Budhvarni Bapore - 11 books and stories free download online pdf in Gujarati

બુધવારની બપોરે - 11

બુધવારની બપોરે

(11)

અમારી ફ્લાઇટ સાડા સાતની છે

પૉપે ઘરમાં બધાને કડકાઇથી કહી દીધું હતું કે, મુંબઇ ‘ફ્લાઇટ’માં જઇએ છીએ, એવું બોલવાનું છે, વિમાનમાં કે ઍરોપ્લૅનમાં જઇએ છીએ, એવો કાઠીયાવાડી બફાટ નહિ કરવાનો! આપણે મુંબઈ ફ્લાઇટમાં જઇએ છીએ, એની જાણ આપણા સગા કે સંબંધીઓને પણ થવી જોઇએ. લોકોને લાગવું જોઇએ કે, હવે આ લોકો ફ્લાઈટોમાં ફરવા માંડ્યા છે.

ઓહ, પૉપ એટલે ‘પપ્પા’....ફાધર, ડૅડી અને ‘ડૅડ’ શબ્દો જૂના થઇ ગયા. ‘મૉમ’ એટલે મૂળ નામ તો મહાલક્ષ્મીબેન, પણ ફ્લાઈટોમાં આવા નામો ન ચાલે, એટલે ૭૦-વર્ષે ય નામ ‘મોના’ રાખ્યું હતું.

આજ સુધી તો ગુજરાત મૅલ કે ‘દુરાન્તો’માં જતા હતા....ક્યારેક એસ.ટી. કે ક્યારેક તો બબ્બે સ્કૂટરો લઇને મુંબઈ સુધી ગયા છીએ. આ આપણી પહેલી ફ્લાઇટ છે. પણ હવે બધાને લાગવું જોઇએ કે, આ લોકો ફ્લાઇટ સિવાય તો ઘરમાં ય ફરતા નથી! પૉપે જ અમારા ફ્લૅટના વૉશરૂમથી ડ્રૉઇંગ-રૂમ સુધીની ગલીને ‘રન-વે’ નામ આપી દીધું હતું. ક્યારેક વળી અમારા ઘેર આવી ગયેલા મેહમાનો માને છે કે, આ રન-વે સીધો દુબાઇ જાય છે.....સ્કૂટરો ઉપર મુંબઈ ગયા પછી પૉપને ઈન્ડિયાના રોડ્‌ઝો (એટલે કે, રસ્તાઓ) ઉપર ભરોસો નથી. મુંબઇ તો ઠીક, ફ્લાઇટ પકડીને મણીનગર પણ જવાનુ હોય તો રીક્ષાના ખોટા પૈસા નહિ બગાડવાના.

મૉમને પણ ફ્લાઇટ-કલ્ચર બહુ ગમે. રોજેરોજ તો ઍરહૉસ્ટેસના કપડાં પહેરીને રસોઇપાણી કરી ન શકે (ફિલ્મ ‘બાહુબલિ’ના ભલ્લાલદેવની સાઇઝના કપડાં લાવવા ક્યાંથી?) છતાં ય, મેહમાનોનું સ્વાગત બિલકુલ ઍરહૉસ્ટેસો જેવું કરવાનું....એટલે કે, ખાલી સ્માઇલથી વાત પતી જાય, બાકીનું બધું મેહમાનોએ જાતે ફોડી લેવાનું. ઍરહૉસ્ટેસો તો વર્ષોથી ગોખેલું-છાપેલું ઈંગ્લિશમાં ‘વૅલકમ અબૉર્ડ’ બોલે, એની સાથે મૉમને કોઇ લેવાદેવા નહિ. એ તો જવાબમાં, ‘જે સી ક્રસ્ણ’ કહીને આગળ જતી રહે. કોઇની સાથે પર્સનલ સંબંધ વધારવામાં મૉમને રસ જ નહિ.....પૉપને એવા ખોટા અભિમાનો નહિ. એ તો હસતી ઍરહૉસ્ટેસને સ્માઇલો આપીને પૂછે ય ખરા, ‘‘કેમ છો....? તમે તો અમારા નખત્રાણા બાજુના કે નહિ....? બહુ દિવસે દેખાયા ને કાંઇ...?’ પાછા ઉતરતી વખતે એ જ ઍરહૉસ્ટેસને ભરચક સ્માઇલ સાથે કહેવાનું, ‘‘ઓકે ત્યારે.....મળીશું પાછા....બાઆઆઆ...ય’’! આ ‘બાય’ને એટલું લંબાવ્યું હોય કે પેલીએ ત્યાં સુધીમાં બીજા ચાર પૅસેન્જર ખાલી કરી દીધા હોય! ટુંકમાં, ‘ડીસન્સી’ અમારો ફૅમિલી-સ્વભાવ છે.

