Blood of Lover books and stories free download online pdf in Gujarati

બ્લડ ઓફ લવર ( પ્રેત રોમાન્સ કથા)

II બ્લડ ઓફ લવર્સ II

( પ્રેત રોમાન્સ કથા)

વિભાવરી વર્મા

“ક્યાં સુધી ?..... ક્યાં સુધી આમ પ્રેત બનીને આપણે એકબીજાને પ્રેમ કરતાં રહીશું ?”

શહેરથી દૂર એક ઉજ્જડ ટેકરીની ટોચે, સૂકાઈને સાવ જાળાં જેવું બની ગયેલું એક વૃક્ષ છે. વૃક્ષના વિશાળ થડને વીંટળાઈને જે દોરડાં જેવી વેલો છેક ઉપર સુધી ચડેલી હતી એ પણ સૂકાઈ ગઈ છે. નામ વિનાના આ રહસ્યમય વૃક્ષના મોટાં મોટાં પાદડાં પણ એટલી હદે સૂકાઈ ગયા છે કે પાંદડાની નસેનસ જોઈ શકાય.

એ વૃક્ષની ડાળી ઉપર બે પ્રેત બેઠાં છે. એક નરપિશાચ છે જે પ્રેતયોનિમાં ‘વીરભદ્ર’ નામે ઓળખાય છે. બીજી ચૂડેલ છે જે અતિશય સુંદર અને મારકણી ભૂરી આંખોવાળી હોવાથી ‘મૃગનયની’ તરીકે ઓળખાય છે.

ટેકરીની નીચે, દૂર તળેટીમાં, શહેરના છેડે આવેલા સ્મશાનમાં એકલી અટૂલી એક લાશની ચિતા બળી રહી છે. તેમાંથી ઊંચે ઊઠતી ધૂમ્રસેર અમાસની રાતે ચમકતા તારાઓના પ્રકાશને ક્ષણ બે ક્ષણ માટે ધૂંધળો કરી રહી છે.

“ક્યાં સુધી વીરભદ્ર ?” મૃગનયનીએ ઉદાસ આંખો વડે નરપિશાચની ઊંડી છતાં ભાવવાહી આંખોમાં એકીટશે જોઈ રહેતાં કહ્યું “આ ફરજિયાતપણે સ્વીકારી લીધેલો અંધકાર… આ ચામાચિડીયાઓની ચિચિયારીઓ, આ કરોળિયાનાં જાળામાં ફસાયેલી માખીઓની ગણગણાટી, આ મડદાં ચીરીને તેનું ગોશ્ત ચાવી જતાં વરુઓ, આખી રાત સંભળાયા કરતી શિયાળવાંની લાળીઓ, માનવીનો શિકાર ન મળે તે રાત્રે માસૂમ ઘેટાં-બકરાંનું લોહી પી જતા ખવીસો, સૂકાયેલાં હાડપિંજરોનાં હાડકાં ચૂસતાં જંગલી કૂતરાંઓ, કારણ વિના ખિખિયાટા કરીને અહીંથી તહીં ઉડ્યા કરતી ઊંધા પગવાળી ડાકણો અને પરોઢિયાનું પહેલું કિરણ નીકળે કે તરત ધીમે ધીમે પોતાની માયા સંકેલીને આખા દિવસ દરમ્યાન સૂર્યદેવતાના પ્રકાશથી દૂર સંતાતા ભાગતા અને ડરતાં ચિત્ર-વિચિત્ર ચળિતરો વચ્ચે રહેવાનું…. ક્યાં સુધી ?”

“સવાસો વર્ષ થયાં મૃગનયની…” નરપિશાચ વીરભદ્રએ નિસાસો નાંખ્યો. “છેલ્લાં સવાસો વરસથી આ જ આપણી દુનિયા છે. તાજા લોહીની જરૂર પડે ત્યારે જ, અને એમાંય શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માનવીનો શિકાર કરીને આપણે અહીં ટકી રહ્યાં છીએ. સવાસો વરસથી આપણે એકબીજાના પ્રેમમાં છીએ… શું એ જ મોટી વાત નથી ? મૃગનયની, નકામા વિચારો કરવાના રહેવા દે. હવે આ જ આપણી દુનિયા છે.”

