Bhed - - 5 books and stories free download online pdf in Gujarati

ભેદ - - 5

ભેદ

કનુ ભગદેવ

પ્રકરણ - 5

મીનાક્ષી કે મધુ…!

કિશોર પોતાના રૂમમાં પલંગ પર સૂતો હતો.

[વાંચકો યાદ રાખે કે દિલીપ સાથે બનતા બનાવો શાંતિનગરમાં બને છે, જયારે કિશોર, આનંદ, મીનાક્ષી, અને બળવંત સાથે બનતા બનાવો વિશાળગઢમાં બને છે.]

એના માથા પર પાટો બાંધ્યો હતો અને તેનો ચહેરો સહેજ ફિક્કો પડી ગયો હતો.

એની બાજુમાં જ બે ખુરશીઓ પર બળવંત તથા આનંદ બેઠા હતા.

‘આ બંગલામાં આ બધું શું થાય છે એ જ મને નથી સમજાતું.’ કિશોરના ફિક્કા ચહેરા સામે તાકી રહેતા બળવંત બોલ્યો, ‘પિતાજી અને માલતીના ખૂન…! તમારાં પર ગઈ રાત્રે થયેલો જીવલેણ હુમલો...! હે ઈશ્વર...હું શું કરું...? શું કરું...?’

એના અવાજમાં રહેલી વ્યાકુળતા અને ચિંતા સ્પષ્ટ રીતે પરખાઈ આવતી હતી.

‘તમે ફિકર ન કરો મિસ્ટર બળવંત!’ કિશોરે તેને આશ્વાશન આપતા કહ્યું, ‘હું ખુબ જ નસીબદાર માણસ છું. જેણે પણ મારા પર હુમલો કર્યો છે તે વધારે દિવસ સુધી નહીં બચી શકે. હુમલાખોર આ બંગલામાં થયેલા ખૂન સાથે જરૂરથી કોઈને કોઈ રીતે સંકળાયેલો છે એમ હું માનુ છું અને એ જયારે પકડાઈ જશે ત્યારે તમારા પિતાજીના ખૂનના ભેદ પણ આપોઆપ જ ઉકેલાઈ જશે.’

‘મને તો જરા પણ આશા નથી.’ બળવંત પૂર્વવત અવાજે બોલ્યો, ‘આ ખૂનની તપાસ કરવામાં જયારે અહીંનું પોલીસ ખાતું પણ નિષ્ફળ ગયું છે, તો તમે બંને એકલા શું કરી શકશો? મને તો એવું લાગે છે કે આ કામ માણસનું નહીં પણ…?’

‘એટલે...? તમે કહેવા શું માંગો છો મિસ્ટર બળવંત...?’ અચાનક જ બળવંતના કાગળ જેવા સફેદ થઇ ગયેલા ચહેરાને જોઈને કિશોર તથા આનંદ એકદમ ચમકી ગયા.

‘આ બંગલામાં ભૂત-પ્રેત ફરતાં હોય એવું મને લાગે છે અને આ ભૂત-પ્રેત જ પોતાની પ્રેતલીલાનું પ્રદર્શન કરે છે!’ બળવંતનો અવાજ કારમાં ભયથી ધ્રૂજતો હતો.

‘આવું તમે કયા આધારે માનો છો?’ આનંદે એક સિગરેટ સળગાવતા પૂછ્યું.

‘તમે પોતે જ વિચારો. અંદરથી બંધ કરેલા રૂમમાં પ્રવેશીને ખૂની ખૂન કરીને ચાલ્યો જાય અને કોઈ તેને જુએ પણ નહિ એવું કેવી રીતે બને? આ કામ ચોક્કસ જ કોઈક પ્રેતાત્માનું છે.’

પોતાના પિતાજી તથા પત્ની માલતીના ખૂનથી બળવંતના દિમાગમાં ઢંગ-ધડા વગરના વિચારો આવે છે તથા તેને ખુબ આઘાત લાગ્યો છે, એ વાત કિશોર તથા આનંદ બંને જાણતા હતા.

‘મિસ્ટર બળવંત...!’ કિશોર બોલ્યો, ‘તમે ભણેલા ગણેલા, ગ્રેજ્યુએટ, બુદ્ધિશાળી, સમજદાર અને આધુનિક યુગના છો. આવી વાતો તમારે ન જ વિચારવી જોઈએ. એક વાત તો તમે પણ કબુલ કરશો કે મારા માથા પર કોઈ પ્રેતાત્માએ લોખંડનો સળીયો નથી માર્યો. આ કામ કોઈ માણસનું જ છે. પ્રેતાત્માઓ ખૂન કરવા માટે છૂરી નથી વાપરતા તેમ હુમલો કરવા માટે લોખંડના સળિયાનો પણ ઉપયોગ નથી કરતા. અલબત્ત, ખૂની ખુબ જ હોશિયાર અને ચાલાક છે એટલું તો જરૂરથી કબુલ કરવું પડશે. પરંતુ કાયદાના હાથ આકાશને આંબે એટલા વિશાળ અને લાંબા છે. ગમે તેવો ચાલાક, હોશિયાર અને અઠંગ ગુનેગાર પણ એ લાંબા હાથથી વધુ સમય સુધી મુક્ત નથી રહી શકતો. એક વાતની તમે ખાતરી રાખજો જ્યાં સુધી ગુનેગાર નહિ પકડાય ત્યાં સુધી અમે અહીંથી હરગીઝ નથી ખસવાના.’

