Roommate books and stories free download online pdf in Gujarati

રૂમમેટ

પપ્પા ના ફોનની SMS ટોન વાગી.
               એ બેડ પર સુતા હતા.હું રસોડામાં બેસીને રાત્રિભોજન કરી રહ્યો હતો.મમ્મી મારી બાજુમાં બેઠા મને લાડથી જમવાનું પીરસતા હતા.આમ તો દરરોજ અમે સાથે જમતા હોય પણ આજે હું મારા દસમા ધોરણના ચોપડા મારા મિત્ર ના ઘરે એના નાના ભાઈને આપવા ગયો હતો એટલે હું મોડો પડ્યો હતો.
               પપ્પા એ ચાર્જિંગ માં મુકેલા ફોન ને ઉપાડી ને  મેસેજ જોયો.મેસેજ વાંચીને એમણે ખુશી વ્યક્ત કરતા અમને બધાને એ મેસેજ વાંચી સંભળાવ્યો કે "અભિનંદન! તમારું બાળક ૧૧ મા ધોરણના એડમિશન ની પ્રવેશ પરીક્ષામાં પસંદગી પામેલ છે" અને બીજો મેસેજ એ પણ હતો કે આવતા સોમવારથી શાળા શરૂ થઈ રહી છે.
               આ સાંભળીને મમ્મી પણ ખુશ થયા અને કહેવા લાગ્યા,"તો ચાલો હવે ત્રણ દિવસ જ છે.આ રાજા બેટા ને હોસ્ટેલમાં મૂકવાની તૈયારી શરૂ કરી દઈએ.અત્યાર સુધી બહુ સાચવી લીધો"
               હું પહેલીવાર હોસ્ટેલમાં રહેવા માટે જવાનો હતો. આવનારો સમય મારા જીવનમાં બહુ મોટો ફેરફાર લાવી રહ્યો હતો.મારા ગામ થી ૧૫૦ કિ.મી દૂર આવેલા મોટા શહેરમાં હું કેવી રીતે રહી શકીશ? એ મુખ્ય પ્રશ્ન હતો અને એ પણ એકલા!!! ત્યાં મને કેવા લોકો મળશે? મારે કેટલી કેટલી તકલીફો સહન કરવી પડશે? એ બધું વિચારતા વિચારતા જ તે દિવસે હું મોડી રાત સુધી ગાદલા માં પડ્યો રહ્યો.


★★★★★


                આજે સોમવાર છે.મારા અગિયારમા અને બારમા ધોરણની બે વર્ષની મુસાફરી નો એ પહેલો દિવસ.આજે હું વિજ્ઞાનના પ્રવાહમાં મારા જીવનનો પ્રવાહ ભેળવવા માટે મારા ગામથી દૂર ઘર છોડીને આ શહેરમાં આવી પહોંચ્યો છું.થોડો રોમાંચ, થોડી ગભરામણ, થોડો ઉત્સાહ, થોડો ઝનૂન આ બધા રસનું એક ઇન્જેક્શન બનાવીને લોહીમાં ચડાવ્યું હોય એવી ફીલિંગ આવી રહી હતી.
                હોસ્ટેલ પહોંચીને અમે ત્યાં ના રેક્ટર(હોસ્ટેલ નું ધ્યાન રાખનાર)ને મળ્યા.એણે એક ચોપડામાં જોઈને મને મારો રૂમ નંબર કીધો. "Room no. 413" અમે ઉપર ગયા અને રૂમમાં બધો સામાન ગોઠવી ને પછી મમ્મી ની હોસ્ટેલ માં રહેવાની શિખામણ જેવી કે, મોડી રાત્રે બહાર નહીં નીકળવાનું, રૂમ ચોખ્ખો રાખવાનો, જમવાનું જેવું પણ હોય એવું ખાઈ લેવાનું, આવી કેસેટ સાંભળી અને અંતે રડવાની ક્રિયા વિધિ પૂરી કરી ને અમે છુટા પડ્યા.
                હું હાથ-પગ ધોઈને મારું બેગ તૈયાર કરી શાળાએ જવા નીકળ્યો.હજુ જ્યાં રૂમ બંધ કરવા જતો હતો ત્યાં જ પેલો રેક્ટર આવીને બોલ્યો,
"આ રૂમમાં હજુ એક જણ આવવાનો છે એટલે તાળું નહીં મારતો"
આ સાંભળીને મેં દરવાજા ને ખાલી સ્ટોપર લગાવીને બંધ કર્યો અને ચાલતો થયો.

