Samantar - 12 books and stories free download online pdf in Gujarati

સમાંતર - ભાગ - ૧૨

સમાંતર ભાગ - ૧૨

આગળના ભાગમાં આપણે જોયું કે આબુ જતા રાજના પેકિંગમાં ઝલક કેટલી નાનામાં નાની કાળજી રાખે છે અને રાજના આબુ ગયા પછી ઝલક વિતેલા દિવસની સફરે નીકળે છે. ઝલક એ દિવસમાં પહોંચે છે જ્યારે એના દીકરા દેવે એને નવો મોબાઈલ ગિફ્ટમાં આપ્યો અને ઝલકની ઈચ્છા ના હોવા છતાં એને એક ફેસબુક એકાઉન્ટ બનાવી આપ્યું. રાજ અને દેવ બંનેની મદદથી એ ફેસબુક વાપરતા શીખી અને એનો પોઝિટિવ ઉપયોગ પણ કરતી થઈ. ઉપરાંત એક બીજી ખાસ વાત જાણવા મળી કે એણે એની અમુક ઈચ્છાઓને ભીતર જ દબાવી દીધી હોય છે અને હવે એના વિના જીવતા પણ શીખી લીધું છે. એવામાં એક દિવસ એની એક ફ્રેન્ડ ફેસબુકમાં એક વીડિયો શેર કરે છે હવે આગળ એના વિતેલા દિવસોમાં શું ખાસ બન્યું એ જાણીએ...

*****

"સ્વપ્ના બધા ક્યાં સાચા પડે છે અહીં.!?
મનગમતું કાયમ ક્યાં થાય છે અહીં.!?
જે પણ મળે એને જ પછી મનગમતું કરવું,
તો જ જિંદગી થોડી સરળ બને છે અહીં.!!"

એક દિવસ બપોરના સમયે ઝલકે કામ પતાવીને રોજની જેમ ફેસબુક ખોલ્યું તો પહેલો જ એની ફ્રેન્ડ મૈત્રીએ શેર કરેલો તરકીબ મુવીના સોંગનો વિડિયો દેખાયો. એણે એ ખોલ્યો તો જગજીત સિંહ અને અલ્કા યાજ્ઞીકના મધુર અવાજમાં ગીતના શબ્દો રેલાઈ રહ્યા.

"किसका चेहरा अब मैं देखूँ तेरा चेहरा देखकर
मेरी आँखों ने चुना है तुझको दुनिया देखकर.."

એ જાણે જગજીત સિંહના અવાજમાં ખોવાઈ જ ગઈ અને એને એનો ભુલાઈ ગયેલો શોખ યાદ આવ્યો. કોલેજના દિવસોમાં એણે જગજીત સિંહના ગીતોનો એક નાનો સંગ્રહ ભેગો કર્યો હતો જે લગ્ન સમયે એ એના પિયર જ છોડી આવી હતી અને કદાચ એ શોખ પણ. નવા જીવનમાં ગોઠવાતા જૂની ઘણી બધી વસ્તુ એનાથી વિસરાઈ ગઈ હતી અને એમાં એના આ શોખનો પણ સમાવેશ થતો હતો. પણ હવે એની જોડે સમય હતો કે એ આ શોખને ફરી જીવનમાં સ્થાન આપે. એણે સર્ચ બોક્સમાં જગજીત સિંહ ટાઈપ કર્યું અને એની સામે ઘણા પેજના ઓપ્શન આવી ગયા. એમાંથી એને સારા લાગતા ત્રણ ચાર પેજને એણે ફોલો કર્યા જેમાં જગજીત સિંહ ફેન ક્લબ નામના પેજનો પણ સમાવેશ થતો હતો, જેના કૉમેન્ટ બોક્સમાં એની અને નૈનેશની પ્રથમ મુલાકાત થઈ.

