koi ne kahevay books and stories free download online pdf in Gujarati

કોઈને કહેવાય ?

‘કોઈને કહેવાય ?’

દીપક રાવલ

વાત જરા ખાનગી છે. આમ તો સાવ સાચી જ ઘટના છે પરંતુ કહું કઈ રીતે ? મારા જીગરજાન દોસ્તની ઈજ્જતનો સવાલ છે. લોકોના ઘરમાંથી બેન-દીકરીઓ કે વહુઓ ભાગી જતી હોય છે પરંતુ...હા...સાચેજ ....મારા દોસ્તની મમ્મી ભાગી ગઈ છે !!! સમાજની બીકે કોઈને જાણ કરી નથી. અરે કોઈ પૂછે કે શું થયું ને આપણે કહીએ કે મમ્મી ભાગી ગઈ છે તો કેવું લાગે !

બિચ્ચારો રાતે મારે ઘરે આવ્યો ને પછી મને વળગીને રડી પડ્યો. ‘પકલા, મમ્મી ક્યાંક જતી રહી છે.....

‘જતી રહી છે ? ક્યાં ?’

‘શી ખબર યાર. સાંજે ઘરે આવ્યાં ત્યારે બંને બાળકો પાડોશીને ત્યાં બેઠાં હતાં. પડોશીઓ કહે કે છોકરાઓ સ્કુલ ગયાં પછી પ્રકાશભાઈ સાથે બા ક્યાંક ગયાં. બા તારી સાથે હતાં?’

‘હા, સવારે મારી સાથે જ હતા. મંદિરમાં શ્રાવણના છેલ્લા સોમવારની પૂજા રાખી હતી. મને કહે મૂકી જા. હું મુકવા ગયો. મને કહે કે તું જા અહી વાર લાગશે. પૂજા લાંબી ચાલશે. હું રીક્ષામાં જતી રહીશ. બસ પછી હું મારા કામે જતો રહ્યો.’

‘અરે હું મંદિર પણ જઈ આવ્યો. ત્યાં મહારાજ કહે કે આજે તો નિર્મળાબેન આવ્યા જ નથી.’

‘શું વાત કરે છે ? તો ક્યાં ગયાં હશે ?

‘હું એ જ તો કહું છું પકલા મમ્મી ક્યાં ગયાં હશે ?’

‘અરે યાર મને પણ ચિંતા થવા લાગી છે. ચાલ પોલીસસ્ટેશન ફરિયાદ નોધાવી આવીએ.’

‘અરે ના યાર, પોલીસમાં જાણ કરીશું તો વાત બધે ફેલાઈ જશે ને આબરૂ જશે. આજની રાત રાહ જોઈએ. બને એટલી તપાસ કરીએ. જો નહિ મળે તો કાલે ફરિયાદ નોધાવીએ.’

‘ઠીક છે. જેવી તારી મરજી. પણ તે નિશાભાભીને પૂછ્યું ?’

‘અરે એતો બહુ ગુસ્સામાં છે.’

‘સારું ચાલ હું તારી સાથે આવું’

અમે બંને ગયા તો નિશાભાભી ગુસ્સામાં રાતાચોળ હતા.

‘મને હતું જ પ્રકાશભાઈ, આ ડોશી કૈક આવું જ કરશે. વિધવા થઈને ફૂલફટાક ફરતાં હતાં. ન કોઈ લાજશરમ. મયુર તું ચિંતા ન કર. એમને કોઈ સંઘરવાનું નથી. સવાર સુધીમાં જ્યાં હશે ત્યાંથી ખોટા રૂપિયાની જેમ પાછા આવી જશે.’

‘અરે ભાભી, બીજું કંઈ નહિ પણ જો કૈક આડું અવળું કર્યું હશે તો શું કરશું ?’ મેં ચિંતા વ્યક્ત કરી.

‘શું આડુંઅવળું ?’

