Ha, Hu jivu chhhu (1) books and stories free download online pdf in Gujarati

હા, હું જીવું છું.. (1)

હા, હું જીવું છું... ! (1)

"જીવતા સપનાની રોજ સળગતી લાશ જોઉં છું,
હું'ય ઇચ્છાઓનો રોજ કકળતો શ્વાસ જોઉં છું."

જીગીષા રાજની આ ગઝલની પ્રથમ બે પંકિતમાં જ મારું જીવન જાણે કે ઝીલાયું છે. કહેવાય છે કે માણસે કરેલા કર્મનું ફળ ભોગવવું જ પડે છે...ચાહે આ જનમમાં ચાહે બીજા જનમમાં.
"જન્મજન્માંતર સુધી એ કર્મ મનુષ્યને છોડતું નથી...!"
કદાચ શાસ્ત્રોમાં લખેલું આ વાક્ય સાચું જ હશે,
નહીંતર હું જે પીડા લઈને જીવી રહી છું એ મારા આ જન્મના કોઈ જ કર્મનું ફળ નથી.
મેં, એક સત્તર વર્ષની ગભરું બાળાએ એવા તે ક્યા કર્મો કરી નાખ્યા હોય કે એની આવડી મોટી દર્દનાક સજા મને મળી...!
કદાચ, મારા ગયા જન્મનું જ કોઈ ખરાબ કર્મ મને નડી ગયું હશે...!
ચાલો, હવે હું જે કરોળિયાના જાળામાં ફસાઈને, એ કરોળિયો મારા આ શરીરને ચૂસી જાય એની રાહ જોઇને તડપી રહી છું એની વાત કરીને મારા ગળામાં અટકેલા જીવને થોડી રાહત આપું...!
મઘમઘતા બગીચાના કોઈ સુંદર છોડ પર ખીલેલી કળી આ સુંદર વિશ્વને જોઈ પવનના ઝોકાથી હવામાં લહેરાતી હોય એમ હું મારી વહાલી મમ્મીના ખોળામાં હસતી ખેલતી હતી.
સરસ મજાના ફ્રોક અને બે ચોટલી લઈ ઓળેલા માથામાં નાખેલી રંગીન રીબીનના ફુમકાઓ મને ઢીંગલી બનાવી રહ્યાં હતાં.
સૌ કોઈ મને જોઈને જ ઉંચકી લેતાં. હું તો બસ વહાલના દરિયામાં ઉછળતા મોજાઓ પર વિહાર કરી રહી હતી...!
કળી કયારે ફૂલ બની જાય છે એની ખબર રહેતી હોત તો કેવું સારું હતું ? મને એ ખબર જ ન રહી.
સુંદરતા એ નારીનું આભૂષણ છે પણ ક્યારેક એ આભૂષણ જ દુશ્મન બની જતું હોય છે...!
હસતી ખેલતી હું સત્તર વર્ષની મુગ્ધાઅવસ્થામાં આવી પહોંચી. મારું અનુપમ સૌંદર્ય જોઈને કંઈ કેટલાય ભમરાઓ મારી આસપાસ ગુંજારવ કરવા લાગ્યાં...!
મારા દિલમાં પણ કોઈ રાજકુમારની પરી બનવાના ખ્યાલો ઉભરવા લાગ્યાં હતાં. મારા સહપાઠીઓ પણ મુગ્ધ બનીને મારી ઉપર મોહી પડતાં. મારા રૂપનું અભિમાન મને સાતમા આસમાને ઉડાડતું.
જ્ઞાતિના મેળાવડામાં મારી સુંદરતા સૌને ઉડીને આંખે વળગતી રહેતી.
રાકેશની આંખો તો બસ આવી કોઈ હરણીને જ શોધી રહી હતી.
અમારી જ્ઞાતિનો એ ધનવાન નબીરો...બેસી ગયેલા ગાલ,નેણ નીચે ઊંડા ખાડામાં ખાબોચિયા જેવી પીળી આંખો, ચીબુ નાક અને કાળા હોઠ...! એના શરીર પર પહેરેલા મોંઘાંદાટ કપડાં પણ જાણે કે લાજી મરતા હોય એમ એના શરીરથી અળગા રહેતા હતા.દીઠયો'ય ન ગમે એવો એ કદરૂપા જડબાવાળો અને મારા કરતાં દસ વરસ મોટો રાકેશ મને તાકી રહ્યો હતો. જ્ઞાતિની અનેક છોકરીઓ એને રિજેક્ટ કરી ચૂકી હતી પણ મારા પપ્પાને કોણ જાણે કેમ અવળી મતી સૂઝી...! કદાચ મારા આગળના જન્મનું જ કોઈ બૂરું કર્મ એમની સમજણના ઉંબરે આવીને બેસી ગયું હશે !
