DEVALI - 18 books and stories free download online pdf in Gujarati

દેવલી - 18

...હવે આગળ....

વર્ષોના વહાણા બાદ લંગોટીયો મિત્ર મહેમાન થતા સુદાનજીના હૈયે હરખ નોતો હમાતો.દેવલી ભણતી તે વેળાએ પરસોતમના આંટા મહિને એકાદ-બે વાર સુદાનજીને ત્યાં હોયજ ! પણ પછી તો દેવલી ગઈ ગામડે મિત્રનો ક્યારેક મળતો મેળાપ પણ ગયો.છેલ્લે દેવલીના કાંણે ગયો ત્યારે મેળાપ થયેલો.પણ, તે વેળાનો મેળાપ સુખનો ન્હોતો; દુઃખમાં ભાગીદાર થવાનો હતો.ત્યારથી માંડીને આજ ઘણા વર્ષો બાદ માયાળું મિત્રનો મેળાપ થતાં સુદાનજીની આંખો હર્ષથી ઉભરાઈ ગઈ.મહિના પહેલા ફોન પર પરશોતમે કહ્યું હતું કે 'કાલ આવું છું.પણ પછી, કંઇક કામ આવી જતા તેને પછી ક્યારેક આવવા કહ્યું હતું ને; આજ, મહિના ઉપર થોડા જમણ જતા પરસોતમે મિત્રના યજમાન બનવાનો લાઃવો આપ્યો હતો.
એક ઢોલિયે સામસામે બેસીને બંને મિત્રોએ બાળપણને વાગોળીને ખૂબ દાંત કાઢ્યા.માસ્તરની સોટીથી માંડીને બાપાની ધોલો સુધીની મીઠી સફરનું ખેડાણ બે પળમાં એકબીજાએ સામ-સામે કરી નાખ્યું.ગામડું એટલે ગામડું હો ! કોઈની જાન ઊગલીને જતી વેળા પાદર વટીને કે દેવળે-દેવળે ટકો નાખે તે લેવા દોડી દોડીને બાઝતા ને, છેવટે ભાગ પાડી હંધાયનાએ મન રાજી કરતા તે બધી યાદોને ઘણા વર્ષે નિરાંત મળતાં હૈયેથી કાઢીને ઉંમરને ઢાંકવા ઠાલવી દીધી.પછી તો લગ્ન થયા ને,બાળ બચ્ચા થયા,જુદા થયા તે ને, મંગળ અમંગળ પ્રસંગોને પણ હોઠની હસી ને આંખોના અશ્રુથી રેલાવ્યા.ભાઈ કરતા પણ અધિક એવા સખા કને પરસોતમનું હૈયું ખૂલી ગયું.દેવલીના મરણથી માંડીને અઘોરી નાગા બાવાની વાણી સુધીના હૈયાના પટાળેથી તાળાં ખૂલી ગયા.એક એક શબ્દ અને વાતને આંખો સામે જીવતી કરીને પરસોતમ રડતો ગયો ને સુદાનજીનો હુંફાળો હાથ વાંહા પર દુઃખ હળવું કરતો ફરતો ગયો.આંખેથી મિત્રના દુઃખે દુઃખી ને મિત્રના સુખેજ સુખી હોવાનો અહેસાસ આપવા પોતે પણ ચોધાર રડતો ગયો....
.....કંકાવતીની લાજ-મર્યાદાથી માંડીને તે હાલ બે છોકરોનો બાપ હોવા છતાં વાંજીયા બરાબર હોવાની વેદના સુદાનજીના ખભે માથું ઢાળીને ઠાલવી.પછી રાંઢો થઈ જતા બંને જમવા બેઠા.ઘરેથી હવાફેર ને દવાના બહાને પાંચ-છ દિ લગી રોકાવાનું કહીને આવ્યો હોવાથી નિરાંતે બધું સમુસુતરું ને વિવેકચાલથી પાર પાડવાનું ગોઠવણ કરવાનું કહ્યું નક્કી કર્યું.
ચાર વાગ્યાની આસપાસ બપોરની વામકુક્ષી પૂરી થતાં બે મિત્રોએ પાછા નાસ્તા પાણી કર્યા.એટલામાં પાંચેક વાગતા સુદાનજીની બેય દીકરીયું પણ ઘરે પરત આવી ગઈ હતી.



પરષોતમકાકાને પગે નમીને કાકી,દેવાયતને રાધિકાના ખબર પૂછ્યા.ક્ષેમ કુશળ જાણીને બેય દેવલીની મીઠી યાદો વાગોળવા કાકા પડખે બેસી ગઈ.વાતોવાતોમાં સુદાનજીએ પોતાની વહુ અને બે દીકરીઓને પરસોતમના આવવાનું ને તેની સાથે બનેલી-વીતેલી હંધીય વાતો કરી.બેય દીકરીઓ દેવલીની પાકી ગોઠણો હતી ને તેમની હારેજ વધુ સમય દેવલી મોટી થઇ હોવાથી સુદાનજઈએ લાગલુંજ દેવલી વિશેની કંઈ અજાણ ભરી વાતો હોય તો જણાવવા બે દીકરીઓ મૌસમી અને સંગીતાને કહ્યું .....