‘આત્મહત્યા કરી હશે તો ?

‘અરે કંઈ મરે એવા નથી. કૈકને મારીને આવે એવાં છે’

મને લાગ્યું કે લાંબી વાત કરવા જેવી નથી. એટલે મેં કહ્યું ‘મયુર, હું મારી રીતે તપાસ કરું છું, તું તારી રીતે તપાસ કર. ચિંતા ના કરીશ. બધું સારું થશે.’

બંને બાળકો ઓશિયાળાં થઈને બેઠા હતા. મને અચાનક ખ્યાલ આવ્યો કે આ લોકો જમ્યા લાગતાં નથી.

‘તમે જમ્યા ?’

‘આમાં ક્યાંથી જામે ?’ મયુરે કપાળ કૂટ્યું.

‘સારું હું કૈક લઇ આવું છું.’ હું જઈને પાઉંભાજી, બર્ગર એવું લઈને એમને ઘેર આપી આવ્યો. નીકળતી વખતે મયુરને કહ્યું ‘જો માસી કાલે ન આવે તો પોલીસ ફરિયાદ નોધાવી દેવાની. કૈક આડુંઅવળું થયું હશે તો સલવાઈ જઈશ ને જવાબ આપવો ભારે પડી જશે.’

બીજા દિવસે પણ માસીનો કોઈ પત્તો ન લાગ્યો એટલે ન છૂટકે મયુરે પોલીસમાં ફરિયાદ નોધાવી. પોલીસે માસીનો ફોટો, ફોન નંબર વગેરે નોધ્યા અને કહ્યું કે ‘તપાસ કરીને જણાવીશું. તમને કોઈ માહિતી મળે તો તરત પોલીસસ્ટેશનમાં જાણ કરજો.’

મારો લંગોટીઓ દોસ્ત મયુર. અમે સાથે ભણ્યા, સાથે ઉછર્યા. અમારા ઘર પાસપાસે. સ્કુલ સાથે જવાનું, રમવાનું સાથે અને ઘણીવાર જમવાનું પણ સાથે. હા મયુરના મમ્મી નિર્મળામાસી અને રમણમાસાનો સ્વભાવ બહુ જ સારો. એમનાં ઘેર જાઉં એટલે ઘર જેવું જ લાગે. રમણમાસા સરકારી હોસ્પિટલમાં ડોક્ટર હતા અને માસી નર્સ. એમને સંતાનમાં એક દીકરો. મયુર એન્જીનીયર થયો. આ જાણે મારો જ પરિવાર. મયુરના લગ્નમાં હું જ આયોજક હતો. મયુરને ભણતાં-ભણતાં નિશા ગમી ગઈ. નિશાની બીજી નાતની હતી. મયુર માસાને વાત કરવાથી ડરતો હતો. મેં જ માસાને આખી વાત કરી. રમણમાસાએ જાણ્યું ત્યારે એમને ગમ્યું નહોતું પરંતુ નિર્મળામાસી કહે આપણે સંસ્કાર જોવાના, નાતજાત જોવાની નથી. સમાજને જે કહેવું હોય તે કહે મને બીક નથી. અને મારા દીકરાને એ છોકરી ગમે છે એટલે હવે ચર્ચાને કોઈ અવકાશ નથી.

‘અરે નિમું સમાજ શું કહેશે એ તો જરા વિચાર ?’

‘સમાજને જે કહેવું હોય તે કહે, હું ડરતી નથી. અને સમાજની બીકે હું મારા છોકરાની ઈચ્છાનું ગળું નહિ દબાવું.’ માસીએ કહ્યું.

રમણમાસા નિર્મળામાસીને બહુ જ ચાહતા, આદર આપતાં અને એમની કોઈ વાત ઉથાપતા નહિ. બસ લગ્ન થઇ ગયું. ઘરમાં આનંદ આનંદ થઇ રહ્યો. થોડો વખત સમાજમાં ઉહાપોહ થયો પણ ધીમે ધીમે બધું શાંત થઇ ગયું.