“ના, મને મુક્તિ જોઈએ છે.” મૃગનયનીની ભૂરી આંખો ભીની થઈ ગઈ. “મારી આંખોમાંથી આંસુ સરે ત્યારે મારી મૃત થઈ ચુકેલી ચામડીને તેની ખબર સુધ્ધાં પડતી નથી. કોઈ માસૂમ માનવીનું લોહી પીતાં જ્યારે તેના સ્વજનોનું કલ્પાંત સંભળાય છે ત્યારે દિલમાંથી હળવી સરખી ટીસ પણ ઊઠતી નથી.”

“મૃગનયની, એ જ આપણી નિયતિ છે… કદાચ આવનારાં બીજાં સવાસો વરસ લગી.” નરપિશાચ વીરભદ્રએ મૃગનયનીની આંખોમાંથી છલકી રહેલું એક ટીપું પોતાના ભૂરા હોઠો વડે ચૂસી લીધું.

“ના વીરભદ્ર, મારે એ નિયતિ બદલવી છે. માટે ફરી માનવી રૂપ જન્મ લેવો છે. ચામડીમાં ધસરકો થાય તો લોહી નીકળતું જોવું છે, કાંટાળા માર્ગ ઉપર ચાલવાથી પગમાં થતી પીડા માણવી છે, હથેળીમાં ખંજર વડે કાપો પાડીને તેના લોહી વડે મારી જાંઘો ઉપર તારું નામ લખવું છે. હૃદયમાં થતી તડપનની પીડા પુરા ભાર સાથે ભોગવવી છે, બિમાર પડવું છે, કંતાઈ ગયેલા શરીર સાથે છેલ્લા શ્વાસો લેવાની પીડા માણવી છે, ફેફસામાં કાણાં જોવાં છે, નસોમાં વહેતું લાલ લોહી ધીમે ધીમે ભૂરું થતું જોવું છે… વીરભદ્ર, મારે અમર થઈને આ પ્રેતની જિંદગી નથી જીવવી, મારે ફરી જન્મવું છે અને ફરીથી મરવું છે…”

વીરભદ્ર પાસે આનો કોઈ જવાબ નહોતો. નરપિશાચ તરીકે તેની શક્તિઓ અપાર હતી. તે દિવાલો તોડી શકતો હતો, કારોને હવામાં ફંગોળી શકતો હતો, અડધો કિલોમીટર દૂર ગમે ત્યાં છૂપાયેલા લાલ લોહીવાળા માનવીને તેની લાલઘૂમ આંખો વડે શોધીને ત્યાં ધસી જઈને તેનું લોહી પિચકારીની માફક ચૂસી શકતો હતો… પણ ફરીથી જનમવું કે ફરીથી મરવું ? તે એના હાથમાં નહોતું.

વીરભદ્રએ ઝાડનાં ઠૂંઠાંની ડાળીઓ સળગી ઊઠે એવો ફળફળતો નિસાસો નાંખતાં કહ્યું “મૃગનયની, એ શક્ય નથી…”

“શક્ય છે !” એ જ વખતે એક ઊંડો અને ભારેખમ અવાજ ક્યાંકથી સંભળાયો. ચૂડેલ મૃગનયની અને નરપિશાચ વીરભદ્ર ચોંકી ગયાં.

“આગળ પાછળ ન જુઓ, હું તમારી ઉપર છું…”

બન્નેએ ઉપર નજર કરી. ઠૂંઠા વૃક્ષની છેક ઉપર એક લાલાશ પડતો ધૂંધળો આકાર ધીમે ધીમે દીવાની જ્યોતના આકારમાં હલી રહ્યો હતો.