"જિંદગીનું પણ કેવું છે નહીં.!?
સામાન્ય ઘટનાનું પણ મહત્વ છે અહીં.!
મળવાનું લખ્યું જ છે જો નસીબમાં,
તો એક એક તાર જોડે છે એ અહીં.!
સ્વપ્નેય ખ્યાલ ના આવે એવી વાતને,
નિમિત્ત બનાવીને ધાર્યું કરે છે નહીં.!?"

નૈનેશની અને એની એ ફેસબુક પર પહેલી મુલાકાતની યાદ આવતા જ ઝલકના ચહેરા ઉપર સ્મિત આવી જાય છે. પહેલી વાર ઝલકે આવી રીતે કોઈ કોમેન્ટ કરી હતી. અત્યાર સુધી ઝલક ખાલી પરિવાર અને મિત્રોની પોસ્ટમાં જ કૉમેન્ટ કરતી પણ એ દિવસે એણે જેવું એ પેજ લાઈક કર્યું અને તરત જ એની ગમતી ગઝલનો એક શેર એની નજર સમક્ષ આવી ગયો. એ પોતાને રોકી ના શકી એ ગઝલનો બીજો એક શેર કૉમેન્ટમાં લખતા. અને જ્યારે એની એ કૉમેન્ટના રિપ્લાયમાં નૈનેશે એજ ગઝલનો આગળનો શેર લખ્યો તો પહેલા તો એ મૂંઝાઈ જ ગઈ આમ અજાણ્યાનો રિપ્લાય જોઈને, પણ પછી જવાબમાં સરસ એટલું લખી દીધું. સામે નૈનેશના એજ શેરના શબ્દો "शुक्रिया ए नए दोस्त.." માં આવેલા રિપ્લાયમાં ઝલક કોઈ જવાબ નથી આપતી ને એ વખતે એ વાત આમ તો ત્યાં જ અટકી જાય છે.

પણ ઝલકના મનમાંથી આ વાત ખસતી નથી. પોતાના શોખને પોતાના સુધી જ સીમિત રાખતી ઝલકને આજે જાણે એની કોઈ ભાવનાનો કોઈ પડઘો પડ્યો હોય એવી જ ખુશી થઈ હતી..! અને એ ખુશી આખો દિવસ એના હોઠ પર એ ગઝલની પંક્તિ ગણગણવાના સ્વરૂપે જાહેર થતી રહી જે રાતે ડિનર ટેબલ પર એના દીકરા દેવ અને પતિ રાજે પણ નોટિસ કર્યું.

રાજે જાહેરમાં પૂછવાનું ટાળ્યું પણ બોલકો દેવ તરત પૂછી ઉઠ્યો હતો કે, "મમ્મી આ કયા મુવીનું ગીત છે.?"

"આ ગઝલ છે બેટા, જગજીત સિંહે ગાયેલી." ઝલકે જવાબ આપ્યો..

"મમ્મી તું ગઝલ સાંભળે.!!" ભારોભાર આશ્ચર્ય સાથે દેવથી બોલાઈ ગયું.

જેના જવાબમાં ઝલક ખાલી સ્મિત કરે છે અને રાજની સામે જુવે છે. બંનેની આંખો એક પળ માટે મળે છે ને જાણે આંખો આંખોમાં કંઇક વાત થઈ જાય છે.

રાતે બેડરૂમમાં રાજ લેપટોપમાં કંઇક કરતો હોય છે અને ઝલક એનું કામ પતાવીને બેડ પર આવે છે. રાજ તરત એનું લેપટોપ બંધ કરી દે છે અને ઝલકની સામે જુવે છે, એના ફેસ પર એક આછેરી ખુશીની ચમક દેખાતી હોય છે. એ જોઈને રાજ એને એ ગઝલ ગાવાની ફરમાઈશ કરે છે.

"ज़ख़्म कितने तेरी चाहत से मिले हैं मुझको,
सोचता हूँ कि कहूँ तुझसे मगर जाने दे.."