નિશાને ખોળે પહેલાં દીકરી અવતરી અને બીજાં ત્રણ વર્ષ પછી દીકરો. પરિવાર માટે ખુશાલીના દિવસો હતાં.

માસાએ પછી માસીની નોકરી છોડાવી દીધી. માસીએ જીવનમાં ખુબ સંઘર્ષ કર્યો હતો. ઘર સંભાળવાનું, નોકરી કરવાની, નાઈટડ્યુટી પણ આવે. મયુરને અને માસાને સાચવવાના. મયુરના અભ્યાસનું ધ્યાન રાખવાનું. એ બધું માસીએ હસતા હસતાં કર્યું હતું. માસા પણ ડોક્ટર હતા ને એક જ વ્યવસાયમાં હોવાને કારણે એકબીજાને બરાબર સમજતાં હતાં. માસાને એ સંઘર્ષના દિવસો યાદ હતા. એટલે એ ઇચ્છતા હતા કે માસીને આરામ મળે અને એ ઘરે હોય તો બાળકો પણ સચવાય. બંને બાળકો માસીને એટલાં વ્હાલાં કે ઘડીક પણ એકલાં ન મુકે. સમયસર જગાડે, નવડાવે – તૈયાર કરે, જમાડે, સ્કુલ મુકવા - લેવા જાય અને એમાં જ એમનો દિવસ પસાર થાય.

બધું સરસ ચાલતું હતું પરંતુ આ સુખી પરિવારને કોઈની નજર લાગી ગઈ. એક રાતે બે વાગે રમણમાસાને એટેક આવી ગયો. માસીએ મયુરને બુમ પાડી, તાત્કાલિક સારવાર શરુ કરી, એમ્બ્યુલંસ બોલાવી પરંતુ તે પહેલાં તો માસાએ દેહ મૂકી દીધો. બધાંને બહુ આઘાત લાગ્યો. રમણમાસાનું શરીર એકદમ સરસ. કદી તાવ પણ આવ્યો નહોતો કે કદી માથું નહોતું દુખ્યું, નખમાં ય રોગ નહોતો અને સાવ અચાનક જ ચાલી નીકળ્યા.

માસીએ આ દુઃખને બહાદુરીથી સ્વીકાર્યું. રમણમાસા પાછળ થાય તેટલું દાનપુણ્ય કર્યું. હું જયારે એમને મળવા જાઉં ત્યારે માસાની જ વાતો કરે. કેવી રીતે એમનું લગ્ન થયું હતું, કેવી રીતે મહેનત કરીને આગળ આવ્યા, માસાને જમવામાં શું ભાવે...વગેરે વગેરે..એમની વાતો ખૂટે નહિ. વાત કરતાં કરતાં આંખમાંથી આંસુ સર્યા કરે.

‘પકલા, તારા માસાને પાછલા દિવસોમાં કોઈ ગામડામાં જઈ સેવા કરવાનું બહુ મન હતું. કહેતા ‘નિમું, ભગવાને આપણને બધું જ આપ્યું છે. આ સમાજે પણ કેટલું આપ્યું છે. હવે એ પાછું વાળવાનો સમય છે. આપણા બાળકો સરસ ગોઠવાઈ ગયાં છે. ગરીબ માણસો સારવાર કરાવવા આવે છે ત્યારે મારું હૃદય દ્રવી જાય છે. આ લોકો જો કેટલીક સામાન્ય કાળજી રાખે તો અનેક રોગોથી બચી શકે. આવતાં વર્ષે નિવૃત્તિ લઇ લઈએ અને સેવામાં શેષ જીવન પસાર કરીએ.’

