Sarnamu books and stories free download online pdf in Gujarati

સરનામું.

“મને તો આ સરનામે જ નોકરી જોઈએ.” શાશ્વતના આઈ-કાર્ડમાં રહેલું ઓફિસનું સરનામું બતાવતા સુરેખાએ કહ્યું.

કચેરીનું સરનામું : બીજો માળ, આરોગ્યભવન, સેક્ટર – ૧૦, ગાંધીનગર.

શાશ્વત અને સુરેખા એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. ગૌણ સેવાની પરીક્ષા પાસ કરતાં શાશ્વતને હમણાં જ નોકરી મળી હતી. સુરેખા હોમિયોપેથીના ચોથા વર્ષમાં અભ્યાસ કરતી હતી.

“હા. મારી ડોક્ટર, હા. તારે આમેય કોલેજ અને ઈન્ટર્નશીપ પૂરી કરતાં બે વર્ષ તો લાગી જ જશે ને? હાલ તો તું માત્ર ભણવામાં ને પરીક્ષાની તૈયારીઓ કરવામાં ધ્યાન આપ.” શાશ્વતે કહ્યું.

“એ તો હું કરીશ જ. પણ તુંય થોડી મજબૂત ઓળખાણો બનાવી લેજે. વખતે કામ લાગે.” આંખ મીંચકારતા સુરેખા બોલી.

“સુરુ, તને ખબર છે ને કે મારા સિદ્ધાંતો ઊંચા છે. બે વર્ષમાં લોકો મને ઓળખતા ભલે થાય, એ ઓળખાણનો લાભ હું નહિ જ ઉઠાવું. તું બરાબર મહેનત કરજે. પરિશ્રમ એ જ પારસમણિ.”

“બોલ્યા મારા હરિશ્ચન્દ્ર! સારુ હવે. હું ખૂબ મહેનત કરીશ અને લાગવગ વિના જ નોકરી મેળવીશ.” સુરેખાએ કહ્યું.

“ધેટ’સ લાઇક માય ગર્લ.” શાશ્વતે કહ્યું અને સુરેખા તેના આલિંગનમાં લપાઈ ગઈ.

અતિરેક... દરેક બાબતમાં હાનિકારક છે. શાશ્વત અને સુરેખા ભલે એકબીજાથી દૂર પરંતુ, સતત એકબીજાના સંપર્કમાં રહેતા. વોટ્સએપની મોસમ હજુ જામી ન્હોતી પણ બંન્નેના મોબાઈલમાં ટેક્સ્ટ મેસેજ ફ્રી હતા. સ્કીમમાં લીધેલા સીમ કાર્ડમાં નાઈટ કોલિંગ તો સાવ ફ્રી. ફોન પર વાતો અને ચેટિંગ સતત ચાલુ જ હોય બંન્નેનું. એકબીજા પરનો બંન્નેનો અધિકારભાવ વધી રહ્યો હતો. અને પ્રેમમાં અધિકારભાવ ઘાતક છે.

એક દિવસ સુરેખાએ રાજવીના મોબાઈલમાં શાશ્વતનો મેસેજ જોયો અને રાજવી ન્હાતી હતી ત્યાં સુધીમાં તેણે બંન્ને વચ્ચેનું આખું ચેટિંગ વાંચ્યું. રાજવી એટલે સુરેખાની ખાસ દોસ્ત અને રૂમમેટ. શાશ્વત સાથે તેની ઓળખાણ સુરેખાએ પોતે જ કરાવેલી. પણ સુરેખાને એ ન સમજાયું કે શા માટે શાશ્વત રાજવીને ‘સ્વીટુ’, ‘ડિયર’ એવાં સંબોધનો કરે! એને પોતાને પણ શરૂઆતમાં શાશ્વતની આવી મીઠડી વાતોએ જ ઘેલી કરી હતી ને! ક્યાંક એવું તો ન્હોતું ને કે શાશ્વત બધાંની સાથે આ જ રીતે વાત કરે છે? પત્યું... સુરેખાના મનમાં શંકાનું બીજ વવાઈ ગયું.