ઝલક એકદમ સુરીલા અવાજમાં ધીમેથી ગઝલ ગાવાનું ચાલુ કરે છે. રાજે ઘણી વાર ઝલકને કોઈ મુવીનું ગીત કે ભગવાનનું સ્તવન ગાતા સાંભળી હતી અને વારે તહેવારે એ ઝલકને ગાવા માટે કહેતો પણ ખરો. પણ આજે એ ઝલકને સાંભળીને મંત્રમુગ્ધ થઈ ગયો. એતો તો જાણે ઝલકના અવાજથી એ ગઝલના એહસાસ સુધી પહોંચી ગયો.! જેવી ગઝલ પૂરી થાય છે એવો જ જાણે કોઈ તંદ્રામાંથી બહાર આવ્યો હોય એમ રાજ ઝલકને એકદમ આલિંગનમાં લઈ લે છે અને મીઠી ફરિયાદના સૂરમાં કહે છે કે, "મને તો ક્યારેય તેં કહ્યું જ નહીં કે તને ગઝલનો શોખ છે, અને કદાચ એટલે જ આજે તારા અવાજમાં આજે અલગ જ કશિશ હતી."

"મને પણ ક્યાં યાદ હતું રાજ કે મારા શોખ શું છે.!? આતો અનાયાસે આજે એની જોડે ફરી મુલાકાત થઈ ગઈ..!!" ઝલક એના કપાળ પર આવેલી વાળની લટ કાન પાછળ સરખી કરતાં બોલી..

રાજે એ લટને પાછી કપાળ પર લાવી દીધી અને પછી હળવેથી એની ઉપર ફૂંક મારી. ઝલકના વાળ વિખરાઈને એના ચેહરા ઉપર આવી ગયા અને રાજ પણ એની ઉપર લગભગ ઝૂકી જ ગયો. રાજને સહેજ ધક્કો મારતાં ખોટા રોષ સાથે બોલી, "શું તમે પણ..!? દીકરો પરણાવવાની ઉંમરે રોમાન્સ કરો છો..!"

"રોમાન્સ કરવા ઉંમર થોડી જોઈએ.!? એક રોમેન્ટિક દિલ જોઈએ અને પ્રિય પાત્ર જોઈએ, ને મારી જોડે તો બંને છે." કહેતા રાજ ઝલક પર લગભગ ઝૂકી જ ગયો.

બીજા દિવસે ફ્રી પડીને જ્યારે ઝલક ફેસબુક ખોલે છે તો એમાં નૈનેશની ફ્રેન્ડ રિકવેસ્ટ આવેલી હોય છે. આજ સુધી એક પળનો પણ વિચાર કર્યા વિના એ અજાણ્યાની ફ્રેન્ડ રિકવેસ્ટ ડિલીટ કરી નાખતી, પણ આજે વાત અલગ હતી એ એમ ના કરી શકી.! જોકે એણે એનો સ્વીકાર પણ ના કર્યો..

આ વાતને ત્રણ દિવસ થઈ ગયા અને ફરી એજ સમયે, એજ પેજ પર એને એક પોસ્ટમાં નૈનેશની કૉમેન્ટ દેખાઈ અને એ રોકી ના શકી પોતાને ત્યાં કૉમેન્ટ કરતા. એને મનમાં હતું કે નૈનેશ એનો જવાબ કોઈ શેર લખીને આપશે પણ જવાબમાં ખાલી "क्या बात, नए दोस्त.." આવે છે. ઝલક થોડી નિરાશ થાય છે. પણ એના મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે કે, કેમ એના સ્વભાવથી વિરુદ્ધ એ પોતાને આમ કરતાં રોકી ના શકી.!? કેમ એણે નૈનેશની ફ્રેન્ડ રિકવેસ્ટ ડિલીટ ના કરી.!?