“હું પ્રેતયોનિનો દેવતા છું…. હળવે હળવે હલતા આકારમાંથી અવાજ આવ્યો. હજારો વરસ પહેલાં મેં કરેલી કોઈ નાનકડી ભૂલને કારણે આ સૃષ્ટિના સર્જનહારે મને સૃષ્ટિના અંત સુધી આ પ્રેતલોકના દેવતા બનવાની જવાબદારી સોંપીને સજા કરી છે. હું છેલ્લા સવાસો વર્ષથી તમને બહુ નજીકથી જોતો આવ્યો છું. તમે બન્ને પવિત્ર આત્માઓ છો. તમારી મુક્તિ શક્ય છે…”

“કઈ રીતે ?” વીરભદ્ર અને મૃગનયની એક સાથે બોલી ઊઠ્યાં.

“એ હું તમને કહી ના શકું. પ્રેતલોકના નિયમો મને તેમ કરતાં રોકે છે પણ તમે ચાંડાલ શિરોમણી અઘોરીબાબા કંકાલધર પાસે જાઓ… કદાચ તે તમને કોઈ ઉપાય બતાડે.”

***

ચાંડાલ શિરોમણી કંકાલધરના સ્થાનકે સામે ચાલીને જવાનો અર્થ એ હતો કે હાલનું જે ખોળિયું છે તેના પણ લીરેલીરા ઊડી જવા દેવા ! કંકાલધરની એવી આણ હતી કે ભલભલા ભૂત-પિશાચો તેના નામ માત્રથી ફફડી ઊઠતા. કાળીચૌદશની રાત્રે સ્મશાનમાં જ્યારે આ અઘોરી ગૂઢવિદ્યાની ઉપાસના કરે ત્યારે કમ સે કમ 51 પ્રેતોને ત્યાં ઝખ મારીને હાજરી આપવી પડતી હતી.

કંકાલધરનું સ્થાનક પણ ભલભલા અઘોરીઓ કે તાંત્રિકોને ધ્રુજાવી દે તેવું હતું. સ્થાનકની આસપાસની ગોળાકાર દિવાલ માત્ર અને માત્ર શિયાળવાની ખોપડીઓથી બનેલી હતી. અંદર જવાનો રસ્તો વરુઓનાં હાડકાંથી બનેલો હતો. જેમ જેમ બન્ને અંદર જતા ગયા તેમ તેમ તેમની શક્તિઓ હણાતી ગઈ નરપિશાચ વીરભદ્રનું શરીર એટલું નિર્બળ થઈ ગયું કે 200 ડગલાં ચાલ્યા પછી આગળ વધવા માટે તેણે રીતસર પોતાના બે હાથ વડે પગને આગળ કરવો પડતો હતો. મૃગનયનીની ભૂરી આંખો ધીમે ધીમે પીળી પડતી જતી હતી. 251 ડગલાં પછી તેની આંખો સામે માત્ર ધૂંધળી આકૃતિઓ જ દેખાતી હતી. બન્નેના હૃદયના ધબકારા એટલા ધીમા થઈ ગયા કે જાણે કોઈપણ ક્ષણે તે બંધ પડી જશે.

આખરે 501 ડગલાં ચાલ્યા પછી અઘોરીબાબા કંકાલધરનો સાક્ષાતકાર થયો. માથા ઉપર હાથીની ખોપડી મુગટની જેમ બિરાજમાન હતી. ગળામાં અસંખ્ય નાની મોટી ખોપરીઓથી બનેલી માળાઓ, જેમાં સાવ નાનકડી ખિસકોલીઓથી માંડીને મોટા શિકારી કૂતરાઓની ખોપરીઓ, માણસની સૂકાઈ ગયેલી જાડી નસો વડે જોડેલી હતી. કંકાલધરની લાલઘૂમ આંખો સતત બન્નેની શક્તિઓને શોષી રહી હતી. સતત બાર પળ લગી તેમને માથાથી પગ લગી જોતા રહ્યા પછી કંકાલધર બોલ્યાં : “શું હતું ?”

મૃગનયની અને વીરભદ્રના કાનના પડદા બહેર મારી ગયા હતા. શરીરમાંથી 99 ટકા પ્રવાહી શોષાઈ ચૂક્યું હતું. ગળાની સ્વરપેટી આસપાસની ચામડી સાથે ચોંટી ગઈ હતી છતાં વીરભદ્રએ હતું તેટલું જોર ભેગું કરીને કહ્યું “મહાકાલ… અમારે મનુષ્યો તરીકે જન્મ લેવો છે.”