મૌસમી અને સંગીતા....એક કલાકારે એકજ કાગળ પર દોરેલી બે સમાન આકૃતિ હતી.એકને જુઓ તો બીજીને ભૂલો એવી રૂપાળી.દીકરો ના હોવાથી લાડકોડમાં ને દીકરાના જેવાજ ગુણો,સંસ્કારો અને બહાદુરી આપીને બે દીકરીઓને સુદાનજીએ ઉછેરી હતી.બેય જોડિયા હતી.તલભાર પણ બંનેમાં કંઈ ફેર નહીં.ઘણીવાર સુદાનજીને તેની પત્ની પણ ઓળખવામાં ગોથું ખાઈ જતા કે આ મૌસમી છે કે સંગીતા...? તો પછી બીજાની તો વાતજ શી કરવી !





રૂપમાં બેયના સરીખો જગતમાં ક્યાંય જોટો જડે નહીં અને ચપળતા,બહાદુરીમાં તેમના તોલે કોઈ તોલાય નહીં.શિવને પામવા કૈલાસ પર તપ કરતી ઉમા,પરાશર મુનિની આંખોમાં કેદ થયેલી સત્યવતી કે પછી યમુના કાંઠે કાનાને મોહતી રાધા જોઈ લો ! બસ ઉમા,સત્યવતી કે રાધાનાં રૂપમાં જોવો તોય બંને જાણે, આંખો આગળ બે સમાન મૂર્તિઓ ઉભી હોય એટલીસામ્યતાવાળી.




પરષોતમકાકા દેવલીના વિશે એક અજ્ઞાત વાત અમે બંને સારી રીતે જાણીએ છીએ.
હા, કાકા મૌસમી સાચું કહે છે...અને કદાચ તે વાતથી દેવલીના મોતના રહસ્ય સુધીની કડી મળવાની સો ટકા ખાતરી રહેલી છે.(સંગીતાએ મૌસમીની વાત આગળ ચલાવતા કહ્યું)

બેટા તમે બંને ગભરાયા વિના કે અમે કંઈપણ બોલીશું તેનો ડર રાખ્યા વિના કાકાને બધી વાત સાચે-સાચી જણાવો.
હા,પપ્પા.... પપ્પા તમે રોમિલ અને તલપને તો સારી રીતે ઓળખો છો ને ?
હા, સંગી...! તમારા ને દેવલી સાથે ભણતા ને અહીં કેટલીયવાર દેવલી જોડે આપણા ઘરે આવી ગયેલા...તો પછી, કેમ ન ઓળખું ? એય બંનેને હારી રીતે ઓળખું છું.
પપ્પા એમાંથી રોમીલનું મોત તો થોડા મહિના પહેલાજ થયું. હું ને સંગી બેય તેના મરણ પર ગયા હતા.તેનું મોત પણ પપ્પા એકદમ અજુગતું,કૈક મૂઠ મેલીને કે ક્રૂર રીતે આપવામાં આવ્યું હોય તેવું લાગતું હતું.ખુદ તેના ઘરનાઓથી માંડીને બધાય લોકો એમજ કહેતા હતા કે નક્કી મોત પાછળ કંઈક ભેદ છુપાયેલો છે.!
અને પપ્પા અમને ચોક્કસ ખ્યાલ છે કે તેનું આવું કરુણ ક્રૂર મોત દેવલીએજ તેનો બદલો લેવા કર્યું છે.....આટલું કહેતાં કહેતાં તો મૌસમીના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું.
પરષોત્તમ લોચન ભીના ખૂણે અચરજતાથી ઘડીમાં મૌસમીના હોઠેથી તો ઘડીમાં સંગીતના હોઠેથી ટપકતા શબ્દોનો કંઈક તાગ પામવા સાંભળી રહ્યો હતો.સુદાનજી પણ આ નવીજ ગાથાથી આભો બની ગયો હતો....

* * * * *

રવિવારનો વાયદો આપ્યા પછી કંઈક કાર્ય આવી પડતાં ગુરુજી એકાદ મહિનો બહાર જતા રહ્યા હતા અને આજે ફરી રવિવારે ગુરુજીએ આશ્રમ બોલાવ્યા હોવાથી ડોક્ટર મારુ,ડોક્ટર સોની,ડિરેક્ટર પરમાર,સોહન અને કામિની સાત વાગ્યા પહેલાંજ આશ્રમ આવી ગયા હતા.
ચારેબાજુ ભયંકર જંગલ હતું અને આ જંગલના અંધકારમાં જીવતરનું ધબકતું એક કોડિયું એટલે ગુરુ એલોનનાથનો આશ્રમ...પ્રકૃતિને સોને મઢીને ખીલવી હતી.પૃથ્વી લોકમાંથી સ્વર્ગલોકમાં આવી ગયા હોય તેવું આહલાદક,અદભુત અને અવર્ણીય વાતાવરણ હતું.ચારેબાજુ નીરવ શાંતિ; આ શાંતિમાં મધુરી સુરાવલી રેલાવતો પડખેથી સ્વચ્છ,શાંત,નિર્મળ વહી જતી હેમા નદીનો ખળ-ખળ રવ.સંગીતની સુરાવલીમાં પોતાનું ગાન પૂરતા પંખીઓનો કલશોર,અંધકાર ઓઢું ઓઢું થતી સાંજને ભયંકર કરી મૂકતા તમારાઓનો અવાજ,ધોળા દિવસે પણ વૃક્ષોનો ધાબળો ઓઢીને અંધારામાં પુરાઈ રહેતી ભોમકા એટલે ગુરુ એલોનનાથના આશ્રમની ધરા !...મનને હરી લેતું છતાં એજ મનને ભયના ઓથાર નીચે ધક ધક કરાવતું વાતાવરણ એટલે આ આશ્રમની હરિયાળી...
....જાણે રામે વનવાસ દરમિયાન અહીં ઘડીક વિસામો લીધો હોય તેવું શાંત,તપમાં વર્ષો ગાળીને વાલ્મીકીએ પોતાના બદન પર રાફડા અહીંજ ઉગાડ્યા હોય તેવું ગાઢ અને પાંડવોએ પોતાનો અજ્ઞાતવાસ અહીંજ વિતાવ્યો હોય તેવો અજવારા ઓથેનો અંધકાર એટલે આ જંગલ,તેની પ્રકૃતિ અને એલોનનાથનો આશ્રમ...

