Bhai Bahen books and stories free download online pdf in Gujarati

ભાઈ બહેન

ગુડલક !

તે મારા બંને બાળકો માટે શાળાનો પ્રથમ દિવસ હતો. મારો પુત્ર પ્રથમ તૈયાર થઇ ગયો. દાદીમાં એ એને આશીર્વાદ સાથે એક કવર આપ્યું. મારો દીકરો પૈસા જોઈ ખુબ ખુશ થઇ  ગયો. 
અમેરિકામાં આવા રિવાજો ની નવાઈ .. તો એણે પૂછ્યું  પૈસા કેમ ?
 મે કહ્યું વડીલો એમનાથી નાનાઓને આશીર્વાદ સાથે કોઈકવાર એમની ઇચ્છા મુજબ કોઈ ભેટ કે પૈસા આપે છે. મારા દીકરા એ એનું કવર ચેક  કર્યું એમાં બે નોટ હતી, એકજ ક્ષણ માં એને એની બહેન પાસે જઈ એને એક નોટ આપતાં કહ્યું Good luck  લુલુ. હું તારા કરતાં મોટો છું ને એટલે તને શુભેચ્છા પાઠવું છું  



મીલીજૂલી સરકાર 

નાની બેનની એક નાની વાત પર ભાઈ હસ્યો , અને એનું ખોટું લગાડી બેને રડવાનું શરુ કર્યું. એના પર પિતાએ ટકોર કરી અને આઠેક વર્ષનો મોટો ભાઈ અપસેટ થયો. 

બધામાં વચ્ચે પડી ,મમ્મી કંઈ કહેવા ગઈ તો ભાઈલો મમ્મી પર પણ ગુસ્સે ભરાયો. 

ત્યાં બહેની બોલી ઊઠી ભાઈ તું મમ્મી સાથે પણ વાત ના કર... 
પછી શું ? 

બહેને ખુરશી પર ચડી અપસેટ ભાઈને ખુશ કરવા મમ્મીનો ફોન પાડી ભાઈના હાથમાં આપ્યો ,અને ખુશ થયેલા ભાઈએ બદલામાં  કિચન પર ચડી કબાટમાં ખૂબ ઉપર ચડાવેલ બરણીમાંથી મહામહેનતે નાની બહેનની મનપસંદ ચોકલેટ કાઢી અને બહેનના હાથમાં મૂકી. 

આ ભાઈબહેનની મીલીજૂલી સરકાર,  ગમે ત્યારે એક થઇ જાય છે. અને અમને ઓપોઝિશન પાર્ટીમાં મૂકી દે છે. 

લોહચુંબકના છેડા જેવા ;
આપણે બંને ઘેલા જેવા !
હું-તું જ્યારે આપણે થઈએ  
દુનિયા માટે સેના જેવા ! 
"દિવ્યતા "

સ્નેહાકર્ષણ !

શાળાનું વેકેશન ચાલતું હતું , ભુલકાઓને ફોઈ તરફનું ઓપન ઇન્વિટેશન તો હતું જ , અને ફોઈના ઘર તરફ જવાની તક ઉભી થતા મારા પુછતાની સાથેજ બન્ને ભાઈ - બહેન નાચી ઉઠ્યાં .

બેની તો જાતેજ બેગમાં ભરાઈ બેઠી અને મોટા ભાઈએ ખૂબ ચોક્સાઈથી બેગ ભરવાની શરૂઆત કરી તો જુએ છે કે ત્યાંતો બેનની ઢીંગલી એના કપડાં સાથે ફોઈના ઘરે જવા ગોઠવાઈ ગઈ હતી . 

ભાઈ ચાર દિવસ માટે તો બેની આખા અગિયાર દિવસ ફોઈના ઘરે રહેવું છે ના નારા લગાવતી હતી. અમે પણ ખુશ હતા કે એ બંનેની ગેરહાજરી માં ઘણા કામ આટોપી શકાશે. આમ વિચારતા અમે શુક્રવારે સાંજે બંને ઢીંગલાંઓને ફોઈના ઘરે મુકવા ગયા. તેઓ પણ એટલાજ પ્રમાણમાં ઉત્સાહિત દેખાયા . 

