Dogi books and stories free download online pdf in Gujarati

ડોગી

‘ડોગી’

દીપક રાવલ

મનસુખનો શ્વાસ રૂંધાતો હતો....ડોળા ફાટી ગયા હતા..ડોગી છાતી ઉપર ચડી ગયું હતું....એનું ગંદુ મો ગંધાતું હતું ...ગળામાં એના પગના ન્હોર વાગતાં હતાં...એને ચીસ પડવી હતી પણ અવાજ નીકળતો નહોતો...હાથ-પગ પછાડતો હતો....લાગતું હતું કે પ્રાણ નીકળી જશે....દુર કોઈ ગુફામાંથી આવતો હોય તેવો ઈલાનો સાદ સંભાળતો હતો...મનું...મનુ. એ ઝબકી ગયો. આસપાસ કોઈ નહોતું. એ પરસેવે રેબજેબ થઇ ગયો હતો. પરસેવો લૂછ્યો, બે ગ્લાસ પાણી પીધું. થોડીવાર એમ જ આંટા માર્યા. પછી બારી સામે ખુરસીમાં બેઠો. ટીપાઈ પર પગ લંબાવ્યા. બહાર રસ્તા તરફ જોવા લાગ્યો. રસ્તા પર બંને બાજુ કારની લાંબી કતાર હતી. ધીમે ધીમે અજગરની જેમ સરકતી હતી. આ વ્યસ્ત રસ્તો ઓળંગીને જઈએ તો સામી બાજુ સુંદર બાગ છે, ઊંચા ઊંચા મકાનોની પાછળ. બાગમાં સુંદર મજાના ફૂલો, ઊંચા ઊંચા ઘટાદાર વૃક્ષો એને યાદ કરતા હશે. પહેલા નિયમિત ત્યાં ચાલવા જતો. વૃક્ષોને-ફૂલોને નીરખ્યા કરતો. બધા સાથે મૌન સંવાદ થતો. ઊંડી આત્મીયતાનો અનુભવ થતો. ફેફસા તરોતાઝા હવાથી ભરાઈ જતાં. બહુ જ સારું લાગતું. છેલ્લે ત્યાં ક્યારે ગયો હતો? યાદ નથી.

મોબાઈલની રીંગ વાગી. જોયું તો દીકરાનો ફોન હતો.

‘હા દેવાંશ..

‘જી પપ્પા આજે સાંજે તમે આવો છોને? રઘુ તમને બહુ યાદ કરે છે’

‘હા બેટા , જરૂર આવીશ. રાઘવને કહેજે એના માટે રોબોટ લેતો આવીશ. ગયે વખતે આવ્યો ત્યારે એણે રોબોટ માંગ્યો હતો.’ ઈલા સંભાળે નહિ એમ એકદમ ધીમા અવાજે મનસુખ બોલ્યો

‘અરે કશું ના લાવશો. એની પાસે ઘણા રમકડા છે. પરંતુ આવજો જરૂર. પપ્પા રઘુ બહુ નારાજ છે. કહેતો હતો આઈ હેઇટ દાદા..હી ડીન્ટ કીપ હીઝ પ્રોમિસ...’

‘આઈ નો આઈ નો....બેટા એને સમજાવજે હું જરૂર આવીશ.’

દેવાન્શે ફોન મૂકી દીધો. મનસુખ ઉદાસ થઇ ગયો. દીકરાની વાત સાચી છે. ત્રણ વખત ડોગીને લીધે દીકરાને ત્યાં જવાનું કેન્સલ થયું છે. રાઘવ વ્હાલુડો છોકરો છે. દાદાને બહુ વ્હાલ કરે છે. મનુને જોઇને એટલો રાજી થાય કે વાત નહિ....મનસુખને જોઇને દુનિયામાં કોઈ એટલું ખુશ થતું નથી. દાદાને જુએ કે દોડીને વળગી પડે. મનસુખ એને તેડી લે, ખુબ વ્હાલ કરે, બચીઓથી નવડાવી દે. પછી એને ખોળામાં લઈને બેસે. દાદા ને દીકરાની ગોષ્ટી ચાલે. સીમા ચા-નાસ્તો મૂકી ગઈ હોય પણ એની તરફ ધ્યાન જ ના જાય. સીમા રાઘવને એન ખોળામાંથી લઇ લેવા આવે તો રાઘવ દાદાને વળગી પડે. મનસુખ પણ સીમાને કહે ‘રહેવાદે બેટા. ભલે મારી સાથે રમતો. રાઘવને ગળે લગાડતા મનસુખને છાતીમાં ટાઢક થઇ જતી, જન્મારાનો થાક ઉતરી જતો. કેવું કહેવાય નહિ ...લોકો દીકરા માંગે...અહી છતે દીકરે દીકરા વિનાના હોય એમ જીવવાનું છે. રૂપિયા કરતા વ્યાજ વહાલું હોય તેમ છતાં પૌત્રને મળવા પણ જઈ શકાતું નથી.