હેમા પોતાનું મંદ-મંદ સ્મિત વેરતી વહે જતી હતી.જાણે આ પ્રકૃતિને હરિયાળી ને જીવંત રાખવાનું મમતાભર્યું વ્હાલ કુદરતે તેના માથેજ નાખ્યું હોય તેમ ક્યાંક-ક્યાંક ત્રણ-ચાર ફાંટાઓમાં પ્રસરીને વનરાયું લીલુ કરીને ફરી પાછી એકરસ થઈને ચાલે જતી,ક્યાંક ક્યાંક ઊંચેરી ટેકરી પર ઉગી નીકળેલા બાળ-બચ્ચાની તરસ ભાગવા તે મોટા પથ્થરો સાથે જોર વેગથી અથડાઈને પોતાના થાનલેથી માના દૂધ જેવા મીઠા જળનો છંટકાવ કરવા બે-ત્રણ છાલકો ઊંચે ઉછરીને મારી દેતી,ક્યાંક-ક્યાંક નાના પશુઓને પીવા માટે ખાબોચિયામાં પોતાના પગ બોળીને વહી જતી અને તે ખાબોચિયું છલી વળતું,વળી ક્યાંક પોતાની પ્રીત પામવા તલસી રહેલા કિનારી પરના પાષાણ હોવા છતાં ફૂલ જેવા પોચા ને ભોળા પથ્થરોના ગાલ પર પ્રેમના લીસા લિસોટા મારતી; મરક મરક મલકાઈને પ્રિય સંગનો વિરહ દૂર કરીને આગળ વધે જતી.બસ નદીના અવતારમાં પોતાના રૂપને વેરે જતી કોઈ નારી હોય તો તે આ હેમા... હેમા નદી....

ચોતરફ પથરાયેલા શાંત ભેંકારને પોતાના પગરવથી વધુ ભયાનક બનાવતા પાંચ ઓળાઓ આશ્રમ ભણી જઈ રહ્યા હતા.પૌરાણિકકાળની કોઈ ઋષિની ઝૂંપડી હોય તેમ તેને અદભુત રીતે ઢાળવામાં આવી હતી.હેમાના પટમાં ઉગેલી પાનેત ને દાભથી સિમેન્ટની દીવાલોને પણ શરમાવે એવા કેટલા ભરીને ઝૂંપડીના કરા ઊભા કર્યા હતા.માથે છતમાં વરીયાળીની લાંબી સાંઠીઓ સીવીને ઢાળ પડતી ગોઠવી હતી.દરજીડાએ જાણે પોતાની ચાંચથી ટાંકા લીધા હોય તેવી ગૂંથણી કરી હતી.બધી ઋતુમાં હવામાનને અનુકૂળ થઈ રહે તેવી રચનાથી ઝુંપડી શોભતી હતી.સુઘડીની ચાંચ પેઠે એવા કટલા ભરેલા કે સૂરજનું એક કિરણ કે માનવ ઝીણી દ્રષ્ટિથી પડખે જઈને જોવે તોય જોવું મુશ્કેલ થઈ જાય એટલી ઝીણવટથી ભરેલા હતા.ક્યાંક નાના ગોખલા પણ લીંપણથી પાડીને રાખ્યા હતા તો વળી,ત્રણે બાજુ ખોલ-બંધ કરી શકાય એવી નાનેરી બારીઓ પણ રાખી હતી.વાતાવરણને વેદકાળમાં લઈ જાય એટલી અદ્ભુત ઝૂંપડી બનાવી હતી.