પૉપની પાછી કડક સૂચના કે, ઍરપૉર્ટની લાઉન્જમાં બેઠા હોઇએ ત્યારે ઘરના કિચનના પ્લૅટફૉર્મ પર પગ ઊંચો કરીને બેઠા હોઇએ, એવું લાગવું ન જોઇએ. અમદાવાદમાં ભલે ‘શૅરિંગ’માં રીક્ષા પકડતા હોઇએ. લાઉન્જમાં બેઠા હોઇએ ત્યારે ઍટિકેટનો ખ્યાલ રાખવાનો. બની શકે તો હાથમાં બિઝનૅસને લગતું કોઇ ઈંગ્લિશ મૅગેઝિન રાખવાનું....મીયાં ફૂસકી કે ટૉમ ઍન્ડ જૅરીવાળું નહિ! બધા વચ્ચે ભાગમાં મિલ્ક-શૅક મંગાવ્યો હોય તો પ્લાસ્ટિકનો ગ્લાસ વાંકો કરીને છેલ્લે છેલ્લું ટીપું ચાટી નહિ જવાનું. ગ્લાસના તળીયે થોડો મિલ્ક-શૅક પડ્યો રહેવો જોઇએ....જાણે કે, આવા મિલ્ક-શૅકો તો ભ’ઇ, બહુ પી લીધા...!

આમ તો પપ્પા-સૉરી, પૉપે ય પહેલા ક્યારેય પ્લેનમાં બેઠા નહોતા,

ફ્લાઇટ તો સાંજે સાડા સાતની હતી, પણ ઘરથી ઍરપૉર્ટ દૂર હતું કારણ કે, ઍરપૉટરે વિમાનના રન-વે ની પાસે હોવા જોઇએ, નારણપુરા ક્રૉસીંગ પાસે નહિ! આમ ફ્લાઈટો પકડતા હોઇએ ને આમ એ.ઍમ.ટી.ઍસ.ની બસમાં ઍરપૉટરે જઇએ, એ કલ્ચર ના ચાલે. ઘેર ગાડીઓ ખરી-બબ્બે, પણ ત્યાં ઍરપૉર્ટ પર અઠવાડીયા માટે પાર્કિંગ કરીને આવવાનું ના પોસાય. ‘ઉબેર’ કે ‘ઓલા’ ચાલે મારા ભ’ઇ!

ઍરપૉર્ટ જવા નીકળતા પહેલા ફ્લાઇટમાં સાથે લઇ જવા શું શું તૈયારીઓ કરવાની, તે પૉપે બધું ચૅક કરી લીધું. મહીં બેઠા પછી હવે તો ઍર હૉસ્ટેસો પાણી ય નથી આપતી, નાસ્તો તો બહુ દૂરની વાત છે. પૉપને એ જમાનો યાદ હતો કે, એક જમાનામાં તો ‘લાગી’ હોય ને ‘જવું જ પડે એમ હોય’ તો તમારે ઍરહૉસ્ટેસને ફક્ત ઇશારો કરવાનો....આપણે બદલે એ જઇ આવે, પણ સંબંધો ના બગડે! એ જમાનાની વાત જ જુદી હતી. હવે પહેલા જેવી ઍર-હૉસ્ટેસો નથી થતી.

છતાં મૉમ મૂળ તો કાઠીયાવાડની. રસ્તામાં ભૂખ-બૂખ લાગે તો સાથે થેપલાંનો ડબ્બો અને મેથીયા કૅરીનું અથાણું રાખવું સારૂં. મોના-મૉમને પાછી એટલી સમજ ખરી કે, પચ્ચા મિનીટની ફ્લાઇટમાં બધા વચ્ચે ભૂખો લાગી લાગીને કેટલી લાગવાની? આટલું બધું લઇ જવા કરતા સારેવડાંનો ડબ્બો રાખવો સારો...તે લીધો! પણ પૉપને ખબર પડી એટલે સખત ગીન્નાયા, ‘આ શું માંડ્યું છે...? આપણે ફ્લાઇટમાં સીટે-સીટે ફરીને એક એક સારેવડું વેચવા નીકળ્યા છીએ?....આવું કાંઇ લેવાય જ નહિ. લેવા જ હોય તો શેકેલા પાપડ લઇ લો....’ ધ્યાન એટલું રાખવાનું કે પાપડો ખાતી વખતે મોંઢામાંથી ‘કચડકચડ’ અવાજો આવવા ન જોઇએ.