‘મિસ્ટર કિશોર...!’ બળવંત ધ્રુજતા અવાજે બોલ્યો, ‘તમે ભલે ગમ્મે તેમ કહો પણ હું તો હવે હિમ્મત હારી બેઠો છું. મમ્મીના કહેવા મુજબ અમારા જીવ પણ જોખમમાં છે અને મમ્મીની આ વાત મને પણ સાચી લાગે છે. મમ્મીની સલાહ માનીને તેમની સાથે આ બંગલો છોડીને ચાલ્યો જાઉં એમ પણ મને થાય છે.’

‘આ તો કાયરતાની નિશાની છે મિસ્ટર બળવંત! અને તમે કાયર નથી તેની અમને ખબર છે!’ આનંદ તરત જ બોલી ઉઠ્યો, ‘ઉપરાંત બીજી પણ એક વાત છે.’

‘શું…?’

‘તમે આ બંગલો છોડી દો, એમ જ કદાચ ગુનેગાર ઈચ્છે છે. અને તેમને લાભ થાય, એવું કોઈ જ કામ તમારે ન કરવું જોઈએ એ એમ હું અંગત રીતે મનુ છું.’

‘ઓહ…!’ બળવંત ધીમેથી બબડ્યો.

‘તમે તન-મનથી સ્વસ્થ બની જાઓ મિસ્ટર બળવંત...!’ ભારે બની ગયેલા વાતાવરણને હળવું કરવાના આશયથી આનંદ ગજવામાંથી પ્લેઈંગ કાર્ડનું બોક્સ કાઢતા બોલ્યો, ‘આવો, બે-ચાર બાજી રમીએ.’

‘મારુ મન દરેક પ્રકારના મનોરંજન માટે મરી ગયેલું છે.’ બળવંતે ઉદાસ અવાજે કહ્યું, ‘તમે બંને રમો. હું બેઠો-બેઠો જોયા કરીશ.’

‘મન ન હોય તો જાઓ...આરામ કરો…!’ કિશોર બોલ્યો, ‘લગભગ દસ વાગી ગયા છે.’

‘મારો ખંડ તો જાણે મને કરડવા દોડે છે. અહીં રહીશ તો દુઃખથી બચી જઈશ.’ બળવંતે કહ્યું, ‘તમે બંને રમો. મને ઊંઘ આવશે ત્યારે હું ચાલ્યો જઈશ અને યાદના નાસ્તરથી બચવા માટે ઊંઘની ગોળી ખાઈને સુઈ જઈશ.’

‘તો હવે તું જ આવ કિશોર...!’ પાનાને પીસીસ પાડતો આનંદ પોતાના મિત્ર કિશોરને ઉદ્દેશીને બોલ્યો, ‘પરંતુ સાંભળ...તારે મને એક વચન આપવું પડશે.’

‘વચન…?’

‘હા…’

‘શાનું...?’

‘રમત દરમિયાન બેઈમાની ન કરવાનું વચન!’

‘ના...એ મારાથી નહીં બને...! કિશોર બેઠો થતા બોલ્યો.

‘કેમ…?’

‘તું જ વિચાર કારણે આઝાદી પછી જયારે બેઈમાની, જુઠ્ઠાણું, કરચોરી, લાંચ-રુશ્વત, જાતજાતના ભ્રસ્ટાચાર, દગા ફટકા, ફરેબ, મક્કારી, વિશ્વાસઘાત, સ્વાર્થ, છલ-પ્રપંચ, અવસારવાદીતા, નિજ સ્વાર્થ ખાતર પોતાના દેશ સુદ્ધાને વેચી નાખવાની આદત અત્યારે જોર પકડી રહી છે તો પછી હું પણ તેનાથી કેવી રીતે પર રહી શકું? આજે જ્યાં જુઓ ત્યાં બેઈમાનીની જ બોલબાલા છે. માણસ જેટલો વધુ બેઈમાન, તેટલો સમાજ તેને શરીફ ગણે છે. છે ને દુનિયાને ઊંધા ચશ્મા...?’

‘બસ કર ભાઈ…!’

‘હું બસ નહીં પણ બેઈમાની કરીશ...!’

‘તારે જે કરવું હોય તે કર, પણ ભાષણ છોડી દે…! મને નેતાઓ અને ભાષણ પ્રત્યે ચીડ છે એ તો તું જાણે જ છે.’ આનંદ પાનાંને ટીચતાં બોલ્યો, ‘ચાલ, પત્તાં ઉઠાવ!’

બંને રમવા લાગ્યા.

જયારે બળવંત પૂતળાની માફક બેઠો હતો.

એના ચહેરા પર દુઃખ:દર્દ અને આંતરિક પીડાની રેખાઓ છવાઈ ગઈ હતી.

આંખોમાં વિશાળ ભય અને આશંકાના ઓછાયા તરવરતા હતા.

એ એ બંને સામે બેઠો હતો જરૂર, પણ મનથી ત્યાં નહોતો.

રહી રહીને એની નજર સામે માલતીનો ભોળો ભટક, માસુમ અને સ્મિત ફરકાવતો ચહેરો તરવરતો હતો અને ત્યારે એની પાંપણની કોરમાં અશ્રુબિંદુઓ જામતા હતા.