આવતું વર્ષ આવ્યું જ નહિ. માસી એકલાં પડી ગયાં. દીકરો, વહુ અને બાળકો હતાં પરંતુ પોતાનું માણસ હવે નહોતું. માસા હતા ત્યારે માસીની બહુ કાળજી લેતાં. માસી માટે જાતભાતની સાડીઓ, ઘરેણા લઇ આવતા. માસી ના પાડે ‘અરે શું કામ લાવો છો આ બધું ? મારા પહેરવા ઓઢવાના દિવસો પુરા થયાં હવે તો વહુના દિવસો છે.’ માસા હસી પડતા ‘જો તને કહું. કાયમ મસ્તીમાં જ રહેવાનું. ખાવાપીવાનું, ઓઢવાપહેરવાનું. જુનો જમાનો ગયો. માન કે કાલે ઉઠીને મને કંઈ થઇ જાય તો પણ ચાંદલો કરવાનો, સરસ તૈયાર થવાનું, પહેરવા ઓઢવાનું, ભરપુર જીવવાનું. જૂના રીતરીવાજોમાં નહિ માનવાનું સમજી ?’

માસી ગુસ્સો કરતાં. ‘આવું શું બોલતાં હશો...’

માસા કહેતા ‘અરે સો વરસ જીવવાનો છું ચિંતા ન કર...’

માસી નિસાસો નાખતાં. ક્યારેક બેઠાંબેઠાં ઊંડા વિચારમાં ઉતરી જતાં. આસપાસનું કઈ ભાન જ ન રહેતું. માસા વિનાના માસી સુકાવા લાગ્યા હતા. માસા ગુજરી ગયા પછી માસીએ માસાની ઈચ્છા પ્રમાણે સમાજના રીતરિવાજ મુજબ મુંડન ન કરાવ્યું. પહેલાં રાખતાં હતાં એમ જ બોબ્ડ હેર રાખતાં. માસા હતા ત્યારે કરતાં એવી જ મોટી બિંદી કરતાં. સમાજમાં બહુ ટીકા થઇ. વહુને આ બહુ આકરું લાગ્યું. એણે મયુરને કહ્યું ‘આ બધું સારું નથી લાગતું. સમાજમાં બહુ ટીકા થાય છે. મારા મમ્મી-પપ્પાને લોકો ટોણા મારે છે. તમે તમારી મમ્મીને કૈક કહો’

મયુરે પાસે બેસીને માસીને સમજાવતાં એ બધું કહ્યું તો માસીએ રોકડું પરખાવ્યું ‘તારા પપ્પાની આ જ ઈચ્છા હતી અને હું એ પ્રમાણે જ રહીશ. મારા વરની ઈચ્છા જ મારે માટે સર્વોપરી. સમાજને જે કહેવું હોય તે ભલે કહે. તમને ન ગમતું હોય તો કહો ક્યાંક બીજે રહેવા ચાલી જઈશ’ મયુરને ચિંતા થઇ કે મમ્મી ચાલી જશે તો બાળકોને કોણ રાખશે ? એ ચુપચાપ ઉભો થઈને ચાલ્યો ગયો અને નિશાને કહ્યું ‘મમ્મી સાથે બહુ માથાકૂટ ના કરીશ’. પરંતુ નિશાનું માસી પ્રત્યેનું વલણ બદલાઈ ગયું. માસીને વાતે વાતે ટોણા મરતી, ગુસ્સો કરતી.