                શાળાએ પહોંચ્યો.અહીં આવી ને જોયું તો એક તહેવાર જેવું વાતાવરણ હતું.સવારના પોણા નવ વાગ્યા હતા અને બધા વિદ્યાર્થીઓ શાળાના મેદાનમાં ભેગા થયા હતા.થોડી વાર તો હું ત્યાં બધા પાસે જઈને ઉભો રહ્યો પણ પછી લાગ્યું કે લાવ ને કોઈની જોડે થોડી વાતચીત કરીએ તો સારું રહેશે.એક સ્પાઈસી વાળ અને થોડો રૂપાળો લાગતો હતો એ છોકરા પાસે જઈને હું બોલ્યો,"હેલો!! હું અખિલ"
આટલું બોલ્યા પછી આગળ શું બોલવું એ સમજાયું નહીં એટલે પછી એના વિશે જાણવા મેં પૂછ્યું, "તમે?"

          "Hi, હું અભિષેક.જામનગર થી છું" એણે જવાબ આપ્યો.પછી તો એ ચાલુ થઈ ગયો.મારા ડેડી આમ છે મારી મોમ તેમ છે અમારો ફલાણો બિઝનેસ છે અને એ ભાઈએ તો પોતાના વખાણ કરવાની આખી કથા શરૂ કરી.મેં મનમાં વિચાર્યું કે અહીંયા ખોટો ભેરવાઈ ગયો.એને જોતા લાગ્યું કે આ થોડો વધારે વેવલો થાય છે એટલે આની હારે આપણને નહી જામે.ત્યાં શાળાનો બેલ વાગ્યો અને બધા વિદ્યાર્થીઓને અંદર બોલાવ્યા.મનમાં શાંતિ થઈ કે હાશ આનાથી તો છૂટ્યો.
                હું ક્લાસમાં અંદર પહોંચ્યો.છેલ્લેથી બીજી લાઈનમાં મેં જગ્યા ખાલી જોઈ ત્યાં જઈને હું બેઠો.હજુ બેઠો કે તરત જ મારી પાછળ બેઠેલો એક છોકરો જોરજોરથી હસવા લાગ્યો.હું વિચારતો રહ્યો કે આ શા માટે હસે છે કેમ કે આસપાસ બીજું કોઈ હસતું ન હતું.થોડીવાર પછી હું આઘોપાછો થયો ત્યાં ખબર પડી કે મારી બેસવાની જગ્યાએ ત્રણ-ચાર ચ્યુઇંગમ છે અને હું તેના પર બેસી ગયો છું.હું ઊભો થઈ ગયો અને જેવો ઊભો થયો ત્યાં મારી પાછળ ચ્યુઇંગમ ચોંટેલી જોઈને આસપાસના બધા લોકો હસવા લાગ્યા.હવે મને સમજાયું કે પાછળવાળો શા માટે હસતો હતો અને એ પણ ખબર પડી ગઈ કે અહીં ચ્યુઇંગમ મુકવા વાળો પણ એ જ છે.તેની બાજુમાં બેઠેલો બીજો વિદ્યાર્થી પણ બોલી ઉઠ્યો,"રાહીલ, તેરી બિછાયી હુઈ જાલ મેં મછલી ફસ ગઈ" અને એ પણ હસવા લાગ્યો.
                મને ખૂબ જ ગુસ્સો આવ્યો કારણ કે અત્યાર સુધી આખા ગામની મશ્કરી કરનાર આ અખિલભાઈ ની મશ્કરી થઈ હતી અને બેઇજ્જતી કરવામાં આવી હતી.મેં પાછળ ફરીને રાહિલ ના ગાલ પર જોરથી એક લાફો ચોંટાડી દીધો.લાફા નો અવાજ સાંભળીને બે મિનીટ સુધી આખા ક્લાસમાં શાંતિ છવાઈ ગઈ.આઘાત લાગેલો રાહિલ પણ થોડી વાર એમ જ બેસી રહ્યો.પછી ઊભા થઈને એણે મારો કોલર પકડયો અને અમે બથોબથ ઝઘડી પડ્યા.આસપાસના અમુક છોકરાઓ દૂર ખસી ગયા અને કેટલાકે આવીને અમને બંનેને પકડીને છૂટા પડાવ્યા.એટલામાં સાહેબ ક્લાસરૂમમાં પ્રવેશ્યા એટલે ઝડપથી અમે અમારી જગ્યાએ બેસી ગયા કેમકે અમે નહોતા ઈચ્છતા કે પહેલા જ દિવસે અમારું નામ બદનામ થાય.