કિશોર તથા આનંદ પણ રમવા ખાતર જ રમતાં હતા.

બાકી તેમનું મન પણ રમતમાં સ્થિર નહોતું.

બંને દિમાગ પર અનેક સવાલો હથોડાની માફક ઝીંકાતા હતા.

-અને એ બધા જ સવાલોના જવાબ અંધકારમાં જ રહી જશે તેવો તેમને ભાસ થતો હતો.

‘મિસ્ટર બળવંત...!’

માલતીના વિચારમાં ડૂબી ગયેલો બળવંત ચમક્યો.

એણે પ્રશ્નાર્થ નજરે આનંદ સામે જોયું.

‘આજે અહીં બંગલામાં ઘણા માણસો આવ્યા હતા અને હું ન ભૂલતો હોઉં તો આવનારાઓમાં બે-ત્રણ વિદેશીઓ પણ હતા.’

‘હા…’

‘એ લોકો કોણ હતા? શું તેઓ અવારનવાર અહીં આવે છે?’

‘નાટકની દુનિયામાં એ બધા મમ્મીના પરિચિતો હતા. એમાંથી બે-ત્રણ એમના મિત્રો પણ હતા.’ બળવંતે જવાબ આપ્યો, ‘એ લોકો મમ્મીને ફરીથી સ્ટેજ પર આવવાની સલાહ આપતા હતા. તેમના કથન મુજબ સ્ટેજની દુનિયામાં આવવાથી દુ:ખનો બોજો હળવો થઇ જશે પરંતુ મમ્મી તૈયાર ન થયાં.’

કિશોરની નજર સામે પહેલા દિવસની મીનાક્ષીની આકૃતિ ઉપસી આવી.

એ દિવસે વાતચીત દરમિયાન ચહેરાની સાથે-સાથે એણે મીનાક્ષીના અવાજને પણ બદલાયેલો અનુભવ્યો હતો.

એ દિવસે તે પરેશાન તો હતો જ! મીનાક્ષીના દેખાવ અને અવાજમાં શા માટે પરિવર્તન થતું હતું, એ તેને નહોતું સમજાયું.

અને હવે જયારે જાણવા મળ્યું કે તે સ્ટેજ આર્ટિસ્ટ રહી ચુકી છે, ત્યારે પણ એ કારણ સ્પષ્ટ નહોતું થતું.

ગમે તેવા નિષ્ણાંત કલાકારનો ચહેરો તથા અવાજ આ રીતે નથી બદલી શકાતો.

મીનાક્ષીનું રૂપ બદલાયા પછી તે એક નવી જ સ્ત્રી જેવી દેખાતી હતી.

એ દિવસની કિશોરની મૂંઝવણ આજે પણ યથાવત હતી.

એ ચુપચાપ મીનાક્ષી વિષે જ વિચારતો હતો.

‘મિસ્ટર બળવંત...!’ આનંદ બોલ્યો, ‘મીનાક્ષીદેવીના મિત્રોની સલાહ સાચી જ છે. વેદનાને ભૂલવા માટે જિંદગીમાં થોડું પરિવર્તન જરૂરી છે. તેમને કહો કે તેઓ પોતાના મિત્રોની સલાહ માની લે!’

‘મેં આ બાબતમાં તેમની સાથે વાત કરી હતી, પણ તેઓ તૈયાર નથી થતાં.’

‘કેમ…?’

‘મમ્મીના કહેવા મુજબ પહેલા અને આજની સ્થિતિમાં ઘણો ફર્ક છે!’ બળવંત બગાસું ખાતા બોલ્યો, ‘વારું હવે મને ઊંઘ આવે છે એટલે હું જઈશ. તમે લોકો પણ આરામ કરો.’ કહી ઉભો થઇને તે બહાર નીકળી ગયો.

‘મને તો કોઈ છેડો જ નથી દેખાતો!’ બળવંતના ગયા પછી આનંદે એક ઊંડો શ્વાસ લેતા કહ્યું, ‘બળવંતને કેવી રીતે આશ્વાસન આપવું અને કઈ રીતે...’

‘વાતો અને વાર્તાઓ કેટલાય પ્રકારની હોય છે…!’કિશોર વચ્ચેથી જ બોલી ઉઠ્યો, ‘કેટલીક વાતો કે વાર્તાઓ ખુબ જ આંટીઘૂંટીવાળી અને મંદ ગતિએ આગળ વધતી હોય છે અને તેનો અંત ઘણો મોડો આવે છે. અરે, ક્યારેક ક્યારેક તો અંત આવીને દેખાતો જ નથી. હું માનુ છું ત્યાં સુધી અહીં જે વાર્તા શરુ થઇ છે, તે મંદગતિ વાળી તથા આંટીઘૂંટી અને ભેદભરમ થી ભરપૂર છે. આ કારણસર તેની કડીઓ મેળવીને એક તાંતણામાં પરોવવામાં આપણે ખુબ જ ધીરજ રાખવી પડશે.

‘સંભાળ...!’ આનંદે કહ્યું, ‘આમ તો હું ક્યારનોય કંટાળી ગયો હોત પણ…’

‘જો રાધા પર તારી નજર ન પડી હોત તો, ખરું ને?’