માસાને સ્વર્ગવાસને પાંચેક વર્ષ થવા આવ્યા. છોકરાઓ ઠીક ઠીક મોટા થઇ ગયા હતાં. તોફાની પણ બહુ જ હતાં. રોજ કશુંક તોડ્યું ફોડ્યું હોય. માસીને બાળકો ખુબ વ્હાલાં એટલે ખાસ કઈ કહે નહિ. સાંજે નિશા અને મયુર આવે એટલે પારાયણ શરુ થાય. નિશા ક્યારેક ગુસ્સામાં માસીને ખખડાવી નાખતી. ‘તમારાં લાડને કારણે જ છોકરાં બગડ્યા છે.’ માસી સાંભળી લેતાં અને ચુપચાપ સહન કરી લેતા. રવિવારે માસીને જરા શાંતિ રહેતી. રવિવારે મયુર પત્ની અને બાળકોને લઈને એની સાસરીમાં જતો. ઘરમાં કોઈ ન હોય. માસીને સવારે ગણેશજીના મંદિરે જવું હોય. મંદિર થોડું દુર હતું. માસીને હું લઇ જાઉં અને પાછાં ઘેર મૂકી જાઉં. ઘણીવાર હું અને માસી મંદિર બહાર લારી પર આઈસ્ક્રીમ કે વડાપાઉં ખાઈએ. ઘેર તો માસીને આવું ખાવા ન મળે. ઘરમાં આઈસ્ક્રીમ હોય પણ નિશા કપ ગણીને ગઈ હોય. માસીથી ક્યાંય અડાય નહિ.

તો ટૂંકમાં માસીને રવિવારે થોડી મોકળાશ મળતી. માસીને મોબાઈલ રીચાર્જ કરાવવો હોય કે અન્ય કોઈ કામ હોય તો મને જ કહે. મયુરને કશું કહેવાનું એમને ગમતું નહોતું..

એક દિવસે તો નિશાએ છુટ્ટો ગ્લાસ માસીના માથામાં માર્યો. માસીના માથામાં ઢીમચું ઉપસી આવ્યું. વાત એમ બની હતી કે સાંજે પાર્કમાં રમતાં રમતાં મયુરનો દીકરો પડી ગયો હતો અને એના ઢીચણ છોલાઈ ગયાં હતાં. ‘છોકરાઓનું કશું ધ્યાન રાખતાં નથી. તમારું ધ્યાન ક્યાં હોય છે ? આખો દિવસ બસ ફૂલફટાક થઈને ફરવા સિવાય બીજું કશું આવડે છે ખરું ? બે છોકરાં સચવાતાં નથી ?’

‘હું શું કરું ? મને ઢીચણ દુખે છે. હું એમની પાછળ દોડી શક્તિ નથી. બાળકો રમતાં રમતાં પડી પણ જાય. મેં તરત એને પાટો બાંધી દીધો હતો. કઈ ખાસ ઈજા નથી થઇ. અને હા, જો તમને એમ લાગતું હોય કે મારાથી નથી સચવાતા તો તમે સંભાળ રાખો. હું કૈં તમારી નોકર નથી સમજ્યા ?’ માસીએ કહ્યું અને નિશાનો પિત્તો ગયો. છુટ્ટો ગ્લાસ માસીના કપાળમાં.

બીજે દિવસે માસી મારી પાસે બહુ રડ્યા. ‘ત્રાસી ગઈ છું બેટા. નિશા મને સાવ ધૂળની કરી નાખે છે. થાય છે કે આત્મ હત્યા કરી લઉં.’ મેં માસીને બહુ સમજાવ્યા. મારા ઘરે લઇ ગયો, બે દિવસ રાખ્યાં. પછી મયુર આવીને લઇ ગયો. કહે કે ‘બાળકોને આખો દિવસ બીજું કોણ રાખે ?’

હું ઘણીવાર માસીને મારે ઘેર લઇ જતો. મારી મમ્મી અને મારી વાઈફ એમને સરસ રીતે રાખતાં. માસીને પણ મારે ઘેર બહુ ગમતું.

પરંતુ એ ઘટના પછી મેં જોયું કે માસીના વર્તનમાં અચાનક પરિવર્તન આવવા લાગ્યું. ખુશ રહેવા લાગ્યા. અને તક જોઈને માસી ગાયબ થઇ ગયાં

બીજે દિવસે બપોરે મયુર આવ્યો. ‘પકલા, પોલીસે બોલાવ્યો છે.’