કંકાલધરના કાને એ શબ્દો પહોંચ્યા જ નહિ હોય પણ તે પ્રેતોના વિચારો સવા ચાર જોજનથી સાંભળી શકતો હતો. તેણે ત્રણ જ ક્ષણ માટે આંખ બંધ કરી. તેમાં તેને મૃગનયનીનું કરુણ આક્રંદ સંભળાયું. વીરભદ્રની પ્રેમિકા માટેની પીડાના પડઘા સંભળાયા. કંકાલધરે આંખો ખોલી.

“એક જ રીતે શક્ય છે… માનવલોકમાં જઈને એક એવા પ્રેમી યુગલને શોધીને, મારીને, તેમનાં બબ્બે લોટા જેટલાં લોહી અને બંનેના કાળજાં… આ ચાર ચીજો લાવી આપો. એ પછીની વિધિ લાંબી છે પરંતુ છ માસમાં તમારા બન્નેનો ગર્ભ કોઈને કોઈ સ્ત્રીમાં રહેશે તે વાત અફર છે.”

બન્નેના શરીરો શોષાઈને માત્ર પોપડા જેવા રહી ગયા હતાં છતાં તેમના દિલમાં ખુશીની લહેર દોડી ગઈ. બન્ને નબળા અવાજે એટલું જ બોલી શક્યા “મંજુર છે, મહાકાલ…”

“પરંતુ એક શરત છે.” કંકાલધર બોલ્યા, “પ્રેમીઓનો પ્રેમ અતિ શુધ્ધ હોવો જોઈએ, બન્નેના લોહી-કલેજાં કાઢવા વચ્ચે પાંચ મિનિટથી વધારે અંતર ન હોવું જોઈએ. અને ખાસ વાત એ કે બન્નેના મોત કુદરતી રીતે થયેલાં હોવાં જોઈએ.”

***

મૃગનયની અને વીરભદ્રએ પાછા આવીને પ્રેમીઓની શોધ ચાલુ કરી. પરંતુ તે સહેલું નહોતું. કોઈ પ્રેમીપંખીડાં વચ્ચે ક્યાંક વાસનાનો નાતો હતો તો કોઈના પ્રેમમાં રૂપિયાની ભેળસેળ હતી. કોઈનાં દિલો તો મળેલાં હતાં પણ મનમેળમાં બે દોરા ઓછા પડતા હતા. આખરે બહુ મહેનત પછી વીરભદ્રએ એક યુગલ હમ્મીરગઢ વિસ્તારમાંથી શોધી જ કાઢ્યું.

છોકરો સમીર બહુ મોટા કરોડપતિ હિન્દુ વેપારીનો દિકરો હતો અને છોકરી સુરાહીનો બાપ મામૂલી ખાટકી (માંસનો વેપાર કરનારો) હતો. બન્નેના લગ્ન શક્ય જ નહોતાં. છતાં બન્ને એકબીજાના શુધ્ધ પ્રેમમાં હતાં. વીરભદ્ર અને મૃગનયનીએ અદ્રશ્ય રહીને શોધી કાઢ્યું કે નવરાત્રિની સાતમી રાત્રે બન્ને ભાગી જવાના છે.

“મૃગનયની, આપણે માટે આ જ શ્રેષ્ઠ મોકો છે.” વીરભદ્રએ કહ્યું “સમીર તેની બાઈક લઈને રાત્રે સાડા અગિયાર વાગે કાળો પહાડ પાર કરીને ઉતરશે. એ જ વખતે મૃગનયની વિના ફાટકના એક રેલ્વે ક્રોસિંગને પાર કરીને સમીરને સામી મળશે.”

“પણ આપણે બન્નેને એ રીતે મારવાનાં છે કે બન્નેના મોત વચ્ચે પાંચ મિનિટથી વધારે સમયનું અંતર ન હોય.”