કિશોરે ફરીથી તેને અટકાવીને હળવું સ્મિત ફરકાવતા બોલ્યો, ‘તું એની સાથે સંભંધ રાખે એમાં પણ કંઈ ખોટું નથી. ઉલટું હું તો તને એવી સલાહ આપું છું કે તેની સાથે દોસ્તીની ગાંઠ વધુ મજબૂત બનાવ! આ બંગલામાં ચાલી રહેલી, આંટીઘૂંટી અને ભેદભરમથી ભરપૂર ધીમી ગતિની વાર્તામાં એ પણ એક યા બીજી રીતે સંકળાયેલી છે એમ હું માનુ છું.’

‘બનવાજોગ છે કે તારી વાત કદાચ સાચી પણ હોય!’ આનંદે કહ્યું, ‘પરંતુ મને એવું નથી લાગતું.’

‘તો શું લાગે છે?’

‘પોતાના રૂપને તથા યૌવનને નથી સાંભળી શક્તિ એવી માત્ર એક કામવાળી...!’આનંદે એક એક શબ્દ પર ભાર મુક્ત બોલ્યો.

‘હા...કાલે રાત્રે તારા પર જે હુમલો થયો, એના વિષે તો તે હજુ પુરી સ્પષ્ટતા નથી કરી? એ બધું કેમ ને કેવી રીતે બન્યું...?’

‘કેમ બન્યું, એ તો તને હું જણાવી જ ચુક્યો છું. રહી વાત શા માટે બન્યું ને કોને કર્યુંની તો એ તો હું તને કેવી રીતે કહી શકું...?’

‘કેમ…?’

‘ગાઢ ધુમ્મસના કારણે હું પોતે પણ હુમલાખોરોને ચહેરા નહોતો જોઈએ શક્યો. ખેર, હવે તું જા...રાત ઘણી વીતી ગઈ છે. થોડો આરામ કરવો જરૂરી છે.’

પ્લેઈંગ કાર્ડનું બોક્સ ગજવામાં સરકાવીને આનંદ ઉભો થઈને પોતાના રૂમમાં પહોંચ્યો.

પરંતુ ત્યાં પહોંચતા જ તેને આશ્ચર્યચકિત થઇ જવું પડ્યું.

કારણ, રાધા ત્યાં બેઠી હતી.

આનંદ પર નજર પડતા જ એના ચહેરા પર રમતિયાળ સ્મિત ફરકી ગયું.

‘હું ક્યારનીયે તમારી રાહ જોઉં છું.’ એ સ્મિત સહ બોલી, ‘દૂધ પણ ઠંડુ થઇ ગયું હશે. ચાલો, જલ્દી પી લો…!’

‘હમણાં જ કે પછી…?’

‘હું...હું...સમજી નહીં.’ રાધાના અવાજમાં શરારત હતી.

‘બધું જ સમજવા છતાંય જયારે કોઈ સ્ત્રી ન સમજવાનો ડોળ કરે છે ત્યારે ખરેખર ચાંદની રાતમાં બરાબર બહાર ભટકવા જવાની ઈચ્છા જોશજોરથી ઉછાળા મારવા લાગે છે.’ આનંદ બોલ્યો, ‘હા, યાદ આવ્યું. જરા બહાર ચાલ…’

‘કેમ…?’

‘તારા બે-ચાર ફોટા પાડવા છે!’

‘તમે તો કોઈક સ્ટુડિયોમાં ફોટા પડાવી આપવાનું કહેતા હતા ને?’

‘એની હું ક્યાં ના કહું છું? સ્ટુડિયોમાં પણ પડાવીશું જ!’

‘તો પછી…?’

‘હું ચાંદની રાતમાં, વૃક્ષઓના પડછાયામાં તારા બે-ચાર ફોટા પાડવા મંગુ છું.’ આનંદે ત્રાંસી નજરે તેની સામે જોતા કહ્યું.

‘ભલે, ચાલો...’

આનંદે કબાટમાંથી કેમેરો કાઢ્યો.

બંને બારણાં તરફ આગળ વધ્યા.

‘દૂધ તો પી લો...નહીં તો વધુ ઠંડુ પડી જશે.’ સહસા યાદ આવ્યું હોય એમ રાધા બોલી.

‘થઇ જવા દે! હું ઠંડુ જ પી લઈશ.’

બંને બહાર નીકળી આવ્યા.

આનંદ રાધાનો હાથ પકડીને બંગલાની પાછળ ઘટાટોપ વૃક્ષઓ વાળા ભાગ તરફ આગળ વધવા લાગ્યો.

બે-ત્રણ મિનિટમાં જ તેઓ ત્યાં પહોંચી ગયા.

ચાંદની રાતમાં ફ્લેશ બલ્બની મદદથી આનંદે રાધાના બે-ત્રણ ફોટાઓ પાડ્યા.

પછી એણે કેમેરો ખભા પર લટકાવી દીધો.

‘બસ…? વધારે નથી પાડવા...? રાધાએ ઉત્સુક અવાજે પૂછ્યું.

‘હવે દિવસના સમયે વધુ અનુકૂળ રહેશે. આ બંગલાના બેકગ્રાઉન્ડમાં જ ફોટાઓ પાડીશ, તે ખુબ જ સુંદર આવશે અને ઉપયોગી પણ નીવડશે.’ આનંદે જવાબ આપતા કહ્યું, ‘આ બંગલો ખુબ જ સુંદર અને જુનવાણી ઢબનો છે ખરુંને?’

