Discovery - the story of rebirth - 5 books and stories free download online pdf in Gujarati

શોધ – પુર્નજન્મની ગાથા - ૫

ગઢ ચારેકોરથી શણગારવામાં આવેલો. પ્રજા, રાજા અને સૈનિકોની પ્રતીક્ષામાં હતી. યુદ્ધના વિજયના કારણે શહેરમાં વિજયોત્સવની તૈયારીઓ ચાલી રહી હતી. રાજાના શાસન હેઠળ પ્રજાનું જીવન ખુશખુશાલ પસાર થઇ રહ્યું હતું. રાજાએ ઘણાં ખરા આસપાસના વિસ્તારો પોતાના તાબા હેઠળ જીતી લીધા હતા. રાજા તેમના સૈનિકો સાથે ગઢ તરફ તીવ્ર ગતિથી આવી રહ્યા હતા. રાજાના શહેરના દ્વાર પર આવતાંની સાથે જ તેમની જય-જયકાર થવા લાગી. ઘોડાની ચાલ ધીમી પડી. પ્રજાનું અભિવાદન સ્વીકારવામાં રાજા વ્યસ્ત થયા. પ્રજામાં પણ હર્ષોલ્લાસની લાગણીઓના દરિયાની ભરતીઓ આવી રહી હતી. રાજા તે ગઢ જીતીને આવ્યા હતા, જેના કારણે વ્યાપારીક ર્દષ્ટિએ ઘણો ફાયદો થવાનો હતો. માર્ગમાં ઊભેલી પ્રજા અને મકાનોમાં પહેલા માળે અગાશીમાં ઊભેલી પ્રજા ફૂલોનો વરસાદ કરી રહી હતી. રાજાનું ધ્યાન તેમાંની જ એક અગાશી પર ગયું. અત્યંત આકર્ષક આંખો ધરાવતી સ્રી, ચહેરાને જમણા હાથમાં રાખેલા વસ્ત્રથી ઢાંકી, ડાબા હાથથી ફૂલો વરસાવી રહેલી. વાયુદેવની ગતિ વધવા લાગી. પવનના જોર સામે ચહેરા પર ઢાંકેલું વસ્ત્ર ટકી શક્યું નહિ અને હાથમાંથી સરકી ગયું. વસ્ત્ર ખસતાંની સાથે જ રાજા તે સ્ત્રીનો ચહેરો નિહાળી શક્યા.

‘શ્વેતા..આ...આ...’, ઇશાન ઊંઘમાંથી જાગ્યો.

તુરત જ નીરજ ડ્રોઇંગ રૂમમાંથી દોડીને આવ્યો, ‘શું થયું?’

નીરજ, ઇશાનના ઘરે જ રોકાઇ ગયેલો. ઇશાન દ્વારા શ્વેતાના નામની બૂમ સાંભળી, તે ઝડપથી ઇશાન પાસે આવી ગયો. ઇશાનનો ચહેરો પરસેવાથી છવાઇ ગયેલો. એ.સી. રૂમમાં પણ તેની ટી-શર્ટ પલળી ચૂકેલી. તેણે બન્ને હાથ કપાળ પર મૂક્યા અને આંખો બંધ કરી થોડી વાર તે જ અવસ્થામાં બેસી રહ્યો.

‘શ્વેતાને સપનામાં જોઇ...’,ઇશાને આંગળીઓને વાળમાંથી પસાર કરી, વાળ ઉપરની તરફ કર્યા.

‘હા...તો... એમાં શું? તું તેને પ્રેમ જ એટલો કરે છે અને વળી આખો દિવસ આજે તેની ચિંતામાં ગયો... તેની યાદમાં સપનામાં તેને જોઇ. તો શું?’, નીરજ ગુસ્સે થયો.

‘અરે... એમ નહિ દોસ્ત. મને જે સપનાં આવી રહ્યા હતા ને, રાજાના.... તેમાં મેં હંમેશા મને ગોળી વાગતાં જ જોયું છે. પરંતુ આજે પહેલી વાર મેં શહેર જોયું. પ્રજા જોઇ. ફૂલોથી સત્કાર જોયો. અભિવાદન જોયું અને...,’ ઇશાને વિસ્તારપૂર્વક સપનું જણાવવાની શરૂઆત કરી.

‘અને...’, નીરજથી રહેવાયું નહિ.

‘અને... અને... શ્વેતાને જોઇ...’, ઇશાને વાત પૂરી કરી.