ગુરુજી હજું ધ્યાનસ્થ હોવાથી ગૂંથીને બનાવેલી ચટ્ટાઈ પર સૌએ આસન ગ્રહણ કર્યું અને ગુરુજીની રાહ જોવા લાગ્યા.પંખીઓ જાણે મંત્રોચ્ચાર કરી રહ્યા હોય તેમ આખું વાતાવરણ ગૂંજી રહ્યું હતું.આધુનિકતાના પડછાયાથી જોજન દૂર રહીને પણ કેટલુ સરળ,સરસ ને નિર્મળ જીવન જીવી શકાય છે તેનો ખ્યાલ આ આગંતુકોને સઘળું નિહાળીનેજ આવી ગયો....એટલામાં સૌના વિચાર ચિત્તને ભગ્ન કરતા શબ્દો એકાએક કાન પર અથડાયા...
હરિ...હરિ...
.....અને આગંતુકોને આવકારતા ગુરુજીએ ઉચ્ચારેલા શબ્દોનો આગંતુકોએ પણ હરિ... હરિ...પ્રત્યુતર આપ્યો....
ગુરુજી આંખો બંધ કરીને પોતાની નાભિ વડે કપાળ પર સ્થિર દ્રષ્ટિ ફેકીને આગંતુકો વડે ભૂતકાળને કેદ કરવા લાગ્યા......અશક્ય....અસંભવ.....છતાં ઘટ્ય...અહોના શબ્દો શાંત વાતાવરણમાં એટલાજ નિર્મળ શાંત બનીને પ્રસરી રહ્યાં...ગુરુજીના શબ્દો સાંભળીને કંઈક ના બનવાજોગ બની ગયું હોવાનું ગુરુજીને દ્રશ્યમાન થયું હોવાનો અંદાજો લગાવતાં આગંતુકોને જરાય વાર ના લાગી....અને ગુરુજીએ...ગુરુજીએ સમગ્ર વાતાવરણને ચીરતી ને પહાડો,નદીઓ અ ને આ લોકને વીંધીને દૂર-દૂર ચરી રહેલા કોઈ એક નિશ્ચિત વ્યક્તિનેજ સંભળાય એમ ત્રાડ નાખી.....
....અથર્વનાથ...અથર્વનાથ...અથર્વનાથ......




ત્રાડ એટલી ભયંકર હતી કે દોડતા હરણા થંભી જાય,માળામાં ભરાઈને સૂતેલા પંખીઓની આંખો ઝબકી જાય,અંધકારને ચીરતા તમરાઓનો નાદ પણ ક્યાંય થંભી જાય,જાણે સિંહની ડણક કે વાઘની ત્રાડ.....એલોનનાથની જટા વિખરાઈને મંદ મંદ વાતા પવનમાં લ્હેરી રહી.

* * * * *

કાકા દેવલીને રોમીલ જોડે એક સ્ત્રીને જોઈએ તેવા શુદ્ધ પ્રેમની આશા હતી.રોમિલ પાછળ મીણ પેઠે તે પિંગળતી હતી પણ, રોમીલ ફક્ત વાસનાનું લક્ષ્ય લઈનેજ તેના જીવમાં જીવ બની ધબકતો હોય તેમ હતું.ધીરે ધીરે પ્રેમની ભૂખી દેવલીને રોમીલની સત્યતા જાણ થવા લાગી.રોમીલ પણ તેને ચાહતો હતો પરંતુ તેને લગ્ન પહેલાંજ દેવલીનું કૌમાર્ય ભંગ કરીને પોતાની કુંવારાપણાની છાપ દૂર કરીને મર્દાનગીપણું ભોગવવું હતું.બીજા લોફરો ને આવારોની જેમ તેને પણ હાલ લગ્ન ના કરીને દેવલીથી સહવાસ જોઈતો હતો.શહેરની ભાષામાં તેને લિવ ઇન રિલેશનશિપ કહેવાય.અને દેવલીને લગ્ન પહેલા તેની હવસનો ભોગ નહોતું બનવું.
અને કાકા...સંગીતા કહે છે એ મુજબ દેવલીના હાલ તલપ સારી પેઠે સમજતો હતો.દેવલીને તલપનો હૂંફાળો સાથ-સહકાર મળતાં તે ધીરે-ધીરે રોમીલને ભૂલવા લાગી હતી.હવે તેના તન,મન ને જીવ પર તેણે કોઈનો હક દેખાતો તો; તે ફક્તને ફક્ત તલપનોજ.તલપ પણ તેને ખૂબ પ્રેમ કરતો હતો.દેવલીની લાગણી અને પ્રેમને તે સારી રીતે જાણતો ને સમજતો હતો.ધીરે ધીરે તેમના વચ્ચે પ્રેમ પાંગળતો ગયો અને રોમિલથી આ છાનું ના રહ્યું.તે દેવલી પર હક જતાવવા લાગ્યો ને ના બોલવાનું બોલવા લાગ્યો.પાછલા બારણે તે તલપ પર પણ ઘણા આક્ષેપો લગાવીને ના કહેવાનું કહેવા લાગેલો.દેવલી તલપની નિર્મળ પ્રેમ ભાવનાને તેની આંખોમાં સારી રીતે વાંચી શકતી હતી.તલપના તન-મનમાં દેવલી પ્રતિ કામ હતો પણ વાસના ન્હોતી.સંસારના નિયમ મુજબ તેને દેવલીનો સહવાસનો સહવાસ જોઈતો હતો; આમ આંધળુકિયા વાયરાની પેઠે હવસ નહોતી સંતોષવી.તે બંને રોમિલના હોવાથી ક્યારેય એક થઈ શકે તેમ નહોતું.રોમિલ એટલો બધો આગબબુલો થઈ ગયેલો તે કે, તેને ઘણીવાર છાના છૂપી દેવલીને મારેલી કાં તો પછી તલપ પર બીજાઓ વડે વાર કરાવેલા.દેવલી ને તલપ મિત્રતાના નાતે સઘળું સહન કરતા અને કંઈક બીજોજ રસ્તો અપનાવીને રોમીલને નુકસાન ન થાય તે રીતે બન્નેએ એક થવાનું વિચાર્યું.