‘હા…’

‘હવે બરાબર...!’ જાણે કંઈક સમજ્યો હોય એમ આનંદે માથું હલાવ્યું.

‘શું બરાબર...?’

‘પહેલા દિવસે આ બંગલામાં આવતાની સાથે જ હું સમજી ગયો હતો કે તે કોઈક રાજાએ બંધાવ્યો છે અને રાજા-મહારાજાઓ જે બંગલાઓ બનાવડાવતાં હતા, તેમાં ચોર-ડાકુઓ અને દુશ્મનોથી બચવા માટે ચોર-દરવાજા, ગુપ્ત માર્ગો અને ભોંયરાઓ પણ બનાવવામાં આવતાં હતા જેથી કરીને જોખમના સમયે ચોર દરવાજેથી નીકળી જવાય અથવા તો ગુપ્ત ભોંયરામાં છુપાઈ જવાય!’ આનંદ રાધાની નજીક આવતાં બોલ્યો, ‘મારી માન્યતા ખોટી નથી ને?’

‘ના, બલ્કે એકદમ સાચી છે! આ બંગલામાં પણ કેટલાય ભોંયરાઓ છે અને તેમાં...’ કહેતાં કહેતાં અચાનક જ રાધા ચૂપ થઇ ગઈ.

‘કેમ, ચૂપ શા માટે થઇ ગઈ? બોલ ને...ભોંયરામાં શું છે? ત્યાં શું ચાલે છે?’ આનંદે વ્યાકુળ અવાજે પૂછ્યું.

પરંતુ રાધા કશું જ ન બોલી શકી.

એની નજર આનંદના ચહેરા પરથી ખસી ગઈ હતી,

આનંદના મનમાં રાધા પ્રત્યે શંકા ઉપજી.

રાધા ક્યાંક બીજે જુએ છે, એવો પણ તેને ભાસ થયો.

એ ક્યાં જુએ છે એ જાણવા માટે તેણે પીઠ ફેરવી.

વળતી જ પાળે તે એકદમ ચમક્યો.

થોડે દૂર એક અસ્પષ્ટ આકૃતિ ઉભેલી તેને દેખાઈ.

‘કોણ…? કોણ છે…? ત્યાં કોણ છે?’ કહેતા કહેતા આનંદ એ તરફ ઘસ્યો.

પરંતુ હજુ તો તે થોડા ડગલાં જ આગળ વધ્યો કે એકાએક એની આંખો રોશનીના જોરદાર ધોધથી અંજાઈ ગઈ.

એના પગ આગળ વધતા અટકી ગયા.

એની આંખો બંધ થઇ ગઈ.

અને થોડી વાર બાદ જયારે તેને સ્વસ્થ થઈને તે આંખો ઉઘાડી ત્યારે ત્યાં નહોતી રાધા કે નહોતી પેલી આકૃતિ.

ત્યાં માત્ર ઘટાટોપ અંધકાર છવાયેલો હતો.

બીજી તરફ કિશોર ચુપચાપ પોતાના રૂમમાં પલંગ પર સૂતો હતો.

રૂમમાં દુધિયા રોશનીનો ઓછા વોલ્ટનો બલ્બ સળગતો હતો.

ઉઘાડી બારીમાંથી બહાર ફેલાયેલી ચાંદનીનું થોડું થોડું અજવાળું અંદર આવતું હતું.

રાત ઘણી વીતી ગઈ હોવા છતાં પણ તેને ઊંઘ નહોતી આવતી.

ગઈ કાલે રાત્રે પોતાના પર થયેલા હુમલાને કારણે તે ખુબ જ વ્યાકુળ બની ગયો હતો.

હવે તેને મનોમન લાગતું હતું કે બળવંત તથા તેની મમ્મી મીનાક્ષી પર પણ જોખમ ઝઝૂમી રહ્યું છે.

એ બંને પર કોઈ પણ પાળે જીવલેણ હુમલો થઇ શકે છે-એટલા માટે કે સર દીનાનાથ તથા માલતીનો ખૂની આ બંગલામાં રહેનારા માંથી જ કોઈક છે, એવી તેને ખાતરી થઇ ગઈ હતી.

ખૂની જો બહારનો હોય તો બંગલાનો જ કોઈક માણસ તેની સાથે ભળેલો છે એમ એ માનતો હતો.

દરેક ખૂનનું કોઈક કારણ હોય છે જ!

પરંતુ આ બંને ખૂન પાછળ છુપાયેલું કારણ હજુ સુધી તેને નહોતું સમજાયું.

જાણે કોઈકે વેર વાળવા ખાતર ખૂન કર્યું હોય એવો ભાસ થતો હતો.

પડદા પાછળ છુપાયેલો કોઈક માનવી પોતાની વેરની આગને બુઝાવવા માટે આ કુટુંબને જ સાફ કરી નાખવા માંગે છે, એવી માન્યતા પણ એના મનમાં પઘડાઈ હતી.

પરંતુ આવો માણસ કોણ છે?

જો તે વેર લેતો હોય તો કઈ વાતનું?

વિચારતા વિચારતા જયારે કિશોરનું દિમાગ ચકરાવે ચડી ગયું ત્યારે એણે વિચારવાનું બંધ કર્યું.

મનને બીજી તરફ વાળવા માટે તે એક સિગરેટ સળગાવીને ધીમે ધીમે તેના ખાસ ખેંચવા લાગ્યો.

