Maa ni Munjvan - 11 books and stories free download online pdf in Gujarati

માઁ ની મુંજવણ - ૧૧

આપણે જોયું કે શિવને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું હતું, ટ્રાન્સપ્લાન્ટ ના ૮માં દિવસે શિવને ખુબ જ તાવ આવી ગયો હતો. ટેમ્પરેચર ખુબ વધુ હતું અને એ દવાથી પણ કેન્ટ્રોલમાં આવતું ન હતું. ડૉક્ટરના જણાવ્યા મુજબ શિવના પપ્પા એક દિવસ BMT રૂમમાં રહ્યા તેથી બહારની ઇન્ફેકશન શિવને લાગવાથી તાવ આવ્યો હતો, શિવને અતિશય તાવ એ એના જીવને જોખમરૂપ હતું. હવે આગળ...


તૃપ્તિ અને આસિત સહીત સૌ ખુબ ચિંતામાં હતા. શું થશે શિવ જોડે? બધાના જીવ મુંજવણમાં હતા, સૌને શિવને બચાવી લેવો હતો પણ કુદરત એમની કસોટી પારાવાર કરી રહી હતી. શિવના દાદા ને દાદી પોતાના પોત્રને આમ પીડાતા જોઈ શકતા ન હતા. એમને થતું હતું કે ભગવાન તું અમને લઇ લે પણ અમારા શિવને સાજો કરી દે! આસિત અને તૃપ્તિ પણ પ્રભુને પ્રાર્થના કરે છે કે હવે તો અમારા બાળકને પીડા મુકત કરો મારા પ્રભુ!!

જિંદગી આજ ભારરૂપ લાગે છે,
જિંદગી આજ ગુચવાયેલ લાગે છે,
જિંદગી આજ અટકતી લાગે છે,
કર કોઈ ચમત્કાર મારા "પ્રભુ",
જિંદગી આજ મોતના વમળમાં અટવાયેલ લાગે છે!!!

ડૉક્ટર શશીકાંત જયારે રાઉન્ડમાં આવે છે ત્યારે તૃપ્તિથી મુંજવણમાં પુછાય જાય છે, "મારો શિવ બચી તો જશે ને?" ડૉક્ટર તૃપ્તિના પ્રશ્નથી ગુસ્સે થઈ જાય છે. એ તૃપ્તિને ખુબ જાટકે છે, અમે ડૉક્ટર છીએ ભગવાન નહીં, તમને પેલેથી કીધું છે કે તમારે કોઈ જ આશા વગર ફક્ત સમય જ પસાર કરવાનો છે શિવ બચે પણ ખરા અને ન પણ બચે, આમ પૂછીને તમે અમને પણ કાર્યવાહી કરતા અટકાવો છો. અત્યારે કહેવું મુશ્કેલ છે, તાવ એ મોટું જોખમ છે. આટલું કહીને ડૉક્ટર જતા રહે છે. તૃપ્તિ ચોધાર આંશુએ રડી પડે છે. તૃપ્તિના સાસુ એને હિમ્મત રાખવા કહે છે, શિવને ઠીક થઈ જશે એવી સહાનુભૂતિ પણ આપે છે.

શિવનો જાણે ચમત્કારિક બચાવ થયો હોય એમ શિવને તાવ ૪/૫ દિવસ આવીને જતો રહે છે,પણ એમ શિવની કસોટી પુરી થોડી થાય? તાવની પીડા માંથી હજુ ઉભો જ થયો હતો ત્યાં શિવને દવાઓની અસરથી ફરી ખુબ જ ખંજવાળ આખા શરીરે ઉપડે છે, આખા શરીરે રેશીશ પણ પડી ગયા હતા. ખંજવાળના લીધે આપણો શિવ પણ ૩ દિવસ ઊંઘી શક્યો ન હતો. અઢી વર્ષની ઉંમરમાં કેવી કેવી પીડા ભોગવી રહ્યો હતો શિવ!! ગજબની સહનશક્તિ દાખવતો હતો, અને એ સિવાય કોઈ રસ્તો પણ ક્યાં હતો? 

દિલનું દર્દ જણાવતાય નથી આવડતું,
શું થઈ રહ્યું છે એ સમજતાંય નથી આવડતું,
નથી ગમતું હવે કઈ જ મારા મનને ,
પ્રભુ! કેમ કરું પ્રાર્થના એ પણ નથી આવડતું!!

કંઈક આવી જ ગડમથલ શિવને થતી હશે ને??? આવી જ કંઈક લાગણી એના કુણા મનને હચમચાવતી હશે ને???