★★★★★


                આજે સવારે થયેલા ઝઘડા વિષે વિચારતા વિચારતા હું મારો વધારાનો સામાન એક ટેબલ પર ચડીને માળિયામાં મુકતો હતો.રાહિલ તમાચા નો બદલો લેશે તો એના માટે પણ હવે તૈયાર રહેવું પડશે, કદાચ માર પણ ખાવો પડશે  અને જો આ વાત સ્કૂલના સાહેબ સુધી પહોંચશે તો વાટ લાગી જશે.આવી જાતજાતની સંભાવનાઓ વિશે વિચારતો હતો ત્યાં રૂમનો દરવાજો કોઈએ ખખડાવ્યો.દરવાજો ખુલ્લો જ હતો પણ કોઈને જ્યારે અંદર આવવું હોય ત્યારે ખખડાવવાની ઔપચારિકતા કરવી પડે એટલે ખખડાવ્યો હતો. મેં દરવાજા તરફ જોયું તો હોસ્ટેલ નો રેક્ટર હતો.બાજુમાં ઊભેલા વિદ્યાર્થી તરફ હાથ બતાવીને એ બોલ્યો,
          "આ તારો બીજો રૂમમેટ આવી ગયો.તમારે બંનેને આ રૂમમાં રહેવાનું છે"
મેં એમની ડાબી બાજુ ઊભેલા છોકરા તરફ નજર કરી.એનો ચહેરો જોઈને મારા ચહેરાનો રંગ ઊડી ગયો.હૃદયના ધબકારા વધી ગયા.આંખો ફાટી રહી.હા એ નવો આવનાર રૂમમેટ રાહિલ હતો.રાહિલ અને હું એકબીજાની સામે જોતા રહ્યા.હું કંઈ પણ બોલ્યા વગર રાહિલ સામે સ્માઈલ આપી ને ઊભો રહ્યો કેમકે જો રેક્ટર ને ઝઘડા વિશે ખબર પડે તો આવનારા બે વર્ષ માટે પહેલા જ દિવસ થી ખરાબ છાપ પડે.કદાચ રાહિલ પણ એવું જ વિચારતો હશે એટલે એ પણ ચૂપચાપ મારી સામે સ્માઈલ આપીને એનો સામાન લઈ અંદર આવ્યો.રેક્ટર સામે થોડો સારો થવા મેં પણ એની બેગ બહારથી લઇ ને રૂમમાં મુકવામાં મદદ કરી.ત્યાંથી રેક્ટર ગયો એટલે હું મૂંઝાયો.હવે શું થશે? મેં રાહિલ તરફ જોયું.એ એનો સામાન ગોઠવવામાં વ્યસ્ત થઇ ગયો હતો.હું શાંતિથી મારા બેડ પર જઈને બેસી ગયો.અત્યારે રાહિલ નું મૌન મને વધારે તકલીફ આપતું હતું.થોડીવાર માટે હું એમ જ બેસી રહ્યો.પાંચ મિનિટ માટે વાતાવરણ શાંત રહ્યું.
                પછી એક મહાકાય શરીરવાળો છોકરો અમારી રૂમમાં પ્રવેશ્યો.હાથી જેવું લાગતું એનું શરીર, જો કોઈની માથે પડ્યો હોય તો એના હાડકાના ભુકા બોલી જાય એટલું એનું વજન હશે.ઊંચાઈ અંદાજે સાડા પાંચ ફૂટ જેટલી હશે.એની જોડે એક સાવ સુકલકડી લાગતો બીજો છોકરો હતો.જાણે વાંસની સોટી દરવાજે આવીને ઊભી હોય એવું લાગતું હતું. આ જાડિયા ને રાહિલ એ બોલાવ્યો હશે એવો વિચાર આવતા જ મારો પરસેવો છૂટવા લાગ્યો.અત્યાર સુધીનું રાહિલનું મૌન હવે તુફાન લાવશે એવું લાગ્યું.એ તુફાન મારું નામો-નિશાન પણ નહીં રહેવા દે.બીતાબીતા હું મારા બેડ પર થી ઉભો થયો. ત્યાં પેલો સુકલકડી બબડ્યો,
         "બંને જણા રોકીભાઇ ને સલામ ઠોકો અને જે કંઈ પણ નાસ્તો લાવ્યા હોય એ બધો રોકીભાઈ ની આગળ મૂકી દેજો.બોલે તો રોકીભાઈ કો ફુલ નાસ્તા ઔર રિસ્પેક્ટ દેને કા સમજે ક્યાં"
