ramkhanno chahero books and stories free download online pdf in Gujarati

રમખાણનો ચહેરો

● રમખાણનો ચહેરો ●
સનનનન.... કરતા એક પથરો ગોળી જેમ મારા કાન ધ્રુજાવતા પસાર થઈ ગયો. હાથમાં રહેલો કેમેરો મારી આંગળીઓ વચ્ચેથી એકાએક સરકી ગયો. મારા દિલમાં ધ્રાસકો પડ્યો. ગભરાયેલો હું તૂટેલી દીવાલ પાછળ દોડ્યો. ઘડી ઘડીમાં આ શું બની રહ્યું છે તે મને પળભર ન સમજાયું. ત્યાં માથામાં સણકા ઊઠ્યાં અને હું કિંકર્તવ્યમૂઢ બની ગયો. પગમાં કંપન ચડી આવ્યું. ક્યાં થોડીવાર પહેલાં ભક્તિભાવથી ઊજવાતો રામ જન્મોત્સવ ! અને ક્યાં જોતજોતાંમાં ફાટી નીકળેલું આ કોમી રમખાણ. હું નખશિખ કંપી ઊઠ્યો. અત્યારે તો બસ ! મારો... કાપો... ભાગો... ના દેકારોથી બિહામણાં દૃશ્યો ખડાં થતાં હતાં. લોકો એકબીજાના જીવના જાણે પ્યાસા બની ગયેલા. મને ઘડીભર થયું:'અહીં હવે ન રહેવાય ! જીવના જોખમે ફોટા ખેંચવા એના કરતાં તો.....'

હજી વિચાર પૂરો થાય એ પહેલાં તો ખુલ્લી તલવારે દોડતું એક ટોળું કીકીયાળી પાડતું સામેનાં ઘરમાં ઘૂસી ગયું. બીજી જ ક્ષણે એ ઘરમાંથી ગગન ધ્રુજાવતી એક કાળી ચીસ ઊઠી. ભયથી થરથરતું એ ઘરનું ભોળું કુટુંબ ત્યાં ખૂણામાં લપાઈ ગયું. ચિત્કાર સાથે ઊઠેલી તેમની બૂમરાણ મારા કાને અથડાઈ. ખૂબ દર્દનાક હતી એ ચીસ. એટલીવરમાં તો એ ટોળામાંથી કદાવર જેવા દેખાતા એક પુરુષે ભયાનક અટહાસ્ય સાથે પેલા ઘર માલિક પર તલવાર વીંજી. જાણે ફાટી આંખે સમય પણ સ્થિર થઈ ગયો. ક્ષણભરમાં તાજા રક્તની ઊઠેલી એક જોરદાર છાલકથી દરવાજા પર ખૂની ચિત્રાંકન થઈ ગયું. ઘરના ખુલ્લા દરવાજામાંથી દેખાતા એ દૃશ્યથી મારા અંગે અંગમાં કમકમાટી છૂટી. હું જીવ મુઠ્ઠીમાં લઈ ભાગવા ગયો, ત્યાં.... ! સામેથી બીજું એક ટોળું તેનાં વિરોધમાં દોડી આવતું મેં જોયું. હું ફરી ત્યાં આસપાસ ભયનો માર્યો લપાઈ ગયો. તેમની આંખોમાં ઊભરાતા કાળઝાળ રોષથી તેમના ચહેરા વધુ ઝનૂની લાગી રહ્યા હતા. મારા હૈયામાં પડઘો પડ્યો:'ટોળાનો ક્યાં કોઈ ચહેરો હોય છે ? કદાચ મુસ્લિમમો મને હિન્દૂ અને હિંદુઓ ક્યાંક મુસ્લિમ સમજી લે તો ?' હું ઊભો ઊભો થીજી ગયો.

માનવીના લોહી તરસ્યું એ ટોળું પણ સામેના પહેલાં ઘર તરફ ધસી ગયું. તે ફળિયામાં સામસામે ધમાચકડી મચી. તલવારોની તીક્ષ્ણ ધાર જાણે સામસામે ઇન્સાનિયતને પીંખી રહી. મારા પગ મને ત્યાંથી દોડી જવા ચેતવી રહ્યા. મેં મારું શરીર વધારે સંકોરી લીધું.

અચાનક મારો ફોન ગરજી ઊઠ્યો. એટલીવારમાં તો જીવ તાળવે ચોંટી ગયો. હૃદય આવેશમાં એક થડકારો ચૂક્યું :'ઓ મા...'