મૌસમી ઘડી સાંસ લેવા રોકાઈ કે તરતજ સંગીતા બોલી...પછી દેવલી-તલપે સઘળી વાત અમને આવીને કહીં અને અમે તેમને પૂરતો સાથ સહકાર અને કંઈક રસ્તો કાઢવાનો હાશકારો આપ્યો.એવામાં એક મિત્ર દ્વારા અમને તાંત્રિક વિદ્યાના અઘોરી અને નાગા બાવાઓ વિશે જાણવા મળ્યું.આ માટે ગિરનાર જવું જરૂરી હતું અને ત્યાં આવા લોકોનો અજ્ઞાતવાસમાં રાફડાની જેમ વાસ રહેલો હોવાનું પણ અમે જાણ્યું.અમે દેવલી-તલપને આ વિશે વાત કરી.

પછી એક યોજના નક્કી થઈ.મને અને સંગીતાને ત્યાં થોડા દિવસ કેમ્પમાં જવાના બહાને મોકલવાનું નક્કી થયું.થોડા દિવસની રજાઓ આવતી હોવાથી મીની કેમ્પ જેવી પિકનિકનું આયોજન અમે ચાર જણાએ ગોઠવી દીધું.ઘરેથી રજા મળતાં અમે રજાઓમાં ગિરનાર ભણી કૂચ કરી.રાતદિવસ ગીરની લીલી,ભયંકર કંદરાયુ ખૂંદીને અમે કોઈ અચ્છા નાગા બાવાની શોધમાં ભટક્યા.બે ત્રણ દિવસના અંતે બધી જગ્યાએથી અમને એકજ અઘોરીનું નામ વધુ સાંભળવા મળ્યું.સમગ્ર ગીર તેનાથી ધ્રુજતી.તેના નામ માત્રથી ભલભલા નાગા બાવા ને અન્ય અઘોરીઓ ડરી ઉઠતા.તેના મુકામનો કોઈને ખ્યાલ નહોતો પરંતુ દર અમાસની રાતે તે કોઇ ના રોકાઈ શકે એવી કાળ રાત્રે એકલો જ ગીર શિખર પર આખી રાત રોકાઈને પોતાની વિદ્યાને વધુ પ્રબળ બનાવતો ને એમજ અજમાવતો....તેના સુધી પહોંચવું અઘરું હતું તો, એટલું મુશ્કેલ પણ ન્હોતું !

સમગ્ર વિગતો મેળવીને પરત આવ્યા અને અમાસ રાતના બે દિવસ અગાઉ જવાનું નક્કી કર્યું.મેં અને મૌસમીએ અમારો પ્લાન તલપ-દેવલીને સમજાવી દીધો હતો અને તેમને પણ અમારા પ્લાનની સફળતા પર વિશ્વાસ આવી ગયો હતો.અમારા જુડવાપણાને સાર્થક કરવાની ઘડી આવી ગઈ હતી.સંજોગો પણ સાથ આપતા હોય તેમ અમાસની આસપાસ પાંચેક દિવસ જેટલી ફરી રજા પડી.રજાઓ હોવાથી રોમીલને પણ શક ના જાય અને એટલે અમે ચાર ફરી પાછા તે ગીરની ગરિમા જોવાના બ્હાને ઉપડી ગયા.આ વખતે જોખમ હતું છતાં ખેડયા વિના પાછા ન આવવાનો નિર્ધાર કર્યો હતો.

પછી...(પરષોત્તમ અને સુદાનજીની ધીરજ હવે સત્ય જાણવા ખૂટે જતી હતી.અચરજતાથી ભરેલી ને સત્ય તરફ ચોક્કસ ખેંચી જાય તેવી જાણ મળ્યે જતી હોવાથી આંખોમાં અશ્રુ સાથે બન્નેનાં હૃદયમાં ઉમંગ પણ એટલાજ જોમ,જોર ને જુસ્સાથી ઉછાર લેતો હતો.અને તેઓ બોલી ઉઠ્યા 'પછી'.)
સંગીતાએજ પોતાની અધૂરી વાત આગળ વધારતાં કહ્યું...
....પછી અમે ગરવા ગિરનાર પર યુદ્ધ ખેલવા ને ગઢના અઘોરીને જીતીનેજ જવા આવ્યા હોય તેમ ડેરો જમાવ્યો.જોતજોતામાં બે દિવસ વહી ગયા ત્યાં લગી અમે પૂર્વ ભૂમિકા ભજવી લીધી.અમાસની મંગળ એંધાણ સમી એ કાળી રાત પણ આવી ગઈ.સવારેજ અમે ચાર જણાએ ગીર ચડીને અઘોરીની વિદ્યાના સ્થાનકની રૂબરૂ જાણકારી લીધી અને યોજનાનું પૂર્વ નાટક પણ કરી જોયું.સાંજ પડવાની વેળા થતાં તલપ ને દેવલી તળેટીમાં રહેણાંક પર પરત જતા રહ્યા.હું ને મૌસમી અઘોરીની રાહ જોતા છૂપાઈ રહ્યાં.
કાળીમેશ રાતને અમાસ ઓર કાળી કરતી હતી.ગગનને આંબવા મથી રહેલો ગઢ કોઈ અઘોરી કાળી અંધારી રાતે જટા બાંધીને જગ વચોવચ ઊભો હોય તેમ અડીખમ ઉભો હતો.જાણે અંબરને કહી રહ્યો હોય...
પળમાં પકડી અંબર તુજને નમાવું
જટાના વાદળ થકી તુજને વરસાવું રે
નાપી લીધો જગ આંખો,છે મુજથી નાનો
શોભે શિખર જાણે હોવ ધરતીનો કનૈયો રે