લગભગ બધી જ હોસ્ટેલમાં આવા ત્રાસવાદી હોય જ છે જે ફક્ત નવા આવનારા છોકરાઓને હેરાન કરવા માટે જ પેદા થયા હોય છે.આ જાડીયાને રાહિલે તો નથી બોલાવ્યો એ જાણીને મને થોડો હાશકારો થયો.રોકીભાઈના પાળેલા પોપટ એ બોલવાનું બંધ કર્યું એટલે મેં અને રાહિલ એ એક બીજા ની સામે જોયું.
                બે દુશ્મનની સામે કોઈ ત્રીજો દુશ્મન આવીને ઉભો રહે ત્યારે ગઠબંધન થાય એ તો તમે સૌ જાણો જ છો.રાહિલ એ મારી સામે જોઇને નાસ્તો નથી આપવાનો એવો ઇશારો કરી દીધો.આ રોકીભાઈ કોણ હતો એ તો ત્યારે અમને નહોતી ખબર પણ બીજે દિવસે એના વિશે જાણ્યું તો એ ૧૨ માં ધોરણ માં નાપાસ થયો હતો.આવી રીતે એ ઘરેથી આવતા છોકરા નો નાસ્તો ખાવા પહોંચી જતો અને બળજબરી થી નાસ્તો પડાવી લેતો.હજુ એક વર્ષ એ હોસ્ટેલમાં જ રહેવાનો હતો.રાહિલ એ પેલા સુકલકડી સાથે વાત કરવાનું ટાળ્યું અને સીધા એના બોસ સાથે વાત કરી,
"જો બકા તારે ભીખ જ માંગવી હોય તો બે હાથ ધરી ને માંગ મારા રૂમમાં જે હશે એ બધું જ આપી દઈશ"
મેં પણ રાહિલ ને સમર્થન આપ્યું,
"હા ચાલ ધર બે હાથ અને લઈ જા તારી ભીખ"
આ સાંભળીને પેલા ચમચા એ આગળ આવી ને હાથ ઉપડ્યો. મેં આગળ જઈને એને જોરથી ધક્કો માર્યો અને રૂમના દરવાજા પાસે ફંગોળી દીધો.રાહિલે વાત આગળ વધારતા એના ચમચા ને કહ્યું,
"તારા રોકીભાઈ ને કહી દે જો દાદાગીરી કરીને લેવા આવશે તો આ રૂમમાંથી ફુટી કોડી પણ નહીં મળે"
આ સાંભળીને રોકીની આંખો લાલ પીળી થઈ ગઈ.ચમચા એ બીજી વખત આગળ આવવાની કોશિશ ના કરી.રાહિલ ની આવી હિંમત જોઈને એના પર માન આવી ગયું.આ તરફ રોકીભાઈ નો ઈગો હર્ટ થયો હતો.એ રાહિલ તરફ આગળ વધ્યો.આ કદાવર મોટું ને બળ થી તો અમારા બંનેમાંથી કોઈ હરાવી શકે તેમ ન હતું એટલે અમે કળ થી કામ લીધું.અમે બંનેએ તેનો એક એક પગ પકડ્યો અને આગળ તરફ ખેંચ્યો.રાહિલે એના પેટ પર માથું ભરાવીને એને ધક્કો માર્યો."ધડામ..."એક મોટો અવાજ આવ્યો.એ જાડીયા ને અમે લાદી પર પછાડ્યો.એના મોટા શરીર ના લીધે એ ઝડપથી ઉભો ન થઈ શક્યો એટલે અમે બંનેએ એનો એક એક હાથ પકડ્યો અને ઢસડીને બહાર લોબીમાં મૂકી આવ્યા.પેલો રોકી ઉભો થાય એ પહેલા જ હું અને રાહિલ રૂમમાં આવી ગયા અને દરવાજો બંધ કરી દીધો.
                અંદર આવીને મેં અને રાહિલે જીતનો જશ્ન મનાવ્યો અને અમે બંને એકબીજાને ભેટી પડ્યા.
                મેં કહ્યું,"સોરી રાહિલ, આજે સવારે મેં તને લાફો માર્યો હતો એના માટે.હું ગુસ્સામાં હતો એટલે મારાથી હાથ ઉપડી ગયો."
                રાહુલ બોલ્યો,"Ok bro.. આમ જોઈએ તો વાંક મારો પણ હતો.મારે એવી રીતે મસ્તી ન કરવી જોઈએ"

