બુધવારની બપોરે - 12

બુધવારની બપોરે

(12)

ગાડી

પોતાના પિન્ટુ માટે સૅકન્ડ-હૅન્ડ સ્કૂલ-બૅગ લેવા આવ્યા હોય એમ એ બન્ને મારી ખખડધજ ફિયાટ ખરીદવા આવ્યા હતા. મને ફિયાટો વેચવાનો ને એમને ખરીદવાનો કોઇ અનુભવ હોય એવું બન્ને પાટર્ીઓને લાગ્યું નહિ. જુવાનજોધ દીકરી વળાવતી વખતે બાપ કેવો લાગણીભીનો થઇ જાય, એવો ભીનો હું લગરીકે થયો નહતો. મારે તો માલ વળગાડવાનો હતો.....આઇ મીન, મારા સ્વર્ગસ્થ સસુરજી પાસેથી શીખેલું બધું અત્યારે કામે લગાવવાનું હતું.

એમણે કારનો દરવાજો ખેંચી જોયો. મજબુત હતો, એટલે બાકીના ત્રણ દરવાજા ખેંચી જોવા એ બન્ને ગાડીની ગોળગોળ ઘુમ્યા. ગાડીને બદલે એમના કમ્પાઉન્ડનો ઝાંપો ખરીદવાનો હોય એમ એક એક દરવાજો હલાવી જોયો. થોડો ઝૂલતો હતો. હરપળે એમનું મોંઢુ કટાણું થયે જતું હતું.

‘‘રંગ ઊખડી ગયો લાગે છે...!’’ એક આંગળી કારની બૉડી ઉપર ઘસીને આંગળીના ટેરવાને નજીકથી જોઇને એ બોલ્યા. મારે તો દીકરી પરણાવવાની હોય, એમ ગાડીના તો ગુણગાન જ ગાવા પડે, ‘રંગ ઊખડી ગયો નથી....થોડી ધૂળ ચઢી છે. એ તો બીજા બે-ચાર હાથ મરાવશો એટલે ગાડી નવા જેવી થઇ જશે.’

‘‘છેલ્લે.....શું લેવાનું છે, એ બોલી નાંખો ને...!’’

‘‘જી.....છેલ્લે નહિ....પહેલે જ પચાસ હજાર લેવાના છે....મેં અઢી લાખમાં લીધી’તી...’’

‘‘બહુ કે’વાય...આવી ઠાઠીયા જેવી ફિયાટના પચ્ચા હજાર તે હોતા હશે?....ગાડી તો ચારેબાજુથી ખવાઇ ગઇ છે....આ ગાડી એમાં બેસીને ચલાવવાની કે ઉપર છાપરે બેસીને...? ગાડીની સાથે બીજું શું શું આપશો?’’ મારી ફિયાટ ખરીદવા આવેલા ગુજરાતી પતિ-પત્નીએ ફિયાટ સામે તુચ્છકારથી જોઇને પૂછ્‌યું.

‘‘બીજામાં તો.....મારૂં આખું ફૅમિલી લઇ જાઓ....!’’ એવું ચોપડાવી દેવાનો ગુસ્સો તો આવ્યો, પણ રતન પોળના વેપારીઓ પાસેથી શીખ્યો હતો કે, ઘરાક તો ગમે તે કહે, આપણે ગુસ્સે નહિ થવાનું. ઊભેલી કારમાં બેસી સ્ટીયરિંગ મચડતા મચડતા પેલાની વાઇફે બીજો પ્રસ્તાવ મૂકી જોયો, ‘‘દસ હજાર તો બહુ કે’વાય....પણ પૅટ્રોલની ટાંકી તો ફૂલ કરાવીને આપશો ને?’’ હું ભૂલમાં પહેલા પચાસને બદલે દસ હજાર બોલી ગયો હોઉં, એવી સ્માર્ટનૅસથી બેનજી બોલ્યા.

મેં હિમ્મતપૂર્વક કહ્યું, ‘‘બેનજી....પચાસ હજારથી ઓછું કાંઇ નહિ થાય....દસ હજારમાં તો આજકાલ ગાડીના ટાયર-ટ્યુબે ય નથી મળતા.’’

‘‘નાંખી દેવાનો ભાવ ના કહો....દસ હજાર બરોબર છે...રાખો, હવે. અમે કાયમ અહીંથી જ ગાડીઓ લઇએ છીએ..’’ પેલો ઢાલગરવાડમાં કપડાનો તાકો લેવા આવ્યો હોય, એવી બેરૂખીથી બોલ્યો.

પાછો મનમાં ગુસ્સો આવ્યો, ‘બહેનજી, આ દસ હજારમાં ડ્રાયવરનો પગારે ય આવી ગયો...રોજ હું ટાઈમસર આવી જઇશ...’ એવું પણ થોડું કહેવાય છે? ધંધો લઇને બેઠા છીએ તો! તો ય એમના સવાલનો જવાબ તો મેં આપ્યો, ‘‘કાયમ અહીંથી ગાડીઓ તમે લેતા હશો, પણ મારે કાર વેચવાનો ધંધો નથી....દસ હજારમાં તો મને ઘરમાં ય નથી પડી....પચાસથી ઓછું તો નહિ થાય..!’’

મારા કરતા મારી ગાડીને વધુ ઓળખનારા દોસ્તોએ સલાહ આપી કે, ‘આ ગાડી વેચવી જ હોય તો સાથે કોઇ ભેટયોજના મૂક....પંદર-વીસ જણાને ભેગા કરીને ‘હાઉસી’ રમાડ ને ફૂલ-હાઉસવાળાને આખી ગાડી ઈનામમાં આપી દેવાની.....૨૦-૨૫ હજાર તો રમતા રમતા મળી જશે...આમ તો કોઇ નહિ અડે!’