"ગીરી સમ શિખર ન ભૂતો ન ભવિષ્યતિ"જેવો અંધારી રાતે પણ દેદીપ્યમાન ઋષિની પેઠે ગીર ખડો હતો અને પ્રકૃતિ તેમાં લહેરાતી હતી.ઠેરઠેર આવેલા મંદિરો તેને ઘરેણાંની જેમ શોભતા હતા,મોટી શિલાઓ તેની આંખ હતી તો ઝરણાઓ અને તળાવ તેના અંગ હતા.
સંધ્યા ઢળ્યા પછી શ્રી ગિરી શિખર પર કોઈ દિ જવાની અનુમતિ મળી હોય તો, તે અમાસની રાત્રીએ અને તેમાંય પાછું આ એકજ અઘોરી જઈ શકતો.અઘોરી અથર્વનાથ...
આટલું સરસ વર્ણન સાંભળતાજ ત્યાં બેઠા બેઠાજ સુદાનજી અને પરષોતમે અમાસની કાળી રાતે શોભતા શ્રી ગિરિવરજીના દર્શન કરી લીધા.સંગીતાની વાતને ત્યાંથીજ ઉપાડીને મૌસમીએ આગળ ચલવ્યું....



હા,અથર્વનાથ....રૂપથી મઢેલો યુવાન ને નિખાલસતાથી ચળકતા ચહેરાવાળો.હજારો અક્ષણીઓનું બળ ભુજાઓમાં સમાવતો યુવાન ને નમ્ર રેખાઓ છતાં અસત્ય સામે ક્રોધથી ભરપૂર સળગતા ચહેરાવાળો.દિશાઓને પોતાના વાઘા બનાવીને વિચરતો યુવાન ને સંસારની લેશમાત્રય મોહમાયાના સ્પર્શનો ભાવ મુખ પર ન લાવનાર ચહેરાવાળો.જોતાજ સ્ત્રી જાત પીગળી જાય તેવો કોડીલો યુવાન ને આંખોથી પ્રેમ વરસાવતા ચહેરાવાળો....જાણે મહાભિનિષ્ક્રમણ માટે રાજપાટ,મોહમાયા ને સંસાર સુદ્ધાં સર્વસ્વનો ત્યાગ કરવા નીકળેલો યુવાન ગૌતમ જોઈલો ! નાકની દાંડી પર પોતાના મીનચક્ષુ ઠેરવીને વિશાળ બ્રહ્માંડનો અર્થ પામવા માગતાં મહાવીર જેવો સુંદર શોભી ઉઠતો યુવાન એટલે અથર્વનાથ....હતો નગ્ન પણ જાણે વાસનાને સમૂળગો દવ દઈને નિષ્કામના વાઘા પહેરેલો પ્રેમ,મોહ,માયા સંસાર ને લાગણીઓનો તાગ ભરપૂર પામીને સર્વથી અંતર્ધાનપણે જીવતો હતો.તે વિદ્યા મેળવતો પણ, કોઈ કાળા કરતૂતો કે કોઈનું અહિત કરવા માટે નહીં.બસ ખુદને સર્વોપરી બનાવીને પ્રભુના ચરણે સ્થાન પામવા માટે મેળવતો હતો.....અને આવો સિદ્ધયોગી સમો અથર્વનાથ એ કાળ રાત્રીએ અમાસનો કાળો કામળો ઓઢીને તેની નિશ્ચિત કરેલી ગુફામાં નગ્નતાના વસ્ત્રોમાં ધૂણી ધખાવીને બેસી ગયો.જરા અટકીને શ્વાસનો એક ઘૂંટડો ભરીને ફરી મૌસમી બોલી....આવા સિદ્ધપુરુષ સમા નવ યુવાન અઘોરીને જોઈને અમારી યોજના શિથિલ થવા લાગી.ગાત્રો થીજતા હતા ને કંઈ શ્રાપ ના મળી જાય તેવા ડરથી આંખો ફરફરતી હતી.....પરંતુ આ ત્રિકાલનું સર્વજ્ઞાન કેદ કરીને બેઠેલો મહાત્મા હતો... જેવો તે ધ્યાનસ્થ થયો કે તેની ભૃકૃટી તંગ થવા લાગી,શ્વાસો-શ્વાસ લાંબા ને ક્રોધથી ધમણ માફક ફેંકાવા લાગ્યા,હડપચીમાં દબાયેલા દાંતોમાં તાળવું ગુસ્સાથી કચડાવા લાગ્યું,કપાળ પર ત્રણ રેખાઓ ધનુષની પણછ પેઠે ખેંચાવા લાગી,ગુફા આખી ધ્રૂજવા લાગી,શિખર આખું વાયુ ઝડપે ફરવા લાગ્યું,અમારી આંખો સામે આખો ગઢ ડોલવા લાગ્યો અને એક ભયંકર ત્રાડ સો સિંહની ગર્જના સમી તેને નાખી......હે પામર માનવી તારી ગંધથી મારી નસો ફુટૂ-ફુટૂ થઈ રહી છે.એક નહીં બે-બે કોઈ સ્ત્રી મનુષ્ય દેહની વાસ મારી નાસિકામાં દવ બની ચકરાવા લઇ રહી છે.પોતાની જાતને અબઘડી મારી સામે હાજર કરો નહિતર ઘડીના છઠ્ઠા ભાગમાં તહસ-નહસ કરી નાખીશ.