આજ શિવના દાદાને એક સમાચાર એ લોકો જ્યાં ભાડે રહેતા હતા ત્યાંથી મળ્યા કે, "એ જે ઘરમાં ભાડે રહે છે એ ઘરમાં એક મંથન નામનો છોકરો કે જેને પણ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યો હતો અને એ ૧૨૦ દિવસના બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ ના સમયને પાર કરી ગયો હતો છતાં અચાનક એક દિવસ બીમાર પડ્યો એને તુરંત વેન્ટિલેટર પર રાખવો પડ્યો હતો, ડૉક્ટર કઇ સમજી શકે એ પહેલા  એ એક દિવસમાં જ પ્રભુચરણ પામ્યો હતો." આ સમાચાર દાદાએ સાંભળ્યા અને એમનું મન નેગેટીવ વિચારે ઘેરી લીધું, એમને શિવ માટે ચિંતા થવા લાગી કારણ કે મંથનના  મૃત્યુ પછી તુરંત જ શિવને એનો પરિવાર અહીં ભાડે રહેવા આવ્યા હતા. દાદાએ આસિતને પોતાની ચિંતા જણાવી હતી. અને આ રૂમ બદલવાની રજૂઆત કરી આસિત પોઝિટીવ વિચાર ધરાવતો હોવાથી એ પોતાના પિતાને ખુબ શાંતિથી સમજાવે છે અને કહે છે કે, પપ્પા તમે એવું ન વિચારો શિવના ભાગ્યમાં જે હશે એ જ થશે. બધું સારું થશે. આ ભાડે રાખેલ રૂમ હોસ્પિટલથી નજીક હોવાથી જે પણ હોસ્પિટલમાં એડમિટ હોય એને આ રૂમ માફક આવે અને એ અહીં રહે, ઘણા પોઝિટિવ કેસ પણ હશે માટે આવું ન વિચારો આપણે અહીં જ રહેશુ. આપણા શિવને બધું ઠીક થઈ જશે.

ખુબ થઈ રહી છે સૌને વ્યથા,
રાહ એક જ પ્રભુ પર આસ્થા!

ઘરના બધા જ ખુબ મુંજવણમાં હતા, છતાં બધા એકબીજાને હિમ્મત આપી રહ્યા હતા, અને પરિસ્થિતિને કેમ જીતવી એ વિચારી રહ્યા હતા. 

માઁ નું મુંજાય છે મન ને, ગૂંગળાય છે જીવ,
હજુ કેટલી પીડા સહેશે મારો શિવ?

        દિનાંક : ૨૭/૪/૨૦૧૪ 

નર્સ આજ રોજ સવારે ૪ વાગ્યે શિવના બધા જ રિપોર્ટ્સ માટે રોજના ક્રમ મુજબ ચેકઅપ માટે આવી હતી. તૃપ્તિ રેડી થઈ ને શિવ ઉઠે એની રાહ જોતી હતી. શિવ ઉઠ્યો એને તૈયાર કરી નાસ્તો અને દૂધ પીવડાવ્યું એટલી વારમાં ૯ વાગ્યે ડૉક્ટર રિપોર્ટ્સ લઈને આવ્યા. ડૉક્ટર આજ ખુશ લગતા હતા, એમને શિવને સુંદર સ્મિત સાથે વહાલથી મોઢા પર હાથ ફેરવ્યો અને તૃપ્તિને કહ્યું કે આજ શિવના WBC કાઉન્ટ વધ્યા છે. શિવનું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સકસેઝ થયું છે. આટલું સાંભળી તૃપ્તિને શું બોલવું એ સમજાતું ન હતું. એ હરખઘેલી થઈ ગઈ હતી. એની આંખ આંસુથી છલકાય ગઈ હતી, પણ આજ આંસુ ખુશીના હતા. શિવને જોતા એ ફરી ભાનમાં આવી હતી, એને ડૉક્ટરને કીધું કે તમારો ખુબ ખુબ આભાર. તમે આજ મને જિંદગીની સૌથી મોટી ખુશી કહી છે. તૃપ્તિની ખુશીનો પાર ન રહ્યો હતો. તૃપ્તિએ આસિતને કોલ કરીને આ ખુશી સમાચાર આપ્યા હતા. આસિત અને એનો આખો પરિવાર ખુબ ખુશ થયો હતો. કેટલા સમય બાદ આજ બધા ખુબ ખુશ હતા. દરેકના ચહેરા પરથી દુઃખની લકીર જાણે એકાએક દૂર થઈ ગઈ હતી. થોડી જ મિનિટોમાં ચિંતામાં દુઃખી હતા એ આંદનથી ખીલી ઉઠ્યા હતા. સમય આજ શિવના પક્ષમાં પરિવર્તિત થવા લાગ્યો હોય એવું અનુભવાતું હતું.

આસિત શિવને મળવા માટે આવ્યો હતો. એજ દરમિયાન ડૉક્ટર પણ રાઉન્ડમાં આવ્યા હતા. આસિતએ ડૉક્ટર નો આભાર માન્યો અને એ અમુક જરૂરી વાતચીત કરી રહ્યો હતો, એ વાતચીતમાં એક ચર્ચા એ પણ થઈ કે શિવને એકવાર ઇન્ફેકશનના લીધે તાવથી એ ખુબ પીડાયો હતો તો એને ૧૦૦ દિવસ સુધી હોસ્પિટલમાં જ રાખશું આથી ફરી આવો કોઈ પ્રોબ્લેમ ન થાય. BMT રૂમમાંથી એને ઘરે લઇ જવાને બદલે ડિલક્સ રૂમમાં સીફટ કરશું આથી શિવને પ્રોપર થઈ જાય અને ફરી ઇન્ફેકશન ને લીધે કઇ તકલીફ ન થાય. આ વાત શિવ સામે જ થઈ રહી હતી. શિવ આ બધી જ વાત સાંભળી જાય છે. 

શિવ ઉમર પ્રમાણે હોશિયાર હતો જ આથી બધું સમજે છે પણ અધૂરી સમજણ એને મુસીબતમાં મૂકે છે. શું વિચારે છે શિવ?
આ વાતનો શિવનો શું પ્રતિભાવ હશે?
આ પ્રસંગથી શિવને થતી તકલીફથી માઁ શું મુંજવણમાં મુકાશે એ જાણવા જરૂર વાંચજો પ્રકરણ: ૧૨...