અંધારું થતાજ નાનકીએ અમારા ઉપર ફરમાન છોડ્યું ઘરે જાવ હવે ,અમે અહીં એકલા રહેવાના છીએ . અને અમે ખુશ થતા ત્યાંથી નીકળ્યા , દીકરો બહાર સુધી દોડી આવજો કરવા આવ્યો હતો એની આંખોમાં અમારાથી અને ઘરથી દુર રહેવાશે કે નહીની ચિંતા હતી પણ નાનકડી બેની તો પોતાના અગિયાર દિવસ રહેવાના ટાર્ગેટને અવિરત રટી રહી હતી .

અમે વિદાય લઈ ઘરે પહોંચ્યા . શનિવારનો આખો દિવસ અઢળક કામ હોવા છતાંય કઈ કેટલો લાંબો લાગ્યો . બાળકોને ફોન કર્યો પણ તેઓ તો પોતાની મસ્તીમાં મસ્ત , અને ફોન પર વાત  કરવામાં પણ કંજુસાઈ કરતા રહ્યા કે રખેને અમે એમને લેવા પહોંચી જઈએ . દીકરી હજી તો એક જ દિવસ થયો એમ બોલતી ફોન થી દુર દોડી ગઈ. 

ડિનર , મુવી,  શોપિંગ, સાફસફાઈ બધુ જ તો પૂરું. પણ અમારો દિવસ પૂરો થતો ન હતો. આ બાજુ ડેડી આખો દિવસ દીકરાનું નામ લેતા રહ્યા અને હું મારી દીકરીનું , એનું કારણ કદાચ એ  જ કે મારા માટે દીકરાને યાદ કરવું અને ડેડી માટે દીકરીનું નામ લેવું પણ કદાચ અસહ્ય હતું. એમ કરતા ખુદને મનાવતા અમે બંને એકદમ નોર્મલ હોવાનો પ્રયાસ કરતા, એકબીજાને સમજાવતા રહ્યા, કે કોઈકવાર આમ કરવું સારુંજ છે. આપણા માટે તો ખરુજ અને તેઓ માટે પણ. 

બીજે દિવસે ફરી એ જ સાયકલ , કોલ પર ના ના નહીં , અમારી વાતો વહેતી રહી , સવારની બપોર થઈ . જમવાના ટેબલ પર તો ગળે ડૂમો ...

ડેડી : ચાલ લઈ આવીએ બંનેને , મેં હિંમત જાળવી કહ્યું સવારે વાત કરી ત્યારે બંને કહેતા હતા કે લેવા નહીં આવતા હજી રહેવાના છીએ. હજી એકાદ દિવસ જુઓ તો ખરા .

 ત્યાં તો ફોઈનો ફોન રણક્યો , નાનકીને કોઈ રમકડું યાદ આવી ગયું , મેં પૂછ્યું કયું ફોન પર આવ્યા સિવાય જ એ કોઈક રમકડાંનું નામ બોલી અને ભાઈ બોલ્યો એતો અહીજ છે. ચાલ શોધીએ એવુ કંઈક બોલતા બંને દોડી ગયા.

આ બાજુ અમે બંને છોકરાઓ મિસ કરે છે ના કોલ ની પ્રતીક્ષા કરતા, લંચ પૂરું કરતા હતા ત્યાંજ પાછો કોલ.

 દીકરી બેગ પેક કરતી ફોઈને કહી રહી હતી. ફોઈ અગિયાર દિવસ થઈ ગયા. અને મોટોભાઈ પણ ઘરે આવવા તૈયાર હતો. આજે લેવા અવાશે ?

 અને અમે બંને બોલી ઉઠ્યાં કેમ નહીં ? થોડીવારમાં ફોઈનો ફરી મેસેજ આવ્યો ઢીંગલી પૂછતી હતી, મમ્મા શું કહેતી છે ? ને મેં કહ્યું 40 મિનિટ માં પહોંચીએ . 

અને ત્યાં જ એનો આખો મૂડ બદલાઈ ગયો. અને અમારો પણ. અમારે એ બંને ને બોલાવવા કરગરવું નહીં પડયાની એકબીજાને શાબાશી આપતા અમે ત્યાં પહોંચવાના રસ્તે ગાડી હંકારી !