સહસા રૂમના દ્વાર પાસે તેને કોઈનો પગરવ સંભળાયો.એ પગલાં કોના હશે તે વિષે કશું અનુમાન કરે તે પહેલા જ બારણાં પર હળવા ટકોરા પડ્યા.

થોડી પળો સુધી તો તે વિમૂઢ બની ગયો.

પછી પલંગ નીચે ઉતરીને તે બારણાં પાસે પહોંચ્યો.

પરંતુ બારણું ઉઘાડતાંની સાથે જ એની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઈ.

થોડી વાર માટે તો તેને પોતાની આંખો પર ભરોસો ન બેઠો.

પોતે કોઈક સપનું જુએ છે,એવો તેને ભાસ થયો.

પરંતુ આ સ્થિતિ વધુ વખત ન રહી,

એને પોતાની આંખો પર ભરોસો કરવો જ પડ્યો.

બહાર ગુલાબી સાડીમાં સજ્જ થયેલી મીનાક્ષી સાડીના રંગ જેવું જ સ્મિત ફરકાવતી ઉભી હતી.

એણે તીખો અને જીવંત મેકઅપ કર્યો હતો.

કોણ જાણે કેમ પણ કિશોરને લાગ્યુ કે આ મીનાક્ષી બળવંતની નવી માતા મીનાક્ષી નહીં પરંતુ કોઈક બીજી જ મીનાક્ષી છે!

‘અંદર આવવાનું પણ નહીં કહો…?’ રૂપની ઘંટડી જેવો અવાજ કિશોરના કાને અથડાયો.

કોઈક સત્તર-અઢાર વર્શનીકુમારિકા જેવો સંગીતભર્યો અવાજ પણ બળવંતની નવી માતા મીનાક્ષી નહોતો લાગતો.

એ નિર્જીવ પૂતળાની જેમ પોતાના સ્થાને ઉભો હતો.

એની પાંપણ સુદ્ધા નહોતી ફરકતી અને દિમાગ શૂન્યમાં ભટકતું હતું.

‘આ મારે માટે કોઈ નવી વાત નથી.’ મીનાક્ષી તેની બાજુમાંથી પસાર થઈને અંદર પ્રવેશતા બોલી, ‘જયારે જયારે હું તમારી પાસે આવી છું, ત્યારે ત્યારે તમે મારી સાથે આવી જ ભાવહીન વર્તણુંક દાખવી છે અને તેથી જ દરેક વખતે જ હું નિરાશ થઈને પછી ફરી ગઈ છું. આજકાલ કરતા કોણ જાણે કેટલી સદીઓથી તમે મારી સાથે આવું વર્તન દાખવતા આવ્યા છો. પરંતુ આજે હું નિરાશ થઈને પછી ફરી જવા માટે નથી આવી.’

પોતાના જમીન નીચેથી જમીન સરકતી જાય છે અને પોતે સદેહે હવામાં ઉડવા લાગ્યો છે, એવો કિશોરને ભાસ થયો.

અંદર પ્રવેશીને મીનાક્ષીએ પોતે જ બારણાને સ્ટોપર ચડાવી દીધી.

પછી તે કિશોરની તદ્દન નજીક આવીને ઉભી રહી ગઈ.

જાણે મીઠી-મધુર અને દિમાગને તર તથા પાગલ બનાવી મૂકનારી સુગંધે પોતાને ચારે તરફથી ઘેરી લીધો છે એવું કિશોરને લાગ્યું.

પછી જયારે મીનાક્ષી તેનો હાથ પકડી, ચહેરા સામે જોઈને હસી ત્યારે જાણે પોતે સંયમ ગુમાવી રહ્યો છે એવો તેને ભાસ થયો.

‘અહીં આમ જ ઉભા રહેવું છે કે શું? મીનાક્ષી ધીમા અવાજે બોલી, ‘છેવટે મને જોઈને તમે આમ જડ્વત શા માટે બની જાઓ છો? જેના માટે તમે તમારું રાજ્ય છોડ્યું, અનેક ખૂંખાર જંગ ખેલ્યા, એ જ હું છું...અને...અને હવે તો હું તમારી પાસે આવી પહોંચી છું તો પછી તમે શા માટે બરફ જેવા બની ગયા છો?’

શું બોલવું ને શું નહિ, એ કિશોરને કંઈ નહોતું સમજાતું.

એની તમામ ચેતના જડવત બનતી જતી હતી.

પરંતુ પછી જયારે અચાનક મીનાક્ષીએ તેને પોતાના બાહુપાશમાં જકડી લીધો, ત્યારે તે એકદમ ભાનમાં આવ્યો.

માંડ માંડ તેણે પોતાના પર કાબુ મેળવ્યો.

મીનાક્ષીના મનમાં શું છે, એનો તાગ મેળવવાની આ ઉમદા તક છે, એવું તેને લાગ્યું.

જો પોતે પોતાની જાત અને ચેતના પર કાબુ રાખી શકશે તો મીનાક્ષીનું આ પરિવર્તન માત્ર અભીનય જ છે કે બીજું કઈ, તે ચોક્કસ જાણી શકાશે.

‘મારી સામે જુઓ…!’ મીનાક્ષી કરગરતા અવાજે બોલી, ‘જુઓ, મારી હાલત કેવી થઇ ગઈ છે? અત્યાર સુધી તો હું માંડ માંડ સ્વસ્થ રહી શકી છું. પણ હવે જો તમે આમ જ પથ્થર હૃદયના બની રહેશો તો પછી હું મરી જઈશ...એકદમ મરી જઈશ…!’