મેં જેમતેમ કૅમેરાને એક તરફ લેતા ઉતાવળે મોબાઇલમાં જોયુ. પત્નીનો ફોન હતો. મનમાં ઝબકારો થયો: 'કદાચ આ ભયાનક માહોલ વિશે સાંભળીને જ ફોન કર્યો હશે' મેં ક્ષણભરમાં કલ્પના કરી લીધી. પરંતુ અત્યારે વાત કરવામાં જરા સરખો પણ અવાજ થાય અને કોઈકનું ધ્યાન પડી જાય તો ! મેં ગભરાટમાં ફોન કટ કરીને ખિસ્સામાં સરકાવી દીધો. થોડીવાર બધું ચુપચાપ જોતો રહ્યો. પછી થોડી હિંમત એકઠી કરી એ ઘર તરફ સરક્યો. જોયું તો બેફામ ગાળો સાથે લોકો એકબીજાના લોહી તરસ્યા બન્યા હતા. મેં નિસાસા નાખતા પેલા ઘરના અડધા ખુલ્લા પડેલા દરવાજા સામે બહાવરી નજર નાખી. ત્યાં મારા પગ જમીન સાથે જડાઈ ગયા. એકાએક મારુ હૃદય બંધ પડી ગયું એવું મને લાગ્યું. જોતાવેંત પરસેવે લથબથ મારી કાયા લથડી પડી. એ ઘરધણીનાં ઢળી પડેલા શબમાંથી ધગધગતા રક્તના રેલા ચાલી નીકળેલા. મને કમકમાટી છૂટી ગઈ. હું ઘડીભર શૂન્યમાં સરી ગયો. ત્યાં એકાએક જાણે મને કાંઈક યાદ આવ્યું હોય એમ મારા હાથ લટકતા કેમેરા પર ગયા. પ્રથમ તો ન આંગળીઓ માની કે ન માન્યું મન. પણ... ! એક ઊંડો નિસાસો ઊઠ્યો. એક પત્રકાર... એક ફોટોગ્રાફર જીવે આખરે આ બધું મને ક્લિક કરવા મજબૂર કર્યો. હું ભગ્ન હૃદયે લપાતા-છુપાતા એક મોટા વૃક્ષ તરફ હળવેકથી સરકી ગયો. જ્યાંથી રમખાણનું એ ડરામણુ દૃશ્ય સ્પષ્ટ દેખાતું હતું. જાણે એ વૃક્ષનું થડ પણ મને સંતાડીને ગભરાતું હોય એમ ડાળીઓનો કલબલાટ શાંત કરી ગયું. મેં હરભડાટમાં જેમતેમ બધા જ ફોટા ક્લિક કરવા માંડ્યા. પેલા શબ પાસે કકળાટ કરતી તેની પત્નીના પેટમાં પણ તલવારનો એક જોરદાર ઘા પડ્યો હતો. એ કોમવાદી ઘાથી ઘરની દીવાલો રક્ત ભીની બની. તે સ્ત્રી કકળાટ અને કણસતા માંડ માંડ બોલતી હતી.

"ભાગ... ભાગ મારી દીકરી" તેનો ફાટેલો અવાજ જાણે ઓરડોમાં જ મુંઝાઈ ગયો હોય એમ સમસમીને રહી ગયો. તેનો છૂટી રહેલો શ્વાસ આ ખૂની હવાના છેલ્લા ઘૂંટડા ભરતો હોય એમ મને લાગ્યું.

પેલી ગભરાયેલી છોકરી ત્યાં ઊભી ઊભી શૂન્યમાં તાકતી રહી. શું બની ગયું તેના પર ભરોસો જ ન બેસતો હોય તેમ તે સ્તબ્ધ બની ગયેલી. પપ્પાની લોહી નીંગળતી લાશ અને લાશ બની રહેલી મા વચ્ચે પોતાનું અસ્તિત્વ શોધતી તે પૂતળું બની ગયેલી.

