Vaat Che Sorath ni Virangnan ni books and stories free download online pdf in Gujarati

વાત છે સોરઠની વિરાંગનાની

સોરઠની ધરતી હંમેશા તેના વિરો અને વિરાંગનાથી ઓળખાય છે. રાષ્ટ્રીય શાયર ઝવેચંદ મેઘાણીએ પણ પોતાની વાતોમાં સોરઠી વિરગાથામાં વિરાંગનાઓની અનેક વાતો લખી છે. જેમાં ગીરના સાવજ સામે બાથ ભીડનાર ચારણ કન્યાની વાત આજે પણ ગુજરાતી લોક સાહિત્યની શાન છે.

આવીજ એક વિરાંગના દ્રષ્ટીની વાત આજે તેના જ શબ્દોમાં રજૂ કરવા જઇ રહ્યો છું.

હું દ્રષ્ટી મૂળ ગોહિલવાડના નાનકડા ગામડાના બારોટ પરિવારની દિકરી. બારોટ સમાજ પર ર્માં સરસ્વીતીનો આર્શિવાદ હોય એટલે અમારી વાણીમાં ર્માંનો વસવાટ હોય છે. પણ મારો જન્મ થયો ત્યારથી જ મારે વાણી નથી. ત્યારે વાણીમાં ર્માં સરસ્વતીનો વાસ હવે, મારા માટે અશક્ય વાત હતી. મારી વાણી મને મળે તે માટે મારા માતા પિતાએ ઘણા દોરા-ધાગા, માનતાઓ અને દવા કરાવી પરંતુ તેનું કોઇ જ પરિણામ મળ્યું નહીં. જેથી મારા માતા પિતાને પણ થયું કે, દ્રષ્ટી પર ર્માં સરસ્વતીનો આર્શિવાદ હશે તો તેને વાણી મળશે. જે આશા સાથે જ મારો તેમની તાકાત પ્રમાણે ઉછેરવા કરવા લાગ્યા હતા. તેમને મન એમ કે, ર્માં સરસ્વતી મને વાણી આપે તો, મારૂ આયખું સુધરી જાય. આજે મારી ઉંમર ૨૧ વર્ષની થઇ છે, પણ હજી મને ર્માં સરસ્વતીનો આર્શીવાદ મળ્યો નથી.

આખરે હું રહી તો બારોટ કુળની ને, મારામાં ભલે ર્માં સરસ્વતીએ વાણી નથી આપી પણ ગુજરાતી સાહિત્ય અને તેમાં પણ મારા સોરઠના સાહિત્યનું જ્ઞાાન મેળવવા માટે તો મને સક્ષમ બનાવી જ છે. નાનપણથી જ બોલી ન શકતી હોવાથી મારા મિત્રો ઓછા હતા. જેથી હું મારો મોટા ભાગનો સમય વાંચનમાં જ વિતાવતી હતી. સોરઠી દિકરી અને તે પણ બારોટ પરિવારની હોવાથી મારા પ્રીય લેખક પણ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જ હતા. ગામમાં ડાયરો હોય કે પછી લોક સાહિત્યનો કોઇ કાર્યક્રમ શરુઆતથી અંત સુધી હાજરી આપનારમાં મારૂ નામ હંમેશા મોખરે રહે.

નાનપણથી જ સોરઠીની વિરગાથા, સંતવાણી જેવા અનેક પુસ્તકો વાંચ્યા અને ડાયરા તેમજ જુદા જુદા કાર્યક્રમો થકે સાહિત્યનું જ્ઞાાન મેળવ્યું. અમારૂ ગામ નાનું જેથી અભ્યાસ માટે કાંતો ભાવનગર કાંતો અમદાવાદ અથવા વડોદરા જ જવું પડે. જેથી ઘણો સમય વિચાર કર્યા પછી વડોદરાની એમએસ યુનિવર્સિટી પર પસંદગીનો કળશ ઢોળ્યો. ૧૭ વર્ષની ઉંમરે પહેલી વખત એકલી ગામની બહાર નિકળી અને વડોદરા આવી. એમએસ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં ગુજરાતી વિભાગમાં પ્રવેશ મેળવ્યો અને મારા સાહિત્યની રૂચીને જ મારો અભ્યાસ બનાવી લીધો. ભણવાની સાથે સાથે સતત વાંચન પણ ચાલતું હતું. વડોદરા આવીને ગુજરાતી સાહિત્ય ઉપરાંત અન્ય ભાષા અને દેશના સાહિત્ય વાંચવાની પણ શરૂઆત કરી. મોટા ભાગનો સમય હું યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં જ વિતાવવા લાગી હતી. મારા અભ્યાસથી મારા શિક્ષકો પણ ઘણા ખુશ હતા. ગુજરાતી વિષય સાથે બેચલરનો અભ્યાસ પૂર્ણ કર્યો.