‘ના...હું તને નહીં મરવા દઉં મીનાક્ષી...! ખાનદાની પ્રેમનો વારસો મળ્યો હોય એવા અવાજે મજનૂની અદાથી કિશોર બોલ્યો, ‘તું મરી જઈશ તો પછી હું પણ કેવી રીતે જીવતો રહી શકીશ...?’

મીનાક્ષી તેની છાતીની નજીક આવી ગઈ.

એની બહુપાશની પક્કડ વધુ મજબૂત બની ગઈ.

પોતાના સ્મિત ફરકાવતા હોઠને વક્ર બનાવીને એ ફરિયાદભર્યા અવાજે બોલી, ‘તમે...તમે મારું નામ પણ ભૂલી ગયા લાગો છો…! મારુ નામ મીનાક્ષી નહીં, મધુ છે મધુ…! તમે આવા ભુલકણા સ્વભાવના ક્યારથી થઇ ગયા?’

કિશોર મનોમન ચમક્યો.

એને લાગ્યું કે મીનાક્ષીના દેહમાં એક સ્ત્રીએ પ્રવેશ કર્યો છે, અને તે મીનાક્ષીથી તદ્દન અલગ છે.

‘તું જ ભૂલે છે! તારું નામ મધુ જરૂર છે, પરંતુ ક્યારેક ક્યારેક હું તને સ્નેહથી મીનાક્ષી પણ કહેતો હતો, એ વાત તું શા માટે ભૂલી જાય છે? બરાબર યાદ કર…! કહેતો હતો ને?’

‘ખેર છોડો એ વાત ને…!’ નામમાં શું ભર્યું છે? છતાંય એટલું કહીશ કે મારુ નામ મધુ જ છે!અને મીનાક્ષી નામ પ્રત્યે મને સખત નફરત છે…! મીનાક્ષી બોલી, ‘અરે...અહીં જ શા માટે ઉભા છો...? પલંગ તરફ ચાલો ને…! અહીં ઉભા રહીને મારા પગ દુખવા લાગ્યા છે!’

કિશોર કશું જ ન બોલી શક્યો.

એને પોતાના બાહુપાશમાં જકડી રાખીને મીનાક્ષી પોતે જ પલંગ પર આવી.

ત્યારબાદ તે થોડી પળો સુધી એકીટશે તેના ચહેરા સામે તાકી રહી.

‘તમારો સ્નેહ પામવા માટે તો હું સદીઓથી તરફડું છું. આજે તો મારી એ ભૂખ મિટાવી જ દો!’ છેવટે તે ધીમા અવાજે બોલી.

કિશોર કશું જ ન બોલી શક્યો-એટલા માટે કે મીનાક્ષી તેના પર નમતી જતી હતી અને એનું બંધન વધારે જોરથી કસાતું જતું હતું.

***

રાધા ક્યાં ચાલી ગઈ?

પેલી આકૃતિ કોણ હતી?

આટલી મોડી રાત્રે એ ત્યાં શું કરતી હતી...?

આ સવાલો આનંદને અકળાવતા હતા.

રાધાને શોધવા માટે એણે ચારેય તરફ નજર દોડાવી.

પરંતુ જયારે એ ક્યાંય ન દેખાઈ તો મૂંઝવણભરી હાલતમાં એ પોતાના રૂમ તરફ પાછો ફરવા લાગ્યો.

કિશોરની વાત તેને યાદ આવી. રાધા પણ શંકાની પરિધિમાં છે, એવું તેને લાગ્યું.

આ બંગલામાં થઇ ચૂકેલા ખૂનમાં તેની હાથ ન હોય, એ બનવાજોગ છે, પરંતુ ખૂન વિષે જરૂરથી કોઈકને કોઈક વાત જાણે છે, એ તો ચોક્કસ જ હતું.

આ વિચાર આવતાની સાથે જ આનંદ સાવચેત થઇ ગયો. કદાચ રાધાની સાથે એ આકૃતિ આટલામાં જ ક્યાંક છુપાઈને ઉભી હશે એવી શંકા તેને આવી.

પરંતુ વળતી જ પળે તેને પોતાની આ શંકા પર હસવું આવ્યું.

પરંતુ આ તેનો ભ્રમ નહોતો. તેની શંકા સાચી જ હતી.

એ હજુ તો બંગલાના આગળ ભાગમાં પહોંચ્યો પણ નહોતો ત્યાં જ એક વૃક્ષ પાછળથી એ જ આકૃતિ નીકળીને તેના પર તૂટી પડી.

આનંદ પહેલાથી જ આવા કોઈ જોખમ પ્રત્યે સાવચેત હતો એટલે જમીન પર ગબડી પાડવાની સાથે જ તે એટલી સ્ફૂર્તિથી માછલીની જેમ આગલના ભાગમાં સરક્યો કે એને પકડી પાડવાના હેતુથી તેને પાર કૂદી પડેલી આકૃતિ ખાલી જમીન પર જ પડી.

તે આકૃતિ સ્વસ્થ થાય એ પહેલા જ વીજળીના ઝડપે છલાંગ મારીને આનંદ તેના પર કૂદ્યો.