એ તો મેં પૉપને સમજાવી દીધું હતું એ સારૂં થયું કે, ફ્લાઈટોમાં હવે શૂટ-બૂટ પહેરીને જવાની જરૂર નથી હોતી. પહેલી વાર પરદેસ જતા ગુજ્જુઓ હજી ફ્લાઇટમાં ચકાચક શૂટો પહેરીને, ચોખા-ચાંદલા કરીને ને ખોબામાં નારીયેળ પકડીને આવે છે. હવે તો ઢીંચણ સુધીની બર્મ્યૂડા-ચડ્‌ડી ચઢાઈ લેવાની. કૉલર વગરની બ્લૅક કે બ્લડ-રેડ જર્સી ઉપર ‘ક્ક ટ્ટત્ર્ દ્વણ્દ્દઢ ટ્ટ ડ્ડથ્થ્ત્’ જેવું કાંઇ પ્રિન્ટેડ હોવું જોઇએ.....ઍન્ડ યસ....‘નાઇકી’ની કૅપ ઊંધી પહેરવાની.....છાપરૂં બોચી પાછળ આવવું જોઇએ, કપાળ ઢાંકે એમ નહિ પહેરવાની! યાદ રાખો. માથાની કૅપ ઊંધી પહેરવાની છે....નીચેનો ચડ્‌ડો નહિ!

......આ બધી ડીટૅઇલ મૉમ પોતાના માટે સમજી હતી અને એ રૅડ-જર્સી અને કાળો ચડ્‌ડો પહેરીને તૈયાર થઇ ગઇ! ઉતાવળમાં વ્હાઇટ-શૂઝ પહેરવાનું ભૂલી ગઇ અને કિચનમાં પહેરવાની સ્લિપરો પહેરીને ઍરપૉર્ટ આવી ગઇ હતી. પછી તો ભાઇ.....એવી શરમાય, એવી શરમાય કે લાઉન્જમાં બેઠા બેઠા ય પોતાની પહેરેલી સ્લિપરો સંતાડવાના વલખાં મારે, એક પગની પાછળ બીજો સંતાડ-સંતાડ કરીને! મારી વાઇફે મૉમને બહુ સમજાવી હતી કે, હવે ઍરપૉર્ટમાં આવી ગયા છીએ તો ગૉગલ્સ કાઢી નાંખો, મમ્મી! મૉમની દલિલ સાચી હતી કે, રાતની ફિલ્મી-પાટર્ીઓમાં તો બધી હીરોઇનો ગૉગલ્સ પહેરીને આવે છે...!

પૉપે ખાસ કીધું હતું કે, લાઉન્જમાં બેઠા પછી જે કોઇ ઓળખીતું દેખાય, એને બોલાવવાનું જ ને એ જાણે પહેલી વાર આવ્યો હોય એમ સુખદ આશ્ચર્ય સાથે પૂછવાનું, ‘ઓહ વાઉ.....હાઉ નાઇસ...! તમે અહીં ક્યાંથી?’ કેમ જાણે એ અહીં ઍરપૉર્ટ પર કાંસકા વેચવા આવ્યો હોય! આપણે રીપિટ કરી કરીને એને કીધે રાખવાનું કે, ‘યૂ નો....અમારે તો નૅક્સ્ટ મન્થ.....ઓહ, મોનુ ડાર્લિંગ ક્યાં જવાનું છે આપણે?...મોનકી જવાબ આપે એ પહેલા એને ખોટી પાડી દેવાની, ‘ઓહ ન્નો, મોના...જર્મની તો આપણે ઑગસ્ટમાં જવાનું છે....યૂ સી, એ પહેલા બે વીક માટે જપૅન (‘જાપાન’ ના બોલાય.....દેસી લાગે!) જવાનું છે અને ત્યાંથી સીધી ફ્લાઇટ પકડીને ઑસ્ટ્રેલિયા જવું પડશે, યૂ નો...! ઓહ, મેહતા સાહેબ, તમારે ક્યાં જવાનું છે?’

