bhagvan sarvtr chhe books and stories free download online pdf in Gujarati

ભગવાન સર્વત્ર છે

ભગવાન સર્વત્ર છે.


કુદરત ના ખોળે પ્રકૃતિ ના સૌંદર્ય થી દેદીપ્યમાન, પવિત્ર વાતાવરણ, તેજોમય પ્રકાશ તથા લીલોતરી થી શોભી ઉઠતું એક અરિથલ નામે વન હતું. વનમાં મોટા અને ઘટાદાર વૃક્ષ તથા વેલચ્છાદિત પ્રગાઢ શાંતિ તથા શીતળનો સમન્વય. સવાર ના સમયે પંખીઓ નો મીઠો કલરવ અને સામેના ખળ ખળ ઝરણાં ના અવાજ માં પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય તેવું મનમોહક દ્રશ્ય જોવા મળતું.
આ જંગલ માં મંદાર નામે ઋષિ નો આશ્રમ આવેલો હતો. આશ્રમ માં ઋષિ એમના પત્ની પાંચ શિષ્યો અને ચાર કામધેનુ ગાયો હતી.ઋષિના આશ્રમ ના પવિત્ર વાતાવરણ ને લીધે આસપાસ બધે જ અનુપમ શાંતિ નો અહેસાસ થતો. આશ્રમ ની કામધેનુ ના મળ -મૂત્ર નો ઉપયોગ યજ્ઞ -હવન માં થતો. એટલે શિષ્યો ગાયો ની સેવા કરવામાં પોતાનો અધ્યયન નો શેષ સમય એમની સેવામા વિતાવતા.
ઋષિ મંદાર ના પાંચ શિષ્યો માં સોમદત્ત નામે શિષ્ય ભણવામાં હોશિયાર અને મેઘાવી બુદ્ધિ ધરાવતો હતો. તે બધા કામોમાં પારંગત અને જીજ્ઞાશુ હતો. ઋષિ અધ્યયન સમયે કહેતા, ભગવાન સર્વત્ર છે. જીવ, શિવ ને શૂન્ય માં એ વિદ્યમાન છે. એટલે આપણે કોઇનાથી કદાપિ ભય ના પામવો જોઈએ.
આપણા માં પણ ભગવાન છે એટલે આપણે બાપડા, બિચારા કે લાચાર નથી. આપણે બધું જ કરવા સમર્થ છીએ. આમ, અધ્યયન કરાવી ઋષિ પોતાના શિષ્યો ને એમના કાર્ય માં પ્રબળ કરતા.
એક દિવસ એમને પોતાના શિષ્યો ની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. બધા શિષ્યો ને એક કામ સોપ્યું. ઋષિ ના આશ્રમ થી ઘણી જ દૂર આવેલો એક "તાલધ્વજ" નામે પર્વત છે. આ પર્વત પર 'તાંબાવર્ણા ફૂલો ' થાય છે. એ લઇ આવવાના હતા. બધા શિષ્યો એ ગુરુદેવ ની આજ્ઞા શિરોધાર્ય કરી ને ત્યાં જવાનુ નક્કી કયુઁ. ગુરુમાતા એ એમને એક સમય નું ભોજન બાંધી ને આપ્યું. ત્યાંથી ગુરુદેવ ના ચરણસ્પર્શ કરીને ચારેય શિષ્યો એ પ્રસ્થાન કયુઁ.
ગુરુ ના આશ્રમ થી પ્રકૃતિ ને માણતા બધા જ શિષ્યો તાલધ્વજ પર્વત ભણી ચાલતા જાય છે. રસ્તા માં વિવિધ વનસ્પતિઓ અને પશુ-પંખીઓ નજરે પડે છે. ચાલતા ચાલતા તેઓ એક ગાઢ અને બિહામણા જંગલ માં આવી પહોંચે છે. જંગલ ની ઝાડીઓ એટલી ભયકંર કે જોતા જ હ્રદય દ્રવી ઉઠે. સાપ, અજગર, સિંહ જેવા પ્રાણીઓ પણ આ જંગલ માં હતા. સિવાય સોમદત્ત ના બધાજ શિષ્યો ના મન માં ડર ની ભાવના એમના મુખ પરની રેખાઓ દ્વારા સ્પષ્ટ જણાતી હતી.
પણ સોમદત્ત ના મસ્તિસ્ક માં,'બધા ના હ્રદય માં ભગવાન છે 'એ ગુરુના વાક્યો ના બળે તે અડગ હતો. તે મિત્રો ને શાંત્વના આપી આગળ ચાલવા માટે જણાવે છે. અને બોલતો હોય છે કે બધાના હ્રદય માં ભગવાન હોય એટલે આપણું કોઇ અહિત નહિ થાય.