                "ચાલ જે થયું તે ભૂલી ને હવે નવી શરૂઆત કરીએ" મેં કહ્યું.

પછી અમે બંનેએ એકબીજા સામે મિત્રતાનો હાથ લંબાવ્યો.


★★★★★


                પહેલા દિવસે અજાણ્યા પણ પછીથી જીગરી બની ગયેલ અમે બંને હવે આખી સ્કૂલ માં ફેમસ થઈ ગયા હતા.અમારી દોસ્તી નું એક વર્ષ થઈ ગયું હતું.આ દરમિયાન ક્લાસમાં બંક મારવા થી માંડીને પ્રિન્સિપાલની ઓફિસની બહાર બોમ્બ ફોડવા સુધીના બધા જ તોફાનો અમે કર્યા હતા.ક્યારેક કલાસ રૂમ ના ફાયર એલાર્મ કોઈ કારણ વગર ચાલુ કરી દેતા એના લીધે આખા ક્લાસ ને સજા થતી અને પછી હું અને રાહિલ અમારા આખા ક્લાસની ગાળો સાંભળતા.ખુબ સારી રીતે અમે આ એક વર્ષ જલસાથી પસાર કર્યું હતું.કદાચ એટલે જ અમે આજે આ ખરાબ દિવસ જોઈ રહ્યા હતા.વાત એમ હતી કે રાહિલ ત્રણમાંથી બે વિષયમાં નાપાસ થયો હતો અને મારે મા-બાપની આશા થી પુરા ૩૦ ટકા ઓછા એટલે કે ૬૦ ટકા જ આવ્યા હતા.મારા બાપ એ તો સાંજના ૮ થી ૯ ના ફોન કોલ માં કેટલું બધું મને સંભળાવી દીધું હતું.આ પરિસ્થિતિના પ્રેશરને કારણે છેલ્લી એક કલાકથી અમે ગાંજાના નશા માં હતા.
                "અખિલ્યા તું જોજે, એક દિવસ આ ભણતર પર ખૂબ મોટો કલંક લાગશે.અહીં કેવી પ્રથા છે યાર, ચાલ માન્યુ કે શિક્ષણ માણસને દુનિયા સામે પોતાના પગે ઊભા રહેતા શીખવાડે છે પણ એનો મતલબ એ તો ન હોય ને કે શિક્ષણમાં જ અડધું જીવન વિતાવી દઈએ.બાળપણથી સપનું જોયું હોય એ શોખ નું શિક્ષણ ને લીધે મર્ડર કરી નાખીએ" આ બધું રાહિલ ગાંજાના નશામાં બોલી રહ્યો હતો.
                આજે સાંજે પાંચ વાગ્યે જાહેર થયેલા અગિયારમા ધોરણના પરિણામની આ સાઇડ ઇફેક્ટ હતી.હું અને રાહિલ હોસ્ટેલની પાછળની બાજુએ આવેલા રોડના ડીવાઈડર ઉપર બેઠા હતા.રાતના સાડા બાર વાગ્યા હશે એટલે વાહનોની અવર જવર બહુ વધારે નહોતી.
                રાહિલે વધુ એક સિગરેટ સળગાવી.કદાચ એની ચોથી સિગરેટ હશે.પછી એણે એનું બોલવાનું આગળ વધાર્યું, "સાતમા ધોરણમાં હતો ત્યારે નક્કી કરી લીધું હતું કે ડાન્સર બનવું છે.પણ બાપની ઈચ્છા મને ભણાવવાની હતી"