“એ મોકો ત્યાં જ મળે તેમ છે. સમીરની બાઈક કાળા પહાડના વાંકાચૂકા રસ્તા પરથી ઉતરતી હશે ત્યારે હું એનું સ્ટિયરીંગ હલાવી દઈશ અને -”

“અને સુરાહી જ્યારે વિના ફાટકની રેલ્વેલાઈન ક્રોસ કરતી હશે ત્યારે હું એનો પગ પાટામાં ફસાવી દઈશ. પરંતુ શું આ બન્ને મોત કુદરતી કહેવાય ?”

“હા, મેં કંકાલધર પાસે પૂછાવડાવી લીધું છે. અકસ્માત થાય તેનો બાધ નથી…”

***

આખરે એ રાત આવી પહોંચી. સમીર હમીરગઢથી થોડે દૂર આવેલા વીરમગઢ ગામે ગરબા રમવા જવાનું બહાનું કાઢીને ફાટકથી ઊંધી દિશામાં બાઈક લઈને નીકળ્યો. બીજી તરફ સુરાહી પોતાની હિન્દુ બહેનપણીઓના હાથમાં મહેંદી મૂકી આપવાને બહાને ઘરેથી નીકળી પડી…

રાત્રે સવા અગિયારના સુમારે કાળા પહાડની ટોચ ઉપર બેઠેલા નરપિશાચ વીરભદ્રએ બન્ને દિશામાં નજર નાંખી. એક તરફ સમીર તેની બાઈક લઈને વાંકાચૂકા રસ્તે ઢાળ ઉતરી રહ્યો હતો. બીજી તરફ દૂરથી ટ્રેન આવતી દેખાઈ રહી હતી. વીરભદ્રે મનોમન પ્રેતયોનિના દેવતાનો આભાર માનીને ઉડવાનું શરૂ કર્યું.

***

આ તરફ મૃગનયની સુરાહીની રાહ જોઈને બેઠી હતી. બરોબર બે કિલોમીટર દૂરથી જ્યારે ધસમસતી આવી રહેલી ટ્રેને રાતની શાંતિને ચીરતી વ્હીસલ વગાડી એ જ ક્ષણે સુરાહી દૂરથી દોડતી આવતી દેખાઈ !

મૃગનયની સાવધાન થઈ ગઈ. સુરાહીની દોડવાની ઝડપ વધારી હતી, કે બરોબર ? શું ટ્રેન અહીં આવે એ જ ક્ષણોની આસપાસ અહીં પહોંચી શકશે ખરી ? કે એને પાછળથી અદ્રશ્ય રીતે ધક્કો મારવો પડશે ?

તેની ગણતરી ખોટી પડી ! સુરાહી દોડતી આવીને પાટા ક્રોસ કરી ગઈ ત્યારે તો ટ્રેન ખાસ્સી 500 મીટર દૂર હતી ! હવે ? તરત જ મૃગનયનીએ અદ્રશ્ય રીતે પોતાના હાથની ઝાપટ મારીને સુરાહીના હાથમાં પકડેલો મોબાઈલ પાછળની બાજુ ઉછાળી મુક્યો !

જેવી સુરાહી રેલ્વેના પાટા ક્રોસ કરીને મોબાઈલ લેવા વાંકી વળી કે તરત જ મૃગનયનીએ તેનો પગ પકડીને ટ્રેનના પાટામાં સજ્જડ રીતે ફસાવી દીધો ! બસ, હવે પેલી ધસમસતી ટ્રેન આવીને તેને ઉડાવી દે એટલી જ વાર…

ટ્રેનની જોરદાર વ્હીસલ સંભળાઈ. તેની હેડલાઈટનો શેરડો પાટાઓ ઉપર રેલાઈ રહ્યો હતો. બિચારી સુરાહી ફસાઈ ગઈ હતી. તેની આંખોએ મોત ભાળી લીધું. તેણે ફસાયેલા પગને બહાર કાઢવા ખુબ જોર લગાડ્યું પણ તે ચસકે તેમ હતો જ નહિ.