મૌસમીના ચહેરા પર પરસેવાનાં બુંદ બાઝી ગયા,જાણે આંખો સામેજ તેણીની તે અઘોરીને નિહાળતી હોય એમ ડરની ભયંકર રેખાઓ તેના મુખ પર પ્રસરી ગઈ....અને મૌસમીને અટકેલી જોઈને સંગીતાએજ ઉપાડી લીધું....
... અને અમને બંનેને હવે સંતાઈને યોજના પાર પાડવાનો સાર ન લાગતા; ડરથી થરથર કાંપતી અમે વંદન કરતી નત મસ્તકે તેની સામે આવી ઉભી રહી ગઈ...ગુસ્સાથી રાતા પીળા થયેલા શિવ જેમ ત્રણ નેત્રો ખોલે એમ એની આંખો ફડાક દઈને ખૂલી ગઈ.....એમ લાગતું કે હમણાં તેની આંખોમાંથી દવ નીકળશે અને અમને પળવારમાં ભસ્મ કરી નાખશે ! પરંતુ, તેના ગુસ્સાભર્યાં લોચન અમારા પર પડતાંજ અચરજતાથી એ વિચારમગ્ન થઈ ગયો.તેની આંખોમાં ભભૂકેલો અગ્નિ શાંત-નિર્મળ જળમાં ફેરવાઈ ગયો. અમારા બંનેમાંથી કોણ સત્ય છે ને કોણ મૂરત તેવા વિચારોમાં આભો બની ગયો.અમારી યોજના મુજબ અમે બંને તેને એકજ નામથી વારાફરતી અલગ અલગ મળીને પ્રેમમાં ફસાવવાના હતા.આથી એક સરખાજ કપડા ને દેખાવ અમે સજયો હતો.પરંતુ હવે તે યોજના પળવારમાં ધ્વંસ્ત થઈ જતા કૈક બીજું વિચારીને અમે તેની સામે એક સરખાજ હાજર થઇ ગયા હતા એટલે તેને તેની આંખો પર વિશ્વાસ ના આવ્યો.અમે ધાર્યો હતો તેનાથી ક્યાંય જ્ઞાનનો ભંડાર તે નીકળ્યો.અમે અપ્સરા હોવાનું કહીને તેને પ્રેમજાળમાં ફસાવવાના હતા પરંતુ તેતો, માનવ જ્ઞાતિથી પર થયેલો અઘોરી હતો અને મનુષ્યની દેહની ગંધ તેને પળવારમાં આવી જતી.આથી અપ્સરાવાળું અમારું તુંત ફોક ગયું....પરંતુ, અમેય ક્યાં ઓછી ઘંટીઓના આટો ખાધેલા મનેખ હતા ! પળવારમાં તેના ચક્ષુ સમક્ષ ઉપસ્થિત થઈને અમારી યોજના બદલી નાખી ને નત મસ્તક તેની સામે ઉભા રહી ગયા....તેના ચહેરા પર અમને સ્પષ્ટ વર્તાવા લાગ્યું કે, 'તે પીગળી રહ્યો હતો,ક્રોધને વિદાય દઈને વ્હાલના વેણુ વગાડવા લાગ્યો હતો.અમાસની ઘોર અંધારી રાતે અપ્સરા સમી નવયુવાન એક નહીં ને, બે-બે યુવતીઓ નિર્જન ગઢ પર એકલી હોય તો,કયા ભુજાધારીમાં વૈરાગ્ય ટકી રહે ? હજારો વર્ષના તપ બાદ પણ ઋષિઓ ઉર્વશી,રંભા કે મેનકા જેવા રૂપ આગળ પીંગળી જતા તો, આ માનવ દેહધારી વૈરાગ્યમાં વીંટળાયેલા નાગાબાવાથી કેમ ઝાલ્યું રહેવાય .....અને એજ તકનો લાભ લઇને અમે સામેથીજ ખોટો દેખાવ કરી કરગરી પડી...તેના ચરણોમાં પડીને અમારી મૃગ સરીખી કમરના દર્શનનો તેને લ્હાવો આપ્યો.પીગળતી લાળ જોઈને અમે સહસાજ બોલી ઉઠી.... અઘોરીનાથ અમને માફ કરો...અમે તો અહીં ફસાઈ ગયા હતા ને શિખર પરજ રાત્રી થઈ જતા ડરના માર્યા અનમે અહીં સાથેજ રોકાઈ જવાનું નક્કી કર્યું.ક્યાંય બંધ જગ્યા ના દેખાતા અહીં આવીને બેસી ગયા હતા.તમને કોઈ અસુર સમજી તમારી સામે નહોતા આવતા.અમને ક્ષમા કરો...અમને તમે જે કહેશો તે કરીશું બસ.પરંતુ, અમને શ્રાપ ના આપતા...અમે તમારા જેવા અઘોરી સાધુ મહારાજોના શ્રાપ વિશે ઘણું સાંભળ્યું છે.અમને ક્ષમા કરો.....




