valgan books and stories free download online pdf in Gujarati

વળગણ

' વળગણ ' શબ્દ સાંભળતાની સાથે એના ઘણાંબધાં અર્થ આપણા માનસચિત્ત પર પડઘાય. એનો નજીકનો પર્યાય મારી રીતે લેવાનો હોય તો હું એને ' 'લગાવ' એવો લેખું. આ બધું તો ઠીક પરંતુ વળગણ અને લગાવ. બંને એકમેકના સમઅર્થી અને પોતપોતાની રીતે ભાષાની અને અનુભૂતિની દ્રષ્ટિએ ખાસા સમર્થ પણ ખરાંજ.
દરેક મનુષ્યને ઉમેરીને કહું તો દરેક વ્યક્તિમત્તાએ કાંઈક ને કાંઈક વળગણ રહેવાનું. પછી એ પ્રેમીનું પ્રેમિકા તરફનું ,પતિનું પત્ની તરફનું,પત્નીનું પતિ તરફનું,નાના બાળકનું રમકડાં પ્રત્યેનું,વ્યવસાયીનું એના વ્યવસાય પ્રત્યેનું, ખેલાડીને એની રમત પ્રત્યેનું , મા ને એના દીકરા પ્રત્યે ,અભ્યાસવાંછુને અભ્યાસનું, રમતપ્રેમીને એની રમતનું બધાં કૈક ને કૈક એકમેક પર અવલંબિત વળગણ હોય જ હોય.
આમ તો એ ખૂબ જરૂરી છે એવી મારી વ્યક્તિગત અનુભૂતિ રહી છે.કારણકે,આ વળગણ આપણને એકાગ્ર કરવામાં , એકમેકમાં ભળી જવામાં, એના અર્થના સીમાડાઓ સુધી વિસ્તરવામાં ખૂબ ઉપયોગી કારક સાબિત થયું છે.
અધ્યાત્મની દ્રષ્ટિએ પણ એનું મહત્વ રહ્યું જ છે.એમાં વળગણએ પ્રેમલક્ષણા ભક્તિનું પ્રથમ આવશ્યક સોપાન છે.ભક્તનો તેના પ્રભુ પ્રત્યેનો રાગ એ અનુરાગની પરાકાષ્ટાએ પહોંચે ત્યારે એ તદાત્મ્યની શિરમોર ક્ષણ સુધી પહોંચે છે.
પ્રેમલક્ષણા ભક્તિમાં રત એવા ભક્ત રત્નો ભક્તિના નોખા રસ્તે ચાલી ભક્ત અને ભગવાન વચ્ચેનો ભેદ રહેવા દેતા નથી. અદ્વૈતની છડી પોકારીને મીરાં,નરસિંહ જેવા અલગારી ચરિત્રોએ ભારતવર્ષની ભક્તિ પરંપરામાં પોતાનું ચીરગામી યોગદાન આપ્યું છે . આજે આટલાં વર્ષો પછી પણ આપણને એ પહેલા જેટલાંજ તરોતાજા તથા સ્પર્શતાં લાગે.
સમસ્યાઓની સામે ટકરાઈને સઘળી સમસ્યાઓના અભેદ્ય કિલ્લાને આપણે અનુરાગના અમોઘ શસ્ત્ર વડે બહુ ઓછા પ્રયત્ને એના પર વિજય મેળવી શકીએ છીએ.
આપણે જ આપણા પર આવી પડતી આફતોને મસમોટી અને તોતિંગ ધારી લેતા હોઈએ છીએ, વાસ્તવમાં એ આફત આપણે ધારીએ છીએ એટલી મોટી અને મુશ્કેલ હોતી નથી. આપણો સ્વભાવ જ એને મોટા આવિર્ભાવથી પોષીને એને ઉત્તરોતર વધારતો ચાલતો હોય છે.
આપણે આપણામાં રહેલી સુષુપ્ત શક્તિને જાણવી પિછાણવી પડશે. અને જો આપણને એક વખત એ શક્તિનો સમાસ થઈ જાય તો એ આપણને એનો સમાસ સમુચિત ફાયદો કરવી શકે એમ છે.
કેટલીકવાર આપણને જ ખબર નથી હોતી કે આપણામાં કાંઈક વિશેષ છે.ભગવાન સૌને કોઈક ને કોઈક પ્રકારનું Little Extra આપતા જ હોય છે . પરંતુ રાહ ભૂલેલા આપણને આપણામાં રહેલા નિહિત સત્યની ખોજ કરવી ગમતી લાગતી નથી અને સતત ટોળામાં રહીને પણ એકલા અને એકલવાયા રહી અલૂણુ જીવન જીવવામાં સાર્થકતા લાગી છે.પરંતુ તે યોગ્ય માર્ગ નથી.
માટે આપણને આપણામાં રહેલા સત્વ અને સત્યની શોધ હવે આદરવી જ રહી.એ માટે સતતને સતત આપના પારદર્શક પ્રયત્નો કરવા જ પડશે. હવે આજના સમયની પણ એજ આવશ્યકતા છે.
આજે તો વળગણ એટલે કેવું ? આજનું વળગણ સૌથી વધુ સ્ક્રીનનું વળગણ છે...પછી એ ટી.વી.ની હોય, મોનિટરની હોય, મોબાઇલની હોય , ટેબ્લેટની હોય કે લેપટોપ કે કમ્પ્યુટરની હોય. આજે સૌને દિવસમાં વધુને વધુ આપણી આંખો એ સ્ક્રીન તરફ વળેલી છે જ. એમાં આ લખનાર પણ બાકાત નથી. કેમકે આજે બનતી સૌ ઘટનાઓને સ્ક્રીન થઈ જ જોવામાં આવી રહી છે.
જો એને હકારાત્મક અને સર્જનાત્મક રીતે ઉપયોગવામાં આવે તો એ કંઈજ ખોટું નથી.એનો આપણા જીવનમાં ખૂબ જરૂરી પાસું સાબિત થયું છે. એનો અતિરેક આપણને એના દુષ્પરિણામો ભોગવવા તૈયાર રહેવા નિમંત્રે છે. આપણે કયાંક ને ક્યાંક એના હેવાયા થતા ગયા જ છીએ .એના વિના ચાલતું નથી એ એક પ્રકારનું વળગણ જ છે. શક્ય છે આપણામાં એના ઉપયોગ માટેની ભેદરેખા સમજવાની દિવ્ય દ્રષ્ટિ સાંપડે એ આજની તાતી આવશ્યકતા છે.અંતે હિતેશ સુમરાની એક પંક્તિ યાદ આવે કે,
સૌ ખોલો તમારી પેન ને ચાલો લખો...
વળગણ લખો, સગપણ લખો, ગળપણ લખો...!