ઘણીવાર એને ડોગી પર બહુ ગુસ્સો આવે છે. એક વાર તો એને થયુ કે એને ક્યાંક એટલે આઘે મૂકી આવું કે પાછું જ ન આવે. એક દિવસ એણે એમ કર્યું પણ ખરું. ઈલા ક્યાંક આઘી પાછી હતી ત્યારે ડોગીને લઈને સ્કુટર પર નીકળી ગયો અને દુર મુકીને આવતો રહ્યો. પછી ઘરમાં ડોગી ના મળ્યું એટલે ઇલાએ કલ્પાંત કરી મુક્યું. ઘર માથે લીધું.

‘અરેરે... મારું ડોગી ક્યાં ગયું...

‘હમણાં તો અહી જ હતું..તારી પાસે જ તો હતું...

‘અરે થોડીવાર હું બાથરૂમમાં ગઈ એટલીવાર પણ તમારાથી ધ્યાન રાખતું નથી.....અરેરે બિચારું ક્યાં હશે...

એણે પણ ખોટી ખોટી ચિતા કરી કે બિચારું ક્યાં જતું રહ્યું હશે, કોઈ ટ્રક કે વાહન નીચે ન આવી ગયું હોય તો સારું..વગરે...વગેરે પણ એટલામાં તો ઘરની બહાર કુતરાઓનો અવાજ સંભળાયો. બારીમાંથી જોયું તો એ હરામખોર પાછું આવી ગયું હતું. એણે કપાળ કૂટ્યું પરંતુ ઈલા તો એને વળગી પડી, કેટલુય વ્હાલ કર્યું. બચીઓ કરી. એ દિવસ પછી ઈલા એને જરાય અળગું કરતી નથી. બાથરૂમમાં જાય તો ત્યાંય સાથે લઇ જાય છે. ડોગીનો ચહેરો એને દીઠ્ઠો ગમતો નથી. ગળું દબાવીને એને મારી નાખવાની ઈચ્છા તો ઘણીવાર કરી છે પરંતુ એનાથી એમ થઇ શક્યું નથી.

આ ડોગી ઈલાની બહેનપણીએ થોડા વર્ષો પહેલાં એના જન્મદિવસ પર ભેટ આપેલું. ઈલા બહુ ખુશ થઇ ગઈ હતી.

‘જો તો મનુ કેવું સ્વીટ છે નઈ?’

મનુએ જોયું. બાસ્કેટમાં સરસ મખમલના કપડા પર બેઠેલું. મનસુખને ભારે ચીડ ચડેલી. આવી ભેટ અપાય ? ચીમળાઈ ગયેલા ચીકુ જેવું મો, ઝીણી આંખો, રાંટા પગ, ટચુકડી પૂંછડી, અને કબરચીતરું. મનસુખને ઉબકો આવેલો પણ રોકી રાખ્યો હતો. બસ તે દિવસ ને આજની ઘડી. ડોગી ઘરમાં છવાઈ ગયું છે. ડોગી આવ્યા પછી ઈલા સાવ બદલાઈ ગઈ. એનું જીવન ડોગીની આસપાસ જ ગોઠવાવા લાગ્યું. એને ખવડાવવાનું, સુવાડવાનું, નવડાવવાનું, સવાર સાંજ બહાર ફરવા લઇ જવાનું વગેરે વગેરે એ જ એનું જીવન બની ગયું. દેવાંશ અને મનસુખ એના માટે ગૌણ થઇ ગયા. ડોગીને જોડે લઈને જ સુતી. એની ઊંઘમાં ખલેલ ન પડે તેની કાળજી રાખતી. મનસુખને ઊંઘમાં જોરથી નસકોરા બોલતા. ડોગીની ઊંઘ ઉડી જતી. એ કારણે ઇલા અને મનુ વચ્ચે બોલવાનું થતું. એક દિવસ વહેલી સવારે એને લાગ્યું કે ઈલા વહાલ કરી રહી છે, હોઠ ચૂમી રહી છે..એણે આંખ ખોલીને જોયું તો ડોગી એનું મોઢું ચાટી રહ્યું હતું. તે દિવસે મનુએ લગભગ દસેક વાર મો ધોયું, કેટલીયવાર માઉથવોશથી કોગળા કાર્ય. પછી મનુએ બેડરૂમમાં સુવાનું જ બંધ કર્યું. દેવાન્શને કોલેજ જવાનું હોય, તૈયાર થવાનું હોય, મનસુખને ઓફીસ કે પ્રવાસે જવાનું હોય પણ એ બધું પછી, ડોગી પહેલાં.