‘માસીના સગડ મળ્યા ?’

‘ખબર નહિ. મેં પણ કહે કે પોલીસ સ્ટેશન આવો પછી વાત કરીએ.’

હું ઝટપટ તૈયાર થઇ એની સાથે કારમાં બેઠો. અમે બંને પોલીસ સ્ટેશન પહોચ્યા. પી.એસ આઈ ખુરસીમાં માંડ માંડ એમની ફાંદ ગોઠવીને બેઠા હતા.

‘ભાગી જનાર સ્ત્રી તમારે શું થાય?

‘સાહેબ મારા મમ્મી થાય. મેં ફરિયાદ લખાવી હતી તેમાં જણાવ્યું છે.’

‘જુઓ અમે તપાસ કરી. તમારી મમ્મી અમદાવાદમાં છે. મોબાઈલ નંબરથી ટ્રેસ થયાં. કોઈ ડૉ.મિનેશ શાહ છે, એક એન.જી.ઓ ચલાવે છે. એમની સાથે એમણે સિવિલ મેરેજ કર્યા છે. એ હવે એમની સાથે જ રહેવા માંગે છે.’

મયુર તો કાપો તો લોહી ન નીકળે એવો થઇ ગયો. ‘મિનેશભાઇ તો મારા પપ્પાના મિત્ર. મારા પપ્પા રાજકોટ નોકરી કરતાં હતા ત્યારે સાથે હતા’. ગળગળા અવાજે માંડ એટલું બોલ્યો.

‘તખુભા, આ ભાઈને એમની મમ્મીનું એડ્રેસ આપો’

તખુભાએ એક કાગળમાં મયુરને એડ્રેસ આપ્યું અને એક રજીસ્ટરમાં સહી કરાવી. અમે બંને બહાર નીકળ્યા. મયુર સ્તબ્ધ થઇ ગયો હતો.

‘પકલા મમ્મીને આ શું સુજ્યું ?’

‘હવે જે થયું તે ચુપ જ રહેવાનું, લાંબી ચર્ચા નહિ કરવાની. આપણી જ આબરૂ જાય. જા ઘરે જઈને નિશાભાભીને જાણ કર.’ મેં એનો વાંસો પસવારતાં કહ્યું. એ એની કારમાં બેઠો. કાર સ્ટાર્ટ કરતાં કહે’: ‘પકલા, જે થયું તે. પણ કોઈને કહેતો નહિ હો ? અરે એને એમ નહિ થયું હોય કે મારા દીકરાની આબરુનું શું થશે ? એ સમાજમાં કોઈને મોઢું દેખાડી નહિ શકે ?’

‘અરે તું જે થયું તે થઇ ગયું. આપણે હવે કશું કરી શકીએ તેમ નથી. ચુપ જ રહેવાનું જાણે કશું જાણતા જ નથી’’

‘ઠીક છે. એમ જ કરીશું. પણ હા, હવે બાળકોને સાચવવા માટે એક સારી આયા શોધવી પડશે.’

‘તું એની ચિંતા છોડ એ તો હું શોધી આપીશ’.

મયુર ચાલ્યો ગયો. એ ભૂલી ગયો કે અમે સાથે આવ્યા હતા અને હું વાહન લીધા વિના આવ્યો હતો.

હું રીક્ષાની રાહ જોતો હતો ત્યાં જેન્તી નીકળ્યો.

‘કેમ અહી’?

‘થોડું કામ હતું. પીએસઆઈનું કોમ્યુટર બગડ્યું હતું’.

‘બાઈક લીધા વગર આવ્યો છે ?’

‘બાઈક જરા બગડ્યું છે એટલે રિક્ષામાં આવ્યો હતો’

‘ચાલ બેસી જા ઘરે મૂકી દઉં’

હું જેન્તીની બાઈક પર બેઠો.