પરંતુ આજે હું જે વાત કરવાની છું તે કોઇ વિરાંગના સાથે સરખાવાઇ તેવી છે કે નહીં તેની મને ખબર નથી. પરંતુ એ પ્રસંગ મારા જીવનનો સૌથી ભયાવહ અને લાગણી સભર પ્રસંગ બની રહ્યો છે. વર્ષ ૨૦૧૮ની વાત છે. કોલેજમાં વેકેશન હતું એટલે હું બસમાં ઘરે જવા નિકળી. રાતના બસમાં બેઠી અને વહેલી સવારે તો મારા ગામના પાદરે ઉતરી ચાલતી ચાલતી ઘરે પહોંચી. ઘરના ડેલે પહોંચી મેં દરવાજો ખખડાવ્યો એટલે મારી માતા આવીને દરવાજો ખોલ્યો. મને જોઇને તે ખુબ જ ખુશ થઇ ગઇ. ખુશીની મારી તે ઘરમાં દોડા દોડ કરવા લાગી. મારી માટે ભાવતું જમવાનું બનાવવા માટે તે રસોડામાં ગઇ. દરમિયાન મારી આંખો મારા બાપુને શોધતી હતી. તેઓ મને દેખાયા નહીં એટલે તરત જ રસોડામાં જઇ ઇશારાથી માને પૂછ્યું બાપું ક્યાં ?

મારી આ વાત સાંભળતાની સાથે જ મારી માની આંખમાં આશું આવી ગયા. એટલે ઘરમાં કોઇક ઘટના બની હોવાના મને એંધાણ આવી ગયા, પરંતુ ઘટના શું હતી તેનો મને ખ્યાલ ન આવ્યો. મેં ર્માંને પુછયું શું થયું બાપુ ક્યાં છે ? એટલે તેણે જવાબ આપ્યો કે ત્રણ દિવસ થયા બાજુના ગામમાં ગયે હજી કોઇ સમાચાર મળ્યા નથી. સામાન્ય રીતે બાપુ કામથી અન્ય ગામમાં જાય તો બે-ત્રણ દિવસ કે પછી કોઇક વાર પાછા આવતા તેમને એક અઠાવાડીયાનો સમય લાગતો હતો. જેથી હું કે ર્માં તે વિષે આટલું ગંભીર વિચારતા નહીં. એટલે જ મેં ર્માંને કહ્યું એમા ચિંતા કરવાની શી જરૂર છે. આવું પહેલી વાર થોડું થયું છે. આ પહેલા પણ અનેક વાર તેઓ કામથી બહાર ગયા તો છે.

મારા જવાબથી ર્માંને સંતોષ તો ન જ થયો પરંતુ તેને સંતોષ થયો હોવાનું બતાવાનો સંપૂર્ણ પ્રયાસ જરૂર કર્યો. એટલે મેં ફરી તેમને પુછયું કેમ આટલી ચિંતા કરે છે ? તેની પાછળનું કારણ મને કહે. એટલે ર્માં બોલી બેટા તારા બાપુ આમ તો કામથી જાય ત્યારે મને કોઇ ચિંતા નથી થતી. પરંતુ ખબર નહીં આ વખતે મનમાં કાંઇક અજુગતુ બને તેવી શંકા થઇ રહી છે. તું એક કામ કર આવતીકાલે બાજુના ગામમાં જઇ તપાસ કરી આવને કે તારા બાપુ ત્યાં છે કે નહીં. તે ત્યાં હશે તો તને જોઇને ખુશ થઇ જશે. હવે, ર્માંની ઇચ્છા પુરી કરવાનો વાયદો કરી હું રસોડામાંથી ઘરના ચોગાનમાં પડેલા ઢોલીયા પર બેસી એક નોવેલ વાંચવાની શરૂઆત કરી જે હું બસમાં વાંચતી વાંચતી આવી હતી. ર્માંએ મને ગમતું જમવાનું બનાવ્યું અમે જમ્યા અને ર્માં તેના કામમાં લાગી ગઇ અને હું વાંચવામાં વ્યસ્ત થઇ ગઇ. રાતે વાળુ કરી હું અને ર્માં સુઇ ગયા.