ભલે,પરંતુ તમે મને સાધનામાં બેઠેલો જોઈ લીધો હોવાથી આપ શ્રપનેજ ઉચિત છો.પરંતુ આપનું સત્ય કારણ જાણીને હું પ્રસન્ન થયો છું ને મારા ગુસ્સાને શાંત કર્યો છે....હું અઘોરી અથર્વનાથ...ગુરુ એલોનનાથનો શ્રેષ્ઠ શિષ્ય.બાળપણથીજ વૈરાગ્યનો ભેખ ધર્યો છે.અઘોરી બન્યા પછી ક્યારેય સ્ત્રીજાતનું મોં પણ નથી જોયું.પરંતુ આજ આપ બંને રૂપવતીના દર્શન થતાં મારું વૈરાગ્ય પીગળી ગયું છે.બસ મારે તમારા બંનેનો સહવાસ જોઈએ છે.આપ આ માનશો તોજ મારા શ્રાપથી મુક્ત રહી શકશો..... અને અને અમે જે ધાર્યું હતું તેજ નિશાન લાગતાં ખુશ થઈને અમે તેની વાત માની લીધી.આખી રાત તે ક્યારેક સાધના કરતો તો વળી, ક્યારેક-ક્યારેક અમારી સાથે બેસીને પ્યારભરી વાતો કરતો.સવારના ચાર વાગે અમારે તળેટીથી દૂર તેની ગુફામાં જવાનું હતું.રાત્રી દરમિયાન અમે બંનેએ અમારી પ્યારભરી વાતોથી તેનો વિશ્વાસ જીતી લીધો હતો.અમે તેને એ રીતે ફસાવ્યો કે, 'તમારી વિદ્યા અમારી સામેજ અજમાવો તો અમને ગર્વ થશે કે અમારા થનારા નાથ શક્તિશાળી છે.' પછી તો અમે દેવલીને ખોટી રીતે પરેશાન કરતા રોમિલને છેક અહીં ખેંચી લાવીને અમારી આંખો સામે તેનો તેનો નશો દેવલી ઉપરથી ઉતરી જાય ત્યાં લગીજ કેદ રાખવા માટે મનાવી લીધો.



હા કાકા....પછી તો સંગીતાએ કહ્યું તેમ સવારે વહેલા તળેટીથી દૂર આવેલી તેની ગુફામાં ગયા અને દેવલી તલપને પણ ત્યાં બોલાવી દીધા અને તે મૂરખ અથર્વનાથ પોતાની વિદ્યા વડે રોમિલને છેક તેની ગુફામાં અદૃશ્ય રીતે ખેંચી લાવ્યો અને...અને....

(આગળ નું રહસ્ય જાણવા માટે આવતા ભાગમાં વાંચવાનું ભૂલતા નહીં. અને હા ગયા ભાગમાં મે તમારા માટે ઓફર આપી હતી એ મુજબ દેવલીના મોતનો સાતમો ગુનેગાર પહેલાજ ભાગમાં આવતી કાનજીની પિતરાઈ રૂપલી છે.પરંતુ શા કારણે રુપલી દેવલીની સાતમી ગુનેગાર બની તે જાણવા માટે તો આગળ વાંચતા રહેવું પડશે.આ અઠવાડિયામાં સમય લઈને આખી નવલકથાના અંતના થોડા થોડા પોઇન્ટ્સ લખી દીધા છે.નવલકથા થોડીક લાંબી ચાલશે પરંતુ રહસ્ય એક પછી એક ઉમેરાતા જશે.મને વિશ્વાસ અને આશા છે કે એકે ભાગ એવો નહિ આવે કે જેમાં તમને રહસ્યથી વાંચવાનું મન ના થાય.અને હા ઓફરનો સાચો જવાબ એકજ વાચક મને whatsapp પર આપી ચૂક્યા છે.તેમણે ચાર નામ આપ્યા હતા તેમાંથી એક નામ રૂપલી પણ હતું.બીજા બધાએ પણ સારી રીતે મહેનત કરી તે બદલ ખૂબ ખૂબ આભાર.અને આ ઓફર પરથી મને વિશ્વાસ આવી ગયો કે તમે લોકો મારી નવલકથા ખૂબ પ્રેમ અને રસથી વાંચો છો એટલેજ આપણી આ નવલકથાના તમામ પાત્રોના નામ આપ સમા એક એક વાચકના મોઢે રહી ગયા છે.હું ખૂબ ખુશ નસીબ છું કે આપ સૌ વાચકો મને મળી ગયા.ધન્યવાદ....

...ફરીથી ખૂબ ખૂબ આભાર...અને જે વાચકોના આ નોવેલમાં નામ ના આવ્યા હોય તે મને મેસેજ કે કોમેન્ટમાં જણાવજો...તો આગળ તેમને કિરદાર આપી શકું...આવીજ એક હોરર અને બીજી સારી નવલિકા પ્રસારિત થશે તો..તેમાં પણ આટલોજ સાથ સહકાર આપજો...🙏🇮🇳🙏)