી લેવાનું."

"પછી?"

"ખર્ચો?"

“ખર્ચો બધો તેમનો આપણે તે બૉન્ડ પાકે એટલે કે પાંચ વરસે તેમને પરત કરવાનો."

"મને તેવા હજાર માણસો બે અઠવાડિયામાં જોઈએ છે, હ્યુસ્ટન ખાતે."

"મારી ફી કેટલી અને તેમને કાયદાકીય કરવાની જવાબદારી તમારી.”

જોન કહે, "બે હજાર ડૉલર."

નાનાશેઠ કહે, “તેમનો હ્યુસ્ટન સુધીનો ખર્ચો ઉમેરી દો તો હમણાં જ હા કહી દઉ.”

"કેટલો થાય તે ખર્ચો?"

"છેલ્લા સમયની ટિકિટો છે એટલે જે થશે તે તમારા કાર્ડ ઉપર કરાવી દઈશ જેથી માઇલ્સ તમને મળે. અને એક તર્ફી ટિકિટ થશે એટલે ભાડું પણ ઓછું થાય."

"તું મને પાસપૉર્ટની નકલ ફેક્ષ કરી દેજે, હું ટિકિટો તને રવાના કરી દઈશ." જોને છેલ્લું તીર માર્યું "આ બધાને ૨૦૨૦ પહેલાં સિટિઝન બનાવી દઉં તો તો તેમનો વોટ અમને આપવા સમજાવવાનાં છે."

"ભલે, નક્કી. આજથી ૧૫ દિવસે તેટલા લોકો તમને મળી જશે." નાના શેઠે ફોન તો મૂક્યો પણ વિચારમાં પડી ગયા. આ લોકોને વોટ આપવા હક્કદાર કેવી રીતે કરશે?

***