‘હા, પણ ઈનામમાં ગાડી લઇ ગયા પછી તો એ મરવાનો થાય ને? ઠેઠ ઘેર મારવા આવે તો...?’

જમાનો એ હતો કે, પૂરા શહેરમાં માંડ કોઇ ૨૫-૫૦ ગાડીઓ (કાર) હતી. સ્કૂટરવાળા સામે અહોભાવથી જોવાતું કે, ‘પૈસો બૈસો સારો કમાયો લાગે છે....સ્કૂટર પોસાય છે તે...!’ સાલ હશે કોઇ સિત્તેર-બિત્તેરની....અમે કૉલેજમાં હજી તો આવું-આવું કરતા હતા ને ફાધરે નવી નક્કોર સાયકલ રૂ.૨૧૬/-માં અપાવી હતી. બ્રાન્ડ ન્યુ વૅસ્પા સ્કૂટર પાંચ હજારમાં મળતું. નોંધાયા પછી છ વર્ષે આવતું એટલે જેની પાસે વધારાના હજાર-બે હજાર પડ્યા હોય, એ પૈસા કમાવવા માટે વૅસ્પા નિયમિત બૂક કરાવી રાખતા...પાંચના સીધા છ-સાડા છ હજાર આરામથી મળી જતા. બે -અઢી હજારનો નફો એ જમાનામાં ફાલતુ નહોતો ગણાતો....(ફાલતુ તો આજે ય નથી ગણાતો!) સૉરી, પણ લૅમ્બ્રેટાનો કોઇ ભાવ નહોતું પૂછતું. અમે પહેલું સ્કૂટર સૅકન્ડ-હૅન્ડ અઢી હજારમાં લીધું હતું. એ પછી મારા માટે કન્યા જોવાની ઘરવાળાઓમાં હિમ્મત આવી હતી, કે હવે તો છોકરાને કોઇ આપશે...! છોકરીવાળાઓએ પણ હવે હિમ્મત બતાવવા માંડી હતી. મને જોવા આવનારાઓ પહેલા મારૂં સ્કૂટર જોવા માંગતા, ઊભેલા સ્કૂટરનું ગીયર બદલી જોતા, બ્રૅકો મારી જોતા અને ખાસ તો પાછલી સીટની મજબુતાઇ જોઇ લેતા. એ જમાનો એવો હતો કે, કન્યાઓને સ્કૂટરવાળા છોકરાઓ જવલ્લે જ મળતા.

‘‘સર-જી, આપને આ ફિયાટ શેને માટે જોઇએ છે? આઇ મીન....ગાડી તો રોડ ઉપર ચલાવવા જ જોઇએ છે ને?’’ મેં ઘણી નમ્રતાથી પૂછ્‌યું, એમાં એ ખીજાયા. ‘શેને માટે એટલે....? બાળમેળામાં મોતના કૂવામાં લાકડાના ખપાટીયા ઉપર ગોળગોળ ચક્કરો મારવા તો ગાડી નહિ જોઇતી હોય ને!’

‘‘આપ ખોટું સમજ્યા. જો લગ્નના પર્પઝ માટે દીકરો પરણાવવા (આઇ મીન, દીકરાનું માર્કેટ ઊભું કરવા) ગાડી જોઇતી હોય તો હું તમને દસ હજારમાં ય આ ગાડી આપી દેવા તૈયાર છું, સર-જી...! ગાડી જોઇને તો તો ભલભલી કન્યાઓ તમારા દીકરા માટે દોડી આવશે....આજકાલની છોકરીઓને ગાડી વિનાનો તો મહારાજે ય જોઇતો નથી.’’

પહેલી વખત એની વાઇફને લાગ્યું કે, હું કોઇ સૅન્સની વાત કરી રહ્યો છું. એણે જમીન તરફ જોઇને કરૂણ સ્વરે કીધું, ‘‘જોવા તો બધીઓ બહુ આવે છે, પણ પહેલો સવાલ એ પૂછે છે કે, ‘કાર કઇ છે?...આ તો મેં ’કુ....આવી ઠાચરા જેવી લઇ લઇએ તો બે-ત્રણ મહિનામાં ભંગારમાં વેચી ય દેવાય....બાર માસના પૅટ્રોલનો ખર્ચો ના પોસાય, ભ’ઈ...એટલે મેં...’કુ.....પાંચ હજારમાં આપી દો તો અબ ઘડી પૈસા આલી દઉં...’’

---

આમ તો ટૅમ્પો મંગાવીને માલની ડીલિવરી એમના ઘર સુધી કરી આપી. ઘેર ગયા પછી એ લોકોને તો છેતરાયાનો ભાવ લાગ્યો કારણ કે, મારી ફિયાટ હજી પોતાના પૈડાં ઉપર ઊભી થઇ નહોતી. એને રોડ ઉપર ચલાવવા માટે આવા ટૅમ્પા જેવા વાહનની જરૂર પડતી, જેની ઉપર મૂકીને ફિયાટની બારીમાં અડધો હાથ બહાર રાખીને ફરવા નીકળી શકાય!

અમે લોકોએ મકાન તો ફૅમિલી સાથે તાત્કાલિક બદલી નાંખ્યું હતું....પેલો ગાડીના છુટા પડેલા સ્ટીયરિંગ સાથે મને મારવા નીકળ્યો છે.

સિક્સર

- ગઠબંધન?

- ઠગબંધન!

-----

***

Rate & Review

Mewada Hasmukh 2 months ago

Rakesh Thakkar 2 months ago

Amruta 3 months ago

Jitendra Rajpara 3 months ago

BHARAT PATEL 3 months ago