એકવાર ઘરે મહેમાન આવ્યા તો મનસુખની ભારે કફોડી સ્થિતિ થયેલી. ડોગી વળી વળીને મહેમાન પાસે જાય. મહેમાનને ડોગીની બહુ બીક લાગતી હતી. બિચારા એ તો સોફા પર પગ લઈને બેસી ગયા તો ડોગી કુદીને સોફા પર ચડી ગયું. મહેમાને તો ચીસ પડી. એણે દોડીને ડોગીને લઇને ઈલાને સોંપ્યું. તરત જ એ મહેમાનને હોટેલમાં મૂકી આવ્યો. બસ તે દિવસ પછી કોઈને ઘેર લાવતો જ નથી, હોટેલમાં જ વ્યવસ્થા કરી લે છે. ટપાલી અને ધોબી પણ ઘરની અંદર આવતા નથી. ત્રણ રસોયણ બદલાઈ ગઈ. હમણા આવે છે એ વળી ટકી છે. પણ એ રસોઈ કરતી વખતે રસોડું અંદરથી બંધ કરી દે છે.

આમ જ જીવન ચાલે છે. રોજ રોજ કોણ ઝગડા કરે ? થોડા દિવસ પહેલા એનો બાળપણનો ભેરુ લક્ષ્મણ આવ્યો હતો. સાથે જ ભણ્યા. કોલેજમાં એ જી.એસ હતો. કોલેજમાં સાથે મળીને બહુ તોફાન કરેલા. ગયા મહીને એની પત્નીનું અવસાન થયું. રુખીભાભી બહુ જ પ્રેમાળ હતી. એમના લગ્નમાં બહુ આનંદ કરેલો. એ એમની બહુ મશ્કરી કરતો એમનું શરીર થોડું ભારે હતું એટલે એ કહેતો કે લક્ષ્મણને ત્યાં ગણેશ બેસાડ્યા છે.. ભાભી હંમેશા હસતી. લક્ષ્મણ બિચારો એકલો પડી ગયો. બહુ રડતો હતો. કહેતો હતો ‘એના વગર કેવી રીતે જીવીશ ? એની મને ટેવ પાડી ગઈ છે. એણે મને કોઈ દિવસ હાથે પાણીનો પ્યાલો પણ ભરવા દીધો નથી. મારો પડ્યો બોલ ઉપાડતી. મારે આ જોઇશે તે જોઇશે એની જ એને ચિંતા રહેતી. ઢીચણની તકલીફ હતી તોય છેલ્લી ઘડી સુધી સેવા કરી. છોકરા અમેરિકા સ્થિર થયા છે. બંને એક વાર જઈ આવ્યા. પરંતુ ગામડાની મોકલાશમાં રહેલા એટલે ત્યાં ફાવ્યું નહિ. એક મહિનામાં પાછા આવ્યા. છોકારાવે કહ્યું કે મમ્મી તુ રોકાઈ જા, તારા ઢીચણનું ઓપરેશન કરાવીએ પછી જા. તો એણે ના કહી. તારા પપ્પાનું ધ્યાન કોણ રાખે ?’