‘‘મારે તો વૉશરૂમ જવાનું છે....તમારી વાત પૂરી થાય પછી જઉં!’’

પ્લેનમાં બેઠા પછી હાર્મોનિયમ અને બે ઠીકરાં ખખડાવતો અંધ ગાયક સીટે સીટે ફરતો નથી હોતો, પણ એક કલાકની ફ્લાઇટમાં આઠ-દસ વખતે વૉશરૂમ જનારાઓમાંથી બધાને કાંઇ લાગી હોતી નથી, પણ એ બહાને ફ્લાઈટમાં બેઠેલામાંથી કોક ઓળખીતું નીકળે તો ‘હૅલ્લો-હાય’ થાય. વનવાસમાં સીતાજીને શોધવા લક્ષ્મણ નીકળ્યો હોય, એમ કેટલાક ભૂલાભટકેલા ગુજ્જુઓ ફ્લાઇટમાં એક એકને જોતા જાય ને એના સદનસીબે એકાદું ઓળખીતું મળી ગયું તો ખુશ થઇને પહેલો સવાલ, ‘‘ઓહ હો....તમે અહીં ક્યાંથી...?’’ કેમ જાણે પેલો જવાબમાં કહેવાનો હોય, ‘હું તો આ ફ્લાઇટમાં ભીનાં પોતાં મારવાની નોકરીએ રહ્યો છું.....ડ્યૂટી છે મારી’ એમ કહેવાનો હોય!

તમારામાંથી જે રૅગ્યૂલર ફ્લાઈટોમાં અવરજવર કરતું હશે, એમને ખ્યાલ હશે કે, ગુજરાતણો કલાકની ફ્લાઇટમાં પણ નાસ્તાનો ડબ્બો ખોલવાનું નહિ ભૂલે! એનો ય વાંધો નહિ, પણ અથાણાંનું તેલ નીતરતો ડબ્બો, ‘ઍક્સક્યૂઝ મી.....આ જરા મારી ડૉટરને પાસ કરશો, પ્લીઝ?’’ એમ કહીને ડબ્બો આપણા હાથમાં પકડાવી દે. આ તો પૂર્વ જન્મના સંસ્કાર સારા કે, એની ડૉટર પાસેથી ડબ્બો પાછો લેતી વખતે આપણને ડબ્બો વીછળીને આપવાનું નથી કહેતી....!

ખાસ ધ્યાન પ્લેન મુંબઇમાં લૅન્ડ થાય ત્યારે ઉતાવળો કરવામાં રાખવાનું છે. ભલે લાખો વખત ફ્લાઇટમાં બેઠા હો, સિટી-બસની માફક ઉતરવાનું આવે ત્યારે ‘હઇસો...હઇસો’ કરીને બૅગો ઉતારવા માંડવાની. એકબીજા શ્વાસો અડે, એમ અડી અડીને પાછળ લાચારીથી ઊભા રહેવાનું, કારણ કે મોડું આપણને એકલાને થતું હોય છે. આ એક જ ટાઇમ એવો હોય છે, જેમાં હજારવાર ફ્લાઇટમાં બેઠેલાઓ અને પહેલીવારવાળામાં કોઇ ફરક દેખાતો નથી....ઊભા ઊભા ય સૅલફોન ઝીંકતા રહેશે, ‘હું આવી ગઇ છું....ઓકે?....મેં બ્લ્યૂ-ટૉપ પહેર્યું છે....સીધી ગૅટ પર જ આવું છું, ઓકે? ડૅડને કહેજો સીમુ પહોંચી ગઇ છે....બીજા શું ખબર છે? વરસાદ છે?’

બસ.....અહીં ઉતાવળો કરે પણ કન્વૅયર-બૅલ્ટ ઉપર સામાન ક્યારે આવશે, એ તો પરમેશ્વરે ય કહી શકતો નથી...!

એક સમાચારઃ મૉમ અને ડૅડને પહેલી ફ્લાઇટમાં જવા દીધા છે....કહે છે કે, સાન્તાક્રુઝ ઍરપૉર્ટ પર ઉતરીને એ લોકો બોરીવલીની બસની રાહ જોતા હજી ય ઊભા છે...!

સિક્સર

- સોશિયલ મીડિયા ઉપર હવે સૅન્સર....!

- થૅન્ક ગૉડ....માણસ હવે પોતાની બુધ્ધિથી ય વિચારતો થશે.

---------