રાકેશના ગાડી,બંગલાની ચકાચોંધમાં એ અંજાઈ ગયા. સત્તર વર્ષની એક મુગ્ધાના અનેક અરમાનોનું ગળું, "પરિતા તો રાજ કરશે રાજ..." એવી લોભામણી ઉક્તિઓ વડે ઘોંટી દેવામાં આવ્યું.
જે રજવાડાની મને રાણી બનાવવામાં આવી હતી એના રાજાને જોઈને હું છળી મરતી.
મને પરણવા આવેલો રાકેશ એની પીળી આંખો વડે, કોઈ અજગર સસલાને ગળી જતાં પહેલાં તાકી રહે એમ જ તાકી રહ્યો હતો. હું નીચી નજર માંડીને, ખીંટીએ ટીંગાતો હોય એમ પહેરેલો એનો સૂટ જોઈ રહી હતી !!
કન્યા વિદાયની ક્ષણોમાં હું મારા ઘરની વિદાયથી નહીં પણ મને જે ઊંટના ગળે બાંધવામાં આવી હતી એ જોઈને ઘાંટા પાડી પાડીને ખૂબ રડી. મારા પિતાએ તો મને અળગી કરી નાખી પણ મારી મમ્મીના ગળેથી હું કોઈ વાતે છૂટતી ન્હોતી. મારે આ કાળાકૂબડા, પીળી આંખોવાળા અજગર સાથે હરગીજ જવું ન્હોતું પણ અબળા અમથી કહી છે નારિજાતને...!
ગાય પાસેથી વાછડું વાળી લે એમ જ મને ખેંચીને કારમાં બેસાડી દેવામાં આવી. હા હું કારમાં બેસીને,એ 'કારમાં' દુઃખને દિલમાં દબાવીને સાસરે જઈ રહી હતી. કેટલી નસીબદાર હતી હું... સગાંવહાલાંની દ્રષ્ટિએ હું તો રાજ કરવાની હતી રાજ...!
સુહાગરાત...! એક સ્ત્રીના જીવનમાં આવતી આ રાતને સુહાગરાત કેમ કહેવાઈ હશે...?
પિયુના મિલનની એ પ્રથમ રાત્રિ મારા માટે પારાવાર પીડાઓ લઈને આવી હતી. એ રાતની વાત કરી શકે એવી કોઈ બહેનપણીઓ પણ મારે ક્યાંથી હોય...! મારી બધી જ બહેનપણીઓ તો મારી જેમ જ બારમું ભણી રહી હતી...એ બધી તો આ રાતની વાત મારી પાસેથી જાણવા ઉત્સુક હતી.
આખા દિવસની થાકેલી હું ગુલાબની પથારીમાં થોડીવાર એ કાળા મોંની રાહ જોઇને થરથરતી બેઠી પણ નિદ્રાદેવી મને બાળકી જાણીને એમના ખોળામાં લઈ લીધી. હું બધી ચિંતાઓ છોડીને ઘસઘસાટ ઊંઘી ગઈ...!
પાન ખાઈને પધારેલા મારા પિયુએ મારો હાથ પકડીને મને ખેંચી ત્યારે અમારા એ (બેડ)રૂમની દીવાલે ચોંટેલી મારા જેટલી જ સુંદર ઘડિયાળ કરુણાભરી નજરે રાતના સાડાબાર વાગ્યાનો સમય બતાવી રહી હતી.
રાકેશે મને ખેંચીને પથારીમાં બેઠી કરી દીધી. મારા શરીર પર શોભતા નવોઢાના વસ્ત્રો અને આભૂષણો
એ ખેંચવા લાગ્યો. હું નિ:સહાય બનીને ચૂપચાપ જોઇ રહી.
એના સુકલકડી શરીરમાં આવેગ સમાતો ન્હોતો. એ મારી ઉપર તૂટી પડ્યો. મારા ગળાથી પારાવાર વેદનાને કારણે ભયાનક રાડ નીકળી ગઈ. એણે એનું તમાકુવાળા પાનથી ગંધાતું મોં મારા મોં ઉપર દાબી દીધું. એણે ચાવેલું પાન મારા મોંમાં ધકેલી દીધું. એ પાનના તમાકુથી મને ચક્કર ચડ્યાં. મારા ગાલે, ગળા ઉપર અને છાતીમાં એણે બટકાં ભર્યા.
મારા પગ વચ્ચેથી નીકળેલું લોહી જોઈને એ અત્યંત ખુશ થયો...
''શીલપેક મળી..." એવું કંઈક એ બબડયો.
કોઈ શિકારી જાનવરની જેમ મને ચૂંથી નાખ્યાં પછી પણ એ અટક્યો નહીં.
ખૂણામાં પડેલા ટીવીમાં એણે જે પિક્ચર ચાલુ કર્યું એ જોઈને મને ઉબકા આવ્યાં પણ મારા કર્મનું ફળ મારે ભોગવવાનું જ હતું ને !