એ આવ્યો ત્યારે ઈલા તો એના ડોગીમાં જ વ્યસ્ત. લક્ષમણને આવો પણ ના કહ્યું. મનુએ ટૂંકમાં એની સ્થિતિ કહી હતી. બંને એ હૃદય ખોલ્યા હતાં. વાતમાંથી દેવાંશ વિષે વાત નીકળી. તો રણછોડે પૂછ્યું કે દીકરાને પરણાવ્યો કે નહિ ? મનુએ કહ્યું કે બે વાર છોકરીવાળા જોવા આવ્યા હતાં પરંતુ ઈલાનું કુતરાપુરાણ સંભાળીને ચાલ્યા ગયા. ત્યારે લક્ષ્મણે કહ્યું કે આપણી સાથે બીપીન ભણતો હતો એની દીકરી છે, ભણેલી-ગણેલી, ડાહી છોકરી છે. જોઈ આવજે. અને એ બિપીનનો ફોન નંબર આપીને ચાલ્યો ગયો હતો, બાળપણના ઢગલો સંભારણા મુકીને. લક્ષ્મણ ગયો ત્યારે મનસુખને લાગ્યું કે એ ભાભી વગર લાંબુ જીવશે નહિ.

પછી એને બિપીનને ફોન કર્યો તો બહુ રાજી થયો. ફોન પર લાંબી સુખદુખની વાતો કરી. દેવાંશની પણ વાત કરી. એ તો ખુશ થયો ‘અરે મનસુખ છોકરાં એકબીજાને પસંદ કરે તો આપણી મૈત્રી ને સંબંધમાં બાંધીએ.’ સમય નક્કી કરીને બિપીનને ત્યાં સગાઇ માટે કન્યાને જોવા ગયા. ’ઈલા તો સજીધજી પરંતુ ડોગી પણ સજ્જ થઈને સાથે લીધું. ‘ચાલો ભાઈ માટે કન્યા જોવા જવાનું છે..બરાબર જોજે હં..કે ’ ત્યાં પહોચ્યા ત્યારે બિપીનતો ભેટીને રડી પડ્યો.. દેવાંશને કહે ‘તારો પપ્પો તો અમારી કોલેજનો સ્ટાર હતો.’

પ્રાથમિક ઔપચારિકતાઓ પછી દેવાંશ અને કન્યા સીમાને વાતો કરવા મોકળાશ કરી આપી. બિપીન અને તેની પત્ની સાથે વાતો કરવા બેઠા તો ઈલા દીકરી કે પોતાના દીકરાની વાત કરવાને બદલે કે એમના ઘર-પરિવાર વિષે વાત કરવાને બદલે હંમેશની જેમ ડોગીની જ વાત કરતી રહી, એના જ ગુણગાન ગાયા. બિપીન મર્માળુ હસતો હતો. વેવાણ અકળાતા હતા. મનસુખે અને બિપીને વાત સંભાળી લીધી. દેવાંશ અને સીમાએ એકબીજાને પસંદ કર્યા. લગ્નનું નક્કી થયું. તો લગ્નમાં પણ ડોગી માટે સરસ વાઘા સિવડાવ્યા, એના પાર્લરમાં લઇ ગઈ ને તૈયાર કર્યું. ચાલો એનો તો વાંધો નહિ પરંતુ આખી લગ્નવિધિમાં પણ ડોગી સાથે. એટલે સુધી કે આવનારી વહુને પોખતી વખતે પણ ડોગી સાથે હતું અને સીમાના ગાલે ડોગીના પગને કંકુમાં બોળી દિયરની જેમ થાપા માર્યા. દોગીને સાથે લઇ સીમાનો રસ્તો રોકીને ઉભી ‘વહુ આ તમારો દિયર છે....’ બધા મહેમાન એના આ ગાંડપણ પર હસતાં હતાં પરંતુ ઈલાનું ધ્યાન જ નહોતું. એ વેળા વહુ તો ઓઝપાઈ ગઈ હતી. દેવાશે હસીને કાઢી નાખ્યું. સીમાના કાનમાં કહ્યું ‘મમ્મીને ડોગી બહુ વ્હાલું છે, મારા કરતા પણ’.