‘હે... ભગવાન! તારા રાજાના સપનામાં શ્વેતા ક્યાંથી આવી?’, નીરજે ડાબો હાથ પોતાના કપાળ પર માર્યો.

‘સાચું કહું છું. પ્રજામાં મારા પર ફૂલો વરસાવનાર એક સ્ત્રી...અગાશી પર ઊભેલી...એક સ્ત્રી... શ્વેતા જેવી જ મારકણી આંખો ધરાવતી એક સ્ત્રી...અને વસ્ત્ર ઉડ્યું અને તે સ્ત્રી એટલે શ્વેતા...શ્વેતા... નીરજ...શ્વેતા..’, ઇશાને નીરજ સામે જોયું.

‘હા, સારૂં. તે શ્વેતા જ હતી. પણ તને આવા સપના કેમ આવે છે?’, નીરજે એ.સી.નું તાપમાન થોડું ઘટાડ્યું.

‘ખબર નથી. પણ થોડા મહિનાઓથી જ આ ઘટનાઓ વધી રહી છે.’, ઇશાને રીમોટ લઇને એ.સી.નું તાપમાન હતું તેટલું જ કરી નાંખ્યું.

‘આપણે કાલે સવારે કોઇ સારા મનોચિકિત્સકને બતાવીએ તો કેવું?’

‘એટલે...તું મને ગાંડો ગણે છે?’

‘ના...હવે, પણ જાણીએ તો ખરી આવા એક જ પ્રકારના સપનાઓ આવવાનું કારણ શું છે?’, નીરજે ઇશાનને આરામ કરવાનો ઇશારો કરી રૂમના દરાવાજા પાસે જતાં જતાં વાત કરી.

‘સારૂં...તારી ઇચ્છા મુજબ જ કરીશું.’ ઇશાને મોળો પ્રતિસાદ આપ્યો.

‘શુભરાત્રી...’ નીરજે દરાવાજો બંધ કરી દીધો.

*****

બીજા દિવસે સવારે

‘નીરજ...નીરજ...ચાલ હવે. ઘણો આરામ કરી લીધો.’

ઇશાનને આવેલા સપનાના કારણે તેની ઊંઘ પૂરી થઇ શકી નહિ. જ્યારે ડ્રોઇંગ રૂમમાં નીરજ આરામથી ઊંઘ પૂરી કરી રહ્યો હતો. તે જોઇ ઇશાને તેને ઉઠાડવાનો પ્રયાસ કર્યો.

‘હા...ભાઇ! કેટલા વાગ્યા?’

‘૦૮:૩૦’

‘માફ કરજે. કાલના થાકના કારણે...’, નીરજે ટીપોઇ પર પડેલા તેના ફોન તરફ હાથ લંબાવ્યો.

‘માફ કર્યો. ચાલ હવે...તારે નોકરીએ નથી જવાનું’, ઇશાને ફોન નીરજને આપ્યો.

‘ના...આપણે પહેલાં પોલીસ સ્ટેશન જઇશું. શ્વેતાના અપહરણની જાણ કરવા.’, નીરજે ફોનની બેટરી ઓછી હોવાને કારણે ચાર્જ કરવા મૂક્યો.

‘ના... કોઇ પોલીસને જાણ કરવાની નથી. હું મારી નોકરી પર જવું છું. પંદર દિવસ તો આમ જતા રહેશે. તું પણ નોકરીએ જા. સાંજે મળીશું.’, ઇશાને આટલું બોલતાં બોલતાં જ ઘરની ચાવી નીરજના હાથમાં આપી અને તે નોકરીએ જવા નીકળી ગયો.

ઇશાનના નીકળ્યાને અર્ધા કલાક જેવું થયું.

‘કામ કેટલે પહોંચ્યું? તેને કંઇ ખબર તો નથી પડીને?’

નીરજના ફોન પર અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. હજી તો સામેની તરફથી પહેલો સવાલ જ હતો. નીરજે કોઇ જવાબ આપ્યો નહિ. તેણે ફોન કાપી નાંખ્યો. તે ઇશાનના ઘરે જ હતો. ઇશાનના ઘરના ખૂણેખૂણાની તપાસ કરી રહેલો. નીરજે બેડરૂમના પ્રત્યેક કબાટને ખંખોળી નાંખ્યા. પેટી-પલંગ પરથી ગાદલાને ખસેડી અંદર રાખેલા દરેક સામાનને તપાસી લીધેલો. ડ્રોઇંગ રૂમના દરેક કબાટના હરેક ખાના, બધા જ પ્રકારના કાગળો, દસ્તાવેજો, ફાઇલ, પરંતુ ક્શું જ હાથે લાગ્યું નહોતું. રસોડામાં પણ તપાસ કરી લીધી.