ઝલક કંઇક વિચારે છે અને નૈનેશની પ્રોફાઇલ ખોલે છે. એની સામે નૈનેશના ઢગલા બંધ ફોટા આવે છે. એની પત્ની, એની દીકરી, માતા પિતા... ફોટામાં એક સુંદર, ખુશહાલ પરિવાર જોઈને એના મનમાં નૈનેશની એક સકારાત્મક છાપ પડે છે અને જાણે કોઈ અગમ્ય ભાવથી પ્રેરાઈને એ નૈનેશની ફ્રેન્ડ રિકવેસ્ટનો સ્વીકાર કરે છે.

એ પછી તો ઝલકનો બાકીનો દિવસ એણે જે કર્યું એ યોગ્ય હતું કે નહીં.!? એનાથી એને કોઈ તકલીફ તો નહીં થાય ને.!? એવા વિચારોમાં જ જાય છે. અતિવ્યસ્ત નૈનેશનો રાતે ,"Thank you.. नए दोस्त.." લખેલો મેસેજ એણે આવતા વહેંત જ જોઈ લીધો હતો પણ આ બધી ગભરામણના લીધે એણે જવાબ આપવાનું ટાળ્યું હતું. એને ખબર નહતી પડતી કે આગળ શું કરવું જોઈએ એટલે એને એક વાર રાજની સલાહ લેવું યોગ્ય લાગ્યું.

એ રાતે જેવો રાજ એના કામમાંથી ફ્રી થયો ઝલકે ફેસબુકની અને એમાં અજાણ્યા લોકોની થતી મિત્રતાની વાત કાઢી. રાજને પહેલા તો થોડી નવાઈ લાગી પણ એને ગમ્યું હતું આમ ઝલકનું આવા વિષયમાં રસ લેવું. એણે ઝલકને સમજાવ્યું કે ઘણા લોકોને આવો શોખ હોય છે, એમનેમ મિત્રો બનાવવાનો. તો ઘણા લોકો એક યા બીજા કારણ સર વધુને વધુ લોકો સુધી પહોંચવા આવું કરતા હોય છે, અને ઘણી વાર એક સરખા રસ ધરાવનાર લોકો ખૂબ સારા ઓનલાઇન મિત્રો બની જતા હોય છે. આવી મિત્રતા સાવ ખોટી ના કહેવાય પણ એમાં સાવચેતીની ખૂબ જરૂર હોય છે. આપણે સામે વાળી વ્યક્તિને એટલું જ જાણીએ છીએ જેટલું એ આપણને એના વિશે કહે છે માટે દિલ સાથે દિમાગ ખુલ્લું રાખીને વર્તવું પડે, નહીં તો છેતરાવાનો પણ ભય રહે. ઝલક એકદમ રસપૂર્વક રાજને સાંભળતી હતી અને વચ્ચે જરૂર લાગે ત્યાં એકદમ સાહજીકતાથી થોડું બોલતી હતી. પણ એ સિફતતાથી નૈનેશની વાત છુપાવી જાય છે, જેની એને પણ નવાઈ લાગે છે.

"મન કેમ બહાવરું બન્યું છે આજ.!?
જાણબહાર જ કેવું વરત્યું છે આજ.!
શું હશે એની કોઈ અભિલાષા અધૂરી.!?
તેથી જ અણધાર્યું કર્યું હશે એણે આજ.!"

*****

ઝલક કેમ નૈનેશની વાત છુપાવે છે.?
નૈનેશના મેસેજનો એ શું જવાબ આપશે.?
આગળ જતાં ઝલક અને નૈનેશની જિંદગીમાં શું બનશે.?
એ બધા સવાલોના જવાબ મેળવવા વાંચતા રહો સમાંતર...

©શેફાલી શાહ

યોગ્ય પ્રતિભાવ આપીને પ્રોત્સાહિત કરવા વિનંતી..🙏🏼

તમે ઈન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરી શકો છો.
Insta - : shabdone_sarname_

જય જીનેન્દ્ર...
શેફાલી શાહ