સવારે મારી આંખો ખુલે તે પહેલા જ ર્માં જાગી ગઇ હતી. તેને સવારે ૭ વાગે મને ઉઠાડી અને ફટાફટ તૈયાર થઇ જવા કહ્યું. મને પણ ખબર હતી કે, બાપુની ચિંતામાં ર્માં અધીરી થઇ રહી હતી. એટલે હું પણ સમય વેડફ્યા વિના તૈયાર થઇ ગઇ અને ર્માંએ તૈયાર કરી આપેલું ભાથું લઇ હું બાજુના ગામ જવા નિકળી ગઇ. અમારા ગામ અને બાજુનાં ગામની વચ્ચે ગીરના જંગલનો એક ભાગ આવે છે. જે ભાગ પસાર કરીને બીજા ગામમાં વહેલા પહોંચી જવાય છે. બાકી સરકારી બસમાં જઇએ તો બસ ક્યારે આવે, ક્યારે પહોંચાડે તે જ મોટો પ્રશ્ન છે. હા ભલે ગુજરાત સરકાર કહેતી હોય કે, રાજ્યના દરેક ગામને જોડતા રસ્તા બનાવી દેવાયા છે, પરંતુ સાચી હકીકત કંઇક જુદી જ છે. હું ગીરનું જંગલ પાર કરીને બાપુને શોધવા નિકળી પડી. બાજુના ગામમાં પહોંચી બાપુની શોધ શરૃ કરી. બાપુ જેમના ઘરે કામે આવ્યા હતા તેમના ઘરે જઇને તપાસ કરી તો તેમણે કહ્યું કે, તારા બાપુ તો ગઇકાલે સવારે જ ઘરે આવવા નિકળી ગયા હતા હજી નથી આવ્યા ?

હવે, મને પણ બાપુની ચિંતા થવા લાગી હતી. કે બાપુ ક્યાં ગયા હશે. પછી સાચે જ હું તેમને શોધવામાં લાગી ગઇ. ઘણા લાકોને પુછયું પણ કોઇ જવાબ ન મળ્યો. અંતે થાકીને એક ચ્હાની નાની દુકાન પર જઇને બેઠી અને કાકાને ઇશારામાં ચ્હા લાવવા માટે કહ્યું. હું બહુજ થાકી ગઇ હતી અને મને ભૂખ પણ લાગી હતી. જેથી ચ્હાની સાથે ર્માંએ આપેલું બાથુ ખોલ્યું અને પેટની આગને ઠારવાનો પ્રયાસ કર્યો. પરંતુ પિતાની ચિંતામાં અન્નનો એક દાણો પણ ગળામાં ઉતરતો ન હતો. છતાં પણ થોડું ખાઇ ચ્હા પી પાણીનો ઘુટ ભર્યો. પછી ચ્હા બનાવતા કાકાને જ મારા પિતાનો ફોટો બતાવી તેમના વિષે પુછવાની શરૃઆત કરી. તેમણે મને જણાવ્યું કે, ગઇકાલે બપોરે તેઓ અહીં જ ચ્હા પીવા આવ્યા હતા. અંદાજે એક કલાક જેટલો સમય તારા બાપુ જેટલો સમય અહી બેઠા તારી જ વાત કરતાં હતા. તેને વાણી નથી તે વિષે પણ તેમણે મને જણાવ્યું. પછી તેઓ અહીં ખાટલે બેઠેલા એક અજાણ્યા માણસ સાથે કંઇક વાત કરી અને પછી તેની સાથે જ ચાલવા લાગ્યા અને જંગલ તરફ ગયા હતા. પછી નથી મેં તારા બાપુને જોયા કે નથી પેલા અજાણ્યા માણસને જોયો.