‘શું કરે છે? ત્યાંથી નીકળી જા. હવે, સમય થઇ ગયો છે?’, ફરી નીરજના ફોન પર અજાણ્યા નંબરથી ફોન આવ્યો અને તેના કાને આટલા જ શબ્દો પડ્યા.

‘હા...ફોન મૂકો. મને ખબર છે મારે શું કરવાનું છે અને શું કરવું જોઇએ?’., નીરજે ગુસ્સામાં ફોન કાપી નાંખ્યો અને સોફા પર બેસી ગયો. આટલી બધી મહેનત કરવાને કારણે પરસેવાથી લથપથ થઇ ગયો હતો. કશું જ ન મળવાને કારણે તે કંટાળ્યો હતો.

*****

સાંજે ઇશાન ઘરે પાછો ફર્યો. ઘરનો દરવાજો ખુલ્લો જ હતો. તેણે દરવાજાને ઝરાક ધક્કો મારીને પૂરો ખોલ્યો. નીરજ સોફા પર લંબાવીને આરામ ફરમાવી રહેલો. ઘર એકદમ ચોખ્ખું અને બધું જ વ્યવસ્થિત ગોઠવાયેલું નિહાળ્યું. ઇશાને ઘરમાં ચોતરફ નજર ઘુમાવી. નીરજ ઇશાનને જોઇ સોફા પર બેઠો થયો. ઇશાને ખભા પર ટીંગાળેલ બેગ ટીપોઇ પર મૂક્યું અને સોફા પર બેઠો.

‘તું આજે નોકરીએ ગયો નહિ?’, ઇશાને પાણીની બોટલનું ઢાંકળું ખોલ્યું.

‘ના, પણ આજે મેં આરામ કર્યો?’

‘ખૂબ સરસ.’

‘અરે...હા, હું જ્યારે ફોનનું ચાર્જર શોધતો હતો ત્યારે મને આ દવાની ડબ્બી મળી.’, નીરજે ડબ્બી ઇશાનને દેખાડી.

‘હા, તે મારી દવા છે.’, ઇશાને ડબ્બી નીરજના હાથમાંથી ઝડપી લીધી.

‘હં... વેલબુટ્રીન...એટલે કે બુપ્રોપિઓન....આ તો ડીપ્રેશનની દવા છે.’, નીરજે ફોન પર શોધેલી માહિતી ઇશાન સામે મૂકી.

‘હા... ખાસ કરીને આઇ.ટી. સેક્ટરમાં કામ કરતા લોકો ડીપ્રેશનનો ભોગ બનતા હોય છે. હું પાછો ડેટા એનાલીસ્ટ... આખો દિવસ બસ સ્ક્રીનની સામે જોયા કરવાનું અને એનાલીસીસ કર્યા કરવાનું... એટલે ડીપ્રેશનનો શિકાર ઝડપથી બની જવાય.’, ઇશાને ડબ્બીમાંથી એક ગોળી કાઢીને ગળી.

‘એમાં કંઇ દવા થોડી લેવાની હોય... મેડીટેશન...યોગ વગેરે પણ છે ને.’

‘એટલો સમય જ ક્યાં હોય છે?’, ઇશાને ત્વરાથી જવાબ આપ્યો.

‘તને ખબર છે...આ દવાની આડઅસરોમાંની એક છે અસામાન્ય સપના આવવા. જે તને આવે છે.’, નીરજે ઇશાન પાસેથી ડબ્બી લઇ લીધી, ‘તને આ વિચિત્ર સપના આવવાનું કારણ આ દવા જ છે. તેનું નિયમિત સેવન માનસિક સ્વસ્થતાને પણ અસર પહોંચાડે છે. તારી ત્વચા જો, કોઇ તેજ રહ્યું નથી. ખોરાક બરોબર લઇ નથી શકતો. આ નોકરી અને દવા તારો જીવ લઇને જ જંપશે.’

ઇશાન થોડી વર ચૂપચાપ બેસી રહ્યો. તેણે નીરજની વાત પર ધ્યાન આપ્યું અને વિચારોમાં ખોવાઇ ગયો. ‘શું ખરેખર આ દવાને લીધે મારા હાલ આવા છે? શું હું એટલો બધો નિસ્તેજ બની ગયો છું? તો પછી શ્વેતા તો મારી પાસે હોવી જોઇએ ને, એ ક્યાં છે? ખરેખર શ્વેતા છે કે તે પણ એક સપનું છે?’