‘બે દિવસ પહેલાં તું મેરેજ રજીસ્ટ્રારની ઓફિસમાં શું કરતો તો ? બીજાં લગન-બગન કરવાનો છે કે શું ?”

હું ચમક્યો. ‘અરે ના ભાઈ ના., ત્યાં દસ કોમ્પ્યુટર જોઈએ છે. ટેન્ડર આપવા ગયો હતો’

‘ભાઈ તારે ધંધો સારો ચાલે છે.’

‘હા, માતાજીની દયા છે’

જેન્તી મને ઘર પાસે ઉતારીને ચાલ્યો ગયો.

મને થયું કે જેન્તીડાને વહેમ તો નૈ ગયો હોય ? પડ્યો હોય તોય હવે શું કરી લેશે ?

ઘરમાં જઈને બેઠો ત્યાં ફોન આવ્યો. જોયું તો માસીનો મેસેજ હતો. ‘થેંક યુ. ગોડ બ્લેસ યુ.’

મેં માસીને ફોન કર્યો ‘ માસી કેમ છો ? બધું બરાબર ?’

‘હા, મજામાં. કેમ છે ત્યાં બધું ? તું બધું સાચવી લેજે’ માસીએ પ્રેમાળ અવાજે કહ્યું. ‘ આવતા અઠવાડીએ અમે અમેરિકા જઈએ છીએ. અમારી દીકરીનો બહુ આગ્રહ છે. કાલે જ એનો વિડીયો કોલ હતો. બહુ જ રાજી છે. કહેતી હતી કે ‘મમ્મી થેન્કયુ. મારા પપ્પા મારી મમ્મીના અવસાન પછી બહુ એકલાં પડી ગયા હતા. મમ્મી થેંકયુ. આઈ લવ યુ. તમે પહેલાં અમારી પાસે અમેરિકા આવો. થોડાં દિવસ અહી અમારી પાસે રહીને તમારે સ્વીત્ઝર્લેન્ડ જવાનું છે. તમારી ટિકિટ બુક થઇ ગઈ. છે.’ પકલા, તારો ઉપકાર કદી નહિ ભૂલું. બેટા મારા વતી ગણપતિદાદાને એક શ્રીફળ વધેરી આવજે. તું ખુબ સુખી થા એવાં આશીર્વાદ. અમે અમેરિકા જઈએ એ પહેલાં અમને મળવા આવજે’

‘જી જરૂર આવીશ. માસી તમે સાચવજો.’

‘બેટા, તું મારી જરા પણ ચિંતા ન કરીશ. અને હા જો મયુરને કહેજે કે મારાં ડેસ્કના ખાનામાં પાવર ઓફ એટર્ની એના નામે કરીને આવી છું તેનો કાગળ પડ્યો છે. મકાનનો દસ્તાવેજ, તારા માસાની ફિક્સડિપોઝીટના પેપર, બેંક લોકરની ચાવી બધું મુક્યું છે. એને કહેજે મારે કશું જોઈતું નથી’. એટલું કહી થોડીવાર બોલી ન શક્યા.

‘માસી, યુ આર ગ્રેટ...બ્રેવ. ‘

‘બેટા મારાં બંને બાળકોને સાચવજે હો કે’ એટલું કહી ફોન મૂકી દીધો. ફોન મુક્યા પછી પણ જરૂર રડ્યા હશે. મારી આંખ પણ ભીંજાઈ ગઈ, ખુશીને કારણે.

મયુરને સમાજની બીક છે. એને થાય છે કે લોકો શું કહેશે ? મને કહેતો હતો કે કોઈને કહીશ નહિ. મને થાય છે શા માટે ન કહું ? શા માટે ના કહું કે એક વિધવા સ્ત્રીએ સાહસ કરી પોતાની મરજી પ્રમાણે જીવવાનું પસંદ કર્યું છે.....હું તો કહીશ...તમે પણ કહેજો...’

*