બપોર નો સમય થઇ ગયો હતો, સૂરજ દાદા પણ સ્વભાવ માં થોડાક આકરા થઇ ગયા હતા. થાક લાગવાથી ભૂખ પણ લાગી હતી. એક શીતળ વહેતા ઝરણાં ની પાસે આવેલા ઝાડ નીચે તેમને જમવાનું નક્કી કરી ત્યાં બેઠા. અને જમવાનું લાવેલું હતું તે ખોલીને બેઠા, એવામા ત્યાં એક ફણીધર ફુંફાડા મારતો ત્યાં આવી પહોંચ્યો. સાપ ને જોઈને બધા ડરી ગયા. થોડીવારમાં બધા ગમગીન થઇ ને ત્યાં ઉભા રહી ગયા. ત્યારે સોમદત્તે જણાવ્યું કે સાપનો ઈરાદો આપણને નુકશાન પહોંચાડવા નો નથી. તે આગળ આવીને સાપને પકડીને થોડેક દૂર મૂકીને બધા જમવા બેઠા. જમીને થાક ખાવા આડા પડ્યા એટલે એમને ઊંઘ આવી ગઈ. અને બધા ત્યાં જ ગાઢ નિંદર માં સુઈ ગયા.
જયારે ઊંઘ માંથી જાગ્યા તો બધા ડઘાઈ ગયા. કેમકે સાંજ થવાની તૈયારી જ હતી. બધા મિત્રોએ રાતવાસો ત્યાંજ કરવાનું નક્કી કયુઁ. તેઓ ઝાડ ઉપર ચડી ગયા હતાં. રાત્રે ચંદ્ર ના સહેજ અજવાળા માં શિષ્યો ના મુખ પર ભયને લીધે આવેલો પરસેવો ક્યારેક ઝબૂકતો હતો. આ શિવાય જંગલ ના નિશાચર પશુ-પક્ષીઓ ના આવજો હૈયામાં ફાળ પડાવે તેવું ગુંજન કાનો માં પડતું હતું. સવાર પડવાની રાહ જોતા સોમદત્ત અને તેના મિત્રો ઝાડ પર જ બેસી રહ્યા. એવામા ખાસો સમય વીત્યા પછી સૂરજ દાદા પોતાના કિરણોનું તેજપુંજ પાથરતા પૂર્વ દિશામાંથી આ બાજુ ડોકિયું કરે છે.
સવાર માં અજવાળું પ્રસરતા બધાના જીવમાં જીવ આવ્યો પણ બીજી જ પળે તેઓ ઝાડ નીચે નું દ્રશ્ય જોઈ ને સ્તબ્ધ બની ગયા. એમના ઝાડની નીચે જ પોતાના લાંબા કેશો વાળું મોં હલાવતો, ભલભલા ના હાજા ગગડાવી નાખે તેવો કેસરી, વનરાજ, સિંહ નીચે બેઠેલો જોયો. બધાને લાગ્યું કે હવે તો નક્કી મરવાના જ પણ સોમદત્ત આમ હાર માને એવો નહોતો. એને સિંહ માં પણ ભગવાન નો વાસ છે જ અને તે આ વાતમાં અડગ હતો. અને મનોમન એને સિંહ ની પાસે જવાનું વિચાર્યું. તે નીચે ઉતરવાની કોશિશ કરતા તેના મિત્રોએ તેને રોક્યો, પણ તે માન્યો નહીં હળવેક થી તે નીચે ઉતરી સિંહ ની સામે ઉભો રહી ગયો. આ બધું જોઈ રહેલા એમના મિત્રોનો તો શ્વાસેય અધ્ધર થઇ ગયો. કે હમણાં સોમદત્ત કાળનો કોળીઓ બની જશે. પણ બન્યું કંઈક અલગ. પોતાને હાનિ પહોંચાડે એવી કોઇ પણ પ્રવૃત્તિ ના જોતા સિંહ શાંત બેસી રહ્યો. સોમદત્ત ધીરેથી જઈ સિંહ ના માથામાં પ્રેમથી હાથ ફેરવ્યો તો સિંહ એકદમ તેના મિત્ર ની માફક શાંત બનીને સોમદત્ત સાથે મસ્તી કરવા લાગ્યો. આ બધું જોનારા એકદમ જોતા જ રહી ગયા. થોડીવાર પછી સિંહ જંગલ માં જતો રહે છે અને બધા મિત્રો તાલધ્વજ પર્વત ભણી નીકળી પડે છે.
બધા મિત્રો તાલધ્વજ પર્વત પરથી તાંબાવર્ણા ફૂલો લઈને હેમ ખેમ પાછા આશ્રમ માં ફરે છે. આ બધું એમના ગુરુદેવ ઋષિ મંદાર પોતાની દિવ્યદ્રષ્ટિ થી જોઈ લીધું હોય છે. પોતાની શિક્ષા ને એમના જીવનમાં ઉપયોગ કરીને એક ખૂંખાર સિંહ માં પણ ઈશ્વર ની પ્રતીતિ કરાવનાર એમના શિષ્યો પ્રત્યે ગૌરવ ની લાગણી અનુભવે છે. અને તેમને ભેટી પડે છે.
બોધ- મારા હ્રદય માં ભગવાન છે, તેથી હું બીકણ નથી.

લેખક- રાયચંદ ગલચર ""રાજવીર""