પરંતુ પછી ગડબડ શરુ થઇ. રોજ ડોગી ડાયનીંગ ટેબલ પર સાથે જમે, બધા સાથે બેસી વાત કરતા હોય તો ત્યાં પણ ડોગી ડોગી જ ચાલે. ટી.વી પર સરસ કાર્યક્રમ ચાલતો હોય ને ડોગી ભસવાનું શરુ કરે. છોકરાં કંટાળે. એક દિવસ તો સીમાની લાલ સાડી જોઇને ભડક્યું ને સીમાની પાછળ પડ્યું. સીમાએ ચિંસાચીસ કરી મૂકી, દેવાંશ દોડી આવ્યો અને ડોગીને પકડી લીધું. પરંતુ તે પહેલાં તો ડોગીએ સીમાની બહુ જ ગમતી કિમતી સાડી ફાડી નાખી હતી. સીમા કંટાળી ગઈ ને ચીડમાં ડોગી વિષે કઈક બોલી. બસ આવી બન્યું. ભારે ઝઘડો થયો. ઇલાએ સીમાનો જ વાંક કાઢ્યો ને લાલ સાડી ઘરમાં ના પહેરવાની સલાહ આપી. પછી તો કોઈને કોઈ વાતે ઝઘડવાનું રોજનું થયું. એક દિવસ સીમાએ દેવાન્શને કહ્યું કે ડોગી સાથે હું આ ઘરમાં નહિ રહી શકું. દેવાંશે મનસુખને કહ્યું. દેવાંશ અને મનસુખ ઈલાને સમજાવવા બેઠા. પણ માને તોને !! દેવાંશ પણ રોજના કંકાસથી કંટાળ્યો હતો. એની મા સાથે એ ઝગડી બેઠો.

‘મમ્મી તે આ શું માંડ્યું છે ? કૈક તો વિચાર કર. સીમા પ્રેગ્નન્ટ છે. એ સ્થિતિમાં આ કંકાસ ઠીક નથી. એને અત્યારે પ્રસન્ન રાખવાની હોય. તને ડોગી ગમે છે તો ભલે. તું રાખ. પણ એવી અપેક્ષા ન રાખ કે અમને પણ એ ગમે, અમે પણ એની આસપાસ ફરીએ ને એની આળપંપાળ કરીએ ’

‘ડોગી વિષે હું કઈ નહિ સાંભળું. મને ખબર છે તને અને તારી વહુને ડોગી ગમતું નથી. એને સમજાવી દેજે.’

‘અરે શું ડોગી ડોગી ડોગી. એ શું તારા દીકરા અને વહુ કરતા પણ વધારે છે ?’

‘હા વધારે છે.’

‘તો મમ્મી કાન ખોલીને સાંભળી લે. અમને આ ડોગી સાથે નથી ફાવતું. તું હવે નક્કી કરીલે કે આ ઘરમાં કાં તો ડોગી રહેશે કાં તો અમે રહીશું.’

‘આ ઘરમાં ડોગી રહેશે’ ઇલાએ જરા પણ ખચકાયા વિના કહી દીધું. ઘરમાં સોપો પડી ગયો. આમાં મનસુખને બોલવાનો તો અધિકાર હતો જ નહિ. તે દિવસે મનસુખ, સીમા, દેવાંશ જમ્યા પણ નહિ. તો ઇલાએ કોઈને પૂછ્યું પણ નહિ. એના ડોગીને પ્રેમથી જમાડીને ઊંઘાડી દીધું. થોડા જ દિવસોમાં દેવાંશ અને સીમા જુદું ઘર રાખી ચાલ્યા ગયા. મનસુખ ક્યાં જાય ?