એણે એક હાથથી એ આકૃતિનું મોં દબાવ્યું અને બીજા હાથેથી એક પ્રચંડ મુક્કો તેનાં લમણાં પર ઝીકી દીધો.

એક જ મુક્કાથી એ આકૃતિ ભાન ગુમાવી બેઠી.

આનંદે ઉભા થઈને હાથ ખંખેર્યા.

પછી એણે નીચા નમીને એ આકૃતિને ખભા પર લડી અને ઝડપથી એ રૂપ તરફ જવા લાગ્યો.

રાધાને તે અત્યારે જાણે કે સૌ ભૂલી જ ગયો હતો.

તે બનતી ત્વરાએ પોતાના ખંડમાં પહોંચીને એ આકૃતિ કોણ છે, તે જાણવા માંગતો હતો.

આ બંગલામાં થયેલ ખૂનમાં જરૂર આકૃતિનો હાથ હોવો જોઈએ એમ તે માનતો હતો.

કદાચ એ જ ખૂની હોય એવી પણ તેને શંકા હતી.

રૂમમાં પહોંચીને એણે બેભાન આકૃતિને જમીન પર સુવડાવી. પછી બત્તી ચાલુ કરવા માટે તે સ્વીચબોર્ડ તરફ આગળ વધ્યો. એણે સ્વીચ ઓન કરી.

બલ્બ એકાદ પળ માટે સળગીને બીજી જ પળે બુઝાઈ ગયો.

કોઈકે જાણીજોઈને જ મેઈન સ્વીચ બંધ કરી દીધી છે, એવું આનંદને લાગ્યું.

શું રાધાએ કરી હશે? એણે વિચાર્યું.

પછી તે ઝડપથી બે રૂમ વચ્ચેના દરવાજા પાસે આવ્યો અને ખુબ જોરથી કિશોરના ખંડનું દ્વાર ખટખટાવતા બોલ્યો, ‘કિશોર, જલ્દી આવ…! સાથે ટોર્ચ પણ લેતો આવજે.’

કિશોર પર નમેલી મીનાક્ષી આ વાત સાંભળીને એકદમ ચમકી ગઈ.

એના હાથ ઢીલા પડી ગયા.

‘શું કરે છે કિશોર...? જલ્દી દરવાજો ઉઘાડી ટોર્ચ લઈને આવ!’ ફરીથી આનંદનો અવાજ સંભળાયો.

અંદરને અંદર તૂટી ગયેલી-થાકેલી મીનાક્ષીના હાથની પકડ ઢીલી પડી ગઈ.

વળતી જ પળે કિશોર પલંગ પરથી નીચે ઉતરીને વચ્ચેના દરવાજા પાસે પહોંચ્યો.

‘શું છે?’ એણે દ્વાર ઉઘડતા પૂછ્યું.

‘પહેલા ટોર્ચ તો સળગાવ...!’

ઉભો રહે...હમણાં જ લાવું છું…?’

‘બેવકૂફ...’ આનંદે દાંત કચકચાવતાં રોષભેર કહ્યું, ‘જલ્દી લવ…!’

એ ગાઢ અંધકારમાં ટેબલ પર પડેલી ટોર્ચ શોધવાનું કામ મુશ્કેલ હતું.

માંડ માંડ કિશોરે ટોર્ચ શોધી.

‘આ...લે…!’ એ બારણાં પાસે પહોંચીને બોલ્યો, ‘પણ વાત શું છે એ તો બોલ…!’

‘આજે મારા પર પણ હુમલો થયો હતો પરંતુ હું સાવચેત હોવાને કારણે હુમલાખોર નિષ્ફળ ગયો છે. હું તેને બેભાન કરીને અહીં ઉઠાવી લાવ્યો છું. તું ટોર્ચ ચાલુ કર એટલે આપણે તેના ચોકઠાના દર્શન કરી શકીએ.’

કિશોરે ચાલુ કરેલી ટોર્ચનો પ્રકાશ આનંદના રૂમમાં ફરી વાળ્યો.

પરંતુ વળતી જ પળે આનંદ એકદમ ચમકી ગયો.

પેલી બેભાન આકૃતિ એ ખંડમાં ક્યાંય નહોતી.

‘તે...તે હજુ ભાનમાં આવી શકે તેમ નહોતો તો પછી…’ સ્વાગત બબડતા બબડતા આનંદ હેબતાઈ ગયો.

‘જો તે ભાનમાં આવી શકે એવી હાલતમાં નહોતો તો પછી બેભાનાવસ્થામાં જ ક્યાં ગયો તે મને સમજાવીશ!’ કિશોર બોલ્યો, ‘આટલી વારમાં તો કોઈ જ તેને ઉઠાવી જઈ શકે તેમ નથી. નાહક જ મારી ઊંઘ બગાડી. ચુપચાપ સુઈ જા...અને સંભાળ...હવે પછી આવાં સપના જોઇશ નહીં!’

બિચારો આનંદ...!

હેબતને કારણે એ કશું જ ન બોલી શક્યો.

-અને બારણું બંધ કરીને ટોર્ચના પ્રકાશમાં કિશોરે જયારે મીનાક્ષીને જોવાનો પ્રયાસ કર્યો તો તેને પણ કિશોરની માફક ચમકવું પડ્યું.

કારણ...?

કારણ કે મીનાક્ષી પણ ત્યાં નહોતી.

***