               "હા તો બાપ ને કહેવાય ને કે મારે ડાન્સર બનવું છે" મેં સિગરેટ પીતા પીતા વચ્ચે ડબકુ પુર્યું.

                "નવમા ધોરણમાં હતો ત્યારે સ્કૂલમાં ડાન્સમાં પ્રથમ આવ્યો હતો.ખુશીનો માર્યો દોડતા-દોડતા ઘરે આવ્યો અને બાપને ટ્રોફી બતાવીને કીધું હતું કે મારે ભણવાનું વૈકલ્પિક રાખીને ડાન્સમાં વધારે મહેનત કરવી છે.એ સાંભળીને એ હિટલર જેવા મારા બાપ એ મારી ટ્રોફી ના બે કટકા કરી નાખ્યા અને કચરામાં ફેંકી દીધી અને હવે પછી ક્યારેય ડાન્સ નું નામ ન લેતો એવું સાફ કહી દીધું એટલે હું પણ મારા શોખ ને દફનાવીને બધાની જેમ શિક્ષણના પ્રવાહમાં તણાઈ ગયો" આટલું બોલીને એ અટક્યો.રાહિલ ના ચહેરા પર આટલી ઉદાસી મેં પહેલી વાર જોઈ હતી.મેં એની નજીક જઈ એના ખભા પર ધીમેથી હાથ મૂક્યો.એણે મારી સામે જોયું અને આગળ બોલવાનું શરૂ રાખ્યું,
                "અખિલ્યા, સાચું કહું તો આજે પણ ડાન્સર બનવા માટે મારામાં એટલું જ ઝનૂન છે પણ પાંજરામાં પુરાયેલો છું.ઉડવા માટે ખુલ્લા આકાશને અહીંથી જોઈ તો શકું છું અને પાંખ પણ છે બસ લાચારી એ જ છે કે ઉડવા નથી મળતું" પરિચય વખતે ક્લાસમાં સરખી રીતે પોતાનું નામ પણ ના બોલી શકનાર રાહિલ ને અત્યારે વાક્ય ગોઠવવાની પણ જરૂર નહોતી પડતી.ખરાબ પરિસ્થિતિ માણસ માં કેટલો બદલાવ લાવી શકે છે તે હું જોઈ શકતો હતો.
                મારા થી રહેવાયું નહિ એટલે મેં પણ મારી ફિલોસોફી રાહિલ્યા ને સંભળાવવાનું શરૂ કર્યું,

                "બોસ, આ જિંદગી છે.જો એટલી સહેલાઈથી બધું મળી જાય તો લોકોને મળતી સફળતા નું કોઇ મહત્ત્વ જ ના રહે.મંઝિલ મળતી નથી દોસ્ત, એને મેળવવી પડે છે. પ્રવાહની વિરુદ્ધ જઈને પણ તરવું પડે છે.હોંસલો બુલંદ રાખવો પડે છે.આજે પડતી તકલીફ કાલે જરૂર સફળતા આપશે એવી આશા નો દીવો અંદર પ્રગટાવેલો રાખવો પડશે અને રાહ જોવી પડશે"

કેમકે

"આઝાદ હમે ભી હોના હૈ,ફિર સે કોઇ ગાંધી ઉઠના ચાહિયે
ઉડને લગેંગે લાખો પંછી,બસ યે સિલસિલા બદલના ચાહિયે"


★★★(સમાપ્ત)★★★