"ભાગ... જલ્દી ભાગ..." ફરી તેની માના વેદનાસભર શબ્દો જાણે છેલ્લીવાર જ ઊઠ્યાં હોય એમ તૂટેલો અવાજ શાંત થઈ ગયો. અને... આ વખતે જાણે વેદના રોમેરોમમાં પ્રજવળી ઊઠી હોય એમ પેલી છોકરી ચમકી ગઈ. તેના ઢીલા પડી ગયેલા પગ ટટ્ટાર થયા. અને આવેશમાં તે ગળે ડૂમો લઈ જીવ બચાવવા બહાર દોડી. એકાદ વાર પાછળ ફરીને જોયું.. મા ઢળી પડેલી. ફળિયામાં મચેલા રક્તપાતમાંથી ગભરાયેલી વાછડી જેમ તે બહાર નીકળીને ભાગી. તે મારા તરફ આવી રહી હતી. તેના વિખરાયેલા વાળને કોમવાદી હવાએ વધારે પીંખ્યા. સૂકી આંખોમાં જાણે હમણાં ખારો દરિયો ધસી આવશે એમ મને લાગ્યું. મારી આંખે મંડાયેલો કેમેરો તેના ચહેરા પર સ્થિર થયો. તેણે મને જોઈ લીધો હતો કે શું ! હું વધારે ગભરાયો. ક્યાંક તેની પાછળ પાછળ પેલું ટોળું પણ અહીં ધસી ન આવે. મેં અંતિમ ક્લિક કરી કેમેરો સંકેલી લીધો. એટલીવરમાં તો પથરા ફેંકતા એક ધૂનીએ છોકરી તરફ પણ ઘા કર્યો. કદાચ એ પછી એ પથરો તેના લમણે જ લાગ્યો હતો. પેલા ઝનૂની ટોળાએ મને ક્લિક કરતા જોઈ લીધો કે શું ? હું મુઠ્ઠીવાળી ત્યાંથી ભાગ્યો. ખૂંખાર શિકારીથી બચવાં જેમ હરણ ભાગે એમ. 

           માંડ માંડ હું ઘરે પહોંચ્યો. શ્વાસ તો છેક સાતમા આસમાને પહોંચી ગયો હતો. હવે હું બિલકુલ સલામત હતો. હાં, ધ્રૂજતો હતો, ડરતો હતો. જીવ તો બચી ગયો પણ ચેન નહોતું. તે છોકરીનો નિર્દોષ ચહેરો હજી સતત હૈયામાં સળવળતો હતો. જાણે તેની ભીની આંખો હજી જીવવાની આશા સાથે મને બોલાવતી ન હોય ! હું ઘરના સોફા પર ફસડાઈ પડ્યો. કેમેરો હાથમાં લીધો, ખેંચાયેલો છેલ્લો ફોટો ડિસ્પ્લે પર ઊપસી આવ્યો. જોતાવેંત હૃદય આખે આખું ચીરાઈ ગયું. એ જ ઝળઝળિયાં ભરેલી આંખો,  એ જ સૂકા વિખરાયેલા વાળ, એ જ ભાવશૂન્ય ચહેરો જેમાં માતા પિતાને ગુમાવવાનો રંજ છે કે પોતે બચી જવાનો ખુશી ખબર જ ન પડે. હું વધારે જોઈ ન શક્યો. તેના અમંગળ વિચારો મને ઘેરી વળ્યાં. એ મને તાકતી આંખો જ મગજમાંથી ખસતી નહોતી. હું આવેશમાં આંખો મીંચી ગયો. ક્ષણેકવારમાં મારા હાથ પર કોઈકનો સ્પર્શ થયો. હું ઝબક્યો. જોયું તો મારી દીકરી મારી સામે ઊભી હતી. લગભગ એવડી જ ઉંમર ! એવડી જ ઊંચાઈ !  તેના માથે મેં હળવેથી હાથ ફેરવી લીધો. કદાચ તેના ચહેરામાં પણ અત્યારે પેલી છોકરી જ હતી કે શું ? કદાચ હા. હૂબહૂ એ જ નિર્દોષ ચહેરો સામે હતો. પણ, આ ચહેરો હસતો હતો અને પેલો ચહેરો.... !! દિમાગ વિચારશક્તિ બહાર નીકળી ગયું. મન ભેંકાર શૂન્યતામાં સરી પડ્યું. પ્રચંડ ધરતીકંપના આંચકા અનુભવતા હોય એમ કાન ગાજતા રહ્યા. ત્યાં ફરી આંખે અંધારા ફળી વળ્યાં. કેમેરો હાથમાંથી નીચે સરકી પડ્યો, તેની ડિસ્પ્લેમાં ચમકતો પેલો છેલ્લો ફોટો હજી મને જોતો હતો. 'તેનું ભવિષ્ય હવે શું !' સવાલ મારા લમણામાં હથોડા જેમ ઝીંકાયો. કાયામાં  ઝણઝણાટી વ્યાપી ગઈ. એટલીવારમાં તો ફરી એક નવો સવાલ ભીતર વલોવાયો: 'આ ફોટો તો સવારે અખબારમાં ચમકશે, પણ છોકરી ?' સવાલ મારા ભીતરને સળગાવતો જ રહ્યો... સળગાવતો જ રહ્યો... સળગાવતો જ રહ્યો. અને આખરે સવાર થઈ ગયું.

-વિષ્ણુ ભાલિયા 
9723703776