શાશ્વતની પણ ભૂલ ખરી. ફ્લર્ટિંગ તેના સ્વભાવમાં જ હતું એટલે મીઠડી વાતો એ બધાની સાથે કરતો. પણ સુરેખાને તે આ વાત જાણવા ન દેતો. એમ ન્હોતું કે એ સુરેખાને ચાહતો ન્હોતો. ખૂબ જ ચાહતો હતો. એટલે જ તેણે પોતાની આ નબળાઈ સુરેખાથી છુપાવી હતી. એના મનમાં એક ભ્રમ ઉભો કર્યો હતો કે માત્ર સુરેખા સાથે જ તે આવી મિષ્ટ ભાષામાં વાત કરે છે. કદાચ સુરેખા એવા ભ્રમમાં ન હોત તો રાજવી સાથેના શાશ્વતના ચેટિંગનો આટલો જોરદાર ઝટકો તેને ન લાગત.

સુરેખાએ શાશ્વતને થોડો જલાવવાનું વિચાર્યું અને પોતાના પુરુષ મિત્રો જોડે સંપર્ક વધાર્યો. શાશ્વતના મેસેજનો વળતો જવાબ આપવામાં હવે તેને વાર થવા લાગી. શાશ્વતનો ફોન આવે ત્યારે ઘણી વાર તેનો ફોન પણ વ્યસ્ત હોય. કંઈક બદલાઈ રહ્યું હતું બંન્ને વચ્ચે. અને ધીમે ધીમે બંન્નેને આનો અહેસાસ થવા લાગ્યો હતો. શાશ્વતને જલાવતાં સુરેખા પોતે રિષભ પ્રત્યે થોડી આકર્ષાઈ હતી.

એકબીજા વચ્ચે વધતી ખાઈ દૂર કરવાં બંન્ને પ્રયત્નો કરતાં ત્યારે છેવટે વાત એટલે પહોંચીને અટકતી કે, ‘વાંક કોનો?’ બંન્ને પોતપોતાની દલીલો રજૂ કરતાં જે સામેવાળું સ્વીકારે નહિ. આ દલીલો ઝગડાનું કારણ બનતી. એકબીજાને માફ કરી દેવા તો બંન્ને તૈયાર હતા. બંન્નેમાંથી કદાચ કોઈ એકે પણ બધું ભૂલી જઈને માફી માંગી લેવાની પહેલ કરી હોત તો કદાચ... પણ એમ માફી માંગે કોણ? પોતપોતાની નજરમાં તો બંન્ને નિર્દોષ જ હતા ને!

છેવટે વાત એટલે આવીને અટકી કે બંન્ને એ છૂટાં પડવું. કોઈ પણ પ્રકારની ખારાશ કે કડવાશ વિના. છૂટા પડ્યા પછી કોઈ પણ પ્રકારે એકબીજાનો સંપર્ક કરવો નહિ. ના ફોન. ના મેસેજ. એકબીજાને કદી દખલરૂપ થવું નહિ. અને બંન્ને છૂટા પડ્યા...

છૂટા પડ્યા પછી બંન્નેને અહેસાસ થયો કે જીવનમાંથી કંઈક ખૂબ જ અગત્યનું જતું રહ્યું છે. નાની-નાની વાતોમાં એકબીજાની યાદ આવવી, એકબીજાને યાદ કરીને રોવું, ટેક્સ્ટ મેસેજમાં લાંબો મેસેજ લખી નાંખવો ને પછી મોકલ્યા વગર જ ડિલિટ કરી દેવો, કોન્ટેક્ટ લિસ્ટમાં છેક નામ સુધી પહોંચી જવું ને કોલ કરવો નહિ. અરે... છેક એટલે સુધી કે નંબર પણ ડાયલ થઈ જાય પણ ફોન જોડાય એ પહેલાં જ કાપી નાંખવો. એ જ પેલી જૂની જીદ : ‘એ મને યાદ ન કરે તો હું કેમ યાદ કરું?’ વિરહની આગમાં બળતા હતા બંન્ને. એક્બીજા વગર પોતે અધૂરાં છે એનું પૂરેપૂરું ભાન થઈ ચૂક્યું હતું બંન્નેને. પોતાની ભૂલનો પારાવાર અફસોસ હતો. પણ હવે ભેગા થવાનો કોઈ રસ્તો દેખાતો ન્હોતો.

આજે જ સુરેખાને એની નોકરીનો અપોઈન્ટમેન્ટ લેટર મળ્યો.

કચેરીનું સરનામું : બીજો માળ, આરોગ્યભવન, સેક્ટર – ૧૦, ગાંધીનગર.