આખરે તેણે સમીરને ફોન લગાડ્યો. સામે છેડે રીંગ વાગતી હતી. કોઈ ઊપાડતું નહોતું…. મૃગનયની સમજી ગઈ કે વીરભદ્રએ તેનું કામ કરી નાંખ્યું લાગે છે. અહીં રીંગ જતી હતી તે બંધ થઈ ગઈ… સુરાહી આકુળ વ્યાકુળ થઈ રહી હતી. મોબાઈલમાંથી રેકોર્ડેર અવાજ આવી રહ્યો હતો : “આપ જિસ વ્યક્તિ સે બાત…”

ટ્રેન અને સુરાહી વચ્ચે હવે માંડ 40 સેકન્ડનું અંતર હતું. મોબાઈલમાં છેલ્લા શબ્દો સંભળાયા… “આપ વોઈસ મેઈલ ભેજ સકતે હૈં…” સુરાહીએ ફટાફટ ચાંપો દાબીને મોબાઈલમાં રડતા અવાજે કહેવા માંડ્યું :

“સમીર ! કુદરતને આપણું મિલન મંજુર નથી લાગતું. હું આ દુનિયા છોડીને જઈ રહી છું… પણ પ્લીઝ, તું મારી પાછળ આત્મહત્યા ના કરીશ. મને વચન આપ કે તું તારી આખી જિંદગી જીવીને પુરી કરીશ… અને….”

એ જ ક્ષણે મૃગનયનીના મનમાં એક જોરદાર કડાકો થયો. “અરે ! આ તો મારા જ શબ્દો ! સવાસો વર્ષ પહેલાં જ્યારે મેં ઝેર પીને આત્મહત્યા કરી હતી ત્યારે મેં ચીઠ્ઠીમાં આ જ તો લખ્યું હતું !”

ટ્રેન અને સુરાહી વચ્ચે માત્ર અડધી સેકન્ડનું અંતર હતું એ જ ક્ષણે મૃગનયનીએ સુરાહીને એક જોરદાર ટક્કર વડે પાટાથી દૂર હડસેલી દીધી…

ટ્રેન પસાર થઈ ગઈ. સુરાહી બેહોશ હતી. મૃગનયનીને હજી સમજાતું નહોતું કે પોતે જે કર્યું તે બરોબર હતું કે નહિ ?

- પણ ત્યાં જ સમીરની બાઈકની ધરધરાટી દૂરથી આવતી સંભળાઈ. તેની પાછળ આકાશમાં નરપિશાચ વીરભદ્રનો આકાર ધીમી ગતિએ તરી રહ્યો હતો.

***

એ પછીની ત્રણ રાત્રિઓ બાદ પ્રેતયોનિનાં બન્ને પ્રેમીઓ એ જ સૂકા વૃક્ષની ડાળ પર બેઠે હતાં.

“શું આપણે બરોબર કર્યું છે ?” મૃગનયનીએ વીરભદ્રને પૂછ્યું.

“શી ખબર…” વીરભદ્રએ નિસાસો નાંખ્યો. “લાગે છે કે હજી બીજાં સવાસો વરસ લગી આપણી મુક્તિ શક્ય નથી.”

“શક્ય છે…” એ જ ક્ષણે વૃક્ષની ઉપરની દિશામાંથી ઘેરો અવાજ આવ્યો.

ત્યાં પ્રેતયોનિના દેવતાનો લાલાશ પડતો ધૂંધળો આકાર ડોલી રહ્યો હતો. તેણે કહ્યું. “મેં તમારી સાચી મહોબ્બત માટેની પ્રીતી જોઈ લીધી છે. કદાચ આ તમારી પરીક્ષા હતી. પ્રેત બની ગયા હોવા છતાં તમારી કાયામાં ક્યાંક પ્રેમની જ્યોત જીવંત છે… હું આપણા દેવાધિદેવને વિનંતી કરીશ કે તમને મુક્ત કરે…”

***

થોડી રાત્રિઓ બાદ એક સરસ મઝાની પૂનમની રાતે મૃગનયની અને વીરભદ્ર પ્રેતયોનિના દેવાધિદેવની કૃપાથી મુક્ત થઈ ગયા…

શી ખબર, એ પ્રેમીઓ પૃથ્વી ઉપર ક્યાં અને ક્યારે જન્મ્યા હશે ? તમને જો કોઈ એવા સાચા પ્રેમીઓ દેખાય તો મને કહેજો.

*********