મનસુખને બધી વાતે સુખ હતું. બાપ-દાદાનો ધંધો વારસામાં મળ્યો હતો. એને અથાક મહેનત કરી વિકસાવ્યો હતો. ગામડેથી આવેલી ઈલા અને એનું દામ્પત્યજીવન સરસ ચાલતું હતું. મનસુખે એને ભણાવી, ઓપન યુનીવર્સીટીમાં ઘેરબેઠા ગ્રેજ્યુએટ કરાવી. ઈલાના પગલા પણ સારા હતા. મનસુખ ખુબ પ્રગતિ કરતો હતો. દુકાનમાંથી સ્ટોર, પછી ફેક્ટરી કરી. દિવસે દિવસે એની વ્યસ્તતા વધતી ચાલી. શરૂઆતમાં ક્યારેક એક દિવસ, બે દિવસ અને પછી તો અઠવાડિયું, મહિનો મહિનો દેશ વિદેશ જવાનું થવા લાગ્યું. દીકરો ભણતરમાં ઓતપ્રોત, મનસુખ એના વ્યવસાયમાં. ઈલા એકલી પડતી ચાલી. ઘણીવાર ડીપ્રેશનમાં ચાલી જતી. સારવાર કરાવવી પડતી. પછી એ કિટીપાર્ટીઓમાં જોડવા લાગી. નવી નવી બહેનપણીઓ થઇ. અને એમના રંગે રંગવા લાગી. એના જીવનનું કેન્દ્ર અને જીવવાની રીત બદલાઈ ગઈ. મનસુખે દેવાશને ભણતરની સાથે સાથે બિઝનેસની પણ કેળવણી આપી. ધીરે ધીરે એને સઘળી જવાબદારી સોંપી દીધી. દેવાંશ જુદો થયો પછી મનસુખ અંદરથી તૂટી ગયો અને સાવ એકાકી થતો ચાલ્યો. દેવાન્શને ત્યાં દીકરો આવ્યો તો ફરી પાછો થોડો જીવ આવ્યો. જો કે ઈલા પુત્રનું મો જોવા પણ ગઈ નહોતી. રાજાના કુંવર જેવો છે રાઘવ. નામ એણે જ પડ્યું હતું. દાદાને અને પુત્રને ખુબ બનતું હતું. પરંતુ એને મળવા જાય તો પણ ઈલા નારાજ થઇ જતી. બોલવાનું બંધ કરતી. એટલે એ ક્યારેક છાનો છાનો મળી આવતો. હમણાથી ત્રણ વખત મળવાનું નક્કી કર્યું અને એ જઈ શક્યો નથી. જીવ એના માટે સોરાયા કરે છે. ઘણીવાર એને થાય છે કે એ ઘરનો પણ રહ્યો નથી અને ઘાટનો પણ.

એ વિચારતો બેઠો હતો ત્યાં ઈલા આવી.

‘યસ ડાર્લિંગ....

‘ડોગીને બિલકુલ ઠીક નથી....... ડોક્ટરને કન્સલ્ટ કરવા પડશે...’ એટલામાં એની પાછળ પાછળ પૂંછડી પટપટાવતું ડોગી આવ્યું. ઇલાએ એને તેડી લીધું અને વ્હાલ કરવા લાગી. ‘બેબી કેમ બહાર આવ્યું...હં....

મનુને સમજાયું નહિ કે શું કહેવું. થોડીવાર ડોગીને જોયા કર્યું પછી એણે કહ્યું....’બે દિવસ પહેલાં જ તો બતાવ્યું હતું..’

‘હા પણ કઈ ફેર પડ્યો નથી. ડોક્ટરને ફોન કરી દે ...’ આજ્ઞા કરી ઈલા ફરી બેડરૂમ તરફ જવા લાગી. ઈલાના ખભા પર માથું ઢાળીને ડોગી મનસુખ તરફ જોઈ રહ્યું હતું. મનસુખ પણ અન્યમનસ્ક ભાવે એને જોઈ રહ્યો. એને હવે ઈલા અને ડોગીના ચહેરામાં બહુ ફેર લાગતો નથી. એણે મોબાઈલ હાથમાં લીધો. ડોક્ટરને ફોન કર્યો. ડોકટર દવાખાને જ હતા. ઈલાને જાણ કરી. થોડીવાર વળી એમ જ બેસી રહ્યો....આજે પણ રાઘવને મળવા નહિ જવાય. ગળું રુંધાઈ ગયું, ઝળઝળિયાં આવી ગયાં....

થોડી જ વારમાં ઈલા તૈયાર થઈને બહાર આવી. ‘તૈયાર ? ચાલ. હું ડ્રાયવરને કાર કાઢવા કહું છું.’ કહેતી ઈલા એના ડોગીને સરસ મજાના બાસ્કેટમાં મખમલનું કપડું પાથરીને લઈને ખટ ખટ કરી બહાર નીકળી. મનસુખ પણ પહેર્યે કપડે પાછળ પાછળ નીકળ્યો.....

**

દીપક રાવલ, A-૫૦૨ સત્ત્વ ફ્લેટ્સ, કુણાલ ચોકડી પાસે, ગોત્રી, વડોદરા -૩૯૦૦૨૧

Share

NEW REALESED