મેં હમણાં કહ્યું ને કે મેં આગળના જન્મમાં કોઈ ભંયકર કર્મ કર્યું હતું ને !
સવારે ચાર વાગ્યે થાકીને એ કાળોતરો...મારો પીયુ...મારો પતિ નસકોરાં બોલાવવા લાગ્યો. મારા શરીરમાં ભોકાયેલા શૂળ જાણે કે નીકળી રહ્યાં હતાં.
મારું દિલના કેટલાય ટુકડાઓ આખી રૂમમાં વેરણછેરણ થઈને પડ્યાં હતાં.
હું મારા વહાલા પિતાજીને મને આ દોજખમાં નાખવા બદલ શ્રાપ પણ આપી શકતી ન હતી.
બસ, ક્યાંક વાંચી ગઈ હતી કે કરેલા કરમનો બદલો...!
બીજા દિવસની સવારે મારું આખું શરીર તુટી રહ્યું હતું. મને સખત તાવ ચડ્યો હતો. તાત્કાલિક મને હોસ્પિટલ ખસેડવામાં આવી. ડોકટરે મને તપાસીને રાકેશને ખૂબ ઠપકો આપ્યો.
"સાલ્લા જનાવર છો કે માણસ. આટલી નાની છોકરીને પરણી લાવ્યો છો ? એની ઉપર બળાત્કાર કરવા બદલ તારી સામે પોલીસ ફરિયાદ થવી જોઈએ...!"
ચાર દિવસ મારે હોસ્પિટલમાં રહેવું પડ્યું. ડોકટરે મારા સસરાને બોલાવીને એમના પુત્રના પરાક્રમ વિશે જણાવીને મને પિયરમાં મોકલી આપવા સૂચના આપી.
હું મારા મમ્મીને વળગીને ખૂબ રડી. એ શેતાન પાસે મને ન મોકલવા મેં ખૂબ આજીજી કરી પણ માબાપના મનમાં "એ તો નવું નવું હોય એટલે થોડા દિવસ ન ગમે..." એવી માન્યતા ઘર કરી ગઇ હતી.
થોડા દિવસો બેચેનીમાં ગાળ્યા પછી મને એ કાળમુખો
આવીને તેડી ગયો.
રોજ રાતે હું યાતનાઓના દલદલમાં ડૂબી જતી. હવે મને ગમે તે થાય તો પણ એ દવાખાને લઈ જ ન જતો. એના દોસ્તોએ એને શીખવ્યું હતું કે રૂપાળા બૈરાને ધરવી દેવું જરૂરી છે જેથી એ ક્યારેય બીજા સામે ન જુએ..! જુગુપ્સાના ઝેરથી છલોછલ કટોરો હું મૂંગા મોંએ પી જતી. એને દુકાનમાં રજા હોય ત્યારે દિવસે પણ મારી મજા બગાડીને એ મજા લેતો. મને મારા (બેડ)રૂમમાં પડેલા એ ટીવીને ટોડીફોડી નાખવાનું મન થતું પણ એ બિચારું ટીવી શું કરે. કદાચ એ પણ મારી જેમ મજબૂર હતું. મારા જીવનની સફરમાં સુખ નામનો પ્રદેશ માત્ર સત્તર વર્ષ જ ચાલ્યો.
એકધારા પડતા હથોડાના મારથી જેમ લોઢું પણ વળી જતું હોય છે તેમ હું પણ ટેવાઈ ગઈ. ગમાણે બાંધેલી ગાય તો માથું પણ મારી શકતી નથી...!
શરીર તો પ્રેમને કે બળાત્કારને ક્યાં ઓળખે છે...! એ તો એનું કામ કર્યે જ જાય છે ને ! સૃષ્ટિ પરનું શ્રેષ્ઠ વરદાન ગમે તેવી ગરીબડી સ્ત્રીને પણ પ્રાપ્ય છે...!
મારા ઉદરમાં એ વરદાનનો સંસ્પર્શ મેં અનુભવ્યો.
હસવાનું ભૂલી ગયેલી હું મલકી ઉઠી. દારુણ દુઃખમાં પણ સ્મિત ઉદભવી શકાતું હોય છે એ મને ત્યારે ખબર પડી.
માતૃત્વનું એ વરદાન મને પણ મળ્યું હતું. મારું સીમંત કરવામાં આવ્યું ત્યાં સુધી રાકેશનો એ ટીવીવાળો
સિલસિલો ચાલુ રહ્યો હતો. સારું છે કે પહેલી ડિલિવરી માટે મને મારા માબાપ પિયરમાં તેડી ગયાં... નહીંતર એ નરાધમ મારા બાળકના જન્મના આગળની રાત સુધી મને ન છોડત.
અઢાર વર્ષની એક બાળકી, એક બાળકીની માતા બની.
(ક્રમશ:)