‘એક મિનિટ, નીરજ...તું ક્યારે આવ્યો?’, ઇશાને નીરજ સામે જોયું.

‘હમણાં જ, તું ઘરે આવ્યો તેના થોડા સમય પહેલા. તને કહ્યું તો ખરી કે, મારા ફોનની બેટરી ઓછી હતી એટલે હું ચાર્જર શોધતો હતો ને આ ડબ્બી મળી.’, નીરજે ડબ્બી ખાનામાં મૂકી.

‘તું કાલે તો મારી સાથે હતો ને...’

‘શું વાત કરે છે? હું તો આજે જ બેંગલોરથી આવ્યો છું. તો કાલે તારી સાથે કેવી રીતે હોઇ શકું?’, નીરજ ઇશાનની પાસે આવીને સોફા પર બેઠો.

‘અરે...ભૂલી ગયો. આપણે કાલે શ્વેતાને શોધવા ગયા હતા. મેં તને રેકોર્ડીંગ સંભળાવ્યું હતું. તેનું એક્ટિવા આપણને મળ્યું હતું. તેનું અપહરણ થયું છે...’, ઇશાને નીરજને ટપલી મારી.

‘કોણ શ્વેતા...? કોની વાત કરે છે?’, નીરજે વાળ સરખા કર્યા.

‘તારી ભાભી...’

‘મારી ભાભી...શ્વેતા... તે લગ્ન ક્યારે કર્યા?’, નીરજે આશ્ચર્ય વ્યક્ત કર્યું.

‘એક દિવસમાં તું બધું ભૂલી ગયો લાગે છે.’, ઇશાને ફોનમાં શ્વેતાનો ફોટો શોધવાનો પ્રયત્ન કર્યો, ‘શ્વેતાનો ફોટો મળે એટલે તને બતાવું.’

‘નહિ મળે. કારણ કે કોઇ શ્વેતા છે જ નહિ. આ દવાની આડઅસર છે દોસ્ત... તું બને તેટલા વહેલા આ દવા બંધ કરી દે. તારા માટે સારૂ રહેશે.’, નીરજ ઇશાનને વિશ્વાસ અપાવવા લાગ્યો કે શ્વેતા તેનો વહેમ હતો.

ઇશાને ઘર ચકાસ્યું. તેને કોઇ પણ જગાએ શ્વેતાનો ફોટો દેખાયો નહિ. તેનો અને નીરજનો સાથે એક જ ફોટો, ટી.વી. ના કેબીનેટની ઉપર મૂકેલો નિહાળ્યો.

‘હોઇ શકે. મારી આંખો ઘેરાઇ રહી છે. હું બેડરૂમમાં...’, ઇશાનની આંખો આટલું કહેતાંની સાથે જ ઢળી પડી.

નીરજ તેને ટેકો આપી બેડરૂમમાં સુવડાવી આવ્યો. ડ્રોઇંગરૂમમાં આવતાંની સાથે તેણે ઇશાનની બેગ તપાસવાની શરૂ કરી. પરંતુ બેગમાં પણ કોઇ જાણકારી મળી નહિ.

એટલામાં જ નીરજનો ફોન રણક્યો. નીરજે ફોન ઉપાડ્યો અને સામેથી ફરી તે જ સવાલ આવ્યો,‘કામ પત્યું?’

આ વખતે નીરજનો આત્મવિશ્વાસ વધ્યો હતો અને તેણે જણાવ્યું, ‘હા, ઇશાનને વિશ્વાસ થવા લાગ્યો છે કે તે જે કંઇ પણ વિચારે છે અથવા અનુભવ કરે છે તે બુપ્રોપિઓનની આડઅસર છે.’

‘સરસ. તો હવે આપણુ કામ સરળ બની ગયું.’

‘હા... પરંતુ ઘરમાંથી કે તેની બેગમાંથી કંઇ પણ એવું અજુગતું મળ્યું નથી કે જેના પરથી આપણે તારણ કાઢી શકીએ કે ઇશાન તેની વાસ્તવિકતા વિષે જાણી ચૂક્યો છે.’, નીરજે તેનું અનુમાન જણાવ્યું.

‘ભલે...પણ આપણે કોઇ ગફલત થવા દેવા માંગતા નથી.’

‘ઠીક છે, સાહેબ! હવે આગળ શું કરવાનું છે?’, નીરજે પૂછ્યું.

‘આગળ... મારા ફોનની પ્રતીક્ષા કરો.’, ફોન કપાઇ ગયો.

*****